Son age books and stories free download online pdf in Gujarati

પુત્રયુગ


" બેટા, મારા આ ચશ્માનો કાચ તૂટી ગયો છે. બજાર માં જાય છે તો નવો નખાવી લાવજે."
" શું તમે પણ પાપા, આ તમારા ઓડર ક્યારે પુરા થશે? ગયા મહિને જ નવા બનાવ્યા હતા અને અત્યારે કાચ ફૂટી ગયો. તમારી વસ્તુની કાળજી લેતા જ નથી આવડતું."
" સાચી વાત બેટા, તારી કાળજી લેવામાં હું મારી કાળજી લેવાનું જ ભૂલી ગયો."
" હા, જોયું એતો કેવી કાળજી લીધી તમે. સો રૂપિયા માટે હાથ જોડવા પડતા."
" બેટા એ તને રૂપિયાનું મૂલ્ય સમજાવવાનો પ્રયાસ હતો."
" હું બધું સમજતો જ હતો અને સમજુ છું. તમારે મને સમજવાની જરૂર નથી."

એટલું બોલીને લાડ કોડ થી મોટો કરેલો પોતાનો એક નો એક દીકરો સમીર ચાલતો થયો. જીવનના બધા શોખ, બધી ઈચ્છા હિરચંદે પુરી કરી. નાનપણમાં જે દીકરાની ભીની ચડ્ડી બદલી એ દીકરાને આજે પપ્પાની ભીની આંખ ના દેખાઈ. નાનપણમાં જીવનના પાઠ ભણાવતા માતા પિતાના કઠોર વર્તનને સમીર ન સમજી શક્યો.

ચશ્માના તૂટી ગયેલા કાચ સાફ કરતા હિરચંદ શેઠ પોતાના ઓરડાં તરફ ચાલતા થયાં. જીવનમાં ક્યારેય કોઈ પાસે હાથ ના ફેલાવ્યાં પણ પોતાના જ સંતાને એમની ખુમારીની ઇમારત તોડી પાળી. હદયની વ્યથા પણ પોતાના થી જ મળેલી. કહેવી પણ કોને. એક ઊંડા નિ:શાસા સાથે ખુરશી માં લંબાવ્યું.

" શું થયું? કેમ આંખો ભીની થઇ ગઇ? ચહેરો કેમ ઉતરી ગયો?"
" સાવિત્રી, જે પુત્રને આપણે લાડ કોડ થી ઉછેર્યો એને આપડી જરૂરિયાત ઓડર લાગે છે."
" જુવો હવે આપણે ઘરડા થયા અને જે મળે છે, જેવું મળે છે એમાં ચલાવી લેવમાં જ આપણી ભલાઈ છે."
" મેં સમીર પાસે ક્યાં કોઈ જાયદાત માંગી, ફક્ત ચશ્માના કાચ."

હિરચંદની આંખમાંથી દળ દળ આંસુ વહેવા લાગ્યા. સાવિત્રીએ અર્ધાંગિનીની ફરજ નિભાવી. જર્જરિત થઈ ગયેલી સાડી વળે હીરાચંદના આંશુ લૂછી રહી. હિરચંદનો હાથ હાથમાં લઈને એક માં પોતાના બાળક ને જે વ્હાલ કરે એ વ્હાલના સાગરમાંથી ખોબો ભરીને પ્રેમનો સ્પર્શ લઈને સહેલાવતી રહી.

" કાલે પૂર્ણિમા વહુ એ પણ હદ કરી."
" શુ થયું?"
" એની સહેલીઓ આવી હશે, મારે પાણીની બોટલ જોઈતી હતી તો હું ત્યાં ગઈ. મને તો નોકરાણી જ માની લીધી."
" સાવિત્રી.........."

હિરચંદથી વધારે ના બોલી શકાયું. જીવનનાં કળવા ઘૂંટને અમૃત બનાવતી સવિત્રીને જોઈ રહ્યા. આ એ સાવિત્રી હતી જે નોકરની જરા અમસ્થિ ભૂલમાં જ ઝાટકી નાખે. આજ ખુદ નોકરાણી શબ્દને પણ પચાવી ગઈ. સ્ત્રી ખરેખર સહનશીલતાની મૂર્તિ હોય એ સમજાય ગયું. હૃદયનો દાહ શરીરને દઝાડી રહ્યો. વૃધ્ધના માનસમાં વિચારો સંતાકૂકડી રમી રહ્યા. જીવનના સુખ દુઃખ થી ઘડાઈને પરિપક્વ થયેલા હિરચંદ ધીમે ધીમે તૂટી રહ્યા. જીવનમાં ધન દોલત બહુ ભેગુ કર્યું. સુખ જોયું, તડકા છાંયમાં પણ જીવનની મજબૂત ઇમારત બાંધી અને આ વૃદ્ધાવસ્થામાં? પત્નિનો સાથ. ધન દોલત કંઈ કામમાં ન આવ્યા.

હદય આક્રંદ કરી રહ્યું હતું. મનમાં ચાલતા વિચારોના યુદ્ધનું કોઈ પરિણામ આવતું ન હતું. મનોદશા સમજાય એવી ન હતી. હવે તો શરીર પણ ક્યાં સુધી સાથ આપશે ! બચેલી જિંદગી જીવનસંગીનીના સાથ માં આમ દરિદ્ર દશામાં જ કાઢવાની થશે એવું લાગી રહ્યું હતું.

" પપ્પા, ઓ પપ્પા..."

બહારથી સમીરનો અવાજ સંભળાયો. હિરચંદ આંખોના ખૂણાને લૂછતાં ઉભા થયા. ચહેરા પર બનાવટી સ્મિત સાથે એ સમીર સમક્ષ હાજર થયા.

" શું થયું બેટા ?"
"આ હું શું સાંભળું છું? કાલે પૂર્ણિમાની સાહેલીઓની પાર્ટી માં મમ્મીએ પૂર્ણિમા જોડે ઉદ્ધતાય ભર્યું વર્તન કર્યું."
" તારી ભૂલ થાય છે બેટા, જે માંએ તારી આંખોમાં કદી આંસુ નથી આવવા દીધા. પોતાનો કોળીયો તારા મોંઢામાં આપ્યો એની ઉપર તું આરોપ લગાવે છે?"
"આ આરોપ નથી પપ્પા પૂર્ણિમાને જ પૂછો."
" એમાં પૂછવાનું ના હોય. આજ કાલ થી આવેલી તારી પત્ની ઉપર તને વિશ્વાસ છે અને જન્મ દેનારી માં ઉપર તને વિશ્વાસ નથી?"
" વિશ્વાસની વાત નથી પપ્પા, સ્વમાનની વાત છે. અને તમેં મને મોટો કર્યો, ભણાવ્યો, ગણાવ્યો, લગ્ન કરાવ્યા એમાં કંઈ ઉપકાર નથી કર્યો. તમારી ફરજમાં આવે."
" ને તારી ફરજમાં શું આવે?"
"તમારે મને ફરજ બતાવવા ની જરૂર નથી."
" અને તું મને....."
" બસ રેવા દો. એ બાળક છે."

રડતી આંખોએ સાવિત્રીએ હિરચંદને અટકાવ્યા. એના હદયની વેદના કોણ સમજે! એક પછી એક અપમાન સહન કર્યા બાદ પણ એનું હદય હજુ કોમળ જ હતું. કારણ કે એ એક માં હતી. માં ની મમતા એની આંખોમાંથી છલોછલ ઉભરી આવતી હતી. બધા જ અપમાન એક પછી એક વહેતા અશ્રુમાં વહી રહ્યા હતા. હજુ પણ એના હદયમાં પારાવાર પુત્ર પ્રેમ હતો.

" બેટા, મારી ભૂલ થઈ ગઈ."
" મમ્મી ભૂલ? પણ અપમાન તો પૂર્ણિમાનું થયુને."
" અપમાન ?"
" તમે ના બોલશો."
" પણ સાવિત્રી...."
" ના. બસ તમે ના બોલશો. બેટા હું માફી માંગી લઈશ."
" માફી. માફી થી શું બધું બરાબર થઈ જશે?"
" સાચું કહું બેટા, ભૂલ તો મારા થી પચ્ચીસ વર્ષ પહેલાં થઈ હતી."

અને એક માં નું હદય વલોપાત કરી રહ્યુ. મહાદેવની જટા માંથી વહેતી ગંગાની માફક આંશુ ઓ વહી રહયાં. સાવિત્રી ને પગ નીચેથી જમીન સરતી હોવાનો ભાસ થયો. પચ્ચીસ વર્ષ પહેલા માતૃત્વ ધારણ કાર્યાનો આનંદ એક પળમાં જ ઓસરી ગયો. ભારે હૈયે એ રૂમ તરફ વળી. હિરચંદે સવિત્રીનું અનુકરણ કર્યું.

" સાંભળો, હવે આપણે અહીં નથી રહેવું."
" સાચી વાત પણ ક્યાં જશું?"
" વૃદ્ધાશ્રમ."
" સાવિત્રી...."

ફાંટેલી આંખે હિરચંદ સાવિત્રી તરફ જોઈ રહ્યા. હદય પર કોઈ વજનદાર શિલા નો બોજ પડ્યો. પોતાની પત્નીની મનોદશાનો તાગ પામવાની કોશિશ કરી રહયાં. શરીર થર થર કંપવા લાગ્યું. આંખો સમીપ અંધકાર વ્યાપી રહ્યો. ચહેરા પરનું ચેતન ઓસરવા લાગ્યું. હિરચંદથી એક પણ શબ્દ ન બોલી શકાયો.

બીજા દિવસની સવાર નવી દુનિયા સાથે આવી. સૂર્યનો ઉદય વૃદ્ધાશ્રમના આંગણામાં થયો. થોડીક મૂંઝવણ, થોડોક ડર અને નવીન અહેસાસ સાથે બન્નેએ આશ્રમમાં પગ મૂક્યો. આશ્રમના મેનેજર જોડે ઔપચારિકતા પતાવી બન્ને રૂમમાં દાખલ થયા.

" સાંભળો છો, સમીરને કહી દીધું હોત તો એ ચિંતા ના કરે."
" સાવિત્રી તારા વૃદ્ધ થઈ ગયેલા હૈયાને પુછ કે કોઈ દિવસ એણે તારી ચિંતા કરી છે?"
" હોઈ હવે છોકરો છે. છોરું કછોરું થાય માવતર કુમાવતર થાય? કળિયુગ છે ચાલ્યા કરે."
" ના સાવિત્રી, કળિયુગ નથી. પુત્રયુગ છે."

અને હિરચંદે આકાશ ભણી એક નજર નાખી. સૂર્યના કિરણો સાથે યુદ્ધ ખેલાય રહ્યું. નવીન દુનિયામાં આજ ફરીથી બન્ને એ પગલાં મંડ્યા.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED