અંગત ડાયરી
============
શીર્ષક : ઇન્વેસ્ટમેન્ટ
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ
લખ્યા તારીખ : ૬ ડીસેમ્બર ૨૦૨૦, રવિવાર
“મામા, આપણે જન્મ્યા શા માટે?” મારા ભાણીયાએ પ્રશ્ન પૂછી મારી સામે જોયું અને ઉમેર્યું “આપણે પૃથ્વી પર આવ્યા શા માટે?”. શિયાળાના રવિવારની ઠંડી સવારે હું અને મારો ભાણીયો ગાંઠિયા લેવા જઈ રહ્યા હતા. ઘણા કથાકારો આ પ્રશ્ન પોતાની કથામાં કરતા હોય છે. “તું કોણ છે? ક્યાંથી આવ્યો? શા માટે આવ્યો? ક્યાં જવાનો?”. અને પછી બહુ મોટી મનનીય, ચિંતનીય ચર્ચા કથાકારો કરતા હોય છે.
મારો એક મિત્ર ભારે વિવરીંગ માઇન્ડ વાળો. એનું કંઈ નક્કી જ ન હોય. નીકળ્યો હોય દૂધ લેવા અને છાપું લઈ પાછો ફરે. નીકળ્યો હોય ઓફિસ જવા અને પહોંચે શેરબજારમાં. નીકળ્યો હોય પ્રજાની સેવા કરવા અને ખુરશી પર ચીપકીને મેવા ખાતો હોય. નીકળ્યો હોય એન્જીનીયર બનવા અને બેંકમાં કેશિયર બની ગયો હોય. નીકળ્યો હોય રામની શોધમાં અને રાવણ જેવું જીવવા માંડ્યો હોય. નીકળ્યો હોય શિક્ષક બનવા અને બની ગયો હોય પગારદાર ચાકર. નીકળ્યો હોય અમૃતની શોધમાં અને બની ગયો હોય મૃત પ્રાયઃ, નિષ્પ્રાણ. જવું હોય જાપાન અને પહોંચી ગયો હોય ચીન. રસ્તામાં કોઈ પરિચિત કે જાણકાર મળે અને પૂછે કે ‘અલ્યા તું અહી ક્યાંથી?’ ત્યારે એને યાદ આવે કે ‘ઓહ મારે તો ઓફિસ જવાનું હતું.. કે હું તો દૂધ લેવા નીકળ્યો હતો.’ પણ ત્યાં સુધીમાં ઓફિસ કે નિશાળનો સમય વીતી ગયો હોય. મોડું થઈ ગયું હોય....! એ બિચારો કબૂલ કરી લે ‘મારું માઇન્ડ જ અસ્થિર છે.’
જો કે દુનિયાની બજાર એવી રંગીન અને આંટીઘૂંટી વાળી છે કે ભલભલા સ્થિર માઇન્ડ વાળાય ગૂંચવાઈ જાય. તમે બિગ સાઈઝના મૉલની મુલાકાત લીધી જ હશે. કેટલી બધી વસ્તુઓ અને વેરાયટીઓ એમાં ઉભરાતી હોય છે. એક જુઓ અને એક ભૂલો. ઈશ્વરની છબી લેવા ગયા હો અને સૌંદર્ય પ્રસાધનો તમને વધુ આકર્ષક લાગે. અગરબત્તી લેવા નીકળ્યા હો અને અતર તમને ગમી જાય. દીવડો લેવા ગયા હો અને ફેન્સી રંગબેરંગી લૅમ્પ તમને આંજી નાખે. ધ્યાનનું મ્યુઝીક લેવા ગયા હો અને ધૂમ મચાલે ધૂમ સાંભળતા રહી જાઓ. નીકળ્યા હો રોટી, કપડાં અને મકાન લેવા અને ઘેરાઈ જાઓ પીઝા, ફેશન અને મહેલોની મોંધી દુનિયામાં. નીકળ્યા હો સંતોષ, શાંતિની ખરીદી કરવા અને ઉજાગરા, અસુખ તમને ઘેરી વળે. તમને એમ થાય કે જેટલું દેખાય છે એ બધ્ધું જ ખરીદી લઉં, પણ પછી ખિસ્સાની અને કાર્ડની મર્યાદા તમને રોકે.
આપણી પાસે રકમ લિમીટેડ છે, શ્વાસ લિમીટેડ છે, શક્તિ લિમીટેડ છે અને સામે ચોઇસ અનલિમીટેડ છે. શું ખરીદવું ઍસેસરી કે નૅસેસરી? ચોવીસ કલાકના એક દિવસમાં તમે નિંદા કરી શકો, ઝઘડો કરી શકો, બદલો લઈ શકો, પાઠ ભણાવી શકો, ભ્રષ્ટાચાર કરી શકો, પાપ-અપરાધ કરી શકો, રાવણ બની શકો, સીતાહરણ કરી શકો, લંકા વસાવી શકો, કોઈની મિલકત કે ઇન્દ્રપ્રસ્થની ગાદી પચાવી શકો અને એ જ ચોવીસ કલાક દરમિયાન તમે પૂજા-પ્રાર્થના કરી શકો, સેવા-ભક્તિ કરી શકો, ઈમાનદારી-પ્રમાણિકતા પૂર્વક નોકરી-ધંધો કરી શકો, દાન-ધર્માદો કરી શકો, પુણ્ય અને પ્રેમ કરી શકો, વાંસળી વગાડી શકો, ગોકુળ-વૃંદાવન સજાવી શકો, અર્જુન જેવા મિત્રના સારથિ બની શકો, ગીતા ગાઈ શકો. તમે છો, ચોવીસ કલાક છે અને વિકલ્પો છે. એક વખત ચોવીસ કલાક વપરાઈ ગયા, રવિવાર વીતી ગયો, જિંદગી પૂરી થઈ ગઈ પછી એ ફરી નહીં મળે. ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા સો વાર વિચારી લેજો, જો ખોટી જગ્યાએ વપરાઈ ગયા તો જિંદગી આખી પસ્તાયા કરશો.
પણ મારા જિજ્ઞાસુ ભાણીયાના મગજની સાઈઝમાં આવડી મોટી ચર્ચાનો સમાવેશ ક્યાંથી થાય? મેં મોટી ફિલોસોફી મજાકમાં સમજાવવા પ્રયત્ન કર્યો : “આપણે પૃથ્વી પર આવ્યા શા માટે? એનો જવાબ હું તને આપું એ પહેલા તું એ કહે કે આપણે બજારમાં આવ્યા શા માટે?”
“ગાંઠિયા લેવા” એણે તરત જ જવાબ આપ્યો. પછી ખિસ્સામાંથી એણે એક કાગળ કાઢ્યો "પપ્પાએ આ પૂજા સામગ્રીનું લીસ્ટ આપ્યું છે. દૂધ, દહીં, મધ, ફૂલ-હાર જેવી દશેક વસ્તુ છે. લિસ્ટ બહુ લાંબુ છે, પાંચસોની નોટ વપરાઈ જશે” એ હસતા હસતા બોલ્યો.
મનેય ત્યારે જ ઝબકારો થયો. પપ્પાએ કેવી મસ્ત કાળજી રાખી છે. દીકરો ભૂલી ન જાય એ માટે લેવાની સામગ્રીનું લિસ્ટ લખીને આપ્યું. પરમપિતા પરમેશ્વરે પણ આપણે ભૂલી ન જઈએ એટલે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં બહુ વ્યવસ્થિત લિસ્ટ આપી દીધું છે. હજુ આપણે બજારમાં જ છીએ. દુકાનો પણ ખુલ્લી જ છે. આપણી પાસે હજુ શ્વાસની મૂડી પણ છે. છેલ્લે છેલ્લે શ્રીમદ્ ભગવદ્ ગીતાના લિસ્ટનો પાઠ કરીશું તો ખિસ્સામાં શ્વાસ ખાલી નહીં થઈ ગયા હોય? જો તમે ભગવાનમાં ન માનતા હો તો પણ એટલું તો લખી જ રાખજો કે ભગવાને ગાડી, બંગલા, બેંક બૅલેન્સ કે એફ.ડી. લેવા આપણને ‘આખા જીવન’ની મૂડી નથી આપી, કેમ કે આ બધું ઉપર પ્રોહીબીટેડ છે, અહી જ છોડીને જવાનું છે. ઉપર સાથે આવશે કેવળ આપણા કર્મો... તો બોલો આજનો રવિવાર ક્યા સત્કર્મમાં ઇન્વેસ્ટ કરશો?
આપકા સમય શુરુ હોતા હૈ અબ...
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)