અધૂરો પ્રેમ. - ૧૨ CA Aanal Goswami Varma દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

અધૂરો પ્રેમ. - ૧૨

અધૂરો પ્રેમ-૧૨


Disclaimer : આ નૉવેલ માં આવતા પાત્રો, જગ્યા અને બનાવ બધું જ લેખક ની કલ્પના છે એને વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી .

પહેલી નજર નો પ્રેમ કેટલો સાચો હોય છે એ વાત પર વિશ્વાસ કરાવતા બે પ્રેમી ઓ ની વાત એટલે અધૂરો પ્રેમ. આ પ્રેમભર્યા સફર માં આગળ વધી ચૂકેલા સિદ્ધાર્થ અને તારા ના જીવન માં આવેલા આ છેલ્લા વળાંક ને જાણવા, ચાલો વાંચીએ અધૂરો પ્રેમ-૧૨.

સોમવાર ની સવારે સિદ્ધાર્થ ફરી એજ પોતાનું ફેવરિટ બ્લુ ચેક નું શર્ટ પહેરે છે. તારા એ જયારે સિદ્ધાર્થ ને "I Love You" કહ્યું ત્યારે પહેરેલું આ શર્ટ એ પોતાના માટે lucky માને છે. કોઈ પણ સંજોગ માં તારા ને ખોવા ન માંગતા સિદ્ધાર્થ નું, આજે lucky હોવું જરૂરી હતું.


સ્ટાફ બસ આવતા એ પોતાની જગ્યા પર બેઠો. તારા નું સ્ટોપ આવતા તારા પણ બસ માં ચઢી અને હમેશ ની જેમ એણે સિદ્ધાર્થ સામે જોયું. એજ બેબી પિન્ક કલર ની કુર્તી માં તારા ને જોઈ સિદ્ધાર્થ ના મોઢા પર આવેલું સ્મિત તારા ની આંખો પર જઈને અટકી ગયું. આજે થોડું વધારે કાજલ લગાડેલી તારા ની આંખો ની ફિક્કાશ સિદ્ધાર્થ થી છુપી ના રહી શકી. એને અંદાજ આવી ગયો કે તારા કેટલું રડી હશે. તારા બસ માં ચઢી અને સિદ્ધાર્થ ની બાજુ માં બેઠી. એણે બેસતા જ સિદ્ધાર્થ ના ખભા પર માથું મૂકી દીધું. તારા ની નારાજગી પછી સિદ્ધાર્થ , તારા પોતાની જોડે બેસશે કે કેમ એ વિશે પણ ચોક્કસ ન હતો એટલે તારા ના આવા વર્તનથી એને સુખદ આંચકો મળ્યો. કદાચ અત્યારે એમ ને બિલકુલ પડી ન હતી કે કોણ શું વિચારે છે . બંને માંથી કોઈ કંઈજ ન બોલ્યું . તારા એ ભલે સિદ્ધાર્થ ના ખભે માથું મૂક્યું હતું પણ એના સ્પર્શ માં રહેલી નારાજગી સિદ્ધાર્થ અનુભવી રહ્યો હતો. તારા ગુસ્સે હોત તો સિદ્ધાર્થ ને પોતાની લાગત પણ આ ચૂપ થઇ ગયેલી તારા એને એકદમ અજાણી, તદ્દન પારકી લાગી.


સિદ્ધાર્થ એ પણ તારા નો હાથ પકડી લીધો. જેમ તારા એની આંગળી ઓ માં આંગળી પરોવી દેતી ,એમ આજે સિદ્ધાર્થે કર્યું, તારા એ સિદ્ધાર્થ સામે જોયું અને સ્માઈલ આપ્યું પણ એ સ્માઈલ પછી તરત આંખો માં આવેલ ઝળઝળિયું સિદ્ધાર્થ ની નજર માં આવ્યા વગર ના રહ્યું.


ઓફિસ આવતા બન્ને ઉતર્યા. આજે કાર્ડ સ્વાઇપ કર્યા પછી હમેશા પોતાની જગ્યા તરફ જતા પહેલા સિદ્ધાર્થ સામે જોતી તારા એ પાછળ વળી ને ના જોયું. સિદ્ધાર્થ ખૂબ બેચેની અનુભવી રહ્યો હતો. એને અંદર થી કંઈક અજુગતું, કંઈક ખરાબ થવાનું હોય એવો અંદેશો આવી રહ્યો હતો. એને મન કરતુ હતું કે તારા ને લઈને ક્યાંક જાય એની સાથે વાત કરે પણ ,કદાચ એ સમય નીકળી ચુક્યો હતો.


લંચ ટાઈમ સુધી તારા નો કોઈ મૅસેજ ન હતો. જે તારા કલાક માં એકાદ વાર તો "I love you" કહેતો મૅસેજ અચૂક મોકલે, એ તારા એકદમ ચૂપ હતી. ગુસ્સા વખતે ઈમોજી દ્વારા પોતાનો ગુસ્સો પ્રગટ કરતી તારા ના મૌન સામે સિદ્ધાર્થ વામણો પુરવાર થઇ રહ્યો હતો. વળી પોતે સવાર થી મિટિંગ માં હોવાને કારણે ફોન પણ નોહ્તો કરી શકતો. લંચ વખતે આજે તારા canteen માં આવશે કે કેમ, એમ વિચારતા સિદ્ધાર્થ ને તારા નો કોલ આવે છે. સિદ્ધાર્થ એક જ રિંગ માં કોલ ઉપાડે છે, તારા કહે છે કે એ આજે ૪ વાગે નીકળી જવા માંગે છે અને ઈચ્છે છે કે સિદ્ધાર્થ પણ તેની સાથે જોડાય જેથી એ લોકો વાત કરી શકે. એણે કેબ બુક કરી લીધી હોવાનું પણ કહે છે. પછી ઉમેરે છે કે, એણે લંચ કરી લીધો છે. સિદ્ધાર્થ તારા નેં કહે છે કે એ પણ એની જોડે નીકળશે


ફાઈનલી તારા સાથે વાત થઇ શકશે એમ માનીને સિદ્ધાર્થ ખુશ થાય છે અને પોતે ૪ વાગ્યે નીકળશે એવો બોસ ને મૅસેજ કરી દે છે. પોતે ક્વિક લંચ કરીને બાકી નું કામ આટોપી લે છે જેથી એ તારા સાથે નીકળી શકે.


૩.૫૦ એ બંને ઓફિસ માંથી અલગ અલગ નીકળી ને પીકઅપ પોઇન્ટ પર મળે છે. કેબ આવતા જ બંને પાછલી સીટ પર ગોઠવાય છે. બેસતા જ સિદ્ધાર્થ તારા નો હાથ પકડીને પોતાના હાથ ની આંગળી ઓ એના હાથમાં પરોવી, એ પરોવેલ હાથ ને પોતાના હૃદય પાસે લઈ જાય છે. શુક્રવાર ના ઉચાટ પછી છેક આજે એને શાંતિ મળે છે. તારા ના આ સ્પર્શ માં સવાર ની નારાજગી ન હતી.

તારા, સિદ્ધાર્થ ને કહે છે કે એ તારા ને સંબોધે. સિદ્ધાર્થ ની આંખ માં ઝળઝળિયું આવી જાય છે. એ તારા, તારા એમ ત્રણ વાર બોલે છે. તારા આંખો બંધ કરીને સિદ્ધાર્થ ના અવાજ માં પોતાનું નામ સાંભળે છે. કદાચ છેલ્લી વાર ! તારા પોતાનું માથું સિદ્ધાર્થ ના ખભા પર મૂકી દે છે. સિદ્ધાર્થ એના કપાળ ને એક વહાલ ભર્યું ચુંબન કરે છે. સિદ્ધાર્થ પણ પોતાનું માથું તારા ના માથા પર ઢાળી દે છે .બંને તારા એ ઇંગલિશ માં ક્યારેક લખેલી નાની કવિતા વાગોળે છે.


What I love the most is,

Resting on your shoulder,

Leaving all my worries behind,

Singing a song of love,

The one which you sang for me then,

The one which you keep singing for me

Now, then and forever.


એકદમ, તારા સિદ્ધાર્થ ને કહે છે કે " જો હું ખોવાઈ જાઉં તો તું મને શોધવા આવે? તારા જયારે હતાશ હોય ત્યારે આવા પ્રશ્નો પૂછતી અને પછી સિદ્ધાર્થ ના જવાબ થી એને બીજા ઊલટ પ્રશ્ન કરતી અને મોટે ભાગે આ સવાલ જવાબ પછી તારા સિદ્ધાર્થ થી નારાજ જ થતી અને પછી સિદ્ધાર્થે એ તારા ને મનાવવી પડતી. ક્યારેક આમાં તારા ને જીત ની ખુશી પણ થતી. પણ આજે કદાચ એ જીતી ને પણ હારવાની હતી અને સિદ્ધાર્થ તો કદાચ હારી જ ગયો હતો.


સિદ્ધાર્થ કહે છે કે ના હું તને શોધવા ન આવું. આ સાંભળીને તારા ની આંખ માં થી એક આંસુ પડી જાય છે. પણ એ ચૂપ રહે છે. સિદ્ધાર્થ ને બોલવા દે છે .સિદ્ધાર્થ કહે છે કે તારા, મારો તારા પર શું હક છે? તારી સાથે વિતાવેલ એક એક ક્ષણ મારા માટે અનમોલ છે. તું મને મળી, એ મારા માટે એક ઉપહાર થી ઓછું નથી. પણ તારી સાથે આમ રહેવું, એજ મારુ નસીબ છે.


તારા નું મન ચિત્કાર કરી ઉઠે છે. એનું મન બૂમો પાડી ને કહી રહ્યું હોય છે કે સિદ્ધાર્થ, ફક્ત તારો, ફક્ત તારો હક છે મારા પર! તું એક વાર મારા પર હક કર તો ખરો. એ સિદ્ધાર્થ ને પૂછવા માંગતી હતી કે જો હાથ છોડી જ દેવો હતો તો પકડ્યો જ શું કામ ? હવે જયારે તારો પ્રેમ, મારી એક માત્ર જરૂરિયાત, એક માત્ર ઈચ્છા, એકમાત્ર આધાર બની ગયો ત્યારે તું મને આમ તરછોડી ગયો. જો આમ જ કરવું હતું તો, મારી સાથે આગળ શું કામ વધ્યો. તે મને તારી લાગણી જણાવી દીધી હતી. મેં તને મારી લાગણી જણાવી પછી વાત ત્યાંજ કેમ ના અટકી ગઈ ? શું સિદ્ધાર્થ નથી જોઈ શકતો કે એ બંને એક બીજા માટે બન્યા છે . જો એવું નથી તો શું કામ એ લોકો મળ્યા? એનું મન એ સ્વીકાર કરવા તૈયાર જ ન હતું કે એના પ્રેમ ને એનું સરનામું ક્યારેય નહિ મળે. તારા સાથે સિદ્ધાર્થ નું નામ ક્યારેય નહિ જોડાય. એણે જોયેલું સિદ્ધાર્થ સાથે ના જીવન નું સપનું ,કાયમ માટે અધૂરું જ રહી જશે.


એને સિદ્ધાર્થ નું આમ એકદમ પોતાના પર નો હક જતો કરી દેવું આંખ માં પડેલી કરચ જેવું , રીતસર ખુંચી રહ્યું હતું. સિદ્ધાર્થ એને આટલી સહજતા થી જવા દેશે, પોતાના થી અલગ કરી દેશે, એના પર કોઈ પણ હક નહિ કરે એ વાત નો તારા સ્વીકાર નોહતી કરી શકતી. સિદ્ધાર્થે એને નહિ પણ પોતાના ફેમિલી ને choose કર્યું અને તારા ને રોકવાની કોઈ કોશિશ ન કરી આ બંને વાતોએ તારા ને તોડી નાખી. એ અંદર થી વલોવાઈ રહી હતી . એકાદ ક્ષણ માટે તો એને એમ લાગ્યું કે એના હૃદય પર કોઈએ મોટા પથ્થર મૂકી દીધા હોય અને એ વજન થી એ ગૂંગળાઈ રહી હોય.

તારા કંઈજ ન બોલતા, સિદ્ધાર્થ તારા ને કહે છે કે "હું તને ચાહું છું તારા, ખુબ ચાહું છું પણ મારી એ ચાહત થી વધારે તને કંઈજ નહિ આપી શકું. અને એટલે જ મેં તો તને પહેલા પણ ક્યુ હતું કે મને તારી પાસે થી કોઈ અપેક્ષાઓ નથી. જો શક્ય હોય તો મને માફ કરી દેજે.

આ સાંભળતા હવે તારા પોતાનો કાબુ ખોઈ બેઠી. એ બોલી, હા,તે કહ્યું હતું કે, તારી કોઈ અપેક્ષાઓ નથી, તો મને આટલો પ્રેમ કેમ કર્યો? અપેક્ષાઓ મારી પણ ન હતી પણ હવે જાગી છે. મારે તને પામવો છે. જે સંબંધ એક સપનું માત્ર છે, એને જીવવું છે. તારા સાથે સિદ્ધાર્થ નું નામ જોડવું છે. અને જેમ સંબંધ જોડતી વખતે કોઈ શર્ત ન કરી હતી તો હવે આગળ વધવામાં સીમા શું કામ બાંધવી છે ?


તારા ના આ સવાલો નો સિદ્ધાર્થ પાસ કોઈ જવાબ ન હતો. એ તારા ની આંખો માં ન જોઈ શક્યો અને એને આંખો ઝુકાવી દીધી. તારા ને સિદ્ધાર્થ માટે અનુકંપા થઇ. પોતાના પ્રેમ ને આ હાલત માં જોવો એના માટે શક્ય ન હતો. પણ હવે સિદ્ધાર્થ ના જીવન માં રહેવું પણ એના માટે શક્ય ન હતું. કદાચ એનું આત્મ સન્માન એને એવું કરવાની ના પાડતું હતું. સિદ્ધાર્થ એનો પ્રેમ છે, પણ પ્રેમ તારા ની મજબૂરી તો ક્યારેય નથી. એનો પ્રેમ એની તાકાત છે અને એટલે જ એને લાગ્યું કે એ જે કરવા જઈ રહી છે એ જ એક માત્ર રસ્તો છે.

એ સિદ્ધાર્થ ને ભેટી પડે છે અને ખુબ જ કોન્ટોલ કરવા છતાં પોતાના આંસુ ઓ ને રોકી નથી શકતી. એ એમજ થોડી વાર સિદ્ધાર્થ ના આલિંગન માં રડ્યા કરે છે. જાણે સિદ્ધાર્થ આ દુનિયામાં રહેલી છેલ્લી વસ્તુ હોય એમ એ એને વળગી પડે છે. ના,સિદ્ધાર્થ તો એની દુનિયા જ હતો. અને આ દુનિયા હવે એની નથી રહેવાની. એ સિદ્ધાર્થ થી અલગ થઇ રહી છે .


સિદ્ધાર્થ પણ અંદરથી રડી રહ્યો હોય છે. પોતાની લાચારી પર એને ગુસ્સો નહિ દયા આવતા હોય છે. તારા, જેના માં એના પ્રાણ વસતા હોય છે ,જેને એ દુનિયા ભર ની ખુશી આપવા માંગતો હોય છે એને આખી જિંદગી નું દુઃખ આપી દીધું.


તારા ધીરે થી સિદ્ધાર્થ ના આલિંગન માંથી નીકળે છે અને એના બંને હાથ પોતાના હાથ માં લઈને કહે છે કે સિદ્ધાર્થ , હું તો ચાહતી હતી કે તું "મારા પ્રેમ ના રથ ને હાંકે " પણ એ તો તું ના કરી શક્યો અને હવે હું તારી થઇ ને પણ અજાણી બની ને ના રહી શકું એટલે હવે આપણે આ સંબંધ નો અંત લાવીએ. તું મારા અંત વખતે તો મારી સાથે નહિ હોય પણ તારી સાથે ગાળેલી હર એક ક્ષણ મારા માટે યાદગાર છે. મને આખા જીવન નો પ્રેમ આપવા બદલ, મારી સાથે આટલા વર્ષો પ્રેમ પૂર્વક ગાળવા બદલ તારો આભાર. મને તને પ્રેમ કરતા કોઈ જ નહિ રોકી શકે પણ મારા પ્રેમ ને હવે તારી હાજરી ની જરૂર નથી. તું મારો નહિ, તો હું, આ રીતે, તારી નહિ. અને હા, તારા સિદ્ધાર્થ ની નહીં તો બીજા કોઈ ની પણ નહિ.


સિદ્ધાર્થ પૂછે છે એટલે,શું તું ? તારા કહે છે હા , હું નિહાર થી છૂટી થઇ રહી છું. એનો કોઈ વાંક ગુનો નથી. એને mutual consent થી આ નામ માત્ર ના સંબંધ થી મુક્ત કરું છું. એ રીતે કદાચ હું મારી જાતને guilt માંથી મુક્ત કરી શકીશ. અને તું ? તારા તારું શું ? સિદ્ધાર્થ ના આ પ્રશ્ન ના જવાબ માં તારા કહે છે કે મારે કોઈ ના સહારા ની જરૂર નથી મારા માટે મારો પ્રેમ પૂરતો છે. પણ હું હવે તારા જીવન માં નહિ રહી શકું અને એટલે આજ પછી હું તને નહીં મળું. તું મારી જરૂરત છે સિદ્ધાર્થ અને તારા વગર જીવવું મારા માટે મુશ્કેલ છે પણ તું મારી કમજોરી નથી અને જો હું હવે તારા જીવન માં રહી તો, હું મારી જાતને માફ નહિ કરી શકું.


સિદ્ધાર્થ એકદમ હેરાન થઇ જાય છે.એને કલ્પના પણ નોહતી કરી કે તારા એ બે રાત માં આટલું બધું વિચારી લીધું. એને એટલું તો ખબર હતી કે તારા ફક્ત બોલનાર વ્યક્તિ ઓ પૈકી ની ન હતી. જો એ કહે છે તો એને ચોક્કસ બધું વિચાર્યું હશે અને બધી તૈયારીઓ કર્યા પછી જ પોતાનો નિર્ણય સંભળાવી રહી હશે.


તારા ફરી એક વાર સિદ્ધાર્થ ને tight hug કરે છે. એને હોઠ પર, આંખો પર, ગાલ પર અને છેલ્લે કપાળ પર એક ચુંબન કરે છે. એના બંને હાથ પકડી ને એની આંખો માં જોઈને ને કહે છે કે "મારા સિદ્ધાર્થ નું,મારા પ્રેમ નુ ધ્યાન રાખજે". અલવિદા સિદ્ધાર્થ .

આ હતી એમની છેલ્લી મુલાકાત.

એ પછી સિદ્ધાર્થ અને તારા ક્યારેય નથી મળતા. એ વાત ને આજે ૫ વર્ષ થઇ ચુક્યા છે.

સિદ્ધાર્થ હજી ત્યાં જ કામ કરે છે, અને એજ બસ માં, એજ સીટ પર બેસી ને ઓફિસ જાય છે . પણ હવે એની બાજુ માં બેસનાર તારા ત્યાં નથી. એ ક્યાં છે એના વિશે કોઈ ને ખબર નથી.

હા કંપની માં એની જગ્યાએ એનો જ રીફર કરેલો એનો મિત્ર, મિહિર જોબ કરે છે જે કહે છે કે તારા સાથે એનો પણ સંપર્ક નથી. સિદ્ધાર્થ કેટલીય વાર તારા ના ઘર પાસે થી પસાર થતો, કલાકો ત્યાં ઉભો રહેતો પણ એ ઘર માં ક્યારેય કોઈ ચહેલ પહેલ ન દેખાઈ. કદાચ હવે ત્યાં કોઈ રહેતું ન હતું .

એ દિવસે જયારે તારા એ સિદ્ધાર્થ ને "પોતાનું ધ્યાન રાખવાનું કીધું " ત્યારે સિદ્ધાર્થ એ તારા ને એકદમ મજબૂતાઈ થી પકડી ને કહ્યું હતું કે " તારા તું ના જા ". તારા એ ફક્ત એટલું પૂછ્યું હતું કે સિદ્ધાર્થ તારા જીવન માં મારુ સ્થાન છે? એની સામે સિદ્ધાર્થ ફક્ત માથું નીચું કરી ગયો હતો. એ માથા ને ચૂમી ને તારા બોલી હતી , I Love you, સિદ્ધાર્થ and will forever love only you, પણ મારા પ્રેમ ને પાંગળો બનાવી ને નહિ.


એ દિવસે તારા એ સિદ્ધાર્થ ને ડ્રોપ કર્યો હતો. પછી એ એની મિત્ર મીરા શર્મા ની ઓફિસ ગઈ હતી . જે ફેમિલી એડવોકેટે હતા અને એમની મદદ થી તારા એ નિહાર ને mutual consent થી ડિવોર્સ આપતા પેપર્સ પર સાઈન કરી હતી.એ ઘેર પહોંચી અને પોતાને જોઈતો સામાન જે એણે રવિવારે જ પેક કરી લીધો હતો એ લઈને નિહાર ના આવતા પહેલા નીકળી ગઈ.

હા એના માં નિહાર ને ફેસ કરવાની હિંમત ન હતી. એટલા માટે નહિ કે એ ખોટી હતી પણ એટલા માટે કે એના પ્રેમ ને લીધે કદાચ નિહાર સુખી ન થઇ શક્યો. એણે નિહાર માટે એક પત્ર પણ મુક્યો હતો જેમાં એણે લખ્યું હતું કે એ નિહાર ને પ્રેમ નથી કરતી અને એટલે પોતે નિહાર ને છોડી ને હંમેશ માટે જઈ રહી છે. એણે નિહાર ને પોતાને ભૂલી ને આગળ વધવા માટે પણ ભલામણ કરી હતી. તારા એ Sunday સવારે જે મેલ કર્યા હતા એમાં એક મેલ એક નાના ટાઉન માં પોતાની જોબ માટે પણ કર્યો હતો .અને એ જોબ એણે મળી ગઈ હતી. એને પોતાનું શહેર છોડ્યું એના પંદર દિવસ માં. એણે વિશ્વાસ હતો કે જોબ એને મળશે જ અને એટલે જ એ ૧૫ દિવસ થી એ નાના શહેર માં આવી ને રહેતી હતી.

તારા હવે એ નાના ટાઉન માં જોબ કરે છે. અને કંપની ની કોલોની માં જ રહે છે. એની સાથે એક નાની ૫ એક વર્ષ ની ભુલકી રહે છે જેનું નામ છે સિતારા. હા સિદ્ધાર્થ અને તારા ને કંઈક તો જોડી શક્યું. આ બાળકી ને તારા એ અનાથ આશ્રમ માંથી લીધી છે. સિંગલ પેરેન્ટ પણ બાળક ને દત્તક લઇ શકે એ સુધારા પછી એના એડયુકેશન અને સેવિંગ ના કારણે એને આ બાળકી મળી હતી. તારા ના માતા પિતા પણ એની જોડે જ રહે છે અને હવે નિહાર એ પણ બીજા લગ્ન કરી લીધા છે. એ ખુશ છે.એને એક દીકરો પણ છે.


હજી આજે પણ તારા સિદ્ધાર્થ ને એટલો જ પ્રેમ કરે છે. કદાચ પહેલાથી વધારે કારણકે હવે એની અને સિતારા ની દુનિયા માં સિદ્ધાર્થ ફક્ત એમનો છે. વહેંચાયા વગર નો. ફક્ત તારા નો સિદ્ધાર્થ. એ કોઈ થી પણ છુપાયા વગર જયારે ઈચ્છે ત્યારે સિદ્ધાર્થ ની સાથે વાત કરી શકે છે એણે યાદ કરી શકે છે.અને એના મોબાઇલ માં સિદ્ધાર્થ ના dp ને જોઈને એની સલામતી ની પ્રાર્થના કર્યા કરે છે.


સિદ્ધાર્થ પાસે તારા નો જે નંબર હતો એ કેટલાય ટાઈમ પછી ફરી એકટીવેટ થયો અને એ પણ કોઈ બીજા નામ સાથે.કોઈ બીજી વ્યક્તિ માટે .


જ્યારથી તારા, સિદ્ધાર્થ ના જીવન માં થી જેમ અચાનક આવી હતી એમ અચાનક જતી રહી, ત્યારથી એણે WA માં dp અને સ્ટેટ્સ allow to eveyone ઓપ્શન રાખેલ છે. પોતાની તારા માટે જ જીવતો હોય એમ સિદ્ધાર્થ રોજ રાત્રે ગુડ નાઈટ નું અને સવારે ગુડ મોર્નીગ નું સ્ટેટ્સ મૂકે છે, જાણે પોતાની હયાતી નો ,સલામતી નો પુરાવો આપતો હોય. એને ઊંડે ઊંડે ખબર છે કે એની તારા જ્યાં છે ત્યાંથી એને જરૂર જોતી હશે.

સિદ્ધાર્થ અને તારા પોતાના પ્રેમ ને ના પામી શક્યા, ના જોડે જીવી શક્યા અને ................

અધૂરો પ્રેમ, અગાઢ પ્રેમ ની ન પુરી થઇ શકેલી વાર્તા .


સમાપ્ત

લેખક તરફ થી :


અધૂરો પ્રેમ ,


મારી પ્રથમ નોવેલ હોવાથી મારી પ્રિય છે અને હંમેશા રહેશે. આ નોવેલ લખતા લખતા મેં મારા માં તારા ને જીવી છે. તારા સાથે ખુશ અને તારા સાથે દુઃખી થઇ છું. આ છેલ્લો એપિસોડ લખીને એણે પબ્લીશ કરવા મોકલવાનો જીવ જ નોહ્તો ચાલતો કારણકે હવે સિદ્ધાર્થ અને તારા ને મારે અલવિદા કહેવાનું છે. પણ આ વાર્તા છે અને દરેક વાર્તા નો અંત તો હોય જ એમ કહીને મન ને મનાવ્યું છે.


હું મારા દરેક વાંચક નો હૃદય પૂર્વક આભાર માનું છું. મારા જેવા ફર્સ્ટ ટાઈમ કલમ પર હાથ અજમાવી રહેલ, લેખક માટે તમે લોકો એ જે સમય ફાળવ્યો છે,મને પ્રોત્સાહન મળે એવા ફીડબેક આપ્યા એના બદલ આભાર. અધૂરા પ્રેમ ના દરેક ભાગ પછી મેં મારુ લેખન વધારે સારું બને એવા સજાગ પ્રયત્નો કર્યા છે જેથી એમની અપેક્ષાઓ માં ખરી ઉતરી શકું.

હું મારા સાથી કિરણ વર્મા અને અમારા પુત્ર આર્યવીર નો આભાર માનું છું. મારા આ passion ને લઈને ક્યાંક ને ક્યાંક એમણે મારા બદલે કેટલીક જવાબદારીઓ ઉપાડી છે, મારા મૂડ સ્વિંગ સહન કર્યા છે. Thank you and love you both.

હું માતૃભારતી પ્લેટફોર્મ નો આભાર માનું છું જે નવા લેખક ને આટલું સરસ પ્લેટફોર્મ પૂરું પડે છે.


મારા માતા પિતા અને મારા પતિ ની, હમેશા "ગમતું કરો "વૃત્તિ મને હંમેશા ઉપકારક નીવડી છે. અને એટલે જ આ મારી નોવેલ નો અંત જરૂર છે પણ મારી સફર નો નહિ. મારી આગલી નોવેલ " ભાઈબંધ "જરૂર વાંચજો. અને ભાઈબંધ ને પણ અધૂરા પ્રેમ જેટલો જ પ્રેમ આપજો.


મારી બીજી નોવેલ, "નિર્મલા નો બગીચો ", અને વાર્તા, " Dr અલી કૃષ્ણકાંત પંડિત" અને કર્મ ની કઠણાઈ માતૃભારતી ની સાથે સ્ટોરી મિરર અને પ્રતિલિપિ પર પણ ઉપલબ્ધ છે.


© આનલ ગોસ્વામી વર્મા

Email dilkibatein30@gmail.com .