કહીં આગ ન લગ જાએ - 21 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કહીં આગ ન લગ જાએ - 21

પ્રકરણ-એકવીસમું/૨૧

પાર્સલ હાથમાંથી પડી ગયું અને મીરાં પણ સોફા પર ઢળી પડી...

પાર્સલમાં....
વર્ષો પહેલાની આખરી મુલાકાતમાં મીરાં એ તેના બેડરૂમમાં પરાણે સમ દઈને મિહિર ઝવેરીને જે હાલતમાં, જે કપડામાં, જે સ્થિતિમાં દાગીના આપ્યા હતાં એ એમ ને એમ જ હતા.

બે મિનીટ પછી મીરાં તેની માનસિક મનોસ્થિતિ ખંખેરીને સ્વસ્થ થવાની કોશિષ કરતાં સર્વન્ટને બોલાવીને કહ્યું,
‘હમણાં કલાક સુધી મને કોઈ ડીસ્ટર્બ ન કરતાં.’

આટલી સૂચના આપીને આંખો મીંચીને બેડ પર પડી ગઈ. હજુ પણ મીરાંનું દિમાગ ચકરાવે ચડેલું હતું.. મીરાંને તેની અને મિહિર ઝવેરી સાથેની એ આખરી મુલાકાતના એક એક સંવાદ, ક્ષણ અને સ્નેહસભર સ્મૃતિ અંશના ટોળા મીરાંને ઘેરી વળ્યા.

પાર્સલમાં દાગીના જે સ્થિતિમાં હતા તે જોઈને મીરાંને ખ્યાલ આવી ગયો કે, મિહિરે એ દાગીના જોયા સુદ્ધાં પણ નથી. પણ... આટલા વર્ષે... ? મિહિર ? અચાનક ? અને આ રીતે સંપર્ક કરે ? કેટલા સમયથી મારો પીછો કરતો હશે ? શા માટે ? અને ગઈકાલે હું મારા બંગલે નથી ત્યારે જ આ પાર્સલ તેણે મોકલ્યું તેનો મતલબ કે મારી દિનચર્યાથી પણ તે વાકેફ છે ? ક્યાં હશે મિહિર ?

મન મારીને કે મન મનાવીને ઉન્મુક્ત પ્રેમના ઉન્માદને અંકુશ કરીને મિહિરથી છુટ્ટા પડ્યા પછી મીરાંની, મિહિર સંગ મધ્યરાત્રીથી લઈને છેક વ્હેલી પરોઢની મીઠી નિંદ્રા સુધીની સહજ સપ્ન્દિત મનોરથ સૃષ્ટિની તરંગલીલામાં એ રીતે ભંગ પડ્યો કે...જાણે કાનના પડદા ચીરી નાખે તેવા વીજળીના કડાકા સાથે નિયતિએ મિહિરનું આઘાતજનક, અકલ્પિત અને શંકાસ્પદ જે ચિત્ર-ચરિત્ર રજુ કરીને એક જ ઝાટકાથી....
માંડ ફૂંટવા જઈ રહેલાં પ્રથમ પ્રેમાંકુરનો કુમળો છોડ ક્ષણમાં બળીને ખાક થઇ ગયો.

પણ... આજે વર્ષો બાદ.. આ ધીમે પગલે આવેલાં દાગીના એ મારેલી સાંકેતિક ફૂંક...

મીરાંએ મિહિરની આંખોમાં ભાળેળા ભારોભાર વિશ્વાસના ભારથી વર્ષોથી ઠારી રાખેલા ભારેલાઅગ્નિની ચિંગારી હવે કોઈ દાવાનળને પલીતો ન ચાંપે તો જ નવાઈ.

જે રીતે મિહિરે એક પહાડ જેવો પ્રશ્નાર્થ મૂકીને મીરાંની લાઈફમાંથી અણધારી એક્ઝીટ લીધી હતી તેના કારણે... લગભગ ૯૯% સ્મૃતિભ્રંશ થઇ ગયેલા મિહિરના અતીતઅંશ પર...
આજે મીરાંએ એ કિંમતી જણસની જેમ ધરબીને અકબંધ રાખેલી ૧% ની આત્મશ્રદ્ધા ભારે પડી ગઈ.

એક ઝાટકે ઊભી થઈને.. કોલ કર્યો.. મધુકરને.
‘મને વિરાણી હાઉસ આવતાં જરા મોડું થશે. એક બે પેન્ડીંગ કામ યાદ આવ્યા તે પુરા કરીને આવું છું.’

‘જી.’ મધુકરે એકાક્ષરી રીપ્લાઈ આપી ને કોલ કટ કર્યો.
એ પછી મીરાંએ સર્વન્ટને કોફી લાવવાની સૂચના આપી.

ત્યારબાદ મોનીટર પર ગઈકાલના સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજીસ વારંવાર ચેક કર્યા. પછી જાત પર હસતાં મનોમન બોલી,

હું શોધું છું ? મિહિરને ? આટલા વર્ષોમાં ત્રણ સ્ટેટની પોલીસ અને ક્રાઈમ બ્રાંચ તથા તેના જેવી બીજી કંઇક ગુપ્તચર એજન્સી પણ તેનું પગેરું શોધવામાં સદંતર નિષ્ફળ રહી તેને મીરાં રાજપૂત શું શોધી શકવાની હતી ?

અને.. કંઈક એવું ઠોસ કારણ હશે કે, જેના કારણે મિહિર આટલા વર્ષો પછી આ રીતે મારાં સુધી પહોંચવા આવી સુફિયાણી હરકત કરે. ફરી પાછુ એ દાગીનાનું પાર્સલ તેના ખોળામાં રાખીને કયાંય સુધી બસ જોયા જ કરી. દાગીના કરતાં મીરાંની સ્મૃતિ અને આંખોમાં એ અંતિમ મુલાકાતના સંસ્મરણોનો ચળકાટ વધુ હતો. એક અરસાથી શિથિલ થઇ ગયેલાં કંઇક સપ્ન્દનોમાં સંચારવૃતિનો સંદેશો સાંપડવા લાગ્યો.

ખુશી...એક એવી અંદાજીત ખુશીથી આનંદિત થવાની ક્ષણ હતી કે, મિહિરના સાનિધ્યમાં તેના પ્રત્યે સહજ પ્રજ્જવલિત થયેલી આસ્થાના આધારે મનોમન પ્રગટાવેલો એક દિવ્યાનુભુતીનો દીવડો આજે પણ તેની અખંડતાનો પુરાવો પૂરો પાડશે એવી એક આછા આશાના તાંતણે બંધાયેલી મન્નત પૂરી થવાના ખુશખબરની એક આછેરી ઝલકથી મીરાં ખુશ હતી.

અડધો એક કલાક પછી.. કબીરનો કોલ આવ્યો..
‘કીસ દુનિયા મેં હો મેરે સરકાર ? આજે વિરાણી હાઉસ આવવાનો ઈરાદો નથી કે શું ? કબીર તેની સદાબહાર અદામાં વાતની રજૂઆત કરતાં બોલ્યો.

‘હમમમ.. ઘરે છું, કબીર. અચાનક, અજાણતાં ભુલાઈ ગયેલું કામ યાદ આવી ગયું તો કયારની તેમાં ગૂંચવાયેલી છું, બસ.’
‘હું કંઈ મદદ કરી શકું ? કબીરે પૂછ્યું
‘હમમમ.. સોરી કબીર.. આ ઇસ્યુ એવો છે કે, જેમાં કોઈ ત્રીજા માટે અવકાશ નથી.’ મીરાં બોલી
‘ત્રીજાનો મતલબ.. આઈ થીન્ક કે ઓલ રેડી કોઈ બે તો છે જ ? એમ આઈ રાઈટ ?
દાઢ માંથી શંકાના ટોનમાં કબીરે પૂછ્યું.

‘હા.. એવું જ કંઈ. હું આવું છું થોડીવારમાં વિરાણી હાઉસ પછી મળીએ. ઓ.કે.’
મીંરાએ વાત ટુંકાવવા જે રીતે જવાબ આપ્યો તેનો કબીરને ખ્યાલ આવી જતાં સ્હેજ નારાજગીના સ્વરમાં બોલ્યો,
‘જી ઠીક છે’

ત્રણ અઠવાડિયા પહેલાંની એ પ્રથમ વર્ષાઋતુની ઝરમર વર્ષા સાથે કબીરના સાનિધ્યમાં સહજતાથી મીરાંના કોયડા જેવા ખાલીપામાં ખીલી ઉઠેલાં તરંગો જેવા રંગોથી પ્રફ્ફુલિત થયેલાં મીરાંના મનની નિર્દોષ મુગ્ધતાથી મીરાંએ કબીરને તેના રાઝદારનો હક્કદાર બનાવ્યાની સ્વીકૃતિ પછી... કબીરની મહત્વાકાંક્ષી વિચારશૈલી સાથે તેના પ્રેક્ટીકલ અને શાતિર દિમાગમાં અવનવા કાવતરાના કીડા સળવળવા લાગ્યા હતાં

મીરાંને સતત ખૂંચતા તેના મનગમતા ખાલી ખૂણોનો કબીર મીરાં સામે તેનું હથિયાર બનાવીને મીરાંને પાંગળી બનાવી દેવાની પેરવી રચવા લાગ્યો હતો. મીરાં એ કબીર પર મૂકેલાં વિશ્વાસના અંશને કબીરે તેની જાગીર અને ઉપલબ્ધિ સમજીને અંધવિશ્વાસના અતિરેકમાં હવે શક્ય તેટલું જલ્દી તે મીરાંની કમજોરી અને મજબૂરી બનવા આતુર હતો... મીરાં એ માસુમિયતથી કબીરને તેના શૂન્યાવકાશનો સાથીદાર સમજીને કબીર તરફ માંડેલા એક કદમથી હિંમતના આધારે કબીર હવે...
મીરાનું તન, મન અને ધન બધું જ મનભરીને લુંટી લેવા માટે તત્પર હતો.

‘કોઈ ત્રીજા માટે અવકાશ જ નથી...’ માત્ર આટલાં શબ્દોથી જ કબીર તરત જ એલર્ટ અને ડીસ્ટર્બ પણ થઇ ગયો.

કલાક પછી મીરાં માનસિક રીતે સ્વસ્થ થઈને વિરાણી હાઉસ પહોંચ્યા પછી છેક સાંજ સુધી મધુકરની જોડે તેની ચેમ્બરમાં સતત કામમાં મન પરોવીને વ્યસ્ત રહી. થાક્યા પછી સાંજે મધુકરને મીરાંએ પૂછ્યું

‘મધુ, શું શેડ્યુલ છે હવે પછીનું ?’
‘કેમ, કંઈ બહાર જાવું છે ? લેપટોપમાં પર કામ કરતાં કરતાં મધુકરે પૂછ્યું
‘પ્રશ્નની સામે પ્રશ્ન ? મીરાંએ પૂછ્યું

‘મીરાં, આઈ મીન, તો હું એ મુજબ મારું પલ્નીંગ કરું એમ પૂછવા માંગું છું. ટ્રાય ટુ અન્ડર સ્ટેન્ડ.’ સ્હેજ નારાજગી સાથે મધુકર મીરાંની સામું જોયા વગર જ બોલ્યો.

‘આટલા વર્ષો થી હજુ તને સમજવાની ટ્રાય જ કરું છું ને.’ મીરાં મનોમન બોલી

‘મતલબ કે તારી પાસે પ્રાથમિકતાના પર્યાપ્ત પર્યાય છે એમ જ ને ?
ઠીક છે., હું ઘરે જાઉં છું, તું આવ પછી શક્ય હશે તો કંઇક ડીસાઈડ કરીશું.’ એટલું બોલીને મધુકર પ્રત્યેની અંતરદાઝ પર અંકુશ મુકીને ચેમ્બરની બહાર નીકળી ગઈ.

ઘરે આવીને ફ્રેશ થઈને સ્વિમિંગ પુલ પાસેની લોંગ ચેરમાં હેડફોન લગાવીને આંખો મીંચીને પડી.. ત્યાં જ કોલ આવ્યો કબીરનો..

‘અરે.. ગઝબ છો.. મને જસ્ટ હમણાં ખબર પડી કે તું વિરાણી હાઉસ આવીને જતી રહી.. અને મને તેની જાણ સુદ્ધાં પણ નથી. વ્હોટસ ધ પ્રોબ્લેમ ? નો કોલ.. નો મેસેજીસ. એનીથિંગ રોંગ ?

‘કબીર.. પ્લીઝ, રાઈટ નાઉ લીવ મી એલોન. આઈ વીલ કોલ યુ બેક આફ્ટર સમ ટાઈમ.’ એમ કહીને મીરાંએ કોલ કટ કર્યો.

જે ઝડપથી મીરાં એ કોલ કટ કર્યો તેની દસ ગણી ગતિએ કબીરની કમાન છટકી. પણ.. કબીરે તેની ખુરાફાતી ખોપડીની પ્રતિક્રિયા સામે ખફા થયાં વગર શાંત ચિતે વિચાર્યું કે, હવે આંગળી વાંકી કર્યે આ બરણીમાંથી ઘી નહીં નીકળે. કાં આગ ચાંપવી પડશે કાં તો તોડવી પડશે. માંડ માંડ વિકટરી લાઈન સુધી આવેલો ઘોડો આમ છેલ્લી ઘડીએ ફસડાઈ પડે તે કબીરને કોઈ કાળે મંજૂર નહતું.

અડધો એક કલાક આંખો મીંચીને મીરાં તેના મનપસંદ ગીત-સંગીતના સહારે તેની ડામાડોળ મનોસ્થિતિને મક્કમ કરવાની વ્યર્થ કોશિષ કરતી રહી.
મિહિર સાથેની પ્રથમ ઔપચારિક મુલાકત પછીની નિકટતાની ગંભીરતાથી નોંધ લીધી ત્યારથી લઈને છેક આજે સવારે જે પાર્સલ મળ્યું ત્યાં સુધીની મીરાંને તેની જિંદગીમાં આવેલાં મહત્વના ચડાવ ઉતારની એક એક કડી જોડાઈને અતીતીનું સુવ્યવસ્થિત રીતે વ્યથિત કરતું એક વર્તુળ જાણે કે મીરાંનો દમ ઘૂંટી રહ્યું હતું.
ત્યાં મધુકર આવ્યો. અને પંદર થી વીસ મીનીટમાં ફ્રેશ થઇ પાર્ટી વેરમાં સજ્જ થઈને મીરાં પાસે આવીને બોલ્યો..

‘સોરી ડાર્લિંગ, હું એક ઇપોરટન્ટ બીઝનેસ મીટીંગ વિથ ડીનર પાર્ટી એટેન્ડ કરવાં જઈ રહ્યો છું. ઘરે આવતાં મને લેઇટ થઇ જશે. સી યુ. બાય.’

‘ટેક કેર.’ આટલું બોલ્યા પછી મીરાં મનોમન બોલી..
‘આમાં નવું શું છે ? એઝ ઓલવેય્ઝ લાઈક એ કોપી પેસ્ટ લાઈફ.’

દિવસો પસાર થવાં લાગ્યા...

હવે મીરાંના કામકાજ સિવાયનો સમય મિહિરના મનનમાં જ પસાર થઇ જતો..અચાનક તબદીલ થયેલું મીરાંનું વર્તન કબીર માટે બેહુદુ અને અકળામણું થવા લાગ્યું. અને મીરાં એ પણ સહજ રીતે સંજોગો જ એવાં ઉભાં કર્યા હતાં કે હવે તેણે એકલું રહેવું ગમતું. હવે મીરાં પાસે તેની એકલતા સામે લડવા માટે નું સૌથી હાથવગું અને કારગર હથિયાર હતું...તેને વર્ષોથી શંકાશીલ અને ધૂંધળું લાગતું ચાહતચરિત્રનું એ ચિત્ર, કે જે હવે એટલું ઉજળું અને ઉજાગર થઇ ગયું હતું કે, તેની ધારધાર શ્રધ્ધાના જોરે તેની એકલતાને હરાવવા અને હંફાવવા માટે પર્યાપ્ત હતું.

એ પછીના એક અઠવાડિયા બાદ...

આજે માંડ માંડ કબીરને વિરાણી હાઉસમાં મધુકરની અનુપસ્થિતિમાં મીરાંને મળવાની તક સાંપડી હતી.

મીરાંએ કબીરને ચેમ્બરમાં આવવાની અનુમતિ આપી.

કબીર પણ એ નક્કી કરીને જ મીરાંની ચેમ્બરમાં દાખલ થયો કે, આજે તો મીરાંના અભિમન્યુ જેવા અકળ કોઠાને વીંધ્યે જ પાર કરીશ. એવાં મક્કમ અને મજબુત મનોબળ સાથે તેની મેલી મુરાદના મનસુબાને અંજામ આપવાં કબીર દાખલ થયો મીરાંની ચેમ્બરમાં.

અને જયારે આ તરફ મીરાંને કબીરના મલીન મસ્તિષ્કમાં મંડાયેલી ચોપાટના ચાલની કોઈ જ ગંધ નહતી.

‘વેલકમ.. કબીર..’
‘જી, આપનો દાસ હાજર છે.’ ઓલ રેડી કોમ્પુટરાઈઝડ સોફ્ટવેરની માફક સેટ કરેલા ચાબખા જેવા સવાલથી સત્સંગની શરૂઆત કરતાં કબીર બોલ્યો.

‘દાસ ? આ વળી શું ? નવાઈ સાથે સાહજિકતાથી મીરાંએ પૂછ્યું
‘છેલ્લા વીક થી મારા પ્રત્યે આ અકારણ ઉભાં કરેલાં અનએક્સેપ્ટેબલ રૂડલી બિહેવિયરનું કારણ જાણી શકું ? ચેર પર બેસતાં કબીરે પૂછ્યું

‘રૂડલી.. ?’ એવું તે મેં શું કર્યું ? મીરાંએ પૂછ્યું.
‘મીરાં.....એ..વરસાદી.. અર્લી મોર્નિંગ સુધીની...પાંચ વાગ્યાની ગૂડ મોર્નિંગ વાળી રાત્રી પછીના ત્રણ વીક અને.. આ છેલ્લાં એક વીક દરમિયાનના તારા વાણી અને વર્તનમાં કંઈ અંતર દેખાઈ છે ?

કબીરનો સવાલ સટીક હતો. પણ.. છેલ્લાં એક વીકથી મીરાં ફક્ત અને સતત તેની જાત સાથે જ સંકળાયેલી હતી. એટલે કબીરની અકલ્પનીય અતિ અકળામણ મીરાંની દ્રષ્ટિમાં ન જ આવે એ મીરાં માટે અતિ સ્વાભાવિક હતું.

‘કેમ કઈ ખાસ નોંધ પાત્ર છે ? એવું તે શું છે ? મીરાંએ પૂછ્યું.

‘કબીર.. કબીર.. કબીર... કબીર આ.. કબીર પેલું.... ત્રણ વીકમાં ત્રણસો વાર સાંભળ્યા હશે મેં આવા વાક્યો.. અને છેલ્લાં એક વીકથી.. હું નોંધ લઉં છું કે.. લીટરલી મને અવોઇડ કરવામાં આવી રહ્યો છે, એવું તે શું થઇ ગયું એક વીકમાં મીરાં ? સાચી મીરાં કંઈ એ વરસાદી રાત્રી વાળી કે જે હમણાં મારી સામે છે એ ?
મીરાંની સામે જોઇને મનોમન અકળાતાં કબીર બોલ્યો.

‘ફર્સ્ટ ઓફ ઓલ ..લીસન કેરફુલી કબીર. મીરાં રાજપૂત એક જ છે. તેનો બીજો કોઈ ચહેરો નથી. અને હું જન્મજાત સંપૂર્ણ પણે સ્વતંત્ર હતી, છું અને આજીવન રહીશ. મધુકરની મિલકતની રકમ પાછળ કેટલાં ઝીરો હશે ? પણ મારી સ્વતંત્રતા સામે તેની રકમ ઝીરો છે. મધુકરની આટલી અધધધ.. મિલકત પણ મારી સ્વતન્ત્રતા નથી ખરીદી શકી કબીર. મીરાં રાજપૂત તારી સાથે તો શું કોઈની સાથે અને સામે મોહરું પહેરવા પડે એવાં નિન્મ કક્ષાના સંબંધનો કયારેય સ્વીકાર ન કરે. મીરાં રાજપૂત કોઈપણ જાહેર કે અંગત સંબંધ તેની સભાનતા, ખુમારી અને ખાનદાની સાથે રાખે છે. અને મેં તને મારી લાઇફની જે અંગતતા અને અધિકારનો જે હદે અધિકારી બનાવ્યો છે તે બીજા કોઈપણ પુરુષ માટે કલ્પના કરવી એટલે મોત સાથે મજાક કરવાં બરાબર છે.’

‘કોઇપણ સ્ત્રીને તેનો મનગમતો પુરષ તેના મનનો માણીગર બને એ ગમે પણ, માલિક બને એ ન ગમે. એવું શું છે કે જે મીરાં રાજપૂત ધારે અને ન કરી શકે ?

કબીર...સંબંધને સહેલાવવાના હોય.... પંપાળવા ના હોય...રૂંધવાના ના હોય. મમત્વની માયા મુકીને મહોબ્બતની મર્યાદા અને એ મર્યાદાની મહોબ્બતને જાણ્યા પછી તેને માણવાની મજા કંઇક અલગ જ હોય છે. આઈ થીન્ક ઇટ્સ ઇનફ.’

કબીરને હતું કે, જે રીતે મીરાં તેની નિકટ આવી રહી હતી તે જોતાં ટૂંક સમયમાં મીરાં તેની મુઠ્ઠીમાં આવી જશે. પણ જે રીતે મીરાં એ તેના મિજાજનો અસલી પરિચય આપતાં હવે કબીરના દિમાગમાં મીરાં માટેની જે સર્વ સામાન્ય સ્ત્રીની છબી હતી એ તો કયાંય ઉડી ગઈ. કબીરને થયું ક્યાંય ઉતાવળ થઇ ગઈ છે. આ અસલી રાજપૂતનું રાજપાટ આટલી આસાનીથી હાથમાં આવે તેમ નથી. અહીં વેઇટ એન વોચની નીતિ જ અપનાવવી પડે તેમ છે. સાવ જ અજાણ્યાં થઈને વાતને વાળવા અને ટાળવા માટે ઈમોશનલ વે પર જઈને અદાકારી કરતાં કબીર બોલ્યો..

‘સોરી, મીરાં પણ શાયદ તારા કરીબ અને કાબિલ બનવા માટેની ડેફીનેશન સમય સંજોગ પર આધારિત હશે તેની મને નહતી ખબર. એ રાત્રિના નિકટતાના સંબંધ કે સબંધની નિકટતાના અધિકારની રુએ હું એવું સમજતો હતો કે મને હવે તારા અંતરમનમાં પ્રવેશવા માટે દસ્તક દેવાની જરૂર નથી. પણ.. મને હવે એવું લાગે છે કે.. એ રાત્રીની અવસ્થા સ્થાઈ નહતી...એ..એ.. એક ક્ષણિક આવેગ હતો. પહેલાં... મનગમતા મહેલના કોઈ એક ખુંચતા ખાલીપાના ખૂણાથી અવગત કરાવી અને પછી... ખપ પડે ત્યારે તે ખાલીપાને ખડખડાટ હાસ્યના ઠહાકા સાથે ખુશહાલીથી ભરીને કોઈ એક શામને ગમતીલા નામ સાથે જોડીને રંગીન કરવાના અભરખાના ઉભરા ઠાલવવા માટે કોઈ નવી પરિકલ્પના રચવા ફરી કોઈ નવા પરિચિત પર્યાયની કાબિલ-એ-તારીફ સાથેની દાદ અને જીત માટે જાતને છેતરીને કરીબ લઇ આવવાની જીદ. શાયદ એવું જ કંઇક. એમ આઈ રાઈટ ?

મીરાં એ થયું કે, તે રાત્રિએ પડેલાં વરસાદ કરતાં તેની ભૂલ વધુ પડી હતી. મીરાંને થયું કે, તેનામાં પડેલા જન્મજાત ગુણધર્મની સાહજિકતાના આધારે મીરાંને લાગ્યું કે, કબીરમાં તેની એકલતાને ઉકેલવાના અનેક ગુણો છે. આંખે ઉડીને ગમે તેવી મહતમ મર્યાદામાં રહીને કબીર એક ખુબ સારો અને અંગતથી વિશેષ એવો મિત્ર બનીને તેની રંગીન જિંદગીમાં ક્યાંક અને ક્યારેક અણધારી અમાસના અંધકાર જેવી ઉતરી આવતી પળોને કબીર તેના મેઘધનુષના સપ્તક જેવા પરિપક્વતાના પાક્કા રંગોના અજવાળાંથી ઉજાસ ભરી દેશે. અને તે રાત્રિએ ઈશ્વરીય સંકેતથી સઘળું રોપાયું હતું. અને...કબીર સાથે ખાસ્સા બે વર્ષ જેવો લાંબો સમયગાળો વિરાણી ઇન્ડસ્ટ્રીઝને લગતાં કામકાજમાં વિતાવ્યા બાદ મીરાંએ તેની પદ, પ્રતિષ્ઠાને નજરમાં રાખીને ખુબ સમજી વિચારીને કબીરમાં મીરાંને તેના નજીકના મિત્ર બનવાના અણસાર આવ્યો હતો. હવે આજે... કબીરમાં એક સર્વ સામાન્ય પુરુષની માફક મફતમાં મળેલી પરાઈ મિલ્કત પર માલિકીભાવ જેવી સાવ ક્ષુલ્ક મનોભાવનાથી મીરાં બેહદ માનસિક રીતે વિચલિત થઇ ગઈ હતી. ફરી એક ભૂલ ? કબીરની સાવ તળિયાની માનસિકતા છતી થતાં મીરાં આહત હતી. છતાં પણ તેને થયું કે હવે કબીરની રહી સહી ભ્રમણાનો પણ હમણાં જ ભુક્કો કરો નાખવો જ યોગ્ય છે. એટલે બે કોફીનો ઓર્ડર આપીને પાણી પીધા પછી કબીરની સામે જોઈને બોલી.

‘કબીર...બન્નેના વૈચારિક અસમાનતાનું એક સામાન્ય કારણ છે. બન્ને ના દ્રષ્ટિકોણ. તને તારી જગ્યા એ થી જે છ દેખાય કે વંચાઈ છે, તે મને મારી જગ્યા એ થી નવ દેખાય અને વંચાઈ છે બસ. બન્નેની સંબંધ માટેના સમજણની વ્યાખ્યામાં ઘણી વિસંવાદિતા છે. કારણ...આઈ થીંક કે બંનેની જરૂરિયાત અલગ અલગ છે. અને વિસંવાદિતાની ખાઈ એટલી ઊંડી છે કે, તેના સંવાદ માટે વિશ્વશબ્દકોશનો પનો પણ ટૂંકો પડે. અને રહી વાત અધિકાર ની તો તેના માટે હું મારી એક દ્રઢ પત્થરની લકીર જેવી એક જ વાત કહીશ કબીર કે.. કોઈપણ સ્ત્રી, ભણેલી કે અભણ, મીલીઓનાર કે મુફલીસ, રૂપાળી કે કદરૂપી, તેનું દિલ અને ડીલ કોઇપણ પર પુરુષ પાસે ત્યારે જ ઊઘાડું કરે કે જ્યાં નિસંદેહ, નિસ્વાર્થ નિષ્ઠાના નેજા હેઠળ વિશ્વાસના વિનિમયનું ચલણ હોય. સ્ત્રીમિત્ર બનાવવા માટે પુરુષનું સૌથી નબળું પાસું હોય તો તે છે, તેનું સૌથી સબળું પાસું, એ છે પુરુષત્વ. આઈ થીંક આપણે કોફી પી ને છુટ્ટા પડીએ. તું મારો ખુબ સારો મિત્ર હતો, છે અને રહીશ.’

હજુ.. મીરાં તેનું વાક્ય પૂરું કરે ત્યાં મીરાંના મોબાઈલની રીંગ રણકી...
કોઈ અનનોન નંબર પરથી કોલ હતો, કોલ રીસીવ કરતાં જ મીરાં બોલી,
‘હેલ્લો....’
સામા છેડે થી કોઈ જ રીપ્લાઈ ન આવ્યો..
‘હેલ્લો... હેલ્લો...’ ફરી મીરાં બોલી.

‘આશા રાખું છું કે, આપને આપના દાગીના સહી સલામત મળી ગયા હશે.’

કોઈ ઘાવ ના દાગની માફક ચિતમાં ચોંટી ગયેલો એક એવો સ્વર જે સાંભળવા વર્ષોથી કાન આતુર હતા. એ સ્વર હતો મિહિર ઝવેરીનો. એક સેકન્ડ માટે તો મીરાંના શરીરમાંથી એક લખલખુ પસાર થઇ ગયું. એક કંપારી છુટી ગઈ. મીરાંના મુખેથી માંડ એક શબ્દ નીકળ્યો..

‘જી.’

અને આ એક શબ્દ સાથે સામા છેડેથી સંપર્ક કટ થયો.. એટલે મીરાં તેના ચહેરાના એક્શ્પ્રેશ્ન્સ અને માનસિકતાને સંતુલિત કરતાં કોલ કટ થઇ ગયો હોવા છતાં બોલી...

‘હેલ્લો... હેલ્લો..’
મીરાં એ એ નંબર પર કોલ રિડાયલ કર્યો..પણ.. સેલ ઓફ.. એક.. બે..ત્રણ.. વખત મીરાં એ પ્રયત્ન કર્યો પણ સેલ ઓફનો ઓટો અન્સરીંગ ટોન જ આવ્યો.

મીરાંની બોડી લેન્ગવેજ, ટોન અને બિહેવિયર પરથી કબીરને આંશિક શંકા જતા પૂછ્યું,

‘જાણી શકું શું થયું ?

બીજી જ પળે સામાન્ય થવાનો ડોળ કરતાં મીરાં બોલી..

‘અરે..નથીંગ.. મને કોઈ પરિચિત ટોન લાગ્યો. પણ આઈ થીંક નેટવર્ક ઈસ્યુના કારણે કંઈ સ્પષ્ટ સંભળાયું નહીં. ધેન ઓ.કે. કબીર, મને એક અગત્યના કામ માટે નીકળવાનું છે. હું જરા ઉતાવળમાં છું. સી યુ સૂન.’

આટલું બોલીને મીરાં ઊભી થઇ. અને કબીર કોઈપણ જાતના પ્રત્યુતર આપ્યા વગર ચુપચાપ તેની ચેમ્બરમાં આવીને રીતસર ફસડાઈને સોફા પર પડ્યો..

કબીરને એવી ફીલિંગ્સ થઇ રહી હતી જાણ કે, કરોડો લોટરી જીતવામાં લાસ્ટ એક જ ડીઝીટનો જ ડીફરન્ટ રહી ગયો હોય.

મીરાંના સાવ પારદર્શક, પરિપક્વ અને પીઢતાથી ભરેલાં ભારોભાર સંવાદના શબ્દાર્થને સમજવા કબીરનું શાતિર દિમાગ અસમર્થ હતું. કબીર મીરાંએ કહેલી વાતોનું અર્થઘટન અને મૂલ્યાંકન તેની ઉર્ધ્વગતિ તરફ જતી મતિના આધારે કરવા લાગ્યો.

કંઇક તો જરૂર એવું અણધાર્યું બન્યું છે જેના કારણે મીરાં તેનાથી ડીસ્ટન્સ ક્રિએટ કરવાં માંગે છે. શું હશે ? કોઈ ષડ્યંત્ર કે શખ્શિયત ? મીરાં કોઈના ફંદામાં ફંસાઈ રહી છે ફંસાવી રહી છે, કે ફંસાવાનો ડોળ કરી રહી છે ? અથવા ત્રીજી કોઈ એવી બહુરૂપિયા વ્યક્તિત્વ જેવી વ્યક્તિ જે દિવસે મધુકર હોય અને રાત્રે કબીર.

અંતે.. ક્યાંય સુધી કબીર તેના રક્તકણમાં વણાયેલી પ્રકૃતિને આધીન થઈને તદ્દન પાયાવિહોણા પરામર્શની સીડીના પગથિયાં ચડતો ગયો અને.. એ બહાને અજાણતાં જ તે પોતાની જાતને પતનની ખાઈ તરફ ધકેલાતો રહ્યો.

-વધુ આવતાં અંકે.

© વિજય રાવલ..

'કહીં આગ ન લગ જાએ ' શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.
Vijayraval1011@yahoo.com
9825364484