ચામડાનો નકશો અને જહાજની શોધ.. - 2 જીગર _અનામી રાઇટર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચામડાનો નકશો અને જહાજની શોધ.. - 2

ઝોમ્બો નદી અલ્સ પહાડમાંથી નીકળીને મેદાની પ્રદેશમાં પ્રવેશતી હતી ત્યારે એનું વહેણ સાંકડું અને ઊંડું થઈ જતું હતું. મેદાની પ્રદેશમાં ઝોમ્બો નદીના વહેણની ઝડપ સારી એવી હતી. મેદાની પ્રદેશ વટાવીને જયારે ઝોમ્બો નદી જંગલી પ્રદેશમાં પ્રવેશતી હતી ત્યારે એનું વહેણ પહોળું અને મંદ બની જતું હતું. મેદાની પ્રદેશમાં સુસવાટા અને ઘુઘરાટ બોલાવતી આ નદી જંગલમાં એકદમ શાંત પણે વહી આગળ જતાં જંગલ વટાવીને સમુદ્રમાં ભળી જતી હતી.

સૂર્ય પોતાના નિત્યક્રમ અનુસાર આકાશમાં આવી શિયાળાની ઋતુ હોવા છતાં પોતાના પ્રભાવનો પરચો આપી રહ્યો હતો. સવારે વહેલા ક્લિન્ટન નગર છોડીને નીકળેલો કેપ્ટ્ન હેરીનો કાફલો ઝોમ્બો નદીના શાંત કિનારે ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો.

સૌથી આગળની ઝરખ પ્રાણીઓની ગાડીમાં કેપ્ટ્ન હેરી અને પ્રોફેસર હતા. પછી ફિડલ , રોકી અને જોન્સનની ઝરખગાડી હતી. એમના પછી હથિયારો અને ખાદ્યસામગ્રી વાળી ઝરખ ગાડી હતી. સૌથી છેલ્લે ચાલી રહેલી ઝરખગાડીમાં બે પ્રેમી યુગલો જ્યોર્જ અને ક્રેટી તથા પીટર અને એન્જેલા હતા.

જંગલમાં ઝોમ્બો નદીના બન્ને કિનારાઓ વચ્ચેનું અંતર અડધા માઈલ કરતા થોડુંક વધારે હતું. બન્ને બાજુ ભયાનક જંગલ અને વચ્ચે ઝોમ્બો નદી પોતાનો રસ્તો બનાવી નાગિનની માફક શાંતપણે આગળ સરકીને દરિયા સુધી પહોંચતી હતી. અદ્ભૂત પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે વહી રહેલી આ નદી જંગલમાં વસતા ઘણા બધા જીવોની જીવનદાત્રી હતી.

"કેપ્ટ્ન બપોર થઈ ચુકી છે હવે થોડાંક થોભીને જમી લઈએ.. આ બિચારા અબોલ પ્રાણીઓને પણ થોડોક આરામ મળે..' હાંફી રહેલા ઝરખ પ્રાણીઓ તરફ જોઈને પ્રોફેસરે કેપ્ટ્ન હેરીને કહ્યું.

"હા.. પ્રોફેસર સામે જુઓ પેલા ઘેઘુર વૃક્ષો છે ત્યાં જ આપણે આપણો પડાવ નાખીએ..' કેપ્ટ્ન હેરી નદીના કિનારાને એકદમ અડીને ઉભેલા વૃક્ષો તરફ જોતાં બોલ્યા.

બપોર થવા આવી હતી. પૂર્વમાં આવેલો અલ્સ પહાડ હવે ઝાંખો ઝાંખો નજરે પડી રહ્યો હતો. ક્લિન્ટન નગરથી કેપ્ટ્ન હેરીનો કાફલો ખાસ્સો દૂર આવી ચુક્યો હતો.

"ફિડલ..' પાછળ આવતી ઝરખગાડી તરફ જોઈને કેપ્ટ્ને બુમ પાડી.

ફિડલ , રોકી અને જોન્સન ઝરખગાડીમાં બેઠા-બેઠા ગપાટા મારી રહ્યા હતા. કેપ્ટ્નની બુમ સાંભળીને એમની વાતોમાં ભંગ પડ્યો.

"હા.. કેપ્ટ્ન શું કહો છો..? ફિડલે આગળ જોઈને સામી બુમ પાડી.

"બસ હવે અહીંયા થોભો ભોજન અને થોડોક આરામ કરી લઈએ..' કેપ્ટ્ને વળતો જવાબ આપ્યો. અને ઝરખગાડીમાંથી નીચે ઉતરી પડ્યા.અને ત્યાં જ ગાડી ખેંચી રહેલા બન્ને ઝરખોને આગળ જઈને અટકાવ્યા.

ફિડલ ,જોન્સન અને રોકી પણ પોતાની ઝરખ ગાડીમાંથી ઉતરી પડ્યા. સૌથી છેલ્લે આવી પહોંચેલી ઝરખગાડીમાંથી ક્રેટી , જ્યોર્જ ,પીટર અને એન્જેલા નીચે ઉતર્યા અને ત્યાં પોતાની સફર થંભાવી.

ટાપુના આ જંગલમાં વસતી ઝરખ પ્રાણીઓની આ પ્રજાતિ મિશ્રાહારી પ્રકારની હતી.નાના પ્રાણીઓનો શિકાર કરવામાં પણ આ ઝરખ પ્રાણીઓ સમર્થ હતા. જયારે શિકાર ના મળે ત્યારે ફળો કે ટાપુ ઉપર થતાં કંદમૂળો વગેરે ખાઈને પોતાનો જીવન નિર્વાહ કરતી.

"ફિડલ તું અને રોકી જાઓ.. અને કોઈક પ્રાણીનો શિકાર કરી આવો. એટલે આ ઝરખોને ખવડાવીએ તો આપણી સફર જલ્દી આગળ વધે..' કેપ્ટ્ન ફિડલ અને રોકી તરફ જોઈને બોલ્યા.

"હા હમણાંથી ઝરખો હાંફી રહ્યા છે.. એમને સારો ખોરાક આપીશું તો જ તેઓ સારી રીતે ગાડી ખેંચી શકશે..' વૃક્ષના છાયામાં બેસી રહેલા ઝરખ પ્રાણીઓ તરફ જોતાં ફિડલ બોલ્યો.

"હા સાચી વાત છે.. ચાલો હું પણ આવુ આપણે ત્રણેય જણ જઈએ શિકાર કરવા..' જોન્સન ફિડલ અને રોકી તરફ જોતો બોલ્યો.

"રોકી જા.. ત્રણ ભાલા લઈ આવ..' ફિડલે રોકીને કહ્યું.

રોકી ગયો. થોડીવારમાં એ જે ઝરખગાડીમાં હથિયારો હતા એમાંથી ત્રણ સારા ભાલા લઈ આવ્યો. પછી ત્રણેય જણ શિકાર કરવા જંગલમાં ઘૂસ્યા. પ્રોફેસર અને કેપ્ટ્ન હેરી વૃક્ષના છાયામાં બેસીને આગળ સફર કેવીરીતે વધારવી એ અંગે ચર્ચા કરવા લાગ્યા.

"ક્રેટી તું આમ કિનારે આવીને કેમ બેસી ગઈ..' ક્રેટીને નદીના પાણીની નજીક કિનારા ઉપર બેઠેલી જોઈને જ્યોર્જ બોલ્યો.

"જ્યોર્જ મને આપણું ક્લિન્ટન નગર યાદ આવે છે..' પૂર્વ તરફ જોઈને ક્રેટી થોડાંક નીરસ સ્વરે બોલી.

"અરે.. સવારે તો આપણે નગર છોડીને નીકળ્યા છીએ અને તને આટલી જલ્દી વસમું પણ લાગવા માંડ્યું..' જ્યોર્જ ક્રેટીની બાજુમાં બેઠો અને પછી ક્રેટીના ગાલ ઉપર ઘસી આવેલી વાળની લટને એકબાજુ કરતા બોલ્યો.

"કેમ યાદ ના આવે..? એ આપણી વચ્ચે રહેલા ગાઢ પ્રેમનું પરિણામ છે..' જ્યોર્જના ખભે માથું ઢાળતા ક્રેટી બોલી.

"જો સામે જો પૂર્વમાં રહેલો અલ્સ પહાડ આપણા પ્રેમના પરિણામ સમા ક્લિન્ટન નગરને સાચવતો હોય એવી ઝાંખી મુસ્કુરાટ કરી રહ્યો છે..' પોતાના એક હાથથી ક્રેટીનું મોઢું ઊંચું કરીને પૂર્વમાં ઝાંખા ઝાંખા દેખાઈ રહેલા અલ્સ પહાડ તરફ આંગળી કરીને જ્યોર્જ બોલ્યો.

"તું છે તો બધું જ મારી સાથે છે જ્યોર્જ..' આમ કહીને ક્રેટીએ જ્યોર્જની છાતીમાં પોતાનું મોઢું છુપાવી દીધું.

થોડીવાર જ્યોર્જ ક્રેટીના માથાના સુંવાળા વાળ ઉપર હાથ ફેરવતો રહ્યો પછી એણે ક્રેટીનો ચહેરો ઊંચો કર્યો અને એના ચહેરા સામે તાકી રહ્યો. ક્રેટીની આંખમાં જોઈ રહેલો જ્યોર્જ મનોમન વિચારી રહ્યો કે આ નદીના પાણીની ઊંડાઈ હમણાં જ માપી શકું પણ તારા પ્રેમની ગહેરાઈ કેટલી ઊંડી હશે એ હું ના જાણી શકું.. તારો પ્રેમ પણ અનંત છે અને એની ગહેરાઈ પણ.. અચાનક વિચારોની તંદ્રા તૂટી અને તે ઉભો થઈ ગયો.અને નદીમાંથી એક ખોબો પાણી ભરી આવ્યો.

"ક્રેટી.. આ જો ઝોમ્બો નદીની એક એક બુંદમાં આપણા ક્લિન્ટન નગરનો સ્પર્શ છુપાયેલો છે.. આ પાણીની હરેક બુંદ આપણા નગરને સ્પર્શીને આવે છે..' આમ કહીને જ્યોર્જે પાણી ભરેલો ખોબો ક્રેટી તરફ ધર્યો.

ક્રેટી થોડીક વાર જ્યોર્જ સામે જોઈ રહી અને પછી જ્યોર્જના ખોબામાં રહેલું પાણી પ્રેમપૂર્વક પી ગઈ.

"જ્યોર્જ..' ક્રેટી અને જ્યોર્જના કાને પીટરનો અવાજ અથડાયો.

પીટરનો અવાજ સાંભળીને જ્યોર્જ અને ક્રેટી પાછળ ફર્યા. પાછળ પીટર અને એન્જેલા ઉભા હતા.બન્નેના મૂખ ઉપર આછી મુસ્કુરાટ છવાયેલી હતી.

"હા.. પીટર..' જ્યોર્જ પીટર તરફ ફર્યો અને બોલ્યો.

"ચાલો હવે જમવાનું તૈયાર કરીએ..' પીટર ધીમા સૂરે બોલ્યો.

"હા ચાલો..' ક્રેટીએ હસીને કહ્યું. પછી એ એન્જેલા પાસે આવી અને એન્જેલાનો હાથ પકડીને જ્યાં પ્રોફેસર અને કેપ્ટ્ન વિશ્રામ કરવા બેઠા હતા એ તરફ ચાલી ગઈ. જ્યોર્જ અને પીટર એકબીજા સામે જોઈને હળવું હસ્યાં અને તે બંને પણ પોતાની પત્નીઓ પાછળ ચાલવા લાગ્યા.

આ બાજુ શિકારે ગયેલા ફિડલ ,રોકી અને જોન્સનની નજર સિબોક પ્રાણીઓના ટોળાં ઉપર પડી. આ પ્રાણીઓ સસલા કરતા થોડાંક મોટા કદના હોય છે.હંમેશા આ પ્રાણીઓ જૂથમાં જ જોવા મળે છે. સ્વભાવમાં આ પ્રાણીઓ થોડાંક ડરપોક હોય છે. દુશ્મન જયારે એમના ઉપર હુમલો કરે ત્યારે તેઓ પોતાના જૂથને મૂકીને ભાગી જતાં નથી. બધા ભેગા રહીને દુશ્મનનો સામનો કરે છે અને જો દુશ્મન બળિયો નીકળે તો આ પ્રાણીઓ મોતનો સ્વીકાર કરે છે.

"રોકી.. કેટલા સિબોક છે..? એક ઝાડ પાછળ સંતાઈને ફિડલ બોલ્યો.

રોકીએ ઝાડના થડ પાછળથી પોતાનું મોઢું બહાર કાઢ્યું અને પછી સામે જ કુણું ઘાસ ખાઈ રહેલા સિબોક પ્રાણીઓને ગણવા લાગ્યો.

"કેટલા છે..રોકી બોલને..? ફિડલ ફરીથી ધીમા સ્વરે ઉતાવળથી બોલ્યો.

"ત્રણ..ને બે.. પાંચ છે..' રોકી પોતાની ગણતરી પુરી કરતા બોલ્યો.

"ઠીક છે.. રોકી જોન્સન જરાય અવાજ ના થાય એનું ધ્યાન રાખજો. જુઓ સંતાઈને એમના સુધી પહોંચવાનું છે.. પાસે પહોંચીને વાર કરીશુ એ વાર ખાલી ના જવો જોઈએ પહેલા વારમાં ત્રણ સિબોક ખલાસ થઈ જાય તો બીજા બેને જલ્દીથી ખતમ કરી નાખીશું..' ફિડલે પોતાની યોજના સમજાવી અને ઝાડની પાછળ લપાતો-છુપાતો આગળ વધવા લાગ્યો. રોકી અને જોન્સન એને અનુસરીને અવાજ ના થાય એ રીતે ફિડલની પાછળ પાછળ જવા લાગ્યા.

બિચારા સિબોક પ્રાણીઓ નિર્ભર બનીને મુક્તમને ઘાસ ચરી રહ્યા હતા. મોત એમનો પીછો કરી રહ્યું છે એનો એમને આભાસ પણ નહોંતો.

પાસે પહોંચીં એક ઝાડ પાછળ સંતાઈને ફિડલે રોકી અને જોન્સન સામે જોયું. અને એક સિબોકને નિશાન બનાવીને પોતાનો ભાલો એ સિબોક ઉપર તાક્યો. રોકી અને જોન્સને પણ ભાલા વડે નિશાન લીધું. પછી ફિડલે જોર અજમાવીને પોતાના ભાલાનો ઘા કર્યો. રોકી અને જોન્સને પણ તરત જ પોત પોતાના ભાલાના ઘા કર્યા. ગણતરીની ઘડીમાં ત્રણ સીબોક પ્રાણીના શરીરમાં અણીદાર ભાલાઓ ઘુસી ગયા.ત્રણેય સિબોક પ્રાણીઓ મરણચીસ પાડીને ત્યાં જ ઢળી પડ્યા. બાકી રહેલા બે સિબોક પ્રાણીઓ કંઈ ના સમજાતા ડરના માર્યા એકબીજા સામે જોવા લાગ્યા.

ત્યાં તો ફિડલ દોડ્યો અને એક સિબોક પ્રાણીના પેટમાંથી પોતાનો ભાલો ખેંચીં કાઢ્યો અને સામે ઉભેલા બે સિબોકમાંથી એકને નિશાન બનાવીને મારી નાખ્યું. હવે એક જ રહ્યું. ફિડલ જેવો ભાલો બહાર કાઢવા ગયો કે બાકી રહેલું એક સિબોક પાછળથી આવીને એના પગના નહોર ફિડલની પેટમાં ખોંસી દીધા. ફિડલ વેદનાથી ચીસ પાડી ઉઠ્યો.

"રોકી.. બબ..બચાવ..' ફિડલે ભયકંર ચીસ પાડી.

રોકી દોડ્યો અને એણે ફિડલની પાછળ ચોંટી પડેલા સિબોકને પોતાના બંને હાથમાં ઊંચકીને દૂર ફેંક્યું. જોન્સન પણ દોડી આવ્યો.એણે એક ભાલો ઉઠાવ્યો. ફરીથી પેલું સિબોક ઝનૂન સાથે રોકી તરફ દોડ્યું પણ ત્યારે જ જોન્સનના હાથમાંથી ભાલો છૂટ્યો અને અધવચ્ચે જ સિબોક પ્રાણીને વીંધી નાખ્યું.

"ફિડલ તું ઠીક છે ને..? રોકી એકદમ ફિડલ પાસે દોડી આવ્યો અને એને બેઠો કરતા બોલ્યો.

"અરે મને કંઈ નથી થયું ચાલો હવે તમે બન્ને બે બે સિબોક ઉઠાવી લો.. એકને હું ઉપાડી લઉં..' મરેલા સિબોક પ્રાણીઓ તરફ જોતાં ફિડલ હસીને બોલ્યો.

"હા.. તું ખરેખરો શિકારી છે ફિડલ..' જોન્સન ફિડલ સામે જોઈને હસતા બોલ્યો.

"તને કંઈ થયું નથી તો સિબોક પાછળથી તને ચોટ્યું ત્યારે તે વેદનાભરી બુમ કેમ પાડી..? રોકીએ સવાલ કર્યો.

"તમે બન્ને નાલાયકો ઝાડ પાછળ જ ઉભા રહીને હું સિબોકને કેવીરીતે મારું છું એનો તમાશો જોતાં હતા. એટલે મને થયું તમને બન્નેને કંઈક કામ આપી દઉં એટલે મેં બુમ પાડી.. બાકી આવા દસ સિબોકીયા મને ચોંટી પડે તો પણ મને કંઈ જ ના થાય..' રોકીના સવાલ ઉપર જોરથી હસી પડતા ફિડલ બોલી ઉઠ્યો.

ફિડલની વાત સાંભળીને રોકી અને જોન્સન પણ હસી પડ્યા.પછી ત્રણેય જણ ઉઠ્યા અને સિબોક પ્રાણીઓને લઈને પોતાના પડાવ તરફ ચાલ્યા. થોડીવારમાં ત્રણેય પડાવ પાસે આવી પહોંચ્યા.

આ ત્રણેય વિશ્રામ કરવાં બેઠા. જ્યોર્જ અને પીટરે ઝરખ પ્રાણીઓને થોડાંક કંદમૂળ અને સિબોક પ્રાણીઓનું માંસ ધરી દીધું. ક્રેટી અને એન્જેલાએ બધા માટે જમવાનું તૈયાર કરી રાખ્યું હતું. પછી બધા શાંતિથી જમ્યા.

"ફિડલ તું તો ખરો શિકારી નીવડ્યો..' પ્રોફેસરે જમતા જમતા ફિડલના વખાણ કર્યા.

"આ શિકારી તો આ સફરમાં આપણને ઘણો કામ લાગશે..' કેપ્ટ્ન હેરીએ પણ ફિડલ ઉપર વખાણના ફૂલો વરસાવ્યા.

પછી રોકીએ સિબોક પ્રાણીઓનો શિકાર કેવીરીતે કર્યો એની આખી વાત બધાને કહી સંભળાવી.બધા અવાક બનીને ફિડલની સિબોક મારવાની યોજના સાંભળતા રહ્યા. પછી તો જ્યોર્જ , ક્રેટી , એન્જેલા અને પીટરે પણ ફિડલના વખાણ કર્યા. બધાના વખાણથી ફિડલની છાતી ફૂલવા લાગી.

"મિત્રો હવે આગળ જતાં ઝોમ્બો નદી જમણી તરફ પોતાનું વહેણ બદલશે.. ત્યાંથી આપણે ડાબી તરફ લેબોસ પર્વતમાળા તરફ આગળ વધવાનું છે..' પ્રોફેસરે ચામડાનો નકશો બહાર કાઢ્યો અને એમાં જોઈને બધાને કહ્યું.

"સાંજનો પડાવ ક્યાં રાખવાનો કેપ્ટ્ન..? પીટરે કેપ્ટ્ન તરફ જોઈને સવાલ કર્યો.

"મારા અનુમાન મુજબ નદીનું વહેણ જમણી તરફ વળશે ત્યા આપણે સાંજ સુધીમાં પહોંચી જઈશું.. ત્યાં જ રાતનો પડાવ નાખીશું..અને કાલે સવારે ત્યાંથી ડાબી બાજુ લેબોસ પર્વતમાળા તરફ આગળ વધીશું..' કેપ્ટ્ને બધા સામે જોઈને કહ્યું.

"હા તો ચાલો હવે.. આપણી સફરને આગળ વધારીએ..' જ્યોર્જ ઉભો થતાં બોલ્યો.

બધા ઉભા થયા. ઝરખ પ્રાણીઓને ગાડી સાથે જોડવામાં આવ્યા. બધા ઝરખ ગાડીમાં બેઠા અને પોતાની મુસાફરી આગળ વધારી. ઝરખ પ્રાણીઓ હવે થોડાંક ઝડપથી ગાડી ખેંચી રહ્યા હતા.

સૂર્ય ધીમે ધીમે પશ્ચિમ તરફ સરકી રહ્યો હતો. અને કેપ્ટ્ન હેરીનો કાફલો ઝડપથી ઝોમ્બો નદીના કિનારે આગળ વધી રહ્યો હતો. સૂર્ય અને કેપ્ટ્ન હેરીનો કાફલો એકબીજા સાથે હરીફાઈમાં ઉતર્યા હોય એવી રીતે આગળ વધી રહ્યા હતા. સૂર્યને પશ્ચિમ ક્ષિતિજ સુધી પહોંચવાનું હતું જયારે કેપ્ટ્ન હેરીના કાફલાના ઝોમ્બો નદીનું વહેણ જમણી તરફ વળે ત્યાં સુધી..

(ક્રમશ)