ઔકાત – 28 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ઔકાત – 28

ઔકાત – 28

લેખક – મેર મેહુલ

મનોજે સતત ત્રણ ચાર કલાક કેસ સ્ટડી કરવામાં પસાર કરી હતી. બધી ફાઈલો ટેબલ પર ખુલ્લી પાથરેલી હતી. મનોજ વારાફરતી ફાઇલ તપાસતો અને ફરી એની જગ્યાએ રાખી દેતો. બધી ફાઇલમાંથી તેણે જરૂરી કાગળો કાઢીને એક નવી ફાઇલ તૈયાર કરી અને બાકીની ફાઈલો બંધ કરીને બાજુમાં ખડકી દીધી. ત્યારબાદ બેલ વગાડી એટલે એક હવલદાર કેબિનમાં પ્રવેશ્યો.

“રાવત સાહેબ અને રણજિત સાહેબને અંદર મોકલો” મનોજે કહ્યું. હવલદાર માથું ઝુકાવીને બહાર ગયો અને થોડીવારમાં બંને ઇન્સ્પેકટર કેબિનમાં પ્રવેશ્યાં. મનોજે તેઓને સામેની ખુરશી પર બેસવા ઈશારો કર્યો.

“કશું જાણવા મળ્યું સર ?” રાવતે ખુરશી પર બેઠક લેતાં પૂછ્યું.

“ઘણીબધી જાણવા મળ્યું છે” મનોજે હસીને કહ્યું, “તમે લોકોએ શ્વેતાનાં મૃત્યુને સ્યુસાઇડ ડિકલેર કરી દીધુ છે પણ તેનું મર્ડર થયું છે”

“આ ફોટોઝ જુઓ” મનોજે બંનેના હાથમાં થોડાં ફોટોઝ પકડાવ્યા, “આ ફોટોઝ પરથી તમને કંઈ સમજાય છે ?”

ફોટોઝમાં શ્વેતાનો ચહેરો હતો, જેને જુદાં જુદાં એંગલથી કેપ્ચર કરવામાં આવ્યો હતો. બધાં જ ફોટોઝમાં નમણે ગોળી વાગી તેનાં ચિત્રો હતાં.

“તમે જ જણાવો” રાવતે ફોટોઝને જોઈને કહ્યું , “મને તો કંઈ ગતાગમ નથી પડતી”

મનોજે પોતાની સર્વિસ રિવોલ્વર ટેબલ પર રાખી.

“આ ઉઠાવો અને તમારાં નમણે રાખો” મનોજે કહ્યું.

“સૉરી સર !!” રાવત હેતબાયો.

“રાખો તો સહી” મનોજે હળવું હસીને કહ્યું.

રાવતે રિવોલ્વર હાથમાં લીધી અને પોતાને નમણે રાખી. મનોજે મોબાઈલમાં એ પોઝનો ફોટો પાડી લીધો.

“ગુડ, હવે ઉભા થાઓ અને રણજિત સરનાં નમણાનું નિશાન લો” મનોજે કહ્યું. રાવત ઉભો થયો અને મનોજે કહ્યું એ રીતે પોઝિશન લીધી. મનોજે તેનો પણ એક ફોટો પાડી લીધો.

“બેસી જાઓ એન્ડ રિવોલ્વર ટેબલ પર રાખી દો” મનોજે કહ્યું. રાવતે ખુરશી પર બેઠક લીધી અને રિવોલ્વર ટેબલ પર રાખી.

“હવે આ બંને ફોટા જુઓ” મનોજે મોબાઈલ ટેબલ પર રાખીને કહ્યું, “ગનની પોઝિશનમાં કોઈ તફાવત જણાય છે ?”

રાવતે મોબાઈલ હાથમાં લીધો. વારાફરતી બંને ફોટા જોયાં.

“મેં જ્યારે મારાં નમણે રિવોલ્વર રાખી હતી ત્યારે નાળચુ સીધું હતું અને રણજિતનાં નમણાનું નિશાન લીધું ત્યારે ઉપરથી નીચે તરફ ત્રાંસુ હતું” રાવતે કહ્યું.

“બરોબર સમજ્યા” મનોજે કહ્યું, “જ્યારે કોઈ પોતાનાં નમણે રિવોલ્વર રાખે તો રિવોલ્વર સીધી હોય અથવા ઉપર તરફ ત્રાંસી હોય છે, હાથ ઊંચો રાખીને કોઈ નીચે તરફ રિવોલ્વર નથી રાખતું. પણ જ્યારે કોઈ માણસ ઉભો હોય અને નીચે તરફનાં વ્યક્તિ તરફ નિશાન સાધે ત્યારે ગોળી એંગલ બનાવે છે. હવે એ ફોટોઝ ફરી તપાસો અને મને કહો, શ્વેતાએ પોતાને ગોળી મારી છે કે કોઈએ શ્વેતાને ગોળી મારી છે”

રાવતે ફરી ફોટોઝ હાથમાં લીધા. ત્રણ-ચાર વાર ફોટોઝ બદલ્યા અને સ્મિત સાથે કહ્યું, “આ એક મર્ડર છે”

“મર્ડર નહિ, પ્લાન કરેલું મર્ડર” મનોજ બોલ્યો, “શ્વેતા પ્રેગ્નન્ટ હતી એ વાત તેને ખબર હતી, આ વાતનો લાભ ઉઠાવી તેણે યોગ્ય સમયે આ કામને અંજામ આપેલું છે”

“અમે બધા સાથે પૂછપરછ કરી, પણ કોઈએ એવાં શંકાસ્પદ વ્યક્તિને નથી જોયો જે આ કામ કરી શકે”

“ઘરનો ભેદી જ લંકા સળગાવે છે, આ ફાઇલ લો અને આમાં જેટલા વ્યક્તિનાં સ્ટેટમેન્ટ છે તેઓને ફરી પૂછપરછ માટે બોલાવો” પોતે તૈયાર કરેલી ફાઇલ મનોજે ટેબલ પર રાખી, “અને શ્વેતાનાં કૉલ ડિટેઈલ્સ પરથી જે નંબર મળ્યો હતો તેની માહિતી આ ફાઇલ્સમાં નહોતી, તેનું શું થયું ?”

“એ નંબર મુંબઈમાં સ્થિત કોઈ અભિમન્યુ મિશ્રાનો છે” રણજિતે કહ્યું, “તમે કહો તો એને પણ પૂછપરછ માટે બોલાવી લઈએ”

“એને પણ બોલાવી લો” મનોજે કહ્યું, “અને હવે બીજા કેસની વાત, આ જે અણધાર્યા હુમલા થઈ રહ્યા છે તેની પાછળ કોનો હાથ છે એ જાણવા માટે એક મિટિંગ ગોઠવો. મીટીંગમાં માત્ર બળવંતરાય, બદરુદ્દીન અને શશીકાંત જ હાજર રહેવા જોઈએ”

“બધાને સાંજે ડિનર માટે લઈ જઈએ” રાવતે કહ્યું, “એ બહાને તમારી મિટિંગ પણ થઈ જશે અને પરિચય પણ”

“મારો પરિચય અત્યારે ગુપ્ત રહે એમાં જ સારું છે, બધી પૂછપરછ તમે કરશો. હું કૉલનાં માધ્યમથી તમારી સાથે સંપર્કમાં રહીશ”

“જી સર” રાવતે કહ્યું.

“ચાલો કામ પર લાગી જાઓ, આજનાં દિવસમાં ઘણાબધાં કામ કરવાનાં છે” મનોજે ઉભા થતા કહ્યું. રાવત અને રણજિત પણ ઉભા થયાં. મનોજને સલામી આપી અને દરવાજા તરફ ચાલ્યાં.

“એક મિનિટ રાવત સાહેબ” મનોજે રાવતને અટકાવ્યો, “આ કેશવ કોણ છે ?, તમે કાલે તેની જાસૂસી કરવાનું કહેતાં હતાં અને આ બધી ફાઇલ્સમાં તેનો ઉલ્લેખ બધી જગ્યાએ છે”

“ કેશવ શ્વેતાનો અંગરક્ષક હતો, મુંબઈથી અહીં કોલેજ કરવા આવ્યો છે” રાવતે કહ્યું, “એ આવ્યો પછી જ આ ઘટનાં ક્રમશઃ બની છે એટલે તેનાં પર વધુ શંકા છે”

“એને જાણ ના થાય એમ તેનાં પર નજર રાખો, જો એ જ માસ્ટર માઈન્ડ છે તો કેસ જલ્દી સોલ્વ થઈ જશે”

*

કેશવ અને મીરા આગળ ચાલીને પેલાં પથ્થર નજીક આવ્યાં.

“આ પથ્થર નગારા જેવો છે, આના પર બીજો પથ્થર મારતાં જુદો જ અવાજે આવે” કહેતાં મીરાએ એક પથ્થર હાથમાં લઈને એ પથ્થર પર માર્યો.

‘ધડામ….’ નગારામાં જેવો અવાજ આવે એવો અવાજ કેશવનાં કાને પડ્યો.

“આવું થાવનું કારણ ?” કેશવે પૂછ્યું.

“ખબર નહિ પણ વર્ષોથી આ પથ્થરમાં આવો જ અવાજ આવે છે” મીરાએ કહ્યું. બંને વાતો કરતાં હતાં એ દરમિયાન પેલો લાંબી દાઢીવાળો વ્યક્તિ ફરી ત્યાંથી પસાર થયો. કેશવે તેનાં પર નજર કરી પણ એ વ્યક્તિ પોતાની ધૂનમાં ઉતાવળા પગે નીકળી ગયો.

“આ માણસ મને શંકાસ્પદ લાગે છે” કેશવે મીરાનું ધ્યાન દોરીને કહ્યું.

“આપણે એનાં વિશે વાતો કરવા આવ્યા છીએ ?” મીરાએ નારાજ થતાં કહ્યું.

“સૉરી, હવે નહિ કહું” કેશવે કહ્યું અને મીરાનો હાથ પકડી લીધો.

“પેલાં લોકો આમ ક્યાં જાય છે ?” મીરાએ બીજી ટેકરી તરફ ઈશારો કરીને કહ્યું.

“આપણે અહીં એ લોકોની વાત કરવા આવ્યાં છીએ ?” કેશવે વળતો પ્રહાર કર્યો.

“આ દાઢીવાળો વ્યા એ તરફથી જ આવ્યો એટલે મને પણ શંકા ગઈ” મીરાએ કહ્યું, “ચાલને ત્યાં જઈને જોઈએ”

“ચાલ” કેશવે કહ્યું. બંને બીજી ટેકરી તરફ ગયાં, બીજી ટેકરી આ ટેકરીનાં પ્રમાણમાં થોડી નાની હતી, લોકો એ તરફ જિજ્ઞાસાવૃત્તિથી જતાં હતાં. કેશવે એક વ્યક્તિને રોકીને પૂછ્યું,

“એ ટેકરી પર શું છે ?”

“કશું નથી, ઝાડી-ઝાંખરા જ છે પણ કોઈની લાશ મળી છે ત્યાં” પેલાં વ્યક્તિએ કહ્યું અને ચાલવા લાગ્યો.

“ફરી એક લાશ” કેશવે નિઃસાસો નાખ્યો, “આ બધું શું થઈ રહ્યું છે ?”

“આપણે ત્યાં નથી જવું, ચાલ નીચે જઈએ” મીરાએ કેશવનો હાથ પકડ્યો અને દાદર તરફ ચાલી.

“એક મિનિટ” કેશવે મીરાને અટકાવી, “કોની લાશ છે એ તો જોઈ આવીએ, કાલે મંગુભાઇને કોઈ ઉઠાવી ગયું હતું, ભગવાન કરે એની ના હોય”

મીરાએ કેશવનો હાથ છોડી દીધો.

“તું જોઈ આવ, હું નહિ જોઈ શકું” મીરાએ કહ્યું, “હું મંદિર પાસે તારી રાહ જોઉં છું, જલ્દી આવજે”

કેશવે આંખો પલકાવી અને બધા જતા હતા એ તરફ ચાલવા લાગ્યો. ધુળિયા રસ્તાની આજુબાજુ બધાં કંટાળા બાવળ હતાં, લોકો એ તરફ જઈ રહ્યા હતાં. થોડે આગળ જતાં, એક બાળવની પાછળ ટોળું એકઠું થયું હતું, કેશવ એ ટોળાને ચીરીને જિજ્ઞાસાવશ લાશ પાસે પહોંચ્યો. લાશનું માથું પથ્થર વડે ચેપી નાખવામાં આવ્યું હતું, પણ શરીર પરથી એ નૌજવાન લાગતો હતો. એ મંગુ નથી એટલે કેશવને રાહત થઈ અને ટોળામાંથી નીકળવા એ પાછો વળ્યો. એ ટોળામાંથી બહાર નીકળતો હતો ત્યાં જ કોઈકનો અવાજ સાંભળીને કેશવનાં પગ થંભી ગયાં.

(ક્રમશઃ)

રેટ કરો અને રિવ્યુ આપો

Nilesh Bhesaniya

Nilesh Bhesaniya 2 વર્ષ પહેલા

Rajiv

Rajiv 2 વર્ષ પહેલા

Pankaj Rathod

Pankaj Rathod માતૃભારતી ચકાસાયેલ 2 વર્ષ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા

Vijay

Vijay 2 વર્ષ પહેલા