Ability - 19 books and stories free download online pdf in Gujarati

ઔકાત – 19

ઔકાત – 19

લેખક – મેર મેહુલ

“કેશવને શું થયું છે ?” મીરાની બાજુમાં ઉભેલી રીટાએ પૂછ્યું, “તારી સામે કેમ ગુસ્સાભરી નજરે જોતો હતો, આટલો ગુસ્સામાં આજે પહેલીવાર જોયો એને”

“મને શું ખબર હોય ?, પૂછી લેજે આવે એટલે” મીરાએ વડકું કરીને કહ્યું.

“હવે તું કેમ ગુસ્સો કરે છે ?” સાધનાએ હસીને કહ્યું, “તમારી બંનેની વચ્ચે કોઈ ખીચડી તો નથી પાકતીને !”

“તને મારી લાઈફમાં વધુ પડતો જ રસ છે એવું નથી લાગતું ?” મીરાએ સાધના પર શબ્દોનો મારો કર્યો, “હું જે કરું એ, તું તારું કર”

“હોવ હોવ..ફૂલ” રીટા વચ્ચે પડી, “અમે મજાક કરીએ છીએ”

“તો હું પણ મજાક જ કરું છું” મીરા હસવા લાગી. મીરા પરાણે હસી રહી હતી એ રીટા અને સાધના બને સમજી ગયા હતાં. ડી.જે.નું વોલ્યુમ થોડું વધ્યું.

“હું શ્વેતા પાસે જાઉં છું” રીટાએ ઊંચા અવાજે કહ્યું, “કોઈ આવે છે મારી સાથે”

“તું જા, હું તો પાર્ટી એન્જોય કરીશ” સાધનાએ પણ ઊંચા અવાજે કહ્યું

“મીરા ?” રીટાએ મીરા તરફ જોઈને ઈશારો કર્યો.

“ના, તું જ જઈ આવ” મીરાએ પણ બંનેની જેમ ઊંચા અવાજે કહ્યું, “એને જલ્દી નીચે લાવજે, અહીં બધા રાહ જુવે છે”

“સારું” કહેતાં રીટા શ્વેતાનાં રૂમ તરફ ચાલી. રીટા જ્યારે શ્વેતાનાં રૂમ પાસે પહોંચી ત્યારે રૂમનું બારણું બંધ હતું. રીટાએ બારણે બે ટકોરા માર્યા અને થોડીવાર રાહ જોઈ. શ્વેતાએ દરવાજો ના ખોલ્યો એટલે રીટાએ બીજીવાર થોડા જોરથી બારણે ટકોરા માર્યા. સહસા બારણું ખુલ્લી ગયું.

રીટાએ ધક્કો મારીને પૂરું બારણું ખોલી નાંખ્યું અને રૂમમાં પ્રવેશી. રૂમમાં પ્રવેશી એટલે રીટા સામે જે દ્રશ્ય હતું એ જોઈને તેણીનાં મોઢામાંથી ચીસ નીકળી ગઇ અને બેભાન થઈને એ ફર્શ પર ઢગલો થઈ ગઈ.

ડી.જે. નાં અવાજમાં રીટાની ચીખ કોઇનાં કાને ના પડી પણ લોબીમાં આવતાં ગોપાલનાં કાને ધીમી ચીખ સંભળાય. કેશવ સાથેની અથડામણ બાદ ગોપાલ બીજો પાણીનો ગ્લાસ ભરીને લોબીમાં ચાલ્યો આવતો હતો. ચીખ સાંભળીને એ શ્વેતાનાં રૂમ તરફ ચાલ્યો. રીટાએ જે દ્રશ્ય જોયું હતું એ જ દ્રશ્ય જોઈને ગોપાલનું પણ હૃદય ધબકારો ચુકી ગયો. એ દોડ્યો અને નીચે આવીને, ‘શ્વેતા મેડમનું ખૂન થયું’ એ એકને એક વાત દોહરાવવા લાગ્યો. ડી.જે.નાં અવાજમાં ગોપાલનો અવાજ પણ દબાઈ ગયો.

બળવંતરાયે હાથ ઊંચો કરીને ડી.જે. બંધ કરવા ઈશારો કર્યો. ડી.જે. બંધ થયું એટલે બળવંતરાયે ગોપાલને ઉદ્દેશીને કહ્યું, “બોલ હવે, શું થયું છે ?”

“શ્વેતા મેડમનું ખૂન થઈ ગયું દાદા” ગોપાલે ડરેલા અવાજે કહ્યું, “રૂમમાં તેઓની લાશ પડી છે”

ગોપાલની વાત સાંભળીને બધા ચોંકી ગયાં, બળવંતરાય સાથે બધા શ્વેતાનાં રૂમ તરફ દોડી આવ્યાં. શ્વેતા ફર્શ પર ચત્તેપાટ પડી હતી. શ્વેતાનાં ડાબા હાથમાં પિસ્તોલ હતી, તેનાં લમણે ગોળી વાગી હતી, જેમાંથી નીકળતાં લોહીનું પાટોડું ભરાઈ ગયું હતું.

“હે ભગવાન, આ શું થઈ ગયું” બળવંતરાય માથું પકડીને નીચે બેસી ગયાં. મીરા અને સાધના પણ શ્વેતાની લાશ જોઈને રડવા લાગી હતી. બળવંતરાય પણ ચોધાર રડી પડ્યા.

રાવતે પરિસ્થિતિનો તાગ મેળવ્યો. તેણે બધાને રૂમની બહાર મોકલી દીધા અને કોઈને પણ હવેલી છોડીને ન જવા સૂચના આપી. ત્યારબાદ ગજવામાંથી રૂમાલ કાઢી તેણે શ્વેતાનાં હાથમાંથી રિવોલ્વર લઈ લીધી અને પ્લાસ્ટિકની બેગમાં સરકાવી દીધી.

“દાદાને બહાર લઇ જાઓ” રાવતે એક હવલદારને ઉદ્દેશીને કહ્યું. હવલદારે બળવંતરાયનું બાવડું ઝાલ્યું અને બળવંતરાયને લઈને બહાર નીકળી ગયો.

“રણજિત” રાવતે રણજીતને ઉદ્દશીને કહ્યું, “ફોટોગ્રાફર અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટને બોલાવી લે અને રૂમ કોર્ડન કોર્ડન કરાવ, થોડાં હવલદારોને બહારની પરિસ્થિતિ સંભાળવા મોકલી દે અને પછી અહીં આવી જા”

રણજિત, રાવતનાં આદેશનું પાલન કરવા મોબાઈલ હાથમાં લઈને બહાર ચાલ્યો ગયો.

રાવતે બારીકાઈથી નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું. શરૂઆત તેણે શ્વેતાનાં મૃતદેહથી જ કરી. શ્વેતાનાં પગ સાથળ સુધી ખુલ્લા હતાં, ટીશર્ટ કમરેથી થોડું ઊંચું આવી ગયું હતું. એ બેજાન અંગો પર કોઈ ખરોચનું નિશાન નહોતું. રાવતે શ્વેતાનાં ચહેરા પર નજર કરી. શ્વેતાનો ચહેરો જોઈને રાવતની આંખો ચમકી. શ્વેતાનો ડાબો ગાલ સહેજ લાલ હતો. ગાલ પર આછી આંગળીઓનાં નિશાન હતાં. શ્વેતાને કોઈએ થપાટ મારેલી છે એ રાવત સમજી ગયો.

માણસનાં શરીર પર બીજા માણસ દ્વારા બળ પૂર્વક હાથ વડે કરવામાં આવેલા હુમલાની છાપ પંદર મિનિટ સુધી રહે છે. જો કોઈને જોરથી લાફો મારવામાં આવ્યો હોય તો તેની આંગળીઓનાં નિશાન પંદર મિનિટ સુધી રહે છે. રાવતે આજુબાજુ નજર કરી. તેને કોઈ જરૂરી વસ્તુ ના દેખાય. આખરે તેણે શ્વેતાનાં ડ્રેસિંગ કાચને તોડીને એક ટુકડો હાથમાં લીધો અને કાચની સપાટીવાળો ભાગ શ્વેતાનાં ગાલ પર રાખી ટુકડાને સહેજ દબાવ્યો. ત્યારબાદ ટુકડાને પલટીને પોતાનાં તરફ કર્યો. રાવતનાં ચહેરા પર સ્મિત રેળાયું. ટુકડા પર ફિંગરપ્રિન્ટનાં નિશાન છપાઈ ગયાં હતાં.

એ કાચના ટુકડાને પ્લાસ્ટિકની બેગમાં રાખી તેણે બેગને બ્લેઝરનાં પોકેટમાં સરકાવી દીધી. આગળની કાર્યવાહી આગળ ધપાવવા રાવત ઉભો થયો. રૂમમાં બધી વસ્તુ જેસીથીની હાલતમાં જ હતી. રાવત ખૂણામાં રહેલી અલમારી પાસે પહોંચ્યો. ઘણીવાર અલમારીમાંથી જ જરૂરી પુરાવા મળી જતાં હોવાથી રાવતે પહેલા અલમારીને તપાસવાનું નક્કી કર્યું.

રાવતે હાથ રૂમાલનાં સહારે અલમારીનાં હેન્ડલને નીચું કર્યું, અલમારી ખુલ્લી ગઈ. તેણે બંને દરવાજા ખોલીને અંદર ડોકિયું કર્યું. અલમારીનાં ડાબા બારણે એક ગુલાબી ચણિયાચોળી લટકતી હતી. શ્વેતા પાર્ટીમાં આ જ ચણિયાચોળી પહેરવાની હશે, રાવતે અનુમાન લગાવ્યું.

અલમારીમાં ચાર મોટા ખાના હતાં અને એક નાનકડું ડ્રોવર હતું. પહેલાં ખાનામાં શ્વેતાનાં કપડાં હતાં, રાવતે બધા કપડાં ફંફોળ્યા પણ તેનાં હાથમાં કંઈ ના લાગ્યું. રાવત આગળ વધ્યો, બીજા ખાનામાં થોડાં બોક્સ પડ્યા હતાં. રાવતે બધા બોક્સ તપસ્યા, બધામાં સોનાનાં આભૂષણો હતાં. રાવતે બધા બોક્સ પૂર્વવત સ્થિતમાં રાખી દીધાં. નીચેનાં ત્રીજા ખાનામાં બે મોટા ટેડ્ડી, બે જોડી શૂઝ અને એક જોડી સ્લીપર હતા જ્યારે ચોથું ખાનું ખાલી હતું.

રાવતે ડ્રોવર ખોલવાની કોશિશ કરી પણ ડ્રોવર લૉક હતું. અલમારીમાંથી કશું ન મળતાં રાવત આગળ વધ્યો. આગળ બીજા ખૂણામાં એક ટેબલ પડ્યું હતું, ટેબલમાં પણ જરૂરી જણાય એવું કશું ન મળ્યું. આખરે કંટાળીને રાવત દરવાજા તરફ વળતો હતો ત્યાં તેની નજર ટેબલ નીચે પડી. ટેબલની નીચે ફર્શ પર સ્ટીલની એક સ્કેલ પડી હતી. રાવતે રૂમાલ વડે એ સ્કેલ હાથમાં લીધી. સ્કેલનાં એક ખૂણે લોહીનાં ડાઘ હતાં. રાવત ફરી મુસ્કુરયો. તેણે એ સ્કેલ ટેબલ પર એવી રીતે રાખી જેથી લોહી વાળો હિસ્સો ટેબલની બહાર રહે.

સહસા રણજિત રૂમમાં પ્રવેશ્યો, તેની સાથે બે હવલદાર હાથમાં ‘police line do not cross' નો ટેપરોલ લઈને ઊભા હતાં. રાવતે ઈશારો કર્યો એટલે બંને હવલદાર રૂમ બહાર જઈને ટેપ લગાવવા લાગ્યાં.

“તમારે જ્યોતિષ બની જવું જોઈએ રાવત સાહેબ” રણજિત રાવતની નજીક આવી આવ્યો, “એકદમ સચોટ અનુમાન લગાવો તમે”

“અત્યારે કામની વાત કરીએ, જ્યોતિષીપણું ચોકીએ જઈને કરીશું” રાવતે ગંભીર અવાજે કહ્યું, “ફોટોગ્રાફરનું શું થયું ?”

“થોડીવારમાં જ પહોંચી જશે અને એમ્બ્યુલન્સ પણ”

“ગુડ, એક કારીગરને બોલાવીને પેલાં અલમારીમાં રહેલું ડ્રોવર તોડાવો અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ ક્યાં પહોંચ્યો. જ્યાં સુધી બધી જ ફિંગરપ્રિન્ટસ્ ના લેવાય જાય ત્યાં સુધી એકપણ ચીજવસ્તુઓને સ્પર્શવાનું નથી” રાવતે કડક શબ્દોમાં કહ્યું.

“ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ પણ ફોટોગ્રાફર સાથે જ આવે છે, મેં એમ્બ્યુલન્સને પણ બોલાવી લીધી છે” રણજિતે કહ્યું.

“ગુડ જોબ” રાવતે કહ્યું, “જ્યાં સુધી એ લોકો ના આવે ત્યાં સુધી આપણે બહારની પરિસ્થિતિ સાંભળીએ”

રાવત અને રણજિત બંને રૂમની બહાર આવ્યાં.

“તમે બંને, અહીં જ રહેજો. હું ના કહું ત્યાં સુધી કોઈને અંદર પ્રવેશવા નહિ દેતા” રાવતે બંને હવલદારને ઉદ્દેશીને હુકમ કર્યો. બંને હવલદારે હકારમાં માથું ધુણાવ્યું. ત્યારબાદ રાવત અને રણજિત પરસાળ તરફ આગળ વધ્યા.

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED