શ્રાપિત ખજાનો - 25 Chavda Ajay દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્રાપિત ખજાનો - 25

ચેપ્ટર - 25

વિક્રમને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. એણે ફરી એકવાર આંખો ચોળીને જોયું. ના, આ કોઇ સપનું ન હતું. એ જે જોઇ રહ્યો હતો એ એક વાસ્તવિકતા હતી. મતલબ કે એનો અંદાજ ખોટો નહોતો પડ્યો. થોડીવાર પહેલા જ અકસ્માતે જ એનો પગ એક પથ્થર સાથે ટકરાઇ ગયો હતો. અને એ પથ્થર વિચિત્ર લાગતા વિક્રમે એ પથ્થરની આજુબાજુની માટી સાફ કરાવી અને એક ચોંકાવનારી વાત બધાને ખબર પડી કે અહીંયાં એક માનવ નિર્મિત રસ્તો છે. એ રસ્તાને ફોલો કરતા કરતા એ લોકો એક એવી જગ્યાએ આવી પહોંચ્યા જ્યાં પહોચ્યા બાદ એ બધાની આંખો ફાટી ગઇ હતી.

એમની સામે અત્યારે કેટલાક જર્જરિત મકાનો ઉભા હતા. રસ્તાની બંને બાજુ હારબંધ મકાનો ઉભા હતા. એમની હાલત જોઇને ખબર પડતી હતી કે એ ઘણા વર્ષો જુના હશે. બધાં જ મકાનોની બહારની દિવાલો પર શેવાળ જામી ગયો હતો. ઘરના દરવાજા અને બારીઓ લાકડામાંથી કલાત્મક કોતરણી કરીને બનાવાયા હશે એવું લાગી રહ્યું હતું. બાંધકામ પરથી વિક્રમને સદીઓ જૂની દક્ષિણ ભારતીય બાંધકામ શૈલી લાગી રહી હતી. પથ્થરની દિવાલો અને બહારથી લાકડાના થાંભલાઓ દ્વારા છતના નળિયાઓને સપોર્ટ આપવામાં આવ્યો હતો. લાકડાના સ્તંભો સમયનો માર ઝેલીને ક્ષીણ થવા આવ્યા હતા. જરૂર અંદર પણ વચ્ચે ખાલી જગ્યા અને ફરતે અલગ અલગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી હશે એમ વિક્રમે વિચાર્યું. આવા મકાનો દક્ષિણ ભારતની ખાસિયત છે. રસ્તો આગળ જઇને ફંટાઇ રહ્યો હતો. જરૂર એ એક ચોક રહ્યો હશે એવું વિક્રમને લાગ્યું. જ્યાથી ત્રણેય બાજુ અલગ અલગ દિશામાં રસ્તા જતા હતા.

ધનંજય બોલ્યો, "વાહ્.. આખરે પહોંચી જ ગયા સંબલગઢ." કહીને એ આગળ ચાલવા લાગ્યો. એ ઉતાવળે આ આખી જગ્યા ફરીને બધું જ જોઇ લેવા માંગતો હતો. હવે એ કમિટી દ્વારા સોંપવામાં આવેલ કામ પૂરું કરી શકશે.

ધનંજય આગળ વધે એ પહેલાં વિક્રમ બોલ્યો, "ધનંજય, અહીંયા બંધાયેલા હાથ કરતા ખુલ્લા હાથ વધારે ઉપયોગી થશે." કહીને એણે પોતાના બંધાયેલા હાથ ધનંજય તરફ કર્યા. ધનંજયે એના હાથ ખોલતાં કહ્યું, "તું આમ પણ આ જગ્યા છોડીને ક્યાંય જવાનો નથી. અને હું તારી સાથે જ છું. બોલ હવે શું કરવાનું છે?"

દોરડું હટાવવાથી વિક્રમના કાંડામાં થઇ રહેલી બળતરામાં નિરાંત વળી. એણે ધનંજયને કહ્યું, "સૌથી પહેલાં તો આપણે આ જગ્યા કેટલા વિસ્તારમાં ફેલાએલી છે એની જાણકારી મેળવી લઇએ. શહેર છે એટલે કદાચ મોટું હોય શકે છે. રાજીવના બે માણસોને અલગ અલગ બાજુ મોકલીને જગ્યાનું અવલોકન કરી લેવાની જરૂર છે. એ સિવાયના લોકોને કહો આ બધા જ ઘરોમાં વારાફરતી જઇને તલાશી લે. કદાચ કોઇ કામની વસ્તુ મળી જાય."

ધનંજયે રાજીવને ઇશારો કરતા રાજીવે એના માણસોને કહ્યું, "વિક્રમ સરે જેમ કહ્યું એમ જ કરો. અને એક વાતનું ધ્યાન રાખજો," રાજીવે ગંભીર થતાં કહ્યું, "પુરેપુરી સાવધાની રાખજો. ખબર નહી અહીંયા કેવો ખતરો આપણી સામે આવીને ઉભો રહી જાય."

રાજીવના માણસોએ એના કહેવા અનુસાર જ એક એક ઘરમાં જઇને ચકાસણી કરવાની શરૂઆત કરી. રાજીવ એના બે માણસો સાથે શહેર ક્યાં સુધી પથરાયેલું છે એ જોવા ગયો. આખી વાતમાં વનિતાને શું કરવું એ ખબર ન પડતાં એણે પણ આજુબાજુના મકાનોમાં રખડવાનું નક્કી કર્યું. એના ગયા પછી વિક્રમે એક ઘર તરફ આંગળી ચીંધીને કહ્યું, "પેલું મકાન બીજા મકાનો કરતા મોટું લાગે છે. આપણે આપણી શોધખોળની શરૂઆત ત્યાંથી કરવી જોઈએ."

ધનંજયે એ ઘર તરફ નજર કરી. આખા વિસ્તારમાં એ એકમાત્ર ઘર બે માળનું હતું. એનો દેખાવ પણ બીજા કરતા ભવ્ય લાગતો હતો. ધનંજયને વિક્રમની વાતમાં વજન લાગ્યો. એ, દર્શ અને વિક્રમ એ ઘર તરફ આગળ વધ્યા. ઘર ચોકની બીજી તરફ સામેની હરોળમાં જ હતું.

વિક્રમે એ ઘરના લાકડાના અડધા ખવાઇ ગયેલા દરવાજાને હલકો ધક્કો માર્યો. એક 'ટર્રરરર..."જેવો અવાજ આવ્યો. અને દરવાજો ખુલી ગયો. સામેનો નજારો જોઇને વિક્રમ રોમાંચિત થઈ ગયો. વિક્રમની ધારણા પ્રમાણે જ આ મકાન દક્ષિણ ભારતીય શૈલીમાં બનાવવામાં આવ્યું હતું. વચ્ચેના ખુલ્લા ભાગમાંથી રોશની અંદર આવી રહી હતી. એ ભાગમાં છત પરથી વેલા લટકી રહ્યા હતા. ઘરની અંદર ઠેરઠેર જગ્યાએ ઘાસ ઉગી નીકળ્યું હતું. અને ઘણી જગ્યાએ શેવાળ જામી ગયો હતો. મકાનની છત ઠેરઠેર જગ્યાએથી તૂટી ગઇ હતી. વિક્રમ અંદર જઇને ડાબી તરફ ગયો. ધનંજય અને દર્શ પણ એની પાછળ જવાને બદલે બીજી તરફ ગયા. વિક્રમની આગળ જમીન પર માટલાં, માટીના વાટકાં, રસોઇમાં વપરાતા વાસણો વગેરે પડ્યા હતાં. વિક્રમને લાગ્યું કે એ લગભગ રસોડામાં આવી ગયો છે. એટલે એ બીજી તરફ ગયો. ત્યાં એક ખંડ હતો. એ ખંડ એકદમ ખાલી હતો. એક દિવાલને અડીને એક ઓટલા જેવી રચના બની હતી. ઓટલાની ઉપરના ભાગે દિવાલમાં એક ચોરસ બારી જેવી રચના હતી જેમાંથી પ્રકાશ આવી રહ્યો હતો. વિક્રમને ઓટલા પર એક લાકડાનું બોક્સ ઘાસ અને વેલા વચ્ચે ઘેરાયેલું પડ્યું હોય એવું લાગ્યું. વિક્રમ ધ્યાનથી બધું જોઇ રહ્યો. એ કમરાની અંદર જાય એ પહેલાં જ એને રાજીવનો અવાજ સંભળાયો. રાજીવ એને બોલાવી રહ્યો હતો. અવાજ સાંભળીને વિક્રમ ઘરના વચ્ચેના ખુલ્લા ભાગમાં આવીને ઉભો રહ્યો. ધનંજય અને દર્શ પણ ત્યાં આવ્યા. રાજીવ અંદર આવ્યો. એની સાથે એના બીજા બે માણસો પણ હતા.

"શું થયું?" વિક્રમે પુછ્યું.

"તું તો કહેતો હતો ને કે સંબલગઢ એક શહેર છે!"

"કેમ એવું પુછી રહ્યો છે?" વિક્રમે નવાઇ સાથે પુછ્યું.

"તો આ જગ્યા એક શહેર હોય એવું લાગતું નથી."

"મતલબ?"

"અમે લોકો આસપાસનું અવલોકન કરવા ગયા ત્યારે ખબર પડી કે આ મકાનો અહીંથી થોડે આગળ સુધી જ છે. ત્યાંથી આગળ કંઇ જ નથી. મને પણ નવાઇ લાગતા મે અને મારા માણસોએ મકાનો કેટલા છે એ ગણતરી કરતા ખબર પડી કે અહીંયાં તો માત્ર 62 મકાનો જ છે. અને છેડે એક મંદિર છે બસ."

"બસ!!" વિક્રમને ભારે આશ્ચર્ય થયું. 'માત્ર 62 મકાનો જ કઇ રીતે હોય શકે?' એણે વિચાર્યું. સંબલગઢ તો એક મોટું અને વિશાળ શહેર હોવું જોઇએ. જેમાં એક રાજાનો મહેલ, બે થી ત્રણ હજાર મકાનો તો હોવા જ જોઈએ. અને સાથે મોટી સંખ્યામાં મંદિરો, બગીચાઓ વગેરે પણ અહીં નહોતું. અને જેના કારણે પંચાવતી સંબલગઢ તરીકે ઓળખાતું હતું એ અભેદ્ય સુરક્ષા દિવાલનો પણ નામોનિશાન નથી. તો શું આ જગ્યા સંબલગઢ નથી? તો પછી આ કઇ જગ્યા છે.

"વિક્રમ," ધનંજયે કહ્યું, "સંબલગઢનું જેવું વર્ણન આપણે સાંભળ્યું છે એવું તો આ જરાય નથી. કંઇક ગરબડ હોય એવું લાગે છે."

વિક્રમ એને જવાબ આપવા જતો હતો ત્યાં જ એને યાદ આવ્યું કે એણે પેલા ખંડમાં એણે એક બોક્સ જેવું કંઇક જોયું હતું. કદાચ એમાં એમને કંઇક કામ નું મળી જાય. એણે ધનંજયને કહ્યું, "મારી સાથે આવો." કહીને એ પેલા ખંડ તરફ ચાલ્યો ગયો. ધનંજય, દર્શ અને રાજીવ એની પાછળ ગયા. રાજીવના માણસો ત્યાં જ ઉભા રહ્યા.

વિક્રમે ખંડમાં આવીને ખંડનું નિરીક્ષણ કર્યું. ખંડ લગભગ પંદર થી વીસ જણા બેસી શકે એવડો હતો. ખંડમાં કોઇ રાચરચીલું હતું નહીં. માત્ર એક ઓટલો જ હતો. ફર્શ પર ધૂળના થર જામી ગયા હતાં અને એના પર ઘણી જગ્યાએ જંગલી ઘાસ અને છોડવાઓ ઉગી ગયા હતા. વિક્રમે એ ઓટલા પાસે આવીને ઘાસ હટાવ્યું. એ સાચે જ એક લાકડાનું બહુ મોટું નહી પણ મધ્યમ કદનું બોક્સ હતું. વિક્રમે એ બોક્સ ઉપાડ્યું. અંદર શું હશે એ વિચારતા જ એના ધબકારા વધી રહ્યા હતાં. એ જ હાલ ધનંજય અને રાજીવનો હતો. દર્શના ચહેરા પરના ભાવોમાં કંઇ વધારે પરિવર્તન આવ્યું ન હતું. હંમેશની જેમ.

વિક્રમે એ બોક્સ ખોલ્યું. એમાં એક લાકકાના નળાકાર જેવી વસ્તુ પડી હતી. વિક્રમે આશ્ચર્ય સાથે બીજા બધા સામે જોયું. એમની આંખોમાં પણ એ જ આશ્ચર્ય હતું. એણે નળાકાર ઉપાડીને બોક્સ નીચે મુક્યું. એ નળાકાર સાદા લાકડામાંથી બનેલ હતું અને કદાચ અંદરથી પોલું હતું. વિક્રમે કાન પાસે લાવીને એને હલાવ્યું. અંદરથી કંઇક ખખડવાનો અવાજ આવતાં વિક્રમ સહિત ધનંજય અને રાજીવ પણ ચોંક્યા. ધ્યાનથી જોતા વિક્રમને ખબર પડી કે એ નળાકાર પર એક બાજુથી ખુલી શકે એવું ઢાંકણું લગાવેલ છે. વિક્રમને એ ઢાંકણું ખોલીને ડાબા હાથની હથેળી પર એ નળાકારને ઉલટાવ્યું. નળાકાર માંથી એક કપડું અડધું બહાર આવીને વિક્રમની હથેળી પર પડ્યું. કપડાનો એક ભાગ હજુ નળાકારમાં જ હતો. કપડું વીંટીને રાખવામાં આવ્યું હતું. વિક્રમની ઉત્સુકતા ખુબ જ વધી રહી હતી. એણે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર એ કાપડ ખોલ્યું. અને એમાં એને જે જાણવા મળ્યું એ જાણીને એ ચોંકી ઉઠયો.

* * * * *

"વિક્રમના પિતા!" વિજયે નવાઇ સાથે પુછ્યું, "એ પણ સંબલગઢ વિશે જાણતા હતા?"

રેશ્માએ જવાબ આપ્યો, "હાં. એમના જ દ્વારા તો વિક્રમને સંબલગઢ વિશે જાણકારી મળી હતી. એ નાનો હતો ત્યારે એના પિતા એને સંબલગઢની કહાની સંભળાવતા."

રેશ્મા અને વિજય અત્યારે નદીના કિનારે આરામ કરવા બેઠા હતાં. બંને સવારથી ચાલી રહ્યા હતાં. રેશ્મા તોફાનમાં ફસાઇ ગઇ હતી ત્યારે એને માથા પર લાગી ગયું હતું એટલે વધારે સમય ચાલવાને બદલે એ બંને થોડી થોડી વારે આરામ કરી રહ્યા હતા. જેથી રેશ્માને વધારે તકલીફ ન થાય. અને આરામ કરતાં કરતાં વાતવાતમાં વિજયને ખબર પડી હતી કે વિક્રમને સંબલગઢ વિશે એના પિતાથી જાણવા મળ્યું હતું.

"તો તો હું અને વિક્રમ વધારે અલગ નથી." વિજયે કહ્યું, "હું પણ નાનપણથી સંબલગઢની કહાની સાંભળતો આવ્યો છું."

આ સાંભળીને રેશ્માને નવાઇ લાગી. એ તો એમ માનતી હતી કે વિજયને લીધે ધનંજયને સંબલગઢ વિશે ખબર હશે. કારણ કે વિજય એક આર્કિયોલોજીસ્ટ થઇને સંબલગઢ શોધવા માંગતો હતો એટલે. પણ જો ધનંજયને વિજય નાનો હતો ત્યારથી જ સંબલગઢ વિશે ખબર હોય તો તો આ વાત ઘણી જ રહસ્યમય છે. એને આટલા વર્ષો પહેલાથી કઇ રીતે ખબર હશે? પણ એ વિજયને પુછે એ પહેલાં જ વિજયે પુછ્યું, "વિક્રમના પિતાજીને સંબલગઢ વિશે કઇ રીતે ખબર પડી એ વિશે જાણે છે તું?"

"નહીં." રેશ્માએ કહ્યું, "એ વિશે તો વિક્રમ પણ જાણતો નથી. એ આઠ વર્ષનો હતો ત્યારે જ એના પિતા ગૂજરી ગયા. એટલે એ ક્યારેય પુછી ન શક્યો."

"ઓહ્...."

"પણ તારા પપ્પા તો જીવે છે ને? તે ક્યારેય એમને પુછ્યું નહીં કે એ સંબલગઢ વિશે કઇ રીતે જાણે છે?" રેશ્માએ પુછ્યું.

વિજય જરા ખચકાટ સાથે બોલ્યો, "અં...એમા એવું છે ને કે..મારા ઘરમાં મારા પપ્પા સામે મારું વધારે ચાલતુ નથી. મે એક બે વાર પુછી જોયું તો એમણે કહ્યું કે એ તારે જાણવાની જરૂર નથી." વિજયે કહ્યું ત્યારે એને શરમ આવી રહી હતી.

"મતલબ જે આખી કોલેજમાં શેરની જેમ રખડતો હતો એ વિજય મહેરા ઘરમાં એક ભીગી બિલ્લી છે એમ!" રેશ્માએ એની ટાંગ ખેંચવા માટે કહ્યું.

"હા.. બસ.. ઠીક છે ને યાર.." વિજયે મોઢું બગાડતા કહ્યું, "તે કીધું તું કે તુ જૂની વાત પર ટોણો નહીં મારે.."

"ઓ.કે. ફાઇન.." રેશ્માએ કહ્યું.

"એક વાત જણાવ, વિક્રમના પિતાજી નું નામ શું હતું?"

"ગજેન્દ્રપાલસિંહજી.."

વિજયને આ નામ સાંભળીને નવાઇ લાગી. ખબર નહી કેમ પણ એને લાગી રહ્યું હતું કે આ નામ એણે ક્યાંક સાંભળેલું હોય એવું લાગતું હતું. પણ યાદ નહોતું આવી રહ્યું કે ક્યાં સાંભળ્યું હતું.

"શું થયું?" રેશ્માએ પુછ્યું.

વિજયે કહ્યું, "ખબર નહીં પણ, યાર આ નામ ક્યાંક સાંભળ્યું હોય એવું લાગે છે."

રેશ્માને નવાઇ લાગી, "વિજય, હું વિક્રમના પપ્પાની વાત કરી રહી છું. તે ક્યાંથી એમનું નામ સાંભળ્યું હોય? એ તો બાવીસ વર્ષ પહેલાં ગુજરી ગયા છે."

"હાં પણ કોકના મોઢે સાંભળ્યું તો છે પણ યાદ નથી આવતું..." વિજય યાદ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. અને અચાનક જ એને લાઇટ થઇ.

"અરે હાં, બે મહિના પહેલા સાંભળ્યું હતું."

"ક્યાં?"

"બે મહિના પહેલાની વાત છે. પ્રોફેસર પપ્પાની ઓફિસે ગયા હતા એમને મળવા. સંજોગ એવો થયો કે હું પણ ત્યારે મારા પપ્પા પાસે કંઇક કામથી ગયો હતો. હું એમની ઓફિસનો દરવાજો ખોલવા જતો હતો ત્યાં જ મને અંદરથી પ્રોફેસરનો અવાજ સંભળાયો."

"શું વાત થઇ રહી હતી?" રેશ્માએ ઉત્સુકતાથી પુછ્યું.

વિજયે મગજ પર જોર નાખતા કહ્યું, "પ્રોફેસર કહી રહ્યા હતા કે 'મે ગજેન્દ્રને કહ્યું હતું કે એ જે કરવા જઈ રહ્યો છે એ મોટી ભૂલ છે. પણ છતાંય એને મારી વાત ન માની.' જવાબમાં મારા પપ્પાએ કહ્યું હતું કે 'એટલે જ તો એની માતાનું મૃત્યુ થયું હતું. પણ ગજેન્દ્રપાલે કરેલી ભૂલ હવે તું કરવા જઇ રહ્યો છે આદિત્ય. તારી આ જીદ આપણા બેય માટે જીવલેણ સાબિત થશે.' પપ્પા આગળ બોલે એ પહેલા જ એમની ઓફિસનો એક બોય આવ્યો અને એણે અંદર જવા માટે પરમિશન માંગતા પપ્પાને ખબર પડી ગઇ કે હું બહાર ઉભો છું. એટલે એમણે વાત બદલી નાખી."

"તે પુછ્યું નહીં કે એવી કઇ વાત હતી જે તારા પપ્પા માટે જીવલેણ સાબિત થઈ શકે છે?"

"એકવાર તો કીધું ને કે એ મને કંઇ જણાવતાં નહોતા."

રેશ્માના આશ્ચર્યનો પાર ન રહ્યો. આખરે આ બધું થઇ શું રહ્યું છે. એણે વિજયને પુછ્યું, "આ ગજેન્દ્રપાલ એ વિક્રમના પપ્પા જ હોય એ જરૂરી તો નથી ને?બીજા કોઇ ગજેન્દ્રપાલ પણ હોય શકે છે ન?"

"હોય શકે છે. પણ વિક્રમના પપ્પા હોય એ પણ એક શક્યતા છે. કે નહીં?" વિજયે સામો પ્રશ્ન કર્યો. જે તાર્કિક હતો. જે ગજેન્દ્રપાલ વિશે ધનંજય અને પ્રોફેસર નારાયણ વાત કરી રહ્યા હતા એ વિક્રમના પપ્પા ના હોય એની શક્યતા કરતા એ જ હોય એની શક્યતા વધારે હતી. કારણ કે વિક્રમના પિતા પણ સંબલગઢ વિશે જાણતા હતા. અને ધનંજય અને પ્રોફેસર પણ. તો જરૂર એ વિક્રમના પિતા વિશે જ વાત કરી રહ્યા હશે. શું વિક્રમ આ વાત જાણતો હતો? જો જાણતો હોત તો મને જરૂર કહી હોત. અથવા એ છુટા પડ્યા પછી જાણી હોય તો કદાચ ન પણ જણાવી હોય. પણ જો એ નહીં જાણતો હોય તો? વિક્રમના પિતા વધારે રહસ્યમય વ્યક્તિ બની રહ્યા હતા. રેશ્માનું મન કહી રહ્યું હતું કે આની પાછળ જરૂર કંઇક ખતરનાક ખીચડી પાકી રહી હતી.

* * * * *

"વિક્રમ, આ કપડાંમાં શું લખ્યું છે?" ધનંજયે પુછ્યું.

"આમાં સંસ્કૃત ભાષામાં કંઇક લખેલું છે." વિક્રમે જવાબ આપ્યો.

"તો શું લખ્યું છે?"

"ઘણી વસ્તુ લખી છે અને એમાં ની એક વાત એ છે કે આ જગ્યા સંબલગઢ નથી."

(ક્રમશઃ)

* * * * *