પ્રેમ ને મિત્રતાં સબંધિત મારી લાગણીઓ કવિતા સ્વરૂપે વ્યક્ત કરું છું. આશા છે સૌ વાંચકોને પસંદ આવશે.
લાગણીઓના લશ્કર
મારા મિત્રો ને સમર્પિત....
સુમનના ચમન તણી એ સુગંધિત ક્ષણો
યાદોની ફોરમથી અમે સુવાસિત થઈ ગયા.
હર હંમેશ મુલાકાતના બહાના શોધનારા
મેળાપ ના હેતુઓ કદાચિત થઈ ગયા.
દોષો સર્વ દબાઈ જતાં મસ્તી તોફાન હેઠળ
થઈ એક ભૂલ ને કેવા ગુનાહિત થઈ ગયા.
નર્યો તફાવત આવ્યો છે સંબંધો ના ચોપડે
પ્રેમમાં ગઈ ખોટ વ્યવહારો હીસાબિત થઈ ગયા.
પ્રેમ અને વિશ્વાસના તાંતણે ગૂંથાયેલા હતા
અવિભાજ્ય સંબંધો વિભાજિત થઈ ગયા.
લાગણી અને અહમ વચ્ચેના સંઘર્ષ મહી
લાગણીઓના એ લશ્કર પરાજિત થઈ ગયા.
દોસ્તોના દિલમાં સ્થાન પામનાર અમે
જુઓ છતાં ઘરે આજે નિર્વાસિત થઈ ગયા.
- વેગડા અંજના એ.
ભાવનગર
*********************************************
વીસરી શકું નહીં
તુ ભુલી ગયો મને હું વીસરી શકું નહીં
હૃદયની આ લાગણીઓ સંઘરી શકું નહીં.
સમય સમયની વાતે બદલાયું છે ઘણું
તું ભલે ને પારકો થયો હું બદલી શકું નહીં.
અતીતના પન્ના પર એક નજર કરી તો જો
પ્રેમના એ કિસ્સા બધા હું ભૂલી શકું નહીં.
જતા જતા જરા આગ ચાપી ને તું જજે
તુજ હસ્ત ના એ પ્રેમ પત્રો હું ફાડી શકું નહીં.
સમજીને એક વ્યવહાર આપી જજે મને
તસવીર મારી તુજ પાસેથી માંગી શકું નહીં.
હોય ઘણા વિકલ્પો ચાહકોના એથી શું?
તારી સિવાય કોઈને પણ હું ચાહી શકું નહીં.
*********************************************
ભૂલી નથી શકતી
ભૂલવા મથું છું તને પણ ભૂલી નથી શકતી
સ્મરણના દરિયામાંથી ઉગરી નથી શકતી.
તે કરેલા વાયદા પ્રેમના તૂટીને વિખરાયા
છતાં કોણ જાણે કેમ હું માની નથી શકતી.
છોડી અધવચ્ચે એમ જ ચાલી ગયો તું
શું હતું કારણ એ પણ જાણી નથી શકતી.
સફર એ સંગાથ ની આદત થઈ ગઈ જાણે
તારા વિના એક ડગલું પણ ચાલી નથી શકતી.
તારા મન મંદિરમાં છબી મારી રહી નથી હવે
કિતું મારા હૃદયમાંથી હું તને કાઢી નથી શકતી.
*********************************************
ફોરમ
તારા પ્રેમનો પ્યાલો મેં અધરે ધર્યો છે
તારા હોવાનો અહેસાસ મનમાં ભર્યો છે.
તું મને ચાહે ન ચાહે ભલે તારી મરજી
મેં તને હૃદયના ઊંડાણથી પ્રેમ કર્યો છે.
એમ નિર્દોષ મનની ઇચ્છાઓ અપાર છે
સઘળું છે બાજુ પર બસ તું પ્રથમ રહ્યો છે.
હું એક ટુકડો માત્ર તું સઘળું આકાશ મારુ
હોય હું ઝરણું સ્નેહનું તું પ્રેમનો દરિયો છે.
સોળ શણગાર પણ ઝાંખા અહીં લાગે
એક નજરથી જ તારી શું રંગ નીખર્યો છે.
મહેકી રહી છે કાયા તુજ સ્પર્શ થી ' અંજુ '
સૂકા સૂકા શ્વાસોમાં તું ફોરમ થઇ ઊતર્યો છે.
*********************************************
દર્દ મને ફાવી ગયો
આવ્યો એક રોજ બની ગુંદરીયા મહેમાન
બે પળની સ્વાગતા અને આસન જમાવી ગયો.
વેઠવી તકલીફો થોડા દાડા એમ મન મનાવ્યું
હશે જ્યોતિષ કોઈ કે મનની વાત જાણી ગયો.
અરે! શું સંભળાવું પછી એણે શું શું કીધું ' તું
એક ભાડાનું મકાન એણે ઘરનું કરી લીધું ' તું.
એક ન માન્યુ મારુ એની જ મનમાની કરી
હું સમજાવું એ પહેલા એ મને સમજાવી ગયો.
કોરી આંખો ભીની કરી હસતા ને રડાવી ગયો
સ્વપ્ને પણ ન દીઠેલું એ હકીકત દેખાડી ગયો.
ખૂબ કરી ફરિયાદો મેં અણગમો પણ કીધો
જેવો હતો એવો એ જીવતા શીખવાડી ગયો.
પૂછે છે લોક સઘળા રહસ્ય સમાધાનનું ' અંજુ '
હું દર્દને ફાવી ગઈ છું અને દર્દ મને ફાવી ગયો.
*********************************************
હોઈ શકે
અચાનક બદલાવનું કારણ શું હોઈ શકે?
આ રંગ નીખરવાનુ કારણ શું હોઈ શકે?
વાતાવરણની છે અસર કે પછી શું ખબર
કદાચ ચહેરા પર મારા તારી નજર હોઈ શકે.
સોના સરીખો સ્પર્શ તુજ હસ્તનો લાગે
અડી તો જો જરા પાનખર પણ વસંત થઈ શકે.
ભરી શ્વાસ પ્રેમના કાયા મહી પછી જો
રખેને આ મૃત લાગણીઓ પણ જીવંત થઈ શકે.
પૂરી જો દિવેલ સ્નેહનું દિલના દીપક મહી
હ્રદયની એ બૂઝતી જ્યોત પણ જ્વલંત થઈ શકે.
********************************************"
આશા રાખું છુ મારી મૌલિક કવિતા આપને પસંદ આવી હશે. આપનો અભિપ્રાય જરૂરથી જણાવશો.
સહકારની અપેક્ષા સહ
વેગડા અંજના એ.🙂🙂🙏🙏🙏