વેધ ભરમ - 27 hiren bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વેધ ભરમ - 27

રિષભે ગૌતમ સાથે વાત પૂરી કરી ત્યાં જ અભય અને હેમલ ઓફિસમાં દાખલ થયાં. તેના ચહેરા પરના હાવભાવ જોઇને રિષભ સમજી ગયો કે કંઇક ચોક્કસ કોઇ મોટી બાબત બની છે.

“કેમ શું થયુ?” રિષભે પૂછ્યું.

“સર, જે દિવસે દર્શનનું ખૂન થયુ તે દિવસે કબીર સુરતમાં જ હતો અને તેનુ લોકેશન 10 વાગ્યાની આજુબાજુ દર્શનના ફાર્મ હાઉસ પાસે જ બતાવે છે.” આ સાંભળી રિષભ ખુરશીમાંથી ઊભો થઇ ગયો અને બોલ્યો “ઓહ સીટ. મારાથી આવડી મોટી ભૂલ કેમ થઇ ગઇ.”

“સર, એમા તમારો વાંક નથી. કબીર વિરુધ આપણને અત્યાર સુધી કોઇ પૂરાવો નથી મળ્યો.” હેમલે કહ્યું.

રિષભે ખુરશીમાં બેસતા કહ્યું “એક કામ કરો શિવાનીને લઇ આવો. અને એક વાત યાદ રાખજો તેનો મોબાઇલ પહેલા કબજે લઇ લેજો. મને લાગે છે કે આ શિવાની અને કબીર વચ્ચે કોઇ લીંક છે.” આ સાંભળી હેમલ અને અભય બંને ચમકી ગયા.

“સર, તમને કેમ ખબર પડી આ?” હેમલે આશ્ચર્યથી પૂછ્યુ.

“બસ મને એવુ લાગે છે.” રિષભે અનેરીની વાત છુપાવતા કહ્યું.

“સર, તમારો શક સાચો છે. આ કબીર અને શિવાનીનુ લોકેશન તે દિવસે એક જ હોટલમાં બતાવતુ હતુ. અને શિવાનીએ તે દિવસે કબીરને કોલ પણ કરેલો.” હેમલે માહિતી આપતા કહ્યું.

“ઓકે, તો તો હવે મોડુ કર્યા વિના શિવાનીને લઇ આવો. આગળના આપણા પ્રશ્નોના જવાબ તેની પાસેથી જ મળશે.” રિષભે ઓર્ડર આપતા કહ્યું.

“ઓકે સર.” કહીને હેમલ અને અભય ત્યાંથી નીકળી ગયા.

કલાક પછી હેમલ અને અભય જ્યારે ઓફિસમાં દાખલ થયા ત્યારે તેની સાથે શિવાની પણ હતી. શિવાનીના ચહેરા પર ગુસ્સાના ભાવ જોઇ રિષભ સમજી ગયો કે હવે તેની સાચી ડ્યુટી શરુ થવાની છે. રિષભે શિવાનીને બેસવા કહ્યું એ સાથે જ શિવાની ગુસ્સાથી બોલી “ઓફિસર આ રીતે મને અહી ખેંચી લાવવા માટે હું તમને સસ્પેંન્ડ કરાવી દઇશ. તમારી પાસે કોઇ વોરંટ નથી તો પણ તમે મને જબરજસ્તીથી અહી બોલાવી છે. હું તમને જોઇ લઇશ.” શિવાની ગુસ્સાથી બોલી રહી હતી અને તેનો ચહેરો એકદમ લાલ થઇ ગયો હતો. તેને જોઇને રિષભે નોંધ્યુ કે તે ગુસ્સામાં છે તેના કરતા વધુ સુંદર લાગી રહી હતી. પણ હવે રિષભને લાગ્યુ કે તેણે પોતાનો પાવર બતાવવો પડશે. એટલે તેણે કંઇ પણ બોલ્યા વિના એક કવર શિવાની તરફ સરકાવ્યુ. આ કવરમાં રહેલ કાગળ વાંચતા જ તે ઢીલી પડી ગઇ. આ કવરમાં શિવાનીની પૂછપરછ માટેનો વોરંટ હતો, જે રિષભે પહેલાથી જ કમિશ્નર પાસેથી લઇ લીધો હતો. વોરંટ જોઇ શિવાનીની બોલતી બંધ થઇ ગઇ. અને તેણે તેના છેલ્લા શસ્ત્ર તરીકે આંસુનો સહારો લીધો. તેને રડતી જોઇ રિષભ થોડીવાર કંઇ બોલ્યો નહી. પણ પછી તેણે એકદમ કડક શબ્દોમાં કહ્યું “મેડમ હવે તમારા આ બધા નાટકથી કોઇ ફેર પડવાનો નથી. અમારી પાસે તમારી વિરુધ્ધ પૂરતા સબૂત છે.” આ સાંભળી શિવાની રડતી બંધ થઇ ગઇ અને બોલી “સર, તમે પ્લીઝ મારો વિશ્વાસ કરો. મે કોઇ ગુનો કર્યો નથી. મને બચાવી લો પ્લીઝ”

“તમને હવે હું નહી પણ તમે પોતે જ બચાવી શકો એમ છો. જો તમે અમને બધી જ સાચી માહિતી જણાવી દેશો તો કદાચ અમે તમારી મદદ કરી શકીએ. પણ જો તમે ચાલાકી કરવાની કે કોઇ પણ વસ્તુ છુપાવવાની કોશિષ કરી છે તો તમને હવે ભગવાન પણ બચાવી શકશે નહીં. કેમકે અમારી પાસે જે પણ પૂરાવા છે તે તમને ગુનેગાર સાબિત કરવા માટે પૂરતા છે.” રિષભે એક્દમ કડક ભાષામાં અને ધીમેથી કહ્યું. રિષભની આંખોમાં રહેલી મક્કમતા જોઇ શિવાનીની રહી સહી હિંમત પણ તુટી ગઇ અને તે બોલી “સર, તમે જે પણ કહેશો. તેના હું સાચા જવાબ આપીશ પણ પહેલા મારે મારા વકીલ સાથે વાત કરવી છે.” આ સાંભળી રિષભે કહ્યું “ઓકે, પણ તો પછી તમારે બચવા માટે વકીલ પર આધાર રાખવો પડશે અમારા પર નહીં.” રિષભ આ મોકો કોઇ પણ રીતે હાથમાંથી જવા દેવા માંગતો નહોતો. રિષભ જાણતો હતો કે એકવાર જો વકીલ આવી જશે તો પછી માહિતી કઢાવવી અઘરી પડશે. રિષભ એકવાર અનઓફિશિયલી પણ માહિતી મેળવી લેવા માંગતો હતો. પછી ભલે તે ઓફિશિયલી કામમાં ન આવે.

રિષભની વાત સાંભળી શિવાની મુંઝાઇ ગઇ. રિષભ શિવાનીને સમય આપવા માંગતો નહોતો એટલે તેણે તરત જ કહ્યું “મેડમ, તમે અત્યારે જે પણ સ્ટેટમેન્ટ આપશો તે અનઓફિશિયલી હશે. પછી ઓફિશિયલ સ્ટેટમેન્ટ પહેલા અમે તમને વકીલ માટે છુટ આપશું.”

આ સાંભળી શિવાની બોલી “ઓકે મને કોઇ વાંધો નથી પણ પ્લીઝ આ કેસમાંથી મને બચાવી લેજો.” રિષભે કોઇ જવાબ ન આપ્યો અને પ્રશ્ન પૂછવાની શરુઆત કરતા કહ્યું “હા તો મેડમ તમે શ્રેયાને ઓળખો છો?”

“હા, તે દર્શનની સેક્રેટરી હતી.”

“તેને તમે કોઇ કામ સોંપેલુ?” રિષભ સીધો જ મુદ્દા પર આવી ગયો.

“હા, શ્રેયા અને દર્શન વચ્ચે અનૈતિક સંબંધ હતા. પણ પછી તે બંને વચ્ચે ઝગડો થયો અને દર્શને શ્રેયાને નોકરીમાંથી કાઢી મૂકી. આ તકનો લાભ લઇને મે શ્રેયાને કહ્યું હતુ કે જો તે મને દર્શન સાથેની અંગત ક્ષણોના ફોટો આપશે તો હું તેને પૈસા આપીશ.” શિવાનીએ વિસ્તારથી કહ્યું.

“પાંચ લાખ રુપીયા જેવી મોટી રકમ તમે શ્રેયાને આપવાના હતા. તો આ ફોટો તમારા ખૂબ કામના હશે. શું તમે કહેશો કે આ ફોટા તમારે શું કામ જોઇતા હતા?” આ સાંભળી શિવાની ચોંકી ગઇ. પણ પછી થોડુ વિચારી બોલી “હું દર્શનના લફડાથી કંટાળી ગઇ હતી અને તેની સાથે ડીવોર્સ લેવા માંગતી હતી એટલે પૂરાવા માટે આ ફોટો મારે જોઇતા હતા.”

“ડીવોર્સ લઇ તમે કોની સાથે લગ્ન કરવાના હતા?” રિષભે થોડુ રિસ્ક લઇ પ્રશ્ન પૂછી લીધો.

આ સાંભળી શિવાની થોડી ગુસ્સે થઇ બોલી “એ મારો પર્શનલ પ્રોબ્લેમ છે તેને કેસ સાથે કંઇ લેવા દેવા નથી.” રિષભની અપેક્ષા મુજબનો જ જવાબ મળ્યો હતો એટલે રિષભ તેના માટે તૈયાર હતો.

“મેડમ તે દિવસે તમે કોને મળ્યા હતા તેના બધા જ રિપોર્ટ મારી પાસે છે એટલે હવે તમારા માટે પર્શનલ જેવુ કશુ રહ્યુ નથી. અત્યારે અમે કબીરનો પણ વોરંટ તૈયાર કરી જ લીધો છે.” રિષભે માસ્ટર સ્ટ્રોક મારી દીધો. રિષભની અપેક્ષા મુજબ શિવાની આ સાંભળી ચોંકી ગઇ. શિવાની હવે પૂરી રીતે સકંજામા આવી ગઇ હતી.

“હું કબીર સાથે લગ્ન કરુ તેને આ કેસ સાથે શું સંબંધ છે?” શિવાનીએ દલીલ કરી પણ તે જાણતી હતી કે આ દલીલ એકદમ પોકળ છે. પણ રિષભ માટે તો આ સફળતા હતી. કેમકે શિવાનીએ કબીર સાથે સંબંધની વાત કબુલી લીધી હતી.

હવે એક છેલ્લો ફટકો મારવાની જરુર હતી એટલે રિષભે એકદમ મક્કમ અવાજમાં કહ્યું “તમે કબીર સાથે લગ્ન કરો તેમા કોઇ વાંધો નથી પણ તમે કબીર સાથે લગ્ન કરવા માટે દર્શનનુ ખૂન કરો તેમા વાંધો છે.” આ સાંભળી શિવાની એકદમ ઊભી થઇ ગઇ અને બોલી “તમે કેવી વાત કરો છો. અમે દર્શનનુ ખૂન શુ કામ કરીએ. મારે તો દર્શનથી છુટા જ થવાનુ હતુ તો પછી હું તેને શુ કામ મારુ. તમે મને ફસાવવા માટે ગમે તેવી વાતો કરી રહ્યા છો. શું તમારી પાસે કોઇ સબૂત છે કે મે દર્શનને માર્યો છે?” શિવાની ગુસ્સામાં બોલી રહી હતી.

રિષભે શિવાનીને બોલી લેવા દીધી અને પછી શાંતિથી કહ્યું “બેસી જાવ મેડમ એમ ગુસ્સે થવાથી નિર્દોશ સાબિત નથી થઇ જવાતુ.” આ સાંભળી શિવાનીએ ના છુટકે બેસી જવુ પડ્યુ. છતાં તે હજુ ગુસ્સામાં હતી. તે ગુસ્સામાં જ બોલી “હું તમારા પર વિશ્વાસ રાખીને બધા જ સાચા જવાબ આપી રહી છું પણ તમે તો મને ખોટી ફસાવી રહ્યા છો.”

આ સાંભળી રિષભે કહ્યું “મેડમ અમે તમને ફસાવવા નહી પણ બચાવવા મહેનત કરી રહ્યા છીએ. ફસાવવા માટે તો અમારી પાસે પૂરતા સબૂત છે પણ બચાવવા માટેના સબૂત તમારી પાસેથી મેળવવા માટે મહેનત કરી રહ્યા છીએ.” રિષભની વાત સાંભળી શિવાનીનો ગુસ્સો થોડો ઓછો થયો એટલે રિષભે આગળ કહ્યું “મેડમ અમારી પાસે કબીર અને તમારા બંનેના સેલફોનની 18 તારીખની ડીટેઇલ્સ છે. તેના પરથી અમને જાણવા મળ્યુ છે કે તમે અને કબીર તે દિવસે બે ત્રણ કલાક હોટલમાં સાથે હતા. અને ત્યારબાદ કબીર દર્શનને મળવા ફાર્મ હાઉસ પર ગયો હતો. કબીર જે સમયે ફાર્મ હાઉસ પર ગયો હતો તે જ સમયગાળામાં દર્શનનુ ખૂન થયુ છે.” રિષભની વાત સાંભળી શિવાની એકદમ ડરી ગઇ. તેને હવે સમજાઇ ગયુ હતુ કે તે આ કેસમાં બરાબર ફસાઇ ગઇ છે. શિવાનીને અત્યાર સુધી તો એમ જ લાગતુ હતુ કે આ ઓફિસર પાસે કોઇ પાકી માહિતી નથી એટલે તે બચી જશે. પણ રિષભની છેલ્લી વાત સાંભળ્યા પછી તેને હવે લાગતુ હતુ કે તે દર્શનના ખૂનના કેસમાં ફસાઇ જવાની છે. હવે તેની પાસે કોઇ જવાબ નહોતો. શું બોલવુ તે જ તેને સમજાતુ નહોતુ. આ ઓફિસર હવે ધારે તો તેને આ કેસમાં ફસાવી શકે એમ છે તે સમજાતા જ તે હવે ગભરાઇ ગઇ હતી. થોડીવાર તે કંઇ બોલી નહી એટલે રિષભે કહ્યું “જો મેડમ કબીરને બચાવવામાં તમે ફસાઇ જશો તેના કરતા તમે ગવાહ બની જાવ તો હું તમને બચાવી લઇશ.” રિષભે શિવાનીની હાલત જોઇને છેલ્લું પતુ પણ ઊતરી નાખ્યું. આ સાંભળી શિવાની થોડીવાર વિચારમાં પડી ગઇ. રિષભે પણ તેને પૂરતો સમય લેવા દીધો. રિષભ જાણતો હતો કે હવે પછીનો આખા કેસનો આધાર શિવાનીના જવાબ ઉપર છે. શિવાનીએ કહ્યું “ઓકે ઓફિસર હવે મને લાગે છે કે મારે તમને તે દિવસની આખી વાત જણાવી દેવી પડશે. પણ હું જે પણ કહું છું તે સત્ય છે. તમારે મારા પર વિશ્વાસ કરવો પડશે.” આટલુ બોલી શિવાની રિષભનો જવાબ સાંભળવા રોકાઇ. રિષભ કોઇ રીતે બંધાવા માંગતો નહોતો એટલે તેણે કહ્યું “ઓકે પણ મારા વિશ્વાસ કરવાનો આધાર તો તમે કેટલુ સાચુ બોલો છો તેના પર છે.

આ સાંભળી શિવાનીએ વાત કરવાની શરુઆત કરી.

----------***********------------**********---------------********-------------

મિત્રો આ મારી ત્રીજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.

મીત્રો આ નોવેલ તમને કેવી લાગી? તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર પર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મીત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.

--------------------*****************------------***************---------------------

HIREN K BHATT

MOBILE NO:-9426429160

EMAIL ID:-HIRENAMI.JND@GMAIL.COM