અમે બેંક વાળા - 18. હમસફર SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અમે બેંક વાળા - 18. હમસફર

બેંકવાળા 18. હમસફર

શ્રી. અ ખૂબ ખુશ હતા. આખરે તેમની રજા બાળકોનાં વેકેશન દરમ્યાન આવે તેમ મંજુર થયેલી. તેમને આમ તો ફર્સ્ટક્લાસ ફેર પોતાનું અને કુટુંબનું મળે પણ ઉપરના પોતાના ખર્ચી તેઓએ પ્લેનની ટિકિટ બુક કરાવી હતી. અમુક જગ્યાએ બેંકનાં હોલીડે હોમ જે તે વખતે અધિકારીઓને 10 રૂ. રોજ અને તે સિવાય 5 રૂ. રોજ ના દરે મળતું.

(હોલીડે હોમ મળવું તે લોટરી લાગવા બરાબર છે. બે ત્રણ વર્ષથી, હું નિવૃત્ત થવા આવ્યો ત્યારે ઓનલાઈન બુકીંગ શરૂ થયું તે પહેલાં કંટ્રોલિંગ બ્રાન્ચને લખો, મળવું હોય તો મળે, લગભગ ન જ મળે. કોઈ ઓળખાણ કે લાગવગ હોય તો ફોનથી, દબાણ લાવી મળે. મારે એક વખત 2008માં આબુ હોલીડે હોમ માંડ મળેલું. ચેકઇન ટાઇમના એક કલાક પછી પહોંચ્યો કેમ કે બસ એ ટાઈમે પહોંચી. મારી બુક રૂમ ત્યાંના રિજીઓનલ મેનેજરનાં સગાને અપાઈ ચુકેલી.રીતસર ગાળાગાળી પછી અમને બપોર ગાળવા રિસેપ્શનની લોબી મળેલી પછી રાતે બીજી રૂમ. જયપુરમાં રૂમ કોઈની ઓળખાણે બુક કરી અને નીકળીએ તે પહેલાં કહેવાયું કે ત્યાંના ઓફિસર્સ એસો. ના હોદ્દેદાર ની પુત્રીના લગ્ન માટે આવેલા લોકોને બધી રૂમો અપાઈ ગઈ છે. એનો રેકોર્ડ શેનો હોય? અમે આમ જ નોકરી કરી.)

શ્રી. અ સ્પેશિયલ આસિસ્ટન્ટ હતા. પ્રકરણ 4 માં કહ્યું છે તેમ ક્લાર્કની કેડર અને અમુક એલાવન્સ સાથે સુપરવાઇઝરી પાવર.) જ્યાં 5 રૂ. માં હોલીડે હોમ મળ્યું ત્યાં પૈસા બચ્યા બાકી બીજે હોટલ ગોતી લેવાની. એ વખતે ત્રિવાગો કે એવું ન હતું.

ઘટના 1991-92 ની છે.

વહેલી સવારે ઘેર જાણીતા ભાઈની ટેક્ષી બોલાવી તેઓ એરપોર્ટ પહોંચ્યા. પત્ની, કિશોર વયનાં બે સંતાનોને બેગ સાથે બેસાડી પોતે પોતાની સાથે એક ખભે લટકાવેલ 36 રોલનો કેમેરા અને બીજા ખભે એક કાળું પાકીટ લઈ એરલાઇન્સના કાઉન્ટર પર ટિકિટ બતાવી સહુના બોર્ડીંગપાસ લેવા ઉભા. એ પાકીટમાં ટ્રાવેલર્સ ચેક (એટીએમ નો જન્મ થવાને પંદર વરસની વાર હતી. એ વખતે હોટેલ્સ અને મોટી શોપ એ સ્વીકારતી અને ઇસ્યુ કરનાર બેંકની કોઈ પણ બ્રાન્ચમાં જઈ તમારી એની પરની સહી બતાવી તેને એનકેશ કરવાનું રહેતું.), એરલાઇન્સની ઓફિસે જઈ બુક કરાવેલ ટીકીટો અને છએક હજાર રૂપિયા (તેમનો પગાર મહિને સાડાચાર હજાર, એલાવન્સ સહીત હતો) લઈ ઉભા. વારો આવ્યો. કાઉન્ટર પર એ પાકીટ મૂકી ટિકિટ કાઢી બતાવી.બોર્ડીંગ પાસ નીકળ્યા. સિક્કા વાગ્યા. હજી આઇડી નીકળ્યાં ન હતાં.

જિંદગીની મોટેભાગે પ્રથમ મુસાફરીના ઉત્સાહમાં તેઓ બોર્ડીંગ પાસ લઈ કુટુંબ પાસે ગયા. પુત્રીને એરપોર્ટ પરનાં ચિત્રો બતાવ્યાં. ત્યાં તો બોર્ડીંગ માટે લાઈન કરવા એનાઉન્સ થયું. શ્રી.અ અને કુટુંબ હરખાતું, સામે દેખાતું પ્લેન જોતું બસમાં બેઠું. સીડી મુકાઈ. તેઓ પ્લેનમાં બેઠાં અને પટ્ટા બાંધ્યા. શ્રી. અ તેમનો કેમેરો ખભેથી પટ્ટો ઉતારી લગેજ કંપાર્ટમેન્ટમાં મૂકી રહ્યા ત્યાં યાદ આવ્યું- પેલું કાળું પાકીટ ક્યાં!

શ્રી. અ ને પરસેવો વળી ગયો. તરત સીટ પાસે જઈ શ્રીમતીને વાત કરી. બન્નેએ એરહોસ્ટેસ પાસે જઈને વાત કરી. તેણીએ ડોકું નકારમાં ધુણાવ્યું પણ પછી અંદર કેપ્ટનને કંઈક કહેવા ગઈ અને તરત જ બહાર આવી. તેણે સોરી કહ્યું અને તેમને વિનયપૂર્વક જગ્યાએ બેસાડી બે હાથ પહોળા કરી ડેમો આપવા માંડ્યું. પંખા ફરવા લાગ્યા. શ્રી. અ થી હવે નીચે ઉતરી શકાય એમ ન હતું. ટેઈકઓફ માટે વિમાન ચાલુ થઈ ચુકેલું.

ન બાળકોને બારી બહાર જોવાની કોઈ મઝા પડી ન એ બન્નેએ જિંદગીની પ્રથમ હવાઈ મુસાફરી માણી. એ વખતે એરલાઇન્સમાં નાસ્તો પણ આપતાં. તેમને એ ખાવાની પણ મઝા ન આવી.

પત્નીએ સધિયારો આપતાં કહ્યું કે તેની પર્સમાં બસો ત્રીસ રૂપિયા છે!

પ્લેન એ ટુરિસ્ટ પ્લેસ પર ઉતર્યું. લગેજ મળી ગયો. હવે ક્યાં જવું? કેવી રીતે?

થોડી વાર શૂન્યમનસ્ક બેઠા રહ્યા પછી શ્રી. અ એ નવી જ શરૂ થયેલી પ્રી પેઇડ ટેક્ષી પકડી કહ્યું, 'નજીકની જે પહેલી .. બેંકની બ્રાન્ચ આવે ત્યાં લઈ જા.' શ્રીમતીના 230 રૂ. માંથી 75 રૂ. તો અહીં વપરાઈ ગયા.

હોલીડે હોમ અહીં મળ્યું ન હતું. લાગવગ વગર વિખ્યાત સ્થળે થોડું મળે? હોટેલ પણ અમુક નામ હતાં ત્યાં જઈને બુક કરવાની હતી. પણ પેમેન્ટ માટે જ ટ્રાવેલર ચેક રાખેલા જે પેલાં પાકીટ સાથે ગયેલા.

ટેક્ષીવાળો આશ્ચર્યથી જોઈ રહ્યો. સવારે 8 વાગે બેન્કબ્રાન્ચમાં? ( એ પછી 2006 થી 9 અમારે એક જ બેંકમાં સવારે 8 થી રાત્રે 8 ની બેંક થયેલી. તેની વાત કદાચ ક્યારેક.) શ્રી. અ એ વાત કરી.

ડ્રાઇવર સમજુ હતો. મેઈન બ્રાન્ચ પાસે જ લઈ ગયો. પોતે જ એ ચાર જણને અર્ધી ચા પીવરાવી.

શ્રી. અ સહકુટુંબ કોઈ ભિખારી બેસે તેમ બ્રાન્ચ નજીકના ઓટલે બેઠા. કંઈક રૂમાલ ચાંદલા જેવું વેંચતો ફેરીયો આવ્યો અને તેમને ત્યાંથી પણ ઉઠાડયાં.

પોણા દસ. સ્વીપરે આવી શટર ખોલ્યું. પોણા અગીયારે બ્રાન્ચ શરૂ થાય.

આશરે સાડાદસે મેનેજર પગથિયાં ચડ્યા તે ભેગા તેમની પાછળ શ્રી. અ ગયા. સાહેબ બેસીને એક બે ફોન કરે અને પાણી પીવે ત્યાં તેઓ 'મે આઈ કમ ઈન' કહેતા કેબિનમાં જઈ બેસી ગયા. સાહેબે પ્રશ્નસુચક દ્રષ્ટિએ, કોઈ ગ્રાહક ફરિયાદ માટે આવ્યા હશે તેમ માની જોયું. શ્રી. અ એ તરત ઓળખાણ આપી કે હું અમુક બ્રાન્ચ માં સ્પેશિયલ આસિસ્ટન્ટ છું, આજે આ રીતે પૈસા વગરનો થઈ ગયો છું અને મુસાફરી શરૂ જ થાય છે. એમ દુરનાં રાજ્યમાં કોઈ કેવી રીતે માને અને એમ તરત મદદ કરે? એ રીતે પૈસા માગનારા વધી પડેલા. બે ત્રણ વાર એકદમ નમ્રતાથી શ્રી. અ એ વિનંતી કરી. સાહેબે તેમને બહાર બેસવા કહ્યું. થોડું વિચારી તેમની બ્રાન્ચ પર ફોન કરવા વિચાર્યું. તે પહેલાં શ્રી. અ ની ડ્રાફ્ટ વગેરેમાં સહી ચાલે છે કે કેમ તે પૂછ્યું. શ્રી. અ કહે હું માત્ર સેવીન્ગ્સ અને ક્યારેક ફિક્સનું જોઉં છું. મને સહીનો ઓલ ઇન્ડિયા નંબર હોય તેવો પાવર નથી. આ વાક્ય- ઓલ ઇન્ડિયા સહી એટલે આ માણસ બેંક વિશે કંઈક જાણે છે. મેનેજરે તેમની બ્રાન્ચનો ફોન નંબર માગ્યો. હજુ એસટીડી બ્રાન્ચમાંથી થતા ન હતા. બુથ પર જવું પડતું. મેનેજરે,મને ખ્યાલ છે ત્યાં સુધી કોલ બુક કર્યો હોવો જોઈએ.

દરમ્યાન સ્ટાફ આવી પહોંચ્યો. કોઈ ડી.એ. સર્ક્યુલર, કોઈ યુનિયન સર્ક્યુલરની વાત થવા લાગી. શ્રી. અ એ '..જી નો સર્ક્યુલર? હા. અમુક તારીખે એજિટેશન હતું. અમારા … ઝોનમાં બ્લા બ્લા..'

શાખાના યુનિયન લીડરે ચોંકીને જોયું. 'તમે કોણ? આ તમને ક્યાંથી ખબર?' પૂછ્યું. શ્રી. અ એ ઓળખાણ આપી ટૂંકમાં રામકહાણી કહી. તરત યુનિયન લીડર, જેની મુખ્ય ફરજ મેનેજર યોગ્ય ફરજ બજાવતા નથી તેનું ભાન કરાવ્યા કરવાની હોય (એમ તે બધા માનતા), એ તરત કેબિનનું બારણું ધક્કો મારી ઘુસ્યા અને 'અમારો મેમ્બર બિચારો રખડી પડ્યો છે તેને કેમ ધ્યાન નથી આપતા' કહી બહાર નીકળી ગયા. મેનેજરે તો સામી બ્રાન્ચને ફોન લગાવેલો જ. ફોન લાગ્યો અને તરત શ્રી. અ ને આપ્યો. શ્રી. અએ લગભગ રડતાં જે બન્યું એ વાત કહી. એમના મેનેજરે સામેના મેનેજરને આપવા કહ્યું. તેમણે ઓળખાણ આપી કે હું અવાજ ઓળખી ગયો. ગ્રાહકની સહી ડીફર થાયતો બહાર લારીવાળો સાંભળે એવી બૂમ પાડે એવા છે. પણ બહુ ભોળા છે. તેમણે એ મેનેજર, જે ત્યાં બીજા પ્રાંતમાંથી આવતા હતા, તેમના પેરન્ટ રિજિયનમાં કોઈ ઓળખાણ કહી. આ મેનેજરને એ કોમન લિંક મળી એટલે સાબિત થયું કે સાચો માણસ સાચી મદદ માંગે છે. તરત શ્રી. અ ને પૂછ્યું કે પૈસાનું શું કરવું છે. દરમ્યાન પેલા લોકલ બ્રાન્ચલીડરને શ્રી. અ એ પૈસા માટે વિનંતી કરી કહ્યુકે આપણે બધા હમસફર છીએ. આજે મારે સહેજ ચૂકથી થયું તે કોઈને પણ થાય. તેઓ અમુક પૈસા આપે તો પોતે પાછા જઈ ટીટી (ટેલિગ્રાફીક ટ્રાન્સફર)થી સેઇમ ડે મોકલી દેશે. લીડર તો હુકમ કરે. એક પૈસો થોડો ઢીલો કરે?

તો મેનેજર પાસે પરત ગયેલા શ્રી. અ એ કહ્યું કે તેમને વિથડ્રોઅલથી તેમનું ખાતું ડેબીટ કરી પૈસા આપવામાં આવે. (એ વખતે કોર બેન્કિંગ જેવી ચીજ ક્યારેક આવશે એ કોઈને ખબર ન હતી. વિથડ્રોઅલ બીજી બ્રાન્ચમાં ન ચાલે પણ એ જ એક રસ્તો હતો, તેમ પૈસા આપી ચેકની જેમ તેમની બ્રાન્ચમાં વસૂલી માટે મોકલવાનો.

મેનેજરે તેઓ કઈ હોટેલમાં ઉતર્યા છે કે હોલીડે હોમ છે તે પૂછ્યું. શ્રી. અ એ કહ્યું કે અહીંનું હોલીડે હોમ મળેલ નથી. અમુક તારીખે એપ્લિકેશન રિજેક્ટ થયેલી. મેનેજરે તરત હોલિડે હોમ કેરટેકરને ફોન કરી આમને રૂમ આપવા અને ન હોય તો રિસેપશનમાં પણ સુવાડવા કહ્યું. રિજેક્ટ એપ્લિકેશન તરત સેંકશન કરી નાખી.

કુલ છ હજાર તો નહીં પણ પોતાના ખાતાના જ બે હજાર આપી તેમની બ્રાન્ચમાં પર્સનલ ટેલિગ્રામ (એ વખતે ઇમેઇલ પણ ન હતા) કર્યો કે પોતે આપ્યા છે. શ્રી. અ ના ટ્રાવેલર ચેકના નંબરો લઈ તે બ્લોક કરવા ઓફિશિયલ ટેલિગ્રામ કર્યો, કોપી હેડ ઓફિસ ટ્રાવેલર ચેક ખાતું..

શ્રી. અ ને હવે કેશિયરને સાહેબનું ખાતું ડેબિટ કરી પૈસા આપતો જોઈ લીડર તેમને કાંઈ ખાવું હોય તો સામેથી પકોડા કે એવું મંગાવે એમ કહ્યું. પણ મેનેજરે પટવાળાની સાથે શ્રી. અ નાં કુટુંબને નજીકની રેસ્ટોરાંમાં જમવા મોકલી એન્ટરટેઇનમેન્ટમાં જ વાઉચર મૂકી દીધું. ત્યાં તેઓ એકલા જ રહેતા હોઈ સાંજે પોતાની સાથે જમીને બીજે દિવસે શ્રી.અ રવાના થતા હતા તેમ થાય એ કહ્યું. પટાવાળાએ જ હોલીડે હોમ અને ત્યાંથી સાંજે સાઇટ સીઇંગ માટે ટેક્ષી કરી આપી.

શ્રી. અતો ગળગળા થઈ ગયા. પોતે એક સુપરવાઈઝર હોવા છતાં મેનેજરને બે હાથ જોડી રહ્યા. મેનેજરે એટલું જ કહ્યું, 'એમાં શું? માણસ માણસને કામ આવવો જ જોઈએ. બાકી એક જ બેંકમાં નોકરીની સફર કરીએ છીએ એટલે આપણે હમસફર છીએ.'

શ્રી. અ ની થોડી કરકસર સાથે બાકીની યાત્રા પૂર્ણ થઈ. પરત જતી વખતે તેઓ ખાસ થોડીવાર એ મેનેજરને વંદન કરી પોતાના શહેરમાં ફરવા આવવા ને પોતાના મહેમાન થવા કહી ગયા.

હજુ વધુ. એ ટ્રાવેલર ચેક મિસીંગ નો તાર ઉતરતાં જ ક્લિયરિંગના ચેકો જાય તે થેલામાં દરેક લોકલ બ્રાન્ચને ચિઠ્ઠી તો પહોંચી જ ગઈ. સાથે આ શ્રી. અ ના ચેક હતા તેમ પણ લાઈન ઉમેરાઈ. શ્રી. અ ને લોકલ બ્રાન્ચોમાં સહુ ઓળખતા જ હતા.

ત્રીજે દિવસે એક બ્રાન્ચમાં એક સ્થાનિક હોટલનો માણસ એ ચેક વટાવવા કોઈ બ્રાન્ચ પર ગયો. ત્યાંના, શ્રી. અ ના મિત્ર જ હેડ કેશિયર હતા. તેમણે ટ્રાવેલર ચેક પર મિત્રની સહી જોઈ અને લોકલ હોટેલમાં આ ગામનો માણસ શું કામ ટ્રાવેલર ચેક આપે એ પૂછ્યું. અને આ ચોરીનો મેસેજ તો વા વાત લઈ જાય એમ ફરી ચુકેલો. તેઓ એ હોટેલબોયને મેનેજર પાસે લઈ ગયા. ધમકાવીને વાત કઢાવી. બધા જ ચેક પરત મળ્યા. એ પાકીટ પણ અમુક પૈસા, એમ તો ખાસ્સા એકાદ હજાર બાદ કરતાં એરપોર્ટ પરથી જ પકડાયેલું. ફ્લાઇટ થોભાવેલી નહીં પણ કાઉન્ટરને મેસેજ પહોંચે તેવી વ્યવસ્થા ફ્લાઇટ કેપ્ટને કરેલી. કાઉન્ટર નજીક સારાં કપડામાં કોઈ શકમંદને પોલીસે પૂછપરછ કરતાં તે ગલ્લાતલ્લા કરતો એ કાળા પટ્ટા વાળી બેગ મૂકી ચાલ્યો ગયેલો.

શ્રી. અ આમેય ધર્મભીરૂ, સાવ સીધા અને કર્મઠ હતા. હવે તો બેંકના ભગત બની ગયા.

50 વર્ષ પછીની ઉંમરે તેમણે પ્રમોશન લીધું. આઉટ ઓફ સ્ટેટ પોસ્ટિંગ મળ્યું. ઓર્ડર લેતા પહેલાં નવા આવતા દરેક ઓફિસરને રિજિયોનલ મેનેજર બોલાવે. શ્રી.અ આજે બ્રીફકેસ, ટાઈ સાથે અંદર ગયા. 'ગુડ મોર્નિંગ સર.. ' તેમણે કહ્યું.

સામેથી રિજિયોનલ મેનેજરે નજર માંડી અને કહ્યું, "આવો આવો 'હમસફર'! " કહેવાની જરૂર ખરી કે એ કોણ હતા?

-સુનીલ અંજારીયા.