ફરી મળીશું !! - પ્રકરણ - ૨ ભાવેશ રોહિત દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફરી મળીશું !! - પ્રકરણ - ૨

ફરી મળીશું !!
પ્રકરણ - ૨

ક્યારેય ગામડું છોડી ને કોઈ મોટા શહેર નો અનુભવ થયો ન હતો. હજુ તો 12માં ધોરણનું પરિણામ આવ્યું હતું. 78% થી પાસ થયો હતો. મમ્મીપપ્પાની ખુશીનો પર નહોતો. ભણવામાં પહેલેથી હોશિયાર હતો જેથી ઘરમાં બધા ને મારી પાસે અપેક્ષાઓ ઘણી હતી.મારી મમ્મી ને તો એમજ હતું કે હવે આજ મોટો થઈ ને અમારી આર્થિક તકલીફો દૂર કરશે. મારા પપ્પાને પણ મારા પ્રત્યે એવુંજ અપેક્ષા હતી પણ તેમણે ક્યારેય મારી સામે જાહેર નહોતી કરી. અમારા ગામના અમુક મિત્રો, વડીલો અને સગાસંબંધીઓ ના કહેવાથી મારા પપ્પાએ મને વિદ્યાનગર અભ્યાસ કરવા માટે મોકલવાનું નક્કી કર્યું. બસ પછી શું 18 વર્ષ ના છોકરાના માથે અપેક્ષાનું પોટલું બાંધી મોકલી દીધો નવી જ દુનિયામાં જેનો તેને ના પરિચય હતો, ના અનુભવ. વિદ્યાનગર ની એક કોમર્સ કોલેજમાં એડમિશન લેવાનું નક્કી કર્યું અને ત્યાંથી થઈ નવી જીંદગી ની નવી શરૂઆત.

રાતે બેગ પેક કરીને બેગ તૈયાર રાખી હતી. બેગમાં કપડાં,બ્રશ,સાબુ ,શેમ્પુ,બુટ,...વગેરે પેક કર્યું હતું.ઉપરના ખાનામાં મમ્મીએ બનાવેલો નાસ્તો મુક્યો હતો. આટલી મોટી બેગના એક નાનકડા ખાનામાં થોડા સપના હતા. અને આખું આસમાન ભરાય એટલી ઘરની યાદો પેક કરી હતી.

સવારે હું મમ્મીપપ્પાનો પગે લાગી ને નીકળી પડ્યો જિંદગીની એક નવી સફરે. જ્યાં મારુ કોઈ નહોતું. હતી તો બસ યાદો. " સુખી થાવ, ખૂબ મોટું નામ કમાય એવા આશીર્વાદ છે મારા" આમ બોલતા મમ્મીએ માથે હાથ ફેરવ્યો. મમ્મીએ માથે હાથ લગાવ્યો ત્યારે મને એમનાથી છુટા પડવાનો એહસાસ થયો. મમ્મીની આંખોમાં આંસુ હતા. મમ્મીએ મને પોતાની છાતી સમો ચાંપી દીધો.

"એ ભણવા માટે જઇ રહ્યો છે, કાંઈ હંમેશ માટે નથી જતો. તું આમ આંસુ વહાવા લાગીશ તો દીકરાનું ત્યાં ભણવામાં મન નહીં લાગે" પપ્પાએ મમ્મીના આંસુ લૂછતા કહ્યું.
હું અને પપ્પા બસસ્ટેશને પહોંચ્યા. બસ આવવામાં થોડીવાર હતી. પપ્પા મારી બાજુમાંજ બેઠા હતા પણ કઈ બોલ્યા નહીં ચૂપચાપ બેસી રહ્યા. કદાચ તેમને ઘણુંબધું કહેવું હશે પણ યોગ્ય સમયની રાહ જોતા હશે. માં ના આંસુમાં તેની લાગણી દેખાઈ જય છે જ્યારે એક બાપ ક્યારેય પોતાની લાગણીઓ બતાવી નથી શકતો. મારી બસ આવી ગઈ હતી. હું બસમાં ચડ્યો,મારી બેગ સીટ નીચે મૂકીને હું બારી બાજુ બેઠો. પપ્પા હજુ પણ ત્યાંજ ઉભા હતા. તે મારી બારી ને નજીક આવ્યા.
" જો બેટા.. હવે તું મોટો થઈ ગયો છે, બધું સમજે છે તારા માટે સારું શુ અને ખરાબ શુ માટે હું તને એ બધું કહેવા નથી માંગતો. જીવનમાં એક વાત યાદ રાખજે ક્યાંય હિંમત હારીશ નહીં. તને જ્યારે પણ તકલીફ પડશે ત્યારે આ તારો બાપ બેઠો છે એ ભુલીશ નહીં. જો મહેનત કરીશ તો જરૂર તું તારા ધ્યેય સુધી પહોંચીશ " આટલું બોલી તે ઘર તરફ ચાલવા લાગ્યા.

પપ્પા દેખાતા બંધ થાય ત્યાં સુધી હું એમની પીઠ પાછળ જોઈ રહ્યો. થોડો ઉદાસ થઈ રહ્યો હતો. હવે મારી બસ પણ ચાલી નીકળી હતી. એક પછી એક સ્ટેશન નીકળી રહ્યા હતા. મારું દિલમાં હવે બેચેન થવા લાગ્યું હતું. બારીમાંથી આવતો ઠંડો પવન મારા ચહેરાને સ્પર્શ કરીને નીકળી જતો હતો. મન ઊંડા વિચારોમાં ઉતરી રહ્યું હતું. નવું શહેર, નવા લોકો, કેવો હશે ત્યાંનો માહોલ? શુ હું બધા સાથે ભળી શકીશ કે નહીં? ગામમાં એક દોસ્ત કહેતો હતો કે શહેરની કોલેજમાં રેગીંગ કરવામાં આવે છે. ગામડામાંથી આવતા છોકરાઓને બહુ હેરાન કરે છે. તેની આવી બધી વાતો મને અત્યારે યાદ આવી રહી હતી. હું ડરી રહ્યો હતો. બારીથી આવતા ઠંડા પવનમાં મારી આંખ મીંચાઈ ગઈ, આંખ ખુલી ત્યારે અડધી મંજીલ પર થઈ ચૂકી હતી. બારીમાંથી ઉપર આકાશમાં જોઈ રહ્યો હતો જાણે એ તારાઓ પણ મારી સાથે મુસાફરી કરી રહ્યા હોય તેમ મારી સાથે આવી રહ્યા હતા. આખી રાત વીતી ગઈ, સવારે 6 વાગે હું આણંદ પહોંચ્યો.કોલેજ અને હોસ્ટેલ બંને માં એડમિશન લેવાઈ ગયું હતું. ત્યાંથી રીક્ષા લઈને સીધો હોસ્ટેલ પહોંચ્યો.

જીવન માં પહેલીવાર ઘર છોડી એટલે દૂર એકલા રહેવા માટે આવ્યો હતો. મારા માટે અહીંયા બધુજ નવું હતું. જગ્યા પણ નવી અને લોકો પણ નવા હતા. શરૂઆત માં અહીંયા મારુ બિલકુલ મન નહોતું લાગતું પણ ધીરે ધીરે હું સેટ થઈ રહ્યો હતો. હજુતો માંડ માંડ તરુણાવસ્થા વટાવીને જવાનીમાં પગ મૂક્યો હતો. મારો સ્વભાવ શરમાળ હતો, હું ઝડપથી કોઈની સાથે પરિચયમાં આવતો નહોતો. દેખાવમાં એકદમ ગામડિયો 19 વર્ષની ઉંમર, ઉંચાઈ 5 ફૂટ 6 ઇંચ, રંગે ગોરો, ઘાટા કાળા વાળ, ચહેરા ઉપર મૂછનો દોરો તાજો તાજો ફૂટ્યો હતો.

વિદ્યાનગર માં આજકાલ કરતા છ મહિના જેટલો સમય થવા આવ્યો હતો, સારા એવા મિત્રો પણ અહીંયા થઈ ગયા હતા. અને પેલું કહેવાય છે ને કે શહેર નો સારો એવો રંગ ચડવા લાગ્યો હતો. ગામડા કરતા શહેરની રીતભાત તદ્દન જુદી, જીવન જીવવાની ઘણી બધી રીતો અહીંયાથી શીખ્યો હતો.

શિયાળા ની શરૂઆત હતી, થોડી થોડી ગુલાબી ઠંડી નો અહેસાસ થાય રહ્યો હતો. હું રોજના જેમ 5 વાગે એલાર્મ વાગે એટલે ઉઠી જતો. હોસ્ટેલ માં હજુ તો કોઈ ઉઠ્યું પણ ના હોય ત્યાં ઠંડા પાણી થી નાહી ને ક્રિકેટ રમવા માટે નીકળી પડતો. રસ્તામાંજ એક ગોપાલ ની ચા ની લારી સવારે સૌથી પહેલા એજ આવ્યો હોય એટલે દિવસ ની શરૂઆત થતી એક કપ ચા, પારલે-જી અને ગોલ્ડફ્લેક લાઈટ . સિગરેટ પતી ના હોય ત્યાં સુધીમા તો અમારી રામપ્યારી આવી જતી. રામપ્યારી એટલે કૃણાલની એ પિંક કલરની સ્કૂટી પેપ. હાલ તો અમારા માટે આજ હારલી ડેવિડસોન અને આજ બુલેટ. રામપ્યારી આખી કોલેજમાં ફેમસ. કોઈને ગમે ત્યારે જરૂર પડે, કોઈને ગર્લફ્રેન્ડને લઈને ફરવા જવું હોય રામપ્યારી હમેશા રેડી જ હોય. સ્કૂટી પરથી ઉતારતા ની સાથે જ બૂમ પડતી "ભાઈ લાય એક કસ મારવા દે, બહુ ઠંડી લાગે છે યાર. અઠવાડિયામાં આજે નાહયો એ પણ ઠંડા પાણીથી, મારી તો ફાટી ને લાલ થઈ ગઈ છે " એ હતો મારો ફ્રેન્ડ કૃણાલ પછી ત્યાંથી સાથે જ અમે નીકડયા.

અહીંયા આવ્યા પછીના છેલ્લા 3 મહિનાથી રેગ્યુલર રૂટિન બની ગયું હતું. ક્રિકેટ રમવાનો મને પહેલે થી ખુબજ શોખ હતો અને રમવાની સાથે જોવા નો પણ. એના માટે મારા માં એક જુનૂન હતું. અહીંયા આવ્યા પછી મેં જોયું કે અહીંયા એક ખૂબ વિશાળ મેદાન હતું, જેને શાસ્ત્રી મેદાન કહેતા હતા,જેની મને પછી ખબર પડી હતી. શાસ્ત્રી મેદાન ની સવાર માં કંઇક અલગ જ સુવાસ હતી. ખૂબ વિશાળ ગ્રાઉન્ડ હતું. મોર્નિંગવોક માટે સવારે ઘણા લોકો ત્યાં આવતા, NCC કેડેટ વાળા વિદ્યાર્થીઓ પણ ત્યાં આવતા, ઘણા લોકો ખુલ્લી હવા માં આંટો મારવા આવતા, બેડમિંટન પ્રેકટીસ માટે, વોલીબોલ માટે પણ ત્યાં આવતા અને અમુક લોકો તેમના પાલતુ કૂતરાઓ ને પણ ફ્રેશ થવા માટે લઈને આવતા, અને હા લવર પોઇન્ટ પણ કહી શકાય. શાસ્ત્રી મેદાનના દરેક ખુણા ના બાંકડા પર કોઈને કોઈ કપલ તો બેઠું જ હોય. એક નાના ગામડા ના છોકરા માટે આ બધું નવાઈ પમાડે એવું હતું. ગામડામાં આવું ઓછું જોવા મળે. ગામડામાં તો સવારે મંદિરની આરતી, ખેતરે જતા ટ્રેક્ટર ના અવાજ, મોરલાના ટહુકા, ડેરીએ દૂધ ભરવા જતા લોકોની વાતો, ગાય ભેંસોના વાસીંદા કરતી સ્ત્રીઓની બકબક, ખેતરે જતા મજૂરો આવું બધું જોવા મળે. અમારું ગ્રુપ ત્યાં ક્રિકેટ રમવા જતું. જે વિદ્યાનગર માં રહ્યું હશે તેને ખ્યાલ હશે કે શાસ્ત્રીમેદાન એ ત્યાંનું હાર્ટ છે.
રોજની જેમ મારી પ્રેકટીસ પતાવીને હોસ્ટેલ જવા તૈયાર થયો. મેદાન ની બહાર નીકળ્યો ત્યાં એક છોકરી બેઠી હતી. સામાન્ય લાગતી એ છોકરીએ કેસરી અને બ્લુ ચુડીદાર પહેર્યું હતું. તેને જોઈ ને લાગ્યું કે એ થોડી વ્યાકુળ હતી, કોઈની રાહ જોઇ રહી હતી. તેના ચહેરા પર વ્યાકુળતા દેખાઈ રહી હતી. કોઈ ને મળવાની રાહ માં તે આમતેમ આંટા મારી રહી હતી, થોડી થોડી વારે પર્સમાંથી ફોન કાઢીને ટાઈમ જોઈને પાછો મૂકી દેતી હતી. અંદરોઅંદર અકળાઈ પણ રહી હતી. હું ત્યાંજ ઉભો હતો મને અવાજ સંભળાયો " સોરી ડિયર, અરે ટ્રાફિક માં ફસાઈ ગઈ હતી, સોરી...સોરી..સોરી... " અને આવીને એને ગળે લાગી ગઈ. " યાર, કેટલા દિવસે મળ્યા તે યાદ છે તને છેલ્લે તારા મામાને ત્યાં ગાંધીનગર મડ્યા હતા પછી આજે મુલાકાત થઈ" પેલી આવતી છોકરીએ કહ્યું.
" ઈશા, આજે તો તું લાસ્ટ મળ્યાં એના કરતાં પણ વધારે સુંદર લાગી રહી છે " પેલી ત્યાં રાહ જોતી હતી એ છોકરીએ કહ્યું. હજુપણ હું ત્યાંજ ઉભો હતો તેમનો વાર્તાલાપ સાંભળી રહ્યો હતો.

મારી નજર તો એને જ જોયા કરતી હતી. પાતળું મધ્યમ નાક, રાતના અંધારામાં ચમકતા તારા જેવી એની આંખો અને હોઠ તો જાણે ગુલાબ ની પાંખડી જેવા ગુલાબી જે ઠંડી ને કારણે વધારેજ ગુલાબી થઈ ગયા હતા. સોનેરી વાળ ઉપર આછા ગુલાબી કલર ની ગરમ ટોપી પહેરી હતી અને એવાજ કલર નું સ્વેટર. ઠંડા પવન થી એના આગળ આવી ગયેલા વાળની સોનેરી લટ ઉડી ને એની આંખો માં આવી જતી હતી. વારે વારે એ લટ ને આંગળીઓથી પાછળ લઇ જઈ રહી હતી અને પેલી બીજી એની મિત્ર સાથે વાતો કરી રહી હતી. અને હું બસ એકીટશે એને નિહાળી રહ્યો હતો. મારી નજર એના ઉપર થી દુર હટવા જ નહોતી માંગતી. મારી અંદર બસ ઈશાના નામના પડઘા પડી રહ્યા હતા.

બસ, દિલ દિમાગ માં એજ છવાઈ ગઈ હતી, મારુ દિલ જાણે એમ કહેતું હોય બસ એનેજ નિહાળે જા. હું એના વિચારો માંજ ખોવાઈ ગયો હતો. એ વાતો કરી રહી હતી ત્યારે એની આંખોની પાંપણ વધારે જ ઝડપથી ફરકી રહી હતી. તે જ્યારે બોલી રહી હતી ત્યારે તેના હોઠ અલગ અલગ આકાર લાઇ રહ્યા હતા. વાતો કરતા કરતા તે સ્વેટર નીચેથી બહાર આવી ગયેલા દુપટ્ટાના છેડાને પકડી આંગળીમાં વીંટાવી રહી હતી. હું આ બધું એક નજરે નિહાળી રહ્યો હતો. મને એકદમ એહસાસ થયો કે કોઈ મારી પાછળ હોર્ન મારી રહ્યું હતું. મેં પાછળ ફરી ને જોયું તો એ કૃણાલ હતો. એને ત્યાં ઉભા ઉભા બૂમ પાડી " ધવન ભાઈ કઈ દુનિયા માં? કોના વિચારોમાં ખોવાઈ ગયો છે. ચાલ...મોડું થાય છે " અને હસવા લાગ્યો. હું ત્યાંથી એની પાસે ગયો અને અમે અમારી રામપ્યારી સ્કૂટી ઉપર નીકળી ગયા. એ મને મારી હોસ્ટેલ પર છોડી અને એના ઘર તરફ જતા બોલ્યો "ચલ કોલેજ મા મળીયે".

હું મારું રૂમ માં આવ્યો. ફ્રેશ થઈ ને કોલેજ જવાની તૈયારી કરવા વાગ્યો પણ મારા દિલ દિમાગ માં બસ એ ચહેરો જ ફર્યા કરતો હતો. મારુ મન બસ એનેજ વિચારો માં હતું, એનો ચહેરો, એના એ સોનેરી વાળ, ગુલાબી હોઠ, જે લહેકા થી એ એની ફ્રેન્ડ સાથે વાત કરતી હતી, એ છબી મારી સામે ઉપસી આવી હતી અને હું એમાં ખોવાઈ ગયો હતો. જાણે એ મારી સાથે જ વાતો કરી રહી હોય એવો મને આભાસ થતો હતો. અરીસા સામે ઊભા રહીને વાળ ઓળવી રહ્યો હતો, અરીસામાં તેનું પ્રતિબિંબ દેખાય રહ્યું હતું. હું તેની તરફ ખેંચાઈ રહ્યો હતો. ત્યાં સુધીમાં મારા ફોન માં રિંગ વાગી અને હું જાણે સપના માંથી જાગી ગયો હોય એમ ઉઠ્યો. ફોન માં જોયું તો અતુલ ના ત્રણ મિસકોલ પડ્યા હતા. મેં ફટાફટ એને કોલ કર્યો. અતુલ અને કૃણાલ મારી રાહ જોઈએ ને હોસ્ટેલ નીચે ઉભા હતા. હું ઉતાવળ ફટાફટ પગથિયાં ઉતારતો હોસ્ટેલ થી બહાર નીકળ્યો.

હું અતુલ અને કૃણાલ રોજ સાથેજ કોલેજ જતા. કૃણાલ મૂળ તો મારા ગામ ની બાજુના જ ગામનો હતો. અહીંયા એ એના માસી ના ઘરે રહેતો હતો. અમારી મુલાકાત ગામડે થી વિદ્યાનગર આવતા બસમાં જ થઈ ગઈ હતી. પછી કોલેજ અને ક્લાસ પણ એકજ હતો એટલે એકબીજા સાથે મિત્રતા પણ સારી એવી થઈ ગઇ. તે સુખી સંપન્ન પરિવારમાંથી આવતો હતો. તેના મમ્મીપપ્પા બંને સરકારી નોકરી કરતા હતા. ખૂબ જ મોજીલુ વ્યક્તિત્વ હતું.
દેખાવે થોડો ઘઉંવર્ણો, ઉચ્ચાઈમાં નીચો અને શરીરે જાડીયો, જમવાનો ખૂબ શોખીન.

અતુલ અહીંયા નો લોકલ હતો. તેનું ગામ બાજુ માં પાંચ કિલોમીટર માં હતું. તે એક મધ્યમ પરિવારમાંથી આવતો હતો. પારિવારિક પરિસ્થિતિ મારાથી ખાસ અલગ નહોતી. દેખાવમાં તે રંગે ગોરો, ઉચાઈમાં મારા કરતાં પણ ઊંચો, આછા કાળા વાળ, કોઈ ફિલ્મના હીરોથી ઓછી તેની પર્સનાલીટી નહોતી પણ સ્વભાવે એકદમ શરમાળ. તેની સાથે અમારો પરિચય કોલેજ ના પહેલા દિવસ થી થઈ ગયો હતો. અમારા ત્રણેય ની દોસ્તી હવે ગાઢ થઈ ગઈ હતી. સ્કૂટી પર ટ્રિપલ સવારી સાથે ફરવું, બંક મારીને ફિલ્મો જોવા જવું, શાસ્ત્રી મેદાન માં આંટા મારવા, મનોજભાઈ ચાની કીટલી એ સિગારેટ અને ચા પીવા જવું.

જેવો હોસ્ટેલમાંથી બહાર નીકળ્યો કે અતુલ બોલ્યો
" ભાઈ ધવન તારા નાટકો હવે વધતા જાય છે હો. આટલી બધા ફોન કર્યા. તું હતો ક્યાં? "

કૃણાલે કીધું " હા સાચી વાત છે હો ભાઈ ક્યાંક ખોવાયેલા લાગે છે, સવારે શાસ્ત્રી મેદાને ગાંડા ની જેમ ક્યાંક ખોવાઈ ગયો હતો અને હું પાછળ ઉભા ઉભા હોર્ન વગાડી રહ્યો હતો "

મેં વચ્ચે જ કહી દીધું " સોરી મારા બાપ, એવું કંઈ નથી હું વોશરૂમ માં હતો એટલે તારો કોલ ના ઉપાડી શક્યો " ચાલો હવે નીકળીએ કોલેજ જવામાં મોડું થાય છે. ત્યાંથી અમે ત્રણેય અમારી રામપ્યારી પર કોલેજ જવા નીકળ્યા.
*

ભટ્ટ સર નફા નુકસાનનું સરવૈયું સમજાવી રહ્યા હતા. કૃણાલ અને અતુલ શૂન્ય ચોકડી રમી રહ્યા હતા. મારુ ધ્યાન ભટ્ટ સર તરફ હતું. ત્યાંજ દરવાજા તરફ થી અવાજ આવ્યો " હું અંદર આવી શકું? સર " બધા ની નજર દરવાજા તરફ ગઈ. હુ થોડીવાર માટે સ્તબ્ધ થઈ ગયો. મારી નજર એ માસુમ ચહેરા પરથી હટવા માટે જ તૈયાર નહોતી. ક્ષણવાર માટે તો મને એવું લાગ્યું કે હું મારા હૃદય નો એક ધબકારો ચુકી ગયો. મારુ હૈયું આ ક્ષણ ને હકીકત માનવા તૈયાર નહોતું. સવારે જે છોકરીને મેં શાસ્ત્રીમેદાન એ જોઈ હતી. એ જ અહીંયા મારા ક્લાસ માં આવી ને મારી સામે સાક્ષાત ઉભી હતી !!

ભટ્ટ સરે તેને અંદર આવવાની રજા આપી. " સર, મારુ નામ ઈશા છે અને મારું ગઈકાલે જ આપણી કોલેજ માં એડમિશન થયું છે. આજે મારો ક્લાસ માં પહેલો દિવસ છે. શુ હું અંદર આવી શકું છું? " તેણીએ કહ્યું. પર્પલ કુર્તી અને બ્લયુ જિન્સ, પગમાં રાજસ્થાની મોજડી પહેરી હતી. તેના લાંબા સોનેરી વાળને આગળથી બફ રાખીને ખૂલ્લા રાખ્યા હતા. જે સવાર કરતા પણ વધારે સુંદર લાગી રહ્યા હતા. તે જ્યારે જ્યારે બોલતી હતી ત્યારે તેના કાનમાં લટકતી ઈયરિંગ ઝોલા ખાતી તેની ગરદન ને સ્પર્શ કરતી હતી. તેના મુખમાંથી નીકળતા દરેક શબ્દો મને માદક લાગી રહ્યા હતા.

ભટ્ટ સરે તેને બેન્ચ પર બેસવા માટે રજા આપી અને તેમણે એમનો ટોપિક ચાલુ રાખ્યો. મારી નજર તો હજુપણ તેને જ નિહાળી રહી હતી. એજ ચહેરો, એજ નાક, એજ હોઠ,એજ આંખો. હજુપણ સપનામાં હોવ તેમ આ હકીકત સ્વીકારવા તૈયાર નહોતા. ઈશા મારી આગળ ની બાજુ બે બેન્ચ છોડી ને પૂર્વી પાસે બેઠી હતી. તેના શરીરમાંથી આવતી પરફ્યુમની ખુશ્બુ મને એના તરફ ખેંચી રહી હતી. આખો ક્લાસ તેની ખુશ્બૂ થી મહેંકી ઉઠ્યો હતો.

થોડીવાર માં ક્લાસ પૂરો થયો. બધા બહાર નીકળવા તૈયાર થયા. ઈશા અને પૂર્વી હજુ પણ એમની જગ્યા એજ બેઠા હતા, તેમની વચ્ચે કંઈક વાતો ચાલી રહી હતી. મારા મત મુજબ એ બંને એકબીજા નો પરિચય લઇ રહ્યા હતા. મારી તો ખુશી નો પાર નહતો, જે વ્યક્તિ ને સવારે જોઈ, જેને પહેલી નજરે માંજ મારા હૃદય માં વસાવી લીધી હતી, તે વ્યક્તિ મારા જ ક્લાસમાં મારી સામે હતી. બસ મારે હવે કંઈ પણ કરી ને એની સાથે ફ્રેન્ડશીપ કરવી હતી. હિન્દી ફિલ્મો માં જોયું હતું પ્રેમ ની શરૂઆત ફ્રેન્ડશીપથી થાય છે. બસ હવે તો મારા મન માં એક ધૂન સવાર હતી કે હું કોઈપણ કાળે તેને પામવા ઈચ્છતો હતો.

"શુ થયું, ધવન ? કોના વિચારો માં ખોવાઇ ગયો છે?" અતુલ એ પૂછ્યું.

"એવું કંઈ નથી" જાણે હું કોઈ ખાસ વાત તેનાથી છુપાવી રહ્યો હોય તેમ મેં શરમાતો હોય એવા અવાજ માં કીધું. મને આજે કઈક અલગ જ અહેસાસ થઈ રહ્યો હતો.

"તમે પેલી નવી છોકરી આવી તે જોઈ કેટલી સુંદર લાગે છે, જો આવી છોકરી જિંદગીમાં મળી જાય તો હું દુનિયાની દરેક ચીજ છોડવા રાજી થઈ જવ " કૃણાલ એ ફટાફટ સામેથી આવતા કહ્યુ.

" અલ્યા ભાઈ તારાથી પેટની કબજીયાત છુટતી નથી ને તું પાછો વાતો મોટી મોટી કરે " અતૂલે કહ્યું.

" બોસ... આ મળી જાય તો બધું કરવા રેડી આપણે "

" ભાઈ રહેવા દે, આજે ફરી લાગે અઠવાડીએ નાહી ને આવ્યો એટલે તને એવો વહેમ થતો હશે. ઘરે જઈને હાથ મોં બરાબર ધોઈને અરીસામાં જોજે એટલે બધો વહેમ ક્લિયર થઈ જશે" કહીને અતુલ મને તાળી મારતા હસવા લાગ્યો.

" સારું હવે ચાલો, બ્રેક પડી છે સિગારેટ પીવા જઈએ " કૃણાલે કહ્યું.

અમે ત્રણ બહાર નીકળવા જતા હતા ત્યાંજ દરવાજામાં ઈશા મને ભટકાઈ. હું શરમાઈને ત્યાંથઈ ફટાફટ બહાર નીકળી ગયો.

જે વ્યક્તિને મેં થોડા કલાકો પહેલા જ જોઈ હતી તે અત્યારે મારા માટે આટલી ખાસ બની ગઈ હતી. હજુ હું તેના નામથી વધારે કાઈ પણ જાણતો નહોતો છતાં આટલી બધી લાગણી ક્યાંથી પેદા થઈ રહી હતી તે સમજી નહોતો શકતો.



...............................( ક્રમશઃ )…...…..........................


- રોહિત ભાવેશ