દૈનિક છાપાના તંત્રી થવાનું સ્વપ્નું હતું. એ માંડ માંડ પૂરું થયું. પહેલા દિવસે તો અભિનંદનના ફોન અને રૂબરૂ અભિનંદન આપવા આવનાર લોકો વચ્ચે જ સમય પસાર થઈ ગયો. મને જીવનમાં પહેલી વાર લાગ્યું કે હું આટલો બધો જાણીતો માણસ છું અને મને આટલા બધા લોકો ઓળખે છે. રાજ્યના મુખ્ય મંત્રી અને ગૃહ મંત્રીના પણ ફોન આવ્યા. મારે એમનો ખૂબ નિકટનો અને અંગત પરિચય હોય એ રીતે એમણે મારી સાથે વાતો કરી એથી મને શંકા પડી કે તેઓ મને કોઈક ભળતી વ્યક્તિ તો નથી માની બેઠાને ? પછી થયું કે એવું હોય તો આપણે શું ? નસીબ એમના.
મારે ખરેખર તો પહેલા જ દિવસથી છાપું એકદમ બદલી નાખવું હતું. મને રોજ સવારે છાપું જોઉં અને મનમાં થાય કે રોજ સનસનાટી, ખૂનામરકી, હત્યાઓ, ચોરીઓ, બળાત્કાર, કૌભાંડો અને એવું જ બધું શા માટે છાપવું જોઈએ? કોઈ સારા સમાચાર ન મળે તો શોધવા જોઈએ. આજકાલ રિપોર્ટરો પણ આવા જ સમાચારો શોધે છે. સારી કોઈ વાત પર ધ્યાન જ આપતા નથી. મેં નક્કી કર્યું કે હું મારા રિપોર્ટરને સારા સમાચારો લાવવા પ્રોત્સાહન આપીશ. બીજે દિવસે મેં રિપોર્ટરો અને તંત્રીખાતાના બીજા કર્મચારીઓની મિટિંગ બોલાવી અને બધાંને અચૂક હાજર રહેવા કહ્યું.
મિટિંગ બપોરે ત્રણ વાગ્યે રાખી હતી, પરંતુ સાડા ત્રણ વાગવા આવ્યા ત્યાં સુધી કોઈ આવ્યું નહીં. સાડા ત્રણે બે રિપોર્ટરો મસાલો ચાવતા ચાવતા આવ્યા. મને ચીડ તો ચડી પણ હું ચૂપ રહ્યો. મને થયું કે શરૂઆતથી ક્યાં ડખો કરવો? મારો મૂળ આશય તો પેપરને સુધારી દેવાનો જ હતો. સારા કામમાં સો વિઘ્ન આવે એ વાત મને બહુ પહેલાંથી ખબર હતી. આ તો પહેલું જ વિઘ્ન હતું.
લગભગ ચાર વાગવા આવ્યા ત્યારે દસ – બાર કર્મચારીઓ આવી ગયા. મારે એમને જે કહેવાનું હતું તે મનમાં ગોઠવતો હતો. અંદરથી હું જેટલી અસરકારક રજૂઆત કરવાની મથામણ કરતો હતો એટલું જ મન મૂંઝાતું હતું. ત્રણ-ચાર વાર ખોંખારો ખાઈને મેં વાત શરૂ કરી, “મિત્રો, મને લાગે છે કે મને તમારી સૌની સાથે કામ કરવાની મજા આવશે.” બે-ચાર જણા એકબીજાની સામે જોવા માંડ્યા. મને થયું કે ખોટી શરૂઆત થઈ ગઈ. પણ વાંધો નહીં, શરૂઆત તો થઈ છે ને!
મેં આગળ ચલાવ્યું, “એક જમાનામાં જે અખબારી જગત હતું એ આજે નથી. લોકો પણ હવે એવું માનતા થઈ ગયા છે કે દેશમાં બધું ખરાબ જ બને છે. અખબારોનાં પાનાં કૌભાંડો, બળાત્કારો, હત્યાઓ, ચોરી અને લૂંટફાટ તથા હડતાળો અને દેખાવોના જ સમાચારોથી ભરપૂર હોય છે. હું ઈચ્છું છું કે આ પ્રવાહને આપણે બદલીએ. તમે સૌ સારા સમાચારો લાવવાનો પ્રયત્ન કરો તો જ એ શક્ય બને.” આટલું કહેતાં કહેતાં તો મને લાગ્યું કે મારામાં જુસ્સો આવી ગયો છે.
એક રિપોર્ટરે જાણે અદાલતમાં વકીલ આરોપી સાથે વાત કરતો હોય એવી અદાથી આંખો ઝીણી કરીને મને કહ્યું, “સાહેબ, હું તો પોલીસ રિપોર્ટર છું. પોલીસમાં ખૂન, બળાત્કાર, મારામારી અને ચોરીના જ સમાચાર હોય ને! હું સારા સમાચાર ક્યાંથી લાવું?”
મને ય જરા મૂંઝવણ થઈ. એની વાત તો સાચી હતી. પરંતુ હું હા કહી દઉં તો મારું જ સૂરસૂરિયું થઈ જાય. એટલે મેં કહ્યું, “જે ન મળે એ શોધવાનો પ્રયત્ન કરવામાં જ ખરી મજા છે. પોલીસ પણ સારાં કામ કરે જ છે. આપણે એને વધારે મહત્ત્વ આપવું જોઈએ. મારી વાત ચાલુ હતી ત્યાં પ્યુન બધા માટે પાણી લઈને આવ્યો. મે વિવેક ખાતર પૂછ્યું, “આજે આપણે પહેલી વાર મળ્યા છીએ, કંઈક ચા-પાણી પણ કરવાં જોઈએ, ખરું ને!”
પાછળ બેઠેલા એક જાડા ભાઈ ઊંઘરેલી આંખો મસળીને બગાસું ખાતાં બોલ્યા, “એક કામ કરો, સાહેબ ! રાયપુરના ભજિયાં મંગાવો!”
પચીસ વર્ષની મારી પત્રકાર તરીકેની કારકિર્દીને કારણે મારામાં એટલી સમજ તો આવી જ હતી કે પત્રકારોને બહુ માથે ન ચડાવાય. પછી થયું કે હશે, પહેલી વાર છે ને! છતાં મેં કહ્યું, “રાયપુર તો દૂર છેક કોણ જશે?”
ક્રાઈમ રિપોર્ટરે તરત જ પ્યુન હરજી સામે જોઈને કહ્યું, “આ હરજી લઈ આવશે. હરજી સાહેબ પાસેથી પૈસા લઈ જા…. મારું સ્કૂટર લઈ જા….” એમ કહીને એણે પોતાના સ્કૂટરની ચાવી આપી. મેં ખિસ્સામાંથી પચાસ રૂપિયા કાઢ્યા, ક્રાઈમ રિપોર્ટર બોલ્યો, “એટલાથી નહીં ચાલે. વધારે આપો !” મેં એક થડકાર અનુભવ્યો. પછી સોની નોટ કાઢીને હરજીને આપી. હરજી કંઈક પૂછવા જતો હતો ત્યાં ક્રાઈમ રિપોર્ટરે એને કહી દીધું, “ત્રીસનું પેટ્રોલ પૂરાવજે અને બાકીનાનાં ભજિયાં…”
મેં મારા જમણા હાથ વડે ડાબા હાથનું કાંડું પકડીને જોરથી દબાવ્યું, મને આંગળી આપતાં પોંચો પકડાયો એવી કહેવત યાદ આવી ગઈ.
હરજી ગયો એટલે મેં ક્રાઈમ રિપોર્ટરની બાજુમાં બેઠેલા ભાઈને પૂછ્યું, “તમે શું કરો છો?”
એણે કહ્યું, “બેઠો છું!”
મેં કહ્યું, “એમ નહીં! તમારી પાસે કયો પોર્ટફોલિયો છે? પરંતુ મારે ગંભીર રહેવું જોઈએ એવી સમજને કારણે હું ચૂપ રહ્યો.
એમણે કહ્યું, “હું કોર્ટનું રિપોર્ટીંગ કરું છું!”
ફરી પાછી મને મૂંઝવણ થઈ. આ પણ મને કહેશે કે કોર્ટમાં તો ગુનેગારોને સજાના જ સમાચારો સૌથી વધુ આવે. કોર્ટમાંથી કંઈ સારા સમાચાર ન મળે. છતાં એ કંઈ બોલે એ પહેલાં મેં હિંમત કરીને કહ્યું, “શોધીએ તો કોર્ટમાંથી પણ સારા સમાચાર મળે.”
પણ સાહેબ, ખરી વાત એ છે કે નીચલી, ઉપલી, વચ્ચેની, છેડાની એવી અનેક કોર્ટો છે. બધે તો આપણે જઈ શકીએ નહીં. વકીલો જે કેસ જીતે તેની વિગતો આપણને આપે. વકીલો કંઈ કોર્ટમાં મોરારીબાપુની કથા કહેવા થોડા જાય છે?” મને થયું કે આ ય કોઈક અડિયલ માણસ લાગે છે. આની સાથે બહુ જીભાજોડી કરવામાં મજા નહીં આવે.
ત્રીજા એક યુવાન પાસે જોઈને મેં માત્ર પ્રશ્ન સૂચક ઈશારો કર્યો. એમણે તરત જ કહ્યું, “હું શિક્ષણનો પોર્ટફોલિયો સંભાળું છું. દરરોજ યુનિવર્સિટીની મુલાકાત પણ લઉં છું!”
“બહુ જ સરસ!” મેં કહ્યું.” શિક્ષણ તો ભાવિ સમાજનો આધાર છે. શિક્ષણનો જેટલો વિકાસ થઈ શકે એટલો થવો જોઈએ અને અખબારોએ એમાં ફાળો આપવો જોઈએ. શિક્ષણને લગતા સારા સમાચાર આપણે સૌથી વધુ આપવા જોઈએ. હું આમ કહી રહ્યો ત્યાં જ ફૉનની ઘંટડી વાગી. મેં ફોન ઉપાડ્યો. ઓપરેટરે કહ્યું, “એકલવ્ય પટેલ માટે ફોન છે…..” હું હજુ નામથી બરાબર કોઈને ઓળખતો નહોતો. પૂછ્યું તો ખબર પડી કે શિક્ષણનો વિભાગ સંભાળનાર ભાઈ જ એકલવ્ય પટેલ છે. મેં એમને ફોન આપ્યો. તેઓ ફોન પર “હા, ના, આવું કેવી રીતે થયું? તે મારું નામ ના આપ્યું? સારું, હું કુલપતિ સાથે વાત કરીશ….” એમ કહ્યું અને ફોન મૂક્યો.
મેં લાગણીવશ અવાજે પૂછ્યું, “શું કંઈ પ્રોબ્લેમ છે?’
“ના રે ના, આ તો મારો નાનો ભાઈ એફ.વાય.ની પરીક્ષા આપતો હતો. સુપરવાઈઝરે એને ક્લાસમાં કોપી કરતાં પકડ્યો અને ઉઠાડી મૂક્યો..” એકલવ્યે ખૂબ જ એકાગ્રતા સાથે ઠંડે કલેજે જવાબ આપ્યો.
મેં સહાનુભૂતિના સૂરમાં કહ્યું, “બહુ ખોટું થયું – બિચારાનું વર્ષ બગડશે, નહીં!”
“ના રે ના, એમ શાનું વર્ષ બગડે છે? એ તો હું ઉજવી લઈશ. શિક્ષણના રિપોર્ટર હોવાનો શું અર્થ પછી?” એણે તદ્દન બેફિકરાઈથી કહ્યું.
મને એનો છલકાતો આત્મવિશ્વાસ જોઈને પરસેવો વળી ગયો. હું કંઈ બોલવા જાઉં ત્યાં તો પ્યુન હરજી આવ્યો. એના ચહેરા પર કંઈક ચિંતા હોય એવું લાગ્યું. એના ખાલી હાથ જોઈને સ્ટાફને ચિંતા થઈ હોય એવું લાગ્યું એણે ચાવી ક્રાઈમ રિપોર્ટર પાસે મૂકી અને બોલ્યો, “ચાવી છે પણ તમારું સ્કૂટર નથી.”
“અરે, નીચે જ છે. બરાબર જોયું નહીં હોય!” ક્રાઈમ રિપોર્ટરે સત્તાવાહી અવાજે કહ્યું.
હરજીએ થોડી અકળામણ સાથે કહ્યું, “ચારે બાજુ જોઈ લીધું, ક્યાંય નથી. આ મહિનામાં અહીંથી આ ત્રીજું સ્કૂટર ચોરાયું છે !”
ક્રાઈમ રિપોર્ટર ઊભો થઈ ગયો. ગુસ્સામાં બોલ્યો, “આપણી ઓફિસ પાસેથી સ્કૂટરો ચોરાય અને પોલીસ ઊંઘતી રહે એ કેવી રીતે ચલાવી લેવાય? આપણા વિસ્તારના પોલીસ ઈન્સ્પેકટરની બદલી ના કરાવું તો મારું નામ નહીં…”. એ ભાઈ ઊભા થઈને બહાર ગયા. મને ય એની દયા આવી. કાળઝાળ મોંઘવારીમાં સ્કૂટર ચોરાઈ જાય તો દુઃખ તો થાય જ ને !
હવે છાપું સુધારવા અંગે પ્રવચન આપવાની અને સૂચનો કરવાની મારી હિંમત ભાંગી રહી હતી. છતાં મેં મન મક્કમ કરીને એક ઉંમરલાયક દેખાતા વડીલ સામે જોયું, હું કંઈ બોલું એ પહેલાં જ એમણે બોલવા માંડ્યું. “સાહેબ, આ છાપું, શરૂ થયું ત્યારથી હું પોલિટિકલ રિપોર્ટીંગ કરું છું. એક પણ રાજકારણી કે પ્રધાન એવો નહીં હોય જે આપણને ઓળખતો ના હોય. તમે નહીં માનો સાહેબ, મારે સમાચાર લેવા ક્યાંય જવું પડતું નથી. બધા જ લોકો મને ફોન પર સમાચાર લખાવી દે છે. કોઈપણ સરકારી કામ હોય તો મને કહેવું, સ્યોર થઈ જશે!” આમ કહીને એમણે ચશ્મા ઉતારીને ઝભ્ભા વડે કાચ સાફ કર્યા.
શું બોલવું એ સૂઝતું નહોતું. છતાં મેં ઊંડો શ્વાસ લઈને કહ્યું, “તમારા જેવા વડીલ અને અનુભવી રિપોર્ટર ઘણું બધું કરી શકે. આપણે રાજકીય પક્ષોના સારા પાસાંની જ વાત કરવી જોઈએ.”
“અરે મારા સાહેબ, રાજકીય પક્ષો અને સારી વાત એ બે સાથે થાય જ નહીં. એમના ઝઘડા આંતરકલહ અને ટાંટિયા ખેંચને લીધે જ તો આપણને સમાચાર મળતા હોય છે.”
“એ વાત સાચી, પરંતુ આપણે રાજકીય પક્ષોના સંકલ્પો, એમની એકતા, પ્રજાલક્ષી કામો વિગેરે બાબતોને હાઈલાઈટ કરવી જોઈએ.” મે ડરતાં ડરતાં કહ્યું ત્યાં તો એક રેશમી ખાદીના ઝભ્ભા અને સોનેરી ચશ્મા પહેરેલા ભાઈ સીધા ઓફીસમાં ધસી આવ્યા અને પોલિટિકલ રિપોર્ટર ચંપકલાલને કહ્યું, “ચંપકકાકા, જુઓ થઈ ગયું ને? આપણે નહોતા કહેતા કે પક્ષમાં ભંગાણ પડવાનું જ છે. કોંગ્રેસના બે ભાગલા પડી ગયા. એક સોનિયા કોંગ્રેસ અને બીજી ગાંધી કોંગ્રેસ”.
પણ તમે કઈ કોંગ્રેસમાં રહેવાના? ચંપકભાઈએ જાણે જંગ જીતી ગયા હોય એમ મારી સામે અછડતી નજર કરીને કહ્યું. મને થયું કે હવે આ મિટિંગ આગળ વધારવામાં માલ નથી, એટલે મેં ફરી વાર ગળું ખોંખારીને કહ્યું, “આપણે વારંવાર મળતા રહીશું અને વિચાર વિમર્શ કરતા રહીશું. છાપું તો સારું બનાવવું જ છે.” મને ઊંડે ઊંડે સમજાતું હતું કે ભજિયાંનો અફસોસ દરેકના ચહેરા પર લીંપાઈ ગયો હતો.
મિટિંગ બરખાસ્ત કરીને હું શ્વાસ ખાતો બેઠો ત્યાં તો ચીફ સબ એડિટર આવ્યા અને કહ્યું, “સાહેબ આજના મેઈન સમાચાર એ છે કે તમામ સરકારી કર્મચારીઓએ આવતી કાલથી અચોક્કસ મુદતની હળતાળ પાડવાનું એલાન આવ્યું છે.”
મને માથામાં ઘા વાગ્યો હોય એવો સણકો ઊઠ્યો. શું કહેવું એ જ સૂઝ્યું નહીં. પણ મને થયું કે મા સરસ્વતી મારી કસોટી કરી રહી છે. વિપરીત સંજોગોમાં તો સિદ્ધાંતોનો અમલ કરવામાં જ ખરી મહાનતા છે. મેં ફરી ખોંખારો ખાઈને કહ્યું, “આપણા દેશની આ જ અવદશા છે. સરકારી કર્મચારીઓને શું દુઃખ છે કે તેઓ હડતાળ પાડવાના છે? જુઓ આપણે આ સમાચારની હેડલાઈન નથી બનાવવી. હડતાળોને બિલકુલ પ્રોત્સાહન ન આપવું જોઈએ. એકાદ ફકરો બનાવીને અંદરના પાને ક્યાંક ખૂણે ખાંચરે મૂકી દેજો!”
“પણ સાહેબ, બીજાં બધાં જ છાપાં આ સમાચારની હેડલાઈન બનાવશે. ચાર લાખ સરકારી કર્મચારીઓ એમના સમાચાર નહીં જુએ તો કાલે આપણા છાપાની હોળી કરશે.
“તો એક કામ કરો, બે કોલમના સમાચાર બનાવો. હેડલાઈન તો નહીં જ. મારું ચાલે તો હું તો આવા સમાચાર છાપું જ નહીં.”
હવે મને લાગ્યું કે મારા શ્વાસના ધબકારા વધી રહ્યા છે. પાણી મંગાવીને પીધું. ખુરશીમાં આંખો બંધ કરીને વિચારે ચડ્યો. ઘડીક તો મને થયું કે બધા જ લોકો કેમ આટલી બધી સંવેદનશીલતા ગુમાવી રહ્યા છે? કોઈને આ દેશની કે ભાવિ પેઢીની જાણે કોઈ ચિંતા જ નથી.
આમ ને આમ વિચારોમાં કેટલો સમય ગયો એની જ ખબર ના પડી. અચાનક મને લાગ્યું કે બહાર કંઈક ચહલપહલ વધી ગઈ છે અને સૂત્રોચ્ચારના અવાજો આવે છે. મને થયું કે આજુબાજુમાંથી કોઈક સરઘસ નીકળતું હશે. પરંતુ અવાજો ચાલુ જ રહ્યા. હું બહાર આવ્યો તો બધું ખાલીખમ. મને ચિંતા થઈ. હું દાદર ઊતર્યો. અમારા પ્રેસના જ કર્મચારીઓ જ બહાર એકઠા થઈને સૂત્રોચ્ચાર કરતા હતા. મેં ટાઈમકીપરને પૂછ્યું, “આ એકદમ શું થયું?”
“અરે, સાહેબ, આપણા મશીનવિભાગનો એક કર્મચારી ચિક્કાર દારૂ પીને આવ્યો હતો અને આપણા ચોકીદારે રોક્યો અને ઘેર જવા કહ્યું તો એણે ચોકીદાર પર હુમલો કર્યો અને ચોકીદારનો હાથ તોડી નાખ્યો. મેં મેનેજર સાહેબને ઘરે ફોન કરીને જાણ કરી તો તેમણે કહ્યું કે એ કર્મચારીને તાત્કાલિક સસ્પેન્ડ કરીને એની સામે પોલીસ કેસ કરો. બધા કર્મચારીઓ ભેગા થઈને હળતાળ પર ઊતરી ગયા છે. એમની માગણી છે કે, એ કર્મચારીને પાછો લઈ લો અને એની સામે કેસ કરવાનું માંડી વાળો”
“આ તો બહુ ખોટું કહેવાય, પણ હવે શું?” મેં ચિંતાભર્યા સ્વરે પૂછ્યું.
“મેં હમણાં જ મેનેજર સાહબને ઘેર ફોન કર્યો. એમના નોકરે કહ્યું કે, “સાહેબ એમના મહેમાનને લઈને બહાર જમવા ગયા છે અને ત્યાંથી પિકચર જોવા જશે. રાત્રે એક વાગ્યા પછી આવશે.” ટાઈમકીપરે ઠંડે કલેજે જવાબ આપ્યો.
શું કહેવું એ મને સમજાયું નહીં. મારી મૂંઝવણ જોઈને ટાઈમ કીપરે કહ્યું, “સાહેબ, આ લોકો એમ નહીં માને. જેને સસ્પેન્ડ કર્યો છે એ પાછો યુનિયનનો આગેવાન છે. હું તો ચિઠ્ઠીનો ચાકર. મેનેજર સાહેબ તમતમારે નીકળવું હોય તો નીકળો. આજનું છાપું બહાર નહીં પડે. કાલની વાત કાલે !”
હું ધીમે રહીને ભારે હૈયે પગથિયાં ઊતર્યો. મારો હડતાળ પ્રત્યેનો પુણ્યપ્રકોપ અંદરને અંદર ખળભળી ઊઠ્યો. છતાં મને ઊંડે ઊંડે એ વાતનો સંતોષ હતો કે સરકારી કર્મચારીઓની હડતાળના સમાચાર તો ના જ લેવાયા!