ઔકાત – 31 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઔકાત – 31

ઔકાત – 31

લેખક – મેર મેહુલ

“હવે શું કરીશું ?, કેશવે આપણને જોઈ લીધાં છે” રોનક હેતબાઈ ગયો હતો, તેનાં શ્વાસોશ્વાસની ગતિ સામાન્ય નહોતી.

“એ કશું નહીં કરી શકે” અજિતે કહ્યું, “અને આમ પણ આપણે બે દિવસ જ આ શહેરમાં છીએ”

“બે દિવસ, બે દિવસમાં અડતાલીસ કલાક હોય છે. આ અડતાલીસ કલાકમાં કંઈ પણ બની શકે છે”

“મને પેલો ટુવાલ આપીશ પ્લીઝ” અજિતે કાચમાં પોતાનો ચહેરો જોઈને કહ્યું, તેણે દાઢી મૂછ ઉતારીને ક્લીન શેવ કરી લીધી હતી. રોનકે દોરીએ લટકતો ટુવાલ લઈને અજિત તરફ ફેંક્યો. અજિતે ટુવાલ ઝીલીને મોઢું સાફ કર્યું.

“આપણે પહેલીવાર આ કામ નથી કરતાં બરાબર અને જો તને એટલો જ ડર લાગતો હોય તો તું કામ છોડીને જઇ શકે છે પણ દસ લાખ માટે આ કામ પૂરું કરીને જ જંપીશ” અજિતે બેપરવાહીથી કહ્યું.

“છેલ્લીવાર તારો સાથ આપું છું, આગળથી તું તારાં રસ્તે અને હું મારાં રસ્તે….” રોનક ઉભો થયો.

“તારું આ નાટક પૂરું થયું હોય તો કામની વાત કરીએ” અજિત પણ ઉભો થયો, “કાલે છેલ્લા ટાર્ગેટને ખતમ કરવાનો છે”

“એમાં તો તું માહિર છે, મને શું કામ પૂછે છે” રોનકે ઉદ્દવત્તાથી જવાબ આપ્યો.

“આ ટાર્ગેટ ધારીએ એટલો સહેલો નથી, આ વખતે પોલીસ પણ સચેત થઈ ગઈ છે અને કેશવ પણ. આ કામમાં ભૂલને કોઈ સ્થાન નથી. જો કોઈ ભૂલ કરી તો આપણે બંને જેલનાં સળિયા ગણતાં થઈ જઈશું”

“હું પહેલેથી જ ડરેલો છું અને તું વધુ ડરાવે છે. શું કરવાનું છે એ કહે, બીજી વાત ના કર”

“તો ધ્યાનથી સાંભળ….” કહેતાં અજિતે પૂરો પ્લાન રોનકને કહી સંભળાવ્યો. અજિતની વાત સાંભળીને રોનકનાં ચહેરા પર સ્મિત આવી ગયું.

“આટલું જ કરવાનું છે ?, આ તો ડાબા હાથની રમત છે” રોનકે હસીને કહ્યું.

“ચાલ હવે કામ પર લાગી જા, આપણે ઘણાબધા કામ કરવાનાં છે”

*

કેશવ ઘવાયેલી હાલતમાં શિવગંજ પોલીસ ચોકીએ પહોંચ્યો હતો. કેશવની આવી હાલત જોઈને મનોજ ઉભો થઇ ગયો હતો. દોડીને એ કેશવ નજીક પહોંચ્યો અને સહારો આપીને તેને ખુરશી સુધી લઈ આવ્યો.

“આ બધું કેવી રીતે થયું મી.કેશવ ?” મનોજે પૂછ્યું.

“મારાં..પર…હુમલો ..થયો.. છે” કેશવ તૂટક અવાજે કણસતાં કણસતાં બોલ્યો.

“કેવી રીતે થયું આ બધું, વિસ્તારમાં જણાવ” મનોજે કહ્યું.

કેશવે છાતીમાં શ્વાસ ભર્યો અને બોલવા માટે તેણે હિંમત એકઠી કરી,

“કાલે રાત્રે હું કાર્તિકેય હોટલમાં જમવા ગયો હતો, ત્યાં મેં પેલાં દાઢીવાળા વ્યક્તિને જોયો. તેની સાથે બીજો એક વ્યક્તિ પણ હતો.મને એ બંને શંકાસ્પદ લાગ્યો, મને જોઈને બંને દોડવા લાગ્યાં એટલે મેં તેઓનો પીછો કર્યો. આગળ જતાં બંને જુદાં જુદાં રસ્તામાં વિખાય ગયા. મેં દાઢીવાળાનો પીછો કર્યો અને તેને દબોચી લીધો. હું કોઈ એક્શનમાં આવું એ પહેલાં તેના બીજા સાથીએ પાછળથી મારાં પર વાર કર્યો. મને તમ્મર ચડી ગઈ, માથું પકડીને હું ત્યાં જ પડી ગયો. મને કળ વળી ત્યાં સુધીમાં બંને નાસી ગયા હતાં. આજે સવારે આ વાત જણાવવા હું ચોકીએ આવતો હતો ત્યારે પાછળથી એક જીપ આવી અને મારી બાઇકને ટક્કર મારી. હું ફંગોળાઈને નીચે પટકાયો.

આઠ-દસ લોકોએ જીપમાંથી ઉતાર્યા અને મને મારવા લાગ્યાં. મને મારતાં જોઈ લોકોની ભીડ એકઠી થવા લાગી એટલે તેઓ ત્યાંથી નાસી ગયા અને હું અહીં આવ્યો”

મનોજે ધ્યાનથી કેશવની વાત સાંભળી હતી, કેશવ જે રીતે આ કેસમાં ઇનવોલ્વ થયો હતો એ પરથી કેશવ પર હુમલો થાય એ વાત આશ્ચર્ય પમાડે તેવી નહોતી.

“એ લોકો કોણ હતાં એ ખબર છે ?” મનોજે પૂછ્યું.

“ના, મેં પહેલાં કોઈ દિવસ તેઓને નથી જોયાં” કેશવે કહ્યું.

“તેઓએ કોઈ ધમકી અથવા ચેતવણી આપી હતી ?”

“ના, મારી સાથે કોઈએ વાત નથી કરી” કેશવે કહ્યું, “પણ…”

“પણ…શું ?”

“તેમાંથી એક વ્યક્તિને મેં પહેલાં ક્યાંય જોયો હતો. કદાચ એ લીડર હતો. જ્યારે લોકો એકઠા થવા લાગ્યાં ત્યારે તેણે ‘નીકળો હવે, કામ પતી ગયું’ એમ કહ્યું અને બધાં જીપ તરફ દોડ્યાં”

“ઠીક છે, હું આ વાત નોંધી લઉં છું, તારે સારવારની જરૂર છે. રણજિતને કહીને હું તને ખાનગી હોસ્પિટલમાં સારવારની વ્યવસ્થા કરી આપું છું અને જ્યાં સુધી તું સુરક્ષિત છે એવું નહિ જણાય ત્યાં સુધી એક હવાલદાર તારી સાથે રહેશે” મનોજે કહ્યું.

“થેંક્યું સર” કેશવે કહ્યું.

મનોજે રણજિતને બોલાવીને બધી વ્યવસ્થા ગોઠવી આપી. કેશવનાં ગયાં પછી મનોજે સિગરેટ સળગાવી અને મેજ પર એક ફાઇલ પડી હતી તેને હાથમાં લઈને મનોમંથન કરવા લાગ્યો.

‘શ્વેતા મલ્હોત્રા શિવગંજમાં આવી ત્યારબાદ જ આ સિલસિલો શરૂ થયો, પહેલાં બદરુદ્દીનનાં માણસો પર હુમલો થાય છે, ત્યારબાદ શશીકાંતનાં ખાસ માણસની હત્યા કરવામાં આવે છે, ત્યારબાદ ક્રમશઃ શ્વેતાં અને જસવંતરાયની હત્યા થાય છે. બદરુદ્દીન અને શશીકાંતનાં માણસો પર અને શ્વેતાં પાસેથી ગોળી મળી તે સરખી હોય અને બનવાજોગ કેશવે રાજાનાં પગમાં જે ગોળી ચલાવી હતી એ ગોળી પણ બીજી બુલેટ્સ સાથે મેચ થાય છે. કેશવ શંકાનાં દાયરામાં આવે છે પણ અત્યારે તેનાં પર હુમલો થાય છે’

મનોજે લાંબો વિચાર કર્યો અને પછી ટેલિફોનનું રીસીવર હાથમાં લઈને રાવતને ફોન જોડ્યો. રાવતે ફોન રિસીવ કર્યો એટલે મનોજે તેને પોતાનાં કેબિનમાં બોલાવ્યો. રાવત કેસનાં સિલસિલાથી બહાર ગયો હતો એટલે અડધી કલાક પછી એ મનોજનાં કેબિનમાં પ્રવેશ્યો.

“માફી ચાહું રાવત સાહેબ” મનોજે કહ્યું, “તમારાં પર કારણ વિના ગુસ્સે થઈ ગયો હતો હું”

રાવતે જવાબમાં માત્ર સ્મિત વેર્યું.

“તાબડતોબ મને અહીં બોલાવવાનું કારણ…” રાવતે પૂછ્યું.

“તમારી સાથે થોડી ચર્ચા કરવી હતી, મને લાગે છે તમારા અનુભવ પરથી જ આ કેસ સોલ્વ થઈ શકશે”

“જો એવું થાય તો હું પોતાને ખુશનસીબ સમજીશ” રાવતે પૂર્વવત સસ્મિત જવાબ આપ્યો.

“મને એવું લાગે છે આપણી નજરમાંથી કંઈક છુપાઈ રહ્યું છે, જે આપણી સામે જ છે પણ આપણે તેનાં પર પ્રકાશ નથી પાડી શકતાં” મનોજે કહ્યું, “એક વાત તો ક્લિયર છે કે આ બધી ઘટનાં બની તે એકબીજા સાથે સંકળાયેલી છે. જે વ્યક્તિ આ બધું કરે છે તેણે પુરી તૈયારી કરેલી છે. પણ એ વ્યક્તિ કોણ હોય શકે જેને આ બધું કરવાથી લાભ થાય ?”

“કેશવ…” રાવતે કહ્યું, “બધી ઘટનામાં એ એક જ વ્યક્તિ છે જે સંકળાયેલો છે”

“કેશવ આ બધું શા માટે કરે ?, જો એને બળવંતરાયની દોલત જોઈતી હતી તો શ્વેતા સાથે લગ્ન કરીને એ આમેય ધનવાન બની જવાનો હતો અને બદરુદ્દીન તથા શશીકાંત સાથે તેને શું દુશ્મની હોય શકે ?”

“કેશવ કોઈ મકસદને અંજામ આપવા ઇચ્છતો હોય એવું બની શકે, કોઈ જૂની દુશ્મની, બદલાની ભાવના અથવા કોઈનાં દબાણને કારણે..”

“મેં તેનાં વિશે બધી માહિતી એકઠી કરવાનું કહ્યું હતું, તેનું શું થયું ?” મનોજે પૂછ્યું.

“કેશવ શિવગંજમાં આવ્યો પછી એ કોને કોને મળ્યો છે અને ક્યાં ક્યાં સ્થળની મુલાકાત લીધી છે એ માહિતી તો મળી ગઈ છે, બસ હવે તેનું બેકગ્રાઉન્ડ વિશે માહિતી મળી જાય એટલે ફાઇલ તમને સુપરત કરી દઈશ”

“ હાલ તો એનાં સિવાય બીજો કોઈ રસ્તો નથી. તમારી ફાઇલની રાહે જ રહેવું પડશે” મનોજે નિઃસાસો નાંખ્યો.

“હું મારી બનતી કોશિશ કરીશ, માહિતી એકઠી થશે એટલે તુરંત તમને જાણ કરીશ” કહેતાં રાવત ઉભો થયો. મનોજે આંખો વડે તેને જવા મંજૂરી આપી એટલે સલામી ભરીને રાવત કેબિન બહાર નીકળી ગયો.

રાવતનાં ગયા પછી મનોજે પેલી ફાઇલ હાથમાં લીધી અને બીજીવાર ધ્યાનથી વાંચવામાં મગ્ન થઈ ગયો.

*

અજિતે થોડાં ફોન જોડ્યા હતાં. એક વ્યક્તિને કૉલ કરીને તેણે થોડા સામનની વ્યવસ્થા કરવા કહ્યું, જેમાં બે બ્લેક સ્યુટ, બે જોડ પ્લાસ્ટિક ગ્લવ્સ, બે ટોર્ચ, એક ટેસ્ટર અને બે વાઈટ ગોગલ્સ મંગાવ્યા. બીજા કોલમાં શિવગંજ, કેસરગંજ અને બલીરામપુરની સરહદનો જ્યાં સંગમ થતો એ નવાપુરા ચોકીએ આવતી કાલે રાત્રે બાર વાગ્યે એક ગાડી તૈયાર રાખવા કહ્યું હતું. ત્રીજા કોલમાં તેણે કેશવની વાતો કહી હતી, કેશવ કેવી રીતે તેને કાર્તિકેય હોટલમાં મળ્યો અને કેવી રીતે તેઓની વચ્ચે સંઘર્ષ થયો એ વાત જણાવી હતી. જેનાં જવાબમાં સામેની વ્યક્તિએ કેશવની ચિંતા ન કરવા કહ્યું હતું.

ત્યારબાદ અજિતે જે વ્યક્તિને ફોન જોડ્યો હતો એ શશીકાંત હતો. તેની સાથે તેણે દસ મિનિટ ચર્ચા કરીને એક મિટિંગ કરવાની સૂચના આપીને ફોન રાખી દીધો હતો. બધા ફોન કોલ્સ થઈ ગયાં પછી અજિતે ગજવામાંથી એક નવું ખરીદેલું સિમ કાઢ્યું અને એક કિપેડ મોબાઈલમાં ચડાવ્યું, તેમાં જુદાં જુદાં બે મૅસેજ ટાઈપ કર્યા અને ડ્રાફ્ટ સેવ કરીને મોબાઈલ રોનકનાં હાથમાં આપીને કહ્યું, “કાલે સાંજે આઠ વાગ્યે આ મૅસેજ સેન્ડ કરવાનાં છે”

રોનકે મૅસેજ વાંચીને મોબાઈલ ગજવામાં સરકાવી દીધો.

“શિવજીનો મહેરબાની રહી તો બધું ઠીક થશે” રોનકે પ્રાર્થના કરી.

“આ વખતે શિવજીનાં ભરોસે નથી રહેવાનું, બધું કામ પ્લાન મુજબ થવું જોઈએ. જો ભૂલ થઈ તો….” રોનકે અજિતની વાત કાપી, પોતાની વાત જોડી દીધી,

“હા મને ખબર છે, આપણે જેલનાં સળિયા ગણતા થઈ જઈશું, વારંવાર એક વાત ન દોહરાવ”

“કદાચ ફાંસીના માંચડે પણ ચડવું પડે” અજિત મૂછોમાં હસતો રહ્યો. રોનકે આંખો મોટી કરીને અજિતને ચૂપ રહેવા ઈશારો કર્યો.

“ક્લીન શેવમાં હું ચીકનો લાગુ છું ને !” અજિતે પોતાની હડપચી પર આંગળીઓ ફેરવીને કહ્યું.

“એ વાત સાચી કહી તે, જુનાં વેહમાં જોઈને ખુશી થઈ મને”

*

રાવતે જોરથી બારણાને ધક્કો માર્યો, લાકડાનું બારણું દીવાલ સાથે અથડાયું એટલે મોટો અવાજ થયો. રાવત બારસાખ ચીરીને કેબિનમાં પ્રવેશ્યો.તેનાં હાથમાં ભૂરા રંગની એક ફાઇલ હતી. મનોજ ફાઈલમાં માથું રાખીને મગ્ન હતો, બારણું અથડાયું અને મોટો અવાજ થયો એટલે તેણે તરત બારણાં તરફ નજર ઊંચી કરી. રાવત પગ પછાડતો, લાંબા લાંઘે અંદર આવતો દેખાયો.

“શું થયું રાવત સાહેબ, ગુસ્સામાં જણાવ છો” મનોજે કુતુહલવશ પૂછ્યું.

“અરે વાત જ ના પૂછો સાહેબ, આપણે મૂરખ છીએ એવું મને લાગે છે! ” રાવત ખુરશી પર બેસીને મેજ પર ફાઇલ રાખીને કહ્યું.

મનોજ ખંધુ હસ્યો,

“આપણે એટલે !” મનોજે ટટ્ટાર થઈને ખુરશી પર ટેકો આપીને પૂછ્યું.

“આપણે એટલે આપણે…, હું, તમે અને પૂરું પોલીસતંત્ર”

“શું વાત કરો છો, એવું તો શું હાથ લાગ્યું છે ?”

“તમે કાલે સાચું કહ્યું હતું, આપણી નજર સામે જે હતું એ જ આપણે જાણી નથી શક્યા”

“રાવત સાહેબ !” મનોજે સીધા થઈને ટેબલ પર કોણી ગોઠવી, “પહેલી ના બુજાવો, મારી ઉત્સુકતા જવાબ આપી રહી છે”

“હું સમજી શકું છું, જેવી રીતે હું રિએક્શન આપું છું એ પરથી તમારાં મગજમાં કુતુહલ પેદા થયું હશે પણ સાચું કહું છું, તમે આ ફાઇલ વાંચશો પછી તમારાં ચહેરા પર પણ મારી જેવું જ રિએક્શન હશે”

“અચ્છા, એવું તો શું છે ફાઈલમાં” કહેતાં મનોજે ફાઇલ પોતાનાં તરફ ફેરવી. ફાઇલ ખોલીને એ વારાફરતી પેજ પલટાવતો રહ્યો. જ્યારે તેણે પુરી ફાઇલ વાંચી ત્યારે તેનાં ચહેરાનો રંગ ઊડી ગયો. પોતાને કોઈએ જોરદાર તમાચો માર્યો હોય, અત્યારે મનોજને એવી લાગણી અનુભવાય રહી હતી.

“રાવત સાહેબ આપણે મૂરખ નથી, મુરખનાં સરદાર છીએ” મનોજે ટેબલ પર હાથ પછાડ્યો, “માસ્ટર માઈન્ડ આપણી નજર સામે જ હતો પણ આપણે એને ઓળખી ન શક્યા”

“મને તો પહેલેથી તેનાં પર શંકા હતી” રાવતે કહ્યું.

“ચિંતા ના કરશો, એ આપણી નજર હેઠળ જ છે. કડક પૂછપરછ કરીશું એટલે બધું ઓકી નાંખશે”

“તમને શું લાગે છે સાહેબ, આપણે પુછીશું અને એ પોપટ જેમ બોલવા લાગશે ?, એક વાર ફરી વિચાર કરી જુઓ. આપણી પાસે તેનાં વિરુદ્ધ કોઈ ઠોસ સબુત નથી, નથી કોઈ ગવાહ જે તેને ગુન્હેગાર સાબિત કરી શકે. અને બીજી વાત, તેણે આટલી સિફતથી આપણને ઉલ્લુ બનાવ્યા છે તો કોઈ તો કોઈ માસ્ટર પ્લાન તેણે તૈયાર તો રાખ્યો જ જશે ને !” રાવતે કહ્યું.

મનોજે રાવતની વાત પર થોડીવાર વિચાર કર્યો, રાવત સાચું કહેતો હતો. કોઈ સબુત કે ગવાહ વિના કોઈને અપરાધી કરાર કરવો મૂર્ખામીનું કામ કહેવાય.

“તમે સાચું કહો છો રાવત સાહેબ, જો આપણે સીધી પૂછપરછ કરીશું તો કંઈ હાથમાં નહિ આવે અને એ સચેત પણ થઈ જશે” મનોજે કહ્યું, “આગળ શું કરવું એ તમે જ જણાવો”

“તેને છૂટો મૂકી દો, વ્યક્તિ જ્યારે પોતાને આઝાદ સમજે છે ત્યારે પોતાનું અધૂરું રહી ગયેલું કામ પૂર્ણ કરવા મથે છે. એ પણ આમ જ કરશે. જ્યારે એ રંગે હાથે ઝડપાશે ત્યારે તેની પાસે દલીલ કરવા માટે કોઈ વાત નહિ હોય” રાવતે કહ્યું.

“સારું, તમે કહો છો તો એમ કરીએ” મનોજે કહ્યું.

*

“મને ડર લાગે છે કેશવ” મીરાએ ચિંતાયુક્ત સ્વરે કહ્યું, “કંઈક ખોટું થઈ રહ્યું છે”

મીરા કેશવને મળવા અસ્પતાલ આવી હતી. કેશવનાં પગે પાટો બાંધ્યો હતો, એવો જ પાટો તેને માથે પણ બાંધ્યો હતો.

“મામૂલી ઇજા છે મેડમ, બધું બરાબર થઈ જશે” કેશવે ધરપત આપી.

“તને મામૂલી લાગે છે, અહીં મારી હાલત કેવી છે એનાં વિશે તે વિચાર્યું છે ?, સવારે તું મને ઘરે ડ્રોપ કરી ગયો ત્યારથી મને બેચેની અનુભવાય છે”

કેશવે મીરાનાં ચહેરા પર નજર ફેરવી. ચિંતામિશ્રિત ચહેરે મીરા વધુ સુંદર દેખાય રહી હતી. વારંવાર એ પોતાનાં હાથ વડે વાળ વ્યવસ્થિત કરતી હતી. કેશવે આ વાત નોટિસ કરેલી. મીરા જ્યારે પણ બેચેન થતી ત્યારે આવી હરકતો કરતી.

કેશવે મીરાનો હાથ પકડીને ચૂપ રહેવા ઈશારો કર્યો. મીરા ચૂપ થઈ ગઈ.

“મેં કહ્યું હતું એ કામ થયું ?” કેશવે પૂછ્યું.

“હું એ માટે જ જતી હતી, મેં તેને કૉલ કરીને મળવા બોલાવ્યો છે પણ તારો ફોન આવ્યો એટલે હું અહીં આવતી રહી”

“કોઈ વાંધો નહિ, ફરી કૉલ કરજો અને અહીંથી નીકળીને સીધા તેને મળજો. શ્વેતાનું લોકેટ એને આપશો એટલે એ તમને એક એન્વેલોપ આપશે. એ એન્વેલોપ લઈને તમારે મને કૉલ કરવાનો છે. યાદ રાખજો, આઠ વાગ્યા પહેલાં આ કામ થઈ જવું જોઈએ”

“તું શું કરવા માંગે છે એ જ મને નથી સમજાતું” મીરાએ કહ્યું, “શ્વેતાનું લોકેટ એને આપવાથી શું મળવાનું છે ?”

“એ બધું તમને સમજાઈ જશે. તમે માત્ર આટલું કામ કરી આપો”

“ઠીક છે” કહેતાં મીરાએ કેશવનાં હાથ પર હાથ રાખ્યો, “તારું ધ્યાન રાખજે”

કેશવે આંખો પલકાવીને સ્મિત કર્યું, મીરા ઉભી થઇ અને બહાર નીકળી ગઈ. મીરા બહાર નીકળી તેની થોડીવાર પછી રણજિત આવ્યો.

“તું જઈ શકે છે હવે” રણજિતે કહ્યું, “તારાં પર જેણે હુમલો કર્યો હતો એ લોકો ઝડપાઇ ગયાં છે. એ બીજા કોઈને મારવાનાં હતાં અને અજાણતાં તું ઝડપાઇ ગયો. હવે તને કોઈ ખતરો નથી એટલે તું જઈ શકે છે”

કેશવ ઉભો થયો, તેનાં પગમાં પાટો બાંધ્યો હતો પણ ઘાવ સામાન્ય હતો એટલે વ્યવસ્થિત ચાલી શકતો હતો. રણજિત પાસે જઈને તેણે રણજિત સાથે હાથ મેળવ્યો અને તેનો આભર વ્યક્ત કરીને બહાર નીકળી ગયો.

કેશવનાં ગયાં બાદ રણજિતે રાવતને ફોન જોડ્યો અને કેશવનાં ગયાની માહિતી આપી. જવાબમાં રાવતે બીજું એક કામ સોંપ્યું જેને પાર પાડવામાં રણજિતને અનેરો આનંદ મળવાનો હતો.

(ક્રમશઃ)