બાગેશ્રી નિસ્તબ્ધ ભૂતકાળને વાગોળવાનો પ્રયત્ન કરતી આજે વર્ષો પછી ઘટાદાર અને જાણે કે ઉંમરની ચાડી ખાતા એ લીમડા નીચે ઉભી હતી.
(સ્વ મનન) આહ... એજ શાંતિ... એજ પોતીકાપણું... એજ છાયો આપતો આ લીમડો. જાણે કે લીમડો પણ બાગેશ્રી ની વાતોમાં સાદ પુરાવતો પોતાની ડાળીઓ હલાવી રહ્યો એવો ભાષ ચોક્કસ રોમાંચ ઉભો કરી રહ્યો હતો.
કેટલાં વર્ષો વીત્યા પરંતુ તું નથી બદલ્યો ખરુંને ( બાગેશ્રી એની સાથે વાત કરવાનો પ્રયત્ન કરી હોય એમ બોલી ઉઠી) હા પણ એ ચોક્કસ કહીશ તારામાં પણ સમયની સાથે બદલાવ આવ્યો છે. તું પણ જાણે કે સમયની થપાટો સાક્ષી બન્યો છે. તારી લહેરાતી ડાળી ઓ વયોવૃદ્ધ થયાનો પુરાવો આપે છે, પરંતુ તારો છાયો અને તેની શીતળતા આજે પણ એવી જ છે.
અરે... અરે... બાગેશ્રી તું આજે પહેલાની જેમ જ... ( બાગેશ્રી પાછળ ફરી જોવે છે)
ઓહ.... શ્રેયા... તું.. ( વર્ષો પછી મળેલી સખીઓ થોડીવાર એકબીજાને જોતી રહી)
( શ્રેયા વળગી પડે છે)
તું ક્યારે આવી બાગેશ્રી.. તું તો પરદેશ હતી ને... આમ અચાનક... સૌ સરવાના તો છે ને. ( શ્રેયાને એકીશ્વાસે બોલતી જોઈ)
બસ.. બસ... શ્રેયા.. બધું કુશળ છે. હા તારી વાત સાચી છે. હું ઘણા વર્ષો પછી મલકની માટીની સુવાસ મને અહીં ખેંચી લાવી. ગામમાં આવતાની સાથે જ મને આપણાં સુખ દુઃખ નો સાથી લીમડો દેખાય ગયો.. તું જરાવાર થોભી એને નિહાળવાનું મન થઇ આવ્યું. ( બોલતા બોલતા જાણે કે અતિતના પાનાં ફેરવાઈ ગયા હોય એમ બાગેશ્રી લીમડાની સામે જોતી રહી)
બાગેશ્રી ભલે આપણે ઘણાં લાંબા સમયે મળ્યાં પરંતુ આજે પણ હું તને ઓળખું છું.. શુ ચાલે છે તારા મનમાં... મને બરાબર યાદ છે જ્યારે તે ધોરણ ૧૨ પાસ કર્યું હતું અને આગળ શું કરવું નો અસમંજસ હતો ત્યારે પણ તું આમ જ કલાકો આજ લીમડા નીચે આવી ને બેસતી. આજે ફરી એકવાર તને કોઈક વિચારો પજવી રહ્યાં હોય એવું લાગી રહ્યું છે.
શ્રેયા તું આજે પણ મને... ( બાગેશ્રી એને વળગી પડે છે) હા તારું અનુમાન સાચું છે... તને યાદ છે ?? આ લીમડો મારી મા એ મારા જન્મ પછી વાવ્યો હતો અને મને હંમેશા કહેતી બાગેશ્રી આ લીમડો તને જીવનમાં આવનાર ઉતારચડાવ અને જીવનમાં આવનારી મુશ્કેલી ઓથી લડવાની તાકાત આપશે.
હા મને તારી મા અને એમણે કહેલી વાતો બન્ને બખૂબી યાદ છે.
એ કહેતા, બીજાની જેમ મેં મીઠો લીમડો નહીં વાવતા કડવો લીમડો કેમ વાવ્યો એ જાણો છે ? મીઠાની જેમ જ... કદાચ એના કરતાં પણ વધુ કડવો લીમડો અકસીર હોય છે. હોળીની આજુબાજુ કડવા લીમડાનો રસ પીવાથી તંદુરસ્તી માં ઘણો ફાયદો થાય છે. સાથે સાથે પોતાનો ગુણધર્મ ભલે કડવાશનો હોય પરંતુ એ હમેશાં મીઠાશ પ્રસરાવતો રહે છે.. આમ જીવનમાં આપણે પણ કરતા રહેવું જોઈએ.
હા બિલકુલ એમ જ કહેતી મારી મા... આજે મને એજ મહેક અને સુવાસની જીવનમાં ફરી એકવાર જરૂર વર્તાઈ છે.
તને યાદ છે એકવાર બળબળતા તાપમાં માં ના પગમાં ખેતરે કામ કરી આવતા છાલા પડી ગયા હતા અને ત્યારે મને આજ લીમડાના પાન તોડી લાવવા કહ્યું હતું..
હા એ તો કેમ ભુલાય... આપણે મુખીના દીકરા વિશાલને ઉપર ચડાવ્યો હતો અને એ બાપડો આપણી મદદ કરતાં ખાટલે પટકણો હતો.. ( શ્રેયા હસી પડી)
હા મને યાદ છે..
લીમડાના પાનનો લેપ લગાવતાની સાથે જ માં દોડતી થઈ ગઈ હતી. આજે એવો જ કંઈક લેપ મને પણ...
ક્યાં વાગ્યું છે તને બાગેશ્રી... દેખાડ..
મારા ઘાવ દેખાય એવા નથી નથી. એ મારા કાળજે કોતરાયેલા છે. છેલ્લા એક વર્ષમાં સમયનું ચક્ર અવળું ફર્યું છે મારા જીવનમાં. પહેલાં સંપત્તિ અને પછી સબંધોથી હું કંગાળ થઈ છું. મારૂં સ્વદેશ પાછા ફરવાનું કારણ પણ એજ છે. બસ આજે આ લીમડા નીચે બેસી માં ને મહેસુસ કરવી છે. એણે આપેલી નસિહતો ને વાગોળવી છે અને લીમડાની છાયામાં સ્વંચિતન, સ્વંમનન થકી ફરી એકવાર પાછા ઉભા થવાની હિંમત ભેગી કરવી છે. મને ખાતરી છે જેમ માં નો આ લીમડો વર્ષો વર્ષ લોકોને છાયડો આપતો રહ્યો છે એમ મને પણ જીવનરૂપી ધખધખતી કેડીઓ પર આત્મવિશ્વાસથી ચાલી દરેક મુશ્કેલીઓનો સામનો કરવાની તૃષ્ણા પુરી પાડશે અને હું જીવનની હારેલી બાજી જીતી જઈશ.