રેમન્ડો એક યોદ્ધો - 11 જીગર _અનામી રાઇટર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રેમન્ડો એક યોદ્ધો - 11

કિલ્લામાં ઘુસવાનું છૂપું ભોંયરું.
******************




કપટી તિબ્બુરે લૂંટી છે. મહોબ્બત મારી,
ના કરી શક્યો આજે હું હિફાજત તારી.!
- રેમન્ડો



કિલ્લાની બહાર બેસીને રેમન્ડો પોતાના ઉપર જ ફિટકાર વરસાવવા માંડ્યો. કારણ કે એ કપટી તિબ્બુરના હાથમાંથી પોતાની પ્રેમિકાને બચાવી શક્યો નહોંતો. રેમન્ડો આજે સાવ નિરાશામાં ડૂબી ગયો હતો. તે મુઠ્ઠીઓ વાળીને કિલ્લાની દીવાલ સાથે પછાડી રહ્યો હતો. જયારે શાર્વી રેમન્ડોની સાથે હતી ત્યારે રેમન્ડોને શાર્વી પ્રત્યે એટલું બધુ આકર્ષણ નહોતું પણ જયારે તિબ્બુર શાર્વીને લઈને કિલ્લામાં ઘૂસી ગયો ત્યારે રેમન્ડોનું હૈયું શાર્વીને મેળવવા માટે ફાટુફાટુ થઈ રહ્યું. કિલ્લાનો દરવાજો અને દીવાલ બન્ને ખુબ જ મજબૂત હતા. વળી દીવાલ બહારના ભાગથી એકદમ લીસ્સી હતી એટલે દીવાલ ઉપર ચડીને કિલ્લામાં ઘુસવું પણ અશક્ય હતું.


રેમન્ડોને કિલ્લામાં ઘુસવાનો કોઈ જ ઉપાય ના દેખાતા તે બન્ને હાથે માથું પકડીને ત્યાં જ બેસી પડ્યો. રેમન્ડો માથું પકડીને બેઠો જ હતો ત્યાં તો એને સામેની દિશામાં ઘણા બધા ખચ્ચરો એકસાથે દોડી આવતા હોય એવી ધણધણાટી સંભળાઈ. અચાનક આટલા બધા ખચ્ચરોની ધણધણાટી સાંભળીને રેમન્ડો ચોંક્યો. એ એકદમ ઉભો થયો. એનું ખચ્ચર પણ કાન ઊંચા કરીને સામેની દિશામાં જોવા લાગ્યું. રેમન્ડોએ ઉભા થઈને પોતાનો ભાલો ઉઠાવ્યો.


સામેની દિશામાં દૂર તરફ ઉડી રહેલી ધૂળની ડમરીઓ હવે નજીક આવતી જતી હતી. ખચ્ચરોના પગલાંના અવાજો હવે નજીક આવતા જતાં હતા. કિલ્લાથી થોડેક દૂર વનરાજી છવાયેલી હતી એટલે સામેથી આવી રહેલા ખચ્ચર સવારો રેમન્ડોને દેખાઈ રહ્યા નહોતા.


થોડીકવાર વાર થઈ ત્યાં વનરાજી વટાવીને આ તરફ આવી રહેલો એક ખચ્ચર સવાર રેમન્ડોની નજરે પડ્યો. પછી તો એ ખચ્ચર સવારની પાછળ તો બીજા ઘણા બધા ખચ્ચર સવારો વનરાજી વટાવીને પુરપાટ ઝડપે કિલ્લા તરફ આવી રહ્યા હતા.


"ઓહહ.! આતો આર્ટુબ છે. પાછળ પિતાજી પણ છે." સૌથી મોખરે આર્ટુબ તથા એની પાછળ પોતના પિતાજી સિમાંન્ધુને આવતા જોઈને રેમન્ડોના મોંઢામાંથી હર્ષભર્યો અવાજ નીકળી પડ્યો.


થોડીકવારમાં તો બધા રેમન્ડોની પાસે આવી પહોંચ્યા. રેમન્ડોને કિલ્લાના બંધ દરવાજે ઉભેલો જોઈને આર્ટુબ પોતાના ખચ્ચર ઉપરથી નીચે કૂદી પડ્યો. અને દોડીને રેમન્ડોને ભેંટી પડ્યો.


"રેમન્ડો વ્હાલા દોસ્ત.' આર્ટુબ રેમન્ડોને ગળે લગાવતા બોલ્યો.


સરદાર સિમાંન્ધુ પણ એમના ખચ્ચર ઉપરથી નીચે ઉતરીને રેમન્ડો પાસે આવ્યા અને રેમન્ડોના ખભા ઉપર હાથ મુક્યો.


"પિતાજી હું શાર્વીને બચાવી ના શક્યો.' આખા વેલ્જીરિયા પ્રદેશમાં શુરવીરતા માટે વખણાતો રેમન્ડો આજે એના પિતાના ખભે માથું મૂકીને નાના બાળકની જેમ રડી પડ્યો.


"અરે બેટા રડીશ નહીં આપણે શાર્વીને બચાવી લઈશું.' સરદાર સિમાંન્ધુ આશ્વાશનભર્યા અવાજે બોલ્યા.


"દોસ્ત રેમન્ડો તારા જેવો શૂરવીર માણસ આવીરીતે લાગણીઓના પ્રવાહમાં તણાઈ જાય એ શોભતું નથી. લાગણીઓ ઉપર થોડોક કાબુ રાખ અને તિબ્બુરના કબજામાંથી શાર્વીને મુક્ત કરવાં આગળ શું કરવું એ વિચાર.' આર્ટુબ રેમન્ડો તરફ જોઈને ઊંચા અવાજે બોલી ઉઠ્યો.


"આર્ટુબની વાત સાચી છે બેટા હવે આપણે દુઃખી થયા વગર શાર્વીને કેવીરીતે બચાવવી એ અંગે વિચારવું જોઈએ.' સરદાર સિમાંન્ધુ આર્ટુબની વાતને સમર્થન આપતા રેમન્ડો તરફ જોઈને બોલ્યા.


રેમન્ડોએ ફટાફટ પોતાની આંખમાં ઘુસી આવેલા આંસુઓને લૂછી નાખ્યા. રેમન્ડોનો ઉદાસ અને ઉતરેલો ચહેરો હવે ખુન્નસભર્યો અને કઠોર બન્યો.


"કિલ્લાની અંદર કેવીરીતે ઘુસીશુ ? આ દરવાજો તો હાથી લાવીએ તો પણ તૂટે એવો નથી.' હિર્યાત કિલ્લાના દરવાજા ઉપર પોતાના ભાલાનો ઘા કરતા બોલ્યો.


"દરવાજો પણ મજબૂત છે અને કિલ્લાની દીવાલ પણ એકદમ લીસ્સી છે એટલે દીવાલ ઉપર પણ ચડી શકાય એમ નથી. કિલ્લામાં ઘુસવા માટે આપણે બીજો જ કોઈક રસ્તો અપનાવવો પડશે.' હિર્યાતની વાત સાંભળીને રેમન્ડો બોલ્યો.


બધા વિચારમાં પડ્યા કે હવે કિલ્લામાં પ્રવેશવું કેવીરીતે ? કિલ્લાની દીવાલ ઊંચી અને એકદમ લીસ્સી હતી. એટલે અહીંયાથી કિલ્લામાં ઘુસવું અસંભવ હતું.


"રેમન્ડો ચાલ આપણે કિલ્લાની આજુબાજુ ગોળ ચક્કર લગાવી આવીએ. ક્યાંકથી તો કિલ્લામાં ઘુસવાનો રસ્તો મળી રહેશે.' આર્ટુબે રેમન્ડોને કહ્યું.


"હા ચાલ.' આર્ટુબની વાત સાંભળીને રેમન્ડોના મોંઢા ઉપર થોડીક ચમક આવી.એ ઉભો થતાં બોલ્યો અને પછી પોતાના ખચ્ચર ઉપર સવાર થયો.


આર્ટુબ ઉભો થયો. એણે જમીન ઉપર પડેલો પોતાનો ભાલો ઉઠાવ્યો અને ખચ્ચર ઉપર સવાર થયો.


"હિર્યાત તું આવે છે અમારી સાથે ?' ખચ્ચર ઉપર બેઠા-બેઠા આર્ટુબે હિર્યાતને પૂછ્યું.


"તમારે હિર્યાતનું શું કામ છે તમે બન્ને જ જતાં આવોને.' સરદાર સિમાંન્ધુએ આર્ટુબને પૂછ્યું.


"પણ સરદાર જો કિલ્લામાં ઘુસવાનો કોઈ માર્ગ મળી ગયો તો અહીંયા તમને એની ખબર આપવા વાળું તો કોક જોઈશે ને.! તમે હિર્યાતને અમારી સાથે મોકલો જો કિલ્લાની અંદર ઘુસવાનો કોઈ રસ્તો મળ્યો તો એ તમને અહીંયા કહેવા માટે આવશે. અને હું ત્યાં રેમન્ડોની પાસે રહીશ.' આર્ટુબે આખી વાત સરદારને સમજાવી.


"હા તારી વાત તો સાચી છે. જા હિર્યાત તું.' સરદાર સિમાંન્ધુ હકારમાં પોતાનું મસ્તક હલાવતા હિર્યાતની સામે જોઈને બોલ્યા.


હિર્યાત પણ પોતાના ખચ્ચર ઉપર સવાર થયો. પછી ત્રણેય જણાએ પોતાના ખચ્ચરોને કિલ્લાની જમણી બાજુએ દોડાવી મુક્યા. ચારેય તરફ કિલ્લાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરતા ત્રણેય આગળ વધ્યા. ત્રણેય આમ આગળ વધી રહ્યા હતા ત્યાં તો રેમન્ડોના મગજમાં ઝબકારો થયો.


"આર્ટુબ ઉભો રહે.' રેમન્ડોએ પોતાના ખચ્ચરને થોભાવીને આર્ટુબને ઉભા રહેવા કહ્યું.

"શું થયું રેમન્ડો ?' અચાનક રેમન્ડોએ ઉભા રહેવાનુ કહ્યું એટલે નવાઈ પામીને આર્ટુબે પ્રશ્ન કર્યો.


"તને ખબર છે શાર્વીના પિતાજી કમ્બુલા તિબ્બુર સામે હાર્યા ત્યારે એ આ કિલ્લામાંથી ક્યાં થઈને ભાગી છૂટ્યા હતા.! રેમન્ડએ પોતાનું ખચ્ચર આર્ટુબના ખચ્ચરની લગોલગ લાવતા કહ્યું.


"પણ એનું અત્યારે શું કામ છે ? રેમન્ડો શું કહેવા માંગે છે એની કંઈ સમજણ ના પડતા આર્ટુબે ફરીથી પ્રશ્ન કર્યો.


"બહુજકામ છે એનું તમે બન્ને મારી પાછળ પાછળ આવો કિલ્લામાં ઘુસવાનો માર્ગ મને મળી ગયો છે.' રેમન્ડોએ પોતાનું ખચ્ચર દોડાવતા કહ્યું.


આર્ટુબ અને હિર્યાતને રેમન્ડોની વાતમાં કંઈ સમજણ ના પડી. એ બન્ને અચરજભરી નજરે એકબીજા સામે તાકી રહ્યા અને પછી પોતાના ખચ્ચરોને રેમન્ડોના ખચ્ચરની પાછળ દોડાવી મુક્યા.


ખચ્ચર દોડાવતો દોડાવતો રેમન્ડો કિલ્લાનો ટીમ્બીયા પર્વત તરફનો ભાગ હતો ત્યાં આવીને થોભ્યો. થોડીકવારમાં હિર્યાત અને આર્ટુબ પણ પોતાના ખચ્ચરો દોડાવતા ત્યાં આવી પહોંચ્યા.


કિલ્લાના આ ભાગની બહારની તરફ મોટા પ્રમાણમાં ઝાડી ઝાંખરાંઓ ઉગી નીકળ્યા હતા. શાર્વીના પિતા કમ્બુલાને જયારે તિબ્બુર સામે હાર મળી ત્યારે તેઓ અહીંયા ક્યાંકથી જ ભાગી જવામાં સફળ થયા હશે એ વિચાર રેમન્ડોના મગજમાં ફરવા લાગ્યો. ત્યાં તો ઝાડીઝાંખરાંઓની વચ્ચે કિલ્લાની દીવાલ સાથે ઉભેલા વિશાળ પથ્થર તરફ રેમન્ડોનું ધ્યાન ગયું.


"આર્ટુબ પેલો પથ્થર જો.' રેમન્ડોએ ઝાડીઝાંખરાઓ વચ્ચે થઈને કિલ્લાની દીવાલ સાથે ઉભેલા પથ્થર દેખાડતા આર્ટુબને કહ્યું.


"હા પથ્થર દેખાય છે ત્યાં.' આર્ટુબ એ પથ્થર તરફ જોતાં બોલ્યો.


"તું સાવ મૂર્ખ છે અલ્યા. તમે બન્ને મારી પાછળ પાછળ આવો.' રેમન્ડો ધૂંધવાયેલા અવાજે બોલ્યો.


આર્ટુબ અને હિર્યાત ઝાડી ઝાંખરાંઓમાં થઈને રેમન્ડોની પાછળ પાછળ કિલ્લાની દીવાલ પાસે જે પથ્થર ઉભો હતો ત્યાં પહોંચ્યા.


"હવે આ પથ્થરને જોરથી ધક્કો મારો.' રેમન્ડોએ એક તરફથી પથ્થરને ધક્કો લગાવતા પાસે ઉભેલા આર્ટુબ અને હિર્યાતને કહ્યું.


રેમન્ડોના કહ્યા મુજબ આર્ટુબ અને હિર્યાત પથ્થરને જોરથી ધક્કો લગાવવા લાગ્યા. લગભગ અડધા કલાકની મથામણ બાદ ત્રણેય બસ્સો ત્રણસો મણના વિશાળ પથ્થરને એની મૂળ જગ્યાએથી થોડેક ગબડાવી શક્યા.


"અરે અહીંયા તો ખાડા જેવું કંઈક છે.' પથ્થર ખસ્યો એટલે એની નીચેનો ખાડો જોઈને હિર્યાત બોલી ઉઠ્યો.


"એ ખાડો નથી કિલ્લામાં ઘુસવાનું છૂપું ભોંયરું છે.' રેમન્ડો આનંદભર્યા અવાજે બોલી ઉઠ્યો.


"શું કહ્યું ?? આર્ટુબ અને હિર્યાત બન્ને એકસાથે બોલી ઉઠ્યા. એમના ચહેરા ઉપર નવાઈના ભાવો હતા.


(ક્રમશ)