અંગત ડાયરી
============
શીર્ષક : હેપ્પી દિવાળી
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ
લખ્યા તારીખ : ૦૮, નવેમ્બર ૨૦૨૦, રવિવાર
“મામા, આ તેરસ, ચૌદસને ધન તેરસ અને કાળી ચૌદસ કેમ કહે છે? કેમ ખાલી તેરસ, ચૌદસ નહીં?” મારા ભાણીયાએ મને પૂછ્યું. મેં કહ્યું “તેરસના આપણે લક્ષ્મી પૂજન કરીએ છીએ એટલે ધન તેરસ અને ચૌદસના દિવસે શક્તિ પૂજન એટલે કાળી ચૌદસ.”
“આપણે પૂજન કરીએ છીએ એટલે એના નામ ધન તેરસ અને કાળી ચૌદસ પડ્યા કે એના નામ પહેલેથી એ હતા એટલે આપણે પૂજન કરીએ છીએ?” મારો ભાણીયો હવે મોટો થવા લાગ્યો હતો. મરઘી પહેલી કે ઈંડું એવો એનો પ્રશ્ન મને મનનીય લાગ્યો.
નાનપણથી જોયું છે કે ધન તેરસના દિવસે વેપારીઓ ચોપડા પૂજન કરે, ફટાકડા ફોડે અને કાળી ચૌદસના દિવસે ચોકમાં કુંડાળા કરી, ભજીયા મૂકી ઘરમાંથી કંકાસ કાઢવાના હોય, દિવાળીના દીવા પ્રગટાવવાના ને એકમના દિવસે ઘરે ઘરે જઈ “નુતન વર્ષાભિનંદન” કે “સાલ મુબારક કરવાના”, મીઠું મોઢું કરવાનું, ભાઈ બીજના દિવસે બહેનના ઘરે ભાઈએ ભોજન લેવા જવાનું. કેટલાક ઘર પતાવવાના અને કેટલાક વ્યવહાર સાચવવાના એટલે પત્યું. દસ વર્ષના હતા ત્યારેય આમ જ કર્યું, ચાલીસમે વર્ષે પણ આમ જ અને નેવુંમાં વર્ષે પણ આ પાંચેય તહેવારોમાં આવી જ ધામ ધૂમ કરી. ખાધું, પીધું અને રાજ કર્યું. પાંચમ-છઠ વીતે એટલે ફરી ધીમે ધીમે રૂટિનમાં પરોવાઈ જવાનું. જેમ ગયા વર્ષે જીવ્યા એમ જ, જેમ દસકાઓથી જીવીએ છીએ એમ જ... બોસથી ફફડવાનું અને પ્યુનને ખખડાવવાનો, ભોળો ગ્રાહક મળે તો પાંચના પચ્ચીસ લઈ લેવાના અને ફિલ્મી ગલગલિયાંનો આનંદ માણવાનો. મજ્જાની લાઈફ.
આખું વર્ષ મોજમાં જ જીવતા આપણાં જેવા મસ્તીખોરો માટે ઋષિમુનિઓએ દિવાળી, ધનતેરસ જેવા તહેવારોનો કન્સેપ્ટ શાને આપ્યો હશે? ઋષિઓય શું સમાજને મોજમસ્તી કરાવવા માંગતા હશે? શું એ દિવસોમાં વેપારીઓને વધુ ધંધો મળે એવી દૂરંદેશી હશે ઋષિઓની? કે પછી તહેવારના નામે કર્મચારીઓ બોનસ માંગી શકે એવી કોઈ ગણતરી હશે? ઋષિઓ જેવા તેવા તો નહોતા જ. દાળમાં કંઇક કાળું તો છે જ.
જો આ તહેવારો બ્રિટન - અમેરિકાથી આવ્યા હોત તો કદાચ “ફેસ્ટીવલ વિક” તરીકે ઉજવાત અને દરેક દિવસ કદાચ મની ડે, મસલ્સ ડે, ન્યુ યર ડે, સિસ્ટર ડે જેવા નામે ઉજવાત. અમારી નિશાળમાં ટીચર્સ ડે ઉજવાતો. મને નિશાળ યાદ આવી. પ્રાથમિકમાં ભણતાં ત્યારે દર શનિવારે પ્રાર્થના દરમિયાન પી.ટી.નો પીરીયડ લેવાતો. પી.ટી.ના સર માઈકમાં એક, દો, તીન, ચાર.. કરતા સાત, આઠ સુધી બોલે પછી આઠ, સાત, છે, પાંચ એમ રિવર્સમાં બોલે, અમે સૌ બે હાથ આગળ, ઉપર, બાજુ પર અને નીચે એમ ચારે બાજુ તાલ મુજબ ફેરવ્યે રાખતા. એક દિવસ શહેરની મોટી નિશાળમાં જોયું તો પી.ટી.ના પીરીયડમાં આવા દાવ ઉપરાંત ઊંચી કૂદ, લાંબી કૂદ, સ્કેટિંગ, ફૂટ બોલ, વોલી બોલ... બધું કરાવતા હતા. મને થયું જો આ પી.ટી. હતું તો અમે અમારી નિશાળમાં અમે કરતા એ શું હતું? જે દિવસે ઋષિઓની તહેવાર તરફનો ઓરીજીનલ દ્રષ્ટિકોણ ખ્યાલમાં આવશે તે દિવસે આપણને આખી જિંદગી દરમિયાન ઉજવેલા તહેવારો યાદ આવી જવાના.
આપણા ઘરમાં દર મહીને પગાર કે નફા સ્વરૂપે પૈસા આવે છે. એ લક્ષ્મી છે કે અલક્ષ્મી? આપણી નસેનસમાં વહેતી શક્તિ એ શું મહાકાળી છે? સમાજની બહેન-દીકરીઓ તરફની આપણી દ્રષ્ટિ શું માન-સન્માન ભરી છે? વર્ષના આખરી દિવસે આખા વર્ષનો હિસાબ જો આ તહેવારોમાં ન કરીએ તો આપણી પેઢીનું ‘ઉઠમણું’ કે ‘પતન’ નક્કી. હા, આ પેઢી એટલે દુકાન નહિ, સાત પેઢી વાળી પેઢી હોં!
તહેવારના આ પાંચ દિવસની ઋષિ કોન્ફરન્સ કે સેમીનાર કે વેબિનાર ખાલી ફટાકડા ફોડવા કે મીઠાઈ ખાવા માટે નથી. તેરસના દિવસે હિસાબ કરી લેજો, જો લાગે કે ગયા વર્ષે ખૂબ સારી રકમ ઈમાનદારીથી કમાયા છીએ અને એ માત્ર પોતાના માટે કે ફેમિલી માટે જ નહીં સોસાયટી માટે પણ વાપરી છે તો જ ફટાકડા ફોડજો. જો હિસાબમાં તમારી શક્તિ, પછી એ મસલ્સ પાવર હોય કે માઈન્ડ પાવર, જો દીન-દુ:ખીયાની મદદ કરવામાં વધુ વપરાઈ હોય તો જ મીઠાઈ વહેંચજો. જો તમારા ઘરની અને શેરી સોસાયટીની બહેન દીકરીઓ માન સન્માન પૂર્વક જીવન જીવી રહી હોય તો જ આંગણે રંગોળી કરી ભાઈ બીજના દિવસે બહેનને ત્યાં ઉન્નત મસ્તકે જજો. જો હિસાબ માઈનસમાં આવતો હોય, બેઈમાનીથી રૂપિયા કમાયા હોઈએ, શક્તિનો ઉપયોગ બીજાને હેરાન પરેશાન કરવા માટે કર્યો હોય તો આ તહેવારોમાં મનોમંથન કરજો. નવી સ્ટ્રેટેજી બનાવજો અને નવા પ્લાનિંગ સાથે આવતું વર્ષ નફા વાળું, પ્રોફિટ મેકિંગ બને એવા સંકલ્પો કરજો, બાકી તમે ખુદ સમજદાર છો.
અસત્યમાંથી સત્ય તરફ, અંધકારમાંથી પ્રકાશ તરફ અને મૃત્યુમાંથી અમૃત તરફ લઈ જનારા આ પાંચ દિવસીય ઉત્સવો બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.
હેપ્પી ધનતેરસ, હેપ્પી કાળી ચૌદસ, હેપ્પી દિવાળી, હેપ્પી ન્યુ યર, હેપ્પી ભાઈ બીજ...
અને
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)