Ability - 16 books and stories free download online pdf in Gujarati

ઔકાત – 16

ઔકાત – 16

લેખક – મેર મેહુલ

શિવગંજની આજની સાંજ કંઈક જુદી જ હતી. ઢળતો સૂરજ આજે જુદા જ મૂડમાં હતો, આસમાન રાતું-પીળું થઈ ગયું હતું. તેની વચ્ચે રહેલાં વાદળો પણ પોતાનાં રંગો બદલી રહ્યાં હતાં. ઢળતા સૂરજની એક એક ક્ષણ ખુશનુમા અને નયનપ્રિય હતી.

આ સાંજ બે વ્યક્તિ માટે મહત્વથી અતિ મહત્વની હતી. એક મીરા અને બીજી શ્વેતા.

શ્વેતાએ પોતાનાં જન્મદિવસનાં દિવસે જ કેશવને પ્રપોઝ કરીને પોતાનો બનાવી લેવાનું નક્કી કરી લીધું હતું. આ વાત બે દિવસ પહેલા શ્વેતાએ મીરાને કહી હતી. એટલે જ મીરાએ આડકતરી રીતે કેશવનાં મનની વાત જાણવાની કોશિશ કરી હતી. કેશવે જ્યારે મીરાને એ બાબતે સ્પષ્ટ ના પાડી દીધી હતી અને પોતે મીરાને પસંદ કરે છે એવો સંકેત આપ્યો હતો ત્યારે મીરા ખુશ થઈ હતી પણ બીજી જ ક્ષણે જ્યારે શ્વેતાનો ચહેરો તેની સામે આવ્યો ત્યારે તેણે પોતાનાં મનની વાત મનમાં જ દબાવી દીધેલી.

શ્વેતાએ જ્યારે મીરાએ આપેલું ગિફ્ટ જોયું ત્યારે શ્વેતાની ખુશીનો પાર નહોતો રહ્યો. મીરાએ શ્વેતાને સિલ્વર કલરનું હાર્ટશેપનું પેન્ડન્ટ લોકેટ ગિફ્ટમાં આપ્યું હતું. એ લોકેટમાં શ્વેતા અને કેશવનાં ફોટા હતા. શ્વેતાએ એ ફોટા જોઈને તરત મીરાને ફોન કર્યો હતો અને સતત બે મિનિટ સુધી મીરાનો આભાર વ્યક્ત કર્યો હતો.

સામે છેડે, મીરાએ પણ પોતે શ્વેતા માટે ખૂબ જ ખુશ છે એવું જતાવ્યું હતું પણ જ્યારે કૉલ કટ થયો ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. બંનેની વાતથી બેખબર કેશવ શ્વેતાનાં જન્મદિવસની કેકની વ્યવસ્થામાં વ્યસ્ત હતો.

*

સાંજના સાત થયા હતાં. શ્વેતા બ્લ્યૂ શોર્ટ્સ અને વાઈટ ટીશર્ટમાં પોતાનાં રૂમમાં આમતેમ ચક્કર લગાવતી હતી. શ્વેતા કેશવને પોતાનાં દિલની વાત કરવા ઇચ્છતી હતી પણ એ વાત કેવી રીતે કહેવી એ શ્વેતાને નહોતું સમજાતું. આખરે તેણે અડધી કલાક વિચાર્યા પછી કેશવને ફોન લગાવ્યો,

“જી મેડમ” કેશવે કૉલ રિસીવ કરીને કહ્યું.

“જરૂરી કામ છે, મારા રૂમમાં આવ” મીરાએ સોફ્ટ અવાજે કહ્યું.

“અડધી કલાક જેવું થશે મેડમ” કેશવે કહ્યું, “હું બજારમાં છું, અરજન્ટ જેવું હોય તો ગોપાલને મોકલું”

ગોપાલ બળવંતરાયની હવેલીમાં કામ કરતો હતો.

“ના, અરજન્ટ નથી” શ્વેતાએ નિરાશાજનક અવાજે કહ્યું, “અહીં આવ ત્યારે પહેલા મને મળજે”

“ચોક્કસ મેડમ” કહેતાં કેશવે ફોન કટ કરી દીધો. શ્વેતા ફરી વિચારોમાં ખોવાઈ ગઈ. તેણે ફરી ફોન હાથમાં લીધો અને મીરાને જોડ્યો.

“દસ જ મિનિટમાં પહોંચી ડિયર” મીરાએ કૉલ રિસીવ કરીને કહ્યું.

“મારી વાત તો સાંભળ પહેલાં” શ્વેતાએ કહ્યું, “થોડીવાર પછી કેશવ મારા રૂમમાં આવે છે, હું તેને કેવી રીતે પ્રોપોઝ કરું ?”

“જેમ કરવાનો હોય એમ” મીરાએ હળવું હસીને કહ્યું, “તું એને પસંદ કરે છે એ વાત જણાવી દેજે, પછી એ શું રીએક્ટ કરે છે એ જોઈ લેવાનું”

“મને થોડી ના પાડે એ” શ્વેતાએ સહેજ ગુરુર સાથે કહ્યું, “બળવંતરાયની દીકરી છું હું !”

“હા તો બળવંતરાયની દીકરી, અત્યારે ફોન રાખ. હું દસ મિનિટમાં આવું છું” મીરાએ કહ્યું.

“સારું બાય” શ્વેતાએ ફોન કટ કરી દીધો અને ગાદલાં પર ફેંકી દીધો.

બીજી તરફ મીરા ચિંતાનાં ગારકાવમાં ડૂબવા લાગી. કેશવ શ્વેતાને પસંદ નથી કરતો એ વાત મીરા જાણતી હતી પણ શ્વેતાને જ્યારે આ વાત ખબર પડશે ત્યારે શું થશે એ વિચારીને મીરાનાં કપાળે પરસેવો છૂટી ગયો. મીરાએ થોડો વિચાર કર્યો અને ત્યારબાદ કેશવને ફોન જોડ્યો.

“જી મેડમ” કેશવે પૂર્વવત અવાજે કૉલ રિસીવ કરીને કહ્યું.

“મળી શકીશ અત્યારે ?” મીરાએ સીધે સીધું પૂછી લીધું.

“બજારમાં છું મેડમ, અડધી કલાક જેવું થશે” કેશવે કહ્યું, “અરજન્ટ હોય તો કહો, ક્યાં મળવાનું છે ?”

“અરજન્ટ નથી પણ શ્વેતા પાસે જા એ પહેલાં મને મળતો જજે” મીરાએ કહ્યું.

“ચોક્કસ.મેડમ” કેશવે કહ્યું, “બીજું કંઈ ?”

“ના, મળીને વાત કરીએ” મીરાનાં ચહેરા પર આપોઆપ સ્મિત આવી ગયું, “બાય”

“સારું, બાય” કહેતાં કૉલ કટ થઇ ગયો.

દસ મિનિટમાં મીરા હવેલીએ પહોંચી ગઈ. હવેલીનું દ્રશ્ય કંઈક આવું હતું. હવેલીનાં મુખ્ય દરવાજા પાસે ડેકોરેટ કરેલ મોટો દરવાજો રાખવામાં આવ્યો હતો, જેમાંથી તાજા ફૂલોની સુગંધ આવતી હતી. દરવાજા પર ચાર માણસો ઉભા હતાં. જેમાંથી બે પુરુષો અને બે સ્ત્રી હતી. એક સ્ત્રી અને એક પુરુષ આવનાર મહેમાનોની તપાસ કરતાં હતાં જ્યારે બાકીનાં બંને આવનાર મહેમાનો પર અત્તર છાંટતા હતાં. ચારેય લોકો મીરાને ઓળખતા હતા એટલે મીરાની તપાસ કર્યા વિના જ તેને અંદર જવા દેવામાં આવી. પરસાળમાં લીલું કાર્પેટ પાથરવામાં આવ્યું હતું. મુખ્ય દરવાજાથી હવેલીનાં પગથિયાં સુધી ફૂલો પાઠરેલો રસ્તો બનાવવામાં આવ્યો હતો. મીરાએ ડાબી તરફ નજર કરી, ડાબી તરફની દીવાલ પાસે એક સ્ટેજ બનાવવામાં આવ્યું હતું, જ્યાં સાત-આઠ લોકો કામ કરો રહ્યા હતા, જમણી તરફની દીવાલ પાસે બે ટેબલ ગોઠવેલા હતા. એ ટેબલની બાજુમાં બે મોટા ડ્રમ હતાં. શરબત અને ઠંડા પીણાંની વ્યવસ્થા અહીં કરવામાં આવી હતી. એક બાજુ ખૂણામાં મ્યુઝિક સિસ્ટમ રાખવામાં આવી હતી, અત્યારે જુના, મધુર અને કર્ણપ્રિય ગીતો ધીમા અવાજે વાતાવરણમાં રેળાઇ રહ્યા હતાં.

મીરા થોડી આગળ વધી, હવેલીનાં પગથિયાં પાસે પણ એક ડેકોરેટ કરેલો દરવાજો હતો. દરવાજાની એક તરફ મોટા બેનરવાળો શ્વેતાનો ફોટો હતો તો બીજી તરફ બળવંતરાયનો ફોટો હતો. મીરાં પગથિયાં ચડીને હવેલી મધ્યમાં પહોંચી. બેઠક રૂમ અત્યારે મોટા હોલમાં બદલાય ગયો હતો. ત્રણ દીવાલો પર બલૂન, રંગબેરંગી પટ્ટીઓ, તારલાઓ વગેરેથી ડેકોરેટ કરેલી હતી. એક દિવાલ પર લાઈનમાં શ્વેતાનાં ફોટા લગાવવામાં આવ્યાં હતાં, જે શ્વેતાની જુદી જુદી ઉંમરને દ્રશ્યમાન કરતાં હતાં.

બધી ચીજવસ્તુઓ પર ઊડતી નજરે ફેરવીને મીરા ઉતાવળથી દાદરો ચડીને શ્વેતાનાં રૂમ પાસે આવી અને દરવાજો નૉક કર્યો. શ્વેતાએ દરવાજો ખોલ્યો ત્યારે તેનાં ચહેરા પર અનેરો ઉત્સાહ હતો.

“હું છું !” મીરાએ હસીને કહ્યું, “કેશવ હજી નથી આવ્યો”

“ખબર છે” શ્વેતાએ મીરાનો હાથ પકડીને તેને અંદર ખેંચી લીધી, “તારી જ રાહ જોતી હતી”

“હજી તું તૈયાર નથી થઈ” મીરાએ શ્વેતાનાં હાલ જોઈને કહ્યું. શ્વેતા હજી શોર્ટ્સ અને ટી-શર્ટમાં જ હતી.

“એ છોડને, કેશવ સાથે હું કેવી રીતે વાત કરું એ સમજાવ મને” શ્વેતાએ અધીરાઈથી કહ્યું, તેનાં ચહેરા પર ન સમજી શકાય તેવા જુદા જુદા ભાવ હતાં. થોડીવાર માટે એ ખુશ દેખાતી હતી તો બીજી જ ક્ષણે કોઈ ચિંતા તેને કોરી ખાતી હોય એવું લાગતું હતી. બેચેની અને ઉત્સાહનું સપ્રમાણ મિશ્રણ અત્યારે શ્વેતાનાં બેહદ ખૂબસુરત ચહેરા પર જલકાતું હતું.

“હું કોઈ લવગુરુ નથી” મીરાએ હસીને કહ્યું, “મેં આજ સુધી કોઈ છોકરાને પ્રપોઝ નથી કર્યો તો હું કેવી રીતે સમજાવું”

“આવું ના બોલ યાર, મારે અત્યારે તારા સાથની જરૂર છે, નહીંતર હું હિંમત હારી જઈશ” શ્વેતાએ ઉદાસ ચહેરે કહ્યું.

“તો સાંભળ” મીરાએ કહ્યું એટલે શ્વેતાએ કાન સરવા કર્યા, “પહેલાં તારે કેશવનાં મનમાં શું ચાલે છે એ તપાસવાનું છે, તેની સાથે કોઈપણ ટોપિક પર વાત કરજે. ધીમે ધીમે તારો મુખ્ય ટોપિક વચ્ચે લાવીને પ્રપોઝ કરી દેજે”

“હા, આ મસ્ત આઈડિયા છે” શ્વેતા ચમકી, “સીધે સીધું પૂછી લઈશ તો બિચારો ચોંકી જશે. ધીમે ધીમે તેને કમ્ફર્ટ ઝોનમાં લઈશ અને પછી જે કહેવાનું છે એ કહી દઈશ”

“તો પછી, તું નાહકની ડરે છે”મીરાએ શ્વેતાનાં ગાલ ખેંચીને કહ્યું. શ્વેતાએ મીરાને પોતાનાં તરફ ખેંચીને ગળે લગાવી લીધી.

સહસા મીરાનાં મોબાઈલની રિંગ વાગી, મીરાએ ચેક કર્યું તો કેશવનો ફોન હતો.

“એક મિનિટમાં પહોંચી, સ્ટેજ પાસે આવ” મીરાએ ફોન રિસીવ કરીને કહ્યું અને તરત ફોન કટ કરી દીધો.

“તું તૈયાર રહેજે, કેશવ આવતો જ હશે” મીરાએ ફરી શ્વેતાને હગ કર્યો અને બહાર નીકળી ગઈ.

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED