ચામડાનો નકશો અને જહાજની શોધ.. - 4 જીગર _અનામી રાઇટર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચામડાનો નકશો અને જહાજની શોધ.. - 4

સવાર પડી ચુકી હતી. વાતાવરણમાં આજે નોંધપાત્ર ફેરફાર થયો હતો. ઠંડીનું પ્રમાણ વધ્યું હતું. ઘેરા ધુમ્મસે સમગ્ર ટાપુ પરના જંગલને ધૂંધળું બનાવી મૂક્યું હતું. શિયાળાની હજુ તો શરૂઆત જ થઈ હતી અને આ ટાપુ ઉપર ઠંડીએ એનો રંગ દેખાડવાનું શરૂ કરી દીધું હતું. આગળની સાંજે બધા કામ્બ્રિ પ્રાણીના હુમલોથી બચી ગયા હતા. બધા વહેલી સવારે ઉઠીને ઝોમ્બો નદીનું વહેણ જમણી તરફ વળતું હતું એ તરફ જોઈને આગળ જતાં વિશાળ વહેણમાં બદલાઈ જતી ઝોમ્બો નદીને નીરખી રહ્યા હતા. સવારનું ઠંડી મિશ્રિત વાતાવરણ આહલાદ્ક હતું. છેલ્લી વાર બધા ઝોમ્બો નદીને મન ભરીને જોઈ રહ્યા હતા. કારણ કે હવે ઝોમ્બો નદીથી વિરુદ્ધ બાજુએ આવેલી લાઓસ પર્વતમાળા તરફ બધાની મુસાફરી શરૂ થવાની હતી.

"લાઓસ પર્વતમાળા સુધી પહોંચતા આપણને લગભગ બે દિવસ લાગી જશે.! સાચુંને પ્રોફેસર ? કેપ્ટ્ન હેરીએ ઝોમ્બો નદીના કિનારા પાસેથી હાથમાં પાણી લઈ મોંઢા ઉપર પાણીની છાલક મારતા પ્રોફેસરને પ્રશ્ન કર્યો.

કિનારે ઉભેલા પ્રોફેસર અલ્બુકર્કે પોતાના ગજવામાંથી ચામડાનો નકશો બહાર કાઢ્યો અને થોડીક વાર અંદર જોઈ રહ્યા પછી બોલ્યા."ઓછામાં ઓછા બે દિવસ તો થઈ જ જશે.'

"મતલબ આપણને લાઓસ પર્વતમાળા સુધી પહોંચતા જ બે દિવસ લાગી જશે. તો પછી સફરમાં પાણીની જરૂર પણ પડશે. જો વચ્ચે કોઈ પાણીનો સ્ત્રોત ના મળે તો.!' ફિડલે આશંકા વ્યક્ત કરતા કહ્યું.

"આપણી પાસે કેટલી મશકો છે પાણીની ? કેપ્ટ્ને પ્રશ્નાર્થભરી નજરે ફિડલ સામે જોયું.

"કદાચ બે મશકો હશે કેપ્ટ્ન.' થોડીક વાર વિચારીને ફિડલ બોલ્યો.

"બે મશકોથી કેવીરીતે ચાલસે.! આપણી સાથે ચાર તો ઝરખો છે એમને પણ પાણી તો પીવડાવવું પડશે ને ? પ્રોફેસર સમસ્યા શોધી કાઢતા બોલ્યા.

"હા એ વાત પણ સાચી છે. ફિડલ જા તપાસ કરી આવ આપણા સાથે જે સામાન છે એમાં કેટલી મશકો છે.' કેપ્ટ્ન હેરી ફિડલને કામ સોંપતા બોલ્યા.

ફિડલ ગયો મશકની તપાસ કરવા. ચામડાનો નકશો હજુ પણ પ્રોફેસરના હાથમાં જ હતો. તેઓ નકશાને વાળીને ખિસ્સામાં જ મૂકતા હતા ત્યાં કેપ્ટ્ને એમને રોક્યા.

"પ્રોફેસર લાઓસ પર્વતમાળા પાસે પહોંચ્યા બાદ જે જહાજ કઈ બાજુએ હશે એનો ગુપ્ત માર્ગ દર્શાવ્યો છે એ તમને સમજાયો ? કેપ્ટ્ન હેરીએ કિનારા પાસેના પાણીમાંથી બહાર આવીને પ્રોફેસરને પૂછ્યું.

"આમ તો એ રસ્તાને સમજવો અઘરો છે પણ જયારે પર્વતમાળા પાસે પહોંચીશું ત્યારે ત્યાં પર્વતની રચના જોતાં ખ્યાલ આવી જશે કે જહાજ તરફ જવાનો રસ્તો ક્યાંથી મળી રહેશે.' પ્રોફેસર થોડુંક વિચાર્યા બાદ બોલ્યા.

"હમ્મ..' કેપ્ટ્ન ધીમે રહીને ઊંડાણતાથી ગણગણ્યા.

"તો હવે ઊપડવું નથી લાઓસ પર્વતમાળા તરફ ? પ્રોફેસરે નકશાને વાળીને પોતાના ગજવામાં સરકાવ્યો અને પછી કેપ્ટ્ન સામે જોઈને પ્રશ્ન કર્યો.

"હા ઉપડી જઈએ બસ પાણીની વ્યવસ્થા થઈ જવા દો પછી આપણે આપણી સફર આગળ વધારીએ.' કેપ્ટ્ન સ્માઈલ વદને બોલ્યા.

થોડીવારમાં ફિડલ ચાર-પાંચ મશકો લઈને આવ્યો. કેપ્ટ્ન અને પ્રોફેસરે ફિડલ સાથે મળીને બધી મશકોમાં પાણી ભરી દીધું. રોકી એક ઝરખગાડી કિનારા પાસે લઈ આવ્યો. બધાએ મથીને પાણી ભરેલી વજનદાર મશકો ઝરખગાડીમાં ચડાવી દીધી. હવે એક ઝરખગાડીમાં કેપ્ટ્ન,જોન્સન અને પ્રોફેસર બેઠા બધા હથિયારો સાથે જયારે બીજી ઝરખ ગાડીમાં પાણીની મશકો સાથે રોકી અને ફિડલ ગોઠવાયા અને ત્રીજી ઝરખગાડીમાં જ્યોર્જ,ક્રેટી,પીટર અને એન્જેલાએ પોતાની બેઠક જમાવી. પછી કેપ્ટ્ન હેરીએ પોતાના કાફલા સાથે ઝોમ્બો નદીનો રમણીય કિનારો છોડીને લાઓસ પર્વતમાળા તરફ પોતાની સફર શરૂ કરી.

ધુમ્મસ ચીરીને આવી રહેલ સુર્ય કીરણોના કારણે ટાપુ ઉપર આવેલા જંગલમાં ઉગી નીકળેળા ઘાસ ઉપર બાઝેલા ઝાકળબિંદુઓ ચમકી રહ્યા હતા. સૂર્યકિરણો ધુમ્મસ ચીરીને જંગલના જમીન પ્રદેશને સ્પર્શ કરી રહ્યા હતા જયારે કેપ્ટ્ન હેરીનો કાફલો જંગલ પ્રદેશનો માર્ગને ચીરીને પોતાની મંજીલને સ્પર્શવા લાઓસ પર્વતમાળા તરફ આગળ વધી રહ્યો હતો.

"જ્યોર્જ જહાજ શોધવામાં આપણને કેટલો સમય લાગશે ? ઝરખગાડીમાં બેઠા-બેઠા પીટરે જ્યોર્જને પૂછ્યું.

"ચામડાના નકશા ઉપર બધો આધાર છે.ત્યાં જઈને જો નકશો સારી રીતે સમજાઈ જાય તો જહાજ સુધી પહોંચવાનો માર્ગ સરળતાથી મળી રહે..' જ્યોર્જે પ્રત્યુત્તર આપ્યો.

"જહાજ સુધી પહોંચવાનો માર્ગ જલ્દી મળી જાય તો ઠીક.' પીટર એના ખોળામાં માથું મૂકીને સુતેલી એન્જેલાના ગાલ ઉપર ટપલી મારતા બોલ્યો.

"પણ તને આટલી બધી ઉતાવળ કેમ છે ? પીટર તરફ જોઈ જ્યોર્જે પ્રશ્ન કર્યો.

"જો જલ્દી જહાજ મળી જાય તો હું એન્જેલા સાથે આપણા વતન સ્પેનમાં જવા માંગુ છું.' પીટર જ્યોર્જ તરફ જોતાં બોલ્યો.

"બસ તમે અને એન્જેલા જ જશો. આખું જહાજ લઈને સ્પેન.! તો અમારું શું થશે ? ક્રેટી મજાકના મૂડમાં બોલી.

"અરે ક્રેટી ભાભી ચિંતા ના કરો આપણે બધા સાથે જઈશું. તમને જરૂર લઈ જઈશું.' પીટર હસી પડતા બોલ્યો.

સમયચક્રની ગતિ અચળ છે એ વિના અવરોધે આગળ વધ્યા કરે છે. કેપ્ટ્ન હેરીનો કાફલો આગળ વધતો રહે છે. બપોરે થઈ ગયા હતા.સૂર્ય માથા ઉપર આવી ગયો હતો. સવારથી જંગલ પ્રદેશ ઉપર છવાયેલું ધુમ્મસ સૂર્યપ્રકાશ સામે ના ટકી શકતા હવામાં જ ઓગળી ગયું હોય એવું લાગતું હતું. વાતાવરણ સ્વચ્છ થઈ ગયું હતું.

બપોરે આખો કાફલો રોકાય છે. થોડોક આરામ અને બધા ભોજન કરીને ફરી આગળ વધે છે. જેમ-જેમ કાફલો લાઓસ પર્વતમાળા તરફ આગળ વધે છે તેમ-તેમ ઠંડીનું પ્રમાણ વધતું જાય છે. સમય વીતતો જાય છે સૂર્ય પોતાના નિત્યક્રમ મુજબ પશ્ચિમમાં ડૂબી જાય છે અને સાંજ પડે છે. સાંજે પડાવ નાખવામાં આવે છે વાળું કર્યા બાદ રાત્રી વગર આફતે વીટી જાય છે. બીજી સવારે પાછો કાફલો ઉપડે છે હવે લાઓસ પર્વતમાળા દૂરથી ધૂંધળી નજરે પડે છે.

"કેપ્ટ્ન સામે જુઓ ત્યાં, પેલા છુટાછવાયા ઝુંપડાઓ.! પ્રોફેસરે ચાલતી ઝરખગાડીમાં બેઠા બેઠા સામેની દિશામાં આંગળી ચીંધીને એ તરફ કેપ્ટ્ન હેરીનું ધ્યાન ખેચ્યું.

આખો કાફલો જંગલ પ્રદેશ વટાવી મેદાની પ્રદેશમાં આગળ વધી રહ્યો હતો ત્યારે પ્રોફેસરને મેદાનની સામે ડાબી બાજુએ આવેલા છુટાછવાયા ઝુંપડાઓ નજરે પડ્યા.

"કોઈ માનવ વસાહત હોય એવું લાગે છે.! કેપ્ટ્ન હેરી ઝુંપડાઓ તરફ જોઈને બોલી ઉઠ્યા.

(ક્રમશઃ)