Featured Books
  • સિક્સર

    મેથ્યુ નામનો વ્યક્તિ હોય છે. તે દૈનિક ક્રિયા મુજબ ઓફિસથી આવત...

  • જીવન ચોર...ભાગ ૧ ( ભૂખ)

    ભાગ ૧  : ભૂખ મહાદેવી શેઠાણી: એ પકડો એને... પકડો.. મારા લાખો...

  • ડેટા સેન્ટર

    ડેટા સેન્ટર : ડિજિટલ યુગના પાવરહાઉસ એઆઇના વધતા ઉપયોગ વચ્ચે ભ...

  • સંઘર્ષ - પ્રકરણ 12

    સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દ...

  • એટૉમિક હૅબિટ્સ

    પુસ્તક: એટૉમિક હૅબિટ્સ, લેખક: જેમ્સ ક્લિયરપરિચય: રાકેશ ઠક્કર...

શ્રેણી
શેયર કરો

અમે બેંક વાળા - 17. એક કરોડનો ધક્કો

એક કરોડનો ધક્કો

2011નો જૂન મહિનો હશે. હું બેંકનાં માઈકર સેન્ટરનો ઇન્ચાર્જ હતો. અમે તે વખતે 2010 ફેબ્રુઆરીમાં શીવરંજની પાસેથી નવજીવન કોમ્પ્લેક્સ ઓફિસ ટ્રાન્સફર કરેલી. ઓફિસ એટલે જાયન્ટ યંત્રો જેને રીડર પ્રોસેસર કહેવાતાં, આશરે 50 ઉપરાંત કોમ્પ્યુટર્સ, ડેટ ડ્રાઈવથી બેકઅપ લેતું જૂનું સર્વર ને એવું બધું ઉપરાંત ગણી ગણાય નહીં એટલી ખુરશીઓ, ટેબલ, બેકઅપની ટેપ અને ફ્લોપીઓ સાચવવા મોટી ડબલ ડોર તિજોરી વગેરે.

અમે અમદાવાદ, ગાંધીનગર, કલોલ, વિરમગામ અને એમ આસપાસના શહેરોના ચેક એક જગ્યાએ રાત્રે એકઠા કરી પ્રોસેસ કરતા.

એ સીસ્ટીમ અટકે તો શું? લાખ કરોડ રૂપિયાનો વ્યવહાર અટકી પડે. અમારી અંડર આવતી 1300 જેવી બેંક બ્રાન્ચનું ક્લિયરિંગ ઠપ્પ થઈ જાય. એટલે રિઝર્વ બેંકે અમને બેકઅપ સાઇટ બનાવવા અને ત્યાં વચ્ચેવચ્ચે લાઈવ રન કરી ક્લિયરિંગ કરવા આદેશ કર્યો.

એના માટે જગ્યા પસંદ કરવામાં આવી બેંકની જ માલિકીનાં ગાંધીરોડ ફુવારા પાસે આવેલાં મકાનમાં એક વચલે માળ. અન્ડરગ્રાઉન્ડ વાયરીંગ, અમુક શોકપ્રુફ લેયર અને જરૂરી વર્ક સ્ટેશન, સર્વર રૂમ વગેરે માટે કામ ચાલુ થયું. આગલા હપ્તામાં 'જુના ભગવાન નવા વાઘા ' વાળા સાહેબ જ ગાંધીરોડ શાખાના ઇન્ચાર્જ. કહે કે તમે ચાલુ સમયે એક હથોડી નહીં મારી શકો. અમને કામમાં ડિસ્ટર્બ થાય. એ શક્ય ન હતું. અમારે રાતની ડ્યુટી હોય. અને કારીગરો એન્જીનીયર વગેરે દિવસે જ આવે. અમુક દિવસ હું બપોરે સૂવું છોડી ત્યાં રહેતો ને સીધો સાંજે નવજીવન ડ્યુટી પર. નિર્ધારિત કામ થાય છે એનું ધ્યાન રાખવા ને કામ જોવા.

બધું પત્યું. ધાર્યા કરતાં ઘણી ઝડપે. એક સાહેબે તો મને માઈકરના શ્રીધરનનું બિરુદ આપ્યું. હવે લાવવાનાં રહ્યાં ચૌદ ફૂટ લાંબાં, સાત ફૂટ ઊંચાં અને ખૂબ સેન્સિટિવ ઇલેક્ટ્રોનિક પાર્ટ ધરાવતાં બે રીડર સોર્ટર. અમારે નવજીવન લેટેસ્ટ ટેક્નોલોજી અને સોફ્ટવેરવાળાં સર્વર આવ્યાં હતાં. જુનાં સર્વર એની ટેકનોલોજી સાથે એ બેકઅપ સાઇટ પર મુકવાનું નક્કી થયું. તે વખતના અત્યારનાં પ્રમાણમાં એ 1999 માં બનેલાં સર્વર 2011નાં સર્વર્સ આગળ ટ્રક સામે ગાડું હોય એવાં લાગતાં. પણ બસ, રિઝર્વ બેંક કહે એટલે કરવાનું. ત્યાં એ બેકઅપ સાઇટ પર પણ ટ્રાયલ રન કરવો પડે પણ એ પહેલાં બધું અહીં હતું તે ત્યાં ઉભું કરવું પડે.

મૂળ વાત હવે આવી. ચૌદ ફૂટ લાંબાં સોર્ટર કઈ ટ્રક લઈ જાય અને એ ચોથે માળ ચડાવવાં કઈ રીતે?

એનું આગળનું એન્જીન જેવું યુનિટ અલગ મોકલી બીજા બાર ફૂટનો 36 પોકેટ સાથેનો ભાગ મોકલવાનું નક્કી થયું.

એક દિવસે મને કહેવાયું કે આજે રાત્રે એ રીડર સોર્ટર, રૂ. એક કરોડ, હા. પુરા એક કરોડની ખરીદ કિંમતનું, ગાંધીરોડ એ બેકઅપ સાઇટ પર ચડાવવામાં આવશે. મારે અને સર્વિસ કોન્ટ્રેક્ટ ધરાવતી એનસીઆર કંપનીના એન્જીનિયરે હાજર રહેવું. સાઇટના આર્કિટેક્ટ સહીજવાણી બધું માપ લઈ ગયા. દાદરો ચડાવી ચાર વખત વળાંક લેવા કદાચ થોડા માટે રીડર સોર્ટર ઘુસાડવા જગ્યા નાની પડશે તેમ તેમને લાગ્યું. તેમણે કાચની બારી, જે જમીનથી સવાબે ફૂટ ઊંચી પણ ખાસ્સા સાડા છ ફૂટ ઊંચી હતી તેનો વિકલ્પ તૈયાર રાખવા કહ્યું. કાંઈ પણ થાય તો તેમનો રાત્રે ગમે ત્યારે કોન્ટેકટ કરવા કહ્યું. મારા બોસ એટલે ડે.રિજિયોનલ મેનેજર ભાલીયાસાહેબે કહ્યું કે તેઓ ભલે હાજર નહીં રહે, ઊંચા શ્વાસે મારી સાથે જ રહેશે. સોર્ટર ચડે અને મુકાઈ જાય એટલે તેમને કહેવું. રિઝર્વ બેંકને જવાબ દેવાનો હતો અને એક કરોડનો મામલો હતો. બેંકની પ્રેસ્ટીજનો સવાલ હતો.

આજે નેક્સટ અધિકારીએ આખા અમદાવાદ, ગાંધીનગર અને આસપાસના ક્લિયરિંગનો મોરચો સંભાળ્યો અને હું જમીને સાત વાગે તો ગાંધીરોડ પહોંચી ગયો. આઠ પછી ગ્રાઉન્ડફ્લોર પર ચોકીદાર હોય. બાકી તાળાં. મેં દાદરો ખુલ્લો રાખવા કહ્યું. પહોળાઈ કટોકટ હતી એમ મને લાગ્યું.

મેં અહીંતહીં બધું વેરાયેલું હોય, સિમેન્ટના ગાંગડા પડ્યા હોય (ફ્લોર કન્સિલડ વાયરીંગ માટે તૂટી રહી હતી), જૂનું કાળા વાયરો વાળું લાઈવ વાયરીંગ છૂટું લબડતું હોય એવામાં આંટા માર્યે રાખ્યા. આઠેક વાગે નીચે દુકાનો બંધ થવા લાગી અને ત્રણ દરવાજા, ફુવારાનો એ વિસ્તાર ચહલપહલમાંથી એકદમ શાંત થવા લાગ્યો. મેં કાચની બારી ખોલવા પ્રયાસ કર્યો. સ્ટોપર જામ હતી. એક ગાંગડો માર્યો. બાત ન બની. નીચે ઉતર્યો. નાઈટ ચોકીદાર આસપાસ જમવા ગયેલો. નીચે ત્રીજે માળ ચા બનાવવા બ્રાન્ચે એક ફેરીયાને બેસાડેલો તેની કીટલી પાસે સાણસી પડી હતી. એનાં તપેલી પકડવાનાં કપડાં પર પાસે પડેલું કેરોસીન લગાવી સાણસી લઈ ઉપર ગયો. કેરોસીન લગાવી સાણસીથી જામ થયેલી સ્ટોપર ખોલી. ત્યાં એન્જીનીયર રાજેશ આવી પહોંચ્યો. એણે જ સૂચવ્યું કે સલામતી માટે આજુબાજુની બે બારીઓની સ્ટોપર પણ ખોલી બારીઓ ખુલ્લી રાખવી. અમે મહેનત કરી એ બારીઓ કદાચ ક્યારેય નહીં ખુલી હોય કે વર્ષો પછી ખુલતી હશે એ ખોલી. લોખંડની ફ્રેમમાં કાચ ધણધણી ઉઠ્યા. એન્જીનીયરે કાચ આડું પેલું કપડું રાખી મુકેલું એટલે કાચ ફૂટ્યા નહીં.

તે સર્વરરૂમ કહેતાં ત્રણ કાચ, એક ભીંત વચ્ચે પાંજરામાં કેદ થઈ વાયરો એટેચ કરવા લાગ્યો અને કામે લાગ્યો. હું બારીમાંથી સામે માણેકચોક અને જુમ્મા મસ્જિદ વચ્ચે આવેલાં મકાનોની લાઈટો જોતો ઉભો. સાડાનવ દસ થયા અને ત્યાંની અગાશીઓમાં લોકો દેખાવા લાગ્યા. ત્યાં સુતા હશે એમ લાગ્યું. કોઈ પોતાના ઘરના ઝરૂખે બેઠેલા કે હિંચકે હિંચકતા દેખાયા. કોઇ કહી શકે કે સવારે દસથી રાત્રે મોડે સુધી કીડીયારું ઉભરાયું હોય એવા માનવ મહેરામણથી વ્યસ્ત રહેતી આ જગ્યા છે!

ગાંધીરોડ બ્રાન્ચની સહેજ પહેલાં માણેકચોકની રાત્રી ખાણીપીણી બજારની એન્ટ્રી છે પણ એ અહીંથી દેખાતી ન હતી.


ટ્રાન્સપોર્ટ વાળાનો ફોન આવ્યો કે અમે જુનું સૉર્ટર શિવરંજનીથી ઉપાડ્યું છે અને અગીયાર બાર વચ્ચે નિકળશું. મેં એ આર્કિટેક્ટ અને ભાલીયા સરને જણાવી દીધું. સરે તો કહ્યું કે તેઓ જાગે જ છે. ગમે તેટલા વાગ્યા હોય તેમને ફોન કરવો. પેલો દાણચોરીનો માલ કાંઠે ઉતરતો હોય ને શશીકપુર પિસ્તોલ લઈ સાવધ ઉભો હોય એમ હું સાવધ થઈ ગયો.

એન્જીનીયરનો મોબાઈલ રણક્યો. ત્યાં શિવરંજની જૂની ઓફિસથી બારી ખોલી, બાંધી સોર્ટર નીચે તો ઉતાર્યું પણ ટ્રકમાં ચડાવવામાં કોઈ મોટો પ્રોબ્લેમ હતો. તે કામ પડતું મૂકી દોડતો ગયો પણ એ પહેલાં મને હથોડીની વ્યવસ્થા કરવા કહેતો ગયો. બધે સાણસી ન ચાલે. હું નીચે ઉતર્યો. લિફ્ટ રાત્રે બંધ. અંધારામાં પગથિયાં પણ દેખાય નહીં. મોબાઇલની લાઇટે. બીજે માળ તો દાદરા વચ્ચે ભંગાર પડેલો. પ્લાયવુડનાં પાટિયાં અને એવું બધું.એક હાથે મોબાઈલ ટોર્ચ પકડી, પછી એને દાંત વચ્ચે રાખી બે હાથે મારો જવાનો રસ્તો કરી થોડા ભંગાર ઉપર કૂદીને હું નીચે પહોંચ્યો. વિઝીટર બેન્ચ પર સુતેલા ચોકીદારને જગાડ્યો. એનો હાથ ઊંઘમાં પણ બાજુમાં પડેલી એની ગન પર ગયો. મેં હથોડી માંગી. બ્રાન્ચમાં હોય જ. એને ખ્યાલ નહોતો. હું બધું રેઢું મુકી બહાર નીકળ્યો. નજીકમાં જ હાર્ડવેર બજાર પણ અત્યારે દુકાન કઈ ખુલ્લી હોય? બાજુની શેરીમાં એક પતરાંના શેડ નીચે એક લાઈટ દેખાઈ. કંઈક ખાવા પીવાની સામગ્રી રંધાઈ રહી હતી. એકદમ મોટાં તપેલાંઓમાંથી ડબ્બાઓમાં ઠલવાઇ રહ્યું હતું. મેં તેમને વાત કરી એક નાની હથોડી બેંક માટે જોઈએ છીએ એમ કહ્યું. તેમને શક પડ્યો કે હું ધાડપાડુ તો નથી? એક હથોડી લઈ તે ખાતરી કરવા મારી સાથે બેંકમાં આવવા નીકળ્યો પણ તે દરમ્યાન મેં એન્જીનિયરને ટ્રાન્સપોર્ટવાળા સાથે ટ્રક પાછી લઈ કે ઉભી રાખી ત્યાં જૂની ઓફિસમાંથી હથોડી અને તોડફોડ માટે જોઈએ એવું લઈ આવવા કહ્યું.


હવે બે હથોડી હતી. તે અગમચેતી વાપરી સ્ક્રુ ડ્રાઇવર ને એવું પણ લઈ જ આવ્યો. મેં ત્યાં લારીઓ પાસે પડેલી બે ચાર ઈંટ લઈ લીધી. પેલા પ્લાયવુડના એક બે મોટા ટુકડા પણ અંધારામાં જઈ લઈ આવ્યો. પેલો ચોકીદાર ફરી ઊંઘી ગયેલો તેને મેઈન ડોર ઘણધણાવી જગાડ્યો અને લિફ્ટ પણ ચાલુ કરાવી.

એક જેવો વાગ્યો હશે. એન્જીનીયર આગળ બાઇક પર આવી પહોંચ્યો. પાછળ ટ્રક આવતી હતી. અહીં ઉપર ચોથે માળથી મને પોઢી ગયેલા ગાંધીરોડની પીળી લાઈટો અને મકાનોમાં ટમટમતી લાઈટો દેખાતી હતી.

રાજેશ બાઇક તો ગાંધીરોડથી લઈને દોડેલો એટલે એણે પાછી લાવવી જ પડે. ટ્રક પાછળ અત્યંત સાચવીને આવતી હતી.

પોણા બે. નીચે ટ્રક ઉભી રહી. પુંઠાઓમાં વીંટેલું એક રૂમ જેટલું લાબું સોર્ટર આવી પહોંચ્યું. દોરડાંઓથી વીંટેલું. ચાર મજૂરોએ ઉતાર્યું. મેં ફરી ચોકીદારને ઉઠાડ્યો. તેણે મોટો મેઈન ગેઇટ ખોલ્યો. સોર્ટર અંદર આવ્યું. તરત જ મજૂરો ડાબી બાજુના દાદરા તરફ વાળવા ગયા, આગળ પાછળ થયા. દાદરો પહોળો તો સોર્ટર જાય એટલો જરૂર હતો પણ દસ બાર પગથિયાં પછીનો વળાંકનો ખૂણો અને એની ઉપરની ભીંત માં થઈ સોર્ટર પસાર થાય એમ ન હતું. મેં તરત આર્કિટેક્ટ સહીજવાણીને ફોન કર્યો. તેમણે કહ્યું કે પાછળથી લાવી લિફ્ટમાં ઉભું કરી જુઓ. એન્જીનીયરે લિફ્ટની હાઈટ માપી. જુની લિફ્ટ હોઈ ખાસ્સી પહોળી હતી જેમાં સોર્ટર ત્રાંસુ, ત્રિકોણના કર્ણની જેમ કદાચ ગોઠવાઈ શકે પણ દરવાજાની ફ્રેમ નડતી હતી. મજૂરો ફરી તેને બહાર લાવ્યા.


ફરી દોરડાં ટાઈટ કર્યાં. હવે સહીજવાણી કહે બે મજૂરો નીચેથી લાકડા કે પાઇપનો ટેકો આપે અને બે મજૂરો ઉપરથી ખેંચે.

મહા મહેનતે એ સોર્ટર અર્ધો ફૂટ ઊંચું થયું. પાછું આગળ છજું હતું જેના ઉપર બે ચાર લોખંડના સળિયા ડોકાતા હતા. એમાં ભરાયું તો આવી બન્યું. સળીયા વચ્ચે આવવાની પુરી શકયતા હતી. સહેજ પણ ક્યાંક અડે તો સોર્ટરમાંનો એક પાર્ટ નકામો થાય યો આખું સોર્ટર ગયું સમજો.

પરિસ્થિતિ ખૂબ ક્રિટિકલ બની ગયેલી. ન એને રસ્તે રખાય, ન બીજે કોઈ રસ્તે અંદર લેવાય. મેં વળી છોકરું પપ્પાને બોલાવે એમ રાતે અઢી વાગે ભાલીયાસાહેબને ફોન કર્યો. આમ તો મુશ્કેલીથી માહિતગાર કરવા જ. હું કંઈક કરીશ તેવો તેમને મેં સધિયારો આપ્યો. તેઓ કહે ઘસરકો પડે તો પહોંચી વળાશે પણ 36 માંથી એક પણ પોકેટ પાસેથી વળશે તો મૂળ કીંમત એક કરોડનું સોર્ટર સાવ નકકામું! તેમણે એન્જીનીયર સાથે પણ વાત કરી. મને કહે હું ત્યાં આવું પણ આમાં ઉપર ચડાવવામાં હું શું કરી શકું? Take care and try. Best luck. And inform me whatever happens.

એન્જીનીયર રાજેશ 26 વર્ષનો મણિપુરી હતો. સાઈડમાંથી પંજાબી જેવો ને સામેથી ચીની જેવો દેખાતો. ખૂબ સહકાર આપતો. થોડું વિચારી કહે સર, તમે પેલી મોટી હથોડી આપો. આ સળિયા પર તમે ઈંટ જેવો પથરો મારો અને આ બે પર હું.

બારી બહારના સ્લેબના સળિયા પર ઇંટ અને હથોડી મારી રાજેશે એને સાઈડમાં વાળ્યા. મને કહે ખોલો બારી. ત્રણની સ્ટોપર ખોલી છે, બીજી બધી જ ખોલો. હું એટલી વારમાં સળીયા હજી સાઈડમાં વાળું છું.

મેં બીજી જેટલી બારી હતી એ ખોલી નાખી. 1942 કે તે પહેલાં બનેલું મકાન. બે ફૂટ જેવી બારીની ભીંતની પહોળાઈ હતી. અત્યંત મજબૂત. પેલા સ્લેબના સળીયા પણ માંડ વળ્યા.

એણે ત્રણ મજૂરો નીચે રખાવી પોતે અને એક મજુરે મળી સોર્ટર ખેંચાવ્યું. મને કહે હવેની દસ મિનિટ ખરાખરીની છે. એક.પણ કાંકરો કે કાચ નીચે કે બારસાખ પર ન રહે. હું એ સાફ કરતો રહ્યો. મારા બુટથી. સોર્ટર લગભગ ઊંચે આવી ગયું પણ ઓચિંતું ફરી નીચે સરકવા લાગ્યું. ભેગો રાજેશ ખેંચાયો. મેં એ પડે તે પહેલાં એને પાછળથી બથ ભરી લીધી. આ ટેંશનમાં પણ તેણે થેન્ક્સ કહ્યું.

સોર્ટર ખૂણાભેર છજાના સ્લેબ પર ટેકવાયું. ધબ્બ કરતું પડે નહીં એટલે તાત્કાલિક એને માટે રેડ તો નહીં, બ્રાઉન પુંઠાઓની કાર્પેટ પાથરી. વેલકમ સોર્ટર, બેંકની બેકઅપ સાઈટની આબરૂ!

મજૂરોને મેં અંદરથી દાદરા પર થઈને ઉપર બોલાવ્યા. પેલા બીજા માળ વચ્ચે ધ્યાન રાખી ભંગાર પરથી કૂદીને આવવા કહ્યું. હવે પાછળ છજાની ધાર પર, ચોથે માળ, નીચે સોલિડ પથ્થરની ફૂટપાથ હતી તેમાં અર્ધા પગ ટેકવી મજૂરોએ પાછળથી ધક્કો માર્યો. આગળથી એક મજુર, રાજેશ અને મેં દોરડું ખેંચી હેઇસો.. કર્યું. સોર્ટર આવ્યું એમ લાગ્યું ત્યાં રાજેશની રાડ ફાટી, "સ્ટોપ, સ્ટોપ. બારીની ફ્રેઇમની લોખંડની પટ્ટી ઉપર નીચે આડી આવે છે."

મજૂરો અટકી ગયા.રાજેશને પરસેવો વળી ગયો. આ છેલ્લા રસ્તે પણ સહેજ માટે અટક્યા! સાડાછફૂટની બારી અને કદાચ કુલ બરાબર સાડા છ ફૂટની ઊંચાઈ વાળું સોર્ટર! એને ઉપર નીચે બેય તરફ બારીની લોખંડની ફ્રેમ સ્હેજમાં નડી.

વળી રાતે સાડા ત્રણે મેં સહીજવાણી આર્કિટેકટને ઉઠાડ્યા. એ કહે ભીંતનું માપ તેમણે લીધું જ હતું. સવારે કોઈ ફ્રેમ તોડી બારી કાઢે તો જ થાય. પણ વચ્ચે ફસાઈ ગયેલું એનું શું? સોર્ટર એ માંડ દોઢ ફૂટના છજા પર ટેકવાય એમ ન હતું. ઉભું એન્ટર કરાવતા હતા તેમાંથી ચૌદ ફૂટનું આડું પણ થાય એમ ન હતું.

રાજેશે વળી હિંમત કરી. 'નીચે રબરનાં વ્હીલ ફીટ કરવાના સ્લોટ જળવાઈ જાય અને જો ઉપર કોઈ કપડું કે પ્રોટેક્શન આવી જાય તો આસ્તે આસ્તે એક એક ઇંચ કરી આ ચૌદ ફૂટ લાંબી ચીજ ઘુસાડી શકાય. કોમ્પ્યુટર્સ આવ્યાં હતાં તે એર બબલ વાળી બે ચાર શીટ સેલોટેપ જેવું લગાવી સોર્ટરને માથે ચાદર ઓઢાડી. નીચે જેટલા પસ્તી કે પૂંઠાના ટુકડા મળ્યા તે અમે બેએ મળી 36 પોકેટો નીચે એ રાક્ષસી ગોકળગાયના પગો ઉપર વીંટયા. બાજુની બારીમાંથી રાજેશ અંદર ગયો અને બૂમ પાડી પાછળથી ધક્કો લગાવવા મજૂરોને કહ્યું.

સોર્ટરની આગલી અણી આખરે ઘુસી. આસ્તે આસ્તે એને થોડું અંદર લાવ્યા. નીચે હું અગમચેતી વાપરી બીજે માળથી પ્લાયવુડના ટુકડા લાવેલો એ પાથર્યા. સોર્ટર જેમ અંદર જતું જાય તેમ બહાર છજા પર પાથરેલ પુંઠાઓની જરૂર ત્યાં ન રહે. એ મારે એકએક કરી ઉઠાવી બાજુની બારીમાંથી અંદર ફેંકવાના. એ રાજેશ લઈ અંદર નીચે પાથરતો જાય. ત્રાંસુ સીધું થતું સોર્ટર એકાદ કલાકે અંદર આવ્યું.

છેલ્લું પોકેટ. એ.. ભરાયું. આગળથી તો ખેંચાઈ ચુકેલું. એટલે સહેજ ત્રાંસુ હતું જે ફ્રેઇમમાં અટકી ગયેલું. હું બહાર છજા ઉપર ને રાજેશ અંદર. ફરી અમારા બેયના શ્વાસ અધ્ધર. જો બેન્ડ થયું તો અમારૂં બેન્ડ વાગી જાય.

'સર, સહેજ જોર કરી પુશ કરો. અહીં હું મુકાવી શકીશ.' બે હાથે સર્વરની નીચે સપોર્ટ આપતાં તેણે હાંફતાં હાંફતાં કહ્યું.

જોર, એ પણ આટલી સેન્સિટિવ ઇલેક્ટ્રોનિક, વજનદાર ચીજ માટે કેટલું કરવું?

અને હવે અંતિમના પણ અંતિમ તબક્કે સહેજ પણ નુકસાન થાય તો બધી મહેનત નકામી.

મેં બહારથી બંધ બસને ધક્કા મારીએ એમ પુશ કર્યું. રાજેશ 26નો અને ઠીકઠીક મજબૂત. હું તો 54 વર્ષનો અને એકવડીયો.

'સર, બસ એક જોરદાર ધક્કા લગાઓ. હમ ચાર લોગ ઇસે અંદરસે પકડે હૈ.'

ધક્કો..બસ એક. સફળતા અને નિષ્ફળતા વચ્ચેનો. હાંસી અને પ્રશંસાઓ વચ્ચેનો. બેંકની આબરૂનો. અને.. રૂ. એક કરોડનો! વીમો હશે પણ જો આમ કરતાં નુકસાન થયું તો? વીમા કંપની આપે? અને અમારા બેકઅપ સાઇટના રન રખડી પડે એનું શું?

રાજેશે આખું સોર્ટર બને એટલું ઊંચકેલું અને મજૂરો સાથે મળી અંદર આગળ સરકાવતો હતો. બહાર મારે જ જોર કરવાનું હતું. એક મજૂર ફ્રેઇમ પર પુંઠું દબાવી ઉભેલો.

કોણ જાણે કયાંથી હિંમ્મત આવી. હું ઊંધો ફર્યો. સહેજ બેલેન્સ જાય તો મોં ભર નીચે પથ્થરની ફૂટપાથ પર પડું. ચાર માળ ઊંચેથી. મેં એક ઊંડો શ્વાસ લીધો અને ભગવાનનું નામ લઈ મારી પીઠ અને ઢેકેથી માર્યો જોરથી.. એ એક કરોડ નો ધક્કો!

પાછળથી ટકક.. અવાજ, પતરું પડયાનો 'ટોન્ગ' અવાજ અને મારા ખભેથી, નાકમાં સિમેન્ટ મિશ્રિત ધૂળ સાથે નીચે પડ્યો પૂંઠા અને એર બબલ શીટનો ટુકડો. નીચે પડતાં ઉડયો બહાર તરફ.

હું ઊંધો ફરું ત્યાં રાજેશની તાળીઓ.

"વેલ ડન સર. આપકા એક કરોડ કા ધક્કા સફલ રહા. સોર્ટર સક્સેસફૂલી લેન્ડ હુઆ."

જો એ વખતે છેલ્લું પોકેટ બેન્ડ થયું હોત કે સોર્ટરમાં ત્યાં ગોબો પડ્યો હોત તો કદાચ મંગળ પર બે ત્રણ ફૂટથી મિશન ફેઈલ થયેલું એવું થાત.

હું બારીમાંથી અંદર આવું ત્યાં ધૂળવાળાં પેન્ટમાંથી ફોન રણક્યો. આર્કિટેક્ટ સહીજવાણી. મારો લાંબો સમય ફોન ન આવ્યો એટલે એમણે કર્યો.

"જસ્ટ કમ્પ્લીટેડ. એવરીથિંગ ઓકે." મેં કહ્યું. જો આ છેલ્લો રસ્તો ન થયો હોત તો કોઈ રિસ્ક લેવાને બદલે એ જ ટ્રકમાં સોર્ટર પાછું શિવરંજની લઈ જઈ, એ જાડી દીવાલ તોડવા ખાસ માણસો બોલાવી પછીથી કરવા તેમણે રાતે સાડાત્રણે ડે. રિજી. મેનેજર ભાલીયા સાહેબ સાથે વાત કરી લીધેલી. મેં સાહેબને ફોન કર્યો, એન્જીનીયરે એની દિલ્હી ઓફિસને.

અમે તાળું દઈ નીચે ઉતર્યા ત્યારે ખૂબ થાકેલા હતા. સવારે પાંચ વાગી ચૂકેલા. કોઈક ચાની કીટલીના સ્ટવનો ભર.. અવાજ ખાંચમાંથી આવતો હતો અને દૂધની ટ્રકો શરૂ થઈ ગયેલી. અમે ગુડનાઈટ કહી છુટા પડ્યા. નહેરુબ્રિજ પરથી પસાર થયો ત્યારે પૂર્વાકાશમાં અજવાળાંની તૈયારી હતી.

આજેય, દસ વર્ષ પછીયે એ બધા સીન ચલચિત્ર પેઠે મનોચક્ષુ સમક્ષ સ્પષ્ટ જોઈ શકું છું અને યાદ છે એ જોર કરી, જોખમ લઈ મારેલો એક કરોડનો ધક્કો.