*અંગત ડાયરી*
============
*શીર્ષક : મારો ચગે રે પતંગ કેવો સર સર સર...*
*લેખક : કમલેશ જોષી*
*ઓલ ઈઝ વેલ*
લખ્યા તારીખ : ૧૦, જાન્યુઆરી ૨૦૨૧, રવિવાર
પતંગોત્સવ અને લગ્નોત્સવમાં ઘણી સામ્યતા છે. પતંગ ચગાવવો એ વિજ્ઞાન અને કળા બંને છે. એક્ઝેટ માપમાં કાણા (કનશિયા) પાડવાનું વિજ્ઞાન જેને ખબર હોય એનો જ પતંગ ઉંચે આકાશે વ્યવસ્થિત ઉડે અને સ્થિર પણ રહે. રાજકારણમાં પણ અમુક લોકોના પતંગ ઉંચે આભમાં ઉડી રહ્યા છે ને! લગ્નમાં પણ મિનીમમ બે વ્યક્તિને એટલે કે હસબંડ અને વાઈફને ફાઈન ટ્યુનીંગ જરૂરી છે એમ પતંગ ઉડાડવામાં પણ ઉડાડનાર અને ચરખી પકડનાર વચ્ચે મસ્ત ટ્યુનીંગ જરૂરી છે. જો ચરખી પકડનાર ચરખી ફીટ જ પકડી રાખે તો પતંગ આકાશની ઊંચાઈ સુધી જઈ ન શકે. જો તમે તમારા કરિયરમાં ટોચ પર હો, તો એ સ્થાન માટે તમારી ફીરકીએ આખેઆખા ખાલી થઈ જવું પડ્યું છે એ ભૂલતા નહિં.
પતંગને ઉંચે ચગાવવો એ એક કળા પણ છે. ક્યારે ઢીલ મૂકવી, ક્યારે સીંચવો અને ક્યારે ખરેડા દેવા એ કળામાં જે પારંગત હોય એનો જ પતંગ દીર્ઘકાળ સુધી ઉંચે આકાશમાં ચગ્યા કરે. યોગ્ય ફીરકી પકડનાર મળવો એ પણ બહુ મોટું ઍચીવમેન્ટ છે. સમાજમાં આજકાલ જે પતંગોની ગોથાબાજી ચાલી રહી છે કે દોરમાં ગૂંચ કે ગાંઠો પડી ગઈ છે એ બહુ મોટી ચિંતાનો વિષય છે.
અમારા એક મિત્રે બહુ મસ્ત વાત કરી હતી. ઘણાં ઉતાવળિયા લોકો દોરના ઢગલામાં પડેલી ગૂંચ ધીરજ પૂર્વક ઉકેલવાને બદલે એટલો કટકો કાપી ત્યાં નવી ગાંઠ લગાવવાની જલ્દબાજી કરતા હોય છે. દોરમાં પડેલી ગાંઠ દોરની મજબૂતાઈ માટે બહુ ઘાતક હોય છે. કાપાકાપીની ઉતાવળ કરવાને બદલે હળવે હળવે, ધીરજથી પ્રેમથી કોશિશ કરવામાં આવે તો ગૂંચ ઉકેલાઈ જતી હોય છે. આપણા વડીલો એ એમની જિંદગીમાં આવી કેટલી બધી ગાંઠો ઉકેલી જ હોય છે ને? અખંડ દોરની મજબૂતી જબ્બરદસ્ત હોય છે.
લગ્નોત્સુક યુવક-યુવતીઓ લગ્ન બાદ ક્યાં ક્યાં ફરવા જઈશું, કઈ હોટેલમાં જમીશું, કઈ ફિલ્મો જોઈશું, ક્યાં કપડાં અને ક્યાં દાગીના ખરીદીશું એના પ્લાનિંગ કરે છે. એમણે સાથે સાથે કોઈ ગેરસમજનો કે મુશ્કેલીનો કે માન-અપમાનનો સમય આવશે ત્યારે કેવી રીતે ગૂંચ ઉકેલીશું એની પણ થોડી ઘણી આચાર સંહિતા નક્કી કરી લેવી જોઈએ. અઘરા પ્રશ્નોની તૈયારી કરી લીધી હોય તો લગ્ન જીવનનો ગોલ્ડન પીરીયડ ‘ડોસા ડોસી’ બનીએ ત્યાં સુધી લંબાઈ જાય.
પતંગને વ્યવસ્થિત ઉડવા માટે યોગ્ય હવામાન પણ જરૂરી છે. થોડો ઘણો પવન હોય તો પતંગ સહેલાઈથી ચગે છે. પરિવારના સભ્યો, સાસુ-સસરા, સાળા-સાળી, દેર-દેરાણી, જેઠ-જેઠાણી, નણંદ-નણંદોઈ જો યોગ્ય વાતાવરણ પૂરું પાડે, હળવા વહે તો નવા કપલને બહાને એ લોકો પણ થોડા ચગી શકે. તોફાની પવન હોય ત્યાં પતંગ ચગાવવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. આવા વાવાઝોડાંઓને કારણે અનેક પરિવારોને વેરવિખેર થયેલા તમે જોયા જ હશે.
પતંગ જેમ ઉંચે ઉડે તેમ એની પર જોખમ વધે. તમારા પરિવારનો કોઈ સભ્ય ચાર આકડામાંથી પાંચ આંકડા કે છ આંકડા કમાતો થાય, કોર્પોરેટરમાંથી મેયર કે મંત્રી પદ તરફ આગળ વધે એટલે એનું પત્તું કાપવા માટે, એને ઉડતો અટકાવવા માટે આજુબાજુમાં ઉડતા પતંગો તરત જ એની સાથે લડાઈ શરુ કરી દેતા હોય છે. જો તમારા દોરની કે સંસ્કારોની ક્વોલીટી અને કેપેસીટી ઉચ્ચ હશે તો કોઈ ગમે તેટલી કોશિશ કરે તમારો પતંગ ચટ નહીં થાય. કાચા દોર વાળા પતંગોએ બહુ ઉંચે ઉડવામાં જોખમ છે.
પતંગોએ પણ યાદ રાખવા જેવું છે કે અંતે તો બધા જ પતંગો એ નીચે જ આવી જવાનું છે. તમે થોડું ઉડ્યા હો કે આકાશની ટોંચે પહોંચ્યા હો, અંતે તો તમારે જમીન પર, જેણે તમને ઉડાડ્યા એની પાસે આવી જવું કમ્પલસરી છે. એ છે તો તમે છો. ઉંચે ઉડતા પતંગો ઘણી વાર પોતાને ઉડાડનાર એ પરમ શક્તિના દોરને ભૂલી ગયા હોય છે. અરે કેટલાક ચગેલા પતંગો તો એમ પણ ફરિયાદ કરતા હોય છે કે આ દોરે મને બાંધી રાખ્યો છે નહિંતર હું હજુ ઘણો ઉંચે જઈ શકું એમ છું. પણ જે દિવસે એ દોર તૂટે છે અને ઉંચે ઉડેલો પતંગ ચટ થાય છે ત્યારે એની હાલત કફોડી થાય છે. જે બાજુ પવન એને ઢસડી જાય એ બાજુ એણે જવું પડે છે અને છેલ્લે કોઈ ઝાડની ડાળીમાં કે ઇલેક્ટ્રિકના વાયરમાં કે કોઈ ગટરની ટાંકીમાં જઈ પડવું પડે છે. એવા ચટ પતંગને લૂંટનારાઓની પણ બહુ મોટી ટોળી શેરીઓમાં ફરતી હોય છે. એમના હાથમાં આવનાર પતંગ ક્યારેક ચીંથરેહાલ થઈ જાય છે. સામાજિક નિયમોની ઐસીતૈસી કરનારાઓને પણ આ વાત એક વાર સમજાય છે, પણ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હોય છે.
જગતના હાજરાહજૂર ઈશ્વર એટલે સૂર્યનારાયણ દેવ. મકરસંક્રાંતિના દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે ત્યારે પતંગ ઉડાડવા અગાશી કે ધાબે ચઢીએ કે ન ચઢીએ પણ આપણને આ ધરતી પર ઉડવા દેનાર ઈશ્વરને, સંસ્કૃતિને, ફેમિલીને, સમાજને અને આપણી ફીરકી પકડનાર જીવનસાથીને થેંક્યું કહીએ.. તો કેવું?
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)