માણસાઈ Patel Kanu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માણસાઈ


"લ્યા મોહના, આ હું બરાડા પાડી રઇ તારી બાયડી."
"કઈ નઈ વીરા પેટનું દરદ, પુરા દાળા સે ને."
" હાલ તો દવાખાના ભેરી કરી."
" પણ આ વરહાદ હાલવા દે એવો નથ."

મધ્ય રાત્રીના અંધકાર વચાળે ગામની પાદરે આવેલા મોહનના ઘરમાં એની વહુ પ્રસવની પીડાથી કણસતી હતી. દુઃખના દાળા પણ ખુમારીનું જીવન. એમ એની વહુને આ પ્રસવ! બધું બરાબર હતું ભગવાને એક લક્ષ્મી તો આપી હતી. કાજલ એનું નામ હતું. પછી લાંબા સમય પછી ભગવાનની આ મહેર થઈ હતી.

" વરહાદ હું કરવાનો તે."
" પણ ઓલી વચાળે નદી આવેશે."
" નમાલા અઈ આનો પીડાથી જીવ જાય સે."
" સુ થાય વીરા રામ રાજી નઈ હોય."
" ઇમ હોય કઈ."

આખું ગામ ઘોર નિંદ્રામાં હતું. નભથી સાંભેલાની ધારે મેઘ વર્ષી રહ્યો હતો. હાડ થીજવી દે એવા વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા હતા. કુદરતનું તાંડવઃ ચાલી રહ્યું હતું. હમહમાટી ભર્યો પવન ગાંડીવ થી છૂટેલા બાણની માફક વાઈ રહ્યો હતો. કાચા હદય વાળાના તો હદય જ બેસી જાય એવી ગાજવીજ થઈ રહી હતી.

વીરા એ ગાડું જોડયું. બળદ પણ પાછા પગ કરી રહ્યા હતા. પર એક ભડવીર નો જીવ કોઈ પણ કાળમાં મોહનની વહુને દવાખાને પહોંચાડવા તત્પર હતો. ગાડા ઉપર ફરતી તાળપત્રી નાખી. રાસ હાથમાં લીધા. મોહનની વહુ ને ઉપાડીને ગાડામાં નાખી.

" એ હાલ મોહના લપાઈજા તાળપત્રી માં."
" પણ...."
" અરે પણ ને બણ... તું ગાડે ચડ હું હંકારું સુ."
" આ મારી કાજળીને ચા મેલવી."
"મારી બાયડી સે ને તું મૂંઝા માં!"

અને મોઘમ રાતમાં શહેર ભણી ગાડું હંકાર્યું. આમ તો શહેર કઈ બહુ દૂર નો'તું. પરંતુ વચમાં આવતી નદી ગામડાને શહેરથી વિખૂટું પાડી દેતી. વિરો શહેરની વાટે ઘાસચારાના અભાવથી માય કાંગલા થઈ ગયેલા બળદ ને સોટીના જોરે દોડાવી રહ્યોં. સામા વરસાદની ધારથી આંખો બુરાઈ જતી હતી. પણ પાછો પડે એ વીરો નહિ. ધમ ધમાટ કરતું ગાડું નદીના કિનારે પહોંચ્યું.

નદીમાં હજુ એટલું પાણી આવ્યું નો'તું. વીરા એ બળદ સાથે ગાડું પાણીમાં નાખ્યું. પરંતુ નદીના પ્રવાહ અને તાણથી બળદ પણ પાછા પડ્યાં. બળદની પીઠ સોટીઓના મારથી ઉઝળી નાખી પણ બળદ એક ના બે ના થયા.

" વીરા, લે હવે હું થાયે."
" કઈ નો થાય લાવ મારી ડાંગ."
" પણ હામા કાંઠે ચ્યમ પુગાય."
" વેવલાવેળા નો કરીશ. હાલ તારી બાયડી ઉપાડ. મારા ખભાને પકડીને મારી વાંહે હાયલો આવ."
" વીરા, આમાં તો આપણા હનધાયનું જોખમ સે."
" જોખમ તો જોખમ પણ જાવું પડશે."

મોહન વીરાની આંખમાં જોઈ રહ્યો. એની હિંમતને જોઈ રહ્યો. પારકો થઈને પોતીકાની ફરજ બજાવતો હતો. મોહનની આંખમાં આંસુ આવી ગયા.

"એ હાલને હવે, વિચાર મા ઝાઝું."

અને મોહન વીરા ની પાછળ પાછળ ચાલતો થયો. આજ એની સામે સાક્ષાત ભગવાન ઉભા હતા. વીરાની માણસાઈ જોઈને એનું હૈયું ગદ ગદ થઈ ગયું. પોતાની બાયડી, છોકરાને રઝળતા મૂકીને વીરો આજ જીવનું જોખમ ખેડી રહ્યો હતો.

મહા મહેનતે પાણીનો પ્રવાહ ચિરીને બધા નદી પાર ઉતર્યા. પરંતુ ગાડું તો નદીની સામે કાંઠે રહ્યું. આગળ જવું મુશ્કેલ હતું અને હજુ લાંબી વાટ કાપવાની હતી. ખાલી ચાલીને જવું હોય તો હમણાં હાલતા થવાય પરંતુ પુરા મહિના અને બાઈ માણસને ચાલવું કપરું થઈ પડે.

"મોહના તું અઈ રે હું આયો."
"હા, ભેરુ.."

વિરો બાજુની ઝાડીમાં ગયો. ત્યાંથી થોડા લાકડા કાપી લાયો. સાથે વેલા પણ હતા. મોહનને કઈ ખબર ન પડી. લાકડાને ગોઠવીને વીરાએ વેલથી બાંધી દીધા. અત્યારની આધુનિકતા માં એને આપણે સ્ટ્રેચર કહીએ એવું બનાવી નાખ્યું. આ બધું આંખના પલકારામાં થઈ ગયું. વળી થોડું ઘાસ લઈ આવ્યો.

એ બનાવેલા સ્ટ્રેચર પર પેલા તાળપત્રી નાખી ઉપર ઘાસ નાખ્યું વળી તાળપત્રીની ગળી વાળીને નાખી. પછી મોહનની વહુ ને સુવડાવી. ફરી પાછી ઉપર તાળપત્રી લપેટી. વરસાદ નો છાંટો પણ પ્રવેશ ન કરી શકે અને લાકડા પણ પીઠમાં ન વાગે એવી રીતે મોહનની વહુ ને સુવડાવી.

"વાહ વીરા...."
" મોહના લે હાલ હવે ઉપાડ, આગળ તું હાલ જે. હું વાહે સુ. તારા પગ જેટલા ઉતાવરે હાલે એટલા ઉતાવરે તારી બાયડી છૂટે."
" વીરા આ...."

મોહન આગળ કઈ જ ના બોલી શક્યો. એણે બાજુનો છેડો ઉપાડી દોટ મૂકી. પાછળ વીરો વરસાદની ધારને વીંધતો આવી રહ્યો હતો. પગમાં પડતા કાંટા, કાંકરા ના ઘાવ એના કદમોને રોકી શકતા નહિ. એની આંખો તો ફક્ત શહેરની બતીઓ નિહાળી રહી હતી.

થપાથપ પડતા કદમોથી કમર સુધીના ભાગમાં કાદવ લાગી ગયો હતો. પરંતુ કદમોના જોરથી જ એ પાછો નીચે પળટો. જેમ તેમ કરીને દવાખાને પહોંચ્યા. વીરાના પગ બાવળના ઉઝરડાથી લોહી લુહાણ હતાં. પગના તળિયે પણ કાંકરાના ખાડા પડી ગયા હતાં. એ તરફ નજર ના કરતા બંને દવાખાની અંદર પહોંચ્યા.

દવાખાનામાં ડોક્ટરે સારવાર કરવાનું શરૂ કરી દીધું. બંનેના મનમાં મૂંઝારો હતો શું થશે? હજુ પણ મોહનના વહુ ની પ્રસવની ચિખો સંભળાય રહી હતી. એ ચિખો મોહનનું હદય ચીરી જતી હતી. મોહનના હાથ ભગવાન સામે જોડેલા જ હતા. મનોમન બધું ઠીક થઈ જાય એવી પ્રાર્થના નો દોર પણ ચાલુ જ હતો.

હવે એ ચીખો શાંત થઈ ગઈ. મોહને વીરાની સામે જોયું. બંને એક બીજાની સામે જોઈ રહ્યા. થોડી વારમાં જ અંદરથી એક નાના બાળકનો રડવાનો અવાજ આવ્યો. બંનેના હોઠો પર હાસ્ય ફરી વળ્યું. એક અપાર આનંદથી મોહનનું હદય નાચી રહ્યું. થોડી વારમાં જ એક સફેદ કપડા વળી બહેન બાર આવી.

" છોરો આયો છે છોરો, વધામણી આપો."

વીરાએ રૂમાલના છેડે બાંધેલી પોટલીમાંથી દસ રૂપિયાની નોટ આપી. નર્સ ત્યાંથી ગઈ. મોહનની આંખો આનંદ અને આભાર્થી ભરેલી હતી. એણે વીરાને હાથ જોડ્યા. એના પગમાં પડી ગયો.

" એ મોહના આ હું કરે ભૂંડા."
" તું ના હોત તો આજ..."
" અરે કઈ નો થાય રામ રાખે એને કોણ ચાખે."
" વીરા, માણું તો બઉ જોયું આજ માણસાઈ જોઈ."

બંને ભેરુ એક બીજાને ભેટી રહ્યાં.