શ્રાપિત ખજાનો - 20 Chavda Ajay દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

શ્રાપિત ખજાનો - 20

ચેપ્ટર - 20

"રેશ્મા, ક્યા ખ્યાલોમાં ખોવાએલી છો?" વિક્રમે રેશ્માનો ખભો પકડીને એને ઢંઢોળીને કહ્યું.

રેશ્મા વિચારો માંથી બહાર આવી ત્યારે એને ખબર પડી કે વિક્રમ એને બોલાવી રહ્યો હતો.

આજે જંગલમાં એમનો બીજો દીવસ હતો. સવારના દસ વાગવા આવ્યા હતા. સંબલગઢની ખોજ માટે નિકળેલો કાફલો જંગલમાં પશ્ચિમ તરફ આગળ વધી રહ્યો હતો. અત્યારે તેઓ એક ચઢાણ ચડી રહ્યા હતા. ચઢાણ વધારે ઊંચી ન હતી એટલે ચડવામાં વધારે વાંધો નહોતો આવી રહ્યો. એક એક લાકડીનો ટેકો લઇને ઉબડ ખાબડ રસ્તા પર બધા આગળ વધી રહ્યા હતા. પેલો પહાડ કેટલો દૂર છે એનો અંદાજો હવે આવવા લાગ્યો હતો. રાજીવની ગણતરી પ્રમાણે કોઇપણ સમસ્યા ન આવે તો ત્યાં પહોંચતા બીજા બે દિવસ લાગી શકે. બે દિવસમાં એ લોકો એ પહાડની તળેટીમાં પહોંચી જશે. પછી એ પહાડ પર પહોંચીને આગળ કઇ બાજુ જવાનું છે એ નક્કી કરવાનું હતું. આજે એ લોકો સવારે વહેલા નિકળી પડ્યા હતા. ધનંજય અને દર્શ સૌથી આગળ ચાલી રહ્યા હતા. એની પાછળ રાજીવ અને એના બે માણસો એની સાથે ચાલી રહ્યા હતા. એમની પાછળ વનિતા ચાલી રહી હતી. અને એમના થી થોડેક દૂર વિક્રમ અને રેશ્મા ચાલી રહ્યા હતા. અને બાકીના બધા લોકો એ બંનેની પાછળ ચાલી રહ્યા હતા. વિક્રમે રેશ્મા કંઇક પુછ્યું હતું પણ રેશ્મા તો બીજા જ વિચારોમાં ખોવાએલી હતી. એનો કોઇ પ્રતિભાવ ન મળતાં વિક્રમે એને ફરી અવાજ કર્યો હતો.

હકીકતમાં તો રેશ્મા ગઇકાલે રાત્રે આવેલા સપનાં વિશે વિચારી રહી હતી. ડો.માર્ટિન સાથે એની જે ચર્ચા થઇ હતી એ એને સપનામાં આવીને પણ ડરાવી રહી હતી. એક રાઝ એના હૃદયમાં દબાવીને એણે રાખ્યું હતું જેનો ભાર એના માટે ઉપાડવો દિવસે ને દિવસે વધારે અઘરો અને તકલીફદેહ નીવડી રહ્યો હતો. વિક્રમથી દૂર હતી ત્યારે તો વધારે સમસ્યા ન હતી, પણ જ્યારથી વિક્રમ એની સાથે હતો ત્યારે લગભગ આખો સમય વિક્રમને પોતાની સામે જોઇને એની અપરાધભાવની લાગણી વધારે ઊંડી થઇ રહી હતી. એને ખબર ન હતી કે એ કેટલો સમય સુધી વિક્રમથી આ રહસ્ય છૂપાવી શકશે. અને હવે તો ધનંજય પણ એ જાણી ચૂક્યો છે. એટલે હવે તો એને ખાસ ધ્યાન રાખવું પડશે. એ વિચારોમાં હતી ત્યાં જ વિક્રમનો અવાજ સાંભળીને એ ફરી વર્તમાનમાં આવી.

"શું થયું વિક્રમ?" રેશ્માએ સહજ થવાનો પ્રયત્ન કરતા કહ્યું.

"તું ઠીક તો છો ને? મને તારી ચિંતા થઇ રહી છે..." વિક્રમે કહ્યું. એના ચહેરા પર ચિંતાના ભાવ રેશ્માને ચોખ્ખા દેખાતા હતા. એ ભાવ જોઇને જ રેશ્માને વધારે તકલીફ થઇ રહી હતી.

"હું ઠીક છું વિક્રમ, બસ આ ચાલતા રહેવાની એટલી આદત નથી ને. એટલે થોડો થાક લાગી રહ્યો હોય એવું લાગે છે." રેશ્માએ ખોટું બોલી દીધું.

"અચ્છા.." વિક્રમ મનોમન બબડ્યો. પણ રેશ્માના જવાબ પર એને વિશ્વાસ ન આવ્યો. જરૂર રેશ્મા કંઇક છુપાવી રહી છે એવું એને લાગ્યું. પણ એ વાતને સાઇડમાં રાખીને એણે કહ્યું, "હું એમ કહી રહ્યો હતો કે ધનંજયના વાસ્તવિક ઇરાદો શું છે એ જાણવા માટે કંઇ વિચાર્યું છે તે?"

"નહીં, હજુ કંઇ વિચાર્યું તો નથી, તે?"

"ના. મે પણ કંઇ વિચાર્યું તો નથી."

"મને શું લાગે છે ખબર વિક્રમ, આ જરૂર પૈસા માટે આ બધું કરી રહ્યો હશે." રેશ્માએ કહ્યું.

"નહીં. આ બધું એ પૈસા માટે તો નથી જ કરી રહ્યો."

"તને કેવી રીતે ખબર?"

"એનું કારણ છે.." વિક્રમે કહ્યું, "ધનંજયની ઉંમર પચાસને વટી ગઇ છે. હવે એની પાસે જીંદગી જ કેટલી વધી છે... અને એનો એકનો એક દિકરો વિજય તો હવે છે નહીં.. તો એ પૈસા પણ કોના માટે ભેગા કરશે?. અને એ એકલો ખાઇ શકે એટલા રૂપિયા તો અત્યારે જ એની પાસે છે. કે નથી એ રૂપિયા ભેગા લઇને ઉપર જવાનો. એટલે પૈસા એ કારણ ન હોઇ શકે.."

"સમજી ગઈ." રેશ્મા કહ્યું. વિક્રમની વાત એક જ વારમાં એના ગળા નીચે ઉતરી ગઇ હતી. પણ જો ધનંજય આ બધું પૈસા માટે નથી કરી રહ્યો તો પછી શું કારણ હશે? રેશ્મા વિચારતી રહી.

"તને શું લાગે છે?" એણે વિક્રમને પુછ્યું.

"મને તો લાગે છે કે એને પોતાના પુત્ર કરતા બીજું કંઇ વધારે વ્હાલું હોયને તો એ છે એનું નામ.."

"મતલબ?"

"ધનંજય અમર થવા માગે છે. એ ઇચ્છે છે કે એના મર્યા પછી પણ લોકો એનું નામ યાદ રાખે અને એ પણ અનંત સમય સુધી. લોકો એને એક મહાન ખોજ કરનાર તરીકે ઇતિહાસમાં સ્થાન આપે. પ્રોફેસર નારાયણની જેમ.." વિક્રમે કહ્યું.

"અથવા તો... " રેશ્માએ કહ્યું, "કદાચ એ સંબલગઢ એટલા માટે શોધવા માગતા હશે કે એમના દિકરાએ જે સપનું પૂરું કરવા માટે પોતાનો જીવ ગુમાવ્યો એ સપનું હવે એ પુરું કરવા માગતા હશે.... પોતાના પુત્ર ખાતર.." રેશ્માએ પોતાનો મત મુક્યો.

"સાચે જ?" વિક્રમે આશ્ચર્ય સાથે પુછ્યું, "તને સાચે જ એવું લાગે છે?"

રેશ્માએ હકારમાં માથું ધુણાવ્યું.

વિક્રમે એની સામે જોયું. એ હંમેશાંથી આવી જ હતી ને. કોઇપણ માણસમાં સારી વાતો જોવાનો પ્રયત્ન એ હંમેશા કરતી. ભલે સામે વાળો ગમે એટલો ખરાબ ન હોયને. એ હંમેશા એમનામાં સારા ગુણો જોવાનો પ્રયત્ન કરતી. આ એક સારી વાત હતી કે ખરાબ એ વિક્રમ આજ સુધી સમજી શક્યો નહતો.

અત્યારે ચર્ચાનું કોઇ તારણ નીકળે એમ નથી એ જોતા વિક્રમે વાતને પડતી મુકીને આજુબાજુનો નજારો જોવાનું નક્કી કર્યું. અહી જંગલના બીજા ભાગ કરતા વૃક્ષો ઓછા હતા અને જગ્યા થોડી ખુલી ખુલી હતી એટલે અહીંયા બધા બે-બે ત્રણ-ત્રણ એકસાથે ચાલી શકે એટલી જગ્યા હતી. કુદરતના ખોળે રખડવું વિક્રમને હંમેશા ગમતું. આર્કિયોલોજીસ્ટ થવાના બીજા કોઇ ફાયદા હોય કે ન હોય, પણ એક ફાયદો તો છે કે તમને આખી દુનિયામાં ફરવાનો મોકો મળે છે. અને એ પણ એવી જગ્યાઓ જ્યાં આજ સુધી કોઇ ન પહોંચ્યુ હોય. નવી જગ્યાઓની ખોજ કરવામાં જે રોમાંચક લાગણીનો અનુભવ થાય છે એના માટે તો વિક્રમ ગમે તે ખતરો ઉપાડવા માટે તૈયાર રહેતો. વિક્રમને એમની ફરતે ઉંચા વૃક્ષો પર વિવિધ પ્રકારના પક્ષીઓનો મધુર અવાજ સાંભળીને અનેરો આનંદ આવતો હતો. બાજુના ઝાડની ડાળી પર બેઠેલો અને એમની સામે ડોળા કાઢતો કાળા-પીળા પટ્ટા વાળો સાંપ એમનું સ્વાગત કરી રહ્યો હતો કે એમને જવા માટે ધમકાવી રહ્યો હતો એ વિક્રમને સમજાણું નહી. પણ ભયનું એક લખલખું એના શરીરમાંથી પસાર થઈ ગયું.

થોડે આગળ જતા ઢાળ આવવા લાગ્યો. ઢાળ વધારે નીચો ન હતો એટલે વાંધો ન હતો. અહીથી વિક્રમ અને રેશ્માના કાફલાને આગળથી એક અવાજ આવતો સંભળાય રહ્યો હતો. એ અવાજ પાણીના વહેણનો અવાજ હતો. આગળ એક નદી ખળખળ કરતી વહી રહી હતી. પાણીના પ્રવાહનો અવાજ કોઇ મધુર સંગીત જેવો લાગી રહ્યો હતો. બધાએ અહીં નદીના કિનારે જ આરામ કરીને બપોરનું ભોજન કરવાનું નક્કી કર્યું.

ભોજન કરવા માટે બધા પોતપોતાની અનુકૂળતા પ્રમાણે બેસી ગયા. વિક્રમ રેશ્મા અને વનિતા સાથે જમવા બેઠા હતા. એવા માં રાજીવનો અવાજ સંભળાતા વિક્રમનું કમાન્ડર રાજીવ પર ગયું. ધનંજય, દર્શ અને રાજીવ ત્રણેય સાથે જમવા બેઠા હતા. એ લોકો બીજા લોકો કરતા એટલા દુર બેઠા હતા કે એમની વચ્ચેની વાતચીત વિક્રમ સુધી પહોંચી શકતી ન હતી. વિક્રમને એ જ વાત પર સંદેહ થઇ રહ્યો હતો. રાજીવ અને ધનંજય વચ્ચે કંઇક ગપશપ થઇ રહી હતી જે વિક્રમને નહોતી સંભળાતી. એને શંકા જઇ રહી હતી કે એમની વચ્ચે કંઇક એવી વાતો થઇ રહી છે જેની એને ખબર હોવી જોઈએ.

* * * * *

"તને પાક્કી ખબર છે કે તું જે બોલી રહ્યો છે એ સાચું છે?" ધનંજયે રાજીવને પુછ્યું.

ધનંજય દર્શ અને રાજીવ સાથે જમવા બેઠો હતો. રાજીવ એની સાથે કંઇક વાત કરવા માગે છે એ જાણ્યા પછી ધનંજયે એમની બેઠક બીજા બધાથી દૂર રાખી હતી જેથી એમની વાતો કોઇને સંભળાય નહી.

"હાં સર, મને પાક્કી ખાતરી છે." રાજીવે કહ્યું, "મારો જે માણસ ગઇકાલે વાઘના હુમલાથી મર્યો હતો એની જ્યારે મે તપાસ કરી ત્યારે મને એક વિચિત્ર વાત ધ્યાનમાં આવી. જે માણસ મર્યો હતો એની મોત તો વાઘના કરેલા ઘાવને લીધે જ થઇ હતી. પણ એના બુલેટ પ્રૂફ જેકેટમાં મે એક ગોળીનું નિશાન જોયું હતું."

"તો આમાં નવાઇ પામવા જેવું શું છે? તારા કોઇ માણસે ગોળી ચલાવી હશે એના પર." ધનંજયે કહ્યું.

"નહીં સર," રાજીવે કહ્યું, "મારા એકપણ માણસ દ્વારા ગોળી નથી ચલાવવામાં આવી. મે કોઇને એનો ઓર્ડર નહોતો આપ્યો. અને ગભરામણમાં કોઇએ ગોળી ચલાવી એવું પણ નથી. ગઇકાલે રાત્રે મે બધાને એમની પાસે કેટલી ગોળીઓ છે એ ચેક કરીને મને જણાવવા કહ્યું હતું. બધા પાસે એટલી જ ગોળીઓ છે જેટલી એમની પાસે સફરની શરૂઆતમાં હતી. એટલે એમાંથી એકેયે ગોળી નથી ચલાવી. અને હું વિક્રમ અને રેશ્માની બાજુમાં જ ઉભો હતો. અને એ બંનેમાંથી પણ કોઇ ન હતું."

ધનંજય અને દર્શે એકબીજા સામે જોયું. બંનેના ચહેરા પર એકસરખી મૂંઝવણ દેખાય રહી હતી. રાજીવની વાત સાચી હતી. જે માણસનું મૃત્યુ નિપજ્યું હતું એના પર કોઇએ ગોળી ચલાવી હતી. અને એ કોણ હતો એની કોઇને ખબર ન હતી. એવું તો ન બને કે એ માણસ વાઘને ગોળી મારતો હતો અને એકાદ ગોળી એને પોતાને લાગી ગઇ હોય. એ તો શક્ય જ નથી. તો પ્રશ્ન એ ઉભો થતો હતો કે એના પર ગોળી કોણે ચલાવી?

ધનંજયના મનમાં એકાએક વિચાર ઝબુક્યો. ક્યાંક એ લોકો એનો પીછો તો નથી કરી રહ્યાં ને?

દર્શે રાજીવને પુછ્યું, "પાકું એ નિશાન ગોળી વાગવાથી થયેલું જ હતું ને? તમારી કોઇ ભૂલ તો નથી થતી ને કમાન્ડર?"

રાજીવ માટે આ પ્રશ્ન જાણે અપમાન સમાન હતો. એણે થોડા ઉંચા અવાજે કહ્યું, "મારી જીંદગીના ચાલીસ વર્ષ માંથી વીસ વર્ષ મે બંદુકો અને લડાકુ માણસો વચ્ચે વિતાવ્યા છે. ગોળીના નિશાન ને હું ન વર્તી શકું? એ તો શક્ય જ નથી." રાજીવ થોડા ઊંચા અવાજે બોલી ગયો હતો. ધનંજયના ધ્યાનમાં એક વાર આવી કે રાજીવનો અવાજ કદાચ વિક્રમના તેજ કાનો સુધી પહોંચી ગયો હતો. એટલે જ વિક્રમનું ધ્યાન એમની તરફ મંડાયું હતું.

"તો તમને શું લાગે છે કમાન્ડર?" દર્શે પુછ્યું.

"મને તો લાગે છે કે.." રાજીવે એક ઊંડો શ્વાસ ખેંચીને કહ્યું, "આ જંગલમાં આપણા સિવાય બીજું કોઇ છે... અને લગભગ એ આપણો પીછો કરી રહ્યું છે...."

રાજીવની વાત સાંભળી દર્શના ચહેરા પરના ભાવોમાં કંઇ જાજું પરિવર્તન ન થયું. પણ ધનંજયના ચહેરા પર ચિંતાની લકીરો ખેંચાવા લાગી હતી. જો કોઇ એમનો પીછો કરી રહ્યું હતું તો એ ખતરનાક સાબિત થઈ શકે એમ હતું. એ મિત્ર છે કે શત્રુ એ જાણવું જરૂરી હતું. ધનંજયે રાજીવ અને દર્શને સંબોધતા કહ્યું, "આ વાત આપણા ત્રણ સિવાય બીજા કોઇને ખબર ન પડવી જોઈએ. જ્યાં સુધી રાજીવની શંકા સાચી છે કે ખોટી એ પાક્કું થાય પછી જ બીજાને જણાવશું.."

"એવી કઇ વાત છે જે બીજા કોઇને જણાવવી નથી?"

ધનંજયે વિચારો માંથી બહાર આવીને અવાજની દિશામાં જોયું. એ વિક્રમ હતો જે એમની પાસે આવીને ઉભો હતો. વિક્રમે જરૂર એનું છેલ્લું વાક્ય સાંભળી લીધું હશે. પણ ધનંજય કંઇ બોલે એ પહેલા જ રાજીવે ઉભા થઇને કહ્યું, "નો મિ.વિક્રમ, નથિંગ સીરિયસ. જસ્ટ પર્સનલ બિઝનેસ યુનો.."

વિક્રમે આવા જ જવાબની અપેક્ષા રાખી હતી. અહીંયા પોતાની અવગણના થઇ રહી છે એ જોતા વિક્રમે વાતને પલટતા કહ્યું, "તો તમારું જમવાનું પતી ગયું હોય તો આપણે આગળ વધીએ?" જવાબમાં ધનંજયે કહ્યું, "બધા અડધી કલાક આરામ કરી લો, પછી નિકળીશું.."

"ઓ.કે." કહીને વિક્રમ ત્યાંથી ચાલ્યો ગયો.

અડધી કલાક પછી બધાએ ફરી ચાલવાનું શરૂ કર્યું. નદી ઓળંગીને બીજી તરફ જવાનું હતું. નદી ઊંડી ન હતી. ગોઠણથી નીચે સુધી પાણી પહોંચે એટલું જ પાણી એમા હતું. એટલે બધાએ આરામથી નદી ઓળંગી લીધી. ત્યાંથી આગળ ફરી હળવી ચઢાણ હતી. ગઇકાલે જેવી ઘટના ઘટી હતી એવી ફરીવાર ન ઘટે એ માટે બધા સાવચેતી રાખી રહ્યા હતા.

સદનસીબે સાંજ સુધી કોઇ કોઇ ચિંતાજનક બાબત ન બની. સાંજ સુધી બધા એકધારા ચાલ્યા પછી સાડા પાંચ વાગ્યે એક ખુલ્લી જગ્યા દેખાતા ત્યાં ટેન્ટ બાંધીને રાત ત્યાં જ રોકાવાનું નક્કી કર્યું. જમીને વિક્રમ પોતાના ટેન્ટમાં આરામ કરી રહ્યો હતો ત્યાં જ રાજીવ અંદર આવ્યો. એનો બેડ પણ એ જ ટેન્ટમાં રાખવામાં આવ્યો હતો. ગઇરાત્રે એણે રાજીવ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ રાજીવે વધારે રસ ન દાખવતાં એણે પણ વધુ વાત ન કરી. 'આ રાજીવ પણ ધનંજયનો પાલતું હશે, ઓલા દર્શની જેમ.' વિક્રમે વિચાર્યું.

બીજીબાજુ પોતાના ટેન્ટમાં ધનંજય વિચારોમાં ડુબેલો હતો. રાજીવની શંકા પ્રમાણે જો કોઇ એમનો પીછો કરી રહ્યું હતું તો એ જરૂર એ જ લોકો હશે. પણ ધનંજયે તો એ લોકોને પુરેપુરી જાણકારી આપી દીધી હતી કે એ સંબલગઢ શોધવા જઇ રહ્યો છે. કમિટીની પરમિશન પર જ એ અહીંયા આવ્યો હતો. કમિટીએ એના પર પુરો ભરોસો પણ દેખાડ્યો હતો. તો પછી પીછો કરવાનો શો અર્થ. ક્યાંક એમને ધનંજય પર શંકા તો નથી ગઇને?

એટલામાં ટેન્ટની બહારથી એક જોરદાર ચીસ સંભળાય. ધનંજય ચોંકી ઉઠયો. તરત જ બહાર ભાગદોડ મચી ગઈ. ચીસ ક્યાંથી આવી એ જાણવા એ બહાર નિકળ્યો. બહાર એને રાજીવ એના ટેન્ટ પાસે ઉભેલો દેખાયો. એ તરત જ રાજીવ પાસે આવ્યો અને એને પુછ્યું, "શું થયું કમાન્ડર?"

રાજીવની નજર બીજી તરફ હતી. જ્યાં કેમ્પ ફાયર રાખવામાં આવી હતી તેનાથી થોડેક દૂર એના માણસો ટોળું વળીને ઉભા હતા. રાજીવ ત્યાં જ જવાનો હતો ત્યાં જ ધનંજયે એને સાદ કર્યો.

રાજીવ કંઇ બોલે એ પહેલા જ એક માણસ હાંફતો હાંફતો એની પાસે આવ્યો અને પોતાના શ્વાસ કાબૂમાં કરીને બોલ્યો, "સર, આપણા એક માણસની હાલત ખૂબ જ ગંભીર છે.."

(ક્રમશઃ)

* * * * *