ઔકાત – 12 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ઔકાત – 12

ઔકાત – 12

લેખક – મેર મેહુલ

પોલીસની જીપ ગઈ પછી મીરાએ તાબડતોબ શ્વેતાને ફોન કર્યો અને થોડીવાર પહેલાં બનેલી ઘટનાથી વાકેફ કરી. શ્વેતાએ પણ મીરાને શાંત રહેવા કહ્યું અને તેનાં પાપા સાથે વાત કરીને મેટર પતાવી દેશે એની બાંહેધરી આપી.

શ્વેતાએ તેનાં પપ્પાને બધી ઘટનાં કહી એટલે બળવંતરાયે મંગુને રાવત પાસે મોકલ્યો.

મંગુ જ્યારે ચોકીમાં પ્રવેશ્યો ત્યારે કેશવ રાવતની સામેની ખુરશી પર બેઠો હતો. કેશવ અને મંગુની આંખો ચાર થઈ, પછી મંગુએ રાવત સામે જોયું. મંગુને જોઈને રાવત ઉભો થઇ ગયો.

“અરે !!, મને કહ્યું હોત તો હું જ આવી જાત” રાવતે કોણીએ માખણ લગાવ્યું, “તમને ખોટી તકલીફ પડી”

“આપણું તો રોજનું થયું રાવત સાહેબ” મંગુએ રાવત પાસેની ખુરશીમાં બેસતાં કહ્યું. મંગુનાં હાથમાં એક બેગ હતી. રાવતની નજર એ બેગ પર અટકેલી હતી.

“જુઓ મંગુભાઇ, તમારા માણસ સાથે મારે અંગત દુશ્મની નથી પણ તેણે જાહેરમાં ગોળી ચલાવી છે. જો હું અત્યારે તેને ચોકીએ ના લાવ્યો હોત તો કાલે સવારે શિવગંજનાં બીજા લોકોમાં પણ હિંમત આવી જાય, તમે સમજો છો ને હું શું કહેવા માગું છું” કુતરાની જેમ બેગ તરફ જોઈને લાળ પાડતાં રાવતે કહ્યું.

“હું બધું જ સમજુ છું રાવત સાહેબ” મંગુ ખંધુ હસ્યો, “તમારાં માટે દાદાએ મીઠાઈ મોકલી છે”

મંગુએ બેગ ટેબલ પર રાખ્યું, રાવતે ફુર્તિથી બેગ લીધું અને ટેબલ નીચે સરકાવી દીધું.

“હું કેશવને લઈ જાઉંને હવે ?” મંગુએ ઉભા થતાં કહ્યું.

“ચોક્કસ, આવતાં રહેજો ક્યારેક” રાવતે શબ્દોને આધાર મુજબ ભાર આપીને કહ્યું.

“ચોક્કસ” કહેતાં મંગુ ચાલવા લાગ્યો. કેશવ પણ ઉભો થયો.

“એક મિનિટ” રાવતે મંગુને ઉદ્દેશીને કહ્યું, “બેસો બે મિનિટ, જરૂરી વાત કહેવાની છે”

મંગુ અટક્યો, પાછો વળીને એ ખુરશી પર બેસી ગયો. કેશવ હજી ઉભો હતો.

“તમે પણ બેસો” રાવતે કેશવને ઈશારો કરીને કહ્યું. કેશવ કંટાળીને ખુરશી પર બેસી ગયો.

“બલીરામપુર અને કેસરગંજમાં જે ઘટનાં બની એનાથી તમે વાકેફ જ હશો” રાવતે કહ્યું.

“હા, પઠાણ અને અણવર સાથે ખોટું થયું. અણવર તો કારણ વિના ધામ પહોંચી ગયો” મંગુએ કટાક્ષમાં હસતાં કહ્યું.

“હું માનું છું ત્યાં સુધી આ બંને ઘટનામાં તમારો હાથ નથી, બરોબરને ?” રાવતે ચહેરો નીચે ઝુકાવી આંખોથી મંગુનો ચહેરો વાંચવાનો પ્રયાસ કર્યો.

“તમે પણ શું ધડ-માથાં વગરની વાત કરો છો રાવત સાહેબ” મગું હસ્યો, “તેઓનાં પર હુમલો કરીને અમને શું મળવાનું છે ?, એ લોકો શિવગંજ માટે કાવતરા કરે છે અમારે એમનાં શહેર નથી જોતા”

રાવત ઉભો થયો, ટેબલ પર રહેલો પાણીનો ગ્લાસ હાથમાં લીધો અને બે ઘૂંટડા ગળા નીચે ઉતાર્યા પછી બોલ્યો, “ખોટું ના લાગે તો એક વાત કહું ?”

“તમારી વાતનું શું ખોટું લાગે ?, તમે તો અમારાં શુભચિંતક છો” મંગુએ કહ્યું.

“તમારે થોડા દિવસ ધ્યાન રાખવાની જરૂર છે” રાવતે મંગુ તરફ જોઈને કહ્યું, “જેવી રીતે પઠાણ અને અણવર પર હુમલો થયો છે, મને શંકા છે આગળ તમારો વારો હોય શકે”

રાવતની વાત સાંભળીને મંગુ હસવા લાગ્યો,

“રાવત સાહેબ, તમને ખબર ના હોય તો જાણ કરી દઉં” મંગુએ કહ્યું, “હું બુલેટ પ્રૂફ જેકેટ પહેરું છું, બે માણસો રાઇફલ રાખીને મારી સાથે ચોવીશ કલાક હોય છે, એ લોકો અત્યારે પણ ચોકી બહાર ઉભા છે અને ખાસ વાત, જો મારા સુધી કોઈને પહોંચવું હોય તો પહેલાં તેને સાત કોઠા વીંધવા પડે અને એ કોઠા ક્યાં છે એની આજ સુધી કોઈને ખબર નથી”

“તમને જણાવવાની મારી ફરજ હતી” રાવતે ખુરશી પર બેસતાં કહ્યું, “ બાકી તમે બધું જાણો જ છો”

“આભાર સાહેબ, ચેતવણી આપવા માટે” કહેતા મંગુ ઉભો થયો.

“બાકી જરૂર હોય તો ગમે ત્યારે યાદ કરજો” રાવત પણ ઉભો થયો અને મંગુ તરફ શેકહેન્ડ કરવા હાથ લંબાવ્યો, “કાફેલા સાથે પહોંચી જશું”

“ચોક્કસ” કહેતા મંગુએ હાથ મેળવ્યો અને દરવાજા તરફ ચાલવા લાગ્યો. કેશવ પણ મંગુ પાછળ ચોકી બહાર નીકળી ગયો.

કેશવ બહાર આવ્યો ત્યારે સામે શ્વેતા અને મીરા ઉભા હતા. શ્વેતાએ મંગુને જવા ઈશારો કર્યો એટલે ઇનોવામાં બેસીને મંગુ નીકળી ગયો. કેશવે મીરા તરફ નજર કરી, મીરા ગુસ્સામાં હતી. એ કેશવ પાસે આવી,

“શું જરૂર હતી ગોળી મારવાની ?, એ લોકો નીકળી જ ગયાં હતાં” મીરાએ ગુસ્સામાં કહ્યું.

“આજે એ નીકળી જાય તો કાલે ફરી આવેત મેડમ” કેશવે કહ્યું, “ આજે એકને ચૂપ કરાવ્યો છે તો હજારના મોઢા બંધ થઈ જશે અને તમને કોઈ અપશબ્દો કહે તો હું કેમ ચુપચાપ ઉભો રહું ?”

“બસ મીરા, પતી ગયું” શ્વેતા વચ્ચે કુદી, “કેશવે જે કર્યું એ બરોબર જ કર્યું છે”

મીરા ચૂપ થઈ ગઈ, ગુસ્સામાં કેશવને ઘુરતી ઘુરતી એ કારમાં જઈને બેસી ગઈ.

“ચાલ કેશવ, અમને ડ્રોપ કરી જા. તારી બાઇક ઘરે પહોંચી ગઈ છે” શ્વેતાએ કહ્યું.

*

રણજિત પોતાની ખુરશી પર બેઠો હતો. થોડીવાર પહેલાં મંગુ ચોકીમાં આવીને ગયો એ વાતની તેને જાણ હતી એટલે ઉભો થઈને એ રાવતનાં રૂમમાં ગયો. રણજિત જ્યારે રૂમમાં પ્રવેશ્યો ત્યારે રાવત બેગ ખોલીને બેઠો હતો.

”કેટલા છે રાવત સાહેબ ?” રણજિતે હસીને પૂછ્યું.

“ઓહ, રણજિત !” રાવતે હસીને કહ્યું, “તે તો મને ડરાવી જ દીધો”

“અહીં તમારાથી ઉપરી અધિકારી કોઈ નથી સાહેબ” રણજિતે ખુરશી પર બેસતાં કહ્યું, “તમારે કોનાથી ડરવાનું હોય”

“એ પણ છે” રાવતે બેગમાંથી પાંચસોની નોટનું એક બંડલ કાઢ્યું, તેમાંથી વિસ નોટ ગણીને કાઢી લીધી અને બાકીની એંસી નોટનું બંડલ રણજિત તરફ ધર્યું, “લાખ રૂપિયા હતા બેગમાં”

રણજિતે એ બંડલ લઈને ગજવામાં રાખ્યું,

“કોણ હતો એ છોકરો ?” રણજિતે પૂછ્યુ.

“બળવંતરાયની દીકરીનો બોડીગાર્ડ છે એમ કહેતો હતો” રાવતે કહ્યું, “નવો લાગ્યો”

“એ જે હોય તે, આવી ભૂલો કરતો રહે તો આપણો ચૂલો સળગતો રહેશે” રણજિતે હસીને કહ્યું.

“કેસરગંજની ઘટનાનું શું થયું ?” રાવતે વાત બદલી, “રીપોર્ટ શું કહે છે ?”

“બલીરામપુર અને કેસરગંજમાં જે ઘટનાં બની એમાં એક જ વ્યક્તિનો હાથ છે, બધી બુલેટ પણ સરખી છે અને મારવાની રીત પણ”

“મેં તો મંગુને ચેતવણી આપી દીધી છે” રાવતે કહ્યું, “હવે એ લોકો લડી લેશે”

“એ સાલો મરે તો શિવગંજમાંથી થોડાં પાપ ઓછા થાય, બળવંતરાય સાથે પડછાયાની જેમ ફરે છે” રણજિતે ભડાસ કાઢતાં કહ્યું.

“એ પણ થશે, રાહ જો થોડી” રાવતે કહ્યું, “કર્મોની સજા આ જન્મમાં ભોગવવી પડે છે”

“હું એવા કર્મમાં નથી માનતો” રણજિતે હુંહકાર ભર્યો, “જો કર્મ જેવું કંઈક હોય તો બળવંતરાય પહેલા મરે”

“એ વાત પણ સાચી છે” રાવતે નિઃસાસો નાંખ્યો, “બે દાયકા પહેલાં શિવગંજનું નામ ભારતભરમાં માન સાથે લેવામાં આવતું, હું જ્યારે નવો નવો પોલીસમાં ભરતી થયો હતો ત્યારે શિવગંજ પોલીસ સ્ટેશનમાં આવવાનાં સપનાં જોતો હતો અને અત્યારે ?, સપનું તો પૂરું થયું પણ શિવગંજની વ્યવસ્થા પલટાઈ ગઈ”

“મને પણ યાદ છે સાહેબ, હું તો આ જ શહેરોમાં મોટો થયો છું. પૂરાં પાંત્રીસ વર્ષનો શિવગંજનો ઈતિહાસ જાણું છું. મોહનલાલ જ્યારે ગાદી પર હતાં ત્યારે શિવગંજ સ્વર્ગ સમાન હતું. તેઓ લોકોને હિત વિશે પહેલાં વિચારતાં, પરિણામે અહીંના લોકો આર્થિક રીતે સધ્ધર હતા. મારાં પિતા માન સાથે તેઓને ત્યાં નોકરી કરતાં હતાં.” રણજિતે કહ્યું.

“મેં સાંભળ્યું છે, બળવંતરાય અને શશીકાંતનાં પિતા મોહનલાલને ત્યાં નોકરી કરતાં હતાં” રાવતે કહ્યું, “એ વાત સાચી છે ?”

“તમે સાચું સાંભળ્યું છે, બળવંતરાયનાં પિતા મોહનલાલનાં વફાદાર હતાં. બાપ વફાદાર છે તો દીકરા પણ વફાદાર જ હશે એમ વિચારીને મોહનલાલે બંને ભાઈઓને પણ કામે રાખી લીધાં. તેમાં સાથે બદરુદ્દીન પણ ભળ્યો. ત્રણેય જીગરી દોસ્ત બની ગયા અને પછી મોહનલાલને ગાદી પરથી હટાવવાનું ષડયંત્ર રચ્યું.

ત્યારબાદ ત્રણેય વચ્ચે આ ત્રણ શહેરના બટવાર થયાં. શિવગંજ શહેર વધુ વિકસિત હતું એટલે ત્રણેયને આ શહેર જોતું હતું પણ ચિઠ્ઠીમાં બળવંતરાયનું નામ આવ્યું અને શિવગંજ તેનાં નામે થઈ ગયું. બસ એ જ દિવસથી બદરુદ્દીન અને શશીકાંત શિવગંજનાં સપનાં જુએ છે. છેલ્લાં વિસ વર્ષમાં શિવગંજ રામરાજ્યમાંથી રાવણરાજ્યમાં પલટાઈ ગયું”

“કહાની તો રસપ્રદ છે પણ જે થવાનું હતું એ થઈ ગયું છે, આપણે સરકારનાં નોકર છીએ અને આ લોકોનાં કૂતરા. આપણે જીભ પણ હલાવવાની છે અને પૂંછડી પણ પટ-પટાવવાની છે” રાવતે રોષભર્યા અવાજે કહ્યું, “આ લોકો પાસેથી આપણે રૂપિયા પડાવીએ એ કંઈ ખોટું નથી, ચોરનાં જ ઘરમાં ચોરી કરીએ છીએને”

રણજિત ચૂપ રહ્યો. તેણે માત્ર રાવત સામે સ્મિત કર્યું, ઊભો થયો અને પોતાનાં રૂમ તરફ ચાલ્યો.

(ક્રમશઃ)

રેટ કરો અને રિવ્યુ આપો

Lata Suthar

Lata Suthar 4 માસ પહેલા

Sanjay Bodar

Sanjay Bodar 1 વર્ષ પહેલા

Anish Padhiyar

Anish Padhiyar 2 વર્ષ પહેલા

Manisha

Manisha 2 વર્ષ પહેલા

Nilesh Bhesaniya

Nilesh Bhesaniya 2 વર્ષ પહેલા