આહવાન - 48 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આહવાન - 48

આહવાન

( સત્ય અને પ્રમાણિકતાની કથા )

પ્રકરણ – ૪૮

આખાં હોલમાં અચાનક ધુમસ્સ સાથે અંધકાર છવાઈ ગયો...

કોઈને કંઈ સમજાઈ રહ્યું નથી‌...આ બધું શું થઈ રહ્યું છે કે આ માણસો કોનાં છે ને કોને બોલાવ્યાં છે એ સમજાતું નથી. થોડીવારમાં જ ફરી પહેલાં જેવું થઈ ગયું પણ આ શું ??

અજવાળું થતાં જ બધાંએ જોયું તો મિસ્ટર અરોરા, આલોક, પ્રશાંત , મયુર ચારેય જણાં એ બહારથી આવેલાં માણસોથી ચારેય બાજુથી ઘેરાયેલા છે... મિસ્ટર અરોરાનાં બધાં જ માણસો ગાયબ છે.

વિધિ : " અંકલ આ લોકોએ તો પપ્પા, મામા એમને ઘેરી લીધાં છે તમે એમને બરાબર તો કહ્યું હતું ને ?? "

ત્યાં જ એક ખાખી વર્દીધારી એક આકર્ષક પર્સનાલિટી, છ ફુટની હાઈટ , લાંબી મૂછો અને ગોગલ્સ પહેરીને એક જુદી જ અદામાં એ પોલીસ ઓફિસર ત્યાં અંદર પ્રવેશ્યો.

બધાં જોતાં રહી ગયાં. આલોક એમને જોતાં જ બોલ્યો, " ઇન્સ્પેક્ટર કે.પી‌.ઝાલા ?? અહીં કેવી રીતે ?? "

મયુર : " આ તો અમદાવાદમાં પહેલાં હતાં એ જ ઈન્સપેક્ટર છે ને ?? જેનાં નામ માત્રથી ગૂનેગારો ધ્રુજી ઉઠતાં હતાં..."

ઈન્સપેક્ટર કે.પી‌.ઝાલા એ કંઈ પણ બોલ્યાં વગર એક ગૂઢ સ્મિત કર્યું.

મિસ્ટર અરોરા : " તમારું તો સસ્પેન્સન થયું હતું ને કોઈ કેસમાં ?? તમે ક્યાં હવે ડ્યુટી પર છો ?? " કહીને મિસ્ટર અરોરા ફરી બરાડીને બોલ્યાં, " સ્મિત તે અમારી સાથે દગો કર્યો છે તને છોડીશ નહીં" કહીને એણે ખિસ્સામાંથી બંદૂક કાઢીને સ્મિત સામે ધરી દીધી..!!

ઈન્સપેક્ટર કે.પી.ઝાલા : "એક મિનિટ મિસ્ટર અરોરા... સાહેબ પૈસા અને સત્તાનાં મોહમાંથી થોડાં બહાર નીકળીને કદી અમારાં જેવાં પ્રમાણિક લોકો પર પણ થોડી રહેમ નજર રાખતાં રહો.. કદાચ તમને એ પણ ખબર નથી કે એ કેસનું સોલ્યુશન આપતાં મને ફરીથી માનસહિત મારી આ વર્દી મને પાછી સોંપવામાં આવી છે. "

આલોક : " શું ?? એટલે તમે અહીં અમને મારી નાખશો એમ ?? અને કોઈને ખબર પણ ન પડશે નહીં એવો જ પ્લાન છે ને ?? એન્કાઉન્ટર જ ને ?? "

ઈન્સપેક્ટર કે.પી.ઝાલા હસીને બોલ્યાં , : " ના બધું અમે કરીશું તો સારાં એવાં ડીગ્રીવાળાં અને અનુભવી વકીલો શું કરશે ?? ના ના અમે કંઈ જ નહીં કરીએ. હવે જે પણ કરશે એ સરકાર અને તમને માનતાં લોકો જ કરશે."

મિસ્ટર અરોરા : " વિકાસ મેં તને કહ્યું હતું ને કંઈ ચાલાકી ના કરીશ... છતાં પણ તું ના માન્યો એમને ?? "

ઈન્સપેક્ટર કે.પી.ઝાલા : " એ બધી વાત પછી કરજો... મિસ્ટર વિકાસ વિડીયો ક્લિપ ક્યાં છે ?? "

વિકાસે તરત જ ખિસ્સામાંથી કાઢીને એક વ્હિસલ મારી ત્યાં જ મિસ્ટર અરોરાનો એક વ્યક્તિ કે જેણે કાજલ વિશે માહિતી આપી હતી એ જ અંદર આવ્યો અને ખૂણામાં સંતાડીને મૂકેલું એક કેમેરાનું ગોઠવાયેલું એક નાનકડું પેક લઈ આવ્યો. ને આવીને વિકાસ પાસે ઉભો રહ્યો.

વિકાસ : " આ સીધું જ ઝાલા સાહેબને આપ..."

મિસ્ટર અરોરા એ પોતાનાં જ માણસને પૂછ્યું, " જે થાળીમાં ખાય છે ત્યાં જ થૂંકી રહ્યો છે ?? "

એ વ્યક્તિ બોલ્યો, " સાહેબ પૈસા માટે આ કામ કરું છું...પણ પૈસો જ સર્વસ્વ નથી ક્યારેક કોઈની જિંદગી પણ જરૂરી હોય છે. થોડાં દિવસો પહેલાં જ મારી પત્ની અને નાનાં ભાઈને કોરોના થયો હતો. સિવિલ હોસ્પિટલમાં આ જ ડૉક્ટર આલોકે એમને કહી દીધું હતું કે એ નહીં બચે કહીને બીજી કોઈ વધારે તપાસ કર્યાં વિના જ ઈલાજ અડધેથી બંધ કરાવી દીધો હતો. એ જ વખતે ડૉ વિકાસ ફરીથી ડ્યુટી પર આવતાં જાણે ભગવાન બનીને આવ્યાં. એમણે બહું મહેનત કરીને પછી મારી પત્ની અને મારાં ભાઈ બંનેને બચાવી લીધાં છે‌. એ મારાં માટે ભગવાન સમાન છે... આથી મેં એમનાં આ ઉપકારને કારણે જ એમને મદદ કરી છે. હવે તમારે જે કરવું હોય તે કરી શકો છો મને...પણ જો આવાં વ્યક્તિને હું મદદ ન કરું તો કુદરત પણ મને માફ ન કરે સાહેબ."

ઈન્સપેક્ટર કે.પી.ઝાલા પાસે એ ડ્રાઈવ આવતાં તરત જ એમણે એ ચારેયને એમનાં માણસો પાસે અરેસ્ટ કરાવી દીધાં. ત્યારે જ ખબર પડી કે આ બધી પોલીસની જ આખી ટીમ છે. સૌથી વધારે વિશાખા ખુશ થઈ. એ બોલી, " સ્મિત તે તો થોડીવાર માટે બધાંને ગભરાવી જ દીધા. હું મનથી તો માની જ નહોતી શકતી પણ તારાં આવાં ગંભીર વર્તનથી હું સાચું જ માની ગઈ હતી. "

સ્મિત : " સોરી પણ આ બધું જરૂરી હતું. આ બધો જ પ્લાન ફક્ત મારાં અને વિકાસ વચ્ચે નક્કી થયો હતો‌‌. આ બધી જ વાત બધાને કરવામાં જોખમ હતું. "

ને તરત જ ઈન્સપેક્ટરે હુકમ કર્યો એ સાથે જ બધાંને પકડી દીધાં. મિસ્ટર અરોરા જતાં જતાં પણ પોતાની પિસ્તોલથી મિકિનને એક ગોળી મારવાનો પ્રયત્ન કર્યો પણ અજાણતાં જ બચી ગયો.

વિધિ રીતસરની રડી પડી. એણે રડતાં રડતાં કે.પી.ઝાલાને કહ્યું, " સર હું આજે મારાં પપ્પા અને મામાની આ સ્થિતિ જોઈને ચોક્કસ દુઃખી છું...પણ એમનાં આવાં કર્મોની સજા તો એમને મળવી જોઈએ જ...કારણ કે જો આવી વસ્તુ એકવાર થશે ગુનેગારો પૈસાનાં બળ પર એમ જ છૂટી જશે...તો લોકો ક્યારેય અનીતિ કરતા ડરશે જ નહીં...કાનૂન નામની વસ્તુની કોઈ અહેમિયત જ નહીં કરે...પ્લીઝ સર મને હવે કોઈ મારાં ઘરે મૂકી જશે ?? "

સ્મિત : " વિધિ તું અમારી સાથે ચાલ અત્યારે. અમે તને લાવ્યાં હતાં તારી જવાબદારી અમારાં પર છે. તને કંઈ પણ ન થાય એ અમારી જવાબદારી છે. કોઈ પણ દીકરીનું સમ્માન અને સુરક્ષા અમારી ફરજ છે‌."

વિકાસ : " એક સમય માટે મને થયું હતું કે તું છેલ્લે ફરી જઈશ..‌એટલે જ મારે તને થોડી ધમકી પણ આપવી પડી હતી. પણ બેટા આટલું બધું કોઈની જિંદગી સાથે આવું થઈ રહ્યું હોય ત્યારે આ વસ્તુ જરુરી હતું..."

વિધિ : " મારી મમ્મી પપ્પાને બહું પ્રેમ કરે છે મને ખબર છે પણ પપ્પાનાં આવાં કામને એટલી જ નફરત. એને આ ખબર પડશે ત્યારે બહું દુઃખ થશે પણ એક સચ્ચાઈની લડાઈ માટે એ સાથે પણ આપશે..."

અંજલિ : " એકવાત પૂછું બેટા ?? તું ગઈ કાલ રાતથી ઘરે નથી તો તારી મમ્મી કે પપ્પાએ એકબીજા સાથે વાત પણ કરી નથી ?? મતલબ તારી ચિંતા તો હશે ને એમને ?? "

વિધિ : " મમ્મી જો પપ્પાને કહે પપ્પા એનો જીવ લઈ લે એટલું એને બોલી દે કે એ મારું ધ્યાન ન રાખી શકી. પપ્પાનાં આવાં આટલાં મોટાં કાવતરાની તો એને જાણ સુદ્ધાં નહીં હોય. "

અંજલિ : " હમમમ... બરાબર. ચાલો હવે ઘરે જઈએ."

વિધિ : " મનમાં મને ઉંડે ઉંડે એવું લાગી રહ્યું છે કે આ સિક્રેટ વિલા નથી બીજી કોઈ જગ્યા છે..."

કાજલ : " તારી વાત સાચી છે‌ . સિક્રેટ વિલા તો ખરેખર એક સિક્રેટ જગ્યા છે. પણ આ તો એમનાં બે નંબરનાં ધંધા કાયમી બંધ ન થાય માટે એમણે આ જગ્યા પર બધાંને બોલાવીને સિક્રેટ વિલા સુધી પહોંચવાનું બધાંને ભૂલાવી દીધું. બધાંને અહીં લાવીને ગેરમાર્ગે દોરી દીધાં. "

વિધિ : " પણ મારે એ જોવું છે...આખરે અઠવાડિયામાં ત્રણથી ચાર દિવસ મારાં પપ્પા અહીં શું કામ રહે છે ?? "

કાજલ : " બેટા તું ન જાણે તો સારું... તારાં પિતાની રહીસહી ઈજ્જત પણ તારાં મનમાંથી જતી રહેશે..."

વિધિ : " બસ હવે તો લોહીનો સંબંધ છે એ બરાબર બાકી આજ પછી એ ઘરે પાછાં ફરશે તો પણ કદી એમને પહેલાંના મારાં પિતા તરીકે નહીં સ્વીકારી શકું...!! "

મિકિન ધીમેથી બોલ્યો, " ત્યાં સુધી પહોંચી તો શકાશે પણ અંદર પહોંચવું કે બહાર આવવું એ ફક્ત તારાં પપ્પા અને મામાની પરવાનગી સિવાય શક્ય નથી એવી ત્યાંની સુપર સિસ્ટમ બનાવેલી છે. "

વિશાખા : " પણ આ કેસમાં તારે પણ એક સાક્ષી બનવું પડશે, એ તું બનીશ તો ખરાં ને ?? "

વિધિ : " ચોક્કસ...આજે ન્યાયની લડાઈ છે સૌથી વધારે એક સ્ત્રીની ઇજ્જત અને સન્માનની વાત આવે ત્યારે હું ચોક્કસ મદદરૂપ બનીશ..."

એટલામાં જ એક પોલીસ ઑફિસર ચારેય જણાંને મોકલી દીધાં બાદ પોલીસની એક ગાડી દ્વારા વિકાસ અને સ્મિતને પોલીસ સ્ટેશન લઈ ગયાં અને એક બીજી ગાડી દ્વારા બાકીનાં બધાને સ્મિતનાં ઘરે લઈ ગયાં...!!

શું મિસ્ટર અરોરા અને એમનાં સાથીઓને એમની સજા મળશે ખરી ?? કે પૈસાનાં બળ પર એ લોકો છૂટી જશે ?? સ્મિતનું સ્વપ્ન સાકાર થશે કે એમ જ રોળાઈ જશે ?? વાંચતા રહો, આહવાન - ૪૯

બહું જલ્દીથી મળીએ નવાં ભાગ સાથે....