VEDH BHARAM - 28 books and stories free download online pdf in Gujarati

વેધ ભરમ - 28

શિવાનીએ વાત કરવાની શરૂઆત કરી “અઢાર તારીખે લગભગ પાંચ વાગ્યાની આસપાસ કબીરનો મારા પર ફોન આવ્યો અને મને હોટેલમાં મળવા બોલાવી. હું કબીરને હોટેલમાં મળવા ગઈ ત્યારે કબીરે મને કહ્યું કે ચાલ આપણે બંને લગ્ન કરી લઈએ. હવે તો તારી પાસે દર્શન વિરુદ્ધ પૂરાવા પણ છે એટલે તને સહેલાઈથી ડીવોર્સ મળી જશે. ત્યારબાદ અમે બંનેએ ઘણી ચર્ચા કરી અને પછી નક્કી કર્યું કે કબીર દર્શનને મળી અમારા બંનેના સંબંધ વિશે વાત કરે અને મને ડિવોર્સ આપવા માટે સમજાવે. આમ નક્કી કરીને અમે બંને છુટા પડ્યા ત્યારબાદ કબીરે દર્શનને ફોન કરી મળવાનું કહ્યું. દર્શને તેને ફાર્મહાઉસ પર દશ વાગ્યાની આજુબાજુ મળવાનું કહ્યું. આ વાત કબીરે મને ફોન કરી જણાવી. ત્યારબાદ જ્યારે કબીર 10:00 વાગે દર્શનને મળવા ફાર્મ હાઉસ પર પહોંચ્યો ત્યારે દર્શનનું ખૂન થઈ ગયું હતું. આ જોઈ કબીર ખૂબ જ ગભરાઈ ગયો અને ત્યાંથી નીકળી ગયો. ત્યાંથી નીકળ્યા બાદ તેણે મને ફોન કરી વાત કરી, જે સાંભળી હું પણ ગભરાઈ ગઈ. ત્યારબાદ વિચાર કરીને અમે બંને એ નિર્ણય લીધો કે હવે થોડા દિવસ આપણે એકબીજાનો કોન્ટેક્ટ કરવો નહીં. ત્યારબાદ કબીર એ જ રાતે ફ્લાઇટ પકડીને મુંબઇ જતો રહ્યો.”

શિવાનીની વાત સાંભળી રિષભ બોલ્યો “તમારા બંને વચ્ચે કેટલા સમયથી આ સંબંધ હતો?

“લગભગ એકાદ વર્ષથી અમારી વચ્ચે આ સંબંધ હતો." શિવાનીએ કહ્યું.

“તમારા સંબંધની દર્શનને ક્યારેય ખબર ના પડી.” રિષભે એક વધુ સવાલ પૂછ્યો.

“ના તેને ક્યારે ખબર પડી નહોતી.” શિવાની ટુંકમાં જવાબ આપ્યો.

“કબીર કેટલા વાગે ફાર્મહાઉસ પર ગયો હતો” રિષભે પૂછ્યું.

“ હું હોટેલ પરથી નીકળી ત્યારે લગભગ આઠ વાગ્યા જેવો સમય થયો હતો. અને કબીરનો મારા પર ફોન આવ્યો ત્યારે અંદાજે દસેક વાગ્યા હતા. એટલે તેની વચ્ચે જ તે ફાર્મ હાઉસ પર ગયો હશે.” શિવાનીએ જવાબ આપ્યો. આ સાંભળી રિષભને નિખિલ અને શ્રેયા ની વાત યાદ આવી ગઈ જેમાં તે લોકોએ જણાવ્યું હતું કે નિખિલ 10:30 વાગે ફાર્મ હાઉસ પર ગયો હતો. શિવાનીની વાત પરથી એટલુ તો ચોક્કસ સાબિત થતુ હતુ કે નિખિલ અને શ્રેયા આ વાતમાં સાચુ બોલતા હતા. એનો મતલબ એમ કે ખૂન નિખિલે તો નહોતુ કર્યુ. કબીર નિખિલની પહેલા ગયો હતો તો ખૂન કબીરે કર્યું હોવું જોઈએ. જો કબીર અને નિખિલ બંને ગયા તે પહેલા ખૂન થયુ હોય તો? આ પ્રશ્ન મગજમાં આવતાજ રિષભને અચાનક એક વિચાર આવ્યો અને તેણે શિવાનીને પૂછ્યું “વિકાસનું અપહરણ અને દર્શનનું ખૂન જેવા બે મોટા ગુનાઓ તમારા ફાર્મ હાઉસ પર થયાં છે આ પાછળ કોઈ કારણ હોઈ શકે? શું દર્શન અને વિકાસ એવા કોઈ કામ કરતા હતા કે જેને લીધે તેનું ખૂન અથવા તો અપહરણ કરવું પડે ?” આ સાંભળી શિવાનીના ચહેરા પર એક ક્ષણ માટે ડર આવી ગયો પણ તરતજ તેણે હાવભાવ છુપાવીને કહ્યું “ના, મને કોઈ એવા કામ ની ખબર નથી અને આમ પણ હું દર્શનના બિઝનેસમાં બહુ ડબલ દેતી નથી.”

આ પ્રશ્નથી શિવાની થોડી ડરી ગઈ હતી તે રિષભના ધ્યાનમાં આવી ગયું એટલે તેણે તરતજ કહ્યું “જો દર્શન વિકાસ અને કબીર ત્રણ મિત્રો છે તેમાંથી એકનું અપહરણ થયું છે અને બીજા નું ખૂન થયું છે એટલે હવે ક્યાંક આવી કોઈ ઘટના કબીર સાથે પણ બની શકે છે. એટલે જો તમને એવી કઈ પણ માહિતી હોય તો તમે જણાવો. જેથી કરીને કબીર સાથે આવી કોઈ ઘટના બનતા પહેલા આપણે તેને બચાવી શકીએ.” રિષભની વાત સાંભળી શિવાની એકદમ ડરી ગઈ છતાં તેણે કહ્યું “ના મને એવું કંઇ ખ્યાલ નથી અને કદાચ એવું પણ બની શકે કે આ ઘટનાને એકબીજા સાથે કોઇ સંબંધ ન હોય” શિવાનીના હાવ ભાવ અને આ જવાબથી રિષભને એટલું તો ચોક્કસ સમજાઈ ગયું હતું કે નક્કી શિવાની કોઇ વાત છુપાવે છે. આ વિચાર આવતા જ રિષભે છેલ્લો માસ્ટર સ્ટ્રોક માર્યો “જો અમે કાલે જ કબીરની પૂછપરછ કરવાના છીએ તમારી અને કબીર ની વાતમાં કોઈપણ જગ્યાએ ફેરફાર મળ્યો તો હું તમને પ્રોમિસ કરું છું કે આ કેશમાંથી તમને બંનેને કોઈ બચાવી શકશે નહીં” રિષભના એકદમ મક્કમ શબ્દો અને ચહેરાના હાવભાવ જોઈને શિવાનીના હાથ પગ ઠંડા પડી ગયા પણ તે કઈ બોલી નહિ એટલે રિષભે કહ્યું “ઓકે, હવે તમે આજે અહીં જ રહેશો. તમારા માટે વકીલની વ્યવસ્થા કરી આપવામાં આવશે.”

ત્યારબાદ રિષભે બેલ મારી એક લેડી કોન્સ્ટેબલને બોલાવી અને શિવાનીને તેની સાથે બહાર મોકલી. તે ગઈ એ સાથે રિષભે હેમલ અને અભયને કહ્યું “તમે અત્યારે જ મુંબઈ જવા રવાના થઈ જાઓ અને કબીરને સાથે લઇ આવો. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે કબીરને કોઈનો કોન્ટેક્ટ કરવાનો મોકો મળવો જોઈએ નહિ. ત્યારબાદ રિષભે તે લોકોને જરૂરી ઓર્ડર્સ અને કાગળ આપ્યા એટલે તે લોકો જવા માટે નીકળી ગયા. તેના ગયા બાદ રિષભે નિખિલ નવ્યા શ્રેયા અને શિવાની સાથે થયેલી વાતચીતનું રેકોર્ડિંગ સાંભળવા લાગ્યો. રેકોર્ડીંગ સાંભળ્યા બાદ તેના તારણો પર મનોમન વિચારવા લાગ્યો. થોડીવાર વિચાર્યા બાદ રિષભે કેટલાક તારણો કાઢ્યા કે દર્શનના ફાર્મ પર હાઉસ પહોંચ્યા પછી પહેલા કબીર પહોંચ્યો અને પછી નિખિલ પહોંચ્યો. કબીર 10 વાગે પહોંચ્યો ત્યારે દર્શન નું ખૂન થઇ ગયુ હતુ અથવા તો કબીરે તેનુ ખુન કર્યુ. આ બંને શક્યતામાં એક વાત નક્કી છે કે નિખિલે ખૂન કર્યુ નથી. હવે સવાલ માત્ર કબીરનો રહેતો હતો કે તે પહોંચ્યો ત્યારે ખૂન થઈ ગયું હતું કે પછી તેણે જ દર્શનનું ખૂન કર્યું. આ માટે પહેલા એ જાણવું જરૂરી હતું કે કબીર એક્ઝેટ કેટલા વાગે ફાર્મ હાઉસ પર પહોંચ્યો.? બીજો અગત્યનો પ્રશ્ન એ હતો કે કબીર અને શિવાની કેટલા વાગ્યા સુધી હોટેલ માં સાથે હતા? જો આ બધા જ પ્રશ્નોના સાચા જવાબ મળી જાય તો કદાચ કબીરે ખૂન કર્યું છે કે નહીં તે ખબર પડી જાય. જો કબીર ગુનેગાર હોય તો તો કામ સહેલું છે પણ જો કબીરે ખૂન ન કર્યુ હોય તો આ કેશ ફરીથી ગૂંચવાઈ જાય છે. જો કબીરે ખૂન ન કર્યું હોય તો જેણે પણ ખૂન કર્યું હોય તે ખૂબ શાતિર અને બધી જ માહિતી ધરાવતી વ્યક્તિ છે. આ વ્યક્તિએ એકદમ ચાલાકીથી એવી રીતે ખૂન કર્યું કે જેને લીધે એટલા બધા શંકાસ્પદ વ્યક્તિઓ ઊભા થાય કે કેસ ગુંચવાય જાય. આમને આમ વિચાર કરતા રિષભ ક્યાંય સુધી બેઠો રહ્યો. એ જ વખતે શિવાનીનો વકીલ ઓફિસમાં દાખલ થયો.રિષભે તેની સાથેની બધી ફોર્માલિટી પતાવી દીધી. પણ રિષભ જાણતો હતો કે આજે શનિવારનો દિવસ પૂરો થઈ ગયો છે એટલે શિવાનીને સોમવાર સુધી કોઈ જ જમાનત અપાવી શકશે નહીં એટલે શિવાની અને કબીર નો કોઈ કોન્ટેક્ટ થઈ શકવાનો નથી. થોડીવાર રહીને રિષભ સ્ટેશન પરથી નીકળી કમિશનર ઓફિસ પર પર ગયો ત્યાં જઈ તેણે આખા કેસનું રીપોર્ટીગ કમિશ્નરને કર્યુ. આખી વાત સાંભળી સેકસીએ કહ્યું "વેલ ડન રિષભ હવે કાલે કબીરની પૂછપરછ કરી મને રિપોર્ટિંગ કર એટલે આપણે મીડિયાને બોલાવી થોડી માહિતી આપી દઈએ. જેથી કરીને આપણને ફરીથી પાછો કામ કરવા માટેનો થોડો સમય મળી જાય. મીડિયા આપણને ગાળો આપી રહ્યુ છે. તેનું મોઢું બંધ કરવા માટે એકાદ ન્યુઝ તો આપવા જ પડશે. જેમ બને એમ જલ્દી જલ્દી એક સારા સમાચાર આપજે. ત્યારબાદ થોડી કેસની વાતો કરી ત્યાંથી નીકળી ગયો. ત્યાંથી નીકળી રિષભ કવાર્ટર પર ગયો અને ફ્રેસ થઇ તે બહાર હોટલમાં જમવા ગયો. તેનુ મન હતુ કે તે અનેરીને મળે પણ આમ રોજ રોજ ફોન કરવો રિષભને યોગ્ય ના લાગ્યો એટલે તે એકલો જ જમાવા નીકળી પડ્યો. તેણે જિપમાં બેસતા જ ડ્રાઇવરને કહ્યું "આજે એકદમ સારુ કાઠીયાવાડી ભોજન મળતુ હોય ત્યાં લઇ લે."

આ સાંભળી ડ્રાઇવરે કારને "કામરેજ ચોકડી પર જવા દીધી. થોડીવારમાં જીપ કામરેજ ચોકડીથી અંકલેશ્વર તરફ હાઇવે પર આગળ વધી. થોડા આગળ જતા જ તાપીનો બ્રીઝ ક્રોસ કરી તેની પાસે જ આવેલા માન સરોવર શોપીંગમાં જીપ ઊભી રહી. રિષભે નીચે ઉતરી જોયુ તો "ગીરીરાજ કાઠીયાવાડી હોટલની સામે જ જીપ ઊભી હતી." રિષભ હોટલમાં જઇને બેઠો અને ઓર્ડર આપી જમવા લાગ્યો. હોટલની સ્વચ્છતા અને ભોજનનો સુધ્ધ કાઠિયાવાડી ટેસ્ટથી રિષભ એકદમ ખુશ થઇ ગયો. તેને ઘણા સમય પછી ઘર જેવુ જ કાઠિયાવાડી ખાણું મળ્યુ હતુ. રિષભે એકદમ શાંતિથી ભોજન કર્યુ અને પછી બિલ ચુકવ્યુ. બિલ ચુકવતી વખતે રિષભે હોટલના માલિક કિરિટભાઇ સાથે ભોજન વિશે વાત કરી. પણ રિષભને લાગ્યુ ભોજન જેટલી જ શુધ્ધતા કિરિટભાઇની વાણી અને વર્તનમાં છે. એકદમ સજ્જન માણસ અને કોઇ પણ જાતના અભિમાન વિના તે બોલ્યા "સાહેબ આમા તો બે કામ થાય રોઝી પણ મળે અને ખવડાવ્યાનુ પુણ્ય પણ મળે. પછી શું કામ સારુ જ ના ખવડાવીએ." આટલા સરસ વિચારથી શરુ થયેલી વાતચીત જ્યારે પૂરી થઇ ત્યારે પોણો કલાક જેવો સમય થઇ ગયો હતો અને કિરિટભાઇ અને રિષભ મિત્રો બની ગયા હતા. છેલ્લે બંનેએ એકબીજાના કોન્ટેક્ટ નંબરની આપલે કરી અને પછી રિષભ ત્યાંથી નીકળ્યો.

રિષભ કવાર્ટર પર પહોંચી કવાર્ટરના બગીચામાં મુકેલી ખુરશી પર બેઠો અને કેસ વિશે વિચારવા લાગ્યો. આજે તેને એવું લાગતું હતું આ કેસ એવી જગ્યા પર આવીને ઉભો છે કે જ્યાંથી બે રસ્તાઓ અલગ પડતા હતા. એક રસ્તા પર થોડા આગળ જવાથી કેસ સોલ્વ થઈ જતો હતો, જ્યારે બીજા રસ્તા પર ખૂબ દૂર સુધી જતા પણ કેસ સોલ્વ થવાના કોઈ ચિન્હો દેખાતા નહોતા. હવે આગળ જતા તેને કયો રસ્તો મળશે તે પણ રિષભ જાણતો ન હતો. જોકે રિષભ તો કાલે સવારે શું થવાનું છે તે પણ જાણતો નહોતો કેમ કે કાલની સવાર રિષભ માટે જવાબ કરતા વધારે સવાલ લઈને આવવાની હતી. અને આ સવાલો પણ એવા હતા કે આ કેસને ફરીથી રિષભથી માઈલો દૂર ફેંકી દેવાના હતા. ફરીથી આ કેસને એક જુદા જ એંગલથી જોવું પડે એવા સવાલો તેની સામે આવીને ઊભા રહેવાના હતા. રિષભની આગળની બધીજ ક્રેડીટ અને શક્તિ આ કેસ દાવ પર લગાડી દેવાનો હતો. આ કેસ એક એવી ચેલેન્જ બનીને આવવાનો હતો કે તેમાથી બહાર નીકળવાનો એક જ રસ્તો રહેવાનો હતો. આ કેસની અત્યાર સુધીની બધી જ મહેનતને પાણીમાં જતી રહેવાની હતી. આ કેસ પર માત્ર રિષભની જ નહીં પરંતુ આખા પોલીસ ડિપાર્ટમેન્ટની આબરુ દાવ પર લાગી જવાની હતી.

----------***********------------**********---------------********-------------

મિત્રો આ મારી ત્રીજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.

મીત્રો આ નોવેલ તમને કેવી લાગી? તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર પર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મીત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.

--------------------*****************------------***************---------------------

HIREN K BHATT

MOBILE NO:-9426429160

EMAIL ID:-HIRENAMI.JND@GMAIL.COM

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED