કહીં આગ ન લગ જાએ - 10 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કહીં આગ ન લગ જાએ - 10

પ્રકરણ- દસમું/૧૦

‘કેમ શું થયું? કેમ અહીં આ રીતે બેસી ગઈ?’ હજુ તો વૈશાલીબેન તેનું વાક્ય પૂરું કરે, એ પહેલાં તો અચનાક જ મીરાં તેમના ખોળામાં માથું નાખીને ધ્રુસકે ધ્રુસકે રડવાં લાગી.

સડનલી મીરાંને આવું બિહેવિયર કરતાં જોઈને વૈશાલીબેન રીતસર ડઘાઈ જતાં બોલ્યા...
‘મીરાં.. !!!
‘અરે.. મીરાં, આમ જો જોતો મારી સામું. ચાલ જો, ઊભી થઈ જા તો. અહીં બેસ મારી બાજુમાં. મીરાં..’
મીરાં ઊભી થઈને સોફા પર બેસીને વૈશાલીબેનને વળગીને બસ રડ્યા જ કરી.
વૈશાલીબેનને પણ કંઈ જ નહતું સમજાતું. આટલા વર્ષોમાં એમણે, મીરાંને ક્યારેય રડતી નથી જોઈ. અને સાવ આ રીતે અચનાક રીતસર ભાંગી પડી હોય એ રીતે રડતી જોઈને વૈશાલીબેન પણ ડરી ગયાં. તેમની આંખો પણ ભીની થઈ ગઈ. પાંચ મિનીટ સુધી સાંત્વના આપ્યા બાદ પાણીનો ગ્લાસ લાવીને મીરાંને પીવડાવતા માથે હાથ ફેરવીને પૂછ્યું,
‘શું થયું દીકરા? કંઈક અજુગતું થયું છે?'
એ પછી મીરાંએ ધીમે ધીમે રડતાં રડતાં, વૈશાલીબેનના ખોળામાં માથું નાખીને તેની અને મિહિરની વાત કહી સંભળાવી. ઘરેણાંની મેટર સહિત. માત્ર કેશવલાલ અને પોલીસનો ઉલ્લેખ કર્યા સિવાય બધું જ કહ્યું. આખી વાત સાંભળીને થોડીવાર સુધી તો વૈશાલીબેન પણ સાવ સ્તબ્ધ થઈને ચુપચાપ બેસી રહ્યા. થોડીવાર પછી બોલ્યા,
‘મીરાં ગઈકાલે સવારે જયારે મેં તને કોલ કર્યો ને, ત્યારે તારા અવાજ અને શબ્દો પરથી જ મને થોડી શંકા ઉપજી હતી. કે કંઈક એવું થયું છે જેનાં કારણે તારા શબ્દો તને સાથ નહતા આપી રહ્યા. ત્યારથી લઈને આખો દિવસ મને એ જ ઉચાટ રહ્યો, કે જરૂર કંઈક ન થવાનું ઘટિત થયું છે ખરું. અને સવારે જયારે હું આવી ત્યારે તું અહીં સોફામાં સુતી હતી. એ જાણીને મારી શંકા થોડી વધુ દ્રઢ થઈ. કેમકે આટલા વર્ષોમાં તું તારા બેડરૂમ સિવાય ક્યારેય કયાંય નથી સુતી.’
એ પછી એક ઊંડો શ્વાસ ભરી મનોબળ મક્કમ કરતાં આગળ બોલ્યા,
‘જો દીકરા, આમાં તારો સ્હેજે વાંક નથી. જે થવાનું હતું એ થઈ ગયું. આ રીતે જીવ બાળવાથી શું વળશે? અને હવે તું નાહકનો જીવ બાળીને શા માટે તારી જાતને કારણ વગરની દુઃખી કરે છે? ચલ, ફટાફટ મોઢું ધોઈ લે. નહીં તો તને ઓફીસ પહોંચવામાં મોડું થશે. ચલ ચલ, ઊભી થઈ જા.’ વૈશાલીબેને આખી વાતનો છેદ એટલી આસાનીથી ઉડાડી દીધો, કે જાણે કશું બન્યું જ નથી. અને મીરાંને આ આઘાતમાંથી બહાર કાઢવા માટે આ સિવાય તે બીજું કરી પણ શું શકે?

ફ્રેશ થઈને ફરી એકવાર વૈશાલીબેનને ગળે વળગીને મીરાં પોતાની જાતને સ્વસ્થ કરીને, ઓફીસે જવા રવાના થઈ.

વૈશાલીબેનને સૌથી વધુ દુઃખ મીરાંને રડતી જોઈને થયું. મીરાંની અત્યાર સુધીની લાઈફમાં ક્યારેય કોઈપણ સંજોગોમાં મીરાં સ્હેજે નિરાશ કે ઢીલી પડી હોય, એવો એક પણ કિસ્સો વૈશાલીબેનને યાદ નહતો. મીરાં રડે એ વાત તો કોઈ માની જ ન શકે. પણ આજે મીરાંનું રુદન જોઈને વૈશાલીબેનને અંદર ડર સાથે એક ધક્કો પણ લાગ્યો. કે રખેને લાંબો સમય સુધી આ વાત મીરાંના દિમાગમાં ઘર કરી જશે તો તેની ખુબ ઊંડી અને ઉંધી અસર તેનાં આવનારા ભવિષ્ય પર અચૂક પડશે. મીરાંની ભીતરની લાગણીશીલ પ્રકૃતિથી ખૂબ સારી રીતે વાકેફ હોવાનાં કારણે, આવનારાં પરિણામના અંદાજથી, વૈશાલીબેન ખુબ ચિંતિત હતા. એથી પણ આગળ વધીને વાત કરીએ, તો કદાચને આ આઘાતની ઘાતક અસર વૈશાલીબેનનાં હૃદય પર વધુ પડી હતી. મીરાંનું દુઃખ જોઈ, સાંભળી અને મહેસુસ કરીને એક સેકન્ડ માટે, એક તીવ્ર પીડા સાથે વૈશાલીબેન હૃદયનો ધબકારો ચુકી ગયા હતા. મીરાં તો તેની પીડા વૈશાલીબેનને પાસ ઓન કરીને કદાચ હળવી થઈ જશે, પણ વૈશાલીબેન, મીરાં અને એક માયાળુ મા તેનું દુઃખડુ કોની આગળ જઈને પાસ ઓન કરશે?


ઓફિસમાં એન્ટર થતાં પહેલાં જ મીરાંએ ગઈકાલની ઘટનાનાં કોઈ ચિન્હો ચહેરા પર ન આવે તેની કાળજી લઈને તકેદારી રાખી હતી.
થોડી જ વારમાં મીરાં તેના ડેઈલી રૂટીન વર્ક મુજબ કામકાજમાં વ્યસ્ત થઈ ગઈ. વચ્ચે વચ્ચે અચાનક કઈ ખૂંચે એવી વાત યાદ આવી જાય, તો વોશરૂમમાં જઈને ચહેરા સાથે ચિંતા પણ સરખી રીતે ધોઈ નાંખતી.

સમય થયો હશે લગભગ ૪:૩૫ નો. ત્યારે કલીગ અંકિત મીરાંની બાજુની ચેરમાં આવીને બેસતાં બોલ્યો,
‘લાગે છે કે આજે મેડમને કોઈએ ચા નથી પીવડાવી લાગતી!'
લેપટોપમાં એક મેઈલ ટાઈપ કરતાં કરતાં અંકિતની સામું જોયા વગર જ મીરાંએ પૂછ્યું.
‘કેમ આવું બોલ્યા?’
‘સવારથી તમે આવ્યા, ત્યારથી હું માર્ક કરું છું કે આજે તમારામાં એ એનર્જેટિક મીરાં રાજપૂત નથી દેખાતી.’
‘એ.. મિસ્ટર! તમને અહીં સેલરી તમારું કામ કરવાની મળે છે કે આવું બધું માર્ક કરવાની? હેં.. ?’ હળવા મજાકના ટોન સાથે મીરાંએ સંભળાવી દીધું.
આથી અંકિત સ્હેજ ઝંખવાયો. એટલે વાતને સિફતથી વાળી લેતા બોલ્યો,
‘અરે... પણ હું એમ કહેવા માંગુ છું, કે તમે ચા નથી પીધી લાગતી આજે એમ.’
‘ચા પીવી ફરજીયાત છે?’ સોટી મારતાં ચમચમી જાય એવો સવાલ મારતાં મીરાંએ પૂછ્યું. તેનું ધ્યાન હજુ લેપટોપમાં જ હતું.
‘અરે..ના ના.. એ તો..’ થોથવાતા અંકિતનું વાક્ય કાપતા મીરાં બોલી,
‘અંકિત પ્લીઝ, આ લેટર કમ્પ્લીટ કરીને પછી હું તમારી જોડે વાત કરું.’
મીરાંએ પોલાઈટલી સારી ભાષામાં, અંકિત ઓવર સ્માર્ટ બનીને એક્ટિંગ કરવાની શરૂઆત કરે, એ પહેલાં જ પડદો પાડી દેતા થોડીવાર તો અંકિતને ત્યાંથી હવે ઊભા કેમ થવું એ વિચારવું ભારે પડી ગયું. એટલે એક્ટિંગ કરતાં મોબાઈલ કાન પાસે રાખીને બોલ્યો,
‘એ આવ્યો આવ્યો..’ એમ બોલીને હળવેકથી ત્યાંથી સરકી ગયો.
અપસેટ મીરાંએ તેની કમાન છટકે એ પહેલાં કંટ્રોલ કરી લીધી હતી.


રાત્રે ડીનર કર્યા પછી ડ્રોઈંગરૂમમાં વૈશાલીબેન કોઈ પુસ્તક વાંચી રહ્યા હતા અને મીરાં રીમોટ મચડતી કયારની સતત ટી.વી.ની ચેનલ્સ સર્ફિંગ કર્યા કરતી હતી. વૈશાલીબેને નોટ કર્યું, મીરાંનું ધ્યાન ટી.વી.માં નહતું એટલે ધ્યાન દોરવા પુસ્તક બાજુ પર મુકીને બોલ્યા,
‘કેવું ચાલે છે ઓફિસનું કામકાજ દીકરા?’
મીરાં બેધ્યાન જ હતી. એટલે વૈશાલીબેન કશું બોલ્યા, પણ શું બોલ્યા એ ખ્યાલ ન આવ્યો એટલે સભાન થઈને પૂછ્યું,
‘હેં.. હેં... શું પૂછ્યું મમ્મી? સોરી મારું ધ્યાન જરા ટી.વી. માં હતું એટલે...'
‘નથી.. તારું ધ્યાન ટી.વી.માં નથી. મેં એ જ કહ્યું.' આટલું બોલીને વાતને હસવામાં કાઢી નાખતા આગળ બોલ્યા,' હું એમ કહું છું કે.. કેવું ચાલે છે ઓફિસનું કામકાજ એમ?’
‘ખુબ સરસ.’ મીરાંએ સાવ આટલો ટૂંકો, આપવા ખાતર અને તદ્દન ઔપચારિકતા જેવો જવાબ આપતાં વૈશાલીબેનને ખ્યાલ આવી ગયો કે મીરાંના માનસિક મૂઢ મારને કળ વળતાં હજુ થોડો સમય તો લાગશે જ. એટલે મીરાં વધુને વધુ વિચારોના વમળમાં ધસતી જાય એ પહેલાં તેને નોર્મલ મૂડમાં લાવવાનો પ્રયત્ન કરતાં પૂછ્યું.
‘મીરાં , અમારા ગ્રુપની નેક્સ્ટ ટ્રીપ માટે કયું ડેસ્ટીનેશન વધારે સારું રહેશે?’
‘પણ મમ્મી તેં તો કહ્યું હતું ને, કે તમે કશું ફાઈનલ કરી નાખ્યું છે.’
ટી.વી. ઓફ કરીને સોફા પર પલાંઠી વાળીને વૈશાલીબેન સામું જોઇને મીરાંએ પૂછ્યું.
‘હા, સૌરાષ્ટ્રના ચારથી પાંચ તીર્થધામના દર્શનનો લાભ લેવા જવું, એવું સૌએ વિચાર કર્યો છે, પણ હજુ ફાઈનલ નથી કર્યું. પણ કયાંય પણ જવું છે, એ તો નક્કી જ છે.’
‘પણ મમ્મી, તમે એવું કરોને કે કુદરત અને કુદરતની લીલા એમ બંનેના દર્શનનો લાભ અને લાહવો લઈ શકાય, એવા કોઈ ડેસ્ટીનેશન પર જવાનું વિચારો ને?

મીરાંના જવાબ પરથી લાગ્યું કે હવે થોડું તેનું માઈન્ડ ડાયવર્ટ થઇ રહ્યું છે. એટલે અજાણ્યા બનતા આશ્ચર્ય સાથે આગળ પૂછતા કહ્યું.
‘એ કઈ રીતે?’
‘હમ્મ્મ્મ.. એક મિનીટ મને જરા કંઈક જુદું જ વિચારવા દે.’
એટલે વૈશાલીબેન મનોમન બોલ્યા.. કે હું પણ એ જ ઈચ્છું છું કે તું કંઈક જુદા જ વિચારે ચઢે.
થોડીવાર તેના મોબાઈલમાં આડું અવળું સર્ચ કરતાં બોલી,
‘હમમમ! મિલ ગયા... મમ્મી તમે હિમાચલ અથવા ઉત્તરાખંડ તરફ જશો, તો બદ્રીનાથ કેદારનાથના દર્શનની સાથે, ત્યાં ચોતરફ કુદરતે ચારે હાથે જે સૌન્દર્ય પાથર્યું છે, તેના અલાહાદક દ્રશ્ય જોઈને એવી અનુભૂતિ થશે, જાણે કે સાવ નજીક જઈને ઈશ્વરનાં સાનિધ્યમાં બેઠાં હોઈએ!.’
‘હા.. તારી વાત સાચી. બધા સાથે મળીને પછી ફાઈનલ કરીશું.’ મીરાંના ચહેરા પર સ્માઈલ જોઇને વૈશાલીબેનના હૈયે થોડી ટાઢક વળી.



ત્યારબાદ વૈશાલીબેન તેમના બેડરૂમમાં જતા રહ્યા પછી, મોડે સુધી મીરાં તેના લેપટોપમાં કારણ વગરના ખાખાખોળા કરતી રહી. અને વૈશાલીબેન તેના ચિત્તમાં, મીરાંની ચિંતાના પડઘાતા પડઘા સાંભળતા અને પડખા ફેરવતા ફેરવતા છેવટે ઊંઘમાં સરી પડ્યા.

ગઈકાલે વહેલી સવારથી, ટોળે વળેલા ટેન્સનનો સતત સામનો કર્યાના કારણે મીરાં હદ બહારના માનસિક થાકથી સખ્ત થાકી ગઈ હતી. તેને એવું લાગી રહ્યું હતું કે આ પરિસ્થિતિમાં તેને ઓછામાં ઓછી દસથી બાર કલાકની નોનસ્ટોપ ઊંઘની ખાસ્સી જરૂર હતી. પણ બેડરૂમ તરફ જવા માટે તેના પગ ઉપડતા નહતા. ગઈકાલ રાતના એક એક દ્રશ્ય, એક એક સંવાદ ઊંડે સુધી તેના ચિત્તમાં એવા ધરબાઈ ગયા હતા, જાણે કે કોઈ ભવ્ય અને બુલંદ પ્રેમ પ્રતિકનાં સ્મારકનો પાયાનો પત્થર હોય. જે સ્થાનેથી હજુ થોડીવાર પહેલાં તો ભવિષ્યના શુભારંભની મંગલ મનોકામના મનોમન ગુંથી રહી હત, અને નિંદ્રામાં સરતાં પહેલાં છેકને આંખો મીંચાઈ ગઈ ત્યાં સુધી પાશ્ચત્ય ભૂમિમાં કોઈએ શરણાઈ પર છેડેલી કોઈ મધુર મિલનની રાગિણીની સુમધુર સુરાવલીની સરગમ સંભળાઈ રહી હતી. અને તે જ સ્થાન પર થોડી જ વારમાં અચાનક જ આવ્યું એક પછી એક અકલ્પનીય, અમંગળ કલ્પનાનું ઘોડાપુર. જેણે કરી નાખ્યું પળભરમાં બધું જ છિન્નભિન્ન. ને પછી તે સ્થાનથી જ આરંભ થઈ, એક અનંત અંતના આરંભની.

કલાક એક સુધી, આંખો મીંચીને સોફા પર પડી રહ્યા બાદ, હવે છેક તળ સુધીનું આત્મમંથન કરી છુટ્યા પછી મીરાંએ જાતને અભય વચન આપ્યું, કે હવે તેની આ હાડ ગાળતી પીડાની એક બુંદ સરીખા અંશ માત્રની પણ, તેની વાણી કે વર્તનમાં ક્યારેય કોઈને તેની ગંધ સુદ્ધાં પણ નહી આવવા દે. આ અણધારી આવેલી આંધીને તેણે પરિવર્તનના પવનમાં પલટાવી નાખવાની મનોમન પ્રતિજ્ઞા લઈ લીધી હતી.

મજબુત મનોબળ સાથે ડગલા ભરતી બેડરૂમમાં જઈને બેડ પર ફસડાઈને મન ભરીને રડ્યા પછી હળવા થયેલા મન અને તન પોઢી ગયા.

આશરે પંદર દિવસ પછી..

શહેરથી દસેક કિલોમીટર દૂર, અર્જુનના મામા કેશવલાલના ફાર્મ હાઉસ પર અર્જુને તેની બર્થ ડે પાર્ટીનું ફક્ત તેના અંગત ફ્રેન્ડ સર્કલ માટે જ આયોજન કર્યું હતું. સમય થયો હશે આશરે ૮:૪૦ નો. અવની, શ્વેતા, મૌલિક, નિમિત્ત અને મીરાં. સૌ અર્જુનની એસ.યુ.વી.માં આવ્યા હતા અને બીજા મિત્રો કેદારની જોડે આવ્યા હતા.
કુળ મળીને દસથી બાર મિત્રો જોડાયા હતાં.

મીરાંને પાર્ટીમાં આવવાનો સ્હેજે મૂડ નહતો, પણ અર્જુનનો જન્મદિન હતો એટલે ન આવવાની વાત તો બહુ દૂર રહી પણ તેનાં અણગમાનો અર્જુનને જરા અણસાર પણ ન આવે, તેવી સભાનતા રાખીને આવી હતી.

નિમિત્ત, અવની, મૌલિક, શ્વેતા અને મીરાં એક રાઉન્ડ ટેબલ ફરતે ગોઠવેલી ખુરસીઓ પર આસન જમાવીને બેઠાં હતાં. અને બાકી કેદાર જોડે આવેલાં મિત્રો, બાજુમાં અડીને આવેલાં બીજા ટેબલની ફરતે બેઠા. અમુક મિત્રો ફર્સ્ટ ટાઈમ મળી રહ્યા હતા, એટલે તેમની એકબીજા વચ્ચે અર્જુને ઓળખાણ કરાવી.

કેટરર્સને વન બાય વન સૌની ચોઈસ મુજબ ડ્રીંક્સ અને બાયટીંગ સર્વ કરવાની સૂચના આપી દીધી. એ પછી એક બાજુ ડી.જે. પાર્ટી વાળાએ એના ધમપછાડા શરુ કર્યા.
સૌ પાર્ટીના મૂડમાં હતાં, મીરાં સિવાય.

મિરીન્ડા ભરેલો સોફ્ટ ડ્રીંકનો ગ્લાસ લઈ મીરાં ઊભી થઈને, એક તરફ મોબાઈલમાં કોઈની જોડે ફોનમાં વાત કરી રહેલા કેદારની પાછળ જઈને થોડા અંતરે દૂર ઊભી રહી. બન્ને ફર્સ્ટ ટાઈમ મળી રહ્યા હતા. બે મિનીટ પછી અચાનક કેદારનું ધ્યાન મીરાં તરફ જતાં વાતને ટૂંકાવીને કોલ મુકતા મીરાંને પૂછ્યું.
‘જી, મારું કંઈ કામ છે?’
‘હા, મને ઓળખો છો?’ બન્નેએ ફાર્મ હાઉસના બીજા છેડા તરફ ચાલવાનું શરુ કરતાં મીરાંએ પૂછ્યું,
‘જી, મીરાં રાજપૂત. આઈ થીંક હું ભૂલતો ન હોઉં તો પેલા મિહિર ઝવેરીના કેસની મેટરમાં...’
કેદારનું વાક્ય પૂરું થાય એ પહેલાં મીરાં ડ્રીંક્સનો ઘૂંટડો ભરતાં બોલી,
‘જી, હા. એ જ. શું હું આપને એ કેસ વિશે કશું પૂછી શકું?’ સ્હેજ સંકોચ સાથે મીરાંએ પૂછ્યું.
‘શું જાણવું છે આપને?’ કેદારે ક્રાઈમબ્રાંચના અધિકારીના ટોનમાં સવાલની સામે સવાલ કર્યો.
મીરાંએ પણ બેધડક જવાબ આપ્યો.
‘તમે જેટલું જાણતા હો અથવા તમે જેટલું જણાવવા માંગતા હો એટલું.’ બોલીને કેદારની સામે જોયુ.
‘હમમમ... બનાવના બીજા જ દિવસે હૈદરાબાદ ક્રાઈમબ્રાંચની ટીમ અહીં આવી પહોચી હતી. મિહિરના ડાઉટફૂલ લાગતાં દરેક કોલ્સ ડીટેલ્સના કનવર્ઝેશન પરથી મિહિરના ક્રિમીનલ બેકગ્રાઉન્ડનું કોઈ જ સુરાગ મળ્યું નથી. કારણ કે તેમાં મેક્ઝીમમ કોલ્સ તેના કસ્ટમર્સના હતા. અને સૌથી આશ્ચર્યની બાબત તો એ હતી, કે તેના ટોટલ કોલ્સની એવેરેજ ડયુરેશન પાંચ મિનીટથી વધુ નહતી. તેના બે આઈ.ડી. એક હૈદરાબાદનું તેનું ડ્રાઈવીંગ લાઈસન્સ કે જેમાં મિહિર મનહરલાલ ઝવેરી નામ છે. અને
લેપટોપમાં સ્કેન કરીને રખાયેલું આધારકાર્ડના આઈ.ડી.માં તેનું નામ અનવર સિદ્દકી. અને એડ્રેસ છે લખનઉનું. હવે ત્યાની ક્રાઈમબ્રાંચ ફર્ધર ઈન્વેસ્ટીગેશન માટે તે આઈ.ડી.ના આધારે લખનઉ ગઈ છે.’

‘તો હવે અત્યારે અહીંના ક્રાઈમબ્રાંચની આ કેસને લઈને શું ભૂમિકા?’
મીરાંએ સચોટ અને તેને લાગતો સવાલ પૂછ્યો.
‘નથીંગ. ઝીરો. કેમ કે તેમને જોઈતી ઇન્ફોરમેશન, અમે આપી દીધી અને તેની રીતે જે ઈન્વેસ્ટીગેશન કરવાનું હતું એ કરી લીધું. તેમાં તેના હાથમાં કશું લાગ્યું નથી.

‘તમે તમારા આટલા વર્ષોના અનુભવના આધારે આ કેસને કઈ દ્રષ્ટિ એ જુવો છો?’
ડ્રીંક્સનો છેલ્લો ઘૂંટડો ભરતાં મીરાંએ પૂછ્યું.


બન્ને હાથની હથેળીઓ જીન્સના ફ્રન્ટ પોકેટમાં ખોસતા કેદાર બોલ્યો,

‘મિહિર ઝવેરીએ જે તે સમયે હૈદરાબાદ એસ.પી.નું મર્ડર કર્યું છે, એ તો પોલીસ રેકર્ડમાં બોલે જ છે. પણ સત્ય તો જ્યાં સુધી મિહિર ન પકડાય, ત્યાં સુધી કશું જ કહી ન શકાય. મેં મારી કારકિર્દીમાં આવા તો કંઈક સાધુના વેશમાં શૈતાન જોયા છે. એક સાચી સલાહ આપું. શક્ય હોય ત્યાં સુધી આવા તત્વોથી દુર રહો તો સારું. કારણ કે તમે સંપૂર્ણપણે નિર્દોષ હોવા છતાં, તમને જો કારણ વગરના છાંટા ઉડશે તો તેના દાગ સાફ કરતાં કરતાં જિંદગી ધોવાઇ જશે. પણ દાગ નહીં નીકળે. એવું દલ દલ છે આ. સમજ્યા?’

‘મિહિરનું કોઈ સ્ટેટ્સ?’ અંતે જે જાણવું હતું, એ વાત પર મીરાં આવીને અટકી.

‘ના હાલ તો કંઈ જ નહી. અને કદાચને પકડાશે પણ નહી. તેનું એક ઠોસ કારણ એ છે કે, અમને ઈન્ફોર્મેશન મળ્યાના ૩૦ મિનીટ પહેલાં જ તેનો સેલ ઓફ થયો છે. તેનો મતલબ કે તેને અગાઉથી જ મેસેજ મળી ગયો હશે કે હૈદરાબાદ પોલીસ તેને શોધવાનાં ચક્રો ગતિમાન કરી રહી છે. એ વાત પરથી ખ્યાલ આવે છે કે, તેનું નેટવર્ક કેટલું જબરદસ્ત છે. અને એક એસ.પી.ના ખૂનીને પોલીસ સાત વર્ષ સુધી ન પકડી શકી, તો વિચારો તેનું દિમાગ કેટલું શાતિર હશે?”

‘થેંક યુ સો મચ કેદાર. પોસિબલ હોય તો આપના કોન્ટેક્ટ નંબર આપશો? અને હા હું ઈચ્છું છું કે આ વાત આપણાં બન્ને વચ્ચે રહે તો બેટર રહેશે.’ મીરાંએ કહ્યું

તેનું કાર્ડ આપતાં કેદાર બોલ્યો.
‘કઈ વાત?’ એટલે બંને હસવા લાગ્યા.
‘બસ, તમારો આ જવાબ જ તમે ક્રાઈમબ્રાંચના કાબેલ ઓફિસર છો એ સાબિત કરી રહી છે.’
મીરાંએ જવાબ આપ્યો.
‘અને તમને મારી કાબેલિયત પર શંકા હોય તો હજુ એક બીજી વાત કહી દઉં.
જે સાંભળીને કદાચ તમે મને લાઈફ ટાઈમ નહીં ભૂલો.’
‘હા, પ્લીઝ કહો.’ આતુરતા અને આશ્ચર્ય સાથે મીરાંએ કેદારની સામે જોઈને પૂછ્યું.

‘મિહિર વિશેનો આટલો સચોટ ઓન રેકર્ડ ગુનાહિત ઈતિહાસ સાંભળીને પણ તમને તેના પ્રત્યે જે સોફ્ટ કોર્નર છે, એ વાતને ધ્યાનમાં રાખીને એક વાત ખાતરી પૂર્વક કહી શકું છું કે...એક દિવસ મિહિર અથવા તમે બંને એકબીજાનાં પતનનું કારણ બનીને રહેશો. ભવિષ્યમાં ક્યારેય આવું કંઈક બને, તો મને અચૂક યાદ કરજો.’

‘પણ એવું તમે ક્યાં આધારે કહી શકો?’ અત્યંત નવાઈ સાથે મીરાંએ પૂછ્યું.

‘આવી ભટકતી આત્માના કંઈક દિલચશ્પ, સત્ય હકીકતના કિસ્સા, મારી ડાયરીમાં નોંધેલા છે. તેની કયારેક ફૂરસદે ચર્ચા કરીશું. અત્યારે માત્ર એટલું જ કહીશ કે તમારા કે મિહિરના અંતિમ શ્વાસ પર પૂર્ણવિરામ મુકવા ઈચ્છતા ન હો, તો આ ચેપ્ટરને હંમેશ માટે અહીં જ દાટીને માટી નાખી દો. એમાં તમારી અને મિહિર બંનેની ભલાઈ છે. તમે શું સમજો છો? હું ગેરંટી સાથે કહી શકું, કે અત્યારે આ ઘડીએ પણ મિહિર તમારી એક એક હરકતથી વાકેફ છે. બોલો! હવે આ એન્ડલેસ પ્રકરણનો આપણે અહીં જ અંત લાવીએ અને પાર્ટીનો આરંભ કરીએ. એ જ ઠીક રહેશે.’
કેદારના સચોટ, સટીક અને સણસણતાં તેજાબી પ્રત્યુતર સાંભળીને થોડીવાર મીરાં અને તેનું માઈન્ડ બન્ને થીજી ગયા.

એટલું બોલીને બન્ને સૌ મિત્રો સાથે ફરી પાર્ટીની રંગતમાં જોડાયા.પાર્ટી ખુબ મોડે સુધી ચાલી. રાત્રીના આશરે એક વાગ્યા પછી, અર્જુન મીરાંને ડ્રોપ કરીને નીકળતા
માત્ર એટલું બોલ્યો..
‘મીરાં, મને જાણવું પણ નથી કે તારે અને કેદાર વચ્ચે શું ચર્ચા થઈ. પણ હું તમારા બન્નેની રગેરગથી જે હદે વાકેફ છું તેને ધ્યાનમાં રાખીને માત્ર એટલું જ કહીશ કે
કેદારની વાત એટલે પત્થરની લકીર. બસ એટલું તું સમજી લેજે. જો તને સમજાય તો. ચલ બાય, ગૂડ નાઈટ.’

કેદારની ટકોરાબંધ ટકોર ક્યાંય સુધી મીરાંના દિમાગમાં ટકોરા મારતી રહી. અને છેવટે ફાઈનલી મીરાંએ અંદર બહાર, ખૂણે ખાંચરેથી, વાળી ઝૂડીને, તલભાર જેટલાં પણ, મિહિરના અતીત અંશને ભેગા કરીને, એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર, તેના પર પલીતો ચાંપીને, કાયમ કાંટાની માફફ ખૂંચતા કિસ્સાને, કાયમ માટે ભસ્મીભૂત કરી નાખ્યો. હવે મિહિર ઝવેરી, મીરાં માટે એક નામ માત્ર સિવાય કશું જ નહતું.


ત્રીસ મહિના બાદ...


વૈશાલીબેન અને મીરાં. બન્નેના રોજિંદા નિત્યક્રમ દિવસો, મહિનાઓ પસાર થતાં થતાં, મીરાંના ચિત્તમાં ફેવીક્વિકની માફક ચોંટેલી એ પડછાયા જેવી પ્રાણઘાતક ઘટના વીત્યાને, આજે ત્રીસ મહિના થઈ ગયા. જીવતું જાગતું, હાજરા હજૂર મિહિર ઝવેરી નામનું વ્યક્તિત્વ ત્રીસ મહિના પહેલાં, માત્ર વીજળીના ચમકારા જેટલી ક્ષણમાં હવામાં એવી તો રીતે ઓગળી ગયું કે.. મીરાં તો શું? ત્રણ રાજ્યની પોલીસ કે ગુત્પ્તચર ખાતાના અધિકારીઓએ, મહિનાઓ સુધી આકાશ પાતાળ એક કરીને ડાઘીયા કૂતરાની માફક પીછો કર્યા પછી પણ, તલભાર પણ તેનું સુરાગ મેળવવામાં સરિયામ નિષ્ફળ રહ્યા હતા. આજે ત્રીસ મહિનાના ખાસ્સા અંતરાલ બાદ પણ મીરાંની, મિહિર સામે ભભુકેલી, લગભગ નફરત સમી અગનજાળમાં, હજુયે ટચલી આંગળીનાં ટેરવાનાં ટપકાં જેટલું, ટ્રસ્ટનું તણખલું અકબંધ હતું. ક્યારેક કયારેક કોઈ વાત દિલ પર લાગી આવતાં મીરાં વિચારના ચકડોળે ચડી વિચારતી કે ...ક્યાં હશે, મિહિર? કેમ મને એકપણ વાર કોલ નહી કર્યો હોય? પણ કોઈની આગળ મિહિરના અનુસંધાન બાબતે એક શબ્દ સુદ્ધાં તેના હોંઠ પર ફરકવા, કે આંખોમાં અણસાર આવવાનો અવસર નથી આવવા દીધો.

તેના સર્કલમાં પણ સૌને નવાઈ લાગતી હતી કે આ એ જ મીરાં છે? જે મિહિરના ભાગી છૂટવાના દિવસે ચોધાર આંસુએ રડતી હતી. અને એક વરસ પહેલા
ફરજ પરથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને ઘરકામ અને ધર્મકાર્યમાં વ્યસ્ત અને મસ્ત રહેતા વૈશાલીબેન તો એ વાતને સમુળગી જાણે કે ભૂલી જ ગયા હતા.

મીરાં તેની ફુરસદનો ખાસ્સો એવો સમય, બ્લાઈન્ડ ટ્રસ્ટને આપવા લાગી. ટ્રસ્ટના ફંડિંગ માટે દાતાઓના સંપર્કમાં રહેવું, ટ્રસ્ટને દરેક ક્ષેત્રમાં કઈ રીતે વધુને વધુ પ્રગતિ કરીને આગળ લઈ જઈને આત્મનિર્ભર કરવું. વધુને વધુ આધુનિક ટેકનોલોજીથી દરેક વિભાગને સજ્જ કરવું, બસ આવી નિતનવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવા લાગી.


પણ છેલ્લાં ત્રીસ મહિનામાં મીરાંની અંગત લાઈફમાં પૂર્વ અને પશ્ચિમ જેટલો તફાવત આવી ગયો હતો. ઊછળકુદ કરતી, પડતી અથડાતી, અલ્લડ, તોફાની ઝરણા જેવી મીરાંએ, હવે એક વિશાળ શાંત સરિતા જેવું રૂપ ધારણ કરી લીધું હતું.
એક સમયે તેને ચુપ રહેવા અંતે હાથ જોડવા પડતાં. હવે એ કયારે બોલે તેની રાહ જોવી પડતી. કાયમ બિન્દાસ લાઈફ સ્ટાઈલમાં રહેવા ટેવાયેલી મીરાંએ, તેનાં ધોધમાર ધસમસતા મસ્તીના પુરને, એક પીઢ વડીલને છાજે એવી પીઢતાના બાંધમાં બાંધીને બાનમાં લઈ લીધું હતું.

અઢી વર્ષમાં તેણે દિવસ રાત જોયા વગર, જાત ભૂલી અને ભૂંસીને જે કુશળ અને કુશાગ્ર બુદ્ધિની સાથે સાથે, જે લગનથી તેનું કૌશલ્ય બતાવ્યું હતું, તેના પરિણામની ફલશ્રુતિ રૂપે આજે ચન્દ્રકાન્ત શેઠની ફર્મમાં મીરાં સેકન્ડ પોઝીશન પર હતી. ચન્દ્રકાન્ત શેઠની ગેરહાજરીમાં ફર્મના તમામ નાના મોટા નિર્ણય લેવાના અધિકાર મીરાં પાસે હતા. મીરાંમાં આવેલાં આટલી હદ સુધીનાં, અનપેક્ષિત પરિવર્તનથી વૈશાલીબેન કંઈક હદે ખુશ થઈને ગર્વ અનુભવતાં, તો ક્યારેક મીરાંએ, તે પરિવર્તનની પાછળ ગળાટૂંપો દઈને ધરાર ધરબી દીધેલાં, તેના અકાળે મૃત્યુને વરેલા અરમાનો માટે અફસોસ કરતાં વૈશાલીબેન, ક્યારેક ઊંડો નિસાસો નાખીને, મન મારીને વાળી પણ લેતા.


લગભગ ૧૧:૩૦ નો સમય થયો હશે. મીરાં તેની કેબીનમાં કોઈ અગત્યના કામમાં ખૂબ જ વ્યસ્ત હતી. ત્યાં જ પ્યુને આવીને કહ્યું,

‘સાહેબ તમને બોલાવે છે.’

પાંચ મિનીટ પછી મીરાં, ચન્દ્રકાન્ત શેઠની ચેમ્બરમાં દાખલ થઈ. ત્યારે શેઠ કોઈની જોડે ફોન પર વાત કરી રહ્યા હતા. એટલે મીરાં ચૂપચાપ ચેર પર બેસી ગઈ. કોલ પૂરો થયો પછી શેઠ બોલ્યા.
‘મીરાં તને યાદ છે? જે દિવસે તું ફર્સ્ટ ટાઈમ વૈશાલીબેન જોડે તારી જોબ બાબતે વાત કરવા આવી હતી?’
‘હા, અંકલ. યાદ છે ને. એ દિવસ કેમ ભુલાય? પણ કેમ શું થયું?’ મીરાંને નવાઈ લાગતાં પૂછ્યું.
‘તે દિવસે તેં મારી ઓફીસ જોઈને પેલી સંજય લીલા ભણશાલીના સેટની વાત કરેલી. યાદ છે ?”
‘અરે.. વાહ અંકલ, તમને તો બધું જ યાદ છે. પણ તે વાતને તો આજે અઢી વર્ષ વીતી ગયાં અને કેમ આજે અચાનક આ બધી વાતો. મને સમજાતું નથી. કંઈ સમજાય એવું બોલોને.’ અધીરાઈથી મીરાંએ કહ્યું.
‘મીરાં, તે મધુકર વિરાણીનું નામ સાંભળ્યું છે?”
‘અરે તેના નામથી તો ભાગ્યેજ કોઈ અપરિચિત હશે. અંકલ એ તો આપણાં શહેરના મુકેશ અંબાણી છે. એમને કોણ ન ઓળખે? મલ્ટી મલ્ટી મીલીઓનર. આ શહેરના કોર્પોરેટ સેક્ટરના કિંગ. તેમને તો મળવું એ પણ મોટા સૌભાગ્યની વાત છે અંકલ. પણ તેનું શું છે?”
‘તે દિવસની છેલ્લી એક વાત, જે મેં વૈશાલીબેનને કહી હતી તે યાદ છે તને?' પુશબેક સીટને બેઠા બેઠા ધક્કો મારતાં ચન્દ્રકાન્ત શેઠ બોલ્યા.
‘તમારી દીકરી એક દિવસ મારી ખુરશી પર બેસશે.. આવું જ કંઈક ને? ...ઓ.. અંકલ પ્લીઝ! હવે તમે વધુ સસ્પેન્સ ક્રિએટ ન કરો. પ્લીઝ પ્લીઝ પ્લીઝ!'
ખુરશી માંથી ઊભી થઈને મીરાં બોલી.
‘અરે પણ .. તું બેસી જા, પાણી પી લે પહેલાં, પછી શાંતિથી કહું છું.’
મીરાં ફટાફટ આખો ગ્લાસ પાણી ગટકાવી ગઈ પછી બોલી,
‘હા , અંકલ હવે બોલો જલ્દી.’

એ પછી તેની ચેર પરથી ઊભા થઈને મીરાં પાસે આવીને બોલ્યા,
‘મીરાં, તે હમણાં કહ્યુંને, કે જે મધુકર વિરાણીને મળવું એ પણ સૌભાગ્યની વાત છે.
તો એ મધુકર વિરાણી, મીરાં રાજપૂતને મળવા માંગે છે.’

મીરાંને તેની લાઈફમાં આવડું મોટું આશ્ચર્ય ક્યારેય નહતું થયું..
મીરાંના એક્સપ્રેશન જોવા લાયક હતા...

‘અંકલ, મધુકર વિરાણી... મીરાં રાજપૂતને.. ???'

-વધુ આવતાં અંકમાં

© વિજય રાવલ '

કહીં આગ ન લગ જાએ ' શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.