" પારિજાતના પુષ્પ " પ્રકરણ-6
" પતિ બનવું સહેલું....પણ મિત્ર બનવું મુશ્કેલ...."
મિત્ર હો તો અરમાન જેવો... અદિતિને શું જોઈએ છે થી માંડીને અદિતિને શું ગમે છે તેની બધીજ ખબર હોય અરમાનને....!!
અરમાનને તેનાથી ચાર વર્ષ મોટો એક ભાઈ કરણ પણ અદિતિ તેના મમ્મી-પપ્પાની એકની એક દીકરી, તેને ન તો ભાઈ હતો કે ન તો બહેન હતી એટલે તેના માટે તો અરમાન જ સર્વસ્વ.... તેને એક સેકન્ડ પણ અરમાન વગર ન ચાલે....!!
******************
આરુષ પણ તેના મમ્મી-પપ્પાનો એકનો એક દિકરો હતો, મમ્મી-પપ્પા સાથે કેનેડા સેટલ હતો પણ મમ્મી-પપ્પાના ડેથ પછી અચાનક ઈન્ડિયામાં પોતાનો બિઝનેસ તેણે સેટ કરી દીધો અને પછી તે ઈન્ડિયા જ રહી ગયો....!! અદિતિને તે ખૂબજ ચાહતો હતો....!! કદાચ અદિતિ માટે...કે અદિતિને કારણે તે ટોરેન્ટો જેવા શહેરને અલવિદા કહીને તો નહિ આવી ગયો હોય ને....??
અદિતિની પાછળ આરુષ પાગલ હતો, અદિતિ માટે કંઈપણ કરવા તૈયાર હતો... અદિતિએ ક્યાં " ના " પાડી હતી કેનેડા સેટ થવાની પણ આરુષના મનમાં ખબર નહિ શું હતું તે....?? એ તો તે પોતે જાણે અને તેનો ઈશ્વર જાણે....!! અદિતિને ક્યાં કંઈ પૂછવું જરૂરી સમજતો હતો આરુષ...??
કોઈપણ વાત હોય આરુષે કદી અદિતિની ઈચ્છા પૂછવાની કે જાણવાની તસ્તી લીધી જ ન હતી. પોતાને જે પસંદ હોય તે અદિતિને સ્વીકાર્ય જ હોય... તેમાં વળી પૂછવાનું શું....?? એમ જ આરુષ સમજતો હતો...!!
અદિતિની ઈચ્છા છતાં સંતાન લાવવાની આરુષે સંમતિ બતાવી ન હતી...!! અદિતિ હંમેશાં એકલતા અનુભવતી રહેતી પણ આ વાતથી સાવ અજાણ આરુષ અદિતિને કહ્યા કરતો... ઘરમાં ગાડી છે, નોકર-ચાકર છે, ડ્રાઈવર છે.... ઑફિસેથી ડ્રાઈવર બોલાવીને ક્યાંક જતી હોય તો બહાર....અને કોઈ કીટ્ટીપાર્ટીમાં જોઈન્ટ થઈજા ને.... આમ એકલી એકલી આખો દિવસ ગાંડાની માફક ઘરમાં શું બેસી રહે છે...??
પણ અદિતિને કોઈપણ પાર્ટીમાં કે ક્યાંય જવું ગમે જ નહિ, બસ એ ભલી અને એનું ઘર, મનમોહક ફૂલોથી તરબતર બગીચો અને તોફાની...હાથમાં પણ ન આવે એવા બિલાડીના બે બચ્ચા ભલા.... આખો દિવસ તેનો આમજ પસાર થઈ જતો, હા,બપોરનો સમય થોડો કારમો અને કંટાળાજનક લાગે કારણ કે ટી.વી. જોવાનો તેને બિલકુલ શોખ ન હતો પણ વાંચનનો તેને ખૂબજ શોખ એટલે મેગેઝિન કે ન્યુઝપેપર કંઇનું કંઈ વાંચ્યા કરે. એકલા એકલા અદિતિને ક્યાંય પણ જવું ગમે નહિ....તે વાત આરુષ ક્યાં સમજતો હતો....?? કેનેડામાં રહેલો અને ભણેલો આરુષ પૈસાના સુખને જ બધું સુખ માનતો હતો...!! અને હસતી-ખેલતી અદિતિ બસ આમજ સુનમુન થઈ જતી હતી...!! આરુષને કંઈ કહી શકતી ન હતી કે તેની સામે કંઈજ બોલી શકતી ન હતી...!! તેને માટે મોગરાની મહેંક.... કોયલની ટહેક....મોરની કળા...ઝાડ ઉપર " ગુટર ગુ....ગુટર ગુ... " કરતાં પારેવડા....એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર દોડતી ખિસકોલી જ સર્વસ્વ થઈ ગયા હતા...!!
માસૂમ બિલાડીના બે બચ્ચા...અને તેમની પાછળ દોડતી હરણી જેવી ચાલાક અદિતિ....પોતાનું બધું જ દુઃખ ભૂલી જતી...!! ક્યારેક અરમાનની યાદ પણ આવી જતી...!! આંખનો ખૂણો ભીનો પણ થઈ જતો....પણ પછી પાછી બધું જ ભૂલી....દોડતી પેલા બિલાડીના બચ્ચાને પકડવા...!!
અરમાન નાની મોટી દરેકે દરેક વાત અદિતિને પૂછીને જ કરે...!! અદિતિની ઈચ્છા વિરુધ્ધનું કોઈ કામ અરમાન ન જ કરે...તેના માટે અદિતિની ઈચ્છા એજ સર્વોપરી.... ડાન્સ ક્લાસમાં પણ અદિતિની સાથે અરમાન પોતાની ઈચ્છા ન હોવા છતાં જતો અને અદિતિ ક્લાસમાંથી છૂટે નહિ ત્યાં સુધી બહાર તેની રાહ જોતો બેસી રહેતો...!!
અદિતિએ આરુષ પાસે પોતાનો સમય પસાર થાય તે માટે નાની બાળકીઓને ડાન્સ શીખવાડવા માટે ડાન્સ ક્લાસ શરુ કરવા માટે પરમિશન માંગી...પણ...આવું કંઈપણ કરે તે આરુષને પસંદ ન હતું માટે અદિતિની તીવ્ર ઇચ્છા મનની મનમાં જ રહી ગઈ...!!
ક્યાં અરમાન અને ક્યાં આરુષ....?? આસમાન-જમીનનો ફરક હતો બંને વચ્ચે....અને એક ઊંડો નિ:સાસો નાંખી લેતી....અદિતિ...!!
અરમાને અદિતિને આપેલી અમૂલ્ય ભેટ....વાંચો આગળના પ્રકરણમાં.....