ફરી મળીશું !! - પ્રકરણ - ૪ ભાવેશ રોહિત દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફરી મળીશું !! - પ્રકરણ - ૪

ફરી મળીશું !!
પ્રકરણ - ૪
ઘણા દિવસો થઈ ગયા, ઘરે ફોન કરવાનું જ ભૂલો ગયો. આજે ઘરની મમ્મી, પપ્પા અને બહેનની ખૂબ યાદ આવતી હતી. આટલા લાંબા સમય સુધી હું ક્યારેય મારા પરિવારથી દૂર રહ્યો નહોતો. મમ્મી ને ફોન કર્યો.

" હેલો, મમ્મી કેમ છો? તમારી અને પપ્પાની તબિયત કેવી છે? અને કિસુ કેમ છે ? " આટલું કહીને હું અટક્યો.

"શુ કરે છે બેટા? ઘણા દિવસ થઈ ગયા તારો ફોન ના આવ્યો એટલે તારી ચિંતા થતી હતી. અને આજે ટેરો ફોન સામેથી આવી ગયો. અમે બધા મજામાં છીએ. તારી તબીયત ઠીક સેને ?" મમ્મીએ સામે મને પૂછ્યું.

" હા, મમ્મી બધું ઠીક છે. બસ તમારા બધાની યાદ આવે છે. અહીંયા મેસમાં જમવા જવ છું ત્યારે તમારા હાથનું જમવાનું ખૂબ યાદ આવે છે. "

" હા...તો..જટ આવી જા ઘરે, મારા હાથથી તને જમાડિશ. "

" હવે રજાઓ પડશે એટલે પહેલી બસ પકડીને જરૂર આવી જઈશ."

" તારા અભ્યાસમાં પૂરેપૂરું મન પરોવીને ધ્યાન આપજે. હું અને તારા પપ્પા તો બસ તારી જ આશ લગાવીને બેઠા છીએ.
તું અભ્યાસ પતાવીને સારો સરકારી અધિકારી બની જાય એટલે અમે તો ગંગા નાહ્યા બરાબર છે." આટલી વાત કરતા તેનો અવાજ થોડો ઢીલો થઈ ગયો.

" અમારી બધી અપેક્ષાઓ હવે તારા પર નિર્ભર છે, બેટા. તારા પપ્પાએ આપણી જમીન ઉપર લૉન લઈને, દેવું કરીને તને અભ્યાસ કરવા માટે ત્યાં મોકલ્યો છે. એ વાત તું ક્યારેય ભૂલતો નહીં, અમારા વિશ્વાસ ઉપર તું ખરો ઉતરજે બેટા." આટલું કહી ને મમ્મી અટકી.

હું તેને સામે કઇ જવાબ ન આપી શક્યો. બસ હા એકલું બોલી શક્યો.

" તારું ત્યાં કોઈ છે નહીં તો પોતાનું ધ્યાન રાખજે. મિત્રોની ખરાબ સોબતમાં ફસાતો નહીં."

" હા, મમ્મી મને ખ્યાલ છે. અહીંયા મારા બે ખાસ દોસ્ત થયા છે કૃણાલ અને અતુલ. બંને ખૂબ સારા છે. મને ઘરની યાદ જ નથી આવવા દેતા. અને મને પણ એ લોકોની સાથે સારું એવું ફાવી ગયું છે. મારે કઈ પણ જરૂર પડે બંને ભાઈની જેમ હાજર થઈ જાય છે."

" સરસ છે, ફરી ઘરે એવું ત્યારે એમને પણ સાથે લાવજે. મારે પણ મળવું છે. પેલા બચુકાકા સાથે તારા માટે નાસ્તો મોકલ્યો છે તે લઈ લેજે અને તારા દોસ્તો ને પણ ખવડાવજે "

" હા, મમ્મી જરૂર લઇ આવીશ"

" તારે તારા પપ્પાનું નામ આખા ગામમાં રોશન કરવાનું છે એ ભૂલતો નહીં, બસ." અને ઉમેર્યું " કિસુ તો રોજ તને યાદ કરે છે, એકપણ દિવસ એવો નથી હોતો કે તારી વાત ઘરે ના થઇ હોય."

"હું પણ તમને બધાને ખૂબ યાદ કરું છું. કિસુ ને મારી યાદ આપજે "

" સારું ચાલ હું ફોન મુકું છું. તારા પપ્પાનો ખેતરેથી આવવાનો સમય થઇ ગયો છે અને હા રજા આવે તો એક બે દિવસ રોકાવાય એમ આવી જજે ઘરે."

" હા જરૂર આવીશ. અને પપ્પા ને મારી યાદ આપજે"

" તારું ધ્યાન રાખજે, સમયે જમી લેજે અને ભણવામાં ધ્યાન આપજે, મુકું છું." કહી ને ફોન કટ થયો.

*

આવતા મહિને કોલેજનો એન્યુઅલ ડે આવી રહ્યો હતો. બધાએ નાની મોટી કોઈને કોઈ પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો. ઈશા આખી કોલેજમાં ખુબજ પ્રતિભાશાળી વિદ્યાર્થીની હતી. ભણવામાં અને એક્સ્ટ્રા પ્રવૃત્તિમાં પણ તેની તોલે આવે તેવું કોઈ નહોતું. દરેક ટીચરની તે પસંદીદા વિદ્યાર્થીની હતી.

ઈશા સ્પીચ આપવામાં ખૂબ જ કુશળ હતી. તેની વાણી જાણે કોયલના ટહુકા જેવી મીઠી હતી. વકૃત્વ સ્પર્ધામાં આખી કોલેજમાં તેની સામે સ્પર્ધા કરી શકે તેવું કોઈ નહોતું. આખા પ્રોગ્રામનું આયોજન તેના હાથમાંજ સોંપી દીધું.તેજ આ પ્રોગ્રામ ને હોસ્ટ કરી રહી હતી. હું પણ કોઈ પ્રવૃત્તિમાં ભાગ લેવા ઈચ્છતો હતો. જેથી કરીને હું તેની સાથે રહી શકું અને નિકટતા વધારી શકું. પ્રોગ્રામમાં ક્યાંકને ક્યાંક હેલ્પ કરવાના બહાને હું ઈશાની પાસે ચાલ્યો જતો.

રૂમ ઉપર પહોંચ્યા પછી પણ પ્રોગ્રામને લગતી વાતો કરવા તેને ફોન કરતો પછી અમે પ્રોગ્રામની વાતો છોડી બીજી વાતો પર વળગી પડતા. હું જાણે હોવી ઈશાની ખુબજ નજીક આવી ગયો હોય એવું લાગવા લાગ્યું હતું.
આજે અમારો પ્રોગ્રામ હતો. ઈશા સ્ટેજ પરથી સૌનું સ્વાગત કરીને પ્રોગ્રામને આગળ વધારી રહી હતી. ઇશાએ આજે બ્લેક સાડી પહેરી હતી. તે અત્યંત સુંદર લાગી રહી હતી. તેના હોઠ ઉપરની લાલ લિપસ્ટિક તેને વધારે સુંદર બનાવી રહી હતી. તેના સોનેરી વાળ આજે એકદમ સીધા હતા. તેની કમર થી નીચે સુધી તેના વાળ સ્પર્શી રહ્યા હતા. ઈશા સ્ટેજ પર ચડીને સ્પીચ આપતી તો એવું લાગતું જાણે તેના મુખમાંથી મોતી વેરાઈ રહ્યા હોય. જેવી તેની સ્પીચ પુરી થતી કે આખો હોલ તાળીયો ના ગણગણાટથી ભરાઈ જતો. ઈશા સ્ટેજ પર તેનું કામ પતાવીને સ્ટેજની પાછળ આવી જતી હતી. હું પણ ત્યાંજ આવીને ઉભો હતો. તેને જોઈને આજે મારી લાગણીઓ ને છુપાવી ના શક્યો. તેની પાસે જઈને થોડી ક્ષણ માટે ઉભો રહી ગયો. તેની નજીક જઈને તેનો હાથ પકડી લીધો. ઈશા એકદમ ડઘાઈ ગઈ હતી અને ગુસ્સાથી મારી સામે જોવા લાગી. તેના ચહેરા પરના ભાવ એકદમ બદલાઈ ગયા હતા. તે કોઈ મુંઝવણમાં હોય તેમ લાગી રહી હતી.

તેનો હાથ મારા હાથમાં લેતાની સાથે જ જાણે હું આ દુનિયાથી દૂર નીકળી ગયો હોય એવુ અનુભવી રહ્યો હતો. તેની આંગળીઓ મારા હાથમાં આવવાની સાથે મારા હાથના ઝીણા ઝીણા વાળ સાવધાનની સ્થિતિમાં આવી ગયા. હું તેની આંખોમાં જોઈ રહ્યો હતો. તેની આંખોની કિકી ચાંદનીની જેમ ચમકી રહી હતી. તે તેનો હાથ છોડાવવાનો પ્રયત્ન કરી રહી હતી.

ઈશા ગભરાતા અવાજે બોલી " છોડ મારો હાથ, ધવન છોડ કોઈ જોઈ જશે "

મેં હજુપણ તેનો હાથ છોડ્યો નહોતો. પણ હું કઈ બોલી પણ નહોતો શકતો. મારી લાગણી શબ્દોનો આકાર ના લઇ શકી. થોડા સમય માટે હું સ્થિર થઈ ગયો. મારા હોઠ સુકાઈ ગયા હતા. મેં થુંક ગળેથી નીચે ઉતારીને કીધું " ઈશા મારે તારી સાથે વાત કરવી છે, તને કાંઈક કહેવું છે."

" ધવન, જે કહેવું હોય એ જલ્દી બોલ મારે સ્ટેજ પર જવું છે " બોલી અને તેનો હાથ તેના બીજા હાથથી છોડાવવાની નામુમકીન કોશિશ કરી.

હું તેનો હાથ થોડો ઢીલો કરતા બોલ્યો " ઈશા, પ્લીઝ આજે મેં હિંમત ઝૂંટાવી છે. તારી સાથે વાત કરવા માટે કદાચ ફરી મારામાં આ હિંમત ફરી ક્યારેય નહીં આવે. તું બસ પાંચ મિનિટ મને સાંભળી લે "

"ધવન તું આ શું બોલી રહ્યો છે, મને તો કઈ સમજાતું નથી. પ્લીઝ તું મારો હાથ છોડીશ" ઈશા ગુસ્સામાં બોલી.

શુ જવાબ આપું તે મારા મગજમાં નહોતું આવી રહ્યું. પોતાના પ્રેમનો એકરાર કરવો આટલો અઘરો હશે એ મેં નહોતું વિચાર્યું. ઈશા મારી સામે હતી પણ તેને પ્રેમ જણાવી નહોતો શકતો. ડરી ગયો હતો, ઈશા ને ખોટું લાગી ગયું હશે. હવે કદાચ તે મારી સાથે ફ્રેન્ડશીપ પણ નહીં રાખે.

" સોરી, ઈશા " આથી વધારે કઈક બોલી શકાયું નહીં. ગળું સુકાઈ ગયું હતું.

તે સ્ટેજ પર જાવા માટે આતુર હતી તેને મારો હાથ એક ઝાટકો આપીને છોડાવી દીધો અને સ્ટેજ ઉપર જતા જતા બોલી " મને ખબર છે તું શું કહેવા માંગે છે. અત્યારે તેના માટે આ સમય યોગ્ય નથી. તું મને પ્રોગ્રામ પતે પછી ઘરે મુકવા આવજે ત્યારે જ આપણે વાત કરીશું, સોરી "

આ શબ્દો સાંભળીને અસમંજસમાં આવી ગયો. તેણે કીધું કે તે જાણે છે હું શું કહેવા માગું છું એ મતલબ કે એને ખબર છે હું તેને પ્રપોઝ કરવા આવ્યો હતો. તેણે મને ઘરે મુકવા આવવા માટે કીધું, એટલે તેની પણ ઈચ્છા છે. આવું બધું વિચારીને હું અંદરને અંદર ખુશ થઈ રહ્યો હતો. બસ, થોડીજ પળોની વાર હતી પછી ઈશા મારી થઈ જશે. મનમાં ને મનમાં ખુશી સમતી નહોતી.


હું પ્રોગ્રામ પૂરો થવાની રાહ જોઈ રહ્યો હતો. શરીરમાં એક બેચેની વર્તાય રહી હતી. એકએક પળ એકએક વર્ષ જેવી લાગી રહી હતી. વારેવારે ઘડિયાળમાં સમય જોઈ રહ્યો હતો. મન વ્યાકુળ થઈ રહ્યું હતું, એક જગ્યા એ ઉભો નહોતો રહી શકતો, ખૂબ ઊંડા વિચારોમાં આમતેમ આંટા મારી રહ્યો હતો. બસ એકજ વિચાર દોડી રહ્યો હતો, પ્રોગ્રામ પૂરો થતાં સાથે મારા મનની બધીજ લાગણી ઈશા સામે મુકીશ. જ્યારથી તેને જોઈ છે ત્યારથી તેના માટે જે અનુભવ્યું છે, તે બધુજ આજે તેને જણાવી દઈશ. હવે હું તેની એક ક્ષણ રાહ નહીં જોઈ શકું.

કોલેજ ના ગેટની બાજુમાં રાહ જોઇને ઉભો રહ્યો. ઈશાની વાટ માં મારુ આખું શરીર ધ્રુજી રહ્યું હતું. તેને જોવા જીવ બેચેન થઈ રહ્યો હતો. પ્રોગ્રામ હવે પૂરો થવા આવ્યો હતો. બધાજ છોકરા છોકરીઓ કેમ્પસ છોડીને બહાર નીકળવા લાગ્યા. મારી આંખો એ ભીડમાં ઈશા ને શોધી રહી હતી. ગેટ ની બાજુ માંજ ઉભો હતો. ધીરે ધીરે આખું કેમ્પસ ખાલી થવા આવ્યું. ઈશા હજુ દેખાઈ નહોતી, હવે હું રાહ નહોતો જોઈ શકતો મેં પાછું અંદર જવાનું વિચાર્યું. એટલામાં દૂરથી ઈશાને પૂર્વી સાથે આવતા જોઈ. મારી આંખો તેને જોતાંની સાથે જ ચમકવા લાગી હતી. તે જેમ જેમ નજીક આવી રહી હતી તેમ તેમ મારો ઉચવાટ વધી રહ્યો હતો. મારા હદયના ધબકારા વધારે ઝડપી થઈ રહ્યા હતા, હદય ફાટી જાય તેવી બીક લાગી રહી હતી. તેની નજર મારી ઉપર પડી, તે મારી સામે જોઇને હસી, તેની મીઠી સ્માઈલ જોઈ મારી લાગણી ઉછાળા મારી રહી હતી. ખૂબ ઉત્સાહ થી તેની તેની તરફ જવા લાગ્યો, પાસે પહોંચીને વાત કરવા જઇ રહ્યો હતો એટલમાં ત્યાં એક ગાડી આવીને ઉભી રહી.

ગાડીમાંથી એક અંકલ ઉતર્યા અને અમારી તરફ આવવા લાગ્યા. રાત્રે પહેરવાની નાઇટી અને ટી-શર્ટ પહેર્યું હતું. માથે એકદમ આછા સફેદ વાળ અને ભરાવદાર મૂછ હતી. ઉંચાઈ મારાથી થોડી વધુ હશે અને શરીરે માધ્યમ બાંધાના દેખાવ માં કોઈ આર્મી ઓફિસર જેવી તેમની પર્સનાલિટી હતી.

" ખૂબ મોડું થઈ ગયું, બેટા. એક ફોન તો કરવો જોઈતો હતો. તારી મમ્મીને તારી ચિંતા થતી હતી એટલે મને તને લેવા માટે મોકલ્યો " ઈશા ની સામે જોતા તે બોલ્યા. આટલું સાંભળતા હું એકદમ ડરી ગયો.

" સોરી પપ્પા, હું પ્રોગ્રામમાં ખૂબ વ્યસ્ત હતી અને મારો ફોન પણ બેટરી ના કારણે સ્વીચઑફ થઈ ગયો હતો." ઈશા એ સ્મિત સાથે ધીરેથી જવાબ આપ્યો પછી મને રાહત થઈ.

" ઠીક છે, કેવો રહ્યો તારો પ્રોગ્રામ ? બેટા, કોલેજ ના આજ વાર્ષિકઉત્સવ જીવનભર યાદો બની ને સાથે રહેતા હોય છે. આજ દિવસો હોય છે જીવનને માણવાનો અને જાણવાનો.
થોડાઘણા અનુભવ અહીંયા થી પણ મળે છે જે જીવનભર સાથે રહે છે. આ કોલેજની યાદો જીવનની શ્રેષ્ઠ યાદો હોય છે. એક સમય એવો પણ આવે છે જ્યારે આ યાદો સાથે જીવનવ્યતીત કરવું પડે છે અથવા કરતા હોઈએ છીએ" ઈશા સામે જોઈને કહેવા લાગ્યા.

"આ કોણ છે? " મારી તરફ નજર કરીને ઈશાને પૂછવા લાગ્યા.

"સોરી, હું વાતોમાં ને વાતોમાં તમને પરિચય આપવાનું ભૂલી ગઈ. તે ધવન છે, મારા કલાસમાં છે અને મારો ફ્રેન્ડ પણ છે." મારી સામે જોઈ ને ઈશા એ તેના પપ્પા ને જવાબ આપ્યો.

જ્યારે તેણે મને એનો ફ્રેન્ડ કહીને સંબોધ્યો ત્યારે જાણે એને મારો પ્રપોઝલ સ્વીકારી લીધું હોય એટલી ખુશી થઈ રહી હતી અને મનમાં ને મનમાં ગુસ્સો પણ આવી રહ્યો હતો. તેના પપ્પાનું આગમન પણ ખોટા સમયે થયું હતું.

તેના પપ્પાનો ચહેરો જોઈને લાગ્યું કે તેમને મારામાં ખાસ રસ નહોતો. જેથી તેઓએ મારી સામે ખાલી સ્માઇલ આપી.

" ઠીક છે...ઠીક છે, સારું ચાલ ખૂબ મોડું થઈ ગયું છે ઘરે જઈએ. તારી મમ્મી પણ તારી ચિંતા કરતી હશે." કહીને તે ગાડી તરફ વળ્યા. તેમની પાછળ ઈશા પણ ચાલી ગઈ. મારી હાલત જાણે શરીરમાંથી આત્મા નીકળી ગઈ હોય તેવી થઈ ગઈ હતી. હું સ્તબ્ધ થઈને ઈશાની સામે ઉભો થઈ રહ્યો. તેના પપ્પાની હાજરીમાં હું તેને કંઈ કહી પણ નહોતો શકતો. મને તેના પપ્પા પર ખુબ ગુસ્સો આવી રહ્યો હતો.

"કાલે મળીશું !! " કહીને હરણની જેમ ઠેકડા મારતી ગાડીમાં જઈ બેસી ગઈ.

મારે તેને કઈક કહેવું હતું, મારા હોઠ ફફડ્યા પણ શબ્દોનો આકાર લઇ શક્યા નહીં. બસ, ચૂપચાપ જોઈ રહ્યો હતો.

સરરરર..... કરતી ગાડી મારી સામેથી નીકળી ગઈ.

હજુ હું ત્યાંજ ઉભો હતો એ ગાડીમાં જતી ઈશાને જોઈ રહ્યો હતો. ઈશા એ ગાડીમાંથી એકપણ વાર પાછા ફરીને જોયું નહોતું. ગાડી દેખાતી બંધ થઈ ત્યાં સુધી હું તેની સામે તાકી રહ્યો. ગાડીની સાથે સાથે ઈશા પણ મારાથી દૂર જઇ રહી હતી. મારા બધાજ સપના જાણે એક ઝાટકે તૂટી ગયા હોય એવું લાગી રહ્યું હતું. ઉદાસ થઈ ગયો હતો.

*

રૂમ પર પહોંચીને કૃણાલ ને ફોને કર્યો. તે અને અતુલ અમારા બીજા મિત્રો સાથે પાર્ટીમાં હતો. તેણે મને ફટાફટ અતુલના ઘરે આવવા કહ્યું.

અતુલ ના ઘરે પહોંચ્યો તો ત્યાં ફુલ પાર્ટી નો માહોલ જામ્યો હતો. રોયલસ્ટેગ ની બે બોટલ ત્રિપાઈ પર પડી હતી. બાજુમાં કાજુ અને વેફર ના પેકેટ અડધા ઢોળાયેલા પડ્યા હતા. તેની બાજુમાં લાઈટર અને સિગારેટનું બોક્સ મૂકેલું હતું. પાર્ટી પુર જોશ માં ચાલી રહી હતી. અતુલ અને કૃણાલ ને થોડી ચડી ચુકી હતી. આખી રૂમમાં ધુમાડાના ગોટેગોટા ઉડી રહ્યા હતા.

અંદર જવાની સાથેજ અતૂલે મારા હાથમાં પેક પકડાવી દીધો. પણ મારું મન આજે બીજીજ ચિંતામાં વ્યાકુળ હતું. આજે મને દારૂનો નહીં પણ પ્રેમ નો નશો ચડી ચુક્યો હતો. મારા ઉદાસ ચહેરા પરથી કૃણાલ ને લાગ્યું કે આજે મારી સાથે કઈક બન્યું છે.

" શુ છે ધવન ? કંઈ પ્રોબ્લેમ છે? કેમ ઉદાસ લાગી રહ્યો છે? " કૃણાલ મારી નજીક આવતા પૂછવા લાગ્યો.

હું કઈ બોલ્યો નહીં, પણ મારી આંખોમાં આંસુને રોકી ના શક્યો.

" શુ થયું ધવન ? કઈક બોલ તો ખબર પડે. કેમ રડે છું? " મારા આંસુ લૂછતાં અતુલ બોલ્યો.

તે બંને મને આવી હાલતમાં રડતો જોઈ ચિંતા માં આવી ગયા. મારી પરિસ્થિતિ જોઈને તેમની પાર્ટી માં ભંગ પડ્યો. કૃણાલ અને અતુલનો નશો પણ મારા આંસુ ની જેમ વહી ગયો.

હાથમાં રહેલા પેક ને ફટાફટ ગટગટાવી, મેં આંખો સાફ કરતા સ્વસ્થ થઈને પહેલે થી છેલ્લે સુધી બન્યું તે માંડી ને વાત કરી. મારી વાત પૂરી થતાની સાથેજ કૃણાલ ઉશ્કેરાઈ ગયો.

"સાલા, છોકરીની વાતમાં બાયલાની જેમ રડવા બેઠો છું. તું મર્દ છું મર્દ બન " ગુસ્સામાં બોલ્યો.

તે ઝડપથી ઉભો થયો અને બીજી બોટલનું ઢાંકણ ખોલવા લાગ્યો. ફટાફટ ત્રણ ગ્લાસ ગોઠવી ફુલ પેક બનાવી ને મારા હાથમાં પકડાવી દીધો.

" ચાલ, ઈશાના નામનો બીજો પેક ગટગટાવી નાખ " ચિયર્સ કરતા અતુલ બોલ્યો.
.
" છોડ બધી ચિંતા બે ત્રણ પેક અંદર પડશે એટલે બધું સારું લાગશે " કૃણાલ બોલ્યો.

ચાર ચાર પેક પતાવી હવે અમે સિગારેટ નો ધુમાડો છોડી રહ્યા હતા. હવે નશાની અસર અમને થવા લાગી હતી.

" લગાવ ઈશાને ફોન, ધવન. હું તેની સાથે વાત કરું છું. સાલી તારામાં એવું તો શુ છે તો આટલો ભાવ ખાવ છું. તને મારા દોસ્તના પ્રેમની કદર નથી " કૃણાલ નશામાં શુ બોલી રહ્યો હતો તેનું તેને ભાન નહોતું.

" તારા સાચ્ચા પ્રેમની તેને કદર નથી, તું ચિંતા ના કર તારા માટે એથી સારી છોકરી શોધી લાવીશ. દુનિયામાં સૌથી સાચો સાથી આ દારૂ છે,જેવો અંદર જાય તેવો મસ્તીમાં લાવી દે છે " અતુલ બોલ્યો.

હવે આ બંને નશાની લવારી કરવા લાગ્યા હતા. કૃણાલે તેના ખિસ્સામાંથી ફોન બહાર કાઢી અને ઈશાને કોલ કરવા લાગ્યો. પણ ઈશા નો ફોને સ્વીટચઑફ આવી રહ્યો હતો. તેણે બીજી બે ત્રણ વાર પ્રયત્ન કર્યો પણ સારું થયું ફોન લાગ્યો નહીં. અતુલ અને કૃણાલને હવે નશો થઈ ચૂક્યો હતો. તે ત્યાંજ સોફામાં સૂઇ ગયા.

મને હજુ નશાની અસર થઈ નહોતી. આજે મારો નશો બીજોજ હતો. મને ઊંઘ નહોતી આવી રહી. બહાર અગાસીમાં આવીને આકાશ સામે જોઈ રહ્યો. મને ચાંદમાં ઇશાનો ચહેરો નજર આવવા લાગ્યો. ઝગમગતા તારામાં મને એની આંખો દેખાવા લાગી.

મેં ખિસ્સામાંથી ફોન કાઢીને ઈશાને મેસેજ કર્યો. થોડીવાર રાહ જોઈ પણ કાંઈ રીપ્લાય આવ્યો નહીં.

હવે હું વધારે અકળાઈ ગયો હતો. મારે બસ ઇશાનો અવાજ સાંભળવો હતો. મેં તેને કોલ કર્યો પણ તેનો ફોને હજુ પણ સ્વીટચઑફ આવી રહ્યો હતો.

મારી અંદર ગુસ્સાનો દાવાનળ ફાટી નીકળ્યું હતું. પણ હું કઈ કરી શકતો નહતો. રૂમમાં પાછા આવીને મેં ફટાફટ બીજા બે પેક ગટગટાવી દીધા. મને ઈશાની યાદ આવવા લાગી. જાણે મારુ સર્વસ્વ લૂંટાઈ ગયું હોય એમ હું સુનમુન થઈ ને પડી રહ્યો. ક્યારે મને ઊંઘ આવી તેની મને યાદ સુધ્ધા નહોતી.

સવારે આંખ ખૂલીતો રાતના નશાના કારણે માથું ભારેભારે લાગવા લાગ્યું. જાણે કોઈ હથોડો લઈને માથા ઉપર ઘા કરી રહ્યું હોય તેવો અહેસાસ થઈ રહ્યો હતો.

બાજુમાં જોયું તો કૃણાલ અને અતુલ હજુ પણ સોફા ઉપર ઊંઘી રહ્યા હતા. મેં ઘડીયાળમાં જોયું તો 10 વાગી ચુક્યા હતા. મેં જલ્દીથી અતુલ અને કૃણાલ ને જગાડવા કોશિશ કરી પણ તેમનો નશો જાણે હજુ પણ ઉતર્યો ન હોય તેમ ગાઢ નિંદ્રામાં હતા. તેમને સુતા મૂકીને હું મારી રૂમ પર જવા માટે નીકળી ગયો.

*


.................................( ક્રમશઃ )................................



- રોહિત ભાવેશ