અંગત ડાયરી
============
શીર્ષક : ફૂલ કે કાંટા
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ
લખ્યા તારીખ : ૨૨, નવેમ્બર ૨૦૨૦, રવિવાર
એક મિત્રે એના ફળિયામાં બનાવેલો સુંદર મજાનો બગીચો બતાવ્યો. જાસૂદ, ગુલાબ, ગલગોટાના રંગબેરંગી ફૂલડાંઓ જોઈ મનમાં પ્રસન્નતા વ્યાપી ગઈ. કુદરતી રંગોની મોહકતા જ જુદી હોય છે. મિત્ર પણ મીઠડો. બે પાંચ મિનીટમાં તમારો સેલ્ફ કૉન્ફિડન્સ વધી જાય એવી મસ્ત અને સાચુકલી વાતો કરવાની એની આદત અને આવડતને લીધે એને વારંવાર મળવાનું મન થાય. એણે એક મંત્ર જેવું વાક્ય કહ્યું : “ચાર દિવસની જિંદગીમાં આપણે બાવળ શા માટે વાવવા?”
તમે જયારે કોઈને એના સારા પરફોર્મન્સ બદલ પ્રોત્સાહિત કરો છો ત્યારે તમારા જીવનબાગમાં એક સુંદર મજાનું પુષ્પ ખીલવો છો. ઘરમાં, ઓફિસમાં, આડોશ-પાડોશમાં ઉત્સાહ અને ઉમંગના લાલ ગુલાબી ફૂલડાંઓ ખીલવવા વખાણ, પ્રોત્સાહન અને કદરનું વાવેતર કરવામાં દરિદ્રતા કદી ન કરવી એવું સૂત્ર આપણી સંસ્કૃતિમાં આપ્યું જ છે ને?
"પ્રિય વાક્ય પ્રદાનેન, સર્વે તુષ્યન્તિ જન્તવ:
તસ્માત તદૈવ વક્તવ્યમ વચને કા દરિદ્રતા?"
ટ્રાઈ કરી જુઓ. તમને મસ્ત ભણાવનાર શિક્ષકને કે પોતાના માતા-પિતાની મસ્ત સેવા કરતા મિત્રને કે તમારી ઓફિસના મહેનતુ સહકર્મીને કે તમારું મસ્ત ધ્યાન રાખનાર જીવનસાથીને એની શાબ્દિક કદર કરતા પાંચ વાક્યો કહી જુઓ. એ તો રાજીના રેડ થશે જ પણ તમારી ભીતરેય દીવડાનો ઉજાશ ફેલાશે એની મારી ગેરંટી. સાચી કદર કરવા માટે પૈસાની જરૂર નથી હોતી, નિખાલસ મન અને ખુલ્લું જીગર જોઈએ બસ.
પૈસાથી માણસ દરિદ્ર હોય એ શક્ય છે પણ સારા વચનો-શબ્દો બોલવામાં દરિદ્રતા! વધુ ચિંતાનો વિષય પાછો એ છે કે લોકો બોલકા નથી એવું નથી. કોઈએ મસ્ત રંગોળી બનાવી, ટેસ્ટી વાનગી બનાવી, ઓફિસમાં અપ ટુ ડેટ કાર્ય કર્યું, મસ્ત રીતે પ્રસંગ ઉજવ્યો ત્યારે જે લોકોના મોંમાં મગ ભરાયેલા હોય છે એ જ લોકો જયારે એ જ વ્યક્તિથી કોઈ ભૂલ થાય ત્યારે લાઉડસ્પીકર લઈને નીકળી પડે છે, એ ચિંતાનો વિષય છે. જે સમાજમાં વખાણનારા બે પાંચ અને વખોડનારા બસો પાંચસો હોય, વિચારો એ સમાજનું ભવિષ્ય શું હોઈ શકે? નવા વર્ષે રોજ એક નવા વ્યક્તિની ખરા દિલથી કદર કરવાની, પ્રોત્સાહન આપવાનું રેઝોલ્યુશન લેવા જેવું ખરું.
આપણે અહીં કેટલો સમય? એમાંય અમુક લોકોના જીવનમાં તો આપણે અમુક દિવસો કે કલાકોના જ મહેમાન બનીએ છીએ. અમુક મિનીટો, કલાકો કે દિવસો સુધી જ સાથે રહેવાનું બનતું હોય ત્યારે બે મીઠા નિખાલસ પ્રોત્સાહક વાક્યોના પુષ્પબીજ રોપવાને બદલે છાતીમાં શૂળની જેમ ભોંકાય એવા કંટાળા બાવળ રોપવાની, કોઈકે માંડ માંડ ફુલાવેલો ફુગ્ગો ટાંકણી મારીને ફોડી નાખવાની, કોઈકે મહા મહેનતે પ્રગટાવેલો દીવડો ફૂંક મારીને ઓલવી નાંખવાની ચળ લોકોને કેમ ઉપડતી હશે? ફળિયામાં બાવળ વાવવાની મૂર્ખાઈ કરાય ખરી?
કેટલાક લોકો ભૂલો શોધવાના એટલા બધા શોખીન હોય છે કે જો કોઈ સંપૂર્ણ કૃતિ એમની સમક્ષ રજૂ થઈ જાય તો એમનું બ્લડપ્રેશર હાઈ થઈ જતું હોય છે. જ્યાં ને ત્યાં મીણબતીને ફૂંક મારી ઓલવી નાખવાના શોખીન એવા મનહૂસ માનસિકતા વાળા આવા પાગલોને એકાદ જિંદગીને પ્રકાશિત કરવાની, ઉત્સાહિત કરવાની જે મજા છે એની કલ્પના પણ નથી હોતી. આવા લોકો અજાણતા જ પોતાની ફરતે કાંટાળા બાવળ વાવવાની ભૂલ કરી બેસતા હોય છે. તમને શું લાગે છે, જેને તમે કાંટા ભોંક્યા હોય એ તમારી રાહમાં ફૂલો પાથરે? ફૂલોના રસ્તે ચાલવું હોય તો ફૂલડાં જ વાવવા પડે, મીઠા આંબા જ વાવવા પડે. ગુડ, વેરી ગુડ, નાઈસ, વાહ, એકદમ મસ્ત, જોરદાર જેવા શબ્દોની પણ જો રોજ એક એક માળા કરશો તો જિંદગીને સ્વર્ગ બનતા વાર નહીં લાગે. ટ્રાય કરી જોજો.
મિત્રો, નેગેટીવીટીના અંધકારથી તો આખું આકાશ ભરેલું છે, પોઝીટીવીટીથી ચમકતા તારલાઓ આકાશની સરખામણીએ બહુ ઓછા છે. બાવળ તો આપમેળે ઉગી નીકળે છે, ફૂલડાં માવજત માંગે છે. બાવળ વાવનારને કાંટો લાગવાની સંભાવના છે, જયારે ફૂલ ખીલવનારને સુગંધ જ મળવાની! ચોઈસ ઇસ યોર્સ.
તમારી આસપાસ ખીલેલા પુષ્પો જેવું જીવન જીવતા મિત્રો-પરિચિતોની જે મહેફિલ તમે સજાવી છે એ માટેની તમારી મહેનતને સો સો સેલ્યુટ. તમારી પ્રોત્સાહક જીવનશૈલી, એ જ કૃષ્ણ કાનુડાને તમારા તરફથી મળેલી સૌથી મોટી ગીફ્ટ. કાનુડો બધું વ્યાજ સહિત પરત આપે છે હોં! (પછી એ ફૂલ હોય કે કાંટા.)
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)