શ્રાપિત ખજાનો - 24 Chavda Ajay દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્રાપિત ખજાનો - 24

ચેપ્ટર - 24

લગભગ એક કલાકથી ધનંજય અને એની ટોળકી ચાલી રહ્યા હતા. એમની ડાબી તરફ થોડે દૂર નદી વહી રહી હતી જ્યારે જમણી બાજુ એક મોટો વિશાળ ટેકરો હતો જેની તળેટીમાં એ ચાલી રહ્યા હતા. ગઇકાલે આવેલા તોફાનને લીધે રેશ્મા ગુમ થઇ ગઇ હતી. અને વિક્રમ એને શોધવા જવા માંગતો હતો પણ ધનંજય એને જવા નહોતો દેવા માંગતો. એટલે એણે વિક્રમના હાથ બાંધીને રાજીવને એના પર નજર રાખવા માટે કહ્યું હતું. રાજીવ અને વિક્રમ સાથે ચાલી રહ્યા હતા. અને ધનંજય કરતા થોડા દુર હતા. વનિતા રેશ્માના જવાને લીધે ટોળાની એકમાત્ર સ્ત્રી હોય એ એકલી જ ચાલી રહી હતી. રાજીવે મોકાનો લાભ લઇને વિક્રમ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો.

"એક વાત પૂછું? એક કાલ્પનિક દંતકથા પાછળ આટલી સમસ્યા વેઠવાનો શો અર્થ?" રાજીવે પુછ્યું.

"તને સાચે જ સંબલગઢની વાત પર વિશ્વાસ નથી ને?" વિક્રમે ચહેરા પર એક આછી સ્માઇલ સાથે પુછ્યું.

"કહાની છે જ એટલી વિચિત્ર અને અસામાન્ય કે એના પર વિશ્વાસ કરવો અઘરો પડે છે."

"અને એમાં તારો જરાય વાંક નથી." વિક્રમે કહ્યું, "ઇતિહાસની સૌથી મોટી બદનસીબી જ એ છે કે જ્યાં સુધી એના લખાએલા પ્રુફ ન મળે ત્યાં સુધી એના પર વિશ્વાસ ન કરી શકાય. કારણ કે જ્યારે ઇતિહાસ લખાતો નથી ત્યારે લોકો દ્વારા એનો વાર્તા સ્વરૂપે પ્રસાર થાય છે. અને એ વાર્તાની વાસ્તવિકતા પર એ વાર્તા બોલનારની એક છાપ હોય છે. વાર્તા કહેનાર પોતાની ઇચ્છા અનુસાર એમા નાટકીય રૂપાંતર કરે છે. અને પોતાના મંતવ્યો અનુસાર વાર્તાને અતિશયોક્તિ ભરેલી બનાવી દે છે. પરીણામે એક સમયનો વાસ્તવિક ઇતિહાસ પહેલા વાર્તા બને છે, પછી વાર્તા માંથી કથા બને છે અને કાળક્રમે કથાં દંતકથા બની જાય છે. અને સાંભળવામાં કાલ્પનિક અને ઉપજાવી કાઢેલી લાગે છે. એના પર કોઇને વિશ્વાસ નથી રહેતો.

મારા પિતા, જેમનું નામ ગજેન્દ્રપાલસિંહ હતું એમણે જ્યારે મને આ કહાની સંભળાવી ત્યારે મને પણ એના પર વિશ્વાસ આવ્યો નહોતો. જ્યાં સુધી મને સબૂત ન મળ્યા ત્યાં સુધી."

"અને હવે તને વિશ્વાસ છે સંબલગઢની દંતકથા પર?"

"મને વિશ્વાસ છે કે એક સમયે સંબલગઢ નામનું એક રાજ્ય હતું. જે અચાનક ઇતિહાસના પન્નાઓ માંથી અદ્રશ્ય થઇ ગયું હતું. કારણ કે એ રાજ્યના યુવરાજની કબર અમે નરી આંખે જોઈ છે. અને રહી વાત ત્યાંના લોકોના લાંબા જીવનની, તો વેલ એક આર્કિયોલોજીસ્ટ તરીકે આવી દંતકથાઓ પાછળની વાસ્તવિકતા જાણવી એ જ અમારું કામ છે. દંતકથા કેટલી વાસ્તવિક છે એ તો સંબલગઢ પહોંચ્યા બાદ જ ખબર પડશે."

"અને આ કહાની ખોટી હશે તો?"

"વેલ... ખોટી હશે તો એટલિસ્ટ એક ખોવાયેલા રહસ્યમય શહેરને શોધવાનો સંતોષ મળશે. અને એ પણ કંઇ નાની સિદ્ધિ નથી. અને બની શકે એ રાજ્ય રાજમહેલમાં શાહી રાજકોષ હોય જેમાં સોના ચાંદીના દાગીના અને સિક્કાઓ ભર્યા હોય." વિક્રમે મુસ્કુરાતાં કહ્યું.

"અને જો એ સાચી હશે તો?" રાજીવે ઉત્સાહભેર પુછ્યું.

જવાબમાં વિક્રમે કહ્યું, "તો એ સદીની સૌથી મોટી ખોજ હશે. દુનિયાભરમાં એની ચર્ચા થશે. ત્રણસો વર્ષ લાંબુ જીવન જીવવાનું રહસ્ય જો મળી જાય તો એની મદદથી કેટલા અસાધ્ય રોગોનો ઇલાજ શક્ય થઇ શકશે. અને આપણામાંથી જેટલા જીવતા બચશે એનું નામ આખી દુનિયામાં મશહૂર થઇ જશે."

રાજીવનું મન આ સાંભળીને રોમાંચિત થઇ ઉઠ્યું. સોના ચાંદીના ભરેલા રાજકોષો અને આખી દુનિયામાં ફેમસ થવું કોને ન ગમે? પણ જેમ વિક્રમે કહ્યું એમ જીવતા રહ્યા તો ફેમસ થઇ જશું. પણ આ બધામાં ધનંજયનો રસ એના માટે એક પહેલી બની રહ્યો હતો. જેટલો એ ધનંજયને ઓળખતો હતો, એના પરથી એને ક્યારેય લાગ્યું નહોતું કે ધનંજય આવી કથાઓ પર વિશ્વાસ રાખતો હશે. એણે વિક્રમને કહ્યું, "તારી અને રેશ્માની રુચિ તો ઠીક, પણ ધનંજય આ બધામાં માને છે એવું મને લાગ્યું નહોતું."

"મને પણ," વિક્રમે ધીમા અવાજે કહ્યું, "ધનંજયનું સંબલગઢ શોધવા પાછળનું કારણ જ નથી સમજાતું."

"એણે મને જણાવ્યું હતું કે આપણે જંગલમાં એક કિંમતી જડીબુટ્ટી શોધવા આવ્યા છીએ. પણ જ્યારે મે એને સંબલગઢ વાળી વાત કરી ત્યારે એણે કહ્યું હતું કે આ બંને વાતો ભલે અલગ અલગ હોય, પણ બંનેનો મતલબ એક જ છે." રાજીવે કહ્યું.

વિક્રમને ખૂબ જ નવાઇ લાગી. એણે પુછ્યું, "સાચે જ એણે એવું કહ્યું?"

"હાં..."

વિક્રમ વિચારમાં પડ્યો. ધનંજયની વાતનો તર્ક મળી નહોતો રહ્યો. જડીબુટ્ટીની શોધ અને સંબલગઢની શોધ બંને એક કઇ રીતે થઇ શકે? એ વિચારતા ચાલી રહ્યો હતો ત્યાં જ એને ઠેસ વાગતા એનું બેલેન્સ બગડ્યું અને જો રાજીવે એને પકડ્યો ન હોત તો એ સીધો જમીન પર પડત. રાજીવે એને પકડતા કહ્યું, "ધ્યાનથી વિક્રમ.. જોઇને ચાલ.."

"સોરી.. સોરી.. આ ઠેસ વાગી એટલે બેલેન્સ ગયું.." કહીને એણે જમીન પર એને ઠેસ વાગી એ પથ્થર પર નજર કરી. અચાનક એને લાગ્યું કે કંઇક ગરબડ છે. એ ધ્યાનથી એ પથ્થરને નીરખી રહ્યો. એને એ પથ્થરમાં કંઇક વિચિત્ર લાગ્યું. એને આમ કરતા જોઇને રાજીવે પુછ્યું, "શું થયું વિક્રમ?"

"આ પથ્થર કંઇક અલગ છે."

રાજીવે જમીન પર નજર કરી. એ પથ્થર જમીનમાંથી અડધો બહાર નીકળતો હોય એવું લાગતું હતું. સફેદ કલરના એ ત્રિકોણાકાર પથ્થરમાં રાજીવને કંઇ અલગ ન દેખાયું. માત્ર એક સામાન્ય પથ્થર હોય એવું લાગ્યું. "ખાલી પથ્થર જ છે." રાજીવે કહ્યું.

"એક મિનિટ," વિક્રમે કહ્યું, "તારા બે માણસોને કે આ પથ્થરની આજુબાજુની માટી સાફ કરે."

"પણ વિક્રમ.." રાજીવ કંઇક બોલવા જતો હતો એની પહેલાં જ વિક્રમે કહ્યું, "યાર હું કવ છું એમ કરને... પ્લીઝ..!"

રાજીવે વિક્રમના સંતોષ ખાતર એના માણસોને એ જમીન પરથી માટી હટાવવા માટે કહ્યું. દરમિયાન પોતાની પાછળ આવતા લોકો ઉભા રહી ગયા છે એ જોઇને ધનંજય, ડો.વનિતા અને દર્શ પાછા આવ્યા અને આવીને ધનંજયે રાજીવને પુછતા કહ્યું, "શું થયું કમાન્ડર?" રાજીવે કંઇ બોલવાને બદલે વિક્રમ તરફ ઇશારો કરી દીધો. ધનંજયે વિક્રમને પુછ્યું, "વિક્રમ આ બધું.." પણ એ બોલે એ પહેલા જ વિક્રમે એને ચૂપ રહેવાનો ઇશારો કર્યો. એની નજર હજુ પણ જમીન પર જ ખોડાએલી હતી. જમીનની માટી વરસાદને કારણે ગારા માં પરિવર્તિત થઈ ગઈ હતી. એટલે રાજીવના બંને માણસો હાથ વડે ગારો હટાવી રહ્યા હતા. થોડીવાર પછી એ પથ્થરની આસપાસની બધી માટી એમણે હટાવી દીધી. અને માટીમાંથી જે બહાર આવ્યું એ જોઇને વિક્રમ સહીત બધા ચોંકી ઉઠયા.

એમની સામે જમીનમાં એક પથ્થર ખૂંપેલો હતો. પણ એ પથ્થર જંગલમાં સામાન્યપણે જોવા મળે એવો અનિયમિત આકારનો પથ્થર ન હતો. પણ એક ચોક્કસ માપ સાથે બનાવાયેલો લંબચોરસ પથ્થર હતો. કદાચ એક લંબધન હશે જેનો મોટો ભાગ જમીનમાં અંદર ધરબાયેલો હશે એવું વિક્રમે વિચાર્યું.

"જલ્દી," એણે ઉતાવળા સ્વરે કહ્યું, "બધા દૂર ખસી જાઓ," પછી એણે પેલા બે માણસોને સંબોધતા કહ્યું, "આ પથ્થરની ચારેબાજુથી માટી હટાવો. જલ્દી."

તરત જ એ બંને માણસોએ ભીની માટી હટાવવાનું શરૂ કરી દીધું. એની સાથે બીજા બે માણસો પણ જોડાયા. આખા કાફલામાં ઉત્સાહ અને ઉત્સુકતા ફેલાઇ ગઇ. અવાવરુ જંગલની વચ્ચે એક ચોક્કસ માપ સાઇઝ વાળો લંબચોરસ બ્લોક ક્યાંથી આવ્યો એ જાણવા બધા ઉત્સુક હતા. ખાસ કરીને વિક્રમ..એની ધડકન વધી રહી હતી. આ બ્લોક માનવ નીર્મિત છે એ એને પાક્કી ખાતરી હતી. એને અંદેશો થઇ રહ્યો હતો કે એને જરૂર કંઇક મળશે.

પોણી કલાકની મહેનત પછી રાજીવના માણસોએ આજુબાજુના વિસ્તારમાંથી માટી સાફ કરી દીધી. હવે એમની સામે એક ચિત્ર સ્પષ્ટ થયું. જે પથ્થરથી વિક્રમને ઠોકર લાગી હતી એ આ લંબચોરસ બ્લોકનો એક ખૂણો હતો જે જમીનથી ઉંચો આવી ગયો હતો. એ બ્લોકની ચારે તરફ બીજા અલગ અલગ માપના લંબચોરસ પથ્થરો પણ જમીનમાં બેસાડવામાં આવ્યા હતાં. બધા જ પથ્થરો પૂરા લંબચોરસ નહોતા પણ કેટલાક પંચકોણીય, ષટકોણીય, અથવા તો બહુકોણીય હતા. બધા જ પથ્થરો સાથે મળીને એક મોટા પટ્ટાની રચના કરી રહ્યા હતા. એ પટ્ટો નદીના કીનારાથી દુર જમણી બાજુ જંગલમાં અંદર તરફ વળાંક લઇ રહ્યો હતો.

ધનંજયે વિક્રમને પુછ્યું, "વિક્રમ, આનો મતલબ સમજાવ તો.."

"આ એક રસ્તો છે.." વિક્રમ જાણે સંમોહિત થઇ ગયો હોય એમ બોલ્યો, "આ એક પગદંડી છે. માણસોએ આ અલગ અલગ પથ્થરોનો ઉપયોગ કરીને આ પગદંડીનું નિર્માણ કર્યું હશે. ધ્યાનથી જુઓ, આ પગદંડી નદીના કિનારાથી દૂર જંગલમાં અંદર તરફ જઇ રહી છે. આ ટેકરાની પાછળના ભાગમાં. મારું મન કહે છે કે જરૂર આ રસ્તો આપણને ક્યાંક લઇ જશે.." પછી જે વાક્ય એ બોલ્યો એણે ત્યાં ઉભેલા પ્રત્યેકના રોમરોમ માં ઉત્તેજના ભરી દીધી, "કદાચ આ પગદંડી આપણને સંબલગઢ સુધી લઇ જાય.."

બધાએ એકબીજા સામે જોયું. એમના ચહેરા પર ખૂશીની લહેર જોવા મળી રહી હતી. આટલાં સમય સુધી જંગલમાં રખડ્યા પછી આજ એમને કંઇક સફળતા હાંસલ થઇ હતી. ત્રણ ત્રણ લોકોની કુરબાની એળે નહોતી ગઇ. વિક્રમે પગદંડી પર આગળ ચાલવાની શરૂઆત કરી. એના સહિત બધાના કદમોમાં એક તેજી ભળી હતી. રસ્તો પુરો થાય ત્યાં શું જોવા મળશે એ જાણવા બધા જ આતુર હતા. બસ વિક્રમના મનમાં ઉત્સાહની સાથે સાથે નિરાશા પણ છવાએલી હતી. એ રેશ્માને ખૂબ જ મિસ કરી રહ્યો હતો. હવે આગળ એને જે દ્રશ્યો જોવા મળશે એ એણે રેશ્મા વગર જોવાની તો કલ્પના પણ નહોતી કરી. હવે જ્યારે એને એક સફળતા પ્રાપ્ત થઇ છે તો રેશ્મા એની સાથે હોવી જોઇતી હતી. રેશ્માનો પણ એમા હક હતો. ખબર નહી રેશ્મા ક્યાં હશે? કઇ સ્થિતિમાં હશે? "રેશ્મા," વિક્રમ મનોમન બોલ્યો, "તું જ્યાં હોય ત્યાં તારું ધ્યાન રાખજે. હું જલ્દી જ તારી પાસે પહોંચી જઇશ."

* * * * * *

"આઇ હોપ વિક્રમ કે તું ઠીક હોઇશ.." રેશ્મા મનોમન બબડી.

રેશ્મા અને વિજય બંને જંગલમાં દિશાહીન ભટકી રહ્યા હતા. એમની પાસે હોકાયંત્ર હતું નહી. અને વાવાઝોડું તો ચાલ્યું ગયું હતું પણ હજુ આકાશમાં વાદળો ઘેરાયેલા હતા એટલે સુરજની મદદથી દિશાનો તાગ મેળવવામાં એ બેયને કોઇ મદદ નહોતી મળી રહી. પણ રેશ્માને વિક્રમની ચિંતા થઇ રહી હતી. ગઇકાલે આવેલા તોફાનમાં વિક્રમથી વિખૂટા પડી ગયા બાદ રેશ્માને એ વ્યક્તિએ બચાવી હતી જેની એને કલ્પના પણ કરી ન હતી. વિજય મહેરા..

પણ એક વાત એણે નોંધી હતી કે જે વિજયને એ ઓળખતી હતી એ વિજય અને અત્યારે એની સાથે જે વિજય છે એના કરતા ઘણો અલગ હતો. જે વિજયને એ ઓળખતી હતી એ તો ઘમંડી, સ્વછંદી, અને કોઇની પરવાહ કે કોઇનું સમ્માન પણ નહોતો કરતો. એને યાદ છે કે એકવાર વિજયે કોલેજની એક મહિલા પ્રોફેસર પર હાથ ઉપાડી લીધો હતો કારણ કે એ પ્રોફેસરે એને વિક્રમ કરતા ત્રણ માર્ક્સ ઓછા આપ્યા હતા..

જ્યારે આ વિજય! આ વિજયે તો એને તોફાની નદીમાં ડૂબતા બચાવી હતી. અને એને સુરક્ષિત પોતાના ટેન્ટ સુધી લઇ ગયો હતો. જે ખાવાની વસ્તુઓ એ પોતાના માટે લાવ્યો હતો એ એણે રેશ્માને આપી દીધી. અને સાથે એનો ટેન્ટ જેમા એક જ વ્યક્તિ સમાઇ શકે એટલી જગ્યા હતી એમાં પણ એણે રેશ્માને સુવા દીધી અને પોતે માત્ર એક ચાદર પાથરીને ટેન્ટની બહાર સુતો હતો. આ બધા જ કારણોએ એને વિચારતી કરી મૂકી હતી.

"વિજય એક વાત પૂછુ?" રેશ્માએ કહ્યું. વિજયે માથું હલાવીને સંમતિ આપતા રેશ્મા આગળ બોલી, "તે મને શું કામ બચાવી?"

"કારણ કે તું મને સંબલગઢ સુધી લઇ જવાની છો એટલે.. અને તારી પાસે મારા પ્રશ્નનો જવાબ છે. જે પ્રશ્ન મે તને ગઇકાલે પુછ્યો હતો.. તમારી સાથે આ જંગલમાં મારા પપ્પા શું કરી રહ્યા છે?"

"મે તને કાલે જ કહ્યું હતું કે મને ખબર નથી. અને મારા કરતાં તો તને વધારે ખબર હોવી જોઇએ.. એ તારા પપ્પા છે.." એક મિનિટ માટે રોકાઇને એ ફરી બોલી, "એ જ હતા ને જેમણે તને અમારી પાછળ રાજસ્થાનના રણમાં મોકલ્યો હતો?"

"હાં એમણે જ મને કહ્યું હતું કે તું અને વિક્રમ સંબલગઢનું રહસ્ય શોધવા નિકળી પડ્યા છો અને હું તમને ફોલો કરું. પણ પહેલા મને એમની વાતનો વિશ્વાસ ન આવ્યો. એટલે મે પ્રોફેસર નારાયણની લાયબ્રેરીમાં જઇને એ ફાઇલ શોધી જેમા સંબલગઢનું લોકેશન હતું. પણ એ ફાઇલ ત્યાં ન હતી. ત્યારબાદ મે તમારા બંનેનો પીછો કર્યો અને આપણે પેલી કબરમાં ભેગા થયા. અને ત્યાં શું થયું એ તો તું જાણે જ છે."

"હં..અ" રેશ્મા કંઇ ન બોલી. થોડીવાર સુધી બંને વચ્ચે શાંતિ છવાઇ રહી. પછી શાંતિનો ભંગ કરતા વિજયે કહ્યું, "યુ નો વ્હોટ?"

"વ્હોટ?"

"મારે વિક્રમની પેલી ટ્રેપ વાળી વાત માની લેવી જોઇતી હતી. તો કદાચ મારા માણસો જીવતા હોત. હું... " વિજય આટલું બોલીને અટકી ગયો.

"બોલ.. બોલ.."

"હું..." વિજયને જાણે આગળ બોલવામાં તકલીફ પડતી હોય એમ એ બોલી નહોતો રહ્યો. પણ અંતે એ એકીશ્વાસે બોલી ગયો, "હું મૂર્ખ છું.. બસ?"

રેશ્મા હસવા લાગી, "તારા મોઢેથી આ શબ્દો સાંભળવા એક ખોજ કરવા જેટલી મોટી વાત છે."

રેશ્માની વાત એને ટોણાની જેમ ખૂંચી. પણ એને પણ હસવું આવી ગયું. બંને એકસાથે હસવા લાગ્યા.

પછી વિજયે કહ્યું, "રેશ્મા, આઇ એમ સો સોરી. મતલબ મે તારા અને વિક્રમ સાથે જે કર્યું એના માટે યુ નો?"

"ઇટ્સ ઓ.કે." રેશ્માએ ટુંકો જવાબ આપ્યો.

"ચાલ ત્યારે હવે આગળ શું કરવાનું છે એ તો જણાવ.."

"સૌથી પહેલાં તો આપણે વિક્રમને શોધવાનો છે. અને એની સાથે જે વ્યક્તિ છે એની પાસે તને તારા જવાબો મળી જશે."

"હાં બિલકુલ," વિજયના ચહેરાના ભાવો બદલાઇને ગુસ્સમાં પરિવર્તિત થઇ ગયા, "મારા પરમ પૂજ્ય પિતાજી સાથે મારે ઘણી વાતો કરવાની છે..."

(ક્રમશઃ)

* * * * *