"મનની વ્યથાઓ વચ્ચે ઘેરાયો છે,આજે આ ઇશ્ક મારો,
તોડી દે બંધનો,હે મહોબ્બ્ત હવે હું ઈચ્છું છું સાથ તારો.!
તિબ્બુરના સૈનિકોને હરાવ્યા બાદ રેમન્ડો શાર્વીના બેભાન શરીરને લઈને પોતાના કબીલા તરફ આગળ વધી રહ્યો છે. શાર્વી બેભાન હતી એટલે રેમન્ડો ઉતરેલા ચહેરે આગળ જઈ રહ્યો હતો. શાર્વી અને રેમન્ડો ફક્ત એક જ જન્મભૂમિના સંતાન હતા એના સિવાય એમના વચ્ચે કોઈ જ સબંધ નહોંતો તેમ છતાં રેમન્ડોનું દિલ બેભાન શાર્વીને જોઈને અસહ્ય દુઃખ અનુભવી રહ્યું હતું. શાર્વીના વિચારોમાં અટવાયેલો રેમન્ડો પોતાના ખચ્ચર જાતર્ક કબીલા તરફ દોડાવી રહ્યો હતો.
બપોર થવા આવી હતી. હવે રેમન્ડો એના કબીલાથી થોડોક જ દૂર રહ્યો હતો.ઘટાદાર વૃક્ષોની હારમાળાઓ આવી ત્યારે રેમન્ડોએ થોડોક વિશ્રામ કરવા માટે પોતાના ખચ્ચરને થોભાવ્યુ. ખચ્ચરને ઉભું રાખીને રેમન્ડો ધીમે રહીને નીચે ઉતર્યો. પછી એણે હળવે રહીને બેભાન શાર્વીને ખચ્ચર ઉપરથી નીચે ઉતારીને એણે એક વૃક્ષના થડ સાથે અઢેલીને બેસાડી. ત્યારબાદ એણે ચામડાની થેલીમાં રહેલું સુતર્બ જડીબુટ્ટીવાળું ઘટ્ટ પ્રવાહી બહાર કાઢી થોડુંક બેભાન રહેલી શાર્વીના મુખમાં રેડ્યું.થોડીક વાર થઈ ત્યારે શાર્વી થોડીક સળવળી.અને પછી પુન: ભાનમાં આવી જતાં એણે આંખો ખોલી.
"રેમન્ડો.' ભાનમાં આવતાની સાથે જ શાર્વીએ પોતાની નજર સામે રેમન્ડોને જોયો એટલે એણે રેમન્ડો તરફ જોતાં કહ્યું. રેમન્ડોએ શાર્વી સામે જોઈને સ્માઈલ કરી અને એના માથા ઉપર હાથ ફેરવ્યો. રેમન્ડોની સામે શાર્વી થોડીક વાર જોઈ રહી પછી તેને તિબ્બુરના સૈનિકો એમની પાછળ પડ્યા હતા અને એ તથા રેમન્ડો ખચ્ચર ઉપરથી નીચે પછડાયા હતા એ આગળની વાતનું સ્મરણ થયું. આગળની ઘટનાનું સ્મરણ થતા જ શાર્વી એકદમ રડી પડી અને રેમન્ડોને ભેંટી પડી.
"શાર્વી શાંત થા. રડીશ નહીં તિબ્બુરના સૈનિકોનો તો મેં ખાત્મો બોલાવી દીધો છે. હવે ગભરાઈશ નહીં.' રેમન્ડો શાર્વીની પીઠ ઉપર હાથ ફેરવતા બોલ્યો.
"જ્યાં સુધી તમે સાથે છો ત્યાં સુધી કોઈની તાકાત નથી કે મને રંજાડી શકે.' શાર્વી પોતાના ગાલ પરથી આંસુ લૂછતાં બોલી. શાર્વી રડી એટલે એની સુંદર આંખોમાં લાલાશ ઉપસી આવી.
એટલામાં તો સામેથી હોંકારા અને પડકારા સંભળાવા લાગ્યા. ઝાડ સાથે અઢેલીને બેસેલી શાર્વી એકદમ ઉભી થઈ ગઈ. રેમન્ડો પણ સામેની દિશામાંથી આવતા હોંકારા અને પડકારા સાંભળીને એ દિશા તરફ જોવા લાગ્યો. કોઈક નવી આફત આવી પડશે એવું વિચારીને શાર્વીની આંખોમાં ભય ડોકાવા લાગ્યો. થોડીવાર થઈ ત્યાં તો સામેથી એક મોટુ ટોળું પોતાના હાથમાં તીર કામઠા લઈને આવતું નજરે પડ્યું. સામેના ટોળાના હાથમાં રહેલા તીર કામઠા જોઈને શાર્વી ગભરાઈ ઉઠી. એ રેમન્ડોની પાછળ લપાઈને ઉભી રહી.
"શાર્વી ગભરાવાની જરૂર નથી એ મારા જ કબીલાના લોકો છે એમણે કદાચ હજુ મને ઓળખ્યો નથી.' પેલું ટોળું એમનાથી થોડુંક દૂર રહ્યું એટલે રેમન્ડોએ પોતાની પાછળ ઉભેલી શાર્વીને કહ્યું.
થોડીકવારમાં આખું ટોળું એમની નજીક આવી ગયું. ટોળાની આગળ જે બળવાન લાગતો મુખ્ય માણસ હતો એ થોડીક વાર રેમન્ડો અને શાર્વી તરફ જોઈ રહ્યો.
"અરે રેમન્ડો તું.' પેલા માણસે થોડીકવાર રેમન્ડોને નીરખ્યા બાદ હર્ષઘેલા થઈને કિકિયારી પાડી.
રેમન્ડો પણ એ માણસને પહેલા તો ના ઓળખી શક્યો પણ થોડીકવાર એ માણસને જોઈ રહ્યા બાદ બોલ્યો."તું આર્ટુબ છે. અરે તું તો સાવ બદલાઈ ગયો યાર.' આટલું કહીને રેમન્ડો આર્ટુબની સામે દોડ્યો અને એકદમ એને ભેંટી પડ્યો.
આર્ટુબ રેમન્ડોનો બાળપણનો મિત્ર હતો. રેમન્ડો અને આર્ટુબ બાળપણમાં પાક્કા મિત્ર હતા. પણ જયારે રેમન્ડો પંદર વર્ષનો થયો ત્યારે રેમન્ડોને એના પિતા સિમાંન્ધુએ ઇજિપ્તના કેરો શહેરમાં ભણવા માટે મોકલી દીધો હતો. પોતના કબીલાના લોકો સેનાપતિની હરીફાઈમાં વારંવાર હારી જતાં હતા એટલે રેમન્ડો દસ વર્ષે વેલ્જીરિયા પ્રદેશમાં પાછો ફર્યો હતો. પણ પછી એની અને અમ્બુરાની લડાઈ બાદ એ સુતર્બ વનસ્પતિની શોધમાં ટીમ્બીયા પર્વત બાજુ ગયો. ત્યારબાદ તિબ્બુરે આક્રમણ કરીને એમનો પ્રદેશ જીતી લીધો એટલે શાર્વી સાથે ટીમ્બીયા પહાડથી નીકળેલો રેમન્ડો હવે પોતાના કબીલાના લોકોને મળવા માટે દસ વર્ષ બાદ આવી રહ્યો હતો.
"અરે જોઈ શું રહ્યા છો આ આપણા સરદારનો પુત્ર રેમન્ડો છે એને નમન કરો.' આર્ટુબે પોતાની સાથે આવેલા તીરકામઠાં વાળા માણસોને સંબોધીને જુસ્સાભર્યા મોટા અવાજે કહ્યું.બધા માણસોએ વાંકા વળી એક હાથ આગળ કરીને રેમન્ડોનું અભિવાદન કર્યું.
"પણ આર્ટુબ તું આ બધાને લઈને કોની સાથે જંગ લડવા જઈ રહ્યો હતો ? રેમન્ડો હસીને આર્ટુબ સાથે આવેલા તીરકામઠાધારીઓ સામે જોતાં પૂછ્યું.
"અરે યાર શું કહું તને.' કહીને આર્ટુબ ખડખડાટ હસી પડ્યો.
"કેમ હસે છે ? બોલને ક્યાં જઈ રહ્યો હતો તું.' આર્ટુબને હસતો જોઈને રેમન્ડોએ આષ્ચર્ય સાથે બીજો સવાલ કર્યો.
"તું રાજકુમારી શાર્વીને લઈને આપણા કબીલા તરફ આવી રહ્યો હતો ત્યારે આપણા કબીલાના બે નવયુવાનોએ તને જોયો. હવે રાજકુમારી શાર્વીને તો સમગ્ર વેલ્જીરીયા પ્રદેશના ચારેય કબીલાના તમામ લોકો ઓળખે છે પણ તું કેરો શહેરમાં રહે છે એટલે તને બધા ઓળખતા નથી.તેથી પેલા બે યુવાનોએ આવીને તારા પિતાજી સરદાર સિમાંન્ધુ આગળ તારી ફરિયાદ કરી કે કોઈ પ્રભાવશાળી માણસ બેભાન રાજકુમારી શાર્વીને ખચ્ચર ઉપર બેસાડી આપણા કબીલા તરફ આવી રહ્યો છે. પછી તરત જ તારા પિતાજીએ મને બોલાવી તપાસ કરવા કહ્યું કે રાજકુમારી શાર્વીને આવી રીતે કોણ લઈને આવી રહ્યું છે. મેં થોડા માણસોને તૈયાર કર્યા અને શાર્વીને લઈ આવનાર યોદ્ધા સામે લડવા નીકળ્યો પણ નજીક આવ્યો ત્યારે ખબર પડી કે એ યોદ્ધો તો તું છે' આર્ટુબે રેમન્ડોને હસતા-હસતા આખી વાત સમજાવી.
"ઓહહ.! એમ વાત છે." આર્ટુબની વાત સાંભળ્યા બાદ રેમન્ડો હસી પડતા બોલ્યો.
"હા હવે ચાલ. કે પછી તને બંદી બનાવીને લઈ જાઉં તારા પિતાજી સમક્ષ.' આર્ટુબ મજાક કરતા બોલ્યો.
"હા લઈ જાઓ એમણે મારું અપહરણ કર્યું છે.' બધી વાતચીત સાંભળી રહેલી શાર્વી બોલી અને પછી એકદમ હસી પડી.
શાર્વીની મજાક સાંભળીને રેમન્ડો અને આર્ટુબની સાથોસાથ બધા તીરકામઠાધારી માણસો પણ હસી પડ્યા.
રાજકુમારી શાર્વી સાથે આપણા સરદાર સિમાંન્ધુનો પુત્ર રેમન્ડો આવી રહ્યો એ એવી જાણ થતાં સમગ્ર જાતર્ક કબીલાના લોકો એમના કબીલાના આગળના મેદાનમાં એકઠા થવા લાગ્યા. અને રેમન્ડો તથા શાર્વીના સ્વાગતની તૈયાર કરવા લાગ્યા. મેદાનની એક બાજુ મોટુ પથ્થરનું આસન મુકવામાં આવ્યું હતું. એના ઉપર આધેડ વયના જાતર્ક કબીલાના સરદાર સિમાંન્ધુ બેઠા હતા.
થોડીવારમાં આર્ટુબ રેમન્ડો અને શાર્વીને લઈને આવી પહોંચ્યો. બધા લોકોમાં કોલાહલ થવા માંડ્યો. બધા ઊંચા-નીચા થઈને શાર્વી તથા રેમન્ડોને જોવા લાગ્યા. આર્ટુબ જનમેદની વટાવીને રેમન્ડો અને શાર્વીને સરદાર સિમાંન્ધુ પાસે લઈ આવ્યો.
સરદાર સિમાંન્ધુ પોતાના પ્રભાવશાળી પુત્ર તરફ ગર્વની નજરે જોઈ રહ્યા. રેમન્ડો દોડીને એના પિતાજીને ભેંટી પડ્યો. બન્ને પિતાપુત્ર હરઘેલા થઈને થોડીવાર એકબીજા સામે જોઈ જ રહ્યા.
"રાજકુમારી શાર્વી આ મારા પિતાજી' રેમન્ડો એટલું બોલ્યો ત્યાં તો અધવચ્ચે અટકાવીને શાર્વીએ રેમન્ડોના મોંઢા ઉપર પોતાની આંગળી ધરી દીધી.
"તમારા માટે હું રાજકુમારી નથી. તમે મારા હૈયામાં વસેલા મહારાજા છો. તમારા માટે તો હું રાણી છું.' રાજકુમારી શાર્વી આખી જનમેદની સાંભળે એટલા ઉંચા અવાજે બોલી.
રાજકુમારી શાર્વીના મુખમાંથી નીકળેલા શબ્દો થોડીકવાર હવામાં ગુંજતા રહ્યા. સરદાર સિમાંન્ધુ,રેમન્ડો,આર્ટુબ તથા આખી જનમેદની અવાચક નજરે શાર્વીના આ શબ્દો સાંભળીને શાર્વી તરફ જોઈ રહી.
"તમે પાસે છો છતાં મને આપણા બન્ને વચ્ચે દુરી લાગે છે,
વ્હાલા તમારા પ્રેમ વિના મને આ દુનિયા અધૂરી લાગે છે.!
(ક્રમશ)