શ્રાપિત ખજાનો - 21 Chavda Ajay દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્રાપિત ખજાનો - 21

ચેપ્ટર - 21

"સર આપણા એક માણસની હાલત ખૂબ જ ગંભીર છે.."

"ગંભીર છે મતલબ!! શું થયું છે એને?" રાજીવે આશ્ચર્યભર અવાજમાં પુછ્યું. ધનંજયને પણ આશ્ચર્ય થયું હતું.

"સર આપ પોતે જ આવીને જોઇ લો." કહીને એ માણસ જ્યાં બીજા બધા ટોળું વળીને ઉભા હતા ત્યાં ચાલ્યો ગયો. એની પાછળ રાજીવ અને ધનંજય પણ ત્યાં પહોંચ્યા. ત્યાંના હાલાત જોઇને એ બંને ચોંકી ઉઠયા.

જમીન પર રાજીવનો એક માણસ પડ્યો હતો. એ પીડાને કારણે તડફડી રહ્યો હતો. બીજા બધા માણસો એની ચારે તરફ ઘેરો વળીને ઉભા હતા. ટોર્ચનાં પ્રકાશમાં દેખાય રહ્યું હતું કે એની ચામડી નીલી પડી ગડી ગઇ છે. એની આંખોમાંથી નિરંતર પાણી વહી રહ્યું હતું. એની ગળાની નસો સોજી ગઇ હતી અને જાણે ગળાની બહારથી ફીટ કરી હોય એમ ઉપસી આવી હતી. એનો દેખાવ ભયાનક લાગી રહ્યો હતો. વનિતા એની ડાબી તરફ બેસીને એની છાતી પર દબાણ આપી રહી હતી.

રાજીવે ચિંતિત અવાજે એને પુછ્યું, "ડોક્ટર આ બધું શું થઇ રહ્યું છે?" દરમિયાન વિક્રમ અને રેશ્મા પણ ત્યાં આવી પહોંચ્યા હતા.

વનિતાએ જવાબ આપ્યો, "આના શરીરમાં ખતરનાક ઝેર ફેલાઇ રહ્યું છે. લાગે છે કોઇ ઝેરી જીવડું અથવા સાંપ કે વિંછી કરડ્યો લાગે છે." પછી એણે એ વ્યક્તિની નસ તપાસી. એના ચહેરા પર ચિંતા દેખાય રહી હતી. અચાનક કંઇક સૂઝતા એણે ઉપર નજર કરીને કહ્યું, "તમે બધા મારી વાત ધ્યાનથી સાંભળો, જલ્દી બધા પોતપોતાના ટેન્ટમાં જાઓ અને પોતાના પુરા શરીરને સારી રીતે ચેક કરી લો. જોઇ લો કે કોઇને કોઇ ઝેરી જીવાત તો નથી કરડીને? કે કોઇ જીવડું તમારા શરીર પર તો નથી ચોંટ્યું ને? જલ્દી જાઓ.." વનિતાએ રીતસરની રાડ નાખી. એની વાત સાંભળીને આખા ટોળામાં ગભરાટ ફેલાઇ ગયો. બધા મૂઢની જેમ એકબીજા સામે જોઇ રહ્યા હતા.

"જલ્દી જાઓ.." વનિતાએ ફરી રાડ નાખી. આ વખતે એની વાતની અસર થઇ. બધા પોતાના ટેન્ટ તરફ દોડ્યા અને વારાફરતી ટેન્ટમાં જઇને એમણે પોતાનું આખું શરીર ચેક કરવા માંડ્યું. વાતાવરણમાં ડર ફેલાઇ ગયો હતો. થોડીવાર રહીને બધા ફરી પાછા વનિતા પાસે આવી ગયા અને પોતે એકદમ સેફ છે એ જણાવી દીધું. વનિતાને નિરાંત વળી. મતલબ એક જ છે જે ખતરામાં છે. એ માણસ નિરંતર તરફડી રહ્યો હતો. વનિતાને એની આંખોમાં જીવવાની આશા ચોખ્ખી ઝળકી રહી હતી. રાજીવ એની પાસે બેસી ગયો અને એનો હાથ પકડીને બોલ્યો, "સોલ્જર, બી સ્ટ્રૉંગ સોલ્જર.. વી આર વીથ યુ. ડોન્ટ લૂઝ હોપ ઓલરાઇટ." એણે વનિતા તરફ જોયું. વનિતાને એની આંખોમાં એ ઉમ્મીદ દેખાય રહી હતી જે દરેક ડોક્ટર તરફ લોકો રાખતા હોય છે. વનિતા પુરેપુરો પ્રયાસ કરી રહી હતી કે એ બચી જાય. એણે બે ત્રણ જુદી જુદી એન્ટીડોટ્સ આપ્યો પણ એનો કંઇ ફેર નહોતો પડી રહ્યો. એને ખબર નહોતી પડતી કે આખરે આ ક્યુ ઝેર છે..!

એ માણસે મહામેહનતે રાજીવ તરફ માથું ફેરવ્યું. એની આંખોમાં નિરંતર આંસુ આવી રહ્યા હતા. એણે રાજીવના હાથ પર દબાણ વધાર્યું. રાજીવનું ધ્યાન પણ એના પર જ હતું. ઘણી પીડા સહન કર્યા કર્યા પછી એના મોઢામાંથી તુટક તુટક શબ્દો નિકળ્યા, "સસ..સ....ર.....સર...મ..મ..મારી......પ.. પત્ની... અને...દ.. દિકરીને કેજો..... કે...હું....એ..મને..ખ...ખુબ..જ..પ્રે...." એ બોલે એ પહેલા જ એનો અવાજ બંધ થઇ ગયો. એનું શરીર શાંત થઇ ગયું. અને આંખો એકદમ સ્થિર. એનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું.. રાજીવને એક ઝટકો લાગ્યો. એણે ફાટી આંખે વનિતા તરફ જોયું. વનિતાએ એની સામે જોઈને નિરાશાથી માથું ફેરવી લીધું. એને જે કામ માટે અહીંયા લાવવામાં આવી હતી એમા એ સફળ નહોતો થઇ શકી. એનું કામ આવા સમયે લોકોનો જીવ બચાવવાનું હતું. પણ એનું મેડીકલ નોલેજ કંઇ કામ ન આવ્યું. એ ઉભી થઇને ટેન્ટમાં ચાલી ગઇ. રેશ્મા એની પાછળ પાછળ ટેન્ટમાં ગઇ. ધનંજય, દર્શ અને વિક્રમ એમ ને એમ શાંત ઉભા હતા.

"આવું કેવું ભયાનક જીવડું હશે જે એટલી જલ્દી આટલી ભયાનક મોત મારે છે.." વિક્રમે ભયયુક્ત અવાજે કહ્યું..

"જંગલમાં આવા જીવ જંતુઓ રખડતા રહેતા હોય છે. આમાં કોઇ નવાઇ નથી.." ધનંજયે કહ્યું. વિક્રમે એક અછડતી નજર એના પર નાખી.

રાજીવ એના માણસનો હાથ પકડીને ત્યાં જ બેઠો હતો. એને એના માણસની મોતનું દુઃખ હતું એ ચોખ્ખું દેખાતું હતું. એણે ઉભા થઇને એના માણસો માંથી બે માણસોને કહ્યું, "આના મૃતદેહના અગ્નિ સંસ્કાર કરી દો. એની આત્માને શાંતિ મળશે."

"આ જંગલ ખૂબ જ ભયાનક છે. આપણે બધા અંહી જ મરી જઇશું."

રાજીવે એ બોલનાર માણસ તરફ જોયું. એની આંખો એ મૃત્યુ પામેલા શખ્સ પર હતી અને ચહેરા પર ભય વર્તાઇ રહ્યો હતો. રાજીવ તરત જ સમજી ગયો. આ સોલ્જર ડરી ગયો છે. આને શાંત પાડીને કાબુમાં કરવો પડશે. એણે કહ્યું, "સોલ્જર, શાંત થ..."

"નો... સર.." એણે મોટા અવાજે કહ્યું, "આ ભયાનક જંગલ આપણા માટે યોગ્ય જગ્યા નથી. આપણે અહીંથી વહેલી તકે નીકળી જવું જોઈએ." એણે રાજીવને આજીજી કરતા કહ્યું.

"ડરવાની જરૂર નથી..." રાજીવે કહેવા જતો હતો ત્યાં જ એની વાત કાપતા ધનંજયે કહ્યું, "ડર લાગી રહ્યો છે સોલ્જર?"

"હું આવી ભયાનક મોત મરવા નથી માગતો સર.." એણે ધનંજય સામે જોઈને કહ્યું.

વિક્રમના મનમાં શંકા ઉભી થઈ, 'આ ધનંજય શું કરી રહ્યો છે?'

ધનંજયે બે ઘડી વિચાર કર્યો. પછી એણે એ માણસની સામે જોઈને કહ્યું, "ઓ.કે., તું જઇ શકે છે... જંગલની બહાર નીકળી જા એન્ડ યુ કેન હેવ યોર લાઇફ."

એણે આવા જવાબની જરાય અપેક્ષા નહોતી રાખી. એણે અનિશ્ચિત નજરે રાજીવ તરફ જોયું. રાજીવ પણ મુંઝવણમાં દેખાતો હતો. એણે ફરીવાર ધનંજય તરફ જોયું. ધનંજયે એને જવા માટે ઇશારો કર્યો.

વિક્રમને કંઇ સમજાતું નહોતું. આખરે આ ધનંજયના મગજમાં શું ચાલી રહ્યું છે?

એ માણસે પીઠ ફેરવીને ધીમી ગતિએ ચાલવાનું શરૂ કર્યું. એના મનમાં ગડમથલ ચાલી રહી હતી કે એને શું કામ જવા દેવામાં આવી રહ્યો છે...

"સર,..પ્લીઝ ડોન્ટ.." રાજીવે ધનંજયને વિનંતી કરી. કારણ કે એને ખબર પડી ગઇ હતી કે શું થવાનું છે.

ધનંજયે તીરછી નજરે દર્શ તરફ જોયું. દર્શે એના તરફથી ઇશારો મળતા પોતાની ગન કાઢી. એ ગન જોઇને વિક્રમને ઝાટકો લાગ્યો. 'તો આ પ્લાન છે આનો?' વિક્રમે વિચાર્યુ.

દર્શે પોતાની ગન એ સોલ્જર તરફ તાકી અને ચલાવવા જ જતો હતો ત્યાં જ એક ઘટના ઘટી.

દર્શ ટ્રીગર દબાવવા જ જતો હતો ત્યારે "નહી...." રાડ પાડતા વિક્રમે દોડીને દર્શનો મજબૂત હાથ પકડીને ઉપર તરફ કર્યો. એને લીધે દર્શે છોડેલી ગોળી ઉપર તરફ છૂટી ગઇ. એક જોરદાર ધડાકને લીધે આરામથી સૂતેલા પંખીઓનો શોરબકોર વાતાવરણમાં ગુંજવા લાગ્યો.

એ સાથે એ સોલ્જરના હોશ ઉડી ગયા. એ પહેલા કે એ પુરી તાકાતથી ભાગી શકે એક ગોળી એના માથાની આરપાર નીકળી ગઇ. એક લોહીનો ફુવારો છૂટ્યો અને સામેના ઝાડ પર ફેલાઈ ગયો. અને એ ધડામ કરતો નીચે પડ્યો.

વિક્રમ ચોંકી ઉઠયો. એણે દર્શનો બંદુક વાળો હાથ તો પકડી રાખ્યો હતો એટલે એણે ગોળી નહોતી છોડી. એણે નજર ફેરવી ત્યારે એ જોઇને ચમકી ગયો કારણ કે ગોળી બીજા કોઇએ નહીં પણ ધનંજયે જ ચલાવી હતી. ધનંજયના હાથમાં રહેલી બંદુકની નળી માંથી ધુમાડો નીકળી રહ્યો હતો. વિક્રમને ધનંજય પર ખૂબ જ ગુસ્સો આવ્યો.

રાજીવને જે થયું એનો આંચકો જરૂર લાગ્યો હતો. પણ વધારે આશ્ચર્ય ન થયું. ધનંજયની વિરુદ્ધ જવાનો આ જ અંજામ થવાનો હતો. પણ એ એના માણસ માટે અફસોસ કર્યા સિવાય બીજું કંઇ કરી શકે એમ ન હતો. એની ટીમના બાકી સદસ્યો આશા ભરી નજરે એની સામે જોઇ રહ્યા હતા પણ એ નિઃસહાય હતો.

બે-બે ધડાકાનો અવાજ સાંભળીને રેશ્મા અને વનિતા ટેન્ટ માંથી બહાર આવી ગઇ. એ માણસની લાશ જોઇને એ બંનેના પણ હોશ ઉડી ગયા હતા. વિક્રમને પૂછવા પર એણે ત્યાં બનેલી ઘટનાઓ જણાવી. આખી વાત જાણીને રેશ્માને ખુબ જ ગુસ્સો આવ્યો. એણે ધનંજયને પુછ્યું, "તમે આવું કઇ રીતે કરી શકો છો?"

"એય છોકરી, જબાન સંભાળીને વાત કર." ધનંજયે કહ્યું, "એ માણસ એને જ લાયક હતો. અમારા ધંધામાં ડરની કોઇ જગ્યા જ નથી." પછી એણે વિક્રમ પાસે જઇને એની છાતી પર બંદુક રાખીને કહ્યું, "અને બીજી વાર જો મારા રસ્તામાં આવ્યો ને તો મારી બીજી ગોળી તારા દિલની આરપાર નીકળી જશે. સમજી ગયો ને?"

વિક્રમને એની આંખોમાં ગુસ્સો દેખાય રહ્યો હતો. એણે દર્શને રોકીને ધનંજયના ઇગો પર વાર કર્યો હતો. "સમજી ગયો ને?" ધનંજયે ગન વિક્રમની છાતી પર વધારે દબાવતા કહ્યું. વિક્રમ બે ઘડી કંઇ ન બોલ્યો. પછી અંતે તેણે ખાલી માથું હલાવીને હા પાડી. ધનંજય બંદુક હટાવીને બીજા બધા તરફ જોઇને મોટેથી કહ્યું, "બીજા કોઇને કર લાગી રહ્યો છે?" રાજીવના લોકોએ એકબીજા સામે જોયું. પછી નીચી નજક કરીને ઉભા રહી ગયા. કોઇ તરફથી કંઇ જવાબ ન મળતા ધનંજય રેશ્મા પાસે આવીને ધીમેથી 'સમજાવી દેજે વિક્રમને' કહીને એ અને દર્શ બન્ને પોતાના ટેન્ટ તરફ ચાલ્યા ગયા.

વિક્રમ, રેશ્મા, વનિતા અને રાજીવ હજુ ત્યાં જ ઉભા હતા. અને સાથે એની ટીમના માણસો પણ. બે-બે જણાની લાશો એમની સામે પડી હતી. પણ એ બધા કંઇ જ બોલી નહોતા રહ્યા. બોલવા જેવી સ્થિતિમાં જ નહોતા. રાજીવ એના માણસોને એ બંને મૃતકોના અંતિમ સંસ્કાર કરવાનુ કહીને પોતાના ટેન્ટમાં ચાલ્યો ગયો. એ જઇ રહ્યો હતો ત્યારે વિક્રમે એના મોઢા પર એક લાચારી જોઇ. એને ખુદને પણ રાજીવ માટે દુઃખ થઇ રહ્યું હતું. પણ બીજી જ પળે એને એક વિચાર આવ્યો. આજે જે થયું એના પછી રાજીવના મનમાં એકાદ ખુણે ધનંજય માટે ગુસ્સો અને નફરત જરૂર જનમ્યા હશે. જો એનો ફાયદો ઉઠાવીને રાજીવને પોતાની તરફ કરવામાં આવે તો? એ ધનંજય સામે એનું સૌથી મોટું હથિયાર બની શકે એમ છે. એ જ કરીશ. વિચારતો એ પોતાના ટેન્ટમાં ચાલ્યો ગયો. રાજીવ અને એ બંને એક જ ટેન્ટમાં સુવાના હતા. બે જણા સિવાય બધા સુવા ચાલ્યા ગયા.

* * * * *

"હું મૂળ જૂનાગઢનો છું."

"હેં..." વિક્રમે પુછ્યું.

રાજીવ અને વિક્રમ ટેન્ટમાં હતા. રાજીવે કહ્યું, "ગઇકાલે રાત્રે તમે મને પુછ્યું હતું ને કે હું મૂળ ક્યાં નો છું? હું જૂનાગઢનો છું."

વિક્રમે રાજીવ તરફ જોઇને કહ્યું, "આ વાત તમે અત્યારે કેમ કહી?"

"બસ ખાલી... એમ જ.."

વિક્રમ સમજી ગયો હતો. એની ટીમના બે સભ્યોની મોત પછી કદાચ રાજીવને મન હળવું કરવા માટે કોઇ સાથે વાત કરવી હશે એટલે એ વાતચીત કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. વિક્રમને પણ એની જ જરૂર હતી. એણે કહ્યું, "હું મૂળ અમદાવાદનો છું."

"આજે જે માણસ ઝેરને લીધે મર્યો એની પત્ની અને દીકરી પણ અમદાવાદમાં રહે છે."

"ઓહ્.."

"તમે જ્યારે આ જંગલમાં આવ્યા હતા ત્યારે તમને અંદાજ હતો કે બે દિવસમાં તમારે ત્રણ મોત જોવી પડશે?"

વિક્રમ માટે આ પ્રશ્ન અપેક્ષિત ન હતો. પણ એને ખબર તો હતી કે આવું કંઇક થશે, "મને એ તો ખબર હતી કે જે માણસો અમારી સાથે આવશે એ માંથી ઘણાની મોત થશે. પણ મોતની વાત વિચારવી અને મોત આંખો સામે જોવી એ બંનેમાં જમીન આસમાનનો તફાવત હોય છે. અમારા ફાયદા માટે તમારા ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો અને હજુ કેટલા મોતને ભેટશે? ખબર નહી કઇ રીતે અમે પોતાની જાતને માફ કરીશું?" વિક્રમની આંખમાં પસ્તાવો ઉતરી આવ્યો. એણે રાજીવને પુછ્યું, "તમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે તમને ખબર હતી કે બે દિવસમાં તમારે ત્રણ માણસો ખોવા પડશે? સાચું પૂછું તો તમને કે તમારા માણસોને ડર નથી લાગતો?"

"મારા માણસો કે હું મોતથી નથી ડરતા. પણ એમણે જંગમા શત્રુઓ સામે લડવાની ટ્રેનિંગ લીધી છે. મોત તો એમને મન કંઇ છે નહીં પણ સમસ્યા આવી અણધારી, અચાનક આવેલી અને દર્દનાક મોત છે જેનો સામનો કરવાની તૈયારી એમણે નથી કરી."

"કોઇપણ માણસ અણધારી આવેલી મોત માટે તૈયાર નથી થઇ શકતો રાજીવ.." વિક્રમે કહ્યું. એની વાત સાંભળીને રાજીવને નિરાંત વળી એવું એને લાગ્યું.

અચાનક વિક્રમના મનમાં એક શંકા ઉદ્દભવી. એણે કંઇક ખાતરી કરવા રાજીવને પુછ્યું, "રાજીવ, તમને ખબર છે કે આપણે આ જંગલમાં શું કામ આવ્યા છીએ?"

રાજીવે એની સામે જોયું, "આ પ્રશ્ન તું કેમ પૂછી રહ્યો છે?" રાજીવે વિક્રમને તુકારો કરતા કહ્યું.

"કે તો ખરા.." સામે વિક્રમે પણ તુકારે જ કહ્યું.

"ધનંજયે અમને હાયર કર્યા ત્યારે એણે કહ્યું હતું કે એક કિંમતી જડીબુટ્ટી આ જંગલમાં ઉગે છે. એ લેવા જવાનું છે."

ચોંક્યો વિક્રમ. મતલબ કે એની શંકા સાચી હતી. રાજીવને જરા પણ ખબર નથી કે એ લોકો અહીંયા શું કામ આવ્યા છે. ધનંજયે રાજીવને અંધારામાં રાખ્યા છે. જો આને ખબર હોત કે અહીંયાં આવવાનું વાસ્તવિક કારણ શું છે તો રાજીવ કદાચ ક્યારેય ન આવત.. પણ જણાવવું તો પડશે જ.

વિક્રમને વિચારોમાં જોઇને રાજીવને શંકા ગઇ. એણે શંકાસ્પદ અવાજે પુછ્યું, "વિક્રમ, આપણે અહીંયા જડીબુટ્ટી લેવા જ આવ્યા છીએ. છે ને?"

વિક્રમે એની તરફ જોઇને નકારમાં માથું ધુણાવી દેતા કહ્યું, "ધનંજયે તમને અંધારામાં રાખ્યા છે."

"તો આપણે અહીંયા શું કામ આવ્યા છીએ?" રાજીવે આશ્ચર્યભર અવાજમાં પુછ્યું.

જવાબમાં વિક્રમે એને બધું જ જણાવી દીધું.

* * * * *

બેય માણસો સાવધાનીથી ચોકી કરી રહ્યા હતા. રાજીવ અને બીજા બધા સુઇ ગયા હતા. ટેન્ટથી થોડેક દૂર જ સળગાવેલી એમના બે સાથીઓની ચિતા ની આગ ઠરી ગઈ હતી. રાતના સાડા બાર થવા આવ્યા હતા. એ માંથી એકે અનાયાસે જ આકાશ તરફ નજર કરી. આજે ગઇકાલ કરતા વાતાવરણ વધારે ડોળાએલું લાગતું હતું. એકપણ તારો દેખાતો ન હતો. એને કંઇક વિચિત્ર લાગ્યું. એટલામાં એણે જોયું કે પશ્ચિમ દિશામાં આકાશમાં એક રોશની થઇને તરત જ ઓલવાઈ ગઇ. 'શું વીજળી થઇ હતી?' એણે વિચાર્યું. પછી પોતાનો વહેમ હશે એમ વિચારી બીજી તરફ ચાલ્યો ગયો.

(ક્રમશઃ)

* * * * *