કૂળવધુ Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

કૂળવધુ

" જયશ્રીકૃષ્ણ હેમંતભાઈ !...... સુરેશભાઈ કોટેચા ઘાટકોપર થી બોલું...મુરબ્બી એક વાત કરવાની હતી.... બે દિવસ પહેલા તમારા ઘરે આપણે જે છોકરા-છોકરીની મીટીંગ રાખેલી એમાં કાર્તિકને નાની દીકરી વધારે પસંદ આવી છે. અમને તો મોટી દીકરી ગમી જ ગઈ હતી પણ આજકાલના જુવાનીયાઓને તો તમે ઓળખો જ છો !! એની વધારે ઈચ્છા નાની દીકરી સાથે કરવાની છે. જો આ દિશામાં જરા વિચારી જુઓ તો મને ફોન કરજો. જો નાની દીકરી હા પાડે તો આપણે આગળ સંબંધ માટે વિચારીએ " કહીને સુરેશભાઈ એ ફોન મૂકી દીધો.

હેમંતભાઈ ગણાત્રા સીધા સાદા માણસ હતા. મોટી દીકરી હિના 26 ની થઈ ગઈ હતી. એને જોવા માટે મહેમાનો મુંબઈથી રાજકોટ આવેલા. હવે એને મૂકીને નાનીનું કેમનું કરવું ? આ તો ધર્મસંકટ આવી પડયું.

એમણે તરત જ રસોડામાં જઈને દમયંતીબેન ને વાત કરી.

" કહું છું આ પેલા સુરેશભાઈ નો ફોન આવ્યો. હવે કાર્તિક કુમાર ને હિના કરતાં ધારામાં રસ વધારે છે. મીટીંગ હિના સાથે કરી અને લગ્ન ધારા સાથે કરવા છે. આ તે કેવું ? કહે છે કે જો ધારા હા પાડે તો અમે તૈયાર છીએ. "

" લે...કર વાત... એમ મોટી ને મૂકીને નાની નું થોડું કરાય ? પછી તો હીનાના લગન જ રખડી પડે ને ? લોકો કહેશે કે મોટી માં કંઈક ખામી હશે તો જ પહેલાં નાની નું કર્યું. " દમયંતીબેન બોલ્યા.

" હા એ વાત સાચી છે. આપણે કોઈ જવાબ આપવો નથી. હિનાના નસીબમાં જે લખ્યું હશે એ થશે " હેમંતભાઈ એ પણ દમયંતીબેન ના સૂરમાં સૂર પુરાવ્યો.

હેમંત ભાઈ ને બે દીકરીઓ હતી હિના અને ધારા. હિના થોડી ઘઉંવર્ણી અને શરીરે હેલ્ધી હતી. સ્વભાવમાં ખૂબ જ ઠરેલ અને કામકાજમાં હોંશિયાર હતી. પણ નસીબ થોડા કાઠા હતા. આ પહેલા પણ ચાર મુરતિયા જોયેલા. છેલ્લી ઘડીએ વાત બગડી જતી.

એના પ્રમાણમાં ધારા એકદમ હિરોઇન જેવી હતી. યુરોપિયન ગૌરવર્ણ , કાતિલ આંખો, છેક કમર થી નીચે સુધીના લાંબા વાળ અને અણિયાળી કાતિલ આંખો ભલભલાને મોહપાશમાં બાંધી લેતાં. ઉંમરમાં હિનાથી દોઢ વર્ષ નાની હતી.

લોહાણા સમાજ માં આમ પણ મુરતિયા જાણે ઓછા હતા. છ આઠ મહિને માંડ એકાદ વાત આવતી.

એ રાત્રે કુટુંબના ચારેય સભ્યો જમવા માટે ડાઈનિંગ ટેબલ ઉપર બેઠા ત્યારે ફરી પાછી સુરેશભાઈ ની વાત નીકળી.

" પપ્પા હું તો કહું છું ધારા નું જો થતું હોય તો થવા દો. તમે મારી ચિંતા નહીં કરો. આમ પણ આજે નહી તો કાલે ધારા એ લગ્ન તો કરવા જ પડશે. કરોડોપતિ પરિવાર છે. આવું પાત્ર હાથમાંથી જવા ના દેવાય. દસ પંદર મિનિટની મારી મુલાકાતમાં મને કાર્તિક કુમાર નો સ્વભાવ પણ સારો લાગ્યો. "

" ના દીદી.... જે તમને રિજેક્ટ કરે એની સાથે હું લગ્ન કરું ? ઈમ્પોસિબલ !! "

" અરે મારી બેનડી.... એમણે મને ક્યાં રિજેક્ટ કરી છે ? એમનું મુંબઈનું કલ્ચર છે. એમને તું પસંદ આવી. મને તો એમાં કંઈ ખોટું લાગ્યું નથી. મારા નસીબમાં કોઈ બીજું પાત્ર હશે !!" હિનાએ પોતાના સરળ સ્વભાવ મુજબ વાતને ખૂબ જ હળવાશથી લીધી.

" ધારા બેટા... તને કાર્તિક કુમાર પસંદ છે ?" હિનાની રજૂઆત પછી હેમંતભાઇએ પોતાની દીકરી ને પૂછ્યું.

" પપ્પા મારા માં અને હીના માં ફેર છે . હું આ વાતને એટલી હળવાશથી લઇ શકતી નથી. હું ના નથી પાડતી પણ મારે એની સાથે મુંબઈમાં મીટીંગ કરવી પડશે. લગ્નનો નિર્ણય કાર્તિકનો નહી મારો હશે ."

બીજા દિવસે હેમંતભાઈ એ સુરેશભાઈ સાથે ફોન ઉપર વાત કરી.

" જયશ્રીકૃષ્ણ સુરેશભાઈ....... તમારો ફોન આવ્યા પછી ઘરમાં ચર્ચા થઈ. તમારી વાત પર અમે પૂરતો વિચાર કર્યો છે. ધારાને પણ સમજાવી છે પણ એ હવે કાર્તિક કુમાર સાથે મીટીંગ કરવા માંગે છે અને એ પણ મુંબઈમાં તમારા ઘરે !! "

" ઓલવેઝ વેલકમ સાહેબ...... ગમે ત્યારે આવી શકો છો...... પ્રોગ્રામ બનાવો એટલે એડવાન્સમાં જાણ કરી દેજો. "

અને વીસેક દિવસ પછી ઘાટકોપરના ગરોડિયા નગર માં સુરેશભાઈ ના ફ્લેટમાં હેમંતભાઈ દમયંતીબેન અને ધારા પહોંચી ગયાં.

મહેમાનોના સ્વાગત માટે સુરેશભાઈએ વૈભવ નું સારું એવું પ્રદર્શન કર્યું હતું. ડગલે ને પગલે શ્રીમંતાઈ ચાડી ખાતી હતી. ધારા દરેક વસ્તુની માનસિક નોંધ લેતી હતી. બે નોકર ચાકર અને એક રસોઈયો સેવામાં ખડે પગે તૈયાર રહેતા. સુરેશભાઈ ડાયમંડ માર્કેટમાં હતા અને આ બધી જાહોજલાલી ડાયમન્ડ માર્કેટને આભારી હતી.

" 3 બેડરૂમ ના આ ફ્લેટની વેલ્યુ આજે ચાર કરોડ છે. મારી ઓફિસ છે એ પણ બે કરોડની છે. કાર્તિકને ગાડીઓ નો શોખ છે. દર છ મહિને નવું મોડલ લઈ લે છે. લેટેસ્ટ બી.એમ.ડબલ્યુ અત્યારે એની પાસે છે. " સુરેશભાઈ આ બધો પરિચય હેમંત ભાઇને આપતા હતા. ધારા સાંભળી રહી હતી.

લીચી નો ફ્રેશ જ્યુસ પીધા પછી ધારા અને કાર્તિક ની મિટિંગ કાર્તિકના બેડરૂમમાં ગોઠવાઈ. ધારા આજે એટલી બધી અદ્ભુત લાગતી હતી કે કાર્તિક ના તો હોશ જ ઉડી ગયા હતા.

" મારે તો કોઈ સવાલ કરવો જ નથી. તમે મીટીંગ નો આગ્રહ રાખ્યો છે એટલે તમારે જે પણ પૂછવું હોય તે પૂછી શકો છો. મેં તો મારી પસંદગી જાહેર કરી જ દીધી છે. "

" જુઓ મારે તમારા વિશે કંઇ પણ પુછ્યું નથી. વર્તમાન ગમે તેવો હોય પણ સમય ક્યારે પણ એકસરખો રહેતો નથી. લક્ષ્મી ચંચળ છે એટલે મારી કેટલીક શરતો છે. જો એ શરતો તમને મંજુર હોય તો મને લગ્ન કરવામાં કોઈ વાંધો નથી. જો મંજૂર ના હોય તો આપણી આ મુલાકાત છેલ્લી રહેશે "

કાર્તિક ધારાના રૂપથી એટલો બધો અંજાઈ ગયો હતો કે ધારા ને પામવા માટે કોઈ પણ હદ સુધી જવા તૈયાર હતો. રાજકોટ ગયો ત્યારે પહેલી જ નજરે એ ધારા પર મોહી પડ્યો હતો.

" તમારી કોઈપણ શરત હોય મને મંજુર છે ધારા "

" બરાબર વિચારી લો . આ શરતો મૌખિક નહીં હોય. એક વાર લગ્ન થઈ જાય પછી શરતોનું કોઈ મહત્ત્વ રહેતું નથી. અને હું આંધળો વિશ્વાસ મૂકવા માંગતી નથી. મેં કાયદાનો અભ્યાસ કર્યો છે. લગ્ન પહેલાં જ સ્ટેમ્પ પેપર ઉપર તમારે એગ્રીમેન્ટ કરી આપવું પડશે. બોલો મંજૂર છે ? "

" અને ડરવાની જરૂર નથી.... લગ્ન પછી પત્ની તરીકે હું તમારી સાથે જ રહેવાની છું.... હું પ્રમાણિક છું. આ શરતો માત્ર મારી પોતાની સલામતી માટે છે. "

" ઓકે... ડન... મને મંજુર છે.. શરતો બોલો"

અને ધારાએ વકીલની ભાષામાં ટાઈપ કરેલો એક ડ્રાફ્ટ પર્સમાં થી કાઢી કાર્તિક ના હાથમાં મૂક્યો.

" બરાબર વાંચી જાવ. આ એગ્રીમેન્ટ તમારે 100 રૂપિયા ના સ્ટેમ પેપર મને લખી આપવાનું છે. તમારી સહી કરી નોટરાઇઝ કરી મને પોસ્ટ કરી દો. એ મને મળી જાય એટલે હું કાયમ માટે તમારી !! અને આ લખાણ આપણા બંને વચ્ચે ગુપ્ત રહેશે. તમારે તમારા મમ્મી પપ્પા ને આ બાબત ની જાણ કરવાની નથી."

કાર્તિકે ડ્રાફ્ટની મુખ્ય શરતો વાંચી લીધી.

# લગ્ન પહેલા 50 લાખ ની એફડી ધારા ના બેંક એકાઉન્ટમાં કરી આપવાની હતી અને બાકીના 50 લાખની એફડી લગ્ન પછીના એક મહિનામાં કરવાની હતી.
# લગ્ન વખતે જે પણ દાગીના ચઢાવવામાં તે તમામ દાગીના ઉપર સંપૂર્ણ અધિકાર ધારાનો રહેવાનો હતો અને ધારાના પોતાના સેફ ડિપોઝીટ વોલ્ટ માં તમામ દાગીના રાખવામાં આવશે.
# લગ્ન પહેલા ઓછામાં ઓછી 2 કરોડની વેલ્યું નો એક ફ્લેટ મુંબઈમાં ધારા ના નામે ખરીદવાનો રહેશે.

" માની લો કે લગ્ન પહેલા હું તમારા નામે આ બધું કરી આપુ..... અને તમે લગ્ન કરવાની જ ના પાડો તો ? "

" જુઓ...... પહેલી વાત તો એ છે કે લગ્ન પછી મને બીજા પચાસ લાખ મળવાના છે. લગ્ન વખતે પણ ઓછામાં ઓછું દોઢ બે કરોડ જેટલું સોનું મને મળવાનું છે. આ બધું હું શા માટે જવા દઉં ? જો લગ્ન ના જ કરવા હોય તો આ બધું નાટક કરવાની મારે ક્યાં જરૂર છે ? અને તમે મારા ઉપર વિશ્વાસ રાખી શકો છો. તમને કોઈ શંકા હોય તો મારું કોઈ જ દબાણ નથી. મેં તમને પહેલા જ કહ્યું છે. "

" ઓકે મને મંજુર છે.... તમને એગ્રીમેન્ટ મળી જશે. પૈસાની અને પ્રોપર્ટી ની વ્યવસ્થા થઈ જાય એટલે હું તમને ફોન કરી દઈશ."

" બસ.. તો તમે લગ્નની તૈયારી કરો વરરાજા. આજથી આપણી રિલેશનશિપ ચાલુ !!" કહીને ધારા એ કાર્તિકની હથેળી હાથમાં લઇ પ્રેમથી એક દિર્ઘ ચુંબન કર્યું.

ધારા અને કાર્તિકે બહાર આવીને પરસ્પર પસંદગીની મહોર મારી એટલે ઘરમાં ગોળધાણા વહેંચાયા. બંને પરિવારો ખુબ જ ખુશ હતા. થોડી વ્યવહારની વાતો પણ કરી.

જમી કરીને હેમંતભાઈ લોકોએ 3 વાગે સહુની રજા લીધી. સાંજની ફ્લાઈટ હતી. સંબંધ પાકો થઈ રહ્યો હતો એટલે એરપોર્ટ સુધી કાર્તિક એમને પોતાની ગાડીમાં જ મૂકી આવ્યો.

ધારા એ કાર્તિક પાસે એગ્રીમેન્ટ નો આગ્રહ રાખ્યો એની પાછળ કેટલાક ચોક્કસ કારણો હતા. ચોક્કસ ગણતરીઓ હતી. સુરેશભાઈ નો ફોન તે દિવસે આવ્યા પછી એણે ગુપ્ત રીતે તપાસ શરૂ કરી હતી.

એનો એક ખાસ સ્કૂલ મિત્ર નિલેશ ઘાટકોપર માં જ સ્થાયી થયો હતો અને એ પણ ડાયમંડ માર્કેટમાં હતો. કાર્તિક અને સુરેશભાઈ વિશે, તેમના બિઝનેસ વિશે સંપૂર્ણ માહિતી મુંબઇ જતા પહેલા એણે મેળવી લીધી હતી.

સુરેશભાઈ ડાયમંડ માર્કેટ માં હતા પણ બહુ મોટા સટોડિયા હતા. અત્યારે નહીં નહીં તો પણ 40 50 કરોડના આસામી બની ગયા હતા. કાર્તિક એમનો એકનો એક દીકરો હતો અને ઓફિસ સંભાળતો હતો. તમામ બેંકોના ખાતા કાર્તિક ના નામે હતાં. સટ્ટા સિવાયનો રેગ્યુલર ડાયમંડ બિઝનેસ પણ કાર્તિક ના નામે હતો. સટ્ટામાં મોટી ઉથલપાથલ થતી હોય છે તેથી સુરેશભાઈએ અગમચેતી વાપરીને મોટાભાગની સ્થાવર-જંગમ મિલકત કાર્તિક ના નામે જ કરી દીધી હતી.

લગભગ ત્રણેક મહિના પછી ધારાને કાર્તિક નું રજિસ્ટર્ડ કવર મળ્યું. કાંદિવલી ના મહાવીર નગરમાં અઢી કરોડની કિંમતનો એક ફ્લેટ કાર્તિકે ધારાને ગિફ્ટ આપ્યો હતો એના ડોક્યુમેન્ટ હતા. એ દિવસે ધારાના બેંક એકાઉન્ટમાં 50 લાખની ફિક્સ ડિપોઝિટ જમા થઈ. કાર્તિકે બંને શરતો સરસ રીતે પાળી હતી. ત્રીજી શરત દાગીનાની હતી જે લગ્ન પછીની હતી. પણ ધારાને કાર્તિક ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો.

બે મહિના પછી ડિસેમ્બરમાં ખૂબ જ ધામધૂમથી કાર્તિક અને ધારાના લગ્ન થઈ ગયા અને લગ્ન પછી બંને હનીમૂન માટે સ્વિટ્ઝર્લૅન્ડ પણ જઈ આવ્યા.

ધારાને પામીને કાર્તિક ખૂબ જ ખુશ હતો. ધારાએ એગ્રીમેન્ટની શરતો મૂકી ત્યારે ધારાનો સ્વભાવ એને થોડો વિચિત્ર લાગ્યો હતો. પણ હકીકત માં ધારા ખૂબ જ પ્રેમાળ નીકળી. કાર્તિક ને એ દિલથી પ્રેમ કરતી.

લગ્ન પછી એક વીકમાં જ પચાસ લાખની બીજી એફ.ડી પણ કાર્તિકે ધારાના બેંક એકાઉન્ટમાં કરી દીધી. સુરેશભાઈ નું સર્કલ બહુ મોટું હતું. અમુક મોંઘા દાગીના તો ગિફ્ટ માં આવ્યા હતા. દાગીનાની કિંમત પણ સવા બે કરોડ જેટલી હતી. તમામ દાગીના એણે એક બેન્કમાં ખાતું ખોલાવી એના સેફ ડિપોઝીટ વોલ્ટ માં મૂક્યા અને એની ચાવી પોતાની પાસે રાખી.

ગિફ્ટ માં મળેલા કાંદિવલી ના ફ્લેટના ડોક્યુમેન્ટ પણ એણે રજિસ્ટ્રાર ઓફિસમાં જઇને પોતાના નામે કરાવી લીધા.

ફ્લેટનો દસ્તાવેજ તથા દાગીનાના લોકરની ચાવી એ બે વસ્તુ એ જ્યારે રાજકોટ ગઈ ત્યારે એણે પપ્પાને સાચવવા આપી દીધી.

કાંદિવલીનો ફ્લેટ કાર્તિક ના એક આર્કિટેકટ મિત્રને ઇન્ટિરિયર અને ફર્નિચર કરાવવા માટે સોંપી દીધો.

કાર્તિક અને ધારાનું લગ્નજીવન ખૂબ જ સુખી ચાલતું હતું. સુરેશભાઈ પણ ખૂબ ખુશ હતા. લગ્નના દોઢ વર્ષ સુધી તો એમના બિઝનેસમાં ખૂબ જ પ્રગતિ થઈ. પણ અચાનક એક દિવસ વધુ રૂપિયા કમાવાની લ્હાયમાં સુરેશભાઈ પચાસ કરોડનો મોટો સટ્ટો કરી બેઠા. પોતાની પાસે જે પણ મૂડી હતી તે ઉપરાંત વીસ કરોડ રૂપિયા બીજા ચૂકવવાના આવ્યા. બરાબર એ જ વખતે કોઈની બાતમીના આધારે એમના ઘરે ઈન્કમટેક્ષની રેડ પણ પડી.

ઘરમાં જેટલા પણ ડોક્યુમેન્ટસ, બેન્ક એકાઉન્ટ ની વિગતો, લોકર્સ ની વિગતો, સર્ટીફીકેસ વગેરે હતાં તે ઇન્કમટેક્સ અધિકારીઓએ જપ્ત કર્યા. વીસ કરોડ ચૂકવવા માટે ફ્લેટ ઓફિસ બધું વેચી દેવાની નોબત આવી. બેંક એકાઉન્ટ અને ગોલ્ડના લોકર્સ પણ સીલ થઈ ગયાં !! સુરેશભાઈ નું ફેમિલી રોડ ઉપર આવી ગયું. ઓફિસ ગઈ. ફ્લેટનો સોદો પણ થઈ ગયો. ત્રણ દિવસમાં પજેશન આપવાનું હતું હવે ?

" પપ્પાજી તમે લોકો જરા પણ મુંઝાશો નહીં. તમારી આ દીકરી હજુ જીવે છે. " રાત્રે ડાઈનીંગ ટેબલ ઉપર બધા જમવા બેઠા ત્યારે ધારા એ સુરેશભાઈને કહ્યું અને કાંદિવલીના ફ્લેટની ચાવી સુરેશભાઈ ના હાથમાં આપી. .

" મારા ખાતા માં એક કરોડ રૂપિયાની એફ.ડી છે પપ્પા. કાલે હું તોડાવી નાખું છું. તમે મને ચઢાવેલા દાગીના હજુ મારા લોકરમાં હેમખેમ છે. પપ્પા કાલે સવારના ફ્લાઈટમાં મુંબઈ આવે છે. લોકરની ચાવી એમની પાસે છે. હું માનું છું ત્યાં સુધી ત્રણ કરોડ માં આપણે હાલ પૂરતા સલામત છીએ. અને રહેવા માટે વેલ ફર્નિશ્ડ વિશાળ ફ્લેટ પણ તૈયાર છે "

સુરેશભાઈ અને કાર્તિક તો આભા બની ને ધારા ની સામે જોઇ જ રહ્યા . ધારા એ તો જબરદસ્ત સિકસર ફટકારીને જિંદગીની આ મેચ જીતાડી દીધી હતી !!!

" બેટા આ તું શું બોલી રહી છે ? અને કાર્તિક આ બધું શું છે ? " સુરેશભાઈ ના તો માન્યામાં જ કંઈ આવતું નહોતું.

" પપ્પા ધારા ની વાત સાચી છે. પણ હું એને આજ સુધી ઓળખી શક્યો નથી. લગ્ન પહેલા જ મારી પાસે એક કરોડ રૂપિયા અને ફ્લેટની માગણી કરી હતી. સોનાના દાગીના એણે ક્યાં મુકેલા એ આજ સુધી મને ખબર નથી. આપણા કુટુંબ માટે એણે લગ્ન પહેલા આટલું બધું વિચારી લીધું પપ્પા !!! એણે જે લીધું એ બધું આજે આપણને જ પાછું આપી રહી છે".

" પપ્પાજી મારું કંઈ હતું જ નહીં. હું તો આ ઘરમાં વહુ બનીને આવી હતી એટલે ભવિષ્યમાં કોઈ તકલીફ થાય તો ઘર ની આબરૂ બચાવવા માટે આ બધું મેં કરેલું. લોકરની ચાવી અને ફ્લેટનો દસ્તાવેજ પણ જાણી જોઈને મારા પપ્પાને આપ્યા હતા. જો એ અહીં હોત તો એ બધું પણ જપ્ત થઈ જાત. જે છે એ તમારું જ છે અને તમને પાછું આપું છું. હું પણ તમારી દીકરી જ છું ને ?"

કાર્તિક ના દિલમાં ધારા માટે ઈજ્જત ખૂબ જ વધી ગઈ ! એને ભેટી પડવાનું મન થયું પણ મા-બાપ ની હાજરીમાં એણે દિલ ની ભાવના દબાવી દીધી.

સુરેશભાઈને આજે પહેલીવાર ધારામાં સાચી ' કૂળવધુ ' ના દર્શન થયા.

અશ્વિન રાવલ (અમદાવાદ)