"દરિયાની બાજુમાં ખડક દર્શાવ્યો છે ત્યાં જ જહાજ હોવું જોઈએ.' નકશામાં જોતાં કેપ્ટ્ન હેરી બોલ્યા.
"પણ નકશા ઉપરની આ રેખા તો તમે જુઓ. એ રેખા તો આ ખડકથી થોડેક દૂર જહાજ હોવાનું નિર્દેશન કરી રહી છે.' પ્રોફેસરે જીણી આંખો કરીને કેપ્ટ્નને ખડકથી થોડેક દૂર જે પાતળી રેખા દર્શાવેલી હતી એ બતાવી.
જોન્સન મૃત્યુ પામ્યો એના બીજા જ દિવસે વહેલી સવારે કેપ્ટ્ન અને પ્રોફેસર ચામડાનો નકશો લઈને બેઠા હતા. નકશામાં બતાવ્યા મુજબ અહીં ક્યાંક સમુદ્રની આજુબાજુમાં જ જહાજ હતું. પણ એને શોધી કાઢવું બહુજ મુશ્કેલ કામ હતું. કેપ્ટ્ન અને પ્રોફેસર બન્ને નકશાને ઝીણવટ પૂર્વક જોઈ રહ્યા હતા. આ બાજુ ફિડલ સમુદ્ર કિનારે બેઠો બેઠો ઉદાસ નજરે પેગ્વિન પક્ષીઓની જોડીઓને નીરખી રહ્યો હતો. આ દરિયા કિનારે પુષ્ક્ળ પ્રમાણમાં પેગ્વિન પક્ષીઓ હતા.
"ફિડલ બહુજ પેગ્વિન છે અહીં તો.!' રોકી ફિડલની બાજુમાં બેસતા બોલ્યો.
વિચારોમાં ખોવાયેલા ફિડલને રોકી આવ્યો એનું પણ ભાન નહોતું. એ તો બસ એના વિચારોમાં મસ્ત બનીને ઉદાસ નજરે પેગ્વિન પક્ષીઓ તરફ જોઈ રહ્યો છે. રોકીને પ્રત્યુત્તર ના મળ્યો એટલે રોકીએ ઉભા થઈને ફિડલને બન્ને ખભાઓથી પકડીને હચમચાવી નાખ્યો.
"શું થયું રોકી ? રોકીએ ફિડલને હચમચાવ્યો એટલે ફિડલ વિચારોમાંથી બહાર આવી કંઈક મોટી આફત આવી પડી હોય એવીરીતે બોલી ઉઠ્યો.
"કોના વિચારોમાં ખોવાયો છે તું કેટલો બોલાવ્યો તને પણ તું તો બોલતો જ નથી.' રોકી ફરીથી ફિડલની બાજુમાં બેઠો અને પછી બોલ્યો.
"કંઈ નહીં હું તો બસ આ પેગ્વિનની જોડીઓને નીરખી રહ્યો હતો.' ફિડલે ફીકુ હસતા જવાબ આપ્યો. અને ફરીથી એ પેગ્વિન પક્ષીઓ જોવામાં ખોવાઈ ગયો.
દરિયાના મોજાઓ ક્યારેક તો કિનારાની પણ બહાર ફેંકાતા હતા. પેગ્વિન પક્ષીઓનો ઝીણો અવાજ દરિયાના ઘુઘવાટમાં સમાઈ જતો હતો. દૂર-દૂર સુધી દરિયો વિસ્તરેલો હતો આકાશ અને ધરતીની સીમા ભેગી થતી દેખાતી હતી પરંતુ દરિયાનો અંત થયો હોય એવું દેખાતું નહોતું.
"પીટર એ તો નર પેગ્વિન છે.' એન્જેલાએ પેગ્વિન તરફ જોઈ રહેલા પીટરને કહ્યું.
એક પેગ્વિન બીજા પેગ્વિનની ચાંચમાં ચાંચ ભરાવીને ઉભું હતું. જયારે એ પેગ્વિન પક્ષીઓની જોડીથી થોડેક દૂર એક બીજું પેગ્વિન પક્ષી એકદમ શાંત ચિત્તે ધ્યાન કરતું હોય એવીરીતે ઉભું હતું.
"તને કેવીરીતે ખબર પડી કે એ નર પેગ્વિન છે.' એન્જેલાનો હાથ પકડતા પીટર બોલ્યો.
"નર પેગ્વિનની એક ખાસિયત છે કે એની પત્ની માદા પેગ્વિન મરી જાય અથવા એને કોઈ બીજી માદા ના મળે ત્યાં સુધી એ આવીરીતે ઉદાસ રહે છે.' એન્જેલા પીટરને માહિતી આપતા બોલી.
"ઓહહ પેગ્વિન પણ એટલું બધું લાગણીશીલ હોય છે એમ.!' પીટર હસી પડતા બોલ્યો અને એણે હળવેકથી એન્જેલાનો હાથ દબાવ્યો.
"ચાલો પેલા ફિડલ તરફ જઈએ બિચારો કાલનો નર પેગ્વિનની જેમ ઉદાસી ઓઢીને બેઠો છે.' એન્જેલા ધીમું હસતા બોલી.
"હા એ જોન્સનના મૃત્યુનો આઘાત જીરવી શક્યો નથી.' પીટર ગંભીરતા પૂર્વક બોલ્યો. પછી પીટર અને એન્જેલા રોકી અને જોન્સન જે તરફ બેઠા હતા એ તરફ આગળ વધ્યા.
વાતાવરણમાં આજે થોડોક બદલાવ આવ્યો હતો ઠંડીનું થોડુંક પ્રમાણ ઘટ્યું હતું. એમેય દરિયા કિનારે વાતાવરણમાં વધારે પડતી વિષમતા જોવા મળતી નથી.
"જ્યોર્જ ક્યાં સુધી ચાલવાનું છે ? મારા પગ હવે દુઃખી રહ્યા છે.' ક્રેટી હાંફેલા અવાજે બોલી.
"જો પેલા ફૂલો કેવા મસ્ત લાગી રહ્યા છે. ત્યાં સુધી જ જવુ છે પછી પાછા વળી જઈશું.' જ્યોર્જ એમનાથી થોડેક દૂર મેદાનના છેડે ઉગી નીકળેલા ફૂલો તરફ આંગળી ચીંધતા બોલ્યો.
"પણ મારાથી તો જરાય ચાલી શકાય એમ નથી.' મોંઢા ઉપર થાકી જવાના બનાવટી ભાવ ઉપસાવતા ક્રેટી બોલી.
અને ત્યાં જ નીચે બેસી ગઈ.
"ઉભી થા હવે થોડુંક જ દૂર છે.' જ્યોર્જ ક્રેટીનો હાથે ખેંચતા બોલ્યો.
"ના હવે મારાથી જરાય ચાલી શકાય એમ નથી.' જિદ્દી સ્વરે ક્રેટી બોલી.
ક્રેટી થાકી નહોતી. એ ફક્ત થાકી ગઈ હોય એવું નાટક કરી રહી હતી. જ્યોર્જ પર શું અસર થાય છે એ જોવા માટે એણે પોતાના મોંઢા ઉપર બનાવટી થાકના હાવભાવ ઉપસાવી દીધા હતા. અને જ્યોર્જ પણ ક્રેટીના પ્રેમમાં પુરો પાગલ હતો. એટલે ક્રેટી જે કહે એના ઉપર જલ્દી વિશ્વાસ કરી લેતો હતો.
"તું નહીં આવે તો હું તને ઉઠાવીને લઈ જઈશ.' જ્યોર્જના અવાજમાં મક્કમતા આવી અને એણે નીચે બેસેલી ક્રેટીને પોતાના બન્ને હાથમાં ઉઠાવી લીધી.
સવારે વહેલા ઉઠ્યા બાદ નાસ્તો પતાવીને ક્રેટી અને જ્યોર્જ દરિયા કિનારા પાસેના મેદાનમાં કેપ્ટ્ન હેરીની પરવાનગી લઈને ફરવા નીકળી પડ્યા હતા. દરિયા કિનારા પાસેનું આ મેદાન ખુબ જ વિશાળ હતું. સામે જ રહેલી લાઓસ પર્વતમાળાના બર્ફીલા પર્વતોમાંથી છુટા છવાયા ઝરણાઓ મેદાન વચ્ચેથી પસાર થઈને વિશાળ મહાસાગરમાં ભળી જતાં હતા.
"જ્યોર્જ આ ફૂલો કેટલા સુગંધીદાર છે. ગજબની મહેક આવી રહી છે.!' એક ફૂલને તોડીને ક્રેટી એ ફૂલ નાકની નજીક લઈ ગઈ. ફૂલમાંથી મહેકી રહેલી સુગંધ ક્રેટીના નાકમાં પ્રવેશતાની સાથે જ ક્રેટી પ્રશંશાના શબ્દો પોકારી ઉઠી.
જ્યોર્જ ક્રેટીને ઉઠાવીને મેદાનના છેડે આવેલા ફૂલોના નાનકડા વિસ્તાર પાસે આવી પહોંચ્યો હતો. અહીં સારા એવા પ્રમાણમાં સુગંધીદાર ફૂલો ઉગી નીકળ્યા હતા. બર્ફીલા પહાડોમાંથી નીકળતું એક ઝરણું અહીંયા વહેતુ હતું એટલે એ ફૂલોનો સારા એવા પ્રમાણમાં વિકાસ થયો હતો. થોડેક દૂર પથ્થરોની ભેખડોમાંથી એકદમ શુદ્ધ પાણી ઉપરથી નીચે તરફ વહી રહ્યું હતું.
"ક્રેટી મને નાહવાની ઈચ્છા થઈ છે.' સામે રહેલી ભેખડોમાંથી નીચેની તરફ વહી રહેલા પાણી તરફ જોઈને જ્યોર્જે ક્રેટીને કહ્યું.
"અરે પણ સવાર સવારમાં આટ્લી ઠંડીમાં કેવીરીતે નાહીશ તું.' ક્રેટી ચિંતા કરતા બોલી.
"આજે કંઈ વધારે ઠંડી નથી અને હું એકલો પણ નાહવાનો નથી તારે પણ મારી સાથે નહાવું પડશે.' આમ કહીને જ્યોર્જે ક્રેટીને કમરમાંથી પકડી અને ઉંચકી લીધી.
ઠંડીમાં ન્હાતા ક્રેટી બહુજ ડરતી હતી એટલે એ જ્યોર્જના હાથમાંથી છૂટવાના તરફડીયા મારવા લાગી પણ જ્યોર્જે એને છોડી નહિ એણે ક્રેટીને ઉપાડીને ભેખડ પાસેના પાણીમાં ડૂબકી લગાવી. એક ડૂબકી લગાવ્યા બાદ એ પાણીમાંથી બહાર આવ્યો. અને પાણીથી લોથપોથ થયેલી ક્રેટીને એણે પોતાના હાથમાંથી મુક્ત કરી દીધી.
"લુચ્ચા આવી મસ્તી સવાર સવારમાં.' ક્રેટી ધૂંધવાયેલા અવાજે બોલી.
જ્યોર્જ એકદમ ક્રેટીની નજીક ગયો અને ક્રેટીના હોઠ ઉપર પોતાના હોઠ દાબી દીધા. થોડીકવાર તો આજુબાજુનું વાતાવરણ પણ થંભી ગયું હોય એવું ક્રેટીને લાગ્યું. એક ચુંબન કર્યા પછી ક્રેટીએ પોતાની જાતને જ્યોર્જના હાથમાંથી છોડાવી દીધી અને એ દોડીને વહી રહેલા પાણીમાં સ્નાન કરવા લાગી. જ્યોર્જ પણ એકદમ કૂદકો લગાવીને ક્રેટીની પાછળ પાણીમાં પડ્યો. પ્રેમક્રીડાની સાથે થઈ રહેલી સ્નાનક્રીડાથી આજુબાજુનું વાતાવરણ રસમય બનવા લાગ્યું.