ડિનર ડેટ Hitakshi Buch દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડિનર ડેટ

ચૈતવી તું શું કહી રહી છે ?? આવું તો કોઈ દિવસ બને ? ( ચૈતસી ફ્લેટના પાર્કિગમાં હતી અને સામેથી આવતી કુંજલ એ તેના પર અચાનક જાણે કે જડતી લેતી હોય એમ બોલી ઉઠી)

( ચૈતસીને આ વાતની જાણ હોય એમ કશું જ બોલ્યા વગર પાછળ ફરી) હમ્મ...

શું હમ્મ... હું તારી વાત માનવા તૈયાર નથી. હવે મને ફોડ પાડીશ કે સાચું શું છે... તું અને કૈતવ જ જાવ છો ને ? બોલ ને મારો અંદાજો સાચો છે...

તારે મને કહેવું ન હતું તો કંઈ નહીં પરંતુ આવું બહાનું કેમ.. તે મને હર્ટ કરી છે હો. (વાત કઢાવવા અથાગ પ્રયત્ન કરતી કુંજલ ત્યાં જ ઉભી રહી)

કુંજલ તને નથી લાગતું તું કંઈક વધુ પડતું રીએક્ટ કરી રહી છે. હા આપણે સારા મિત્રો છીએ પરંતુ મને લાગે છે...

તને લાગે છે આ તારા ઘર ની વાત છે એમ જ ને. ( આ વાક્ય કુંજલે ચૈતસી પાસેથી કોણ જાણે કેટલીવાર સાંભળ્યું હશે કે હવે તો એને પણ ખબર હતી કે એ આજ બોલશે)

હા કુંજલ એજ.. કોણ જાણે કેટલીય વાર મેં તને કહ્યું છે પરંતુ તું તો ઠેર ની ઠેર જ છે. સારૂં સાંભળ... તું જે માને છે એ ખોટું છે અને મેં જે કહ્યું તું ને એજ સાચું છે સમજી.

ચૈતસી નું વાક્ય હજી તો પૂરું થાય ત્યાં તો જાહનવીબેન નીચે આવી ને ઉભા રહ્યાં. રંગે જરા એવા શ્યામવર્ણ પણ એકદમ ભપકાદાર વ્યક્તિત્વ. સ્વભાવે હસમુખા. એમને જોતા કોઈ એમની ઉંમરનો અંદાજ લગાવી શકે નહીં.

પોતાની યુવાનીમાં મિસ ગુજરાત રહી ચૂકેલા જાહનવીબેન હમેશાં ચૈતસીને કહેતા બેટા આપણી પર્સનાલિટી એવી હોવી હોઈએ કે સામેવાળા અંજાઈ જાય.

ચૈતસી પરણી ને આવી ત્યારે એકદમ સાદી સીધી. કોઈ દિવસ મેકઅપ ને હાથ પણ નહોતો લગાડ્યો. અહીં આવી જાહનવીબેન સાથે રહી બધું શીખી ગઈ.

હા.. મમ્મી ચાલો.. I am ready..

જાહનવીબેન ગાડી પાસે આવી ઉભા રહ્યાં.

નમસ્તે આન્ટી.. તમે ખરેખર ચૈતસી સાથે... ( કુંજલ થોડીવાર માટે જાણે કે આભી જ બની ગઈ હતી)

શું.. ?? કંઈક સમજાય એવું બોલ બેટા. કોઈ પ્રશ્ન છે જે તું મને નહિ ખાલી ચૈતસી ને કહેવા માંગે છે ? ( ચૈતસી ને લાગ્યું કે આખી વાત આડે પાટે ચડે એ પહેલાં રોકી દેવી જોઈએ)

મમ્મી ના ના.. તમે સમજો છો એવું કંઈ નથી. તમે તો જાણો છો ને કુંજલને, નાની અમથી વાત ને કેવું મોટું સ્વરૂપ આપી દે છે. બસ આજે પણ એજ થયું છે.

ઓહ... કેમ કંઈ વાત નું બહેશ્રી એ વતેસર કર્યું છે જરા મને પણ ખબર તો પડે.

આન્ટી હું ચૈતસીને કાલ ની પૂછી રહી છું કે એ કોની સાથે જવાની છે. પરંતુ મને ચીડવવા કહે છે કે મમ્મી સાથે.. એવું તે કેવું.

( જાહનવીબેનને આખી વાતનો ચિતાર મળી ગયો હોય એમ ચહેરા પર હળવી મુસ્કાન સાથે) અચ્છા તો આ વાત છે..

બેટા ચૈતસી એકદમ સાચું જ કહે છે.. આજે... અલબત્ત બસ અત્યારે અમે બન્ને જ જઇ રહ્યાં છીએ. હું એટલે જ તો ફટાફટ તૈયાર થઈને નીચે આવી છું. આ ચૈતસી મારા કરતાં સારી દેખાયને એટલા માટે મને ખુબ જ ઉતાવળ કરાવી છે હો. ( ચૈતસી અને જાહનવીબેન હસી પડયાં)

(સ્થિત પ્રજ્ઞ) પણ.... ચૈતસી તું તો કહેતી હતીને કે "date" પર જવાની છે તો....

હા બિલકુલ. હું date પર જ જઈ રહી છું.. ફરક માત્ર એટલો જ છે કે કૈતવ ની સાથે નહીં પણ મમ્મી ની સાથે.

આવું તે કેવું... date પર તો પતિ, બોયફ્રેન્ડ કે પછી કોઈપણ પુરૂષ સાથે જ જવાય ને... આમ સાસુ સાથે.. ભઈ મને તો આ ના સમજાય. સાસુ સાથે તો માત્ર રસોડે કે પછી શાક માર્કેટ જ જવાય.

ના બેટા કુંજલ. અમારા સંબધો કંઈક અલગ, અલબેલા છે. અમે ભલે સાસુ-વહુનો સંબધ ધરાવીએ છીએ પરંતુ હું એની સાસુ થવાને બદલે મિત્ર થવાનું વધુ પસંદ કરીશ.

એક સાસુ વહુ કેમ date પર ન જઇ શકે ? મારા મતે તો દરેક સાસુ એ એની વહુ ને date પર લઇ જવી જ જોઈએ. આના લીધે સંબધ વધુ મજબૂત બને છે. રોજ બરોજની જિંદગીમાંથી બહાર નીકળીને આવું કંઈક કરવાથી બંને ને તાજગી અનુભવાય છે. ક્યારેક પરિસ્થિતિ ઓ ના કારણે આવતી કડવાશ પણ આમ કરવાથી દૂર થાય છે.

આ એક એવો સમય છે જ્યારે સાસુ અને વહુ બને દિલ ખોલીને એકબીજાની વાતો સમજવાનો અને સ્વીકારવાનો પ્રયત્ન કરે છે. સ્ત્રી લગ્ન પહેલાં પોતાની માતા સાથે આવો સમય અચૂક વિતાવતી હોય છે તો લગ્ન પછી સાસુ સાથે શા માટે નહીં.

સાસુ તરીકે મને લાગે છે કે હું જેટલી સહુલીયત આપીશ તથા વહુ ને સાસુ બની નહિ પણ એક દોસ્ત બની એની સાથે રહીશ તો એ પણ ઘર અને પરિવારને સારી રીતે અપનાવશે.

હા હું ચોક્કસપણે એ પણ માનું છું કે સાસુ એ માં બનવાની જરૂર નથી. માત્ર મિત્ર બની ઘર સંસાર ને આગળ ધપાવવાની જરૂર છે. આજ ના આધુનિક જમાનામાં જ્યારે વહુ ઘર અને નોકરીની સાથે એક નવા કુટુંબ ને અપનાવી આગળ વધતી હોય તો સાસુ પણ એ કરે જ છે.

આપણે ત્યાં હજી એવી માન્યતા છે કે સાસુ અને વહુ આવી રીતે ખાલી પોતાની સાથે છતાં બંને એકબીજા સાથે રહી ક્વોલિટી સમય પસાર કરે એવું શક્ય નથી. પરંતુ હું માનું છું કે બંને વચ્ચે મનમેળ બેસાડવા માટે આવું કરવું જરૂરી છે. આજે ચૈતસી પાંચ ડગ આગળ વધે છે તો મારે પણ બે ડગ વધવું જ જોઈએ. ખરેખર જુઓ ને તો ક્યારેક આવી date કુટુંબને હસતા રમતા સાચવવા માટે અને ખીલવવા માટે જરૂરી છે. ચોરે ચૌટે બેસી ને એકબીજાની નિંદા કરી
સંબંધોમાં તિરાડ ઉભી કરવી એ ક્યાંનો ન્યાય છે.

કહેવાય છે ને કે પતિના મન સુધી પહોંચવા નો રસ્તો એના પેટ સુધી છે તો હું એવું માનું છું કે સાસુ વહુ ના સુમેળ સંબંધોનો રસ્તો આવી નાની date છે.

આન્ટી ખરેખર આજે મને સમજાયું કે તમારા સંબધો કેમ આટલા સરળ અને મીઠાશથી ભરપુર છે. હું પણ આજ દિશા તરફ આગળ વધવા પ્રયત્ન કરીશ.

બિલકુલ બેટા... ( ચૈતસી સામે જોતા) ચાલો વહુ જી આપણે પ્રસ્થાન કરીએ. આપણને " dinner date" માટે મોડું થઈ રહ્યું છે. ( ત્રણેય ખૂબ જોરથી હસી પડે છે)

#Hitakshi