કહીં આગ ન લગ જાએ - 7 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

કહીં આગ ન લગ જાએ - 7

પ્રકરણ- સાતમું/૭

'હવે સાંભળો, આવતીકાલે સાંજે ૭ વાગ્યા પછી યુનિવર્સીટીની સામે જે રાધા-કૃષ્ણનું વિશાળ મંદિર છે ત્યાં તમારાં દર્શનની અભિલાષા રાખું છું. બોલો ?’
‘ડન.. પણ ..મીરાંની ઉપસ્થિતિને લઈને રાધાને કૃષ્ણ પ્રત્યેની પ્રેમલીલામાં વિક્ષેપ તો નહી પડે ને? હસતા હસતા મિહિર બોલ્યો.
‘હમ્મ્મ્મ.. ના. કારણ કે કૃષ્ણ હોય ત્યાં મીરાં બેફીકર જ હોય.’ આના સંદર્ભમાં મને મારું એક ફેવરીટ સોંગ યાદ આવે છે.’
‘કયુ સોંગ?’ મિહિરે પૂછ્યું.
‘અપને પે ભરોસા હૈ તો યે દાવ લગા લે.’ ઊભી થઈને બાઈક તરફ જતાં મીરાં બોલી.
ગઈકાલે નિર્ધારિત કરેલાં સમયથી પાંચ મિનીટ પૂર્વે ઠીક ૬:૫૫ એ સ્કાય બ્લ્યુ જીન્સ પર ઉડીને આંખે વળગે એવો સ્વચ્છ સફેદ ની લેન્થ સુધીના ઝભ્ભાનાં પરિધાનમાં ભવ્ય મંદિરના મુખ્ય દ્વારની સામે આવેલાં ખુલ્લાં, વિશાળ લીલાંછમ ઘાસની હરિયાળીથી ભરપુર પટાંગણની મધ્યમાં ગોઠવેલી એક બેન્ચ પર બેસીને, મિહિર મોબાઈલમાં કંઇક ખાખાંખોળા કરી રહ્યો. ત્યાં જ મીરાંએ બેક સાઈડથી આવી, તેના પીઠ પર એક ધુંબો મારતાં બોલી,
‘આખરે તમે સાબિત કરી જ દીધું હો.’

વ્હાઈટ પ્લાઝો પર લેટેસ્ટ ફેશનની ફૂલ લેન્થની લાઈટ મોરપિચ્છ કલરની કુર્તીમાં બેહદ જ ખુબસુરત લાગતી મીરાંને થોડી ક્ષણ માટે તો મિહિર તાકતો જ રહી ગયો પછી સ્વસ્થ થતાં પૂછ્યું,
‘શું?’ મિહિરે પૂછ્યું.
‘એ પછી કહું. પ્લીઝ.! જરા એક મિનીટ માટે ઊભા થઈ જાઓ તો.’
એટલે મિહિર બેન્ચ પરથી ઊભો થઈને મીરાં સામે આશ્ચર્યથી જોતાં પૂછ્યું.
‘વ્હોટ હેપ્નડ ?
ઉપરથી નીચે સુધી મિહિરને જોયા પછી મીરાં બોલી..
‘ટુ કૂલ યાર. તમને હું જેટલી વાર મળી છું, ત્યારે તારા ડ્રેસ માટે મેં એક વાત ખાસ માર્ક કરી છે.’
“કઈ?’
‘તમારાં બોડી સ્ટ્રક્ચરની એક એવી યુનિક ખાસિયત છે કે તમે જે કંઈ પણ પહેરો એ તમારાં પર પરફેક્ટ શૂટ થઇ છે. એન્ડ તમારું ડ્રેસ સેન્સ ગજબનું છે. આઈ લાઈક ઈટ મોસ્ટ.’
બેન્ચ પર મિહિરની બાજુમાં બેસીને તેની હેન્ડબેગમાંથી વોટર બોટલ કાઢીને મિહિરને આપતાં મીરાં બોલી.
‘થેન્ક્સ. પણ હવે એ તો કહો કે મેં શું સાબિત કરી દીધું?’
એક સેકન્ડ માટે મિહિર સામે જોઇને મીરાં બોલી.
‘એ જ કે અંતે તો તરસ્યાંએ જ કૂવા પાસે જવું પડે એમ.’
એમ બોલીને મીરાં હસવા લાગી.
એટલે મિહિર મીરાંની સામે જોઈને બોલ્યો.
‘કોણ કૂવો અને કોણ તરસ્યું તેની પણ ચોખવટ કરજો. અને તરસ્યાં થયાં પછી જ કુવા પાસે આવે, એ તો અયોગ્ય જ કહેવાયને.’
‘જાન કે અનજાન બનના તો કોઈ આપ સે શીખે જનાબ.આ તમારી હાજરજવાબીની અદા પર જ હું ફિદા છું.’
ઉભાં થતાં મીરાં બોલી.
‘કેમ ક્યાં ચાલ્યાં?’ મિહિરે પણ ઉભાં થતાં પૂછ્યું.
‘ચાલોને, ત્યાં પેલી નાની મઢુલી જેવી બેઠક છે ત્યાં આરામથી ચેર પર બેસીએ.’
એમ બોલીને મીરાં અને મિહિર ધીમે ધીમે ચાલતાં ચાલતાં છત્રી આકારની વાંસથી બનાવેલી છત નીચે ગોઠવેલી આરામદાયક ખુરસી પર ગોઠવતાં મિહિર બોલ્યો,
‘હા, હવે જરા કહેશો કે શું છે આજની તમારી આ ઉધારી સંધ્યાની રૂપરેખા?’
‘એ તો તે દિવસે નાટકના અંતે તમે જે રીતે છુપા રૂસ્તમની જેમ એન્ટ્રી મારીને મને ચોંકાવી દીધી હતી ને ત્યારની રૂપરેખા ઘડાઈ રહી છે બોસ.’
મિહિરની સામે જોઇને મીરાં બોલી.
‘ઈર્શાદ.’ હસતા હસતા મિહિર બોલ્યો.
‘પણ રૂપરેખાની પૂર્વભૂમિકાનો માહોલ ઊભો કરવામાં જે અવરોધ છે, તેના કારણે હું અનકમ્ફર્ટેબલ ફીલ કરી રહી છું.’ મીરાંએ કહ્યું
‘હા, તો બિન્દાસ ફરમાવોને. યુ હેવ ઓલરેડી ઓલ રાઈટ્સ રિઝર્વ્ડ ઓફ મિહિર ઝવેરી.’ માથાંમાં હાથ ફેરવતાં મિહિર બોલ્યો.
‘અચ્છા, મિહિર એક વાત કહીશ તું આટલો ભરાયેલો કેમ છે?'
સ્હેજ પણ આડું અવળું નહી પણ મીરાંએ સીધો અને સટીક લક્ષ્યવેધ કરતાં જ પૂછી લીધું.
જે રીતે કોઈ સિલેબસ બહારનો પ્રશ્ન સાંભળીને વિદ્યાર્થી મુંઝાઈ જાય, એમ ઈન્સ્ટન્ટ રીપ્લાય આપવામાં માહિર મિહિરને થોડીવાર માટે ચુપ થઇ જતાં જોઇને સ્હેજ સ્માઈલ સાથે મીરાં બોલી.
‘ઓ કે. ડોન્ટ વરી. મેં ફ્લીપ ધ ક્વેશ્ચનનું ઓપ્શન પણ રાખ્યું છે. મિહિર સ્ટીલ આઈ એમ નોટ કમ્ફર્ટેબલ બીકોઝ કે...અચ્છા ઠીક છે, ચલ આપણે સંવાદના સેતુથી જોડાઈએ એ પહેલાં મને એક વાત નિખાલસતાથી તારી જાતને પૂછીને કહે કે તું અહી આવ્યો છે કે લાવવામાં આવ્યો છે?’
ફરી એક વેધક સવાલ પૂછીને મીરાંએ મિહિરની ચોક્કસ રગ પકડી લીધી. અને કદાચને મિહિરને પણ પ્રતિક્ષા હતી કે તેણે ભીતરથી કચકચાવીને વાસી દીધેલાં કાટ ચડી ગયેલા કમાડને કોઈ જાણીતું ટકોરા મારે તેની. મીરાંએ અજાણતાં જ મરેલાં દસ્તક મિહિરને પોતીકા લાગ્યા. સ્વ સરીખા સંચારના સગડની ખાતરી થયાં પછી એક ઊંડો શ્વાસ ભરી જાતને ઉઘડતાં મિહિર બોલ્યો.

‘હૈદરાબાદ સ્થિત સાહિત્ય સ્નાતકનો વિદ્યાર્થી મિહિર મહારલાલ ઝવેરી. કોલેજના સળંગ ત્રીજા વર્ષે પણ સાહિત્યની ઇન્ટર કોલેજ પ્રતિસ્પર્ધાના વિજેતા તરીકે એક નામ હંમેશા બિનહરીફ રહેતું મિહિર ઝવેરીનું. લાંબા સમયથી લીવરની બીમારીમાં પીડાતી મમ્મી બે વર્ષ પૂર્વે શ્વાસની સાથે સાથે અમને પણ છોડીને જતી રહી. એ પછી રહ્યા પિતાજી, હું મારો નાનો ભાઈ આયુષ અને નાની બહેન શિવાની. અમે જે કોલેજમાં અભ્યાસ કરતાં હતાં, એ જ કોલેજમાં વર્ષોથી લાયબ્રેરીયન તરીકે પિતાજી સેવા આપતાં. એટલે બચપણથી જ સાહિત્ય લોહીના ઘટકમાં રહ્યું છે. પિતાજી ખુજ સિદ્ધાંતવાદી અને આકરાં મિજાજના. એમની વિચારસરણી અને સિદ્ધાંતને લઈને કોઈની માટે સ્હેજ પણ બાંધછોડ ન કરે.’
આટલું બોલીને મિહિર અટકી ગયો એટલે મીરાંએ પૂછ્યું,
‘તો તે દિવસે તે કહ્યું કે.. આ શહેરમાં એક વર્ષ બે મહિના અને આજે....’
મીરાંએ પૂછ્યું.ઓ
’૧૫ દિવસ.. એક વર્ષ બે મહિના અને ૧૫ દિવસ પુરા થયાં મને આ શહેરમાં.’
મિહિરે જવાબ આપ્યો.

‘પણ.. કેમ હૈદરાબાદથી આ શહેરમાં. એ વાતનું કંઈ અનુસંધાન?’
થોડીવાર ચુપ રહ્યા પછી મિહિર બોલ્યો,
‘એક દિવસ મારી કારકિર્દીના મુદ્દાને લઈને મારા અને મારા પિતાજી વચ્ચેની વિચારધારાના મતભેદના કારણે ચાલી રહેલી ચર્ચાએ ધીમે ધીમે ઉગ્ર સ્વરૂપ પકડતાં, અંતે જીદમાં ને જીદમાં મેં ઘર છોડી દીધું.’

એકદમ અચરજ સાથે મીરાંએ પૂછ્યું.
‘શાંત, સૌમ્ય, ડાહ્યોડમરો અને કહ્યાગરો લાગતો મિહિર ઝવેરી આ બોલે છે?’
‘જી.’ માત્ર એકાક્ષરી જવાબ આપ્યો.
‘તો આટલા સમયથી પરીવારના સદસ્ય સાથે સાવ જ સંબંધ તોડી નાખ્યા?’
નવાઈ સાથે મીરાંએ પૂછ્યું.ઓ
‘ના, બધું જ નોર્મલ છે. તેઓને કે મને કોઈને કશું જ દુઃખ નથી. બન્નેને હજુ’યે એટલું જ વ્હાલું છે એકબીજાનું સ્વાભિમાન. પિતાજીએ મર્યાદાબહારના કઠોર શબ્દબાણોથી મારી કુણી લાગણીઓને એટલી હદે લોહીઝાણ કરી હતી કે એ શબ્દોની આટલાં સમય પછી પણ એટલી અસર છે કે જાણે હમણાં જ કોઈએ મારાં કાનમાં ધગધગતું સીસું રેડયું હોય!’

એ પછી મિહિર એકદમ જ ચુપ થઇ ગયો. મિહિરની વાત સાંભળીને મીરાંને સચોટ અંદાજો આવી ગયો કે નિસ્વાર્થ પ્રેમના અભાવના કારણે તેની લાગણીઓ કુંઠિત થઈ ગઈ છે. મીરાંને પેલી કહેવત યાદ આવી ગઈ કે ઘરનો દાઝ્યો ગામ બાળે. પણ મિહિરે તો ખુદ જાત જલાવી દીધી. કોઈ તેને પ્રેમથી બોલાવે તો તેની અંદરનો એક છુપો ડર તેને સતાવે છે કે... ફરી ક્યાંક.. એટલે હવે ધીમે ધીમે મીરાંના દિમાગમાં અત્યાર સુધીની મિહિરની અસમંજસ ભરી વર્તુણકનું જે ધૂંધળું ચિત્ર હતું એ સ્પષ્ટ થવા લાગ્યું. અને મીરાંને લાગ્યું કે હવે આ ગંભીર વાતાવરણને જલ્દીથી હળવું કરવાની જરૂર છે એટલે બોલી.

‘ઓયે મેરે હીરો.. તારી હાલત જોઇને મને પેલો સંવાદ યાદ આવી ગયો.’
‘થપ્પડ સે ડર નહી લગતા સાબ, પ્યાર સે લગતા હૈ. હે.. મિહિર આવું કંઈ છે?'
એ પછી બન્ને હસ્યાં.
‘એ ચલ મિહિર! આગળના ક્રોસ પર એક જ્યુસ સેન્ટર છે ત્યાં બેસીએ.’
બન્ને ત્યાંથી નીકળીને જ્યુસ સેન્ટર પર આવીને બેઠાં. હવે મિહિર ખાસ્સો રીલેક્સ લાગતો હતો અને મીરાં પણ.
‘મિહિર નાઉ આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ યુ. યુ મીન્સ ઓન્લી યુ. સમજે ?’
મીરાંએ મેનુ જોતાં પૂછ્યું.
‘બોલ શું જાણવું છે? મિહિરે પૂછ્યું.
‘હમ્મ્મ્મ .. પણ એ પહેલાં ઓર્ડર આપ વોટ્સ યોર ચોઈસ ?
‘પાઈનેપલ.’
બે પાઈનેપલ જ્યુસનો ઓર્ડર આપ્યા પછી મીરાં મિહિરની સામે જોઇને બોલી.
‘ના, એમ નહી, મિહિર હું ઈચ્છું છું કે તું જાતે જ તારી જાતને ઉઘાડે. ઔપચારિકતાનો એક અંશ પણ મને ન જોઈએ. એ કોલેજ સ્ટુડન્ટ મિહિરને મારે મળવું છે. જે સમયચક્રની ભુલભુલામણીમાં કશે ભૂલો પડી ગયો છે.’
‘મને થોડો સમય જોઇશે મીરાં.’ જ્યુસ પીતાં મિહિર બોલ્યો.
‘આપ્યો. ચલ હવે મને તારી લખેલી વાર્તા વિષે વાત કર.’ મીરાંએ કહ્યું.I
‘એ ચર્ચા થોડી લાંબી છે, એ પણ સમય આવશે ત્યારે જરૂર કહીશ.’ મિહિર બોલ્યો.
‘અરે યાર તું દરેક બાબતમાં આમ છટકબારી ન શોધ હોં.'
‘અચ્છા ચલ તારી હોબી બાબતમાં કંઈ કહે.’ મીરાંએ પૂછ્યું
‘હોબી હતી. અત્યારે તો મારાં કામ સિવાય કશે જ ધ્યાન અને ટાઈમ નથી.’
‘અલ્યા તારો જન્મ કાશ્મીરમાં થયેલો?’ હસતાં હસતાં મીરાંએ પૂછ્યું.
‘કેમ?’
‘ કેમ શું? કેમ યાર.. સાવ કેટલો ઠંડો છે તું. અચ્છા હવે હું પૂછું તેનો જવાબ આપ.'
‘ તારી ફેવરીટ ડીશ કઈ?’ મીરાંએ પૂછ્યું.
‘અરે,, હા જો ડીશ પરથી યાદ આવ્યું.આ તને જોબ મળી તેના સેલિબ્રેશનનું તે શું પ્લાનિંગ કર્યું?’ મિહિરે સામે પ્રશ્ન કર્યો.
‘ઓન્લી જોબ નહી, તું પણ મળ્યોને. જો ને થોડા સમયમાં કેટલું બધું બની ગયું મિહિર. તારી જોડેની આકસ્મિક મુલાકાત.પછી અજાણતાં તારું મમ્મીને હોસ્પિટલ મુકવા જવાનું. મારી જાણ બહાર તારી વાર્તાની મારે સ્ક્રિપ્ટ લખવાની. નાટક અને અંતે જોબ. આટલું લાંબુ અને સળંગ જોગાનુજોગ હોય?’ ખુશ થતાં મીરાં બોલી.
‘અને એક વર્ષ, બે મહિના અને ૧૫ દિવસ પછી આ શહેરમાં પ્રથમવાર કોઈની જોડે આટલી આત્મીયતાથી જોડાઈ વાત કરી છે એ પણ આ જોગાનુજોગની કડી છે.’ જ્યુસ ખતમ કરતાં મિહિર બોલ્યો.
‘મિહિર આઈ વિશ કે આ અમેઝિંગ જોગાનુજોગનો સિલસિલો આમ જ યથાવત ચાલતો રહે.’
એકદમ ખુશ થઈને મીરાં બોલી.
‘હા, તો તે શું પ્લાનિંગ કર્યું છે આ યુનિક કોનસ્ટન્ટ કોઇન્સીડેંટના સેલિબ્રેશન માટે?'
મિહિરે પૂછ્યું.
‘એ હું પ્લાનિંગ કરીશ. પણ કયારે? એ કહે.'મીરાંએ ઉમળકાથી પૂછ્યું.
‘જો હું આવતીકાલે એક વીક માટે લોંગ ટુર પર જાઉં છું. ત્યાં સુધીમાં તું વિચારી લે.
હું આવું તેના નેક્સ્ટ ડે ગોઠવીએ. ડન?’ મિહિરે જવાબ આપ્યો.
‘જી. ડન’ મીરાંએ થમ્સઅપ બતાવીને કહ્યું.
ત્યારબાદ મીરાંએ ટૂંકમાં તેનો પરિચય આપ્યાં પછી અંતે તેના જોબ વિષે વાત કરી અને પૂછ્યું.
‘તું ક્યાં રહે છે મિહિર?’
‘મહાવીર નગર.’
‘ઓહ.. એ તો ખાસ્સું દુર છે સીટીથી.’ મીરાં બોલી
‘હા, પણ ત્યાં મને મારા બજેટમાં ઇન્ડિવ્યુઝ્યુલ ફ્લેટ મળી જાય એટલા માટે, અને કાર હોય એટલે દુર કે નજીકનો પ્રશ્ન જ નથી.’ મિહિરે જવાબ આપ્યો.
‘અને જમવા માટે શું કરે?’ મીરાંએ પૂછ્યું.
‘આટલાં સમયમાં હોટલ અને રેસ્ટોરેન્ટનું ખાઈ ખાઈને ટેસ્ટ શું છે એ ખ્યાલ જ નથી. એટલે હવે ટેવાઈ ગયો છું.’ મિહિરે જવાબ આપ્યો.
થોડીવાર ચુપ રહીને મીરાં બોલી..'હમ્મ્મ્મ' અટક્યા બાદ બોલી,
‘મિહિર વિચ વન યોર ફેવરીટ ડીશ?'
'જો પંજાબી ડીશીસમાં આલુ પરાઠા, મટર પનીર, દાલ મખની, ચના મસાલા એન્ડ બિરયાની. બસ આટલું મળે એટલે મારા માટે છપ્પન ભોગ.'
તેની ફેવરીટ ડીશીસનાં નામ બોલતાં મિહિરના ચહેરા પરના હાવભાવ જોઇને મીરાંને ખ્યાલ આવી ગયો, કે તે તેનાં મનગમતાં ટેસ્ટને કેટલો મીસ કરી રહ્યો છે. ક્યાંય સુધી મીરાં મિહિરના ચહેરાને જોઈ રહ્યા પછી બોલી,
‘તને ખબર છે મિહિર મને શેનો શોખ છે?'
‘શેનો?’ મિહિરે પૂછ્યું.
‘કુકિંગનો અને તેનાથી વધારે જમાડવાનો. હું એટલી ટેસ્ટી રસોઈ બનાવું છું કે, કોઈ એક વાર ટેસ્ટ કરે તો મને ભૂલી જાય, પણ મારો ટેસ્ટ નહીં.
પણ, મિહિર હું એમ કહું છું કે....’ પછી અટકીને વાત બદલાતાં મીરાં આગળ બોલી,
'ચાલ કંઈ નહીં. એ વાત પછી કરીશું. મિહિર હવે આપણે છુટ્ટા પડીશું?’
‘ના. છતાં હા, કારણ કે મારે અર્લી મોર્નિંગ ૪ વાગ્યે નીકળવાનું છે. તો વહેલો સુઈ જઈશ.’ ઊભા થતાં મિહિર આગળ બોલ્યો,
‘જેનું એક્સાઈમેન્ટ હતું એ સાંજ કેવી રહી?’
‘મિહિરની આંખમાં જોઈને મીરાં બોલી.
‘અમેઝિંગ, ફેન્ટાસ્ટિક, અનફોરગેટેબલ અને ખાસ તો મને જે કારણનાં કારણે હું ગડમથલમાં હતી, એ ચિત્ર ક્રિસ્ટલ ક્લીઅર થઈ ગયું, એની મને વધુ ખુશી છે.’
‘કયું કારણ?’ બહાર આવતાં મિહિરે પૂછ્યું.
‘તું આટલો દુર કેમ ભાગે છે? ઠંડો કેમ છે? ભરાયેલો કેમ છે? કોઈ પણ પરિસ્થિતિમાં તું તારી જાતને સ્ટેબલ કઈ રીતે રાખી શકે છે?’ મીરાંએ કહ્યું.
‘મીરાં મને મારી આટલી ઉમર નાં પ્રમાણમાં એટલી સમજણ પડે, કે સિક્કાની માફક દરેક વ્યક્તિની પણ બે બાજુ હોય. જીવનમાં કયારેય કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિની એક બાજુ જોઈને તેનાં વિષે ઉતાવળે કોઈ ગ્રંથિ બાંધવાની ભૂલ ન કરવી.’
કારમાં બેસતાં મિહિર બોલ્યો.
‘પણ તું તો ઈશ્વરે ઘડેલો લીમીટેડ એડીશનવાળો સિક્કો છો યાર! તને સમજવામાં માટે જોવો નહીં, પણ સરખી રીતે ખખડાવવો પડે. સમજ્યો?'
‘ ખખડાવી લીધો?’ હસતા હસતા મિહિર બોલ્યો.
‘અરે હજુ શરૂઆત જ ક્યાં કરી છે? લે.... તું આવ, પછી જો.’ હાથ મીલાવતાં આગળ બોલી. ‘અને સાંભળ, ટેક કેર અને કોન્ટેક્ટમાં રહેજે. હેવ એ સેફ જર્ની.’
‘ઓ.કે. ચલ બાય નીકળું આવીને પછી નિરાંતે મળીશું.’
એટલું બોલીને મિહિર કાર તેના ઘર તરફ હંકારી ગયો. તે નજારાને મીરાંએ તેની દ્રષ્ટિ સીમાંકન સુધી નિહાળ્યા પછી એક ઊંડો નિસાસો નાંખીને બાઈક પર બેસીને નીકળી ગઈ.

ઘરે હોય ત્યારે નિયમિત રીતે વધુમાં વધુ ૧૧:૩૦ની આસપાસ મીરાં અચૂક નિંદ્રાધીન થઈ જ જતી. પણ આજે ૧૨:૧૫નો સમય વીત્યા છતાં મીરાંની આંખોમાં ઊંઘ આવવાના અણસાર નહતા. મિહિરના જીવનની કરુણ કથનીથી મીરાં છેક અંદર સુધી ખળભળી ગઈ હતી. ખુબ મુશ્કિલથી મિહિરની સામે તેનું મનોબળ મજબુત કરીને ખુદને સંભાળીને સાંભળતી રહી હતી. મીરાંના કાનમાં પડઘાતા, મિહિરને દઝાડતાં એક એક શબ્દની અગનઝાળ, મીરાંના દિલો-દિમાગને ક્યાંય સુધી ઝંઝોળતી રહી. નીલકંઠની માફક દુનિયાભરના વિષના ઘુંટડાને હસતા મોઢે મિહિરે, એવી રીતે પચાવીને રાખ્યાં હતા કે કોઈ પરિચિતને પણ મિહિરની ભીતર ખળભળતાં લાવારસની ગંધ સુદ્ધાં ન આવે. કિસ્મત ક્યારે, ક્યાં, કેમ, કોની જોડે કેવી કરામત કરે, તેના જીવંત ઉદાહરણ રૂપે મિહિરને મળીને મીરાંને મિહિર પ્રત્યે એક અલગ જ માયા બંધાઈ ગઈ.

સમય થયો સવારના ૭:૨૫ નો. વૈશાલીબેન કિચનમાં તેના લંચ માટેની પ્રીપેરેશન કરી રહ્યા હતા ત્યાં પાછળથી આવીને હળવેકથી અચાનક મીરાં વૈશાલીબેનને વળગી પડી એટલે વૈશાલીબેન બોલ્યા.
‘ઓહ શું વાત છે? મને લાગે છે કે લોકો ભલે સૂર્ય નમસ્કાર કરે પણ આજે તો તારી આટલી વહેલી ઉઠ્યાંની જાણ થતાં સૂર્ય તને નમસ્કાર કરશે.’
આટલું બોલીને વૈશાલીબેન ખડખડાટ હસવાં લાગ્યા.
એટલે બ્રશ હાથમાં લઈને મીરાં બોલી,
‘હા, પણ મમ્મી આપણે સૂર્યને પણ કયારેક આવો લાભ આપવો ન જોઈએ?'
‘આઈડિયા જરાય ખોટો નથી.’ એમ બોલીને વૈશાલીબેન હસવાં લાગ્યા.

થોડીવાર પછી નાસ્તા માટે બન્ને ડાઈનીંગ ટેબલ પર ગોઠવાયાં બાદ વૈશાલીબેન બોલ્યા.
‘દીકરા નેક્સ્ટ ફ્રાયડે ગૌરીબેન અને અમારું પૂરું ગ્રુપ ચારથી પાંચ દિવસ માટે નજીકનાં સ્થળોની યાત્રાએ જવાનું પ્લાનિંગ કર્યું છે.’
‘ઓહ. ગ્રેટ આઈ એમ સો હેપ્પી. જવું જ જોઈએ. આવો ઉત્તમ આઈડિયા આવ્યો કોને?’ ચાની સાથે બ્રેડની સ્લાઈસ લેતાં મીરાંએ પૂછ્યું.
‘કેમ તને મારી બુદ્ધિમતા પર કોઈ શંકા છે ? હસતાં હસતાં વૈશાલીબેન બોલ્યા.
‘ઓ માય યમ્મી મમ્મી, તું તો જીનીયસ છો! આનંદ સાથે આશ્ચર્ય પણ થાય છે. મને તારો આ વિચાર ખુબ જ ગમ્યો.’

સોમવારથી વૈશાલીબેન અને મીરાં બન્ને સાથે જ જોબ પર જવાં લાગ્યાં. મીરાંના ખુશમિજાજ અને મળતાવળા સ્વભાવનાં કારણે, સૌ સ્ટાફ મેમ્બર્સ પણ ખુશ હતાં. ચારથી પાંચ દિવસના ટૂંકા ગાળામાં, મીરાંએ તેના ફાળે આવેલાં જવાબદારીભર્યા કામની આંટીઘૂંટીને, તેની મૌલિક અને આગવી સુઝબુઝની કળાથી સહેલાઈ અને સિફતથી હસ્તગત કરી લીધી હતી. અને ચંદ્રકાન્ત શેઠે પણ મીરાંની આગવી ઢબની કાર્યશૈલીની નોંધ લીધી હતી.

શુક્રવારની વહેલી સવારે વૈશાલીબેન તેમનાં ગ્રુપ સાથે યાત્રા પર જવા રવાના થયા. મિહિરને ટુર પર ગયાને આજે પાંચેક દિવસ થઈ ગયા. એ દિવસો દરમિયાન મેસેજીસ અને વચ્ચે વચ્ચે બે પાંચ મીનીટના કોલ મારફતે વાતચીતની આપ-લે થતી રહેતી. શનિવારે રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ મિહિરનો મેસેજ આવ્યો કે હું વહેલી સવાર સુધીમાં પરત આવી જઈશ.

રાત્રે મિહિરનો મેસેજ વાંચ્યા પછી, મોડેથી ઊંઘ્યાં પછી રવિવારની સવારે મીરાંએ આંખ ઉઘાડીને મોબાઈલ હાથમાં લઈને જોયું, તો સમય થયો હતો ૮:૪૫. મેસેજીસ સર્ચ કરતાં મિહિરનો વહેલી સવારનો ૫:૪૦નો મેસેજ હતો, ‘આઈ એમ એટ હોમ.’
અચનાક મીરાંને એક વિચાર અંકુર ફૂંટતાં હજુ મિહિરને કોલ કરવાં જાય, ત્યાં જ ખ્યાલ આવ્યો કે આખી રાતનાં ઉજાગરા અને થાકનાં કારણે ગાઢ નિંદ્રામાં હશે, એટલે ખલેલ કરવાનું મુનાસીબ ન લાગતાં મેસેજ સેન્ડ કરી દીધો પ્લીઝ વ્હેન યુ વેકઅપ કોલ મી.

ફ્રેશ થઈને, ડ્રોઈંગરૂમમાં આવીને ન્યુઝપેપર વાંચતા ચાનો ઘૂંટડો ભર્યો ત્યાં જ મોબાઈલની રણકી.. જોયું તો વૈશાલીબેનનો કોલ. રીસીવ કરતાં બોલી.
‘ગૂડડડડડડડડડડડડડડ મોર્નિંગ મમ્મી. કેમ છે તું?’
‘હું એકદમ મસ્ત છું. પણ તારા ફ્રેશ અવાજ પરથી તો એવું લાગે કે છે કે તારી સવાર વહેલી પડી લાગે છે.’ વૈશાલીબેન બોલ્યાં.
‘જી મમ્મી, બસ જો ફ્રેશ થઈને ચાનો કપ હાથમાં લીધો અને તારો કોલ આવ્યો. બોલ, કેવી મજા પડે છે?’
‘તારી વાત સાચી છે કયારેક ફોટોકોપી જેવી રૂટીન લાઈફને બ્રેક મારીને બધું જ ભૂલીને સમયનો સમન્વય સાંધીને મનગમતા સાથી અને સ્થળની યાદી બનાવીને રખડવા નીકળી જવું જ જોઈએ.’
‘હ્મમ્મ્મ્મ.. મમ્મી, તને ખબર છે? મારું બીગ ડ્રીમ છે કે તને વર્લ્ડ ટુર પર લઇ જાઉં.'
‘સમય આવશે તો જરૂર જઈશું. અચ્છા, ચલ દર્શનનો સમય પૂરો થઈ જાય, એ પહેલાં લાભ લઈ લઈએ. હું પછી મોડેથી કોલ કરીશ.’
‘અચ્છા ટેક કેર મમ્મી.’
એ પછી વૈશાલીબેનએ કોલ મુક્યો.

મીરાંએ સન્ડેના શેડ્યુલ પર મુકેલાં ઘણાં પેન્ડિંગ કામને તેની પ્રાયોરીટી મુજબ ક્રમાનુસાર ગોઠવવાની મથામણમાં હતી ત્યાં જ મિહિરનો કોલ આવ્યો.
‘હાઈ.’ મિહિર બોલ્યો.
‘હાઈઈઈઈઈઈઈ.. ગૂડ મોર્નિંગ. કેવી રહી ટુર? થાક ઉતર્યો કે હજુ કુંભકર્ણનાં કિરદારમાં જ છો?'
‘ટુર તો એઝ ઓલ્વેઝ રહી. ઊંઘ તો હજુ પણ આવે જ છે પણ જસ્ટ અચાનક આંખ ઉઘડી. એ પછી તારો મેસેજ જોયો એટલે કોલ કર્યો. બોલ શું કહે છે?'
‘અચ્છા સાંભળ. તું આરામ કર. પણ આજે રાત્રે યુ આર માય સ્પેશિયલ ગેસ્ટ ઓન ગ્રાન્ડ ડીનર એટ માય સ્વીટ હોમ. ઇટ્સ ૧૦૦% ફાઈનલ. મને કોઈજ એક્સક્યુઝ નહી જોઈએ. શાર્પ નાઈન ઓ ક્લોક અને કદાચ એ પહેલાં આવી શકે તો મોસ્ટ વેલકમ. ‘
‘પણ મીરાં..’ મિહિરને આગળ બોલતાં અટકાવીને મીરાં બોલી,
‘ઓયે, આ ઇન્વીટેશન નથી, હુકમ છે મીરાં રાજપૂતનો. અને હુકમનો અનાદર થશે તો પછી સીધું તારી ધરપકડનું વોરંટ જ નીકળશે, સમજ્યો? એટલે ગૂડ બોય બનીને શરણે થઈ જજે. બીફોર ટાઈમ હા.’ હસતાં હસતાં મીરાં બોલી.
‘જી, આપકા હુકમ સર આંખો પર. તો હવે હું સુઈ જાઉં છું. તું મને લોકેશન સેન્ડ કરી દેજે. હું સમયસર પહોંચી જઈશ.ઓ.કે.’ મિહિરે આળસ મરડતાં જવાબ આપ્યો.
‘થેંક યુ કુંભકર્ણ. બાય.’ એમ કહીને મીરાંએ કોલ કટ કરીને મિહિરને તેના ઘરનું લોકેશન સેન્ડ કર્યા પછી તેનાં પેન્ડીગ કામે વળગી.

વ્હાઈટ કલરનાં શોર્ટ્સ પર નેવી બ્લ્યુ કલરનું સ્લીવલેસ ટી-શર્ટ પહેરીને તેની સદાબહાર અદા મુજબ સોફા નજીકની ટીપોઈ પર આંટી મારેલાં બન્ને પગને ટેકવીને, પિલો ખોળામાં લઈને ટી.વી. પર તેની ફેવરીટ મ્યુઝીક ચેનલ સેટ કરીને, મનપસંદ ગીતોની ધૂનમાં મગ્ન મીરાં ખુબ જ ફ્રેશ અને ખુશ હતી. ત્યાં જ ડોરબેલ રણકતાંની સાથે મીરાંએ સમય જોયો તો ૮:૫૦. બારણું ઉઘાડ્યું.
લેટેસ્ટ ફેશનની સ્ટાઈલમાં શાઈની અને સોફ્ટ લાગતાં હેયર. ક્લીન શેવ. ઓફ વ્હાઈટ કલરનાં ટ્રાઉઝર પર મરુન કલરનું હાલ્ફ સ્લીવનું ટી-શર્ટ. એક તદ્દન અલગ જ આહલાદક અને હિપ્નોટાઈઝ કરી મૂકે એવી ફ્લેવરનાં પરફ્યુમની સ્મેલ, લેફ્ટ હેન્ડ પાછળ રાખી અને રાઈટ હેન્ડમાં રાખેલું પાંચ થી સાત ફ્રેશ લાઈટ પિંક રોઝીસનું બૂકે આગળ ધરતાં મિહિર બોલ્યો.
‘જી. ગૂડ ઇવનિંગ.’
થોડી ક્ષણો માટે તો મીરાંને થયું કે આ મિહિર છે કે કોઈ સપનું જોઈ રહી છે!
બૂકે લેતાં મીરાં બોલી.
‘ઈટ્સ સો બ્યુટીફૂલ એન્ડ લવલી. થેન્કયુ સો મચ મિહિર.વેલકમ.. વેલકમ.. વેલકમ... આવ બેસ.’
મિહિર સોફા પર બેઠો અને મીરાંએ કિચનમાંથી પાણીનો ગ્લાસ મિહિરના હાથમાં આપીને સોફા પર તેની બાજુમાં બેસતાં બોલી,
‘સાચ્ચે જ યાર તું મને જેટલી વાર મળ્યો છે.. તેટલી વાર અલગ જ લૂકમાં મળ્યો છે.’
‘હું એવું માનું છું કે એ તારાં નજરિયાની કમાલ છે. મમ્મી કેમ નથી દેખતાં?'
મિહિરે પૂછ્યું.
‘બસ, હવે ખરેખર ધન્ય છે તારી વિનમ્રતાને હો. મમ્મી તો તેમનાં ગ્રુપ સાથે યાત્રા પર ગયાં છે ત્રણ દિવસથી. એકાદ બે દિવસમાં આવી જશે. મિહિર, તું આટલા સમયથી આ શહેરમાં છે, તો તારું ફ્રેન્ડ સર્કલ કે ગાઢ મિત્ર કે કોઈ પરિચિત ખરું કે નહીં?'
ટી.વી.નું વોલ્યુમ સ્લો કરતાં મીરાંએ પૂછ્યું,
‘હા છે. તારા સિવાય એક જ મિત્ર. જેની પર હું બ્લાઈંડ ટ્રસ્ટ મૂકી શકું. એ પણ
મારી જેમ ડ્રાઈવર જ છે.’
‘બસ, માત્ર એક જ? કેમ એવું? મીરાંને નવાઈ લગતા પૂછ્યું.
‘સૌ પ્રથમ તો મારી પાસે સમયનો અભાવ. અને કોઈપણ રીલેશનમાં જોડતાં પહેલાં હું સપૂર્ણ રીતે સભાન હોઉં, મારી મર્યાદાને ધ્યાનમાં રાખીને. અને હું ફોર્માલીટીઝનો સખ્ત વિરોધી છું. સંબંધ ઓછા રાખું છું પણ કંચન જેવા, કથીર જેવા નહીં. સંબંધ સમય માંગે અને એ મારી પાસે છે નહી.’
‘પણ મિહિર તને ખાલીપો ખૂંચતો નથી?’
મીરાં ડાઈનીંગ ટેબલ પર ડીશીસ ગોઠવતાં બોલી.
‘મીરાં, એકાંત અને એકલતા વચ્ચેની ભેદરેખાથી હું ખુબ સારી રીતે વાકેફ છું.’
‘ચલ આવી જા જમતાં જમતાં વાત કરીએ.’ મીરાં બોલી.
‘તારા ઘરનું ઈન્ટીરીઅર એકદમ યુનિક છે. કોનો આઈડિયા છે આ?” ’
ચેર પર બેસતાં મિહિર બોલ્યો.
એટલે મિહિરની બેક સાઈડની વોલ પર મુકેલી એક તસ્વીર તરફ ઈશારો કરતાં મીરાં બોલી.
‘મારા પપ્પા.’
એટલે મિહિરે એ તસ્વીર તરફ જોઇને વંદન કર્યા પછી બોલ્યો,
‘સોરી, ઈફ આઈ હર્ટ યુ.’
‘ઇટ્સ ઓ.કે.' એક ક્ષણમાં પોતાની જાતને સંભાળીને મીરાં બોલી.
‘મિહિર પ્લીઝ ક્લોઝ યોર આઈસ ફોર વન મિનીટ પ્લીઝ!!'
‘કેન્ડલ લાઈટ ડીનરનો પ્લાન છે કે શું?’ એમ બોલીને મિહિરે આંખો બાંધી કરી.
થોડીવાર પછી મીરાં બોલી,
‘નાઉ યુ કેન ઓપન.’
આંખો ઉઘાડ્યા પછી થોડીવાર સુધી મિહિર અતિ આશ્ચર્યજનક સ્થિતિમાં મીરાંને જોઈ જ રહ્યો.
મીરાંએ મિહિરની બધી જ ફેવરીટ ડીશીસ બનાવી હતી.
‘આલુ પરાઠા, મટર પનીર, દાલ મખની,ચના મસાલા એન્ડ બિરયાની.
‘અરે.. જોઈ શું રહ્યો છે યાર.જોવા માટે નહીં જમવા માટે બનાવી છે યાર. લેટ્સ સ્ટાર્ટ.’
‘મારી ફેવરીટ ડીશીસ જોઈને તો મને અનહદ આનંદ થયો પણ, તેના કરતાં પણ મને બેવડી ખુશી બે વાતની છે કે તને મારા શબ્દો યાદ છે. હવે શું કહું તને?’
મિહિરની આંખો ભીની થઈ ગઈ.
‘જે કહેવું હોય એ. પણ જમ્યા પછી. ચલ કમ ઓન.’ એમ કહેતાં બન્નેએ ડીનર શરુ કર્યું.
જમતાં જમતાં અધવચ્ચે ફરી મિહિરની આંખો ભરાઈ આવી, એટલે પાણીનો ગ્લાસ આપતાં મીરાંએ પૂછ્યું
‘શું થયું મિહિર?'
‘મમ્મીની વિદાય પછી પહેલી વાર આ સ્વાદ માણી રહ્યો છું તો..’
ગળગળો થઈને મિહિર બોલ્યો.
‘પ્લીઝ, રીલેક્શ! લેટ્સ ફિનીશ ડીનર ફર્સ્ટ.’ મીરાંએ સાંત્વના આપતાં કહ્યું.

ડીનર ખત્મ કર્યા પછી બન્નેએ સોફા પર બેસીને વાતચીતનો દોર શરુ કરતાં મિહિર બોલ્યો.
‘પણ, મીરાં તને આ ડીશીસના નામ કઈ રીતે યાદ રહ્યા?'
‘એ જે તું હમણાં થોડીવાર પહેલાં બોલ્યો ને કે તું કંચન જેવા સંબંધ રાખે છે તો હું ડાઈમંડ જેવા રાખું છું. સમજ્યો? તને શું લાગે છે... મને એ સંધ્યાના એક એક સંવાદ કંઠસ્થ છે. મને માણસ ઓળખતાં આવડે, મિહિર.’
‘મને કેટલો ઓળખ્યો એ કહીશ?’ મિહિરે પૂછ્યું.
‘આંખ મીંચીને વિશ્વાસ મૂકી શકું એટલો. હવે મારા કુકિંગ ટેસ્ટ વિષે બોલ.'
‘હું બેહદ ખુશ છું. કેમ કે આ શહેરમાં આજનો આ મારો પહેલો એવો દિવસ છે કે હું ફીલ કરી રહ્યો છું, જાણે કે હું જીવી રહ્યો છું. એક યંત્રવત માણસ જીવંત થયો હોય એવી અનુભૂતિ થઈ રહી છે. તને વ્યંજનમાં સ્વાદ અનુસાર સ્નેહ ભેળવતા સારું આવડે છે.'

‘ થેન્ક્સ, ચલ આવ મિહિર.’ એમ બોલીને મીરાં મિહિરને ફર્સ્ટ ફ્લોર પર તેનાં બેડરૂમ તરફ લઈ ગઈ. બન્ને બેડરૂમમાં એન્ટર થતાં મીરાં બોલી.
‘મિહિર તું પહેલો એવો વ્યક્તિ છે, જેને હું મારાં બેડરૂમ સુધી લાવી છું. નોટ ઇવન એની માય ફ્રેન્ડ ઓલ્સો. આવ બેસ બેડ પર.’
‘આ તારો બેડરૂમ કમ અને કોઈ રાણીનો ખ્વાબગાહ વધુ લાગે છે. એક એક વસ્તુની
યુનીક્નેસ ઉડીને આંખે વળગે તેવી છે. તારી ચોઈસની ભવ્યતાનો ખ્યાલ આવે છે.’
મિહિરની બાજુમાં બેડ પર બેસતાં મીરાં બોલી.
‘હું મારી અમુક અંગત બાબતમાં ખુબ જ ચૂઝી છું. મારી પસંદગીના મામલામાં હું બાંધછોડ ન કરું. અને તેમાં કોઈ પર્યાયને પણ અવકાશ ન આપું. મિહિર, મારે તારી જોડે થોડી અંગત અને સીરીયસ વાત કરવી છે.’
‘હા, બોલ.’ મિહિરને મનોમન નવાઈ લાગી. કે કંઈ વાત હશે એવું વિચારતા બોલ્યો.
‘મિહિર મને તારા વ્યક્તિત્વ પ્રત્યે ખુબ જ આદર અને માન છે. તારા માટે મને એક વિશેષ જ માન અને સન્માન છે. તે તારો આ ડ્રાઈવરનો પ્રોફેશન કેમ એક્સેપ્ટ કર્યો આઈ ડોન્ટ નો. પણ તારા જેવો આટલો ટેલેન્ટેડ વ્યક્તિ, કોઈની આંગળીના ઈશારે જોબ કરે અને આવી રખડપટ્ટીની જિંદગી જીવે, એ જોઈને મારો જીવ કપાઈ જાય છે યાર. સોરી, તું મારી વાતનું ખોટું અર્થઘટન ન કરતો પ્લીઝ.’
‘હું તારી વાત સમજી ગયો અને તારી નિસ્વાર્થ લાગણી પણ... પણ મીરાં, ખુબ સંઘર્ષ કરીને હું માંડ સેટ થયો છું. અને હું મારી મર્યાદાથી ખુબ સારી રીતે અવગત છું. અત્યારે જે પરિસ્થિતિમાં છું ત્યાં સુધી પહોંચતા પણ મને ધોળા દિવસે તારા દેખાઈ ચુક્યા છે.' આટલું મિહિર માંડ બોલી શક્યો.
મીરાં મિહિરનો હાથ તેની હથેળીમાં લઈને બોલી,
‘મિહિર તું મને શું માને છે?'
થોડીવાર ચુપ રહીને મિહિર બોલ્યો,
‘મીરાં, કોઈ લાગણીભર્યા બે શબ્દો બોલે તો મને ડર છે. મેં ખેંચેલી મારી
લક્ષ્મણરેખા ઓળંગતો નથી કે કોઈને ઓળંગવા દેતો નથી. કોઈએ તમને આપેલું અકારણ સ્મિત પણ એક ઋણ જ છે. પેલું સોંગ છે ને.. ‘ મુસ્કુરાયે તો મુસ્કુરાને કે કર્ઝ ઉતારને હોંગે.’

‘તો હું એમ સમજુ કે આપણા સંબંધની રુએ મારો તારા પર કોઈ જ હક નથી એમ જ ને?’
‘એવું તો નથી કહ્યું.' મિહિરે જવાબ આપ્યો.

‘મેં તને હમણાં જ કહ્યું કે તું પહેલો એવો વ્યક્તિ છે જેને હું અહીં સુધી લાવી છું. કયા હક થી? કંઈ સમજ્યા વગર, કંઈ વિચાર્યા વગર તો નહી જ લાવી હોઉં ને?’ મીરાંએ કહ્યું.

‘તું કહેવાં કે કરવાં શું માંગે છે મીરાં?’ મિહિરે પૂછ્યું.
‘પણ એ પહેલાં તું મને પ્રોમિસ આપ કે હું જે કહું એ તારે માનવું જ પડશે.'
‘પણ એવી કંઈ વાત છે કે તારે મારી પાસે પ્રોમિસ લેવાં પડે? તને મારાં પર વિશ્વાસ નથી મીરાં?’ કુતુહલથી મિહિરે પૂછ્યું.

‘તેં વિશ્વાસની ચરમસીમા પાર કરી દીધી છે. એટલે જ તું અત્યારે મીરાં રાજપૂતની હાજરીમાં મીરાં રાજપૂતના બેડ પર બેઠો છે મિહિર. પણ તેં મારો વિશ્વાસ જીત્યો છે, તેની મને કિંમત તો અદા કરવા દે, મિહિર પ્લીઝ!’ એમ બોલીને મીરાંએ તેનો વોર્ડરોબ ખોલીને એક પોટલી લઈને મિહિર પાસે બેસતાં બોલી.
‘હવે જો તું એક પણ શબ્દ બોલીશ તો આ ઘડીએ આપણાં રીલેશનનો ધ એન્ડ આવી જશે હા.’ એમ બોલીને એ પોટલી મીરાંએ મિહિરના હાથમાં મૂકી.

એટલે મિહિરે પૂછ્યું, “આ શું છે?’

‘જે કંઈપણ છે એ, તારી જિંદગીથી કિંમતી નથી.’ મીરાંએ કહ્યું.
‘છતાં પણ કહેતો ખરાં.’ મિહિરે ફરી પૂછ્યું.
‘મિહિર, હું તને એક સ્વાભિમાની તરીકે જોવા માંગું છું. તું તારા મનના રાજાની જેમ જીવે એ હું જોવાં માંગું છું. આમાં મારાં એ ઘરેણાં છે જે મારાં માટે સાવ નિરર્થક છે. હું એવું ઇચ્છુ છું કે, તું તારો ખુદનો બિઝનેસ શરુ કર. તું તારી ખુદની કારથી તારી ઓળખ બનાવ. હું ઈચ્છું છું કે, તારા કોઈ બોસ ન હોય. તું જ તારી મરજીનો માલિક. આ દાગીનાથી તું એક નવી કાર ખરીદીને તારી એક નવી લાઈફ અને ઈમેજ બનાવ.’

મીરાંની વાત સાંભળીને થોડીવાર તો મિહિર સ્તબ્ધ થઈ ગયો. શું બોલવું, તેનું ભાન ન રહ્યું. પરોપકારના કિસ્સા માત્ર ફિલ્મો, સીરીયલ કે નાટકોમાં જોયા હતા અને આજે ... !! ખુદની સાથે આ રીતે અચાનક જ અનુભવ થતાં તેનું મગજ બહેર મારી ગયું. છતાં બેડ પરથી ઉભાં થતાં માંડ માંડ બોલ્યો.
‘આ શક્ય નથી મીરાં. આવડા મોટા ઉપકારનો ભાર હું ન ઝીલી શકું. સોરી, મને માફ કરજે.’
‘જો મિહિર તને લાગતું હોય કે તારી લાઈફમાં મારુ સ્હેજ પણ સ્થાન છે, તો તું અનાદર નહી કરે.’ મિહિરની નજીક આવતાં મીરાં બોલી
‘પણ મીરાં હું તને હવે હું કંઈ રીતે સમજાવું? કે હું તારા આ પહાડ જેવડાં ઉપકારને લાયક નથી.’ સ્હેજ અકળાઈને મિહિરે જવાબ આપ્યો.
‘અચ્છા ઠીક છે. તારી પાસે બે ઓપ્શન છે. મારી ઓફર અથવા આપણા સંબંધનો અંત. તું નક્કી કરી લે. મને હા અથવા ના માં જવાબ જોઈએ. એ પછી હું કશું જ નહી કહું.’
એમ બોલીને મીરાં મિહિર તરફ પીઠ ફેરવીને ઊભી રહી ગઈ.
થોડીવાર અંતે રૂમમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. બન્ને ચુપ.
ત્યારબાદ ચુપકીદી તોડતાં મિહિર બોલ્યો.
‘મીરાં...’ એટલે મીરાં તેની નજીક આવી. એટલે તેની સામે બે હાથ જોડીને ભીની આંખે બોલ્યો.
9
‘આજે તેં મિહિરની ખુદ્દારીને મા'ત આપી દીધી. તું..' હજુ મિહિર આગળ બોલે એ પહેલાં જ તેના હાથ પકડીને બોલી.
‘હેય પાગલ, તું તો મારો ગુરુર છે યાર. આવું બોલીને ગર્વાધીન સંબંધની ગરિમાની લાલીને તું લાંછન ન લગાવ. ચલ બેસ હવે. મારી સામું જો તો.’
મિહિર બેડમાં બેઠો એટલે તેની પાસે બેસીને તેનો હાથ પકડીને બોલી.
‘કયારેક જિંદગીમાં કોઈ માણસ મળે તો, ક્યારેક કોઈ માણસમાં જિંદગી મળે. સમજે મેરે રાઈટર બાબુ?' એમ બોલીને મીરાંએ મિહિરના બન્ને ગાલ ખેચ્યાં. પછી બોલી,
હવે કંઈક તો બોલ, મારા દેવદાસ ! અચ્છા, અહીં આવ.તને મારું કલેક્શન બતાવું.’
મીરાંએ તેનું બુક સેલ્ફ ઓપન કરીને તેની અંદર ગોઠવેલાં તેના ચુનીંદા પુસ્તકોનો સંગ્રહ બતાવ્યો. પુસ્તકો પાસે જઈને તેની પર બન્ને હથેળી ફેરવતાં મિહિર ગળગળો થઈને આસું સારવા લાગ્યો. એ જોઇને મીરાંએ પૂછ્યું.
‘હેય.. કેમ રડે છે? શું થયું?'
‘પપ્પા, લાયબ્રેરીયન હતા તો.. પપ્પાની યાદ આવી ગઈ. બસ.’ મિહિર બોલ્યો.
મીરાંએ તેને પાણીની બોટલ આપી. પછી બોલી,
‘બેસ. તને હું મારું ધ મોસ્ટ ફેવરીટ સોંગ સંભળાવું.’ એમ બોલીને મીરાંએ મ્યુઝીક સીસ્ટમ પર સોંગ પ્લે કર્યું.
‘બેતાબ દિલ કી તમન્ના યહી હૈ.
તુમ્હે ચાહેંગે, તુમ્હે પૂજેંગે, તુમ્હે અપના ખુદા બનાયેંગે... બેતાબ દિલ કી..
એ પછી મીરાંએ પૂછ્યું,
‘હજુ શું વિચાર કરે છે મિહિર?”
‘પણ, માની લે મીરાં કે હું આ ઘરેણાં લઈને ફરાર થઇ જાઉં તો તું શું કરે?’
હસતાં હસતાં ઉભાં થતાં મિહિર બોલ્યો
‘ઈમ્પોસીબલ. એ શક્ય જ નથી.’ મીરાં છુટ્ટા વાળને બાંધતા બોલી
‘કેમ? મીરાંની સામે જોઈને મિહિરે પૂછ્યું.
‘કેમ કે આ કંચન કરતાં વચનનું વજન અને મૂલ્ય બન્ને વધારે છે. અને તું ભાગી પણ જાય અને ફરી પાછો આવે, તો પણ હું બીજા ઘરેણાં તને આપું બોલ. આ રાજપૂત બોલે છે મિહિર.’ આટલું બોલીને મીરાં આંખ ભીની થતાં મિહીરના ગળે વળગી પડી.

મીરાંની હરકતનો શું પ્રતિભાવ આપવો એ અસમંજસ આગળ વધે એ પહેલાં મીરાં એ કહ્યું ચલ નીચે જઈએ.

નીચે આવીને મિહિરે સમય જોતા કહ્યું,
‘મીરાં કાફી મોડું થઇ ચુક્યું છે. હવે હું નીકળું. આવતીકાલે સાંજે તારી જોબ ટાઈમ પછી મળીએ.’
મીરાં કશો જ પ્રતિભાવ આપ્યા વગર માત્ર તેની સામે જોતી જ રહી. એ જોઇને મિહિરે પૂછ્યું,
‘આમ કેમ જુવે છે?”
ઘરેણાંની પોટલી તેના હાથમાં મુકતા મીરાં બોલી,
‘આભાર માન કે ફક્ત જોઉં છું. ચલ બાય ગૂડ નાઈટ એન ટેક કેર. અને આ જોખમ સાચવજે, પ્લીઝ.’
‘ચલ બાય. ગૂડ નાઈટ. સી યુ ટુમોરો.’ એમ કહીને મિહિર નીકળી ગયો.
એ પછી મીરાં ડ્રોઈંગરૂમની લાઈટ ઓફ કરીને આંખો મીંચીને કયાંય સુધી સોફા પર પડી રહી.
અડધો એક કલાક પછી તેના રૂમમાં જતાં પહેલાં બાથ લઈને બેડમાં પડીને મ્યુઝીક સીસ્ટમ પર વાગતાં તેના ફેવરીટ સોંગને રીપીટ મોડ પર સેટ કરીને આખો બંધ કરી બેડ પર હાથ ફેરવતી ખ્યાલોમાં સોંગને માણતી ખોવાઈ ગઈ..
‘બેતાબ દિલ કી...

ભર ઊંઘમાંથી મીરાંએ ઝબકીને જોયું તો તેના મોબાઈલની રીંગ વાગી રહી છે.
અધ્ધખુલ્લી આંખે જોયું તો અર્જુન8નો કોલ. રીસીવ કર્યો એટલે અર્જુન બોલ્યો,
‘જલ્દી ડોર ખોલ,’ ગભરાતાં મીરાંએ કોલ કટ કરીને સમય જોયો તો સવારના ૪:૧૫.
મીરાંને ફાળ પડી કે આ સમયે? શું થયું હશે? એટલે ફટાફટ નીચે આવીને ડોર ખોલ્યું. એટલે અંદર આવતાં વેંત અર્જુન સોફા પર માથું પકડીને બેસતાં બોલ્યો, ‘પહેલાં મને પાણી આપ જલ્દી.’
આ સમયે અર્જુનનું આવું કલ્પના બહારનું બિહેવિયર જોઈને મીરાંએ ગભરાઈને ફટાફટ પાણી આપતાં પૂછ્યું.
‘શું થયું અર્જુન?’ આટલી વહેલી સવારે? કોઈને કશું થયું છે? બોલ જલ્દી.’
મીરાંના ધબકારા વધી ગયા હતાં.

‘મીરાં.. હી ઈઝ મર્ડરર. એ ખૂની નીકળ્યો.’
‘કોણ...?’ મીરાંએ થરથરતાં પૂછ્યું.
‘એ તો મુસલમાન છે.. તેનું નામ અનવર સિદ્દકી છે. એ વોન્ટેડ છે.. ક્રિમીનલ છે. મીરાં...’
સ્હેજ મોટા અવાજે અર્જુન બોલ્યો.
‘કોણ અર્જુન કોણ..????’ અર્જુનનું રૂપ જોઈને મીરાંના ડોળા ફાટી ગયા
‘મિહિર ઝવેરી....એ ભાગી ગયો. ત્રણ રાજ્યોની પોલીસ તેની શોધમાં છે...’
બંને હથેળીઓથી લમણાને દબાવતાં અર્જુને ઘટસ્ફોટ કર્યો.

વધુ આવતાં રવિવારે......

© વિજય રાવલ

'કહીં આગ ન લગ જાએ ' શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.