પ્રકરણ-ચૌદમું/૧૪
‘એ ડ્રીમલેન્ડ હોટલ કોની છે ખબર છે ? જગને પૂછ્યું,
‘નહીં તો, કોની છે ? લાલસિંગે અધીરાઈથી પૂછ્યું
ખિસ્સા માંથી બીડીની ઝૂડી કાઢી, બીડી સળગાવીને દાંત વચ્ચે દબાવતાં જગન બોલ્યો
‘વિઠ્ઠલ રાણીંગાની.
એ પછી હસતાં હસતાં બોલ્યો
‘ઓલો રોલો માથું ખંજવાળશે પણ બીડીની ઝૂડી નહીં મળે.’
‘વિઠ્ઠલ...ઓહ્હ.. તો ગટરના સુવરને સિંહ બનીને દિલ્હીની ગાદીએ બેસવાની ચળ ઉપડી છે એમ ?
બન્ને હથેળીઓ મસળતાં લાલસિંગ આગળ બોલ્યા
‘પણ.. વિઠ્ઠલે આ હોટલ લીધી કયારે ? હજુ ગયા મહીને તો કોઈ બ્રોકર મારફત મને એ હોટલ માટે ઓફર આવી હતી. પણ ઈલેક્શનના કારણે મેં માંડી વાળ્યું.’
‘ડ્રીમલેન્ડ હોટલમાં વિઠ્ઠલ પડદા પાછળનો પાર્ટનર છે. મતલબ કે બે નંબરના નાણાં વિઠ્ઠલના છે. એટલે ઓન પેપર તેનું નામ નથી. વિઠ્ઠલે ફક્ત તેના ગોરખધંધા માટે જ રૂપિયા રોક્યા છે, સમજ્યા.’ જગન બોલ્યો.
‘હવે તમારાં ઓલા ટોપા પાસે વિઠ્ઠલનું નામ લેતા નહીં તો તમને અને રણદીપ બેયને એક જ કોઠડીમાં ઘાલી દેશે હા, ધ્યાન રાખજો.’ જગન બોલ્યો
‘પણ..જગન, આ સુવર વિઠ્ઠલ કોના જોરે સિંહના વાઘા પહેરીને આટલા ફાંકા મારતો ફરે છે. ઈ કંઈ ખબર પડે ?” લાલસિંગે પૂછ્યું.
ખડખડાટ હસતાં જગન બોલ્યો,
‘ઇતને પૈસે મેં ઇતનાઈચ મિલેગા... એ જાહેરાત સાંભળી છે ને ?
તમારું પચ્ચીસ લાખનું રીચાર્જ પૂરું થઇ ગયું સાહેબ. છતાં એક છોટા રિચાર્જ જેવી નાનકડી ટીપ્સ મફતમાં આપી દઉં. હજુયે કહું છું કે, ખુરશીના પાયા સલામત રાખવા હોય તો કોઈના પણ પગ પકડી લ્યો. નહીં તો.. જે પાર્ટી રંડીની ચમડી પર રોટલા શેકીને ખાતા બે કોડીના રણદીપ જેવા ભડવાછાપ મગતરા માટે જો ચપટી વગાડતાં બે કરોડ રૂપિયાનો ધુમાડો કરી નાખે, એ તમારી શું હાલત નહીં કરે એ વિચારી લે જો શાંતિથી. ચલો શેઠ, મારી કીડનીના કીડા ભૂખ્યા થયા છે, હવે મદિરાલયમાં જઈને ધ્યાનમાં બેસવાનો સમય થઇ થયો છે. એ આવજો.’
જગન આટલું બોલ્યા પછી લાલસિંગ ગાડી માંથી નીચે ઉતારતાં, જગને જે સ્પીડે નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો ધૂળ ઉડાડતાં હાંકી કાઢી, ત્યારે લાલસિંગને એવું થયું કે કપડાં ઉતર્યા વગર જગન નાગા કરીને જતો થયો.
ત્યાંથી નીકળીને ભૂપતને તેના ઘર પાસે ડ્રોપ કરી, લાલસિંગ તેના બંગલે આવ્યા પછી ફ્રેશને થઈને લંબાવ્યું ડ્રોઈંગરૂમના સોફા પર. શારીરિક કરતાં માનસિક થાકનો બોજ વધુ હતો. આંખો મીંચીને સૌ પહેલાં રણદીપની તળિયા અને નળિયા વગરની મંત્રમુગ્ધ કરતી મનમોહિની જેવી મઢુલીની મોહમાયા માંથી બહાર નીકળી ગયો. એ પછી ખોપડીમાં ખદબદતાં ખુન્નસના કીડાને શાંત કરવાનો પ્રયાસ કર્યો. હવે લાલસિંગને ભાસ થયો કે એક એક દિવસ કિંમતી છે. ગમે તે ઘડીએ, ગમે ત્યાંથી, ગમે તે કોઇપણ ભૂતાવળની માફક આવીને ગળચીએ ચોંટી પડે તેમ છે.
હરદેવસિંહ, ભૂપત અને અંતે જગન દરેકે લાલસિંગની પતનના પંથે જઈ રહેલી બરબાદીની બારાતમાં બેસૂરી બેન્ડ વગાડી હતી, પણ સૌનો સુર એક જ હતો,કે ટૂંક સમયમાં લાલસિંગની લાલ થવાં જઈ રહી છે. આમ પણ રણદીપ હવે લંગડો ઘોડો પુરવાર થઇ ગયો છે. તેની પાછળ સમય અને સંપતિ વેડફવાનો મતલબ રણમાં ખેતી કરીને અક્કલનું પ્રદર્શન કરવા જેવું હતું.
અને બીજી તરફ લાલસિંગ માટે રણદીપના મની અને મસલ પાવર વગર એકલપંડે ચૂંટણી લડવી એટલે ટાયર વગર કાર રેસમાં જીતવા જેવું નામુમકીન કામ હતું.
અંતે તેને એક જ રસ્તો હતો સુજ્યો. કોઈપણ કાળે ચુંટણીજંગમાંથી વિઠ્ઠલનો કાંટો કાઢવાનો. પદ, પ્રસિદ્ધી, પાવર અને પૈસાની પત્તર ઠોકાઈ જાય તેની પહેલાં વનરાજસિંહને બાપ કહીને સલામ ઠોકવા સિવાય કોઈ જ હુકમનું પાનું લાલસિંગની બાજીમાં નહતું.
ગહન આત્મમંથનના થાકના કારણે સૂતા પહેલાં લાલસિંગે એવા ઠોસ નિર્ણય પર મહોર મારી દીધી કે.. કોઈપણ કિંમતે આ બારમાંચન્દ્ર જેવા અજાત શત્રુ સામેના જંગની બાગડોર છેવટે વનરાજને સોંપી જ દેવી.
આ તરફ જગને લાલસિંગથી છુટા પડીને કોલ કર્યો તરુણાને. એ સમયે વનરાજના રજવાડી અડ્ડા પર તરુણા અને વનરાજની મંત્રણાનો દોર ચાલુ હતો.
કોલ રીસીવ કરતાં જગન બોલ્યો,
‘એ તમારો ઘૂંટેલો જમાલ ગોટો એવી રીતે લાલસિંગને પીવડાવ્યો છે કે, ચોવીસમાં કલાકમાં ચાળીસ ડાયપર બદલશે તોય મેળ નહી પડે. હવા ટાઈટ થઇ ગઈ છે બરાબર.’
‘એ ઠીક છે. તને તારું પેમેન્ટ મળી ગયું છે ને ?
‘હા,મેડમ,’ જગને જવાબ આપ્યો.
‘તો હવે ચુંટણી ન પતે ત્યાં સુધી આ શહેરની આસપાસ પણ તું કયાંય નજરે ચડ્યો’તો... નહીં તો રેશનકાર્ડ માંથી નામ ભુંસાઈ જતાં વાર નહીં લાગે ખબર છે ને?’ આટલું બોલીને તરુણાએ કોલ વનરાજને આપતાં તેણે પૂછ્યું.
‘બોલ, શું કહેતો હતો લાલ ?’
‘પૂછતો હતો કે, વિઠ્ઠલ કોના જોરે નાચે છે ? જગને જવાબ આપ્યો
‘અચ્છા ઠીક છે, ચલ તું ઉપડ હવે અને મને પૂછ્યા વગર આ બાજુ ગુડાણો તો તારા કાના માત્રા વગરના નામ જેવો તને કરી નાખીશ ધ્યાન રાખજે.’
‘એટલે ?” જગને પૂછ્યું
‘બે હાથ અને બે પગ વગરનો, સમજ્યો.’ વનરાજે કોલ કટ કરતાં કહ્યું.
‘તમને શું લાગે છે, હવે લાલસિંગ શું ખેલ નાખશે ? વનરાજે તરુણાને પૂછ્યું,
‘એ તો તમને પછી કહું પણ, રણદીપના કેશમાં કયાંય કાચું કપાય એમ નથી ને ?
તરુણાએ સમો સવાલ કર્યો.
‘પેલી છોકરી.... શું નામ...એનું.. હા, કામિની, એ તો તે દિવસે જ વહેલી સવારે બાય રોડ નેપાળ જતી રહી. અને એ પછીનું બધું તો આપણા પ્લાન મુજબ ડી.આ.ઈજી. થી લઈને કોન્ટેબલ સુધી પોલીસ ડીપાર્ટમેન્ટ અને હોટેલ સ્ટાફ જ સાંભળે છે. અને જેના જેના મોઢાં બંધ રાખવાના છે તેની ચોટલી તો પહેલાં જ આપણા હેકરે તેમના એકાઉન્ટ હેક કરીને કાપી જ લીધી છે. હવે તમે સમજી લ્યો ચુંટણી ખતમ ન થાય ત્યાં સુધી રણદીપ પાંજરે પુરાયેલા સર્કસના સિંહથી વિશેષ કંઈ જ નથી.
વનરાજે વિસ્તારથી તરુણાને વાત કરી.
‘મારા અનુમાન મુજબ હવે લાલસિંગના ભાથામાં કોઈ બાણ નથી. તેના સલ્તનતની શાખ અકબંધ રાખવાં તેણે તમાચો ખાઈ, મોં લાલ રાખી અને શરણાગતિના સૂર રેલાવતી શરણાઈ સાંભળવી જ રહી. અને લાલસિંગ લોહી ચાખી ગયેલા સિંહની માફક તેની રાજકીય કારકિર્દી રંડાઈ ન જાય તેના માટે તે એકવાર કોઈના પણ તળીયા ચાટવા તૈયાર થઇ જશે એ વાત પત્થરની લકીર જેવી છે.’
એકપણ વાર પણ લાલસિંગને રૂબરૂ જોયા, મળ્યાં કે ફોન પર પણ સાંભળ્યા વગર તરુણાએ લાલસિંગના એક્સ, વાય અને ઝેડ બધા જ સચોટ રીપોર્ટસ વનરાજની સામે ધરતાં વનરાજ બોલ્યો,
‘હવે ?’
સોફા પરથી ઉભાં થઈ તેના બંને હથેળીની ચાર ચાર આંગળીઓને તેના જીન્સના લેફ્ટ અને રાઈટ ફ્રન્ટ પોકેટમાં ભરાવતાં તરુણા બોલી,
‘હવે....તેને ફેરવવાં દયો તેની મિથ્યાભિમાનની ગોફણ. એ ગમે તેટલી ફેરવશે પણ છેવટે તો છટકેલો પાણો તેનું જ કપાળ ફોડશે. ચુંટણી પહેલાં જ તેના અહમના એ.વી.એમ.નું બટન દબાવીને હું જ તેને ચૂંથી નાખીશ, તમે જોજો.
અચ્છા તો વનરાજભાઈ હવે હું જવાની અનુમતિ લઉં. આવતીકાલે લાલસિંગ સૂર્ય પહેલાં તમને નમસ્કાર કરશે.’
આટલું બોલતા બન્ને હસતાં હસતાં છુટા પડ્યા.
વહેલી સવારે સાડા છ વાગ્યે તરુણા જયારે ઘરની બાજુમાં આવેલાં ગાર્ડનમાં મોર્નિંગ વોક કરતી હતી ત્યાં, મોબાઈલ રણક્યો. મનોમન બોલી, આટલી વહેલી સવારમાં કોણ હશે ? સ્ક્રીન પર જોયું તો.. રણજીતનો કોલ હતો.
‘બોલો, રણજીત કાકા. કેમ આટલી વહેલી સવારમાં યાદ કરી ? સરપ્રાઈઝ પાર્ટી છે કે કોઈનું શ્રાદ્ધ કરવાનું છે ? આટલું બોલતા તરુણા ખડખડાટ હસવાં લાગી.
‘અરે..છોડી, મને તો આ વાતના વાયુનો દુઃખાવો રાતનો ઉપયડો છે. પણ માંડ હવાર પાડી, એ..... ય ને પેલા સરાદ ને પછી પારટી કરવાની છે, ને ખરચો હંધોય હું આલીશ હો.’ રણજીતના અવાજમાં આનંદના અતિરેકનો ઉમળકો છલકાતો હતો.
‘આલે લે..શું વાત કરો છો, કાકા, કોનું કલ્યાણ કરી નાખ્યું ?”
બાંકડે બેસતાં તરુણાએ પૂછ્યું
‘મારા કાળિયા ઠાકરે ઓલા કંસનો કચ્ચો ચ્ચિઠો કાઢીને કાયમી કારાવાસની પાવતી ફાડી દીધી.’ ગેલમાં આવતાં રણજીત બોલ્યો.
તરુણા સમજી ગઈ કે, રણજીત, રણદીપની વાતનો ઉલ્લેખ કરે છે. છતાં રણજીતના રાજીપાને બરકરાર રાખવા અજાણ્યા થઈને પૂછ્યું.
‘એ કોણ ? અને શું થયું ઈ તો કયો ?
‘અરે.. જેની મા ને ખબર નથી કે તેનો બાપ કોણ છે ઈવડો ઈ રણદીપ. બંધબારણે જે પોલીસના જોરે જગતની બાયુને નાગી કરતો’તો હવે એ જ પોલીસ જગજાહેર એની બેય ઈડલી હોજાડી દેહે. એ છોડી સાચું કઉ, મને કેવું લાગે છે... જે રણદીપે ભરબજારે મને ઢસડી ઢસડીને ગડદા પાટું મારીને મારો વાંહો ચાણણી જેવો કરી નાયખો’તો આજે જાણે કે... મારાવાંહા માં કોઈ એ ચંદનના તેલની માલીશ કરી હોય ને એવી ઠંડક થઇ છે.’
તરુણાને થયું કે જો આ શહેરના એક મામુલી માણસમાં લાલસિંગ અને રણદીપના અમાનુષી અત્યાચારના પ્રતિશોધ માટે આટલી જ્વાળાઓ ભડકતી હોય તો..જયારે આ શહેરમાં તેમના ભયનો ભોગ બનેલા સૌ એકી સાથે બગાવતના સૂરમાં બંડ પોકારે તો બન્ને માટે અંતે આત્મહત્યા સિવાય કોઈ ઓપ્શન ન રહે.
રણજીત અત્યારે જે મસ્તીના તાલમાં મસ્ત હતો તે જાણીને તરુણાને થયું કે તેના કાનમાં એક હળવી ફૂંક મારીને હવે પછી ભજવવાની ભવાઈ માટે માંચડાની પૂર્વભૂમિકા બાંધી દઉં.
‘આલે. લે હું વાત કરો છો, કાકા. તો તો તમ તમારે કરી નાખો પારટી. પણ રણજીત કાકા, મેં એક બીજી વાત હાંભરી છે, હાચી કે ખોટી એ નઈ ખબર.’
તરુણાએ રણજીતના પંડના નારદને જાગૃત કરતાં ફૂંક મારવાનું શરુ કર્યું.
‘કઈ વાત ? ઝટ બોલ.’ બીડી જગાવતા ઉતાવળિયો રણજીત બોલ્યો.
રણજીતના ભીતરના નારદની ભૂખ ઉઘડી એ જાણીને તરુણા બોલી,
‘કાકા.. આ વરસો પહેલાં તમને ઢોરની જ્યમ માર પડ્યો ત્યારે વાંહામાં કેવું દરદ થાતું’તું ?
‘ઓય માડી. ઈ તો તું પૂછ માં છોડી, ક્યારેક સાંભરે તો હજુયે ઉહ્કારો નીકળી જાય છે હો. પણ કેમ ઈ પૂછ્યું,’ બીડીનો એક ઊંડો કસ મારતાં રણજીતે પૂછ્યું.
‘રણજીત કાકા, હાંભયરુ છે કે રણદીપના કારણે લાલસિંગ રાતો પીળો અને ધુંઆ ફુંઆ થઈને આકરા પાણી એ છે, અને હવે... વિઠ્ઠલનો વાંહો કાબરો કરવાનો વારો છે.
એટલે વિઠલને જરા કઈ દેજો કે કેવું દરદ થાય બસ.’
તરુણાની વાત સાંભળમાં બીડીની કસ મારવાનું ભુલાઈ જતા રણજીત અને બીડી બન્ને ઠરી ગયા.
તરુણાને થયું કે અફવાના ડેમનો છેલ્લો એક દરવાજો પણ ઉઘાડી નાખું પછી ધોધમાં કોણ તણાઈ છે અને ડૂબે છે, તેનું લાઈવ ટેલીકાસ્ટ કરવાની મઝા પડશે.
‘હું તો વિઠ્ઠલભાઈને સાવચેત કરી જ દઈશ પણ, ઓલા વાંહાના વેદનાની વાત તમે સારી રીતે સમજાવી શકો એટલે. ને પાછા વિઠ્ઠલભાઈને આ વાંહાની વાત મેં કીધી છે એમ નો કેતા.’ પછી મનોમન બોલી એ તો હું સૌના ભાંગીને પછી કહીશ.
‘એ હારું લ્યો.’ એમ કહીને રણજીતે કોલ કટ કર્યો.
રણજીત મનોમન બોલ્યો આ છોડીની વાત હાંભરીને હવે ગુર્દાની દવા ગટકાવવી પડશે તો જ ટેકો આવશે. એ પછી રણજીત બંડીના ખિસ્સા પડેલા વિહીસ્કીના ચપટામાંથી બે ઘૂંટડા ઉતારી ગયો.
નિત્યક્રમ મુજબ પૂજાપાઠ કર્યા પછી બાલ્કનીના હિંચકે બેસીને સમાચાર પત્ર વાંચતા વાંચતા બાજુની ટીપોઈ પર પડેલો ચા નો કપ ઉઠાવવા વનરાજે લંબાવ્યો ત્યાં જ સેલની રીંગ વાગી.
‘લાલસિંગ ચતુર્વેદી’ સ્ક્રીન પર નામ ફ્લેશ થતાં જ વનરાજને તરુણા શબ્દો યાદ આવ્યા કે, સવારે લાલસિંગ સૂર્ય, પહેલાં તમને નમસ્કાર કરશે.’
તેને એવું થયું કે ઊંટની તમામ પ્રજાતિ વિન્ધ્યાચળ પર્વત જેવા વનરાજની નીચે આવી ગઈ. અકબર બાદશાહની અદામાં ઢોલીયાનો ટેકો લઇ કોલ રીસીવ કરતાં વનરાજ બોલ્યો,
‘નમસ્કાર.. નમસ્કાર.. નમસ્કાર... બાણું લાખ માળવાના ધણી, ટચલી આંગળીએ ગોર્વર્ધન ઉઠાવતાં વાસુદેવ એ આજે આ સુદામાને યાદ કર્યા એટલે અમારી તો સવાર ધન્ય ધન્ય થઇ ગઈ.’
લાલસિંગને થયું કે કયાંક આ સુદામા તેની ચોટલીની આંટીમાં લઈને માખણ ચોપડતા ચોપડતા ચપ્પુ ન ઉતારી દયે.
‘વનરાજ ચડાવવો જ હોય તો હું જાતે જ ચણાનું ઝાડ ગોતી ને ચડી જાઉં મારા ભાઈ.અત્યારે તો એવી દશા છે કે, ગોવર્ધન પર્વત તો શું ગંજી-જાંગીયાનો પણ ભાર લાગે છે.’
ચાની ચુસ્કી ભરતાં વનરાજે પૂછ્યું,
‘કાં, ભાઈ તારે વળી એવી શું ઉપાધી આવી પડી ?’
‘જો ને ઓલા રંડીના બ્રાન્ડ એમ્બેસેડર રણદીપે બરાબર આ ચૂંટણી ટાણે જ ઈજ્જતનો ફાલુદો કર્યો છે.’
‘એ સમાચાર તો મને મળ્યા, પણ લાલસિંગ ખોટું ના લાગે તો એક વાત કહું અત્યાર સુધી એ રંડીબાજ જ તને દૂઝણી ગાય જેવો લાગતો’તો ને ? તારા સામ્રાજ્યમાં દૂધ, માખણ, ઘી ની જે નદીઓ વહે છે ને એ આ રણદીપને આભારી છે ભાઈ મારા. તને ઈચ્છા થાય ત્યારે મનફાવે એમ દોહી લે અને પછી છુટ્ટી મૂકી દે જ્યાં મન ફાવે ત્યાં ચરવા માટે એમાં કોનો વાંક ?ચલ છોડ એ તારી અંગત બાબત છે એટલે હું તેમાં હું વધારે માથું નહીં મારું. હવે બોલ શું કામ પડ્યું ?’
‘આ મોતના સર્કસનો ખેલ નાખ્યો છે ઓલા જોકર વિઠ્ઠલે. હું એની એવી હાલત કરીશ કે.. તેની સાત પેઢી સુધી તેના ખાનદાનમાં બધા જોકર જ પેદા થશે.’
અકળાયેલાં અવાજમાં લાલસિંગ બોલ્યાં.
રમકડું જગને ભરાવેલી ચાવી મુજબ જ ચાલતું હતું. તેનો ખ્યાલ વનરાજને આવી ગયો. એટલે આશ્ચર્યના ઉદ્દગાર સાથે અજાણ્યાં થઈને પૂછ્યું,
‘વિઠ્ઠલ ? એ ક્યાંથી આવ્યો આ નાટકમાં ?
‘ભાઈ સાચું કહું વનરાજ મને ત્યાં સુધીની માહિતી મળી કે.. ભાનુપ્રતાપ અને વિઠ્ઠલની સંધિ કરાર તારી મધ્ય્સ્તામાં થયો છે, બોલ ?”
વનરાજને થયું કે લાલસિંગને કમળો થયો છે એવું તેના દિમાગમાં ઠસાવવા પીળો પડદો પાડવો જ પડશે.
‘જો ભાઈ લાલસિંગ, હું દિવસના ધોળા અજવાળામાં છડેચોક જ મારા કાળા કામ કરું છું, સમજી લે હું કસાઈ છું. ગ્રાહકની મરજી અને ખિસ્સાની ત્રેવડ મુજબનું જેના પર આંગળી મુકે તે કાપી ને આપું છું. અને લોકો ખાય છે, તો હું કાપુ છું ને ? એમાં મારો શું વાંક ? મારો કર્મ જ મારો ધર્મ છે. તને શું જોઈએ છે, એ બોલ એટલે હાજર કરી દઉં ? વટથી રૂઆબ જમાવતા વનરાજ બોલ્યો.
એક સેકન્ડનો પણ વિલંબ કર્યા વગર લાલસિંગ બોલ્યા.
‘વિઠ્ઠલ.’
‘વિઠ્ઠલ એટલે શું ?’ વનરાજે હીંચકેથી ઉભાં થતાં પૂછ્યું
‘ચુંટણીના વિજય સરઘસ પહેલાં મારે તેની સ્મશાન યાત્રામાં જવું છે.’
પાંચ સેકન્ડ માટે ચુપ રહી’ને વનરાજ બોલ્યો.
‘પણ લાલ, આટલું મોટું પગલું ભરવાની શું જરૂર છે ?’
‘વનરાજ બે મિનીટ પહેલાં બોલાયેલા આ તારા જ શબ્દો હતો કે.. તને શું જોઈએ છે, એ બોલ એટલે હાજર કરી દઉં ? તું બસ, કિંમત બોલ વનરાજ.’ લાલસિંગ તેની વાત પર મક્કમ રહેતા જવાબ આપ્યો.
વનરાજને થયું કે મુદ્દો હવે સંગીન થતો જાય છે. હવે તરુણા સાથે આ વિસ્ફોટક વિષયના વાર્તાલાપ કર્યા સિવાય લાલસિંગને કોઈ ઠોસ ઉત્તર આપવો અયોગ્ય રહશે.
એટલે ગુગલી નાખતાં વનરાજ બોલ્યો.
‘લાલ, મારે હમણાં એક પાર્ટી સાથે અરજન્ટ મીટીંગ માટે નીકળવાનું છે. હું કલાક પછી તને ફરી કોલ કરું છું.’
‘પણ કલાક પછી મને ફક્ત વિઠ્ઠલના ડેથની ડેટ જોઈએ. ઓ.કે.’
ફોન મુકતા લાલસિંગ બોલ્યા.
વનરાજ મનોમન બોલ્યો, આ લોહિયાળ ચુંટણીજંગમાં કોણ જીતશે અને કોણ જીવશે એ તો તરુણા જ નક્કી કરશે. નોકરીની શોધમાં ઘરેથી નીકળેલી એક અતિ સામાન્ય પરિવારની બાવીસ થી પચ્ચીસની વર્ષની સાધારણ કન્યા, શહેરના એક રાજકીય પક્ષના કાર્યકર તરીકે જોડાવા કોઈને આજીજી કરતી એ છોકરી છેલ્લાં પંદર વરસથી આ શહેર પર બાપની મિલકતનો ઠપ્પો મારીને બેઠેલાં લાલસિંગ કેટલા શ્વાસ લેશે એ નક્કી કરશે ? એક એવી કે જેનું કોઈ અસ્તિત્વ જ નથી.
વનરાજે તેના અને લાલસિંગ વચ્ચે થયેલી વાતચીતનું રેકોર્ડીંગ તરુણાને ફોરવર્ડ કર્યું. અને એ પછી દસ જ મીનીટમાં તરુણાનો કોલ આવ્યો.
‘છેવટે વગર બકરી એ તમે સિંહને પાંજરે પૂર્યો ખરો હો બાકી.’
હસતાં હસતાં વનરાજ બોલ્યો.
‘સિંહ તો એ જાહેરમાં છે, બંધ બારણે તો એ બકરી જ છે. હવે તમે જુઓ, લાલસિંગ નામની બકરીને ઉંધી ટાંગીને એવી દોહવી છે કે, એ સામે થી જ ભાંભરી ભાંભરી ને કહેશે કે, મારી મા આજે જ ઇદ ઉજવી નાખો. હવે તમે ટાઈમ આપો એટલે, વિઠ્ઠલ અને લાલસિંગ બન્ને ને એકવાર તેના મોતના તાંડવનું નાનકડું ટ્રેલર બતાવી દઈએ એટલે રાજકારણને રતિક્રીડા સમજીને રમતા આવા નરાધમોને તેના મર્દ હોવાનો મદ ઉતરી જાય.’
‘એક કામ કરોને તરુણાબેન રાતના આઠ વાગ્યા પછી રાખો કેમકે આજે હું થોડો સોશિયલ કામમાં વ્યસ્ત છું. તમે આઠ વાગ્યે આવી જ જાઓ અને ડીનર અહીં આપણે સાથે લઈશું.’ સ્હેજ ઉતાવળમાં વનરાજ બોલ્યો.
‘જી ઠીક છે.’ એમ કહેતા તરુણા એ કોલ કટ કર્યો. ત્યાં જ ભાનુ પ્રતાપનો કોલ આવ્યો.
‘એ છોડી તું તો આ ચુંટણી પતે એ પહેલાં જ મને ભૂલી ગઈ.’
‘અરે, અંકલ એવું હોતું હશે. પણ આ કન્યા એક છે અને મુરતિયા બે છે તો કોનું પત્તું કાપવું એની વેતરણમાં છું બસ.’ બોલો બોલો હુકમ કરો.’
‘ઓલો રામલાલ વગરનો ઠાકુર શું કરે છે ? હસતાં હસતાં ભાનુંપ્રતાપે પૂછ્યું
‘એ ગબ્બરને ગોતે છે. અને ગબ્બર તેને ગોટાળે ચડાવે છે.’
હસતાં હસતાં તરુણા બોલી.
‘દીકરા વિઠ્ઠલને હવે દિલ્હીની ગાદીએ બેસવાની ઉતાવળ ફાટી નીકળી છે. એ રોજ મારી પીન માર્યા કરે કે, તરુણાને કહો કે હવે ગંભીરતાથી સક્રિય થઈને લાલસિંગનો તોડ કરે તો હું સાંસદ બની જાઉં. મને લાગે છે કે આ વિઠ્ઠલ નામનું હાડકું કયાંય આપણા ગળામાં ન હલવાઈ જાય.’
તરુણા મનોમન બોલી, પહેલાં આ વરરાજાને પેલા નપુંશક બનાવી દઉં એટલે સુહાગરાતના સપના જોતો બંધ થાય.
‘અંકલ, બસ આજનો દિવસ આપો. બધું સમુંનમું વેતરાઈ જશે. સૌ ના કદ મુજબ કફનના માપ અપાય ગયા છે. દરજી સંચે બેસે એટલી જ વાર છે. હું તમને આવતીકાલે મળું છું.’ એમ કહીને તરુણા એ કોલ કટ કર્યો
હવે આ છોડી ઝટ નક્કી કરે તો સારું કે, ચુંટણીમાં ઊભા રહેવાનું છે બેસણાંમાં બેસવા જવાનું છે. એવી ભાનુ પ્રતાપ બબડ્યા.
ખાટલે બેસેલી દેવિકાના ખોળામાં માથું રાખીને સૂતા તરુણાએ પૂછ્યું.
‘મા. મારો જન્મ કયારે થયો તો ખબર છે ?’
‘દીકરા હું રઈ અભણ મને ઈ તારીખમાં કઈ ગતાગમ ન પડે, પણ એટલી ખબર છે કે કાળી ચૌદસના દાડે તું પેદા થઇ’તી.’
‘જો જે મા આ વખતની કાળી ચૌદસના દિવસે આ શહેરમાં દારૂખાનું ખૂટી પડશે.’
આટલું બોલતા તરુણાની આંખો પરીકાષ્ઠા પર આવેલા આવેલાં ખુન્નસથી લાલચોળ થઇ ગઈ.
ઠીક આઠ વાગ્યે વનરાજ અને તરુણાની મીટીંગ શરુ કરતાં તરુણા બોલી, હું તમને સમજાવું એમ લાલસિંગને કહો.
થોડીવાર પછી વનરાજએ લાલસિંગને કોલ કર્યો.
‘બોલ વનરાજ. કિંમત બોલ.’ ઉત્સાહમાં આવતાં લાલસિંગે પૂછ્યું.
‘હવે પહેલાં મારી વાત કાન ખોલીને સાંભળી લે... એક ત્રીજી વય્ક્તિએ વિઠ્ઠલ અને લાલસિંગ બન્નેની સોપારી લીધી છે, અને તે પણ મફતમાં. બોલ હવે શું કહેવું છે તારું.’
-વધુ આવતાં અંકે
© વિજય રાવલ
'લાલની રાણીનું આધારકાર્ડ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.
Vijayraval1011@yahoo.com
9825364484