ઔકાત – 18 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઔકાત – 18

ઔકાત – 18

લેખક – મેર મેહુલ

મીરાનાં ગયા પછી કેશવ થોડીવાર માટે માથું પકડીને બેસી ગયો. શ્વેતાનો કૉલ આવ્યો એટલે સ્વંય સ્વસ્થતા મેળવીને તેણે હવેલી તરફ પગ ઉપાડ્યા. એ પરસાળમાં પહોંચ્યો ત્યારે મીરા, રીટા અને સાધના સ્ટેજ પાસે બેસીને વાતો કરી રહી હતી. બે સેકેન્ડ માટે કેશવ અને મીરાની આંખો ચાર થઈ, ત્રીજી જ ક્ષણે કેશવે નજર ફેરવી અને હવેલીનાં પગથિયાં ચડી ગયો.

કેશવ હવેલીમાં પ્રવેશ્યો એટલે મંગુએ તેને રોક્યો,

“થોડીવારમાં કેક લેવા જવાનું છે કેશવ”

“શ્વેતા મેડમને કંઈક કામ છે, મને કૉલ કરો એટલે હું દરવાજે પહોંચી જઈશ” કેશવે ઉતાવળથી કહ્યું અને બીજો માળ ચડી ગયો. કેશવ દરવાજા પાસે પહોંચ્યો, રૂમનો દરવાજો અધુકડો ખુલ્લો હતો.

“આવું મેડમ” કેશવે દરવાજે ટકોરો મારીને કહ્યું.

“અંદર આવી જા” અંદરથી શ્વેતાનો અવાજ આવ્યો, “બારણું બંધ કરી દેજે”

કેશવ રૂમમાં પ્રવેશ્યો, તેણે ધીમેથી બારણું વાસ્યું અને સ્ટોપર લગાવી દીધી. શ્વેતા બેડ પર દીવાલને ટેકો આપીને બેઠી હતી, હજએ શોટ્સ-ટીશર્ટમાં જ હતી.

“જી મેડમ” કેશવે અજાણ બનતાં પૂછ્યું, “શું કામ હતું ?”

“આવ, બેસ અહીં” શ્વેતાએ બેડ પર બેસવા ઇશારો કર્યો.

“અરે મેડમ, શું મજાક કરો છો ? હું અહીં જ બેઠો છું.” કેશવે હસીને ટેબલ પાસેથી ખુરશી સરકાવી અને બેસી ગયો. શ્વેતા થોડી આગળ ખસી.

“આપણી પહેલી મુલાકાતમાં આપણો બંનેનો ઝઘડો થયો હતો એ તને યાદ છે ?” શ્વેતાએ ગોઠણ પર કોણી ટેકવી અને હથેળી પર હડપચી ટેકવીને પૂછ્યું.

“યાદ જ હોયને મેડમ, તમે મારા કપાળે પિસ્તોલ તાંકી હતી” કેશવે હળવું હસીને કહ્યું.

“તો પણ તું શાંત રહ્યો હતો” શ્વેતાએ કહ્યું, “મેં ઘણીવાર તને ટોર્ચર કરવાની કોશિશ કરી પણ તું હંમેશા શાંત જ રહ્યો”

“આજે એ વાત કેમ કરો છો ?” કેશવ હજી અજાણ જ બનતો હતો, આગળ શું વાત થવાની છે એ કેશવ જાણતો જ હતો.

“તું પહેલાં મારી વાત સાંભળ, વચ્ચે ના બોલ” શ્વેતાએ કેશવના ખભે ટાપલી મારીને કહ્યું.

કેશવ નાકે આંગળી રાખીને ચૂપ થઈ ગયો.

“પછીનાં દિવસે પેલાં ગુંડાઓએ મને કારમાં બેસારી દીધી, એ દિવસે પણ તે શાંત મગજે કામ લીધું હતું. પછીનાં દિવસથી મારું વર્તન બદલાય ગયું. એ વર્તન શા માટે બદલાયું એ વિશે તે ના વિચાર્યું ?”

કેશવ હજી નાક પર આંગળી રાખીને બેઠો હતો.

“બોલ હવે” શ્વેતાએ હસીને કેશવનો હાથ નાક પાસેથી હટાવી દીધો.

“તમારું વર્તન કેમ બદલાય ગયું ?” કેશવે પુછ્યું.

શ્વેતા થોડીવાર મૌન રહી, એ કેશવની આંખોમાં કશુંક શોધી રહી હતી પણ અથાગ પ્રયત્નો કર્યા પછી પણ તેને સફળતા ના મળી.

“આઈ લવ યુ કેશવ” શ્વેતાએ ચહેરા પર મોટી સ્માઈલ સાથે કહ્યું.

શ્વેતાની વાત સાંભળીને મોટો ઝટકો લાગ્યો હોય એવી રીતે કેશવ ઉભો થઇ ગયો.

“શું બકવાસ કરો છો મેડમ ?” કેશવે તીખાં શબ્દોમાં કહ્યું.

“શું થયું ?, હું તને પસંદ નથી ?” શ્વેતા પણ બેડપરથી કૂદીને ફર્શ પર આવી ગઈ.

“પસંદ કરવાની વાત તો બાજુમાં રહી મેડમ, તમારી અને મારી વચ્ચે નોકર-માલિક જેવો સંબંધ છે. તમે જે વિચારો છો એ સંબંધ બનાવવો અસંભવ છે”

“કેમ પણ !, આપણે બંને સરખી ઉંમરના છીએ. સાથે કૉલેજ કરીએ છીએ તો એકબીજાને પસંદ કરી શકીએ” શ્વેતાએ કેશવને સમજાવવાની કોશિશ કરી.

“અને જ્યારે તમારાં પપ્પાને આ સંબંધની જાણ થાય ત્યારે ?” કેશવે કહ્યું, “તેઓ આ સંબંધને સ્વીકારશે ?”

શ્વેતા હળવું હસી. કેશવની નજીક જઈને તેણે કહ્યું,

“પાપાને બધી જ ખબર છે, તેઓ હમણાં પાર્ટીમાં આપણી સગાઈનું એનાઉસમેન્ટ પણ કરવાનાં છે”

“મને પૂછ્યા વિના ?” કેશવ ભડક્યો.

“એમાં શું પૂછવાનું હોય ?” શ્વેતાએ ગુરુર સાથે કહ્યું, “મારી સાથે લગ્ન કરવાની કોણ ના પાડે ?”

“હું ના કહું છું” કેશવે સહેજ ઊંચા અવાજે ગુસ્સામાં કહ્યું.

“કેશવ..!” શ્વેતાએ લાંબો લહેકો લીધો, “પણ મારામાં ખામી શું છે ?, હું સુંદર છું, મારાં પાપા શિવગંજનાં સૌથી ધનવાન વ્યક્તિ છે. તારે તો ખુશ થવાની જરૂર છે, તારા હાથમાં ગુલાબનું ફૂલ આવે છે”

“તમે વ્યર્થ પ્રયાસ કરો છો મેડમ, મેં તમને કોઈ દિવસ એ નજરે જોયા જ નથી અને વાત રહી જાહોજલાલીની તો માણસનું દિલ સાફ હોવું જોઈએ, કપડાં તો જાનવરને પણ સાફ પહેરાવવામાં આવે છે”

“કેશવ…!” શ્વેતા સમસમી ઉઠી, “તું કોની સામે ઉભો છે એ ના ભૂલ”

કેશવ અદબવાળીને શ્વેતાને ઘુરતો ઉભો રહ્યો. શ્વેતા ટાઢી પડી.

“હું તને પામવા કંઈ પણ કરી શકું છું” કહેતા શ્વેતા કેશવની વધુ નજીક સરકી. કેશવ કોઈ પ્રતિક્રિયા આપે એ પહેલાં જ શ્વેતાએ કેશવનાં હોઠ પર હોઠ ચાંપી દીધાં. કેશવે ગુસ્સામાં શ્વેતાને ધક્કો માર્યો અને બેડ પર ધકેલી દીધી.

“તમે પાગલ થઈ ગયાં છો મેડમ ?” કેશવે બરાડીને કહ્યું, “જબરદસ્તી કશું નથી થતું એટલું પણ નથી સમજતાં”

શ્વેતા ઉભી થઇ, ફરી કેશવની નજીક આવી,

“હા હું પાગલ થઈ ગઈ છું, તને પામવા હું કંઈ પણ કરી શકું છું, કંઈ પણ” કહેતાં શ્વેતા ફરી કેશવ તરફ આગળ વધી. આ વખતે કેશવે દૂરથી જ શ્વેતાને અટકાવી અને શ્વેતાનાં ગાલ પર એક લાફો ચોડી દીધો. શ્વેતા ગાલ પર હાથ રાખીને બેડ પર બેસી ગઈ.

“મારી વાત કાન ખોલીને સાંભળો, હું મીરાને પસંદ કરું છું અને થોડીવાર પહેલા જ અમે બંનેએ એકબીજાને ચુંબન કર્યું છે. તો તમે મને ભૂલી જાઓ અને બીજા કોઈ સારા પાત્રની શોધ કરો”

કેશવની વાત સાંભળીને શ્વેતા ધુંઆપુંઆ થઈ ગઈ. તેણે ગાદી પર હાથ પછાડ્યો, ઉભી થઇ અને ટેબલનાં ડ્રોવરમાંથી પિસ્તોલ કાઢીને કેશવ તરફ તાંકી.

“આ જ બાકી હતું, તમારો જિદ્દી સ્વભાવ જ તમને લોકોથી દૂર રાખે છે” કેશવે કહ્યું, કેશવનાં ચહેરા પર ડરનું એક તણખલું પણ નહોતું, “ગોળી ચલાવવી હોય તો કપાળનું નિશાન લે જો, એક જ ગોળીએ કિસ્સો ખતમ થઈ જશે”

“તને તો હું પ્રેમ કરું છું, તારા પર કેવી રીતે ગોળી ચલાવું” કહેતાં શ્વેતાએ પિસ્તોલનું નાળચુ પોતાનાં નમણે ટેકવ્યું, “હું જ સ્યુસાઈડ કરી લઈશ”

કેશવ કટાક્ષમાં હળવું હસ્યો,

“આવી ધમકીથી કેશવને કંઈ ફર્ક નથી પડતો”

સહસા કેશવનો મોબાઈલ રણક્યો,

“પાંચ મિનિટમાં ગેટ પર મળું મંગુભાઇ” કેશવે કૉલ રિસીવ કરીને કહ્યું અને કૉલ કટ કરી દીધો.

“મારી વાત સાંભળો, આપણે આ મુદ્દા પર પછી ચર્ચા કરીશું, તમારો જન્મદિવસ છે આજે. નીચે બધા તમારી રાહ જોતાં હશે. તૈયાર થઈને નીચે આવી જાઓ મેડમ” કહેતાં કેશવ રૂમની બહાર નીકળી ગયો. કેશવ જ્યારે બહાર નીકળ્યો ત્યારે લોબીમાં ગોપાલ હાથમાં પાણીનો ગ્લાસ લઈને પસાર થતો હતો. બેતોરમાં કેશવ તેની સાથે અથડયો જેનાં પરિણામે પાણીનો ગ્લાસ કેશવનાં શર્ટ પર ઢોળાઈ ગયો.

“માફ કરશો સાહેબ” ગોપાલે ગ્લાસ હાથમાં લઈને કહ્યું.

“ઇટ્સ ઑકે” કેશવે પોતાની જ ધૂનમાં કહ્યું અને દાદરો ઉતરી ગયો.

મીરા હજી સ્ટેજ પાસે જ ઉભી હતી, કેશવે ઊડતી નજરે તેનાં પર કરી. ફરી બે સેકેન્ડ માટે બંનેની આંખો એક થઈ, બંનેની વેધક આંખો શબ્દો વિના ઘણુંબધું બોલતી હતી. કેશવે શ્વેતા સાથે શું વાત કરી હશે એ મીરાને કેશવની ગુસ્સાભરી આંખો જોઈને ખ્યાલ આવી ગયો. મીરાએ પોતાનો ચહેરો બીજી તરફ ફેરવી લીધો. કેશવ ગુસ્સામાં પગ પછાડતો પછાડતો બહાર નીકળી ગયો.

(ક્રમશઃ)