કહીં આગ ન લગ જાએ - 9 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

કહીં આગ ન લગ જાએ - 9

પ્રકરણ – નવમું/૯


મીરાંનો નંબર આપી કેશવલાલનો આભાર માનીને સૌ બહાર ગેઈટની બહાર નીકળ્યા. ત્યાં જ મીરાંનો ફોન રણક્યો.

મોબાઈલ હાથમાં લઈને જોયું તો કોઈ અનનોન નંબર હતો..
કોલ રીસીવ કરતાં મીરાં ‘હેલ્લો’ બોલી.
બેથી ત્રણ વાર મીરાં હેલ્લો.. હેલ્લો.. બોલતી રહી પણ સામા છેડેથી કોઈ જ રીપ્લાય ન જ આવ્યો.


ચિંતિત ચિત્ત અને ચહેરા સાથે મીરાં કોલ ડાયલ કરતાં બોલી,
‘હેલ્લો.’
‘હેલ્લો, દીકરા મમ્મી બોલું છું. સાંભળ હું આવતીકાલે....’ આટલું સાંભળતા ફરી કોલ કટ થઈ ગયો. પણ વૈશાલીબેનનો અવાજ સાંભળીને મીરાંની ધારણાંના ધબકારાની ગતિનું લેવલ સામાન્ય થયું.
થોડી ક્ષણો પછી ફરી કોલ આવ્યો એટલે વૈશાલીબેન બોલ્યા,
‘મીરાં અમે વહેલી સવાર સુધીમાં આવી જઈશું. અને મારા મોબાઈલની બેટરી સાવ ડીસ્ચાર્જ છે, એટલે હવે વાત નહી થાય. આ રશ્મિબેનના મોબાઈલમાંથી કોલ જોડ્યો છે. તું કેમ છે?’

‘જી.. જી હું તો એકદમ જ ફાઈન છું ને. મને શું થાય?’ સ્હેજ અટકી અટકીને મીરાં બોલી.

‘કેમ ક્યાંય બહાર છે? સવારના પહોરમાં?' વાહનના અવાજ પરથી વૈશાલીબેને અંદાજ લગાવતાં પૂછ્યું.

‘એ.. અરે એ તો જરા આજે મને મોર્નિંગ વોકની ઈચ્છા થઇ એટલે નીકળી પડી છું. બસ જ ઘરે જ જઈ રહી છું. મમ્મી, તું કેમ છે?' સ્વસ્થ થવાની કોશિષ કરતાં મીરાં બોલી.
હજુ પણ તેની બિન્દાસ વાણી પર મીરાંની પકડ નહતી આવતી.

‘ઠીક છે ચાલ. હું ફોન મુકું છું. તારું ધ્યાન રાખજે.’ એ પછી વૈશાલીબેને ફોન મુક્યો. એટલે અર્જુને પૂછ્યું,
‘ક્યારે આવે છે?’
‘આવતીકાલે વહેલી સવારે. અર્જુન પ્લીઝ, ફરી એકવાર કેશવમામાને સિરયસલી રીક્વેસ્ટ કરીને કહે કે આજ સાંજ સુધીમાં એની હાઉ આ ચેપ્ટરનો ધ એન્ડ લાવે.
કારણ કે તે તેની આગવી મસ્તીમાં બિન્દાસ થઈને જે રીતે વાત કરે છે, એ પછી જો કંઈ કાચું કપાયું તો આવનારી સિચ્યુએશનનું ઈમેજીન કરીને હું ધ્રુજી જાઉં છું.’

એટલે ફરી ત્રણેય અંદર દાખલ થયાં. ત્યાં ડોર પાસે ઊભેલાં કેશવલાલે પૂછ્યું,
‘કેમ હવે શું થયું પાછુ?’
અર્જુને શાંતિથી કેશવલાલ સામે મીરાંની મનોવ્યથા વર્ણવી.
‘અલ્યા છોકરાઓ, ભારે કરી તમે તો હવે. તમારો સ્હેજે વાળ પણ વાંકો નહીં થાય. આ કોઈ એવો મોટો ગુન્હો નથી કે તમને કોઈ ફાંસી એ ચડાવી દેશે. દીકરા મીરાં સાંજ નહીં પણ આજે બપોર પહેલાં હું તારી આ કારણ વગરની ઉડતી આવેલી ઉપાધિ પર કાયમ માટે ફૂલસ્ટોપ મૂકી દઈશ બસ. હવે બોલ!’
‘જી ઠીક છે અંકલ. થેંક યુ સો મચ.’ એમ બોલીને સૌ બહાર આવ્યાં.
એટલે અર્જુન બોલ્યો,' હવે તારા જીવને થોડો જપવા દે, અને... ' હજુ અર્જુન કઈંક આગળ બોલવા જાય ત્યાં મીરાં અવનીને વળગીને ચુપચાપ રડવા લાગી.

‘મીરાં, આ સ્થળ અને સમય રડવા માટે યોગ્ય નથી. પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. બી બ્રેવ.’ અર્જુન મીરાંની પીઠ થાબડતા આગળ બોલ્યો.
‘અવની, પોસિબલ હોય તો તું આજનો દિવસ મીરાં જોડે રહેજે. અને તમે ઘરે પહોંચો ફટાફટ અને હું ફ્રેશ થઈને આવું છું કલાકમાં,’

એ પછી ત્રણેય ત્યાંથી છુટ્ટા પડ્યાં.

કેશવલાલે, આજની હાઈકોર્ટની ડેટની ડીટેઈલની તેના આસીસ્ટન્ટને જરૂરી સૂચનાઓ આપ્યા પછી, ફ્રેશ થઈને મંડ્યા એક પછી એક ફોન કરીને શક્ય એટલું જલ્દી મીરાંનું કોકડું સંકેલવાની તજવીજમાં.

ઘરે આવ્યા પછી, ક્યાંય સુધી મીરાં સોફા પર પડી રહ્યાં પછી બોલી,
‘અવની, પ્લીઝ... સારી ચા બનાવ યાર, સખ્ત માથું ચડ્યું છે.’
એટલે અવની કિચનમાં ગઈ. ચા બનાવતાં તેનાં ઘરે કોલ કરીને જાણ કરી દીધી, કે તે આજે આખો દીવસ મીરાંના ઘરે રોકશે.

સમય જોયો તો ૯:૪૫ એટલે મીરાંએ ફોન હાથમાં લઈને કોલ જોડ્યો તેના ઓફીસના કલીગને.
‘હેલ્લો.. ગૂડ મોર્નિંગ. અંકિત.’
‘ હેલ્લો, વેરી ગૂડ મોર્નિંગ. બોલ મીરાં.’ અંકિત બોલ્યો.
‘અંકિત, એક સોશિયલ ઈશ્યુનાં કારણે આજે ઓફીસે આવવું પોસિબલ નથી. તો જરા પ્લીઝ, તું સંભાળી લેજે ને. અને તને એવું લાગે કે બોસ મારી એબસન્સને કંઈક વધારે નોટ કરી રહ્યા છે, તો ઈન્સ્ટન્ટ મને ઇન્ફોર્મ કરજે પ્લીઝ. થેન્ક્સ.’
‘પ્લીઝ મીરાં, ડોન્ટ વરી. તું તારું કામ પતાવ. અને ત્યાં પણ મારી કોઈ હેલ્પની જરૂર હોય તો કોલ કરજે. ઓ.કે.’
‘બાય.’ મીરાં બોલી.
‘બાય.’ બોલીને અંકિતએ કોલ મુક્યો.

એક તરફ શ્રવણશક્તિને ચીરીને ક્ષીણ કરી નાંખતી ચીર ચુપકીદી અને બીજી તરફ... હજુ ગઈકાલ સુધી સહજ સ્નેહ સાનિધ્યમાં રાચતી મીરાંના, કોયડા જેવા કારણે, સ્વપ્નસમા શીશમહેલના તૂટીને ચોતરફ વીખરાયેલા અસંખ્ય દર્પણના ટુકડામાંથી, ડોકિયું કરતાં તેનાં પ્રતિબિંબનાં અટ્ટહાસ્યના પડઘાતા પડઘાથી સાવ સુન્ન, કુંઠિત અને લગભગ જડ થવા જઈ રહેલી લાગણીને જીવંત રાખવાં, માંડ માંડ એક ઊંડો શ્વાસ ભર્યા પછી શરીરમાંથી પસાર થયેલી ઝીણી ધ્રુજારીના સંચારના અંદેશાથી, તેની લાગણીને લાઈફ સપોર્ટ સીસ્ટમ પર ધકેલીને ધબકતી રાખી હોય, એવો સંદેશો મળ્યાંનો ભાસ અને અહેસાસ મીરાંને થયો.

ચાનો મગ મીરાંના હાથમાં આપતાં અવનીએ પૂછ્યું,
‘મીરાં, આમ એકલી ક્યાં સુધી તું તારી વ્યથાને વલોવ્યાં કરીશ? એ મનોવ્યથાના માર્ગને મોકળો કરીશ તો તું હળવી થઈશ. છુપાવવાથી કે ભીતરે ઘૂંટાઈને ઘૂંટ્યા કરવાથી શું વળશે?”

મીરાં ભીની આંખે ચુપચાપ ચા પીતી રહી. અવનીએ પણ મીરાં પાસેથી કોઈ પ્રત્યુતર કે પ્રતિસાદની અપેક્ષા રાખ્યા વગર તેની સામે જોયા કર્યું.

‘તું મિહિરને છેલ્લે ક્યારે મળેલી ?’ મિહિરનો ઉલ્લેખ કરવાથી કદાચને એ બહાને તે હળવાશ ફીલ કરે, એવા આશયથી અવનીએ પૂછ્યું.

થોડીવાર ચુપ રહ્યા પછી અવનીના ખંભા પર માથું ઢાળી દેતા મીરાં બોલી.

‘અહીં... અહીં આ ખુરશીમાં બેઠો હતો એ. હજુ બાર કલાક પહેલાં, મારી સામે.’

મીરાંનો જવાબ સાંભળીને ચહેરા પર આશ્ચર્યના ભાવ સાથે અવનીની આંખો સ્હેજ પોહળી થઈ ગઈ એટલે બોલી..
‘પણ... મીરાં. કેશવલાલને ત્યાં તું......જૂઠું
કેમ બોલી?

એમ ને... ’
અવનીનું વાક્ય અધવચ્ચેથી કાપતાં મીરાં બોલી.

‘મીરાં હવે મને કહીશ કે સત્ય શું છે?'
મીરાંની હથેળીને તેની બન્ને હથેળીઓ વચ્ચે દબાવતાં અવનીએ પૂછ્યું.


‘સત્ય...' મીરાં તેના હતાશ ચહેરા પર નિરાશાના ભાવ સાથે હળવું સ્મિત કરીને આગળ બોલી,
‘જ્યાં... સત્ય, અસત્ય કે અર્ધસત્યની અધકચરી પરિભાષાને પરિપૂર્ણ કરવા માટે, યોગ્ય અલ્પવિરામ કે પૂર્ણવિરામ મુકનારો અધિકારી જ જયારે અયોગ્ય ઠરે તો, તો પરિણામના અંતે તે પરિભાષાનો પરિહાસ જ થાય.’

‘કોઈ પારકા કે પોતાના માણસને ઓળખવા માટે કેટલો સમય જોઈએ? ક્યાંક પૂરો જન્મારો ટૂંકો પડે, તો કયાંક બે-ચાર પળો પણ પર્યાપ્ત થઈ પડે. નિસ્વાર્થ સ્નેહથી સીંચેલા અને કુદરતની કૃપાથી ભીતરમાં ભરોસાની ભીની માટીમાં ફૂટેલી કૂંપળને, કરમાઈ જવાના ગુણધર્મથી આજીવન બાકાત રાખવામાં આવે છે. જે સત્ય મેં બંધ આંખે જોયું, સાંભળ્યું, માન્યું અને માણ્યું છે, તે જ સત્ય સામે સમયની બલિહારી મને આજે તેનાં અસ્તિત્વને કાળની કાળી સ્યાહીથી કલંકિત કરીને, ખુદને પણ ભૂલનો ભાગીદાર ગણીને લજ્જિત કરવા મજબુર કરી રહી છે.’
આટલું બોલીને મીરાંએ અશ્રુ છલકાતી આંખો મીચી દીધી.

થોડીવાર એ જ મનોદશામાં સુનમુન સુતી હતી ત્યાં જ તેના મોબાઈલની રીંગ રણકી. રીસીવ કરતાં સામે છેડેથી અવાજ આવ્યો.
‘ હેલ્લો... મીરાં બોલે છે?’
‘ જી, આપ કોણ?' મીરાંએ પૂછ્યું.
‘ કેશવલાલ બોલું છું. તમે ઘરે જ રહેજો. અર્જુન થોડીવારમાં રાઈટરને લઈને તમારાં ઘરે આવશે. મને જે સ્ટેટમેન્ટ આપ્યું તે જ તારે કહેવાનું છે બસ. એ પતી જાય એટલે મને જાણ કરજો, ઓ.કે.’
‘જી, અંકલ. આભાર.’ અને કેશવલાલે કોલ કટ કર્યો.


કેશવલાલ સાથે વાત કર્યા પછીના આશરે પોણો કલાક પછી મીરાં ફ્રેશ થઈને કિચનમાં કંઈક કામ કરી રહી હતી, ત્યાં અર્જુન આવ્યો. તેમની જોડે આવેલી વ્યક્તિને જોઈને અંદાઝ આવી ગયો કે તે કોઈ પોલીસમેન છે.

આશરે પંદરથી વીસ મીનીટની ઔપચારિકતા જેવી લાગતી પેપર પ્રોસીજરની ફોર્માલીટીસ પતાવીને અર્જુન તેને લઈને બહાર નીકળીને બાઈક પર બેસતાં બોલ્યો,
‘આવું છું થોડી વારમાં. અને સાંભળ લંચ અહીં તમારી જોડે જ કરવાનો છું. તો મારી ફેવરીટ બે-ચાર આઈટેમ તૈયાર કર. ત્યાં સુધીમાં આવી જઈશ.’

અર્જુનને કોઈ જ વાતનો સ્હેજે મૂડ નહતો પણ... મીરાંને આ સિચ્યુએશનમાંથી શક્ય એટલું જલ્દી બહાર લાવીને નોર્મલ કરવા તેણે લંચનું નાટક કર્યું.
અર્જુનને ખ્યાલ હતો કે, મીરાંને ઈન્સ્ટન્ટ મૂડમાં લાવવા માટે કોઈ તેને રસોઈ બનાવવાનું કહે એટલે તરત જ તેની એનર્જીની બેટરી ફુલ્લી ચાર્જ થઈ જાય.

સમગ્ર ઘટનાથી મીરાં જે હદે આહત અને ડીસ્ટર્બ હતી, એ જોઈને અર્જુનને શંકા ઉપજી રહી હતી કે મીરાં કંઈક તો છુપાવી રહી છે. પણ જ્યાં સુધી વાસ્તવિકતાનું ચિત્ર સ્પષ્ટ ન થાય, ત્યાં સુધી ધૂંધળા ચિત્રને લઈને ચિત્ત ભ્રમિત કરવું અયોગ્ય લગતાં અર્જુને નાહકના વિચારોને ખંખેરી નાખ્યા.
સમય થયો બપોરના ૧:૩૦. દસ મિનીટ પહેલાં અર્જુનનો કોલ આવ્યો હતો કે આવી રહ્યો છું થોડીવારમાં.

અર્જુનને ભાવતા મેનુ મુજબ લંચ રેડ્ડી કરીને મીરાં ડ્રોઈંગરૂમમાં સોફા પર અવનીના ખોળામાં માથું નાખીને સુતી હતી. તેના માથામાં હાથ ફેરવતા અવની બોલી,
‘પછી...આગળ શું થયું મીરાં..?’

‘આગળ શું થશે.. ? હું એમ વિચારું છું. કહીશ અવની. બધું જ કહીશ. પણ એક શરતે, કે એ વાત આ ચાર દીવાલની બહાર ન જવી જોઈએ. અર્જુનને આવીને જવા દે પછી.’
મીરાનું વાક્ય પૂરું થયું અને અર્જુન એન્ટર થયો. ૨:૩૫ નો સમય જોઈને અવનીએ પૂછ્યું,
‘કેમ આટલું મોડું થયું?’ કામ ક્યાં પહોંચ્યું?'

મીરાંએ આપેલો પાણીનો ગ્લાસ ખતમ કરતાં, મીરાં સાથે હાથ મિલાવતા અર્જુને જવાબ આપ્યો,
‘કામ તમામ થયું. ફાઈનલ ફૂલસ્ટોપ મુકીને જ આવ્યા છીએ હું અને મામા. છેલ્લાં બે કલાકથી આ ઘટનાનો ઘડો લાડવો કરવાની દોડાદોડીમાં હતા. મામાએ આજે ખરેખર રંગ રાખ્યો છે. છેક ટોપ લેવલ સુધીના તેના કોન્ટેકટ્સ વાપરીને છેવટે આ મુદ્દા પર પડદો પાડીને જ જંપ્યા. ચલ યાર, પેટમાં દુનિયાભરના બિલાડાની પ્રજાતિ એક સાથે બાખોડીયા ભરીને બોલે છે, એટલી ભૂખ લાગી છે.’

ત્રણેય ડાઈનીંગ ટેબલ ગોઠવાયા. પછી અર્જુન તેની ફેવરીટ પંજાબી ડીસીસ જોઈને બોલ્યો,
‘ ઓહ.. થેંક યુ સો મચ માય ડીયરેસ્ટ નોટી સ્વીટ ગર્લ.’ મીરાંનો ગાલ ખેંચ્યા પછી વન બાય વન આઈટેમનો ટેસ્ટ માણતાં અર્જુન બોલ્યો,

‘આટલું ઝડપથી મામા આ પ્રકરણ પર પૂર્ણવિરામ મૂકી દેશે, તેની મને આશા નહતી. તેં મામાને પૂછ્યું કે મારે શું નાણાંકીય વહીવટ કરવાનો છે?’
પાણીનો ગ્લાસ ઉઠાવતાં મીરાંએ પૂછ્યું.

‘જે હશે એ કહેશે. તું હમણાં એ ચિંતા ન કર. એ ૧૦૦% પ્રોફેશનલ ખરા પણ.. મેં લાઈફમાં ફર્સ્ટ ટાઈમ તેમના પ્રોફેશન માટે તેમને આ રીતે હેરાન કર્યા છે. અને આ બધું તેમના માટે રમત છે, એ આજે ખબર પડી. પણ તું કેમ જમતી નથી. વાતોથી કંઈ પેટ નહી ભરાય. કે પછી કોઈ વ્હાલમ પ્રેમથી કોળિયા ભરાવે તો જ ગળે ઉતરે એવી આદત તો નથી પડી ગઈને?’
સોફ્ટ ડ્રીંકનો ગ્લાસ લેતા હસતાં હસતાં અર્જુને પૂછ્યું.

અર્જુને દુઃખતી રગ દબાવતા મીરાં તેની જાત સંભાળતા માંડ માંડ બોલી,
‘વાતો વાતોમાં મારા લંચની કોન્ટીટી કરતાં ઓવર થઈ ગયું છે.’
કાળજું કઠણ કરવાનો કિરદાર નિભાવતા સ્હેજ ઢીલી પડવાનો અંદાજો આવતાં બેશરમ બનીને આંસુ પાંપણની મર્યાદા તોડીને બહાર આવે, એ પહેલાં મીરાંએ ઝડપથી ઊભા થઈને કિચનમાં જઈને મોં ને તેની હથેળીએથી દબાવી દીધું.


થોડીવાર પછી ત્રણેય ડ્રોઈંગરૂમમાં ગોઠવાયા. એટલે મીરાંના મૂડને પારખતાં અર્જુન બોલ્યો,
‘જો, જે થયું, તેમાં કોઈની બેદરકારી કે ગલફત કારણભૂત નથી. તે વ્યક્તિની વાત, વિચાર અને વર્તુંણક પરથી પણ આપણને કોઈ શંકા ઉપજે એવી કોઈ હિન્ટ મળતી નહતી. અને તેની સાથે આપણને કોઈ એવા ઘનિષ્ટ કહી શકાય એવા સંબંધ પણ નહતા. એટલે એક ખરાબ સપનું સમજીને ખંખેરી નાખવાનું. ટેન્શન ફક્ત એ બાબતનું હતું, કે તેના રક્તરંજિત અને ગુનાહિત ઇતિહાસના કોઈ છાંટા આપણને ન ઉડે બસ. બીજી એક વાત સીરીયસલી મીરાં, તને એ પૂછવાની છે કે તું એવી કોઈ વાત ન છુપાવીશ કે જેના કારણે ભવિષ્યમાં, એ સુષુપ્ત લાવારસની માફક શાંત પડેલો જ્વાળામુખી ગમે તે ઘડીએ ફાટીને તારું બધું સંભાળી, સંઘરી અને સાંચવેલું ઘડીભરમાં તેની અગનજાળમાં ભસ્મીભૂત કરી નાંખે.’

અર્જુનને તેના કોઈ એક્સપ્રેશન પરથી લેશમાત્ર શંકા ન આવે એટલે એક પણ પળનો વિચાર કર્યા વગર દ્રઢતાથી મીરાંએ બેફીકર થઈને જવાબ આપ્યો,
‘ના રે. એવી શું વાત હોય? જે હતું એ તમને કહી દીધું.’
‘ આર યુ શ્યોર?’ અર્જુને ફરી પૂછ્યું.
‘ અરે હા, યાર. કેમ?’
‘ તો તેં એને ગઈકાલે અહીં તારાં ઘરે ડીનર માટે તે કેમ ઈન્વાઇટ કર્યો હતો?’
‘ ઓહહ ! અરે એ તો એનાં નાટક અને મારાં જોબની સરપ્રાઈઝ પાર્ટી મારે તેને આપવાની હતી એટલે. અમારાં વચ્ચે અગાઉ એ વાત થઇ ગઈ હતી.’
સ્હેજ પણ ચહેરાના હાવભાવ બદલ્યા વગર મીરાંએ જવાબ આપ્યો.
‘તેં સમીર પાસેથી અઠ્યાવીસ હજારનું પેમેન્ટ તેને કરાવ્યું, એ વાત તેં મારાથી છુપાવી. પ્લેની સકસેસ અને જોબ મળ્યાંની કે સેલિબ્રેશની વાત સુધ્ધાં, તેં આપણાં ફ્રેન્ડ સર્કલમાં કોઈને જોડે કરી નથી. અને અમને બધાને, તું લીટરલી ઈગ્નોર કરીને, તે વ્યક્તિ જોડે તારી એ ફીલિંગ્સ શેર કરે જેની પર સૌથી વધુ આશા અને અધિકારના અધિકારી અમે છીએ તો, સ્વાભાવિક છે મીરાં કે દુઃખ થાય જ.’

મીરાં પાસે અર્જુનના સટીક સવાલના પ્રતિકારરૂપી પ્રત્યુતર માટે સચોટ શબ્દો નહતા, એટલે અર્જુનને માઠું ન લાગે એ રીતે વાત વાળી લેતા શાંતિથી જવાબ આપતાં મીરાં બોલી.

‘અરે અર્જુન, મને એમ કે એ અઠ્યાવીસ હજારની વાત તને સમીરે કરી હશે, એટલે...’ હાથનો ઈશારો કરીને મીરાંને અટકાવતાં અર્જુન બોલ્યો,
‘ મીરાં, અહીં વાત પૈસાની નથી, પ્રાયોરીટીની છે. તારે મારી જોડે એ વાત શેર કરવી જોઈએ, એવું તને યોગ્ય ન લાગ્યું? ચલ છોડ હવે. મારી ભૂલ કે હું કંઈક વધારે ઈમોશનલ થઈને મારી મર્યાદા ભૂલી ગયો, કે તારી પોતાની પણ કોઈ અંગત લાઈફ હોઈ શકે છે. ટૂંકમાં મારું કહેવાનું એ જ છે કે ફ્યુચરમાં તને કોઈ તકલીફ પડે એવું કંઈ હોય અને તને યોગ્ય લાગે તેમ હોય, તો શેર કરજે બસ. ધેટ્સ ઈટ. હવે હું ઘરે જવા નીકળું. રાતના બે વાગ્યાનો આમ ને આમ છું. ખુબ જ થાક્યો છું. પછી નિરાંતે મળીએ. બાય,’

આટલું બોલીને અર્જુન જેવો સોફા પરથી ઊભો થઈને બહાર જવા નીકળ્યો એટલે મીરાંએ અર્જુનનું બાવડું પકડીને ઊભો રાખતાં તેના ચહેરા સામે જોઈને બોલી બોલી,
‘અર્જુન, તું પણ આવું કરીશ? તું મને નથી ઓળખતો?’
‘તું પણ નો મતલબ, મીરાં? ગઈકાલ અને આજની મીરાંમાં અંતર દેખાય છે. સાવ સાચું કહું, તને સ્હેજે કંઈ દુઃખ કે તકલીફ પડે, તો અમારો જીવ કપાઈ જાય છે. બસ બીજું કંઈ નથી. અશ્વત્થામા હણાયો કે નહીં, એ મારે નથી જાણવું. પણ તું કોઈના માટે યુધિષ્ઠિર ન બનીશ. બસ પ્લીઝ. તારા રથ અને મનોરથ હમેશાં ઊંચાં રહે અમારી એ મનોકામના છે.’
અર્જુનનું વાક્ય પૂરું થતાં, અર્જુનને વળગીને મીરાં રડવા લાગી. એટલે અર્જુન સાંત્વના આપીને શાંત પડતાં બોલ્યો,
‘અરે મારી ગાંડી, મીરાં નામ હોય એટલે ઝેરનાં પારખાં ન કરાય, સમજી? હું નીકળું. 9ચલ બાય.’
અર્જુનને લાગ્યું કે હવે વધુ રોકાઈશ તો પોતના ઈમોશન્સ પર કાબુ મેળવવો આકરું થઈ પડશે.

મીરાંના અવ્યક્ત શબ્દોમાં વ્યક્ત થતી તેની પીડાને અર્જુન ખુબ સારી રીતે મહેસુસ કરી શકતો હતો. અને પછી મનોમન એમ વિચાર્યું કે મિહિરની મેલી મુરાદ મીરાંને વધુ બરબાદ કરે, એ પહેલાં આ તેનાં જીવનમાંથી એની બાદબાકી થઈ ગઈ, એ મીરાંના ભવિષ્ય માટે શુભ સંકેતની નિશાની છે.

અર્જુનના ગયા પછી, મીરાંએ તેની મિહિર સાથેની દરેક વાતચીત ને શબ્દશઃ અવનીને કહી સંભળાવી. અવનીને ઊંડે ઊંડે જે આશંકા હતી એ સાચી ઠરી.

ત્યાર બાદ

સાંજનો સમય થયો હશે ૬:૧૫ નો કિચનમાંથી મીરાંએ બે ચાનાં મગ લાવીને ટેબલ પર મુક્યા, અને અવની વોશરૂમમાંથી આવીને મીરાંની બાજુમાં સોફા પર આવીને બેસતાં બોલી,
‘મીરાં. હું તને માત્ર એટલું જ કહીશ, કે શક્ય એટલું જલ્દી હવે તું આ ઘટનાના ઘટનાચક્રમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કર. પ્લીઝ.... આ સોનાનાં હરણનું પગેરું શોધવામાં તું તારું અસ્તિત્વ ગુમાવી બેસીશ. દરિયાની રેતીમાં હેતનાં ગુલાબ ન 0ઉગે મીરાં. તારો ઈરાદો લુંટાવાનો હતો, તેનો ઈરાદો લુંટવાનો હતો. બસ, પાડ માન ઈશ્વરનો કે આગ અહીંથી જ ઠરી ગઈ. હજુ બે-ચાર મહિના ચાલ્યું હોત તો.. ઈમેજીન કર, શું થાત અને સૌથી મોટી ઘાત તો એ ટળી કે તારા મમ્મી અહીં હાજર નથી. નહી તો વિચાર કે તારા ચરિત્રનાં ચિત્રનું કેવું ચિતરામણ થઈ જાત. અને સૌથી મોટો પ્લસ પોઈન્ટ સાબિત એ થયો, કે કેદારની ગઈકાલે જ નાઈટ ડ્યુટી હતી. તું જરા વિચાર. ઈશ્વરે દરેક જગ્યાએથી એક એક પળે તને આબાદ બચાવી લીધી છે.’

‘અવની, દુઃખ મને સૌથી મોટું અને એક જ વાતનું છે, કે મેં મારી જાત પર કરેલો ભરોસો, કેમ આટલો પાંગળો સાબિત થયો? ખરેખર કોઈને ધારવાં કે જાણવાં બેસું તો બે મિનીટ લાગે મીરાં રાજપૂતને કોઈને ઓળખતા. અને ક્યારેક કોઈ અપવાદ હોય તો ૧૯/૨૦ નો ફર્ક આવે અવની. આટલા લાર્જ સ્કેલ પરનું વેરીએશન અશક્ય છે.
હું ક્યાં ગોથુ ખાઈ ગઈ? આટલાં નજીક આવ્યાં પછી પણ એવી કઈ બાબત મારી જાણ બહાર રહી ગઈ? હું ક્યાં ભૂલ કરી ગઈ? હાલ તો આરોપીના પીંજરામાં મેં મારી જાતને ઊભી રાખી છે. પ્રથમ દાર્શનિક દ્રષ્ટિએ જોતાં, આ પીડાદાયક પરિસ્થિતિ માટે હું જ મારી જાતને ગુન્હેગાર ઠેરવું છું. અમારાં વચ્ચેની પહેલેથી લઈને ગઈકાલ સુધીની સમગ્ર ઘટના પર એક વાર નજર કરીશ તો, તે વ્યક્તિ તરફથી આ પરિસ્થિતિનું નિર્માણ કરવાના નિમિત્તનો એક પણ સંકેત નહી જ મળે. પણ.. ...
હવે આજ પછી, આ મુદ્દાને લઈને લાઈફ્ટાઈમ કોઈપણ શબ્દનો ઉલ્લેખ ક્યારેય નહીં થાય, બસ.’
વાક્ય પૂરું કરીને તેની બંને હથેળીમાં માથું મૂકીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. અને તેનું આ રીતે રડીને હળવું થઈ જવું, અવનીને પણ યોગ્ય લાગ્યું એટલે છુટ્ટા મને રડવા દીધી.

રાત્રે દસ વાગ્યાની આસપાસ ડીનર લઈને મીરાં તેનાં બાઈક પર અવનીને એનાં ઘરે મૂકીને આવ્યા પછી, કયાંય સુધી લાઈટો બંધ કરીને આંખો મીંચીને ચુપચાપ સોફા પર જ આડી પડીને સુતી રહી.

કંઈક કેટલું યે ભૂલવા માટે કંઈક કેટલું યે યાદ રાખવાનું હતું. અર્જુન અને અવનીની વાતના એક એક શબ્દ સાથે મીરાં સંમત હતી. પણ ઘડીના છઠ્ઠાં ભાગમાં, સ્વયંની ઈમેજ પર પડેલા મણ એકના, અસહ્ય ઘાની પીડાની કળ વળતાં, કંઈ કેટલો યે કાળ વીતી જશે. અને સાચા કે ખોટાની પરખ માટે પ્રતિક્ષા કરવી કે નહી? અને કરવી તો ક્યાં સુધી? અને કયું અને શું સત્ય માનવું? જે હતું એ, કે જે આવશે એ? મીરાં બહારથી જેટલી સ્ટ્રોંગ હતી, 9ભીતરથી એટલી જ સેન્સેટીવ હતી. તેની નિસંદેહ પરિકલ્પનાની છબીને, તેનાં દિલ-દર્પણમાં જે કાળજી અને બારીકાઈI અને મુગ્ધતાથી શણગારી અને સજાવી હતી, તે છબીને ધોખેબાજીના સ્વાંગમાં આવીને કાનના પડદા ચીરી નાંખે, તેવા ધમાકા કરીને, પળમાં બધું હતું નહતું કરી નખાયું હતું. વાંસની ફાંસ માફક છેક સુધી ખુંચી ગયેલી એ દર્પણની, અસંખ્ય કરચોના ઘાવની પીડા હવે ચિતાની અગ્નિ સાથે જ શાંત થશે એવો અહેસાસ મનોમન કણસતી મીરાંને થઇ રહ્યો હતો.

આશરે સવારે પાંચ વાગ્યે ડોરબેલ રણકી... એટલે ખુબ મોડી રાત્રે ડ્રોઈંગરૂમના સોફા પર જ સુઈ ગયેલી મીરાં ઝબકીને જાગી તો ખ્યાલ આવ્યો કે મમ્મી આવ્યા હશે.
બારણું ઉઘાડ્યું એટલે વૈશાલીબેન અંદર આવ્યા. અને મીરાંએ લગેજ ઉપાડીને એક ખૂણામાં ગોઠવ્યા પછી વૈશાલીબેનને વળગી પડી. સોફા પર બેન્કેટ અને ઓશીકું જોઈને બોલ્યા.
‘તું બેડરૂમમાં કેમ નથી સુતી? અહીં સોફા પર કેમ ઊંઘ આવે દીકરા?'
વૈશાલીબેનને પાણીનો ગ્લાસ આપતાં મીરાંએ જવાબ આપ્યો,
‘બસ તારી રાહ જોતાં જોતાં, ક્યારે સૂઈ ગઈ ખબર નથી. ચલ હવે તું આરામ કર. પછી ઉઠીને નિરાંતે વાતો કરીશું.’

એટલે વૈશાલીબેન ફ્રેશ થઈને તેમનાં બેડરૂમમાં ગયા અને મીરાંએ ફરી સોફા પર આડી પડીને સુવાનો પ્રયત્ન કર્યો.


વૈશાલીબેનને આજે જોબ પર જવાનું નહતું. છતાં તેના વર્ષોના રોજિંદા નિત્યક્રમ મુજબ ૬:૩૦ વાગ્યે ઉઠીને, મીરાંની ઊંઘમાં ખલેલ ન પડે તેની તકેદારી રાખીને કામે વળગી ગયા. ૮ વાગ્યાની આસપાસ મીરાં આંખો ચોળતાં, આળસ મરડતા સોફા પરથી ઊભા થઈને કિચનમાં કામ કરતાં વૈશાલીબેન પાસે આવીને વળગી પડતા પૂછ્યું.
‘ કેવી રહી ટુર?’
‘ખુબ જ સરસ અને એકદમ યાદગાર. બધાં એટલાં ખુશ થઇ ગયા કે રીટર્નમાં જ નેક્સ્ટ ટુરનો પ્લાન કરી નાખ્યો, બોલ.’
‘અરે વાહ, ચસ્કો લાગ્યો એમ ને? ગૂડ. જવું જ જોઈએ. ચલ મમ્મી તું કંઈક મસ્ત નાસ્તો બનાવ. ત્યાં સુધીમાં હું ફ્રેશ થઈને આવું.’

સમય ૯:૩૦
વૈશાલીબેન સોફા પર બેઠા ન્યુઝ પેપર વાંચી રહ્યા હતા. મીરાં બ્રેકફાસ્ટ કમ્પ્લીટ કરીને ઓફીસ જવાની તૈયારી પૂરી કરી વૈશાલીબેનના પગ પાસે આવીને બેસી ગઈ. એટલે વૈશાલીબેનને નવાઈ લાગતાં પૂછ્યું.
‘કેમ શું થયું? કેમ અહીં આ રીતે બેસી ગઈ?’ હજુ તો વૈશાલીબેન તેનું વાક્ય પૂરું કરે, એ પહેલાં તો અચનાક જ મીરાં તેમના ખોળામાં માથું નાખીને ધ્રુસકે ધ્રુસકે રડવાં લાગી.

સડનલી મીરાંને આવું બિહેવિયર કરતાં જોઈને વૈશાલીબેન રીતસર ડઘાઈ જતાં બોલ્યા...
‘મીરાં..
વધુ આવતાં રવિવારે….

© વિજય રાવલ

'કહીં આગ ન લગ જાએ ' શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.