Aukaat - 33 books and stories free download online pdf in Gujarati

ઔકાત – 33 (અંતિમ ભાગ)

ઔકાત ભાગ – 33 (અંતિમ ભાગ)

લેખક – મેર મેહુલ

(એક મહિના પહેલા)

શ્વેતા મુંબઈથી આવી તેને બે દિવસ થયા હતાં. કેશવ સાથે ઝઘડો કરીને ઘરે આવી હતી અને બળવંતરાયને બધી વાત કહીને એ પોતાનાં રૂમમાં ગઈ હતી. નીચે સ્ટોર રૂમમાં તેની થોડી પુરાણી ચીજ હતી એ લેવા શ્વેતાં નીચે આવી અને સ્ટોર રૂમ તરફ આગળ વધી. સ્ટોર રૂમ પાસે પહોંચી ત્યારે તેને માલુમ પડ્યું કે રૂમનો દરવાજો અધુકડો ખુલ્લો છે અને અંદર કોઈ વ્યક્તિ હાજર છે. તેણે દરવાજામાંથી ડોકિયું કર્યું, અંદર બળવંતરાય કોઈની સાથે વાતો કરી રહ્યા હતાં.

“હવે એ સમય આવી ગયો છે, શ્વેતા પણ મુંબઈથી આવી ગઈ છે અને જયુને પણ મેં શિવ ટેકરીવાળા ફાર્મે મોકલી દીધો છે. એકસાથે બંનેને ખતમ કરીને બધી જાગીર હું મારાં દીકરાને સોંપીને નિવૃત થઈ જઈશ” બળવંતરાયનો અવાજ શ્વેતાનાં કાને પડ્યો.

“દોલત માટે તમારાં દીકરા-દીકરીને મારવા યોગ્ય રહેશે ?, થોડો સમય જવા દો. પછી વિચારીશું” કોઈ સ્ત્રીનો અવાજ શ્વેતાને સંભળાયો.

“એ બંને મારાં સગા દીકરા-દીકરી નથી એ વાત તું જાણે છે. મારી બીજી પત્ની તેઓને દહેજમાં સાથે લાવી હતી, અને કેટલા દિવસ તને આમ ચોરી-છુપે મળતો રહીશ. એકવાર એ બંને ઠેકાણે લાગી જાય તો મારા દીકરાને આ બધું સોંપીને બાકીનું જીવન હું તારી સાથે પસાર કરવા ઈચ્છું છું” બળવંતરાયે કહ્યું.

બળવંતરાયની વાત સાંભળીને શ્વેતા માથે આભ તૂટી પડેલું. પોતે એની સગી દીકરી નથી એ વાત તો જગજાહેર હતી પણ તેનાં પિતાએ પોતાને સગી દિકરીથી વિશેષ ઉછેરી હતી. એક વસ્તુ મંગાવે બે હાજર કરતાં, કોઈ દિવસ કોઈ પાબંધી નહોતી રાખી અને અત્યારે તેનાં વિરુદ્ધ કાવતરું રચાય રહ્યું હતું.

શ્વેતા ચુપચાપ ત્યાંથી નીકળી ગઈ. રૂમમાં આવીને તેણે એક કાગળ લખ્યો, જેમાં બળવંતરાયનાં બધા મનસૂબા તેણે જાહેર કર્યા હતા. આગળ જતા જો પોતાની સાથે કોઈ ઘટના બને અને પોતે આ વાત જણાવવા હાજર ના રહે તો જ્યારે આ કાગળ કોઈનાં હાથમાં આવે ત્યારે બળવંતરાયનો અસલી ચહેરો બધા સામે આવી શકે એમ વિચારીને તેણે એ કાગળ એક બુક વચ્ચે છુપાવી દીધો.

શ્વેતાને મન તેણે બધી વાત સાંભળી એ બળવંતરાયને નહોતી ખબર પણ બળવંતરાયનાં નોકર ગોપાલ શ્વેતાને જોઈ ગયો હતો. ગોપાલ માત્ર બળવંતરાયનો નોકર નહોતો. બળવંતરાય વિરુદ્ધ કોણ-શું વિચારે એની બધી ધ્યાન એ રાખતો હતો. ગોપાલે બળવંતરાયને જઈને વાત કરી અને એ દિવસે એક યોજના ઘડાય. એકસાથે બધા જ દુશ્મન રસ્તામાંથી હટાવવાની ખૂની યોજના.

એ યોજનામાં ઘણાં એવા બેકસુર લોકો ફસાવવાનાં હતાં જેનો તેઓએ સ્વપ્નેય વિચાર નહિ કર્યો હોય. યોજનાનું પહેલું પાસું હતો કેશવ. બળવંતરાયે ખૂબ ચાલાકીથી કેશવને પોતાની દીકરીનો અંગરક્ષક બનાવી લીધો જેથી આગળ જતાં શ્વેતાની હત્યા બાદ બધો આરોપ કેશવ પર રાખી શકાય.

ત્યારબાદ પોતાનાં અંગત એવા મંગુને કહીને તેણે બે એવા છોકરાને બોલાવ્યા જે શિવગંજનાં નહોતાં. એ બંને અજિત અને રોનક હતાં. મંગુનાં કહ્યા અનુસાર, અજિત અને રોનક મુંબઈનાં લોકલ ગુંડા હતાં. સુપારી લઈને તેઓ નાના-મોટા મર્ડર કરતાં હતાં. બળવંતરાયે જ્યારે પહેલીવાર બંનેને જોયા ત્યારે તેને એ બંને ધનિકવર્ગનાં છોકરાં હોય એવું લાગ્યું હતું. એ બંને કામને લાયક છે કે નહીં એ તપાસવા માટે બંનેને બદરુદ્દીનનાં માણસો પર હુમલો કરાવ્યો હતો.

જ્યારે બળવંતરાયે લાશોના ઢગલાનાં ફોટા જોયા ત્યારે તેને ખાતરી થઈ ગઈ હતી. બળવંતરાય ખૂબ શાતિર હતો, આડકતરી રીતે તેણે બદરુદ્દીન અને શશીકાંતને પણ આ યોજનામાં શામેલ કરી લીધાં હતાં. બંનેના માણસો પર હુમલો થાય અને એનાં જવાબમાં બંનેમાંથી કોઈ એક બળવંતરાય સાથે બદલો લેવાનાં ઈરાદાથી શ્વેતાની હત્યા કરી નાંખે એમ વિચારીને તેણે શશીકાંતનાં માણસો પર પણ હુમલો કરાવ્યો.

એક સાથે તેણે ઘણાબધા લોકોને ફસાવવાની યોજના બનાવી હતી. કેશવને જે પિસ્તોલ આપવામાં આવી હતી એવી જ પિસ્તોલ અજિત અને રોનકને પણ આપવામાં આવી હતી. જેથી આગળ જતાં જો ઇન્કવાઇરી થાય તો કેશવ પર આરોપ લગાવી શકાય. આ જો અને તોનાં ઓરડામાં બળવંતરાયે પોતાને પણ કેદ કરી દીધાં હતાં. રીટા સામે શ્વેતાને પ્રેગ્નન્ટ બતાવીને પોતે પણ શંકાનાં દાયરામાં આવવા ઇચ્છતા હતા.

યોજના અનુસાર શ્વેતાને તેનાં જન્મદિવસનાં આગળનાં દિવસે જ ખતમ કરી દેવાની હતી અને એ માટે બળવંતરાયે શ્વેતાને બહાર લઈ જવાનો પ્રયાસ પણ કર્યો હતો. ખરાબ નસીબને કારણે એ દિવસે જ અજિતની તબિયત લથડી હતી અને એ કામ થતાં થતાં અટકી ગયું હતું.

બીજા દિવસે, એટલે કે પોતાનાં જન્મદિવસનાં દિવસે જ્યારે શ્વેતાએ પોતે કેશવને પસંદ કરે છે એ વાત બળવંતરાયને જણાવી ત્યારે બળવંતરાયે તાત્કાલિક પ્લાન – બી અમલમાં મુક્યો હતો. રાત્રે બધા મહેમાનો આવવાનાં હતાં. મહેમાનોમાં બદરુદ્દીન, શશીકાંત અને કેશવ પણ આવવાનાં હતાં.

બળવંતરાયે એક તીરથી બે નિશાન મારવાનું નક્કી કર્યું, પહેલાં ગોપાલ દ્વારા શ્વેતાનાં રૂમમાં પ્રેગેન્સી કીટ રખાવી અને ત્યારબાદ હવેલીનાં ગુપ્ત રસ્તેથી અજિતને અંદર બોલાવી લીધો. શ્વેતાની હત્યા થશે એટલે હાહાકાર મચશે એ બળવંતરાય જાણતાં હતાં. પોલીસ તપાસમાં જો શ્વેતાએ સ્યુસાઇડ કર્યું એવું સાબિત થાય તો બળવંતરાયને કોઈ ચિંતા જ નહોતી અને જો હત્યા સાબિત થાય તો શંકાનાં દાયરામાં એકસાથે ઘણાં લોકો આવે અને પોતે બચી જવાના હતાં.

યોજના અનુસાર કેશવ શ્વેતાનાં રૂમથી બહાર નીકળ્યો ત્યારબાદ ગોપાલ શ્વેતાનાં રૂમ પાસે ગયો હતો. એ દરમિયાન અજિત ગોપાલની બાજુમાં દીવાલ સાથે છુપાઈ ગયો હતો. ગોપાલે શ્વેતાને અવાજ આપ્યો અને બારણું ખોલવા કહ્યું. શ્વેતાએ જેવું બારણું ખોલ્યું એટલે અજિતે તેનાં કપાળે પિસ્તોલ રાખી દીધી અને શ્વેતાને અંદર જવા ઈશારો કર્યો.

અજાણ્યા વ્યક્તિને પોતાનાં પર પિસ્તોલ તાંકેલી જોઈને શ્વેતા ગભરાઈ ગઈ હતી, પોતાની સામે મોત ખડું હતું એ શ્વેતા જાણતી હતી અને આ કામ તેનાં પિતાએ જ કરાવ્યું હશે એ પણ. કેશવ સાથે લગ્ન કરવા એ માટે જ શ્વેતા કરગરતી હતી.(પિતાથી છુટકારો મેળવવા)

અજિતે શ્વેતાને નીચે બેસારી અને નીચે તરફ નાળચુ રાખીને શ્વેતા પર ગોળી ચલાવી. શ્વેતા ત્યાં જ મૃત્યુ પામી. ગોપાલે ઝડપથી અજિતને પાછળનાં રસ્તેથી હવેલી બહાર મોકલી દીધો અને શ્વેતાએ બુક વચ્ચે જે કાગળ છુપાવ્યો હતો તેને ગજવામાં સરકાવીને નીકળી ગયો.

ત્યારબાદ રીટા રૂમમાં આવી હતી, શ્વેતાની લાશ જોઈને પહેલા તો ગભરાઈ જ ગઈ હતી પણ બળવંતરાયે જેવી રીતે તેને મેન્યુપ્લેટ કરી એ હિસાબે શ્વેતા આપઘાત કરે તેની આશંકા રીટાને હતી જ. રીટાએ સ્કેલ વડે ડ્રોવર ખોલવાની કોશિશ કરી પણ બળવંતરાયે જાતે જ એ ડ્રોવરને લોક કરાવ્યું હતું તો ડ્રોવર ખુલવાનો સવાલ જ નહોતો.

કોઈ રૂમમાં આવતું નથી એ જોવા રીટા બારણે ડોકિયું કરવા ગઈ અને એ જ સમયે દૂરથી તેણે ગોપાલ હાથમાં પાણીની પ્લેટ લઈને આવતો નજરે ચડ્યો. રીટા મુંઝાઈ, શું કરવું એ તેને ન સમજાયું. આખરે બેહોશ થવાનું નાટક કરીને એ ત્યાં ઢળી ગઈ.

ત્યારબાદનાં થોડાં દિવસોમાં બળવંતરાયે રૂપિયો પાણીની જેમ વહાવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શ્વેતાને પ્રેગ્નેટ જાહેર કરવા તેણે ડોક્ટરને પાંચ લાખ રૂપિયા આપ્યા, રણજિત ઇન્કવાઇરીને લાંબી ખેંચે એ માટે તેને પણ એક લાખ રૂપિયા આપવામાં આવ્યાં.

ગોપાલ શાતીર હતો. તેણે પેલાં કાગળ વિશે બળવંતરાયને કશું નહોતું જણાવ્યું. આગળ જતાં મુસીબતનાં સમયમાં માલિકની દુઃખતી રગ હાથમાં રહે એ માટે તેણે કાગળને સાચવીને છુપાવી દીધો હતો.

શ્વેતાની હત્યાની ઇન્કવાઇરી નહોતી પતી એ પહેલાં જ બળવંતરાયે પોતાનાં માણસ મંગુનાં અપહરણનું નાટક રચ્યું. શ્વેતાનાં કેસ પરથી બધાનું ધ્યાન મંગુનાં અપહરણ પર જતું રહ્યું અને એ જ સમયે બળવંતરાયે અજિત દ્વારા જસવંતરાયની પણ હત્યા કરાવી દીધી.

ત્યારબાદ ગોપાલ દ્વારા બદરુદ્દીનને સંદેશો મોકલીને બદરુદ્દીનને શિવાય ફાર્મ તરફ બોલાવવામાં આવ્યો અને ત્યાં જ તેને ખતમ કરી દેવામાં આવ્યો.

અજિતનાં જણાવ્યા અનુસાર બધી જ હત્યાઓ બાદ કેશવની સાથે તેનો ભેટો થયેલો. બળવંતરાયે અજિતને એ બાબતે નિશ્ચિંત રહેવા કહેલું પણ જ્યારે કેશવે કાર્તિકેય હોટલમાં અજિતનો પીછો કર્યો હતો તેનાં બીજા જ દિવસે બળવંતરાયે પોતાનાં માણસો દ્વારા કેશવ પર હુમલો કરાવ્યો.

હવે માત્ર શશીકાંત એક જ બચ્યો હતો જે પાછળથી શિવગંજ મેળવવા માટે પ્રયત્ન કરી શકે એમ હતો. બળવંતરાયે અજિતની મદદથી તેને પણ પરલોક મોકલી દીધો.

*

બળવંતરાય રૂમમાં આમતેમ આંટા મારતાં હતાં. છેલ્લી ચાર કલાકથી પોલીસ તેની હવેલી પર નજર રાખે છે એની તેને ખબર હતી પણ શા કારણથી પોલિસ ચોરીછુપે નજર રાખીને બેઠી છે એ તે નહોતાં જાણતાં. અજિતનો ફોન આવ્યો અને ત્યારબાદની થોડી મિનિટો બાદ પોલીસ જતી રહી એ જોઈને બળવંતરાયે રાહતનાં શ્વાસ લીધાં.

અડધી કલાક પછી અજિત હવેલીએ આવ્યો અને બળવંતરાયનાં ચરણ સ્પર્શ્યા. બળવંતરાયે ડ્રોવરમાંથી ત્રીસ લાખ ભરેલું બેગ ટેબલ રાખ્યું.

“જરૂર પડશે તો બીજીવાર યાદ કરીશ, અત્યારે તમે લોકો નિકળો” બળવંતરાયે કહ્યું. અજિતે બેગ હાથમાં લીધું અને રહસ્યમય સ્મિત વેર્યું. અજિતનાં એ રહસ્યમય સ્મિત પાછળની મનશા બળવંતરાય નહોતાં સમજી શક્યા. એ કંઈ સમજે એ પહેલાં જ….

*

અજિત સાથે રોનક પણ હવેલીએ આવ્યો હતો. યોજના અનુસાર અજિત બળવંતરાયનાં રૂમ તરફ ગયો અને રોનક સ્ટોર રૂમ તરફ. સ્ટોર રૂમની બાજુમાં હવેલીની લાઈટોની મેઇન સ્વીચ હતી. અજિતે તે દિવસે કૉલ પર જે વસ્તુ મંગાવી હતી એ બેગ રોનક સાથે જ હતી. રોનકે બેગમાંથી પ્લાસ્ટિકનાં ગ્લવ્ઝ કાઢ્યાં અને હાથમાં પહેરી લીધાં. ત્યારબાદ ટેસ્ટર વડે મેઇન સ્વીચનું બોક્સ ખોલ્યું અને સ્વીચ નીચે પાડી દીધી.

બળવંતરાય કંઈ સમયે એ પહેલાં રૂમની લાઈટો બંધ થઈ ગઈ અને ચોતરફ અંધારું પથરાઈ ગયું. એ જ સમયે અજિતે બળવંતરાયનાં પેઢુંમાં એક લાત મારી. બળવંતરાય ફંગોળાઈને બે કદમ દૂર નીચે પટકાયા. તેઓને કળ વળે એ પહેલાં અજિતે બીજો વાર કર્યો. એ વાર બળવંતરાયની છાતી પર થયો હતો. અજિતે પગ ઉછાળીને બુટની એડી તેઓની છાતી પર મારી હતી.

‘આહહહ…’ બળવંતરાયનાં મોંઢામાંથી ચીસ નીકળી ગઈ.

રોનક પણ હવે રૂમમાં આવી ગયો હતો. અજિતે અને રોનકે મળીને બળવંતરાયને ઉભા કરીને ખુરશી પર બેસારી દીધાં.

“મને શા માટે મારો છો સાલાઓ, મેં તમારું શું બગાડ્યું છે ?” બળવંતરાય કણસતાં કણસતાં બોલ્યાં.

“ચૂપ…એક દમ ચૂપ” અજિતે બળવંતરાયને તમાચો માર્યો, બળવંતરાયનો ચહેરો ડાબી તરફ ફરી ગયો.

“મારો છો શા માટે !” બળવંતરાય ચિલ્લાયો.

“હું કોણ છું એ ખબર છે તને ?” અજિતે ગુરુર સાથે કહ્યું.

“કોણ ?”

“મોહનલાલનો પૌત્ર, જેને તમે બાવીશ વર્ષ પહેલાં મારવા કાવતરુ રચ્યું હતું એ જ મોહનલાલનો પૌત્ર” અજિતે કહ્યું.

“શું.. શું કહ્યું તે ?, મોહનલાલનો પરિવાર મારી નજર સામે બળીને ખાખ થઈ ગયો હતો. તું કહે છે એ વાત અશક્ય છે, અસંભવ છે”

“અજિત આની સાથે વાત કરવાનો કોઈ મતલબ નથી, જલ્દી ખતમ કર આને, નહીંતર પોલીસ આવી જશે” રોનકે કહ્યું.

“નહિ રોનક…જે વ્યક્તિને કારણે આપણે આટલું સહન કરવું પડ્યું એને જાણવાનો અધિકાર છે” અજિતે કહ્યું અને બળવંતરાય તરફ ઘૂમ્યો, “તમે લોકોએ જે પરિવારને મૌતને ઘાટ ઉતાર્યો હતો એ મારાં દાદાનાં પરમ મિત્ર નટવરલાલનો પરિવાર હતો અને તેનો પૌત્ર આ રોનક છે”

“બસ અજિત, થઈ ગયું તારું” રોનકે કહ્યું, તેનું શરીર ધ્રુજતું હતું, આંખોમાં અંગાર ભભકતા હતાં.

“એક મિનિટ…” અજિતે કહ્યું, “હજી એક કામ બાકી છે. બેગ લાવ”

રોનકે ખભેથી બેગ ઉતારીને અજિતનાં હાથમાં આપ્યું. અજિતે તેમાંથી એક કાગળ અને પેન કાઢી. બળવંતરાય તરફ પિસ્તોલ તાંકીને પેન અને કાગળ બળવંતરાય તરફ ધર્યા.

“શું લખવાનું છે ?” બળવંતરાય પૂછ્યું.

“આજ સુધી તે જેટલા ગુન્હા કર્યા છે એ બધા કબૂલ કર” અજિતે કહ્યું.

“તારે જે જોતું હોય એ હું આપવા તૈયાર છું, ભગવાન ખાતર મને બક્ષી દે” બળવંતરાય કરગર્યો.

“ચુપચાપ લખવા મંડ નહીંતર અત્યારે જ વીંધી નાંખીશ તને” અજિતે પિસ્તોલનું નાળચુ બળવંતરાયનાં કપાળે ટેકવીને કહ્યું.

બળવંતરાયે પેન હાથમાં લીધી અને લખવાનું શરૂ કર્યું. થોડીવારમાં બળવંતરાયે પૂરો કાગળ ભરી દીધો. અજિતે બીજો કાગળ આપ્યો.

*

મનોજ ચાલતી જીપે ઉતર્યો હતો. શશીકાંતની હવેલી પાસે જીપ પહોંચી એટલે જીપ ધીમી પડી હતી. મનોજ ચાલતી જીપે કૂદીને ઘરમાં દોડ્યો. શશીકાંતનાં રૂમની લાઈટો સગળતી હતી. અગ્રખંડ ચીરીને મનોજ શશીકાંતનાં રૂમમાં પહોંચ્યો. અંદરનો નજારો જોઈને મનોજે નિઃસાસો નાંખ્યો. તેની સામે શશીકાંત ચત્તેપાટ પડ્યો હતો. તેનાં શરીરમાંથી નીકળેલાં રક્તનું પાટોડું ભરાઈ ગયું હતું. મનોજે પોતાનાં માથે રહેલી કેપ ઉતારી અને નકારમાં ડોકું ધુણાવ્યું.

એ સમય દરમિયાન બાકીનો કાફલો પહોંચી ગયો. બધાએ શશીકાંતની લાશ જોઈને બીભત્સ ભાવ પ્રગટ કર્યો. સહસા મનોજ વિફર્યો, એ પવનની ગતિએ કેશવ પાસે પહોંચ્યો અને કેશવની કૉલર પકડીને તેણે કહ્યું, “આ બધું તે જ કર્યું છે ને !”

મનોજનાં બદલાયેલા વલણથી કેશવ ડઘાઈ ગયો. પોતાનો બચાવ કરવા તેણે શરીરને ઢીલું મૂકી દીધું.

“મેં કશું નથી કર્યું સર, તમે મારાં પર શંકા શા માટે કરો છો ?”

“તું આવ્યો પછી જ આ બધી ઘટનાં બની છે અને તે જ મને મૅસેજ કરીને બળવંતરાયની હવેલીએ આવવા કહ્યું હતું, જેથી અહીં આસનાથી શશીકાંતને મારી શકાય”

“હું તમારી સાથે જ હતો અને તમારી સાથે મને પણ એ મૅસેજ મળ્યો હતો તો હું કેવી રીતે આ બધું કરી શકું ?” કેશવે પોતાનાં બચાવમાં દલીલ કરી.

“તે કોઈને સુપારી આપી હશે અથવા કોઈની સાથે મળીને આ કામને અંજામ આપ્યું હશે. તું મોહનલાલનાં નાનાભાઈનો પૌત્ર છે. મોહનલાલનાં પરિવારનો બદલો લેવા આ બધું કર્યું છે તે”

“તમે બિનબુનિયાદી આરોપ લગાવો છો સર, હું મોહનલાલનાં નનાભાઈનો પૌત્ર છું એ વાત સાચી છે પણ હું અહીં તેઓનો બદલો લેવા આવ્યો એ વાત સરાસર ખોટી છે. અને જો મારે આ બધું કરવું હોત તો હું અત્યારે તમારી સામે ના ઉભો હોત. પોતાનું કામ નિપટાવીને ક્યારનો શિવગંજ છોડી ચુક્યો હોત” કેશવે કહ્યું.

“હજી બળવંતરાય જીવતા છે, એ જ તારાં મુખ્ય દુશ્મન છે. એને માર્યા સિવાય તું શિવગંજ ના છોડી શકે”

“એક..એક..એક મિનિટ” સહસા કેશવની આંખો ચમકી, “આપણને બેવકૂફ બનાવવામાં આવ્યાં છે. કોઈએ પહેલાં આપણને બળવંતરાયની હવેલી બોલાવીને શશીકાંતની હત્યા કરી દીધી અને હવે અહીં બોલાવીને…..”

મનોજને પણ લાઈટ થઈ, બળવંતરાયની હવેલીએ હાલ કોઈ નહોતું. બધી પોલીસ ફોર્સ અહીં હાજર હતી એટલે બળવંતરાય આસાન ટાર્ગેટ હતો.

“ચાલો જલ્દી સર, નહીંતર એનાં ખૂનનો આરોપ પણ તમે મારાં શિરે નાંખશો” કેશવે કહ્યું.

સેકેન્ડનાં છઠ્ઠા ભાગે ફેંસલો લેવામાં આવ્યો. થોડાં હવલદારોને શશીકાંતની હવેલીએ રાખીને બાકીનો કાફલો ફરી બળવંતરાયની હવેલી તરફ રવાના થઈ ગયો.

રાતનો એક થવા આવ્યો હતો, સુમસાન સડક પર ત્રણ જીપ પવનની ગતિએ શિવગંજ તરફ આગળ વધી રહી હતી. કોઈ નહોતું જાણતું કે બળવંતરાયની હવેલીએ શું મળવાનું છે પણ એક કડી મળવાની આશાએ બધાં દોડી રહ્યાં હતાં.

બરોબર દોઢને પાંચ મિનિટે બળવંતરાયની હવેલી બહાર ત્રણ જીપ આવીને ઉભી રહી. મનોજ પહેલાની માફક પરસાળ ચીરીને હવેલીમાં ઘુસી ગયો.

*

બળવંતરાયે પુરા ચાર કાગળમાં પોતાનો ગુન્હો કબુલ્યો હતો. અજિતે એ ચારેય કાગળને સ્ટેપલર મારીને મેજ પર રાખી દીધાં. ત્યારબાદ રોનકનાં હાથમાં પિસ્તોલ આપીને તેણે કહ્યું, “આ તારો ગુન્હેગાર છે, આપણે નક્કી કર્યું હતું એ રીતે મૌતને ઘાટ ઉતારી દે આ નરાધમને”

બળવંતરાય જિંદગીની ભીખ માંગતો રહ્યો પણ તેની જિંદગીનો હિસાબ થઈ ગયો હતો, શ્વાસ લેવા માટે હવે તેની પાસે સમય નહોતો. રોનકે બળવંતરાયનાં નમણે પિસ્તોલ રાખી અને ટ્રિગર દબાવ્યું, તેની સાથે જ પિસ્તોલમાંથી ગોળી છૂટી અને બળવંતરાયનાં નમણાને ચીરતી માથામાં ઘુસી ગઇ. એ સાથે જ બળવંતરાયનાં રામ રમી ગયાં, એ ફર્શ પર અથડાયો.

સમય ઓછો હતો, પોલીસ ગમે ત્યારે અહીં પહોંચી શકે એમ હતી એટલે રોનકે બધાં ફિંગરપ્રિન્ટ્સ મીટાવવાનું કામ કર્યું અને અજિતે બળવંતરાયનાં હાથમાં પિસ્તોલ રાખી દીધી, તેની સાથે બળવંતરાયે લખેલા કબુલાતનાં કાગળ પાસે બીજો એક કાગળ રાખી દીધો.

રોનકે બેગમાંથી બે બ્લેક સ્યુટ કાઢ્યાં, બંને ઝડપથી સ્યુટ પહેર્યા, ટોર્ચ લાઈટ બંધ કરીને રૂમ છોડીને બહાર નીકળી ગયાં.

*

બરોબર દોઢને પાંચ મિનિટે બળવંતરાયની હવેલી બહાર ત્રણ જીપ આવીને ઉભી રહી. મનોજ પહેલાની માફક પરસાળ ચીરીને હવેલીમાં ઘુસી ગયો.

અહીં પણ પહેલાની માફક બળવંતરાયની લાશ પડી હતી. કેશવે આ વખતે સંયમથી કામ લીધું. તેણે આજુબાજુ નજર ફેરવી. રૂમમાં બધી વસ્તુઓ જેસી-થીની સ્થિતિમાં હતી. રાવતે બળવંતરાયનાં શરીર પર ઊડતી નજર ફેરવી. તેનાં શરીર પર પણ એવી કોઈ ઇજાનાં નિશાન નહોતાં. બળવંતરાયનાં નમણે ગોળી લાગેલી હતી, હાથમાં એક પિસ્તોલ હતી, જેની પકડ ઢીલી થઈ ગઈ હતી.

મનોજે આગળની તપાસ હાથ ધરી, તેની નજર ખૂણામાં રહેલાં ટેબલ પર પડી. ત્યાં કાચનાં બોલ નીચે થોડાં કાગળો પડ્યા હતાં. રાવતે એ કાગળ હાથમાં લીધાં.

‘હું બળવંતરાય મલ્હોત્રા આજે આત્મહત્યા કરવા જઈ રહ્યો છું, છેલ્લાં ત્રીસ વર્ષથી મેં જેટલા પાપ કર્યા છે તેનો ગુન્હો હું કબૂલ કરું છું. મારાં શેઠ મોહનલાલનાં પરિવારને મેં દગાથી મારી નાંખ્યો હતો અને શિવગંજની ગાદી છીનવી લીધી હતી. ત્યારબાદ મેં ગાંજાનો વેપાર શરૂ કર્યો હતો. છેલ્લાં વિશ વર્ષથી મેં અઢળક લોકોને ગાંજાનાં વ્યસની બનાવ્યા છે. મેં જ મારી પારકી દીકરી અને દીકરાની હત્યા કરાવી છે, સાથે બદરુદ્દીન અને શશીકાંતની હત્યા પણ મેં જ કરાવી છે. હું આંધળો થઈ ગયો હતો, રૂપિયાની લાલચ અને દીકરાનાં ભવિષ્યની ચિંતામાં મેં આ બધાં કાર્ય કર્યા છે. હું જ આ બધી ઘટનાઓ પાછળ જવાબદાર છું અને અત્યારે મને પારાવાર અફસોસ થઈ રહ્યો છે.

હું પોતાની ઇચ્છાએ પોતાની જિંદગીનો અંત કરવા જઈ રહ્યો છું. પોલીસને પુરાવા તરીકે હું કાગળ લખું છું.’

મનોજે બીજો ફેરવ્યો, એમાં પણ બળવંતરાયે કરેલાં ગુન્હાની કબૂલાત હતી. મનોજે ધ્યાનથી બધાં કાગળ વાંચ્યા. તેની સાથે છેલ્લાં કાગળ પર તેણે નજર ફેરવી. તેમાં બળવંતરાયનાં અક્ષર નહોતાં. એ કાગળ શ્વેતાએ લખ્યો હતો.

‘મને દુઃખ થાય છે, જે પિતાને મેં ભગવાનથી ઉપર માન્યા હતાં આજે તેઓ જ મારી જિંદગીનો અંત કરવા પર ઉતરી આવ્યા છે. મારાં પિતા પોતાનાં સગા દીકરા માટે મને અને મારાં ભાઈ જસવંતરાયને મારવા કાવતરું કરી રહ્યા છે. મેં તેઓને કોઈની સાથે વાત કરતાં સાંભળ્યા છે.

કદાચ હું જીવતી ના રહું તો જેને આ કાગળ મળે તે આગળ પોલીસને સોંપી દે. – શ્વેતા મલ્હોત્રા’

મનોજે બધાં કાગળને ટેબલ પર રાખ્યો અને નિઃસાસો નાંખ્યો. થોડીવાર પહેલાં આવેલો કાફલો મુક બનીને ઉભો હતો.

“શું થયું સાહેબ” રાવતે મૌન તોડીને પૂછ્યું, “શું લખ્યું છે કાગળમાં ?”

“બળવંતરાયની કબૂલાત છે, તેણે જ બધાની હત્યા કરાવી છે અને હવે પોતાને ગોળી મારી દીધી છે” મનોજે કહ્યું.

“એક મિનિટ સર” કેશવ બોલ્યો, “જો તેણે જ બધાની હત્યા કરાવી છે તો એ તો પોતાની યોજનામાં સફળ થયા છે. તો પોતાને ગોળી મારવાનો શો મતલબ છે ?”

“કેશવની વાત સાચી છે સાહેબ, બળવંતરાય પોતાને શા માટે ગોળી મારે ?” રાવતે કહ્યું.

મનોજ મૌન રહ્યો. એ જાણતો હતો કે આ સ્યુસાઇડ નથી છતાં અત્યારે જે બન્યું હતું એ બરોબર જ થયું છે એમ મનોજને લાગતું હતું.

“એમ્બ્યુલન્સ બોલાવો અને બંને જગ્યાએથી ડેડબોડી ઉઠાવી લો, રાવત સાહેબ તમે કેસરગંજ જવા નીકળો અને તપાસ હાથ ધરો, રણજિત તમે પણ રાવત સાહેબ સાથે જાઓ. કેશવ તારી હવે કોઈ જરૂર નથી. તું જઈ શકે છે પણ એક વાત ધ્યાનમાં રાખજે, હવે જો કોઈ ઘટના બની છે તો તને હું નહિ છોડું. દિપક, છોડી આવો કેશવને”

રાવત અને રણજિત થોડાં હવાલદારો સાથે કેસરગંજ જવા રવાના થઈ ગયાં. દિપક કેશવને તેનાં ઘરે ઉતારવા નીકળી ગયો. બધાનાં ગયાં પછી મનોજે ઉપરી અધિકારીને મૅસેજ કરીને કેસ સોલ્વ થયાની જાણકારી આપી દીધી અને આગળની કાર્યવાહી હાથ ધરી.

*

અજિત અને રોનક બળવંતરાયની હવેલીએથી શિવગંજ, કેસરગંજ અને બલીરામપુરની સરહદનાં સંગમે પહોંચ્યા હતા. ત્યાં એક ગાડી તૈયાર હતી. બંને એમાં બેસીને હંમેશા માટે શિવગંજ છોડીને નીકળી ગયાં.

*

સવારનાં પાંચ વાગ્યા હતા. કેશવ ઘરે પહોંચ્યો પછી મીરાંને ફોન કર્યો હતો અને તાત્કાલીક મળવા કહ્યું હતું. મીરાએ કોઈ પણ સવાલ કર્યા વિના મળવાની તૈયારી બતાવી હતી.

સાડા પાંચ વાગ્યે મીરા અને કેશવ શિવગંજ સેન્ટ્રલ બસ સ્ટેશન નજીક મળ્યાં. મીરા કેશવની સામે આવી એટલે કેશવે મીરાને બહોપાશમાં જકડી લીધી અને બંને પાંચ મિનિટ એ જ સ્થિતિમાં રહ્યાં.

“શું થયું એ કહીશ ?” મીરાએ એ જ સ્થિતિમાં પૂછ્યું.

“મારી સાથે લગ્ન કરીશ તું ?” કેશવે પૂછ્યું, “મારી જીવનસંગીની બનીશ તું ?”

“તું ?” મીરાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું.

કેશવે મીરાને અળગી કરી, બંનેની આંખો ચાર થઈ. કેશવે મીઠું સ્મિત કર્યું અને કહ્યું,

“મેં કહ્યું હતુંને, સમય આવશે ત્યારે હું તું કહીને બોલાવીશ”

મીરાએ પણ સ્મિત વેર્યું, કેશવની એકદમ નજીક જઈને તેણે કેશવનાં હોઠ પર તસમસતું ચુંબન ચોડી દીધું,

“બોલ, હવે જવાબ જોઈએ છે ?” મીરાએ આંખ મારીને પૂછ્યું.

“ના” કેશવે કહ્યું અને ફરી મીરાંને બહોપાશમાં જકડી લીધી.

“આપણે મુંબઈ જઈએ છીએ” કેશવે કહ્યું, “આજે સાંજે જ”

“હેં…મુંબઈ ?” મીરાએ કહ્યું, “મુંબઈ કેમ ?”

“કહેવાય છે મુંબઈ સપનાની નગરી છે, મેં તારી સાથે જે સપનાં જોયા છે એ મારે મુંબઈમાં પુરા કરવા છે” કેશવે કહ્યું. મીરાએ સ્મિત કર્યું અને માથું ધુણાવ્યું. બંને એ જ સ્થિતિમાં લાંબો સમય સુધી ઉભા રહ્યા.

*

રાતનાં દસ થયાં હતાં. શિવગંજ રેલ્વે સ્ટેશન બહાર કેશવ, મીરા, રીટા અને સાધના ઉભા હતા. મીરા તેની સહેલીઓ છેલ્લીવાર મળી રહી હતી. વાતવરણ થોડું ગમગીન હતું. મીરાની આંખોમાં કહી શકાય એટલી માત્રામાં ઝાંકળબિંદુ ભરાઈ આવ્યાં હતાં. ભારે હૈયે મીરાએ સૌને ‘બાય’ કહ્યું. ત્યારબાદ કેશવ અને મીરા સ્ટેશનમાં એન્ટર થયાં. સાડા દસ વાગ્યાની મુંબઈ જવા માટે ટ્રેન આવવાની હતી. કેશવે અગાઉથી રિઝર્વેશન કરાવી લીધું હતું.

સાડા દસને પાંચ મિનિટે ટ્રેન પ્લેટફોર્મમાં પ્રવેશી, પોતાનો બર્થ શોધીને બંને ટ્રેનમાં ચડી ગયાં. ટ્રેન શિવગંજથી આગળ વધી. મીરા પાછળ છૂટતાં શિવગંજને છેલ્લીવાર મન ભરીને નિહાળી રહી હતી. કેશવ પણ મીરાની જેમ જ પાછળ છૂટતાં શહેરને જોઈ રહ્યો હતો. સહસા કેશવનો ફોન રણક્યો. તેનાં મોબાઈલમાં એક મૅસેજ આવ્યો હતો. કેશવે ધ્યાન આપ્યું, આ એ જ નંબરથી મૅસેજ હતો જેનાં દ્વારા કેશવને હત્યારાને શોધવા મૅસેજ કરવામાં આવ્યો હતો. મેસેજમાં ‘થેંક્યું’ લખ્યું હતું. મૅસેજ વાંચીને કેશવે હળવું સ્મિત કર્યું અને મોબાઈલ પોકેટમાં સરકાવી દીધો.

‘આજથી સવા એક મહિના પહેલાં કેશબ શિવગંજ શહેરમાં આવ્યો હતો, એ એકલો આ શહેરોમાં નહોતો આવ્યો. તેની સાથે બીજા બે વ્યક્તિ પણ હતાં. એ બંને કોણ હતાં એ કહેવાની જરૂર નથી, અજિત અને રોનકની સાથે મળીને કેશવે જે યોજના ઘડી હતી તેનો આજે સુખદ અંત આવ્યો હતો. એક વ્યક્તિને કારણે તેનાં પુરા પરિવારને જે તકલીફ સહન કરવી પડી હતી તેનો અંત આવ્યો હતો. વિરુ5પક્ષને સાથ આપીને મૂળમાં જ લૂણો લગાવવામાં આવેલા કાર્યનો આજે અંત આવ્યો હતો. પળે પળે દિલમાં પ્રગટતી બદલાની આગ આજે બુઝાઈ હતી. વર્ષોથી કરેલાં સબરનું આજે સુખદ પરિણામ મળ્યું હતું અને સાથે….સાથે મીરા જેવી પ્રિયતમા પણ મળી ગઈ હતી’

“શું વિચારે છે કેશવ ?” મીરાએ કેશવનાં ચહેરાને વાંચીને પૂછ્યું.

“હું વિચારું છું તું કેટલી સુંદર છે” કેશવે કહ્યું.

મીરા હળવું હસી,

“એ તો હું છું જ….” મીરાએ આંખ મારીને કહ્યું.

(સમાપ્ત)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED