ફરી મળીશું !!
પ્રકરણ - ૧૧
ગુપ્તાજી ટ્રેડર્સમાં મારા છ મહિના થઈ ગયા હતા. ધીરે ધીરે હવે મારુ જીવન સ્થિર થઈ રહ્યું હતું. વડોદરા મને ફાવી ગયું હતું, હું પણ તેના અનુરૂપ થઈ ગયો હતો. રોજ ઓફીસ જવું અને બાકીનો સમય કૃણાલ સાથે શહેરમાં ફરવું બસ આજ રૂટિન થઈ ગયું હતું. ક્યારેય કયારેક ઘરે અથવા અતુલને કોલ કરી લેતો હતો. ઈશા પણ જાણે હવે ધીરે ધીરે મારાથી દૂર જઇ રહી હોય તેમ લાગી રહ્યું હતું.
" ધવન, પ્રણવસર તને તેમના કેબિનમાં બોલાવી રહ્યા છે." લોપાએ આવીને કહ્યું.
" હા, પાંચ મિનિટમાં આવું " આટલું કહી હું મારા કામમાં વ્યસ્ત હતો. મારુ કામ પતાવી હું સરના કેબિનમાં ગયો. કેબિનની બહારથી મેં કાચ પર ટકોરો માર્યો.
"હું અંદર આવું?" મેં કેબિનમાં પ્રવેશવા માટે રજા માંગી.
" આવ, ધવન તને મેં બોલાવ્યો હતો. મારે તારું એક અગત્યનું કામ છે " પ્રણવ સરે મને ખુરશી તરફ બેસવાનો ઈશારો કરતા કહ્યું.
અગત્યનું કહ્યું એટલે હું વિચારમાં પડી ગયો કે એવું તો શું અગત્યનું કામ હશે. મારે નોકરી શરૂ કરે હજુ વધારે દિવસો પણ નથી થયા અને પ્રણવસર મને અગત્યની ચર્ચા કરવા બોલાવી રહ્યા છે છતાં પણ મેં હકારાત્મક વિચાર સાથે કહ્યું.
" હા, સર બોલોને શુ મદદ કરી શકું આપની".
" મને ઘણા સમયથી વહેમ થતો હતો કે આપણી કંપનીમાં કોઈ ષડયંત્ર રચાઈ રહ્યું છે. જે વહેમ આજે મારો સાચો પડ્યો હતો. આપણી કંપનીમાં ચોરી થઈ રહી છે. મને આજે નક્કી થઈ ગયું છે કે ચોરી કોઈ આપણા સ્ટાફમાંથી જ કરાવી રહ્યું છે. હવે તારું કામ એ છે કે તારે એ ચોરને ઉઘાડો પડવાનો છે". પ્રણવસરે કહ્યું.
ચોરી શબ્દ સાંભળીને હું વધારે તણાવમાં આવી ગયો. સામાન્ય રીતે માણસ ચોરી શબ્દથી દૂર ભાગતો ફરતો હોય છે. મારી સામે એકદમ આટલી મોટી જવાબદારી આવી ગઈ હતી. હું શુ જવાબ આપું તે પણ મને નહોતી ખબર પડી રહી.
"આ સ્ટાફમાં ઘણા એવા છે જેઓએ મારા પિતાજી સાથે કામ કર્યું છે જ્યારે આમાંના ઘણાએ મને કામ કરતા શીખવ્યું છે. માટે જો મારો આક્ષેપ ખોટો પડે તો એ મારી બહુ મોટી ભૂલ કહેવાય. હું સીધો કોઈના પર આક્ષેપ ના મૂકી શકું. જેથી મેં તને આ કામ માટે પસંદ કર્યો છે" પ્રણવસર ઉદાસ ચહેરે મને કહેવા લાગ્યા.
"પણ હું એ કેમનો જાણી શકીશ કે કોણ ચોર છે? હું તો હજુ પુરા સ્ટાફના પરિચયમાં પણ નથી આવ્યો." મેં જવાબ આપ્યો. પછી હું વિચારવા લાગ્યો કે પ્રાણવસર જો સીધા મને આ કામમાં જોડવા માંગતા હશે તો નક્કી તેમણે મારામાં કંઇક જોયું હશે. આ કંપનીમાં પરી તરક્કી માટેનો આ માર્ગ સામે ચાલીને મળી રહ્યો છે. જો એકવાર આ ચોરને પકડી લઈશ તો પ્રણવસરનો ખાસ થઈ જઈશ.
" શુ વિચારમાં પડી ગયો. તું કોઈના પરિચયમાં નથી માટે જ તો તને પસંદ કર્યો છે મેં આ કામ માટે " પ્રણવસરે કહ્યું.
" સર, હું આ કામ જરૂર કરીશ. ટુંક સમયમાં એ ચોર આપની સામે હશે અને આ ષડયંત્રનો પર્દાફાશ થશે" મેં કહ્યું
" મને તારી પાસેથી આજ આશા હતી." પ્રણવસર ખુશીથી કહેવા લાગ્યા.
" સર, તમને કેમની ખબર પડી આ ચોરી વિશે? " મેં પ્રણવસર ને પ્રશ્ન કર્યો.
પ્રણવસરે થોડીવાર વિચારીને પોતાના ટેબલનું ડ્રોવર ખોલ્યુ. એમાંથી થોડી ફાઈલો કાઢીને મારી સામે મૂકી. " જો ધવન આ છેલ્લા પાંચ વર્ષની બેલેંસશીટ છે. જેમાં તું જોઈ શકીશ કે ધીરે ધીરે સ્ટોકમાં ગડબડ વધી રહી છે. જેટલો સ્ટોક બહાર જઇ રહ્યો છે એટલું સામે પેમેન્ટ નથી મળી રહ્યું. મને લાગે છે ત્યાં સુધી ષડ્યંત્રમાં આપણા સ્ટાફના માણસો જ સામેલ હોવા જોઈએ." પ્રણવસર કહેવા લાગ્યા.
" સર, આ ફાઈલો હું થોડા સમય માટે મારી પાસે રાખું છું. હવે આ ષડ્યંત્રનો પર્દાફાશ કરીને જ રહીશ. " આટલું કહીને ત્યાં પડેલી ફાઈલો હાથમાં લઈને હું પ્રણવસરના કેબિનમાંથી બહાર નીકળ્યો.
હું મારા ડેસ્કની ખુરશીમાં બેસીને છેલ્લા પાંચેય વર્ષની બેલેન્સશીટનો અભ્યાસ કરી રહ્યો હતો ત્યાં મને મારા ડેસ્ક ઉપર કોઈના નોક કરવાનો અવાજ આવ્યો. મેં ફાઇલ પરથી નજર હટાવી ઉપર જોયું તો લોપા મારી સામે આશ્ચર્યથી જોઈ રહી હતી.
"વાહ.. શુ ડેડીકેશન લેવલ છે. કામમાં એટલો લિન થઈ ગયો કે મારી હાજરીનો ભાસ પણ ન થયો." લોપા હસતા હસતા કહેવા લાગી. તે મારી ખુરશીની એકદમ નજીકાવીને ઉભી હતી. વેટ કરતા કરતા તેના વાળની લટને તેની મુલાયમ આંગળીઓથી સાહેલાવી રહી હતી. આમ કરતા તે વધારે મોહક લાગી રહી હતી.
લોપા ખૂબ જ સુંદર અને ગુણવાન છોકરી હતી. મેં જ્યારથી અહીંયા નોકરી શરૂ કરી ત્યારથી દરેક નાની મોટી સમસ્યામાં તેણે મને મદદ કરી હતી. જેનો હું આભારી હતો. મેં ક્યારેય કામ વગર તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ન હતો. મને ઈશા સિવાય બીજી કોઈ છોકરીઓમાં રસ જ નહતો. મારા માટે ઈશા જ સર્વસ્વ હતી.
" ના...ના... એવું કંઈ નથી. કઈ કામ હતું તારે? " મેં સ્મિત આપતા લોપને પૂછ્યું.
"ના, કામ તો કંઈ ન હતું. હું વિચારતી હતી કે આ રવિવારે તારો કાંઈ પ્રોગ્રામ ન હોય તો આપણે મળી શકીયે?" લોપાએ ધીરા અવાજે કહ્યું. તેની આંખોમાં મને આશાઓ ચળકતી દેખાતી હતી. હું શું જવાબ આપું તે વિચારી રહ્યો હતો. તેના આ સીધા જ સવાલે મને વિચાર કરવા મજબુર કરી દીધો હતો.
" બોલને આટલું બધું શુ વિચારી રહ્યો છે? " લોપાએ કહ્યું. મારું મન હજુ પણ પ્રણવસરના વિચારોમાં ખોવાયેલું હતું. અને ઉપરથી લોપણો આ સવાલ હું મુંઝવણ અનુભવી રહ્યો હતો.
" ના, કોઈ પ્રોગ્રામ નથી." મેં વિચારોમાંથી બહાર નીકળતા કહ્યું.
" હા, તો આપણે આ રવિવારે મળીયે. " લોપાએ સીધુજ કહી દીધું. લોપાના મોઢેથી આ વાક્ય સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો. હજુ મારે અહીંયા આવે બહુ સમય પણ નથી થયો. હું અને લોપા એકબીજાને એટલું જાણતા પણ નથી. તે મારામાં આટલો બધો રસ લઈ રહી હતી એ મારા માટે અજુગતું હતું.
" આ....આમ તો કઈ ખાસ કામ નથી. હું તને રવિવારે ફોન કરું. " મને ટૂંકમાં જવાબ આપવાનું યોગ્ય લાગ્યું.
" સારું તો હું તારા ફોનની રાહ જોઇશ" આટલું કહીને લોપા સ્માઈલ આપતી તેની ડેસ્ક તરફ ચાલવા લાગી.
*
હું અને કૃણાલ કમાટી બાગના બાંકડા પર બેઠા હતા. કમાટી બાગ એ વડોદરાની શાન સમાન છે. વડોદરા એટલે આમ પણ રાજાશાહી શહેર તેની ભવ્યતા પહેલેથીજ ભવ્ય હતી. આખા ભારતમાં આટલું મોટું ગાર્ડન મેં ક્યાંય નથી જોયું. દરેક પરિવાર પોતાના આનંદ માટે અહીંયા આવે છે. અહિયાની ચિત શાંતિ તેમને અપાર સ્નેહ આપે છે. પક્ષીઓનો કલરવ રમણીય લાગે છે. હું અને કૃણાલ ઘણીવાર સમય કાઢીને ત્યાં બેસવા જતા હતા.
મેં કૃણાલને ગુપ્તાજી ટ્રેડર્સમાં ચોરીની વાત કરી. તે આ વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો.
" આટલું મોટું કામ પ્રણવસરે તને કેમ સોપ્યું હશે?" કૃણાલે પ્રશ્ન કર્યો.
" કદાચ, જુના સ્ટાફમાંથી કોઈ ષડ્યંત્ર કરનાર હોય, તેમ વિચારીને તેમને મારા જેવા નવા એમ્પ્લોયને આ કામ સોપ્યું હશે." મેં વળતો જવાબ આપ્યો.
" હા, એવું પણ બની શકે જો તું એકવાર આ કામ પાર પાડીશ તો પ્રણવસરનો વિશ્વાસ જીતી લઈશ. તારા માટે એથી સારું બીજું કાંઈ નહીં હોય" કૃણાલ કહેવા લાગ્યો.
એ બધું છોડ મારે તને બીજી એક અગત્યની વાત કરવી છે તેમ કહી પછી મેં તેને લોપાએ મને જે મળવા માટે બોલાવ્યો હતો તેના વિશે જણાવ્યું. આ સાંભળીને તેને શોક લાગ્યો હોય એમ સ્થિર થઈ ગયો. આમ તો લોપને તે પહેલેથી ઓળખતો હતો.
" ઓહો... ધવન સાહેબ તમે તો જ્યાં જાવ ત્યાં લોટરી લાગી જાય છે. " કૃણાલે મજાક કરતા કહ્યું.
" લોપાને હું સારી રીતે ઓળખું છું. હું ઘણીવાર કંપનીના કામથી તેને મળી ચુક્યો છું. તે ખૂબ સુશીલ અને ગુણવાન છોકરી છે. કદાચ તું આગળનું ભવિષ્ય તેની સાથે વિચાર તો તેમાં કાઈ ખોટું નથી" કૃણાલે કહ્યું.
આ સાંભળી મેં સ્થિર થઈને જવાબ આપ્યો. " આકાશમાં જેમ સૂર્યાદય અને સૂર્યોસ્ત થાય છે તેમ મારા પ્રેમની મર્યાદા પણ આકાશ જેટલી છે. મારા પ્રેમનો પણ સૂર્યોદય ઈશા સાથે જ થયો હતો અને સૂર્યાસ્ત પણ તેની સાથે જ થશે. મેં ક્યારેય મારા જીવનમાં ઈશા સિવાય બીજી કોઈ છોકરી વિચારી જ નથી."
" અરેય... દોસ્ત હું તો મજાક કરું છું. મને ખબર છે તું ઈશાને કેટલી ચાહે છે. પણ હવે ઈશા છે નહીં તો જો લોપા તને યોગ્ય લાગે તો તું ઈશાની જગ્યા આપી શકે છે. આમ ક્યાં સુધી ઈશાની રાહમાં સમય વિતાવીશ. છેલ્લા એક વર્ષથી તું ઇશાથી દૂર છે હજુ સુધી એના કોઈ સમાચાર મળ્યા નથી." કૃણાલે કહ્યું.
" હશે કોઈ મજબૂરી નહીંતર ઈશા મને આ જીવનરૂપી જંગલમાં ક્યારેય એકલો અટૂલો ના પડવા દે. મને વિશ્વાસ છે તે આજે નહીં તો કાલે પણ જરૂર મને શોધતી શોધતી આવશે " મેં કહ્યું.
" જો ભાઈ મારી તો એટલીજ સલાહ છે કે હવે તારે ભૂતકાળ ભૂલી ને ભવિષ્યનો વિચાર કરવો જોઈએ. એકવાર લોપાને મળવામાં તને શુ તકલીફ છે. એક મિત્ર તરીકે તો મળી જ શકે છે " કૃણાલે કહ્યું.
જીવનમાં એક એવો મિત્ર જરૂર હોવો જોઈએ જેની સાથે તમે તમારી દરેક નાની મોટી તકલીફ જાહેર કરી શકો. કદાચ એ તમને મદદ નહીં કરી શકે પણ આત્મવિશ્વાસ જરૂર આપશે. અત્યારે કૃણાલ મારી સાથે એજ કરી રહ્યો હતો. એક આજ વ્યક્તિ હતો જે દરેક પરિસ્થિતિમાં અડીખમ મારી સાથે ઉભો હતો.
જોતજોતામાં શનિવાર આવી ગયો. કામમાં દિવસો કેમના જતા રહેતા હતા તેનો ખ્યાલ જ નથી રહેતો. હું લોપાથી દૂર જ રહેવા માંગતો હતો. મારે તેને કોઈ ખોટો આઈડિયા નહોતો આપવો. આજે હું તેને ફોન કરીને જણાવી દઈશ કે હું કાલે નહીં મળી શકું, કામમાં વ્યસ્ત છું.
રાત્રે ફ્રી થયા બાદ હું પ્રણવસરે આપેલ ફાઇલ લઈને બેઠો ધીરે ધીરે અભ્યાસ કરતા જાણવા મળ્યું કે સ્ટોકમાં ગોટાળા થઈ રહ્યા છે. જે ગોડાઉનથી થઈ રહ્યું છે. પણ ઓફિસમાંથી પણ કોઈ હોવું જોઈએ જે ગોડાઉન સ્ટાફને મદદ કરે છે. મને પહેલી શંકા ગોડાઉન સુપરવાઇઝર મિશ્રા ઉપર ગઈ. મિશ્રા સાથે મારી મુલાકાત એક બે વાર થઈ હતી. તે ખૂબ બનેલો માણસ હતો. તેની ચાલાકી અને હોશિયારી તેના ચહેરા ઉપર દેખાઈ આવતી હતી. મૂળ ઉતરપ્રદેશનો પણ વર્ષોથી પરિવાર સાથે ગુજરાતમાં સ્થાયી થઈ ગયેલ હતો.
હું ફાઈલો જોવામાં વ્યસ્ત હતો ત્યાં મારા ફોનમાં એક મેસેજ આવ્યો. મેં ફોન ઉપાડીને જોયું તો સ્ક્રીન ઉપર લોપનું નામ દેખાયું અને નીચે મેસેજમાં ખાલી 'હાય' લખેલું હતું. હું બેચેનથી ગયો. મારે લોપાને ફોન કરીને ના કહેવાનું હતું, પણ હું તેની લાગણીને દુભાવવા નહોતો માંગતો. મારે તેને મળીને તેને ખોટી આશા પણ નહોતી આપવી. હું આ વિડમ્બનામાં હતો ત્યાં જ મારા હાથમાં વાઈબ્રેશન થયું. મોબાઈલમાં નજર કરી તો લોપાનો ફોન આવી રહ્યો હતો.
હું ફોન ઉપાડું કે નહીં એ વિચારમાં હતો. છેલ્લે હિંમત કરીને ફોન ઉપાડ્યો.
" હેલ્લો "
"હાય, ધવન. બીઝી છે? " લોપાએ તરત જ પૂછ્યું.
"અમ... ના....ના... બોલને" મેં ખચકાતા ખચકાતા જવાબ આપ્યો.
" આપણે કાલે મળીશું ને, તારે કોઈ કામ તો નથી ને હવે? તારો હજુ સુધી ફોન ન આવ્યો તો મને લાગ્યું કે તું ભૂલી ગયો હોઈશ" લોપાએ કહ્યું. લોપાના આટલી આશાઓથી ભરેલા શબ્દોને સાંભળીને મને તેને ના પડવાની ન ઈચ્છા થઈ કે ન હિંમત.
"ના, મને યાદ છે. હું મારું કામ પતાવીને તને ફોન કરવાનો જ હતો. આપણે કાલે જરૂર મળીશું. તું મને જગ્યા કહી દે હું કાલે ત્યાં આવી જઈશ" એકવાર મળવામાં શુ બદલાઈ જશે એવું વિચારીને મેં લોપાને કહ્યું.
"આપણે ઇનોરબીટ મોલમાં મળીયે" લોપાએ ઉત્સાહથી કહ્યુ. તેના અવાજથી તે ખૂબ ખુશમાં લાગી રહી હતી.
"સારું તો મળીયે કાલે...બાય.." મેં વાત પતાવતા કહ્યું.
"બાય...ધવન. ગુડ નાઈટ" લોપાએ મધુર અવાજે કહ્યું.
એ રાત્રે હું પથારીમાં પડ્યો હું લોપા વિશે વિચારી રહ્યો હતો. એકબાજુ આશ્ચર્ય હતું કે આ છોકરી એકદમ મારી આટલી નજીક કેમ આવવા માંગી રહી છે. બીજી બાજુ હું એ દુવિધામાં હતો કે આવતી કાલે મળીશું એનું પરિણામ શુ આવશે. અમારી થોડીઘણી મિત્રતા છે તે આગળ વધશે કે ત્યાંજ પૂર્ણવિરામ લાગી જશે? મારા માટે આ પણ એક પ્રશ્ન હતો.
.............................( ક્રમશઃ )...................................
- રોહિત ભાવેશ