આજ થોડું હસીએ તો?
લોકડાઉનની છુટી મળી કે હું, ચકો,મકો અને દકો ચાલ્યા દેવાદાદાની વાડીએ મોજ કરવા. વહેલી સવારે જે મળે એમાં ભાગવુ આવું વિચારીને સુતા. ચકો સુઈ ગયો. મકો સુઈ ગયો ને દકો તો નસકોરા બોલાવતા બોલાવતા ઢીમ જ થઈ ગયો. રહી ગયો હું બાકી.. હરખમાંને હરખમાં હું પણ સુઇ ગયો.
સવારે બધા દોડીને બસમાં બેઠા. બસમાં બધાને જગ્યા મળીને હું રહી ગયો. આપણે શેના સખણા રહી હેં ...એ ઊલ્ટી જેવું થાય છે મને ઊલ્ટી જેવું થાય છે.. બેસવા દયો જલ્દી કોક આવા બરાડા પાડી આખી સીટ પર મેં હક જમાવ્યો.
બસમાં બેઠા કે ચકો એની લાવેલી તલસાંકળી ખાતા ખાતા તલના ગુણગાન ગાવા લાગ્યો. મકો મગફળીના દાણા ખાતા ખાતા એની તાકાતનો પરચો દેખાડતો હતો.દકો એના સાથે લાવેલા દાડમના રસદાર દાણાનો રસ ચુસતો તો. હું બિચારો ઉતાવળમાં છાપુ જ લાવ્યો હતો તે સમાચાર મોટે મોટેથી વાંચીને બધાને સંભળાવવા લાગ્યો. મેં નજર છાપામાથી હટાવી ને જોયું તો એ ત્રણેય મોઢું બગાડી એના જડબા હલાવતા હતા.
અમે વાડીએ પહોંચ્યા તો દેવાદાદા ખુશ થઈ ગયા. બધાને એક એક થેલી દઈને 'જે તોડવું હોય એ તોડી લ્યો' એમ કહી ચકાને ઉતર દિશામાં, મકાને દક્ષિણ દિશામાં અને દકાને પુર્વ દિશામાં મોકલ્યા. હું બીચારો પશ્ચિમ બાજુ જાતો તો કે દેવાદાદા બોલ્યા કે "અહીં બેસ હું હમણા જ આવું." થોડીવાર પછી ચકો શાકબકાલુ લાવ્યો. મકો આંબલીની થેલી ભરી લાવ્યો અને દકો ચીકુ ને લીંબુની થેલી ભરી આવ્યો. હું બિચારો એની સામે જોતો જ રહ્યો. ત્યાં દેવાદાદા બાજુની વાડીએથી મારા માટે પપૈયા ને કેરી લાવ્યા. કોઈની થેલી ખાલી નહોતી તે મને આપ્યું બધું. હું બીચારો મોઢાનો હાવ મોળો. મેં તો લઈ લીધું. મેં નજર ઊંચી કરી જોયું તો એ ત્રણેયના મોઢાં બગડેલા હતા.
બધા વાતો કરતા હતા ત્યાં ઘરેથી ભાત આવ્યું. એમાં પણ ડખો થયો. ભાતમાં ચાર રોટલા ને છાલવાળું બટાટાનું શાક. ખાવાવાળા અમે પાંચ. બધાએ એક એક રોટલો લીધો ત્યાં દેવાદાદા મને જોતા હતા ત્યાં હું બોલ્યો, " મને બધા ખાલી એક એક ચોથિયુ આપો તો બધા સાથે ખાઈ. " બધાએ હસતા હસતા દીધું પણ ખરા! હું બીચારો ભોળો કે આખો રોટલો ખાઈ ગયો. ફરી મેં નજર ઊંચી કરીને જોયું તો એ ત્રણેય મોઢું બગાડી બબડતા હતા મને કાંઈક.
દેવાદાદા કહે "હવે આરામ કરો હું હમણા આવું. ઓરડીમાં ખાટલા પડયા છે." ચકો ,મકો અને દકો લાવ્યા ખાટલા ને મોજથી લંબાવી. હું બીચારો લેવા ગયો કે ત્યાં ખાટલો હતો પણ એક પાયા વગરનો. મેં પણ એનું વાણ કાઢી હીંચકો બનાવ્યો ને એ બધાની ખાટલાની બાજુમાં આંખ બંધ કરીને લાંબા રાગડે ગીત ગાતા ગાતા હજારો હીંચકા ખાધા. મેં આંખ ખોલીને જોયું તો એ ત્રણેયના મોઢાં લાલચોળ હતા.
ત્યાં દેવાદાદા આવ્યા ને પાણી દીધું અમને, પછી કે ચા પીવી હોય તો કોક ભરવાડને પકડો. બકરીના દુધની ચા પી નાંખી આજ. ચકો પહેલા ગયો તલસાંકળી લઈને ભરવાડને સમજાવવા. ભરવાડે તલસાંકળી લીધી પણ બકરી ન માની. મકો ગયો મગફળીના દાણા લઈને. ભરવાડ ને બકરી બેય માન્યા પણ દૂધ દોહવા ન દીધું . બકરીની લાત ખાઈ એ પાછો આવ્યો. હવે દકો ગયો દાડમ લઈને પણ બકરીના શિંગડા જોઈ પાછો આવ્યો. હવે વધ્યો ભોળો બીચારો હું . હું છાપું લઈને ભરવાડ પાસે ગયો કે આટલી બધી વસ્તુ છાપામાં વીંટી લે. એણે એમ જ કર્યું ને પછી બકરીને બાંધીને ધરાર દોહી. મજા આવી ચા પી ને તો ભાઈ ભાઈ. ચા પણ પાંચ રકાબી થઈ. એક રકાબી ચા દેવાદાદાએ ધરાર મને જ આપી. મેં ચા પીતા પીતા એ ત્રણેય સામે જોયું તો એ બધા મોઢા મચકોડતા હતા.
હવે દેવાદાદા કે બસનું ટાણું થઈ ગયું છે જલ્દી ઊપડો નહિંતર બસ ચુકાઈ જાશે. એ બધા તો પોતાની થેલી લઈને જાય ભાગ્યા. હું બીચારો પપૈયા ને કેરીના વજનથી દોડી ન શકયો. ઠેસ પણ લાગી તો બેસી ગયો રસ્તામાં. ચકો, મકો ને દકો તો દેખાતા પણ નહોતા ને મને દેવાદાદા જોઈ ગયા ને એક દુધના ખાલી છકડામાં બેસાડી ગયા. દેવાદાદા કે "ગામનો ભાણિયો છે આ. આના પૈસા ન લેજે."
થોડે આગળ ગયા તો ચકો, મકો ને દકો રસ્તામાં લથડીયા ખાતા હાલતા જોયા. મને બિચારાને દયા આવી મે કીધું કે "ઓલા મારા ભાઈબંધ છે એને પણ બેસાડી લે." તો છકડાવાળો કહે " એનું તો ભાડું લઈશ હોં. " હું બીચારો ભોળો તો બોલ્યો " દસ અદકા લઈ લેજે બસ પણ બેસાડી લે. " છકડાવાળો ખુશ થઈ ગયો ને એ ત્રણેયને બેસાડી અમે અમારે ઘરે પહોંચ્યા. મેં પૈસા ન દીધા દેવાદાદાએ ના પાડી હતી મારા પૈસાની એટલે. છકડાવાળાએ વીસ - વીસ રૂપિયા થતા હતા એના ત્રીસ-ત્રીસ લીધા. પાછો મને કહે "તમે કહ્યું હતું ને કે દસ અદકા લેજો એટલે ભાઈ." મેં નજર ઊંચી કરી ને જોયું તો ત્રણેય જણા મને ઘુરકીને જોતા જોતા મારવાની તૈયારી કરવાના જ હતા કે હું બીચારો ઘર તરફ ભાગ્યો. ઘરે આવીને ઘરવાળીને એટલું કીધું કે આ લોકડાઉન સારૂં છે. બહાર તો ડંડા પડે છે ડંડા. તો એ પણ બોલી " હજી બે ચાર માર્યા હોત તો સારું હોત." હું બીચારો કાંઈ ન બોલ્યો. શું બોલું તમે જ કહો."
શિતલ માલાણી
જામનગર