કહીં આગ ન લગ જાએ - 6 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

કહીં આગ ન લગ જાએ - 6

પ્રકરણ- છ્ત્ઠું/૬

‘એક વર્ષ, બે મહિના અને ૧૩ દિવસ પછી આજે પહેલીવાર આ શહેરમાં કોઈએ મિહર ઝવેરીના અપ્રત્યક્ષ સજ્જડ બંધ મનોબળને, તેની મક્કમતાથી દસ્તક મારીને એનાં સૈદ્ધાંતિક મુલ્યોના મૂળીયાને હચમચાવવાની કામયાબ કોશિષ કરી છે. મારા અનુઠા વિચારધારાની અભેદ કિલ્લાબંધીની વાડને તમે તમારી જાતને નારાજગીના અધિકારી સાબિત કરીને પળવારમાં ઢાળી દીધી. હવે લો આ ચાવી અને મારો કિક!
તમારાં ફટફટિયાની સાથે સાથે આપણી ફ્રેન્ડશીપને પણ! હવે એ ઉધારી સાંજની તિથી તમે નક્કી કરીને મને કહેજો.’ એકી શ્વાસે આટલું બોલી મીરાં સાથે હાથ મિલાવીને હાથ હલાવતો મિહિર રવાના થઈ જતા, ક્યાંય સુધી મીરાં તેને જોતી રહ્યા પછી બમણા જોશ અને હોંશથી બુલેટને કિક મારીને ઘર તરફ આવવા રવાના થઇ.

સાંજના ૫:૩૦ ની આસપાસ વૈશાલીબેને ઘરમાં પ્રવેશ કર્યો ત્યાં જ મીરાં તેના બેડરૂમમાંથી નીચે આવી. મુખ્યદ્વારથી લઈને ડ્રોઈંગરૂમ, કિચન, તેમનો બેડરૂમ બધું જ એકદમ જ ચોક્ખુચણાંક અને સુવ્યવસ્થિત રીતે ગોઠવાયેલું જોઈને વૈશાલીબેનને થોડી નવાઈ લાગી, એટલે મીરાને કંઈ પૂછવા જ જઈ રહ્યા હતા ત્યાં જ મીરાં બોલી.
‘હા હા હા.. મમ્મી હું સમજી ગઈ કે તું એમ પૂછવા માંગે કે અચાનક આજે આ પરિવર્તનનો પવન કંઈ દિશામાંથી ફૂંકાયો એમ જ ને? તું ફ્રેશ થઈને બેસ, ત્યાં હું તારી માટે કંઇક હળવો નાસ્તો સાથે ગરમાગરમ ચા લઈને આવું, પછી નિરાંતે બન્ને વાતો કરીએ, ઓ.કે.’

મસ્ત મસાલેદાર ચાની સાથે ગરમાગરમ બટાકાવડાની પ્લેટ વૈશાલીબેનની સામે ધરતાં મીરાં બોલી,

‘લે, મમ્મી! બટાકાવડા ટેસ્ટ કર, એ પછી તને હું એક ઇન્ટરેસટીંગ વાત કરું.’
ચાના ઘુંટડાની લિજ્જત સાથે સ્વાદિષ્ટ બટાકાવડાનો આસ્વાદ માણતાં વૈશાલીબેન બોલ્યા,

‘મતલબ કે આ ઉડીને આંખે વળગે એવી સાજ સજાવટ અને સ્વાદનું અનુસંધાન એ વાત સાથે જોડાયેલું છે એમ ને?’

‘હમ્મ્મ્મ.. કંઇક એવું જ સમજને. સાંભળ.’
એ પછી મીંરાએ પેલા ટેક્ષીવાળાથી શરુ કરીને ગઈકાલના નાટકની વાતથી લઈને,
છેક આજ બપોર સુધી જીમમાં મિહિર સાથે થયેલો વાર્તાલાપ ટૂંકમાં વૈશાલીબેનને સંભળાવ્યો. મીરાંની વાત કહેવાની ઉત્કંઠાની સાથે વાત સાંભળતા દરમિયાન મીરાંના અમુક આશ્ચર્યજનક ભારપૂર્વક બોલાયેલા શબ્દોની સાથે સાથે મીરાંની આંખોમાં ઉતરી આવેલી એક અલગ પ્રકારની ચમકની પણ વૈશાલીબેને બારીકાઇથી મીરાંની જાણ બહાર નોંધ લીધા પછી બોલ્યા,

‘આ તો ખરેખર એક અનોખો, માન્યામાં ન આવે એવો જોગાનુજોગ કહેવાય! એ તો જયારે આપણે પહેલી વાર તેના વિશે વાત થઈ ત્યારે જ મેં કહ્યું હતું કે ભલો માણસ લાગે છે.’

‘હા મમ્મી, પણ મને તો તેના વિશે સૌથી વધુ એ નવાઈ લાગે છે કે આટલું ઊંડાણ ભર્યું તેનું લખાણ, એક સજ્જનને છાજે તેવી તેની ભાષા, દેખીતી રીતે એક સામાન્ય ટેક્ષીચાલક હોવા છતાં એ વ્યક્તિને પૈસા કે પ્રસદ્ધિનું રતિભાર પણ આકર્ષણ નથી.’

‘દીકરા. કયારેક જિંદગીને સમજવામાં માણસ તેનું પૂરું જીવન ખર્ચી નાંખે, તો પણ ન સમજાય અને ક્યારેક એવું પણ બને કે કોઈ અજાણ્યા માણસના બે ઘડીના સત્સંગ માત્રથી પણ જિંદગીને જીવવા અને માણવાનો જીવનમંત્ર મળી જાય.’

‘ઓહ.. મારી વ્હાલી મમ્મી!!' આટલું બોલીને વૈશાલીબેનને વળગીને તેના ગાલે હેતભર્યું ચુંબન કરતાં બોલી,
‘સાચે જ મમ્મી, ક્યારેક મને એમ લાગે છે તારી સામે મારાં બધા જ પુસ્તકિયા જ્ઞાનનું
કંઈ જ ન ઉપજે.’

‘તો હવે ચાલ હું તને એક મજેદાર વાત કહું.’ વૈશાલીબેન બોલ્યા.
‘હા, બોલ.’ એમ બોલીને મીરાં વૈશાલીબેનનાં પગ પાસે પલાઠી વાળીને બેસી ગઈ.
‘હવે મારી સાથે ઓફિસમાં આજે જે ઘટના બની તે વાત ધ્યાનથી સાંભળ.’
એ પછી વૈશાલીબેન એ વાત શરુ કરી...

‘લંચ ટાઈમમાં મને મેસેજ આપવામાં આવ્યો કે ઓફીસ અવર્સ પુરા થવાના અડધો કલાક પહેલાં, મારે અમારા બોસ ચંદ્રકાંત શેઠને મળીને જવાનું છે. મને એમ કે હશે ઓફિસને લગતું કંઈ કામ. એ પછી ૪:૩૦ ની આસપાસ હું પરવાનગી સાથે તેમની ચેમ્બરમાં દાખલ થઈ એટલે આદરથી બોલ્યા,

‘આવો આવો બેસો વૈશાલીબેન. કેમ છે તબિયત? કેમ ચાલે છે કામકાજ? કંઈ તકલીફ નથી ને?’
‘તમારા જેવા માલિક હોય તેને શું તકલીફ હોય?’
‘અરે હું તો નિમિત્ત માત્ર છું બેન. તમને યાદ એટલા માટે કર્યા કે તમારી દીકરી શું કરે છે આજકાલ?’
‘જી, બસ થોડા દિવસો પહેલાં એમ.કોમ.નું લાસ્ટ સેમેસ્ટર કમ્પ્લીટ કર્યું.’
‘ખુબ સરસ. મારી તો તેની જોડે માંડ કદાચને એકાદ બે વખત મુલાકાત થઇ હશે.
પણ મેં તેની વાતચીત પરથી માર્ક કર્યું હતું કે છે ખુબ હોંશિયાર! હવે હું તમને એ પૂછવા માંગું છું કે મારે આપણી ફર્મ માટે એકાદ બે સ્ટાફ મેમ્બર્સની જરૂર છે. જો તમારી દીકરીને જોબ કરવાની ઈચ્છા હોય તો પૂછી લેજો. ઘરના વિશ્વાસુ માણસ મળતાં હોય તો મારે બીજા કોઈને કહેવું નહી. તમે મને વિચારીને કહેજો.’

‘અરે... આ તો તમે સામેથી ગોલ્ડન ચાન્સ આપો છો પછી તેમાં વિચારવાનું શું હોય?’ હું આજે જ તેની જોડે વાત કરીને તમને આવતીકાલે જવાબ આપુ છું.’

‘અરે, એટલી ઉતાવળ પણ નથી, તેમને પણ વિચારવાનો સમય આપો. ઠીક છે’
‘જી તો હું રજા લઉં?’
‘જી, પણ બેન આ વાતની હમણાં સ્ટાફમાં કોઈને જાણ ન કરતાં, કારણ કે તમારાં ફરજ પ્રત્યેની આટલા વર્ષોની નિષ્ઠા અને પ્રમાણિકતાને ધ્યાનમાં લઈને તમે જ પ્રાથમિકતાના અધિકારી છો.’
‘જી, ભાઈ તમારો ખુબ ખુબ આભાર’

‘બસ, આટલું બોલીને બહાર આવ્યા પછી એમ થયું કે ક્યારે ઘરે આવીને તને આ ખુશ ખબર આપું.’
ચુપચાપ ધ્યાનથી વૈશાલીબેનને સાંભળી રહેલી મીરાં વાતના અંતે બોલી.
‘તને ખબર છે મમ્મી, આ આખી વાતમાં સૌથી વધુ ખુશ થવા જેવું શું છે?’
‘શું?’

‘એ કે રૂપિયા કમાવવાની સાથે સાથે નામ કમાવવું કેટલું કઠીન છે. મને જોબ ઓફર માટેની પ્રાયોરીટી કરતાં તારા અથાગ પુરુષાર્થ થકી અંકિત થયેલી તારી ઈમેજનાં વજનથી તારા નમેલાં પલડાની સામે ઊંચકાયેલાં મારાં પલડાની સાથે સાથે, મારી ખુશી અને ઉમંગનો ઉછાળો આસમાનને આંબવા જઈ રહ્યો છે. ટુ ડે આઈ ફીલ ટુ મચ પ્રાઉડ એન્ડ લવ યુ સો મચ મોમ’
આટલું બોલીને મીરાંએ વૈશાલીબેનના ખોળામાં માથું ઢાળી દીધું.
‘હવે તું જે કહીશ તે ફાઈનલ.’
વૈશાલીબેન બોલ્યા.
‘હું નહીં, તું કહે એ ફાઈનલ. મારી જોબ કરતાં શેઠે તારાં પર મુકેલા ભારોભાર ભરોસાનું મુલ્ય વધુ છે. પણ...’ આગળ બોલતાં મીરાં અટકી ગઈ એટલે નવાઈ સાથે વૈશાલીબેને પૂછ્યું,
‘પણ શું.. ? જે કંઈ હોય તે નિ:સંકોચ કહેજે. તું ના કહીશ તો પણ અમને સ્હેજે દુઃખ નહી થાય.’

‘અરે મમ્મી, ના પડવાનો તો અવકાશ જ નથી, પણ.. એમ કહેવા માંગું છું કે હું એક વીક પછી જોબ જોઈન કરું તો ચલાશે?’
‘જો, દીકરા તું જોબ જોઈન કરવા ઇચ્છતી હોય તો બધી જ ટર્મ એન્ડ કંડીશન વિશે તું જાતે જ રૂબરૂ જઈને શેઠ સાથે બધી જ ચોખવટ કરી લે. અને એ પછી જો તને યોગ્ય લાગે તો જ તું તારો આખરી નિર્ણય લેજે. મેં બધું જ તારી પર છોડ્યું છે. બસ.’

‘ઠીક છે મમ્મી. હવે તું ફ્રેશ થઇ જા. અને હું રસોઈની તૈયારી કરું.’

દરરોજ રાત્રે નિયમિત અચૂક નિયમ અનુસાર બાથ લીધા પછી બેડમાં પડતાંની સાથે જીમમાં મિહિર સાથેના સંવાદને મનોમન મમળાવતી રહી. એ પછી શરુ થયો સ્વ સાથે સવાલ જવાબના સંવાદનો સિલસિલો. વિખૂટા પડ્યાની ક્ષણે અણધાર્યા ખુલાસા સાથે ચાર લીટીનાં વાક્યમાં મિહિર થોડામાં કેટલું બધું કહી ગયો! અંતે મીરાં, મિહિરને એ સ્થાન પર લાવીને રહી જ્યાંથી તેની દ્રષ્ટિએ ધૂંધળા દેખાતાં દ્રશ્યોનું મિહિર પાસે હક્ક જતાવીને સ્પષ્ટિકરણ જાણી શકે. પણ હજુયે મીરાંની અધીરાઈની તરસ સંપૂણ રીતે છીપાઈ નહતી, એટલે તેણે કંઈ પણ વિચાર્યા વગર કોલ જોડ્યો, મિહિરને.

‘હેલ્લો’ સામા છેડેથી મિહિર બોલ્યો.
‘તમે ડીસ્ટર્બ પણ નહી થયા હો અને ખોટું પણ નહીં લાગ્યું હોય એમ સમજીને જ હું વાત કરીશ.’
‘હા, શ્યોર કેમ કે તમે અપવાદ છો. એક તમે જ છો જેણે મેં કોરા કાગળ પર સિગ્નેચર કરીને આપી છે,’ મિહિર બોલ્યો.
‘ઓહ.. તો તો તેનાં માટે હું જ મારી પીઠ થાબડી લઉં એમ ને?’ હસીને મીરાં બોલી.
‘અત્યારે તો એ સિવાય કોઈ ઓપ્શન પણ નથી ને ?’ મિહિરે જવાબ આપ્યો.
‘હમ્મ્મ્મ હા, એ પણ છે. મેં તમને કોલ એટલા માટે કર્યો કે હું એક બાબતને લઈને થોડી કન્ફ્યુઝનમાં છું, તો મને હેલ્પ કરો,’
‘જી, ફરમાવો.’ મિહિરે કહ્યું.
‘મને એક સારા જોબની ઓફર આવી છે, પણ..’ બોલતા મીરાં અટકી ગઈ.
‘પણ.. શું?’ કેમ શું થયું? આગળ બોલો.’ મિહિરે કહ્યું.
‘સાચું કહું તો મિહિર તમારી સાથેની એક સાંજ અને આ જોબ ઓફર બન્નેનું એક્સાઈટમેન્ટ મારા માટે એકસરખું જ છે. એટલે હું એ અવઢવમાં છું કે પહેલાં કોને પ્રાયોરીટી આપું?’
‘અરે.. ઇટ્સ સો સિમ્પલ. જોબ એ કેરીઅરનું મેજર ટર્નીંગ પોઈન્ટ છે. અને રહી વાત મારી સાથેની એક સાંજની મુલાકાતની, એ તો તમે કહેશો ત્યારે, કહેશો ત્યાં હાજર થઈ જઈશ.’ મિહિરે જવાબ આપ્યો.
‘બટ મિહિર, આઈ એમ મોસ્ટ એક્સાઈટેડ ટુ મીટ યુ. મને એવું લાગે છે કે ત્યાર પછી હું મારા બાકીનાં કામમાં પરફેક્ટ કોન્સનટ્રેટ કરી શકીશ.’
‘હમમમ.. જેવી તમારી ઈચ્છા. પણ આટલી આતુરતા સાથે મને મળવા માટેનું કોઈ ખાસ કારણ ખરું?’ ખુબ જ શાંતિથી મિહિરે પૂછ્યું.
‘કારણ જાણવાની જ આતુરતા છે. અને ખાસ કરીને નાટકની વાર્તાના સંદર્ભમાં મારે તમારો ઈન્ટરવ્યુ જોઈએ છે.ધેટ્સ ઈટ. તમને કયો દિવસ અને સમય અનુકુળ આવશે એ કહો?’
‘એ બધું હવે મેં તમારી પર છોડ્યું છે. હા, પણ મને એક દિવસ આગાઉથી જાણ કરજો. જેથી કરીને હું મારું રૂટીન શેડ્યુલ એડજેસ્ટ કરી શકું.’

‘શ્યોર. થેન્કયુ એન્ડ ગૂડ નાઈટ.’ મીરાં બોલી.
‘જી, ગૂડ નાઈટ.’ કહીને મિહિર બાલ્કનીમાં આવ્યા પછી ક્યાંય સુધી આકાશમાં તાકતો રહ્યો, એ પછી એક ઊંડો શ્વાસ લઈને રૂમમાં આવી બેડમાં પડ્યા બાદ છતને જોતો રહ્યો. જાતની સામે રૂબરૂ થયો. ઘણાં લાંબા સમય સુધી જીવનનૈયાને કંઈક અણધાર્યા તોફાન અને ઝંઝાવાતથી બચાવીને એક માહિર નાખુદા બન્યા પછી, આજે ફરી એક અંતરાલ બાદ નિયતિ મિહિરને તેની પ્રકૃતિ વિરુદ્ધનાં અણગમતાં વમળ તરફ ઢસડી રહી હતી. જીવનનૈયા અસંતુલન થવાના અણસાર આવતાં પહેલાં જ મિહિરનો અડગ આત્મવિશ્વાસ ડગુંમગું થવા લાગ્યો. અંતે મનોમન જિંદગીમાં આવનારા એક નવા અધ્યાય માટે તેનાં કિરદારની રૂપ રેખા ઘડતો ઘડતો નિંદ્રામાં સરી ગયો.

બીજા દિવસે બપોરે આશરે એકાદ વાગ્યાની આસપાસ મીરાં ડાઈનીંગ ટેબલ પર લંચ કરતાં કરતાં, તેનાં લેપટોપ પર છેલ્લાં ઘણાં સમયથી અનરીડ મેઈલ ચેક કરી રહી હતી, ત્યાં જ વૈશાલીબેનનો કોલ આવતાં બોલ્યા.
‘શું કરે છે દીકરા?”
‘બસ લંચ લઇ રહી છું. તારા કોલની રાહ જ જોતી હતી. બોલ, તેં કર્યું લંચ કે હજુ બાકી છે?’ ટી.વી.નું વોલ્યુમ સ્લો કરતાં મીરાં બોલી.
‘હજુ અડધો એક કલાક પછી. સાંભળ, શું ફાઈનલ કર્યું તેં. તું આવે છે ઓફિસ પર? તો હું શેઠને મેસેજ મોકલી આપું નહીં તો એ ગમે ત્યારે નીકળી જશે.’
‘બસ તું કહે એટલે નીકળું, બોલ.’ એક્સ્ટ્રા ડીસીસને કિચનમાં મુકતા મીરાં બોલી.
‘એક કામ કર તું આવી જા.’ વૈશાલીબેને કહ્યું.
‘અચ્છા, ઠીક છે મમ્મી, બસ ૧૫ મીનીટમાં આવું છું.’
મીરાંએ જવાબ આપ્યો એટલે વૈશાલીબેને કોલ કટ કર્યો.
નીકળતાં પહેલાં સવારથી લઈને અત્યાર સુધીમાં મીરાંએ ચાર વાર મોબાઈલ ચેક કર્યા છતાં પણ ફરી એકવાર નજર કરી. પરંતુ મિહિરનો એક પણ મેસેજ નહતો. એટલે ઘરે આવીને શાંતિથી કોન્ટેક કરીશ એવું મનોમન વિચારતા હેલ્મેટ પહેર્યા પછી ગોગલ્સ લગાવીને બાઈકને કિક મારીને, નીકળી વૈશાલીબેનની ઓફીસ તરફ.

મિહિરને લઈને મીરાંના વિચારો બાઈકનાં વ્હીલની દિશા કરતાં અવળી દિશા તરફ ફંટાઈ રહ્યા હતા. બન્ને વચ્ચેનું સંતુલન
ઇમબેલેન્સ થઈ જતાં મૂળ ડેસ્ટીનેશન કરતાં, એક કિલોમીટર આગળ નીકળી ગયા બાદ ખ્યાલ આવતાં હસવા લાગી.

ગોલ્ડન પ્લાઝા કોમર્સિયલ કોમ્પ્લેક્ષની બહુમાળી બિલ્ડીંગનાં પાર્કિંગમાં બાઈક પાર્ક કરી, હેલ્મેટ ડીકીમાં મૂકી લીફ્ટ મારફતે સિકસ્થ ફ્લોર પર આવેલી શેઠ ફનાન્સીયલ કન્સલ્ટીંગ ફર્મની ઓફિસમાં એન્ટર થઈને મમ્મી માટે પ્યુનને પૂછતાં તેણે
છેક છેવાડાની કેબીનની બાજુમાં આવેલા રિફ્રેશિંગરૂમ તરફ ઈશારો કરીને કહ્યું,'બસ હમણાં જ લંચ લેવા ગયા.'

અંદર દાખલ થઈને જોયું તો સામે જ ચેર પર બેઠેલાં વૈશાલીબેન ટેબલ પર લંચબોક્ષ ખોલી લંચ લઇ રહ્યા હતા. મીરાંને જોતા જ બોલ્યા,
‘આવ દીકરા, બેસ.’
તેની હેન્ડબેગને ચેર પર મુક્યા પછી રૂમમાં એક ફરતો ચક્કર લગાવીને માર્ક કરતાં મીરાંએ જોયું તો ઉડીને આંખે વળગે એવી રૂમની સાફસફાઈ, પરફેક્ટ કુલીંગનું એ.સી.,એક કોર્નરમાં ફ્રીઝ, સામે પ્લેટફોર્મ પર ઓવન, મિક્ષ્ચર, ડ્રોઅર, ગોઠવાયેલાં છરી, કાંટા, ચમ્મચ, કાચના ગ્લાસિસ, પ્લાસ્ટીકની ક્રોકરી, મિલ્ક અને ચા, કોફી, સોલ્ટ અને સુગરનાં પાઉચ્ચીસ જોઇને બોલી,
‘ટુ ગૂડ, સ્ટાફ મેમ્બરની સવલતોનો ખાસ્સો સારો ખ્યાલ રાખે છે તમારા શેઠ તો. કહેવું પડે હો મમ્મી!’
‘આ બધું તો ગૌણ છે મીરાં, અહીં જોબ કરવાનો સૌથી મોટો બેનીફીટ એ છે કે, બધી જ રીતે તમને ટોટલી ફેમીલી એટ્મોસ્ફીયર જેવું જ ફીલ થાય. સફાઈ કર્મચારીથી માંડીને શેઠ સુધી અમારાં બધાં વચ્ચે, સૌને એક બીજા પ્રત્યે સરખા ભાગે આદર અને એક યુનિક કહી શકાય એવું ટ્યુનીંગ! એ જ તો આ ફર્મની ખાસિયત છે.’
આટલું બોલ્યાં બાદ, વૈશાલીબેન તેનું લંચ પતાવીને પછી મીરાંને કહ્યું,
‘તું બેસ, હું તપાસ કરી લઉં, જો શેઠ વ્યસ્ત નહીં હોય તો પછી તને બોલવું છું.’
એમ કહીને વૈશાલીબેન શેઠની ચેમ્બર તરફ જઈને ડોર પર નોક કરીને અંદર દાખલ થતાં ચંદ્રકાન્ત શેઠ બોલ્યા,
‘આવો આવો બેન. લંચ કર્યું કે બાકી?'
‘જસ્ટ લંચ લઈને સીધી અહીં જ આવી છું. ડોટર આવી છે. તેને રિફ્રેશિંગ રૂમમાં બેસાડીને પૂછવા માટે આવી કે તમને ફુરસદ હોય તો તેને બોલવી લઉં?’
‘અરે એમાં પૂછવાનું શું હોય? એક કામ કરો, તમે બેસો. હું પ્યુનને મોકલું છું.’
એમ કહીને ચન્દ્રકાન્ત શેઠે, પ્યુનને સમજાવીને સૂચના આપી ત્યાં જ લેન્ડલાઈન ફોનની રીંગ આવતાં શેઠ વાતે વળગ્યા.
મીરાંને ચેમ્બરમાં દાખલ થતાં જોઈને શેઠે ચાલુ વાતે ઈશારો કરીને તેને ચેર પર બેસવા કહ્યું.
‘આરામથી આશરે ૧૫ વ્યક્તિ ગોઠવાઈ શકે એટલી સ્પેશિયસ અત્યાધુનિક ઈમ્પોર્ટેડ રાચરચીલાથી સજ્જ ચેમ્બરની ઝાકઝમાળ જોઈને, મીરાંને સ્હેજ ટીખળ કરવાનું મન થતાં બોલી,
‘જય શ્રી ક્રષ્ન અંકલ, તમારી ચેમ્બર જોઈને હવે સમજ્યું કે સંજય લીલા ભણસાલીને આટલા ભવ્ય સેટ ડીઝાઇનીંગનો આઈડિયા ક્યાંથી આવે છે?' આટલું બોલીને ધીમેથી હસી. એટલે સામે મીરાંને જવાબ આપતાં શેઠ બોલ્યા.
‘દીકરા સેટ ડીઝાઇનની ખબર નથી. પણ તેમનાં જેવી હસ્તીઓ નાણાનું સેટિંગ કેમ કરવું? એ આઈડિયા લેવા જરૂર આવે છે.’ એમ બોલીને પછી શેઠ પણ હસવા લાગ્યા.
‘મારી ચેમ્બરમાં તું ફર્સ્ટ ટાઈમ આવી છો. એટલે તને જે ફાવે એ શેર કરીએ. બોલ શું ચાલશે? વૈશાલીબેન તમને?’
‘હું લેમન જ્યુસ લઈશ અંકલ.’ મીરાંએ કહ્યું.
‘મેં જસ્ટ લંચ લીધું એટલે મને કશું જ નહી ચાલે.’
પ્યુનને સૂચના આપ્યા પછી શેઠ બોલ્યા.
‘બોલો, દીકરા શું કરે છે હમણાં તું?
‘બસ થોડો સમય પહેલાં એમ.કોમ.નું લાસ્ટ સેમેસ્ટર કમ્પ્લીટ કર્યું. હજુ આગળ તો કશું વિચાર્યું નહતું. ગઈકાલે મમ્મીએ જયારે વાત કરી ત્યારે લાગ્યું કે આટલી મોટી પ્રેસ્ટીજીયસ ફાઈનાન્સિયલ કન્સલ્ટીંગ ફર્મમાં સામેથી જોબની ઓફર આવશે એવું તો ક્યારેય વિચાર્યું નહતું. આપના જેવા અનુભવી અને ખમતીધર વડીલની છત્રછાયા નીચે જિંદગીનાં એક અત્યંત મહત્વપૂર્ણ ચેપ્ટરની શરૂઆત કરવાં મળે, એ તો મારા માટે બહુ મોટાં અહોભાગ્યની વાત છે.’
મીરાંનો એક એક શબ્દ ધ્યાનથી સાંભળ્યા પછી શેઠ બોલ્યા,
‘વૈશાલીબેન, આ તમારી દીકરીની વાત સાંભળીને લાગે છે કે ખરેખર મોટી થઈ ગઈ છે.’
જ્યુસનો ગ્લાસ ઉઠાવીને વાતને આગળ ચલાવતા શેઠે પૂછ્યું,
‘જો દીકરા, જોબ જોઈન કરતાં પહેલાં તારી જે કંઈ ડીમાંડ કે શરતો હોય એ કહી દે. એ એટલાં માટે કે, આગળ જતાં કોઈ ઇસ્યુને લઈને કોઈ મતભેદ કે મનદુઃખનો કોઈ અવકાશ ન રહે.’
જ્યુસનો ગ્લાસ ખતમ કરતાં મીરાં બોલી,
‘અંકલ તમે મારા પિતા સમાન છો. અને પિતા પાસે શરતો ન મુકાય. તેમની પાસેથી તો જિંદગીના પાઠ શીખવાના હોય. બસ, મારે એટલું જ પૂછવું હતું કે મારે ક્યારથી જોબ જોઈન કરવાની રહશે?
‘તને યોગ્ય લાગે ત્યારે. તારું ટેબલ અને ખુરશી તું ન આવે ત્યાં સુધી ખાલી રહેશે. બસ?' શેઠે જવાબ આપ્યો.
જવાબ સાંભળતાં, ખુશ થઈને મીરાં બોલી,
‘બસ, મને એક વીકનો સમય આપો. હું નેક્સ્ટ મન્ડેથી જોબ સ્ટાર્ટ કરી દઈશ.’
‘પણ, એક શરતે?’ શેઠ સ્હેજ ગંભીર થઈને બોલ્યા ત્યાં મીરાં અને વૈશાલીબેન બન્નેને નવાઈ લાગી. એટલે મીરાંએ આશ્ચર્યના ભાવ સાથે પૂછ્યું.
‘હા, બોલો શું?’
‘દરેક સ્ટાફ મેમ્બરને અને મને અલગથી એક કિલો પેંડા ખવડાવવા પડશે તો જ.’ આટલું બોલીને શેઠ ખડખડાટ હસવા લાગ્યા.
‘ઓહ..મને તો એમ કે તમે શુંએ કહેશો.’ આટલું બોલીને હજુ વૈશાલીબેન તેનું વાક્ય પૂરું કરે એ પહેલાં મીરાં તેની હેન્ડબેગમાંથી શહેરની સૌથી પ્રખ્યાત સ્વીટ શોપમાંથી લાવેલી એક્ષપોર્ટે કવોલીટીના પેંડાનું પેકેટ કાઢીને શેઠની સામે ટેબલ પર મુકતા બોલી.
‘આ લો બસ. હવે બોલો.’
આશ્ચર્યચકિત થતાં શેઠ વૈશાલીબેનની સામે જોઇને બોલ્યા,
‘બેન, હવે મને લાગે છે કે આ છોકરી એક દિવસ મારી ખુરશી પર બેસશે એ નક્કી છે.’
‘ના, શેઠ બસ તમારાં આશિર્વાદ જોઈએ.’ ગળગળા થઈને વૈશાલીબેન બોલ્યા.
‘સોરી મને જરા ઇન્કમટેક્ષની ઓફિસે એક અગત્યની મીટીંગ અટેન્ડ કરવા જવાનું છે. તો ઠીક છે. મીરાં તું આવી જા દીકરા નેક્સ્ટ વીક થી. ઓલ ધ બેસ્ટ.’
ઊભા થતાં શેઠ બોલ્યા.
‘જી, અંકલ. જય શ્રી કૃષ્ન.’ એ પછી બહાર આવીને વૈશાલીબેન આનંદની લાગણીથી અભિભૂત થઈને મીરાંના ગળે વળગી પડ્યા પછી તેના કામે વળગ્યા અને મીરાં ઘર તરફ આવવાં રવાના થઇ.
ઘરે આવીને ડોર ઓપન કરીને ઘરમાં એન્ટર થઇ કિચનમાં જઈને ફ્રીઝમાંથી ચિલ્ડ પાણીની બોટલ લઈ સોફા પર બેસી મેક્ઝીમમ ટેમ્પરેચર પર એ.સી. ઓન કરી, પાણી પીધા બાદ ઊંડો શ્વાસ લઈને મેસેજીસ ચેક કરવાં હજુ મોબાઈલ હાથમાં લીધો ત્યાં જ મિહિરનો કોલ આવ્યો.
‘હાઈ.. મિહિર સાચું કહું કેવું લાગે છે?’
‘કેવું ?’ મિહિરે પૂછ્યું.
‘જાણે કે કે.બી.સી.માંથી બચ્ચનનો કોલ આવ્યો હોય! મિહિર ઝવેરી મને કોલ કરે? ઇટ્સ અનબીલીવેબલ!'
‘આ બહુ વધારે પડતું થઈ ગયું હોય એવું નથી લાગતું?’ મિહિરે પૂછ્યું.

‘મારી દ્રષ્ટિએ કહું તો જરાય નહીં. બીકોઝ કે આપણે કોન્ટેક્ટમાં આવ્યા એ પછી ફર્સ્ટ ટાઈમ સામેથી તમારો કોલ આવ્યો છે, એટલે. બોલો સરકાર હુકમ કરો.’
સોફા પર બેસીને બન્ને પગને આંટી મારીને ટીપોઈ ટેકવતા મીરાં બોલી.

‘આપણે ગઈકાલે છુટ્ટા પડ્યા ત્યારે એવી વાત થઇ હતી કે તમારી એ ઉધારી સાંજ માટે તમારે મને સામેથી કોલ કરવાનો હતો પણ, એક્ચ્યુલી હું પરમ દિવસથી એક વીક માટે આઉટ ઓફ સીટી જઈ રહ્યો છું. અને તમે જોબ જોઈન કરવા માટે પણ વાત કરી હતી. તો મારી પાસે આવતીકાલનો એક દિવસ છે. નહીં તો પછી છેક એક વીકની તમારે રાહ જોવી પડશે. બસ એ જાણ કરવા જ કોલ કર્યો છે.’
આરામથી મિહિરે રજુઆત કરી.

‘મારાં માટે તો તમે કોલ કર્યો, એ જ સૌથી મહત્વનું છે. તો હવે હું એમ વિચારું છું કે
આપણે આવતીકાલે જ મળીએ એ જ બેસ્ટ રહેશે. એન્ડ લીસન મિહિર વન ગૂડ ન્યુઝ! આઈ એક્સેપ્ટેડ ધ જોબ ઓફર એન્ડ વીલ બી જોઈન ધ જોબ ફ્રોમ નેક્સ્ટ વીક.’ સામેની વોલ પરના મિરરમાં જોઇને તેના વાળ સરખા કરતાં કરતાં ખુશ થઈને આગળ બોલી,
‘અને આ ખુશખબર મારા પુરા ફ્રેન્ડ સર્કલમાંથી સૌ પહેલાં તમારી જોડે શેર કરું છું.’
‘ઓહહ.. ધીસ ઈઝ એ ગ્રેટ ન્યુઝ ઇન્ડીડ એન્ડ આઈ એમ વેરી મચ હેપ્પી ફોર યુ. લાગે છે કે આ ગર્વના પર્વની તો ઉજવણી થવી જ જોઈએ. શું કહો છો?'
આનંદની લાગણી સાથે મિહિર બોલ્યો.
‘ધેટ્સ ગ્રેટ આઈડિયા. તો હવે મિહિર આપણે આવતીકાલેએ જ મળીએ છીએ. ઇટ્સ ડન. સમય અને સ્થળ નક્કી કરીને હું તમને રાત્રે મેસેજ કરું ઓ.કે.’
એક અનેરા અદમ્ય ઉત્સાહ સાથે મીરાંએ જવાબ આપ્યો.
‘જી ઠીક છે. બાય,’ એમ કહીને મિહિરે ફોન મુક્યો.
મીરાંએ મોબાઈલનો હળવેકથી સોફા પર ઘા કરીને મ્યુઝીક સિસ્ટમ ઓન કરી થોડાં લાઉડ વોલ્યુમમાં તેનું ફેવરીટ સોંગ,
'દિલ હૈ છોટા સા, છોટી સી આશા, મસ્તી ભરે મન કી, ભોલી સી આશા.... '
પ્લે કરતાંની સાથે તેની રીધમ પર ઝૂમવા લાગી.
પછી વોલ્યુમ ધીમું કરીને સોફા પર આડી પડી, આંખો મીચીને સંગીતની સુરાવલીમાં તન્મય થઈને ખ્યાલોની દુનિયામાં ખોવાઈ ગઈ.

રાત્રે દશેક વાગ્યાની આસપાસ અવનીના ઘરેથી પરત ફરતાં મીરાનું ગળું એકદમ સુકાતું હતું, એટલે ક્રોસ રોડના કોર્નર પરના એક આઈસ્ક્રીમ પાર્લરની સામે બાઈક પાર્ક કરીને કાઉન્ટર પરથી સૌ પહેલાં ચિલ્ડ વોટર બોટલ લઈને પછી આઉટ સાઈડમાં ફૂટપાથ પર જ સુવ્યવસ્થિત રીતે ગોઠવેલી સીટીંગ પ્લેસ પર આરામથી ગોઠવાઈને સડસડાટ અડધી ચિલ્ડ વોટર ગટકાવી ગઈ. એ પછી વેઈટરને આપેલા ઓર્ડર મુજબ ૨૫૦ એમ.એલ.ના લાર્જ સાઈઝ ડચ ચોકલેટ ફ્લેવર આઈસ્ક્રીમના કન્ટેનરમાંથી આઈસ્ક્રીમનો સ્કૂપનો મોઢાંમાં મુકીને મિહિરને કોલ જોડ્યો.
‘હાઈ મિહિર.’
વાહન વ્ય્હાવારના અવાજ પરથી અંદાજો લગાવતાં મિહિરે પૂછ્યું,
‘હેલ્લો, મીરાં, ક્યાં કસે બહારે છો?’
‘હા, અવનીને ત્યાં મારી અમુક ઈમ્પોર્ટન્ટ બુક્સ હતી, તે લઈને રીટર્ન આવતાં ક્રોસરોડ પર એક અત્યંત દિલચસ્પ લલચામણી, મારી સૌથી મોટી નબળાઈના પ્રદર્શનની એડનું સાઈન બોર્ડ જોઈને તમારી યાદ આવી ગઈ. તો બેઠી બેઠી તે નબળાઈનો આસ્વાદ માણતા કોલ કર્યો.’
‘તમારી એવી લલચામણી કઈ નબળાઈ કે જેને જોઈને મારી યાદ આવી?’
નવાઈ સાથે મિહિરએ પૂછ્યું.
‘ખાસ કરીને એ નબળાઈની ખાસિયત જોડે તમારી સામ્યતા છે એટલે.’
ફરી એક બીગ સ્કૂપને મોઢામાં મુકતા કહ્યું.
‘નબળાઈ જોડે સામ્યતા?’ ફરી નવાઈ સાથે મિહિરે પૂછ્યું.
‘અદ્દલ તમારાં જેવો છે જ યાર આ આઈસ્ક્રીમ....બિલકુલ ઠંડો’..............
એમ બોલીને મીરાં ખડખડાટ હસવાં લાગી.
મિહિર સ્હેજ શરમાયા પછી તેની સદાબહાર વાક્છટા મુજબ પ્રત્યુતર આપતાં બોલ્યો,
‘ઠંડો છું, એ પ્રકૃતિના ગુણધર્મને સકારાત્મક કે નકારત્મક કઈ રીતે મૂલવવો એ પરિસ્થિતિ પર નિર્ભર છે. બટ આઈ થીંક કે અત્યારે આપ એ જ ઠંડકના આસ્વાદની લિજ્જત લઇ રહ્યા છો. એમ આઈ રાઈટ?’
‘ઓયે હોયે.. ક્યા બાત હૈ. તમારાં આ તીરંદાજી જેવા જવાબ આપવાની અનોખી અદા પછી તો મારી લિજ્જત બમણી થઇ ગઈ. હવે સાંભળો આવતીકાલે સાંજે ૭ વાગ્યા પછી યુનિવર્સીટીની સામે જે રાધા-કૃષ્ણનું વિશાળ મંદિર છે ત્યાં તમારાં દર્શનની અભિલાષા રાખું છું. બોલો?’
‘ડન પણ.. મીરાંની ઉપસ્થિતિએ લઈને રાધાને કૃષ્ણ પ્રત્યેની પ્રેમલીલામાં વિક્ષેપ તો નહી પડે ને? હસતાં હસતાં મિહિર બોલ્યો.
‘હમ્મ્મ્મ.. ના. કારણ કે કૃષ્ણ હોય ત્યાં મીરાં બેફીકર જ હોય.’ આના સંદર્ભમાં મને મારું એક ફેવરીટ સોંગ યાદ આવે છે.’
‘કયુ સોંગ?’ મિહિરએ પૂછ્યું
‘અપને પે ભરોસા હૈ, તો યે દાવ લગા લે.’ ઊભી થઈને બાઈક તરફ જતાં મીરાં બોલી.

વધુ આવતાં રવિવારે..

'કહીં આગ ન લગ જાએ ' શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવdસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.