ચામડાનો નકશો અને જહાજની શોધ.. - 3 જીગર _અનામી રાઇટર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચામડાનો નકશો અને જહાજની શોધ.. - 3

સૂર્ય કેપ્ટ્ન હેરીના કાફલા સાથે આગળ વધવાની હરીફાઈમાં વિજયી બનીને પશ્ચિમ દિશામાં ડૂબી ગયો હતો. ઝાંખું અંધારું ધીમે ધીમે ગાઢ બનતું જતું હતું છતાં કેપ્ટ્ન હેરીનો કાફલો ઝોમ્બો નદીનું વહેણ જમણી બાજુ વળાંક લે ત્યાં સુધી પહોંચ્યા નહોતો. દિવસ દરમિયાન પક્ષીઓના શોરબકોરથી જીવંત બની રહેલો ઝોમ્બો નદીનો કિનારો રાતનાં અંધારામાં એકદમ નિર્જીવ અને સંપૂર્ણ શાંત બની જતો હતો. દૂર જંગલમાંથી ક્યારેક સંભળાતી રાની પશુઓની બિહામણી અવાજો , ક્યારેક નદી કિનારે ઉભેલા વૃક્ષોમાંથી એકાદ પક્ષીનો ફફડાટ તો ક્યારેય આજુબાજુ ઉગી નીકળેલા ઘાસમાંથી તમરાઓના અવાજ સિવાય નદી કિનારે નીરવ શાંતિ છવાયેલી રહેતી હતી.




ઝરખ પ્રાણીઓ જે લાકડાની ગાડી ખેંચી રહ્યા હતા એના પૈડાંમાંથી ઉત્પન્ન થતો કીચડુક.. કીચડુક.. અવાજ તમરાઓના અવાજ સાથે જોડાઈને નદી કિનારાની નીરવ શાંતિનો ભંગ કરી રહ્યો હતો.



"કેપ્ટ્ન..' પાછળથી ફિડલની બુમ સાંભળીને પ્રોફેસર સાથે વાતે વળગેલા કેપ્ટ્ને ચોંકીને પાછળ જોયું.




કાફલો આવી જ રીતે આગળ વધી રહ્યો હતો. રસ્તો ખાડા ટેકરાવાળો હતો. ઝરખો બપોરે મળેલા સિબોક પ્રાણીઓનું માંસ ખાઈને તાજગી સાથે ધડધડાતી બોલાવતા ગાડી ખેંચી રહ્યા હતા. ત્યાં અચાનક ત્રીજા નંબરે હથિયારો અને ભોજન સામગ્રીની જે ઝરખોની ગાડી આવી રહી હતી એનું એક પૈંડુ પથ્થર સાથે જોરથી અથડાતા તૂટી ગયું. અને ઝરખો એ ગાડી ખેંચતા અટકી ગયા. ફિડલે પોતાની ઝરખ ગાડીમાં બેઠા બેઠા આ જોયું. એણે તરત જ કેપ્ટ્નને બુમ પાડી અને પોતાની ઝરખ ગાડી થંભાવી.




કેપ્ટ્નને પાછળની ઝરખ ગાડી અટકેલી જોઈને પોતાની ઝરખગાડી પણ અટકાવી. પછી પ્રોફેસર સાથે નીચે ઉતરી પડ્યા.




"શું થયું ફિડલ..? કેપ્ટ્ને બુમ પાડી.




ફિડલ ,રોકી અને જોન્સન પોતાની ઝરખગાડીમાંથી ઉતરીને પૈંડુ તૂટી ગયેલી ઝરખ ગાડીમાંથી જે હથિયારો અને ખાદ્ય સામગ્રી નીચે પડી ગઈ હતી એને સરખી કરી રહ્યા હતા.




"અરે.. કેપ્ટ્ન અહીં આવો તો..' કેપ્ટ્નની બુમ સાંભળીને ફિડલે સામો સાદ દીધો.




પ્રોફેસર અને કેપ્ટ્ન જ્યાં ફિડલ ,રોકી અને જોન્સન તૂટેલા પૈડાંવાળી ઝરખ ગાડી પાસે બધું સરખું કરી રહ્યા હતા ત્યાં આવી પહોંચ્યા. અને ઝરખગાડીનું તૂટેલું પૈંડુ જોઈને ચોંકી ઉઠ્યા.એટલામાં પાછળની ઝરખગાડીમાંથી ક્રેટી ,જ્યોર્જ ,એન્જેલા અને પીટર પણ આવી પહોંચ્યા.




"શું થયું કેપ્ટ્ન..?? કેપ્ટ્ન બધા સાથે જે ઝરખ ગાડીનું પૈંડુ તૂટ્યું હતું એની આજુબાજુ ટોળું કરીને ઉભા હતા ત્યાં જ્યોર્જે પૂછ્યું.




"કંઈ નહીં.. આ સફરની પહેલી ઉપાધિ આવી પહોચી છે.. ઝરખગાડીનું પૈંડુ તૂટી ગયું છે એટલે બધા હથિયારો અને ખાદ્ય સામગ્રી બાકીની ત્રણ ઝરખ ગાડીઓમાં થોડી થોડી ભરી લો અને આને અહીંયા જ પડતી મુકો..' કેપ્ટ્ન ઝરખ ગાડીના તૂટેલા પૈડાં તરફ જોઈને બોલ્યા.




"પણ અમારી ઝરખગાડીમાં તો જરાય જગ્યા જ નથી.. અમે ચાર જણ માંડ માંડ બેસી શકીએ છીએ ત્યાં..!! કેપ્ટ્નની વાત સાંભળીને ક્રેટી બોલી.




ક્રેટીની વાત સાચી હતી. કારણ કે એ અને જ્યોર્જ તથા પીટર અને એન્જેલા એક ઝરખ ગાડીમાં ચાર જણ હતા એટલે ત્યાં જગ્યા હોવી મુશ્કેલ હતી.



"અરે.. તો ચિંતા ના કરો ખાદ્ય સામગ્રી અમારી ઝરખ ગાડીમાં ભરી દો.. અને હથિયારી ફિડલની ઝરખ ગાડીમાં ગોઠવી દો..' પ્રોફેસર મુસીબતનો તોડ કાઢતા બોલ્યા.




"હા.. એ પણ ઠીક છે .અને થોડુંક જલ્દી કરો આપણે જલ્દી ઝોમ્બો નદીનું વહેણ જમણી તરફ વળે ત્યાં સુધી પહોંચવાનું છે..' કેપ્ટ્ન હથિયારો ઉઠાવીને બીજી ઝરખ ગાડીમાં મૂકતા બોલ્યા.




બધાએ જલ્દી હથિયારો અને ખાદ્ય સામગ્રી આગળની બે ઝરખ ગાડીમાં ભરી લીધી. તૂટેલી ઝરખ ગાડીને જે બે ઝરખ પ્રાણીઓ ખેંચી રહ્યા હતા એમને છોડી મુકવામાં આવ્યા. આઝાદ હોવા છતાં એ ઝરખ પ્રાણીઓ જંગલમાં ભાગી જવાને બદલે તેમની પાસે જ ઉભા રહ્યા અને બીજી ઝરખ ગાડીઓ સાથે જે ઝરખ પ્રાણીઓ જોડેલા હતા. એમના મોંઢા સુંઘવા લાગ્યા.




ત્યાં દડદડાતી સંભળાઈ. બધા સચેત બને એ પહેલા જ એક જંગલી પ્રાણીઓનું ટોળું ત્યાંથી ઝડપભેર પસાર થયું. એક પ્રાણી ધડાકાભેર એન્જેલાની સાથે અથડાયું.એન્જેલા કારમી ચીસ સાથે દૂર ફંગોળાઈ. કેપ્ટને આછા અંધારામાં ઝડપથી પસાર થયેલા એ પ્રાણીઓને ઓળખવાનો પ્રયત્ન કર્યો પણ એમની આંખો કંઈ નિર્ણય લઈ શકે એ પહેલા જ એ


પ્રાણીઓ સામેની ઝાડીમાં અદ્રશ્ય થઈ ગયા.


એન્જેલા પસાર થયેલા પ્રાણીના ધક્કાથી દૂર ફંગોળાઈ હતી. થોડીકવાર કણસીને એ બેભાન થઈ ગઈ.પીટર દોડ્યો એન્જેલા તરફ બાકીના બધા પણ એન્જેલા તરફ દોડ્યા. એન્જેલાના નસીબ સારા હતા એ જે તરફ ફંગોળાઈ હતી એ તરફ એકદમ સપાટ વિસ્તાર હતો..જો કોઈ વૃક્ષ બીજું હોત તો એને વધારે ઇજા થવાની સંભાવના હતી.




"અરે.. જલ્દી પાણી લાવો કોઈ..!! પીટર એન્જેલાને ઊંચકીને ખોળામાં લેતા બોલી ઉઠ્યો.

.


કેપ્ટ્ને રોકીને ઇસારો કર્યો. રોકી પાણી લેવા દોડ્યો. પીટરે એન્જેલાને ઉંચકી અને પછી જલ્દી ઝરખગાડીમાં સુવડાવી. રોકી પાણી લઈ આવ્યો. થોડુંક પાણી એન્જેલાના મોંઢામાં રેડ્યું. થોડોક સમય વીત્યો ત્યારબાદ એન્જેલાએ આંખો ખોલી. આંખો સામે જ પીટરને જોઈને એની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા.પીટરને ભેટવા માટે એ બેઠી થવા ગઈ.પરંતુ એનો પ્રયત્ન નિરર્થક નીવડ્યો. એના હાડકાંઓને ચોટ પહોંચી હતી. વેદના થઈ રહી હતી એટલે એ ઉભી ના થઈ શકી.




"તું.. હમણાં સૂઈ રહે વ્હાલી..' પીટર માંડ માંડ આટલું જ બોલી શક્યો. પીટરની આંખોમાં આંસુ ઘસી આવ્યા અને સીધા એન્જેલાના ગાલ ઉપર ટપકી પડ્યા. પીટરે નીચા નમીને એન્જેલાના કપાળ ઉપર ચુંબન કર્યું.




"પીટર ચિંતા ના કર.. કંઈ જ નહીં થાય એન્જેલાને..' કેપ્ટ્ને પાછળથી પીટરના ખભા ઉપર હાથ મૂકીને વાત્સલ્યપૂર્ણ અવાજે કહ્યું.




કેપ્ટ્ન અને પ્રોફેસર બધા માટે પિતા સમાન હતા. ગમે તેવી વિકટ પરિસ્થિતિઓમાં કેપ્ટ્નનું આશ્વાશન બધાને હિંમત આપતું હતું.



"ફિડલ આ વખતે તમારી ઝરખ ગાડી પાછળ રાખજો.. જ્યોર્જ અને પીટરની ઝરખ ગાડીને વચ્ચે ચાલવા દેજો..' પ્રોફેસરે ફિડલ , રોકી અને જોન્સન સામે જોઈને કહ્યું.




બધા ફરીથી પોત પોતાની ઝરખ ગાડીમાં સવાર થયા.પીટરે એન્જેલાને ઊંચકીને પોતાની ઝરખગાડીમાં મૂકી.

..

પહેલા ચાર ઝરખગાડીઓ હતી. હવે ત્રણ થઈ ગઈ.અંધારું હવે ધીમે ધીમે વધારે ગાઢ બની રહ્યું હતું. સાવ અજાણ્યા પ્રદેશમાં પણ કેપ્ટ્ન એમના સાહસિક સાથીદારો પોતાની સફર આગળ વધારી રહ્યા હતા.




લગભગ બે કલાક જેટલી અંધારામાં સફર આગળ વધતી રહી ત્યારે પાણીનો ખળખળ અવાજ વધારે થતો હોય એવું બધાને લાગવા માંડ્યું. ધીમે ધીમે જેમ જેમ કાફલો આગળ વધતો ગયો તેમ તેમ પાણી કોઈક વસ્તુ સાથે એકદમ ઘસારા સાથે વહેતુ હોય એવો અવાજ આવવા લાગ્યો.


.

"પીટર બહાર આટલો અવાજ શાનો આવે છે..? પીટરના ખોળામાં માથું મૂકીને સુતેલી એન્જેલાએ માથું ઊંચું કરતા પ્રશ્ન કર્યો.




"તું હમણાં સૂઈ રહે.. બહારથી નદીના પાણીનો અવાજ આવે છે..' પીટરે હળવું સ્મિત કરીને એન્જેલા સામે જોતાં કહ્યું. અને પછી એન્જેલાના ગાલ ઉપર હળવી ટપલી મારી.





"પીટર ઠીક કહે છે.. તું હમણાં સૂઈ રહે એન્જેલા તારા શરીરને હમણાં આરામની જરૂર છે..' જ્યોર્જની પીઠ સાથે પોતાની પીઠ ટેકવીને બેઠેલી ક્રેટીએ એન્જેલાને ટકોર કરી.




એન્જેલા પીટરના ખોળામાં સૂતા સૂતા ઉપરની તરફ પીટરની આંખોમાં જોયું. પછી પીટરની આંખોને હળવું સ્મિત આપીને આરામ કરવા માટે પોતાની આંખોના પોપચા ઢાળી દીધા. પીટરનો હાથ વહાલથી પોતાના ખોળામાં સુતેલી વ્હાલી પ્રેમિકાના માથા ઉપર ફરવા લાગ્યો. પીટર એન્જેલાને પત્ની કરતા પ્રેમિકા વધારે માનતો હતો.




પીટરને આમ વહાલથી એન્જેલાના માથા ઉપર હાથ ફેરવતો જોઈને ક્રેટીએ પોતાની પીઠ સાથે પીઠ ટેકવીને બેઠેલા જ્યોર્જને હળવી કોણી મારી. જ્યોર્જ પાછળ ફર્યો અને ક્રેટીને વહાલથી પોતાના ખોળામાં સુવાડી દીધી.



"બસ હવે બધા થોભી જાઓ..' કેપ્ટ્નનો પ્રભાવશાળી અવાજ નદીના વહેણના અવાજને ચીરતો ગુંજી ઉઠ્યો.




જ્યોર્જ પોતાના ખોળામાંથી ક્રેટીનું માથું ઊંચું કરીને બીજી જ પળે ઝરખ ગાડીમાંથી નીચે કૂદકો માર્યો.અને ગાડી ખેંચી રહેલા ઝરખપ્રાણીઓને જલ્દી અટકાવ્યા. પાછળની ઝરખ ગાડીમાંથી ફિડલે નીચે ઉતરીને પોતાની ઝરખ ગાડી અટકાવી.



અડધો ચંદ્ર આકાશમાંથી પોતાની ઝાંખી ઝાંખી ચાંદની ટાપુની આ ધરતી ઉપર રેલાવી રહ્યો હતો. ચંદ્રની આ ઝાંખી ચાંદનીમાં દૂરથી એકબીજાના ઓળાઓ જ જોઈ શકાતા હતા. ચહેરા સ્પષ્ટપણે ઓળખવા મુશ્કેલ બની રહ્યા હતા.


"આ બાજુ આગળ આવતા રહો બધા..' આગળની ઝરખ ગાડી પાસે ઉભેલા પ્રોફેસરે બુમ પાડી.




પીટરે હળવેક રહીને એન્જેલાનું માથું ઊંચું કર્યું. ત્યાં તો એન્જેલા ઝબકીને જાગી ગઈ. પહેલા ક્રેટી ધીમે રહીને ઝરખ ગાડીમાંથી નીચી ઉતરી ત્યારબાદ પીટરે પોતાના હાથનો ટેકો આપીને એન્જેલાને હળવે રહીને નીચે ઉતારી..


"પીટર અંધારામાં મને કેમ નીચે ઉતારી છે..?? એકદમ ઊંઘમાંથી જાગેલી એન્જેલાએ આજુબાજુ નજર કરીને પ્રશ્ન કર્યો. પેલું પ્રાણી જોરથી એન્જેલા સાથે અથડાયું હતું એટલે હજુ એન્જેલાનું મગજ સારી રીતે કામ કરી રહ્યું નહોતું.



"હવે આપણે અહીં પડાવ નાખીને રાત ગુજારવાની છે.. એટલે નીચે તો ઉતરવું પડેને વ્હાલી..' પીટરે વ્હાલથી ધીમું હસતા એન્જેલાને કહ્યું.



બધા કેપ્ટ્ન અને પ્રોફેસર જે બાજુ હતા એ તરફ ચાલવા લાગ્યા. પીટરના સહારે એન્જેલા માંડ માંડ ડગલાં ડગલાં ભરી રહી હતી. નહોતું ચલાતું તો પણ એ ચાલી રહી હતી. ચહેરા ઉપર પ્રદર્શિત થતી એની વેદના ચંદ્રના ઝાંખા અજવાસમાં પણ પીટર જોઈ ગયો અને એણે એન્જેલા બન્ને હાથમાં ઉંચકી લીધી. પીટર પોતાના માટે આટલું કષ્ટ ઉઠાવી રહ્યો હતો એ જોઈને એન્જેલાથી રડી પડાયું. પીટરે એન્જેલાને હળવેકથી નીચે મૂકી. એન્જેલાએ પોતાનું મોં પીટરની છાતીમાં છુપાવી દીધું. પીટરે બન્ને હાથે પોતાના બાહોમાં સમાવીને પોતાના પ્રેમના આલિંગનમાં એન્જેલા જકડી લીધી.




થોડીવાર બધા પીટર અને એન્જેલા સામે જોઈ રહ્યા. આ દ્રશ્ય જોઈને પ્રોફેસર અને કેપ્ટ્નની આંખોના ખૂણાઓ પણ ભીંજાઈ ગયા કારણ કે એમને પણ પોતાના વતન સ્પેનના સેવિલે શહેરમાં રહેલી પત્ની યાદ આવી ગઈ.



"જુઓ મિત્રો અહીંથી ઝોમ્બો નદીનું વહેણ જમણી બાજુએ વળે છે.. કાલે સવારે આપણે ઝોમ્બો નદીનો કિનારો છોડીને ડાબી બાજુ તરફ આગળ વધીશું..' ભીના થયેલા પોતાના ખૂણા એક હાથથી કેપ્ટ્ન હેરી બોલ્યા



"તો કેપ્ટ્ન આજની રાત અહીં જ પડાવ નાખવાનો છે..? રોકી બોલ્યો.



"હા.. ત્રણેય ઝરખ ગાડીઓને આજુબાજુ ઉભી રાખો અને વચ્ચે બધા માટે સુવાની વ્યવસ્થા કરી દો..' કેપ્ટ્ન હેરી બોલ્યો. આજે વતનની યાદ આવવાથી એમનો સાદ ભારે થઈ ગયો હતો.




રોકી , જોન્સન , ફિડલ અને જ્યોર્જ પડાવ નાખવાની તૈયારી કરવા લાગ્યા. થોડીવારમાં સુવાની વ્યવસ્થા થઈ ગઈ કેપ્ટ્નની ઝરખગાડીમાં ભોજન સામગ્રી પડી હતી એ નીચે ઉતારી ફિડલ એકબાજુ આગ પેટાવી રસોઈ તૈયારી કરવાં લાગ્યો. ક્રેટી અને રોકી એને રસોઈ તૈયાર કરવામાં મદદ કર લાગ્યા.




"ફિડલ સામે જો પેલું સૂકા વૃક્ષનું થડ પડ્યું છે ત્યાં કંઈ હલતુ હોય એવું દેખાય છે તને..? રોકીએ સળગી રહેલા અગ્નિમાં લાકડા નાખતા ફિડલના કાન નજીક પોતાનું મોંઢું લઈ જઈને ધીમા અવાજે ફિડલને પૂછ્યું.




રોકીએ જે બાજુ ઇસારો કર્યો એ તરફ ફિડલે ધ્યાનથી જોયું. પહેલા તો એને કંઈ દેખાયું નહીં કારણ કે એ તરફ ચંદ્રનું ઝાંખું અજવાળું મોટા વૃક્ષોના કારણે પડતું નહોતું. ફિડલ થોડીવાર ધ્યાનથી એ દિશામાં તાકી રહ્યો અચાનક એને બે ચમકતી આંખો દેખાઈ. ફિડલ એક નાવિક શિકારી હતો. એટલે એણે ચમકતી આંખો જોઈને જ અંદાજો મારી લીધો કે કયું પ્રાણી છે.




"રોકી.. ભાલો છે..? ફિડલે ધીમા સાદે પાછળ જોયા વિના પેલા પ્રાણી તરફથી નજર હટાવ્યા વિના રોકીને પૂછ્યું.




"ના પાસે તો નથી.. આપણી ઝરખગાડીમાં પડ્યો છે લઈ આવુ..? રોકીએ ફિડલને ચિંતા સાથે વળતો પ્રશ્ન કર્યો.


"માર્યા.. જા અવાજ ના થાય એ રીતે જલ્દી લઈ આવ..!!! ફિડલ ભયભીત અવાજે બોલ્યો.




રોકી જલ્દી ભાલો લેવા માટે ત્યાંથી સરકી ગયો. ક્રેટી એમનાથી એક બે મીટર દૂર બેઠી બેઠી આ બન્ને જણ વચ્ચે થઈ રહેલી ગુપસુપ સાંભળી રહી હતી. રોકી આમ ધીમેથી સાપની જેમ સરકીને ચાલ્યો ગયો એટલે ક્રેટી ફિડલ પાસે આવી. એ કંઈક બોલવા જતી હતી ત્યાં તો ફિડલે ક્રેટીના મોંઢા ઉપર પોતાનો હાથ દાબી દીધો અને ચૂપ રહેવાનો ઇસારો કર્યો.




"ભાભી થોડીક વાર ચૂપ રહો..! કામ્બ્રિ પ્રાણી પેલા સામેના થડ પાછળ છુપાયેલું છે.. જો એનો એક નહોર પણ માણસના કોઈ અંગમાં ઘૂસી જાય તો માણસનું એ આખું અંગ લકવાગ્રસ્ત થઈ શકે છે..' ફિડલે ડરમિશ્રિત અવાજે ક્રેટીને કહ્યું.



"હું જ્યોર્જને બુમ પાડું..' ક્રેટી ડરેલા અવાજે બોલી.



"અરે તમે ચૂપ રહો.. જો અવાજ થયો તો એ પ્રાણી ખૂંખાર બની જશે અને પછી જલ્દી હુમલો કરી બેસશે..' ફિડલે ક્રેટીને ચેતવણી આપી.




"ફિડલ ભોજન તૈયાર થઈ ગયું કે નહીં..? ત્યાં તો જ્યાં સુવાની વ્યવસ્થા તૈયાર કરવામાં આવી હતી ત્યાંથી કેપ્ટ્નનો અવાજ આવ્યો. પણ ફિડલે કોઈ જવાબ આપ્યો નહીં ક્રેટીને પણ ચૂપ રહેવાનો ઇસારો કર્યો.

રોકી ભાલો લઈને આવી ગયો. ફિડલે જલ્દી રોકીના હાથમાંથી ભાલો લઈ લીધો.અને જ્યાં બેઠો હતો ત્યાંથી ઉભો થઈ ગયો. ક્રેટી ફાટી આંખે ફિડલ શું કરશે એ જોઈ રહી.



"અરે ફિડલ શું થયું કેમ બોલતો નથી.. જમવાનું તૈયાર થયું કે નહી..?? ફરીથી કેપ્ટ્નનો અવાજ સંભળાયો.



"હા.. કેપ્ટ્ન તૈયાર જ છે..' ફિડલ બુલંદ અવાજે બોલ્યો અને પછી એણે પેલા થડ તરફ પોતાનો ભાલો તાક્યો.



જેવો ફિડલ બોલ્યો કે પેલા થડ પાછળ છુપાયેલું કામ્બ્રિ પ્રાણી સુકાયેલા વૃક્ષના થડ ઉપર ચડ્યું અને પોતાનું વિશાળ શરીરને તાકાત આપી ફિડલ તરફ દોડ્યું. એના અને ફિડલ વચ્ચે લગભગ વીસેક ફૂટનું અંતર રહ્યું હશે ત્યાંતો એ પ્રાણીએ ફિડલ તરફ છલાંગ લગાવી.



ભયભીત થયેલી ક્રેટી ચીસ પાડી ઉઠી. ત્યાં તો ચપળ ફિડલના હાથમાંથી સન્નનનન અવાજ સાથે ભાલો છૂટ્યો અને છલાંગ લગાવી રહેલા કામ્બ્રિ પ્રાણીને હવામાં જ વીંધી નાખ્યું. પેલું પ્રાણીએ એટલી તાકાતથી ફિડલ સામે છલાંગ મારી હતી કે ભાલો આરપાર નીકળી ગયો છતાં એ ફિડલથી માત્ર ત્રણેક ફૂટ જ દૂર પડ્યું.અને જોરદાર ધબાકો થયો.




આ બાજુ ક્રેટીની ચીસ સાંભળી એટલે જ્યોર્જ , કેપ્ટ્ન , પ્રોફેસર , જોન્સન , પીટર અને એન્જેલા પણ ત્યાં આવી પહોંચી.

ક્રેટી એકદમ ઉભી થઈને જ્યોર્જને ભેંટી પ


ડી. પ્રોફેસર તો કામ્બ્રિ પ્રાણીને જોતા જ ચોંકી ઉઠ્યા.

"કોઈને અડક્યું તો નથીને આ પ્રાણી..?? રોકી અને ફિડલ સામે જોતાં પ્રોફેસર ચિંતિત અવાજે બોલી ઉઠ્યા.



"ના.. પ્રોફેસર આપણા જાંબાજ શિકારી ફિડલે એને હવામાં જ વીંધી નાખ્યું.. બિચારાને હુમલો કરવાનો એક પણ મોકો ના આપ્યો..' રોકીએ ફિડલની પીઠ થાબડતા કહ્યું.



બધાએ ફિડલને શાબાશી આપી. કારણ કે ફિડલે એમને મોટી આફ્ટમાંથી બચાવ્યા હતા. કામ્બ્રિ પ્રાણી રાતે છુપાઈને હુમલો કરે છે અને કોઈ પણ માણસ હોય અથવા પ્રાણી એના શરીરનું સંપૂર્ણ લોહી ચૂસી જાય છે. જો એનાથી બચીને ભાગી નીકળ્યા હોઈએ અને એનો નહોર પણ શરીરના કોઈ એક અંગમાં ઘુસી જાય તો એ આખું અંગ લકવાગ્રસ્ત થઈ જાય છે.



રસોઈ બની ગઈ હતી. બધાએ જલ્દી જમી લીધું. કેપ્ટ્ન એકલા જાગતા રહ્યા તાપણું સળગાવીને બાકી બધા સૂઈ ગયા. કારણ કે અજાણ્યા પ્રદેશમાં કોઈ એક જણને તો જાગતું રહેવું જ પડે નહીંતર આફ્ટ ગમે ત્યારે ટપકી પડે અને ગળું દબોચી લે..

(ક્રમશ)