Ability - 14 books and stories free download online pdf in Gujarati

ઔકાત – 14

ઔકાત – 14

લેખક – મેર મેહુલ

પોતાનાં માણસો પર હુમલો થયાં બાદ શશીકાંત અને બદરુદ્દીન વચ્ચે એક મિટિંગ થઈ હતી. શશીકાંતને આ ઘટનાં પાછળ તેનાં મોટાભાઈ બળવંતરાયનો હાથ લાગતો હતો પણ બદરુદ્દીને તેની વાત ખારીજ કરી દીધી હતી.

“જો આપણે ત્રણેયમાંથી કોઈએ આ કામ નથી કર્યું તો કોણ કરી શકે ?” શશીકાંતે વિચારમગ્ન અવસ્થામાં જતાં કહ્યું.

બદરુદ્દીન પણ વિચારમગ્ન થઈ ગયો. થોડીવાર વિચાર્યા બાદ તેની આંખો ચમકી,

“બે દિવસ પછી શું છે ખબરને ?” બદરુદ્દીને પૂછ્યું.

“શું છે ?” શશીકાંતે પૂછ્યું.

“બે દિવસ પછી શ્વેતાનો જન્મદિવસ છે” બદરુદ્દીને ચપટી વગાડીને કહ્યું.

“તો એમાં શું મોટું તીર મારી લેવાનું છે” શશીકાંતે હુંહકાર ભર્યો.

“અરે બબૂચક, બાવીશ વર્ષ પહેલાં, શ્વેતાનો જન્મ થયો એ જ દિવસે શિવગંજનાં ભાગ પડ્યા હતાં અને આ દિવસે આપણે હથિયાર વિના જ મળવાનું છે ત્યાં, એ વર્ષો પહેલાં નિયમ બન્યો હતો યાદ છે ને !”

“હા તો શું પણ ?” શશીકાંતે કંટાળાજનક અવાજે કહ્યું.

“ જો બળવંતરાયે આ કામ નહીં કરાવ્યું હોય તો એ દિવસે આપણાં માણસોની જેમ મંગુ પર પણ હુમલો થશે અને જો હુમલો ના થયો તો સમજી લેવાનું કે આ કામ બળવંતરાયનું જ છે”

“આ કોઈ તર્ક ના થયો !” શશીકાંતે ફરી હુંહકાર ભર્યો, “આટલાં બધાં માણસો વચ્ચે કોઈ આવી હિંમત ના કરે”

“જો હું કોઈને ડરાવવા ઇચ્છતો હોઉં તો આ જ સમયે હુમલો કરું” બદરુદ્દીને કહ્યું, “ આમ પણ ત્યાં એટલા બધાં લોકો હોય તો કામ આસાનીથી થઈ જાય”

“તારી વાતમાં દમ તો છે” શશીકાંતે કહ્યું, “જોઈએ એ દિવસે શું થાય છે એ”

*

અહીં કેશવ અને મીરા મોલમાં શોપિંગ કરવા આવ્યાં હતા. મીરા શોપિંગ કરતી હતી એ સમય દરમિયાન કેશવને એક જરૂરી કામ હતું એટલે કેશવ અડધી કલાક માટે બહાર ગયો હતો. અડધી કલાકમાં મીરાએ પોતાનાં માટે ચણિયાચોળી અને કેશવ માટે કાળું કુર્તુ પસંદ કરી લીધું. ત્યારબાદ એ કેશવની રાહ જોતી મોલની બહાર ઉભી રહી.

થોડીવારમાં કેશવ આવ્યો,

“શોપિંગ થઈ પણ ગઈ ?” કેશવે હસીને કહ્યું, “મને લાગ્યું, બે કલાક તો થશે જ”

“મારી ચણીયાચોળી માટે પહેલા બે કલાક બગાડી હતી” મીરા પણ હસી, “અડધી કલાક તો તારું આ કુર્તુ લેવામાં થઈ”

“ઓહહ, તમે કુર્તુ પણ લઈ લીધું” કેશવે મીરાના હાથમાં બેગ લીધી.

“જોઈ લે, પસંદ આવે તો ઠીક છે. નહીંતર બદલાવી લેશું”

“તમે પસંદ કર્યું તો સારું જ હશે” કેશવે બેગ ખોલ્યા વિના કહ્યું, “કેટલાં રૂપિયા થયા ?”

“એક લંચના થાય એટલા” મીરાએ પેટ પર હાથ રાખ્યો, “મને કકડીને ભૂખ લાગી છે”

“હાહા, ચાલો જોરદાર રેસ્ટરોન્ટમાં લઇ જાઉં તમને” કહેતાં કેશવે બાઇક શરૂ કર્યું. મીરા કૂદીને બાઇક પર બેસી ગઈ.

“તું તને તું કહું અને તું મને તમે કહે છો, ઓડ નથી લાગતું” મીરાંએ કેશવનાં કાન પાસે ચહેરો લઈ જઈને પૂછ્યું.

“એમાં શું ઓડ લાગે મેડમ” કેશવ હસ્યો, “જેવી જેની આદત”

“હું તું જ કહીશ, તમે કહેવામાં મને જુદી જ ફિલિંગ આવે”

“કેવી ફિલિંગ ?”

“હાહાહા, સમજી જઈશ તું” મીરાએ હસીને કહ્યું, “સમય આવવા દે”

બંને રેસ્ટરોન્ટમાં પહોંચ્યા, કાચનાં પાટેશનથી અંદર નજર કરતાં રેસ્ટરોન્ટ આલીશાન લાગતું હતું. અંદર થોડાં અંતરે સાત-આઠ ટેબલો ગોઠવેલા હતાં, ટેબલની ફરતે ચાર-ચાર ખુરશીઓ હતી. એક બાજુ ખૂણામાં બે મોટા સોફા હતાં. ટેબલ ખાલી નહોતું એટલે બંને સોફા પર જઈને બેઠા.

“આ રેસ્ટરોન્ટમાં પહેલા આવેલા ક્યારેય ?” કેશવે ઓર્ડર આપીને પુછ્યું.

“ના, પણ નામ સાંભળ્યું છે” મીરાએ કહ્યું, “શિવગંજની સૌથી જૂની રેસ્ટરોન્ટ છે, બળવંતરાય પહેલા મોહનલાલ કરીને એક ભલા વ્યક્તિ હતા. તેણે આ રેસ્ટરોન્ટ શરૂ કરેલી”

“બીજું શું જાણો છો મોહનલાલ વિશે ?” કેશવે બંને કોણી ટેબલ પર ટેકવી અને હથેળી વચ્ચે હડપચી રાખીને પૂછ્યું.

“વધુ કંઈ નહીં પણ મેં જેટલું સાંભળ્યું છે એ મુજબ, બળવંતરાયથી એ તદ્દન જુદાં સ્વભાવનાં હતાં. લોકોનાં હિત વિશે વિચારતાં. ટૂંકમાં કહું તો ત્યારે રામરાજ્ય હતું અમારું શિવગંજ”

“તો આ રામરાજ, રાવણરાજમાં કેવી રીતે બદલાયું ?”

“રસપ્રદ કહાની છે, બળવંતરાયનાં પિતા મોહનલાલનાં વફાદાર હતાં, પોતાનાં બંને પુત્રો બળવંતરાય અને શશીકાંત પણ તેઓની જવાબદારી સંભાળે એવું વિચારીને તેનાં પિતાએ તેઓને મોહનલાલને ત્યાં ભલામણ કરીને નોકરીએ રખાવી દીધાં. આ બંને ભાઈની નિયત ખરાબ હતી તેઓએ મોહનલાલ સાથે પૂરા પરિવારનો નાશ કરો દીધો અને શિવગંજને ત્રણ ભાગમાં વહેંચી દીધું. અત્યારે શિવગંજ, કેસરગંજ અને બલીરામપુર છે એ ત્યારે માત્ર શિવગંજ જ કહેવાતું”

બે થાળી પીરસાય. બંનેએ ભોજનને ન્યાય આપ્યો,

“જો બળવંતરાયનો આટલો ત્રાંસ છે તો શિવગંજનાં લોકો બળવો કેમ નથી કરતાં ?” કેશવે કહ્યું, “પોલીસની પણ મદદ લઇ શકે”

“પોલીસ બળવંતરાય બાજુ છે, તે એક વ્યક્તિ પર ગોળી ચલાવી તો પણ તાત્કાલિક છૂટી ગયો તો તને ન સમજાયું ?”

“હમ્મ, બળવંતરાયનાં નામથી બધાં ડરે છે” કેશવે કહ્યું.

“હવે બીજી વાત કરીએ, નહીંતર આ વાતમાં જ સાંજ પડી જશે” મીરાએ હસીને કહ્યું.

“તમે જ કહોને મેડમ”

મીરાએ એક મિનિટ વિચાર કર્યો, ત્યારબાદ અર્થપૂર્ણ શબ્દોમાં તેણે પૂછ્યું,

“શ્વેતા કેવી લાગે છે તને ?”

“મેડમ થોડા ગુસ્સાવાળા અને જિદ્દી છે પણ દિલનાં સારા છે” કેશવે કહ્યું.

“એમ નહિ, તું એને પસંદ કરે છે ?”

મીરાની વાત સાંભળીને કેશવ હસી પડ્યો.

“ક્યાં એ મેડમ અને ક્યાં હું, કંઈક ગળે ઉતરે એવી વાત કરો મેડમ” કેશવે હસતાં હસતાં કહ્યું.

“એવું થોડું છે, પસંદ તો કોઈ પણ આવી શકે” મીરાએ દલીલ કરી.

“ના તો પણ, મેડમ અને મારી વચ્ચે એવી કોઈ વાત કે ઈશારો નથી થયો જેનાં પરથી કોઈ હિન્ટ મળે”

“તે દિવસે તે કોલેજમાં ગુંડાઓથી મેડમને બચાવ્યા હતા તો તું શ્વેતાને પસંદ આવી ગયો હોય એવું બને ને ?”

“ગુંડાઓથી તો મેં તમને પણ બચાવ્યા હતા, કાલે તો જેલમાં જવું પડ્યું હતું તો શું તમે મને પસંદ કરવા લાગ્યા છો ?”

મીરા હસવા લાગી.

“મારુ જમવાનું પતી ગયું” થાળી દૂર હડસેલતાં મીરાએ કહ્યું.

“તમે વાત બદલો છો મેડમ”કેશવે કહ્યું, “શ્વેતા મેડમ વિશે આવું કેમ પૂછ્યું હતું તમે ?”

“બસ અમસ્તા જ” મીરાએ ખભા ઉછાળ્યા, “બંને એકબીજાને પસંદ કરતાં હોય તો હું કંઈક મદદ કરી શકું”

“તો આ વાત પહેલાં તમારે શ્વેતા મેડમને પૂછવી જોઈએ, મને પુછવાનો કોઈ અર્થ નથી” કેશવે કહ્યું.

“છોડને હવે, મેં અમસ્થા જ પૂછ્યું હતું” મીરાએ ઉભા થતા કહ્યું, “તું વાતને ક્યાંથી ક્યાંય લઈ જાય છે”

કેશવે પણ થાળી દૂર હડસેલી. બિલ ચૂકવી બંને બહાર આવ્યા,

“શ્વેતાનાં જન્મદિવસનાં દિવસે તેને સરપ્રાઈઝ આપવા અમે લોકો એક રૂમ ડેકોરેટ કરીએ છીએ, તું આવીશને ?” મીરાએ કેશવની પાછળ બાઇક પર બેસતાં પૂછ્યું.

“મેડમનો જન્મદિવસ છે તો આવીશ જ ને !” કેશવે હસીને કહ્યું, “આમ પણ હવે હું પણ તમારાં ગ્રુપનો હિસ્સો બની ગયો છું”

કેશવે મીરાનાં ઘર તરફ બાઇક ચલાવી, મીરાને ડ્રોપ કરી એ પોતાનાં રસ્તે નીકળી ગયો.

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED