"એન્જેલા વધારે આગળ ના જતી. ખોવાઈ ગઈ તો હું તને ક્યાં શોધવા જઈશ.' પીટર ફૂલો ચૂંટતી એન્જેલા તરફ જોઈને પીટર મજાકના મૂડમાં બોલ્યો.
"હું ખોવાઈ જાઉં તો તું કોઈક બીજી શોધી લેજે.' એન્જેલા હસી પડતા બોલી.
"આ ટાપુ ઉપર તારા જેવી બીજી મળવી બહુજ મુશ્કેલ છે.' એન્જેલાને પાછળથી પોતાના બાહુપાશમાં જકડતા પીટર બોલ્યો.
ફૂલો તો ફૂલોના ઠેકાણે જ આ બન્ને પ્રેમીઓને એકબીજાના આલિંગનમાં ડૂબતા જોઈને ખીલી ઉઠ્યા. સવારે પેલી રહસ્યમય ઝૂંપડી અને માનવના હાડપીંજરો વાળો મેદાની પ્રદેશ વટાવ્યા બાદ કેપ્ટ્ન હેરી પોતાના કાફલા સાથે લાઓસ પર્વતમાળાની નાનકડી ટેકરીઓ સુધી આવી પહોંચ્યા હતા. અહીંયા એમણે બપોરનો પડાવ નાખ્યો હતો. લાઓસ પર્વતમાળાની આ ટેકરીઓની આજુબાજુનું કુદરતી સૌંદર્ય સોળેકળાએ ખીલી ઉઠ્યું હતું. ટેકરીઓની તળેટીમાં જ ઝાડવાઓ અને ફૂલો પુષ્કળ પ્રમાણમાં ખીલી ઉઠ્યા હતા.
બધા બપોરે આરામ કરી રહ્યા હતા જયારે એન્જેલા અને પીટર આજુબાજુનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવા માટે નીકળી પડ્યા હતા.
"લાઓસ પર્વતમાળા પાસે તો આવી ગયા. પણ હવે જહાજ કઈ બાજુએ હશે ? અહીંયા તો ચારેય બાજુ ફક્ત પહાડો છે. શું ક્લિન્ટન ફર્નાન્ડેએ એમનું જહાજ પહાડમાં બનાવ્યું હશે.!' જોન્સન આજુબાજુના પહાડો તરફ જોઈને હસતા બોલ્યો.
'પાગલ જહાજ પહાડોમાં ના બને ક્યારેય.' રોકીએ જોન્સનની મૂર્ખતાભરી વાતો ઉપર હસી પડતા કહ્યું.
"તો પછી આપણે જહાજને શોધવા માટે આ પહાડોમાં કેમ આવ્યા છીએ.' હસી રહેલા રોકીને જોન્સને સામો સવાલ કર્યો.
"તું સાવ મૂર્ખ છે અલ્યા. લાઓસ પર્વતમાળામાંથી તો આપણે ફક્ત જહાજ તરફ જવાનો રસ્તો જ શોધવાનો છે.' રોકી જોન્સનને સમજાવતા બોલ્યો.
"ઓહ.! એમ વાત છે. તો તો આપણે હજુ આપણી મંજીલનો રસ્તો શોધવાનો પણ બાકી છે.' જોન્સન દૂર દેખાઈ રહેલા લાઓશ પર્વતમાળાના બર્ફીલા શિખરો જોતાં બોલ્યો.
"આપણી સાથે કેપ્ટ્ન હેરી જેવા ભેજાબાજ અને પ્રોફેસર અલ્બુકર્ક જેવા બુદ્ધિશાળી સાથીદારો છે એટલે ચિંતા કરવાની જરૂર નથી. એ લોકો જહાજ તરફ જવાનો રસ્તો જલ્દીથી શોધી કાઢશે.' રોકી એમનાથી થોડેક દૂર બેઠેલા કેપ્ટ્ન હેરી અને પ્રોફેસર તરફ જોતાં બોલ્યો.
કેપ્ટ્ન હેરી અને પ્રોફેસર બન્ને ચામડાના નકશો જોવામાં મશગુલ બન્યા હતા. ચામડાના નકશામાં ચાર બર્ફીલા પહાડો વચ્ચે થઈને આગળ એક નદી તરફ જવાનો રસ્તો નિર્દેશિત કરવામાં આવ્યો હતો.
"ખુબ જ અઘરું છે બર્ફીલા પહાડોમાંથી પસાર થવું કેપ્ટ્ન.' પ્રોફેસર કેપ્ટ્ન તરફ જોઈને ગંભીરતાપૂર્વક બોલ્યા.
"હા બર્ફીલા પહાડોની હાડકા પણ થીજી જાય એવી ઠંડી સહન કરવી અઘરી છે. અને વળી આપણી સાથે ક્રેટી અને એન્જેલા પણ છે એટલે સફર થોડીક જોખમી તો બનશે જ.' કેપ્ટ્ન હેરીએ નકશાને વાળીને કહ્યું.
"જે થશે એ જોયું જશે હવે આગળ વધવા સિવાય બીજો કોઈ ઉપાય પણ નથી આપણી પાસે.' પ્રોફેસર ઉભા થતાં બોલ્યા.
"તો હવે શું કરીએ પ્રોફેસર બર્ફીલા પહાડો તરફ આગળ વધવું છે કે પછી અહીંયા જ રોકાઇ જવું છે આજની રાત.' કેપ્ટ્ને પ્રોફેસરને પૂછ્યું.
"હા આજે રોકાઇ જઈએ કાલે સવારે જ બર્ફીલા પહાડો તરફ આગળ વધીશું.' પ્રોફેસર બોલ્યા અને એમણે ઝરખ ગાડી તરફ ડગ માંડ્યા. કેપ્ટ્ન પણ પ્રોફેસરની પાછળ ઝરખ ગાડી તરફ ગયા. ઝરખ ગાડી પાસે પહોંચીને બન્નેએ પોતાના શરીરની ફરતે શાલ વીંટાલી. કરણ કે અહીંયા ઠંડી ખુબ જ હતી.
"ક્રેટી આવી રીતે લાકડા રાખીશ તો તાપણું નહીં સળગે વ્હાલી.' જ્યોર્જ ક્રેટી પાસે બેસતા બોલ્યો. ક્રેટી તાપણું સળગાવી રહી હતી.પણ સળગતું નહોતું. કારણ કે એણે તાપણું સળગાવવા માટે જે લાકડાઓ એકઠા કર્યા હતા એ બધા જાડા હતા.
"તો પછી તું જ સળગાવી આપને સલાહ આપ્યા વગર.' જ્યોર્જ સામે જોઈને મોઢું મચકોડતા ક્રેટી બોલી.
"જો આવી રીતે સળગે.' જ્યોર્જે તાપણું કરવા જે લાકડા એકઠા કર્યા હતા એની ઉપર થોડુંક સૂકું ઘાસ નાખ્યું અને પછી બે લીસ્સા પથ્થરોને એકબીજા સાથે અથડાવ્યા.બન્ને પથ્થર એકબીજા સાથે અથડાયા એટલે તણખા જર્યા અને એ તણખા ઘાસ ઉપર પડ્યા. ઘાસ એકદમ સૂકું હતું એટલે તણખા પડતાની સાથે જ સળગી ઉઠ્યું.
"હવે મને વધારે ઠંડી નહીં લાગે.' ક્રેટી ખુશ થતાં બોલી.
"હું છું ત્યાં સુધી ઠંડીની શું મજાલ કે એ તારી આજુબાજુ ફરકી પણ શકે.' આમ કહીએ જ્યોર્જે તાપણાંમાં ગરમ કરેલા પોતાના બન્ને હાથ ક્રેટીના ગાલ પર ઘસ્યા.
"હમણાં તો તું કહે છે ક્રેટીને કે ઠંડીની શું મજાલ કે એ તારી આજુબાજુ ફરકી પણ શકે. પણ કાલે બર્ફીલા પહાડોમાંથી પસાર થઈશું ત્યારે ખબર પડશે કે તું ઠંડીથી ક્રેટીને કેવીરીતે બચાવે છે.' ક્રેટી અને જ્યોર્જ તાપણાં પાસે બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા ત્યાં કેપ્ટ્ન પાછળથી આવીને બોલ્યા.
કેપ્ટ્ન અને પ્રોફેસર એમની પાસે આમ અચાનક આવી પહોંચ્યા અને જ્યોર્જની વાતને મજાક બનાવી દીધી એટલે જ્યોર્જ ઝંખવાણો પડી ગયો. હજુ સૂર્યાસ્ત પણ નહોંતો થયો છતાં ઠંડીનું પ્રમાણ ખુબ જ વધારે હતું. કેપ્ટ્ન અને પ્રોફેસર પણ તાપણાની આજુબાજુ ગોઠવાયા.
"કેમ કાલે બર્ફીલા પહાડોમાંથી પસાર થવાનું છે ? ક્રેટીએ કેપ્ટ્ન તરફ જોઈને પૂછ્યું.
"કરણ કે નકશામાં જહાજ તરફ જવાનો રસ્તો એ બર્ફીલા પહાડો વચ્ચે થઈને બતાવ્યો છે.' કેપ્ટ્ને ક્રેટીને સમજાવતા કહ્યું.
"ત્યાં તો ખુબ જ ઠંડી હશે નહી ? ક્રેટીએ ફરીથી નિદોષ સવાલ કર્યો.
"ઠંડી તો તો સહન કરી લઈએ પણ ત્યાં બીજી આફતોના ભય વધારે છે.' પ્રોફેસર તાપણાંમાંના સળગતા લાકડા સરખા કરતા બોલ્યા.
"બીજી આફતો ?? આ વખતે ચૂપ બેઠેલો જ્યોર્જ બોલી ઉઠ્યો.
"અમૂક પ્રાણીઓ આવા ઠંડા પ્રદેશમાં વસવાટ કરતા હોય છે જેમ કે સફેદ રીંછ, શારુંત વગેરે હિંસક પ્રાણીઓ જ્યાં બર્ફીલા પ્રદેશ હોય ત્યાં જ જોવા મળે છે.' પ્રોફેસર બોલ્યા.
"કેપ્ટ્ન જુઓ હું શિકાર કરી આવ્યો.' પ્રોફેસર બોલતા હતા ત્યાં તો પાછળથી ફિડલનો અવાજ સંભળાયો. બધાએ પાછળ જોયું તો ફિડલના હાથમાં મૃત અવસ્થામાં કોઈ નવતર પ્રાણી હતું.
"આ બાજુ લઈ આવ જોઈએ તું કોનો શિકાર કરી આવ્યો છે.' કેપ્ટ્ને ફિડલને બુમ પાડી.
"આવું થોડોક થોભો.' આમ કહીને ફિડલ પોતાની ઝરખ ગાડી પાસે ગયો અને એના હાથમાં રહેલો ભાલો એણે ઝરખ ગાડીમાં મુક્યો. ત્યારબાદ એ કેપ્ટ્ન અને બીજા બધા તાપણું કરીને બેઠા હતા ત્યાં આવ્યો.
"આ વળી કયું પ્રાણી છે પ્રોફેસર ? કેપ્ટ્ન થોડીકવાર ફિડલના હાથમાં જે પ્રાણી હતું એને જોઈ રહ્યા પછી એને ઓળખી ના શક્યા એટલે પ્રોફેસરને પૂછ્યું.
"આ છે શારુંત પ્રાણી. આ પ્રાણીઓ વધારે બુદ્ધિશાળી હોય છે. ટોળામાં ફરતા હોય છે.અને વધારે તો એ બર્ફીલા પહાડોમાં જ જોવા મળે છે. આ પ્રાણીઓ જામેલા બરફને પોતાના નહોર વડે ખોદીને એકદમ નરમ બનાવે છે અને જયારે કોઈ પ્રાણી એ બરફ ઉપરથી પસાર થાય તો એ પ્રાણી આખેઆખું એ નરમ અને પોચા કરેલા બરફમાં ઘુસી જાય જયારે બરફમાં ઘૂસેલું પ્રાણી તરફડીને મૃત્યુ પામે ત્યારે આ શારુંત પ્રાણીઓ એ મરેલા પ્રાણીને બરફમાંથી બહાર કાઢીને એને પોતાનો ખોરાક બનાવે છે.' પ્રોફેસરે ફિડલના હાથમાં રહેલા પ્રાણીને સરખી રીતે નીરખીને બધાને એ પ્રાણીથી માહિતગાર કર્યા.
બધા અવાચક નજરે ફિડલ જે શારુંત પ્રાણીનો શિકાર કરી આવ્યો હતો એને જોઈ રહ્યા.
(ક્રમશ)