નવો અવતાર Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

નવો અવતાર

સુરેન્દ્રનગરના સ્ટેશન રોડ ઉપર આવેલી એચડીએફસી બેંકના બ્રાન્ચ મેનેજર તરીકે ચિરાગ પટેલની ટ્રાન્સફર થઇ ત્યારે જોબ ઉપર હાજર થયા પછી સૌથી પહેલો પ્રશ્ન સારું મકાન શોધવાનો હતો. સુરેન્દ્રનગર એના માટે અપરિચિત હતું. સ્ટાફ માં પણ એ કોઈને ઓળખતો નહોતો.

જોકે એણે ટ્રેનમાંથી ઉતરીને સવાર-સવારમાં જ એક સારી હોટલ શોધી લીધી હતી એટલે તત્કાલ તો રહેવાનો કોઈ પ્રોબ્લેમ નહોતો. હા જમવા માટે કોઈ સારો ડાઇનિંગ હોલ શોધવો પડશે.

પરંતુ ચિરાગ ની મૂંઝવણ લાંબો સમય ચાલી નહીં કારણકે બેંકનો સ્ટાફ ખુબ જ સરસ હતો. બેંક માં પ્યુન તરીકેની સેવા આપતા રવજીભાઇએ ચિરાગ ની ચિંતા દૂર કરી.

" પટેલ સાહેબ સુરેન્દ્રનગરમાં તમે પહેલીવાર આવો છો....... પણ રહેવાની તમે કોઈ ચિંતા કરતા નહીં. જુના મેનેજર વાદીપુરા નો જે ફ્લેટ ખાલી કરીને ગયા છે તે હજુ ખાલી છે અને ભાડે આપવાનો જ છે. મકાનમાલિક બેંક વાળા ને પહેલી પસંદગી આપે છે. "

" તો તો બહુ સરસ..... બેંક છૂટયા પછી આપણે ફ્લેટ ઉપર જઈ આવીએ. તમે મકાનમાલિકને જાણ કરી દો. "

" અને હા જમવા માટે પણ તમારે કોઈ લોજમાં જવાની જરૂર નથી. જમના માસી ખૂબ સારી રસોઈ બનાવે છે. એટલે તમે ટિફિન બંધાવી લેજો. બેઉ ટાઈમ ઘરે પહોંચાડી દેશે. એમના ઘણા ગ્રાહકો અહીં બાંધેલા છે. "

અને ચિરાગ ની બંને ચિંતા દૂર થઇ ગઇ. ફ્લેટ પણ ખુબ જ વિશાળ અને હવા ઉજાસ વાળો હતો. તમામ ફર્નિચર અને સગવડો ફ્લેટમાં હતી. ચિરાગ બીજા દિવસે ફ્લેટમાં રહેવા પણ આવી ગયો.

સવારની ચા જાતે બનાવી લેતો અને નવ વાગે તો બેંક જવા નીકળી જતો. ચિરાગ ની બરાબર સામેના ફ્લૅટમાં સંજયભાઈ પરીખ અને એમનુ કુટુંબ રહેતું. સંજયભાઈ નો મેડિકલ સ્ટોર હતો. સંજયભાઈ સિવાય એમના પત્ની ધર્મિષ્ઠાબેન અને દીકરી તુલસી એમ ત્રણ જણા હતા. સંજયભાઈ વૈષ્ણવ વણિક હતા.

શરૂઆતના પંદર દિવસ તો ચિરાગ અને સંજયભાઈ ના ફેમિલી વચ્ચે કોઈ ખાસ વાતચીત નહોતી થઈ પણ પંદર દિવસ પછી એક પ્રસંગ બન્યો જેમાં ચિરાગ નો સાચો પરિચય થયો અને એનું માન સંજયભાઈ ના ઘરમાં વધી ગયું.

બન્યું એવું કે સંજયભાઈ કોઈ કામે રાજકોટ ગયેલા ત્યારે સવાર-સવારમાં જ એમના પત્ની મીનાબેન બાથરૂમમાં લપસી ગયાં અને હાથમા ફ્રેક્ચર થયું. ગભરાયેલી તુલસીએ બેલ મારીને ચિરાગ ને જાણ કરી અને ચિરાગે દોડતા નીચે રોડ સુધી જઈને રીક્ષા બોલાવી. એમને તત્કાલ હોસ્પિટલ લઈ ગયો અને એક્સરે વગેરે પડાવી પાટો બંધાવ્યો.

ચિરાગના આવા સ્વભાવથી મીનાબહેન અને સંજયભાઈ ના મનમાં ચિરાગ ની ઈજ્જત વધી ગઈ. એમણે બીજા રવિવારે ચિરાગને પોતાના ઘરે જમવાનું આમંત્રણ પણ આપ્યું.

" ઘરમાં કોણ કોણ છે ચિરાગભાઈ ? વતન કયું તમારું ? " જમતી વખતે સંજયભાઈ એ પૂછ્યું.

" જી... હું આણંદ નો છું. મમ્મી છે અને એક બહેન છે જેનું વેવિશાળ થઈ ગયું છે. અમે લોકો ચરોતરના લેઉવા પટેલ છીએ. "

" તે ભાઈ તમે અહીંયા એકલા રહો છો તો હવે લગ્ન કરી લેતા હો તો ? " મીનાબેને કહ્યું.

" સારી કન્યા મળશે ત્યારે ચોક્કસ વિચારીશ માસી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવામાં પરણવાનો વિચાર ક્યાંથી આવે ? હવે જોબ મળી છે એટલે વિચારીશ. જો કે જમના માસી રસોઈ સારી બનાવે છે એટલે ઘર જેવું જ ખાવાનું મળે છે."

" તુલસી... તું પણ કોલેજમાં જતી લાગે છે !' ચિરાગે તુલસીની સામે જોઈને પ્રશ્ન કર્યો.

" હા... હું બી.એસ.સી (કોમ્પ્યુટર્સ) સ્ટડી કરું છું. "

તુલસી એક ખૂબસૂરત યુવતી હતી. કોલેજમાં કેટલાય છોકરા એની પાછળ પાગલ હતા. પણ તુલસી આશિષ ના પ્રેમમાં હતી. આશિષ અને તુલસી એક જ ક્લાસમાં સાથે ભણતા હતા. આશિષ શ્રીમંત પરિવારનો નબીરો હતો અને કોલેજમાં ખૂબ જ પૈસા ઉડાવતો હતો. દેખાવમાં પણ એકદમ હેન્ડસમ હતો. કાર લઇને કોલેજ માં આવતો. ઘણીવાર એ તુલસીને કારમાં લિફ્ટ આપી ને સોસાયટી બહાર મૂકી જતો.

ચિરાગે પણ તુલસી ને બે વાર કોઈની સાથે કાર માં બેઠેલી જોઈ હતી. પણ આશિષને એ ઓળખતો નહોતો.

કોઈ કોઈ રવિવારે ચિરાગ ચેન્જ ખાતર ડાઇનિંગ હોલમાં જમવા જતો. એક રવિવારે એ ડાઇનિંગ હોલમાં જમતો હતો ત્યારે તુલસી પણ કોઈ બે યુવાનો સાથે જમવા આવેલી. એ બંને યુવાનો એને છેલબટાઉ ટાઈપના લાગ્યા. ચિરાગ વ્યક્તિને જોઈને જ ઓળખી જતો. એ લોકોની મજાક મસ્તી જોઈને અને કેટલીક વાતો સાંભળીને એને લાગ્યું કે તુલસી વધુ પડતી આઝાદ થતી જાય છે !!

તુલસી ના ઘર સાથે ઘરોબો થઈ ગયો હોવાથી ચિરાગ ગમે ત્યારે એ લોકોના ઘરે જઈ શકતો અને કંઈ કામ હોય તો તુલસી ને પોતાના ફ્લેટમાં એ બોલાવી પણ લેતો. એની છાપ સંજયભાઈ ના ઘરમાં એક સંસ્કારી યુવક તરીકેની હતી.

એણે સાંજે મીનાબેન ને કહ્યું " રાત્રે તુલસી કામથી પરવારી ફ્રી થાય તો દસ મિનિટ માટે જરા મોકલજો ને !! "

રાત્રે દસ વાગ્યાની આસપાસ તુલસી ઘરનું બધું કામ પરવારીને ચિરાગના ફ્લેટમાં આવી.

" બોલો ચિરાગ સર..... મમ્મીએ મને કહ્યું કે તમને મારું કંઈ કામ હતું !! "

" હા... બેસ ને ! મારે તારી જોડે થોડીક વાત કરવી હતી ! " ચિરાગ બોલ્યો. તુલસી સોફા પર બેઠી.

" જો તુલસી મારે જે કહેવાનું છે એ જાહેરમાં નહોતું કહેવું... એટલે મેં તને મારા ફ્લેટમાં બોલાવી."

" તમે શું કહેવા માગો છો એ મને ખ્યાલ આવી ગયો છે. તમે મને ડાઇનિંગ હોલ માં જોઈ લીધી છે... પણ ચિરાગ સર મારી પર્સનલ લાઈફમાં તમે ઇન્ટરફિયર ના કરો તો વધારે સારું. હું તમારું ખૂબ જ રિસ્પેક્ટ કરું છું. હું અને આશિષ રિલેશનશિપમાં છીએ અને ભવિષ્યમાં લગ્ન પણ કરી લઈશું. તમે પ્લીઝ આ વાતની કોઈ ચર્ચા મારા ઘરમાં ના કરતા."

" જો તુલસી.... કોઈના પણ લાઈફમાં ઇન્ટરફિયર કરવાનો મને કોઈ હક નથી... તું મેચ્યોર્ડ છે. સારુ ખોટું સમજે છે. પણ મને આશિષ બરાબર લાગતો નથી. હું માણસોને જોઈને જ ઓળખી લઉં છું. તારા ઘર પ્રત્યે અને તારા પ્રત્યે આટલી લાગણી છે તો મને કહેવાનું મન થયું. તું પાછી વળી જા એ તારા હિતમાં છે. બાકી તારી મરજી."

" આશિષને હું તમારા કરતાં વધુ સારી રીતે ઓળખું છું. એ મને દિલથી પ્રેમ કરે છે. મારી નાના માં નાની બાબતોની કાળજી રાખે છે. આખા સુરેન્દ્રનગરમાં લોકો એને સલામ કરે છે. એના પપ્પા પોલિટિશિયન છે. મારી કોલેજની બધી ફ્રેન્ડ્સ મારી ઈર્ષા કરે છે."

" ઓકે ઓકે.... સોરી... ઓલ ધ બેસ્ટ " કહી ચિરાગે વાતને ત્યાં જ પૂરી કરી.

લગભગ છ સાત મહિનાના સમયગાળા પછી એક રવિવારે આશિષ ના ફાર્મ હાઉસમાં આશિષ, એનો મિત્ર ધવલ અને તુલસી ભેગા થયા હતા. આશિષના આ ફાર્મ હાઉસમાં ઘણીવાર મિત્રોની પાર્ટીઓ થતી. તુલસીએ પણ ઘણીવાર આવી રંગીન પાર્ટીઓમાં ભાગ લીધો હતો.

પણ આજે એક ગંભીર ચર્ચા માટે તુલસી આશિષને લઈને ફાર્મ હાઉસ આવી હતી. આશિષ ની ગાડી માં ધવલ પણ ગોઠવાઈ ગયો હતો. જોકે તુલસી ને એ ગમ્યું નહોતું પણ આશિષ ધવલને લીધા વગર ક્યાંય જતો નહોતો.

" હા...હવે બોલ ડાર્લીંગ તું કેમ મને અહીં લઈ આવી છે ? કેમ આટલી સીરીયસ છે આજે ? કુલ ડાઉન યાર !! "

" આશિષ મને ડેટ નથી આવી. ઉપર બીજા પંદર દિવસ ચઢી ગયા છે . હું ખૂબ ટેન્શનમાં આવી ગઈ છું. તારા મમ્મી પપ્પાને વાત કરી જો..... અને જો ના માને તો હવે ફટાફટ આપણે કોર્ટ મેરેજ કરી લઈએ. "

આશિષ ખડખડાટ હસવા લાગ્યો.

" તુલસી.... આર યુ મેડ ? અરે આવું તો બધું ચાલ્યા કરે યાર . એમ કઈં લગન કરી લેવાતા હશે ? હજી તો તું અને હું કોલેજમાં છીએ. એક કામ કર.... ડોક્ટર જીગ્નેશ ના નર્સિંગ હોમ માં જતી રહે. હું ફોન કરી દઉં છું. એક કલાકમાં ફ્રેશ થઈ ને બહાર આવી જઈશ "

" અરે આશિષ... તું કેમ આજે આવી વાત કરે છે ? હું તારા બાળકની મા બનવાની છું યાર . થોડોક તો ગંભીર થા !! અને હું એ ટાઈપ ની છોકરી નથી. હું તારી સાથે સીરિયસ રિલેશનશીપ માં છું ડાર્લિંગ !! "

" તું કયા જમાનામાં જીવે છે તુલસી ? આ ઉંમર એન્જોય કરવાની છે યાર ! આવી વાતો કરીને મારો મૂડ ખરાબ ના કર . જોઈએ તો બીજા પચાસ હજાર લઈ લે અને એબોર્શન કરાવી દે . અને ભવિષ્યમાં આ રીતે લગન ફગન ની વાતો નહીં કરવાની ! અલ્યા ધવલ તું ડ્રિંક્સ બનાવ !! "

" આશિષ....!!! આજે આ તું શું બોલી રહ્યો છે? " તુલસીએ ગુસ્સામાં આવી લગભગ રાડ પાડી.

" અવાજ નીચો કર તુલસી ! તું મારા ફાર્મ હાઉસમાં છે. અહીં તારો અવાજ કોઈ નહી સાંભળે. અને હજુ આજે તો આપણે એન્જોય કરવાનું હજુ બાકી જ છે. આ બધો બક્વાસ બંધ કર અને જલ્દી મૂડ માં આવી જા ! તું પણ બે પેગ લઈ લે ! "

આશિષ ની વાતો સાંભળીને તુલસી ધ્રુજી ગઈ. આ માણસ નફ્ફટ થઈને લગનની વાત ફગાવી દઈને મારી પ્રેગ્નન્સી ની આવી હાલતમાં હજુ એન્જોય કરવા માંગે છે !

પણ આશિષના ફાર્મ હાઉસમાં તુલસી મજબુર હતી. સામે દારૂ પીને છાકટો થયેલો હેવાન હતો. તુલસીનું કંઈ ન ચાલ્યું. આજે આવી હાલતમાં પણ આશિષે તુલસી ને જબરદસ્તી બેડરૂમ માં લઇ જઇને એની વાસના પૂરી કરી. આશિષ સાથે એણે ઘણી વાર રંગરાગ માણ્યા હતા. અનેકવાર શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા. પણ આજ નો અનુભવ નરકથી પણ બદતર હતો !!

તુલસીએ પોતાનું સર્વસ્વ ગુમાવી દીધું હતું. એક ભયંકર ભ્રમણામાં આજ સુધી તે જીવી રહી હતી. સાત મહિના પહેલાં ચિરાગ સરે એને ચેતવી હતી પણ એણે તો ચિરાગ સર નું જ ઇન્સલ્ટ કરી દીધું હતું.

સૌથી પહેલા તો અર્જન્ટ એબોર્શન કરાવી લેવું પડશે. ડોક્ટર જીગ્નેશ ભલે આશિષનો મિત્ર હોય પણ સુરેન્દ્રનગર બહુ મોટું કહી શકાય એવું શહેર નહોતું. વાત બહાર પડ્યા વગર રહે જ નહિ. કાં તો અમદાવાદ અને કાં તો રાજકોટ જઈને જ આ કામ કરવું પડે. પણ તો પછી સાથે કોને લઈ જાઉં !

એણે આ બાબતમાં રાત્રે બહુ વિચાર કર્યો પણ છેવટે ચિરાગ સર ઉપર એનું મન સ્થિર થયું. હા, ચિરાગ સર એકદમ ગંભીર માણસ છે અને આ બાબતને એ સંભાળી શકે એમ છે. સવારે ચિરાગ સર ને મળવાનું નક્કી કર્યું.

ચિરાગના ઘરે જવામાં તુલસીના પગ ઉપડતા નહોતા કારણકે આશિષ નો પક્ષ લઇને એણે ચિરાગ સર ને બોલતા જ બંધ કરી દીધા હતા. તે દિવસ બિચારા મારા ઉપરની લાગણીના કારણે મને સલાહ આપતા હતા પણ મેં એમનું મોં તોડી લીધું હતું.

બેલ દબાવતા ચિરાગે દરવાજો ખોલ્યો. સવાર સવારમાં આઠ વાગે તુલસીએ ઘરમાં પ્રવેશ કર્યો. સામે સોફા ઉપર બેઠી. ચહેરો ચીમળાયેલો હતો. આંખો પણ સૂઝેલી હતી.

" કંઈ કામ હતું તુલસી ? આમ સવાર સવારમાં આટલી બધી નર્વસ કેમ છે ? કંઈ તકલીફ છે ?"

પણ જવાબ આપવાને બદલે તુલસી રડી પડી. ચિરાગ ને કઈ સમજણ ના પડી. એણે નેપકીન આપ્યો અને પાણીનો ગ્લાસ લઈ આવ્યો.

" તુલસી પ્લીઝ... જે કઈ મૂંઝવણ હોય.... તું મારી સાથે શેર કરી શકે છે. "

" સર મારે એબોર્શન કરાવવું છે..... મને તમે અમદાવાદ કે રાજકોટ લઇ જાવ. અહીં સુરેન્દ્રનગરમાં વાત જાહેર થઈ જશે. કોઈને શંકા જાય તે પહેલા અરજન્ટ મારે આ કામ પતાવી દેવું છે. "

ચિરાગ બધું સમજી ગયો એણે એક પણ સવાલ ના પૂછ્યો.

" હું અમદાવાદમાં એક ડોક્ટર ને ઓળખું છું. રાજકોટ મારા માટે અજાણ્યું છે. મને બે દિવસનો ટાઈમ આપ. પણ તું મારી સાથે આવશે કઈ રીતે ? ઘરે શું કહીશ ? "

" કોલેજનું કોઈ ફોર્મ ભરવા અમદાવાદ જવું પડે એમ છે. અને ચિરાગ સર જવાના છે તો એમની સાથે જ જઈ આવું એમ કહીશ " તુલસીએ થોડી વાર વિચારીને કહ્યું.

" હા...એ બરાબર રહેશે "

બેંકમાં જઇ ચિરાગે અમદાવાદ તેના જાણીતા ગાયનીક સર્જન ડોક્ટર અતુલ સાથે વાત કરી લીધી અને બુધવારે જવાનું નક્કી પણ કર્યું. એણે ઘરે આવીને તુલસી ને બુધવારે સવારે તૈયાર રહેવાનું જણાવી દીધું.

જો કે બુધવારે સવારે ચિરાગે ટેક્સી જ કરી લીધી. રસ્તામાં તુલસીએ ચિરાગને તમામ પેટછૂટી વાત કરી દીધી અને ફાર્મ હાઉસમાં આશિષે એને જે કહ્યું અને એની સાથે જે વ્યવહાર થયો એ પણ કહી દીધું.

લગભગ અગિયાર વાગે એ લોકો ડોક્ટર અતુલ ના નર્સિંગ હોમમાં પહોંચી ગયા. ફોન ઉપર બધી વાત થયેલી હતી. દોઢેક કલાકમાં તો બધું કામ પતી ગયું. એબોર્શન પછી થોડા આરામની જરૂર હતી એટલે ચિરાગ એને એક સારી હોટલમાં લઈ ગયો.

" હું જમવાનું મંગાવું છું. જમવાનું આવે ત્યાં સુધી તું આરામ કર. તારે આરામની ખૂબ જ જરૂર છે એટલે જમીને ત્રણ ચાર કલાક તું શાંતિથી સુઈ જા. તું ફ્રેશ થઈ જાય પછી જ આપણે નીકળીશું. "

તુલસી ચિરાગ ની વાતો થી ખુબ જ અભિભૂત થઈ ગઈ..... મારી કેટલી કાળજી રાખે છે ? માણસ માણસ માં કેટલો ફરક હોય છે ? ક્યાં આ લાગણીશીલ અને જવાબદાર ચિરાગ સર અને ક્યાં પેલો નફ્ફટ આશિષ !!! આશિષને ખાતર મેં આ માણસનું અપમાન કરી દીધું. બિચારા મને સલાહ આપવા ગયા તો મેં એમનું મોં તોડી લીધું. - 'મારી પર્સનલ લાઇફમાં ઇન્ટરફિયર ના કરો'

અડધા કલાકમાં જમવાનું આવી ગયું. પંજાબી ડિશ હતી. જમીને તુલસી ફરી બેડ પર સુઈ ગઈ. ચિરાગ સોફા ઉપર જ બેસી રહ્યો.

" આ ડબલ બેડ છે સાહેબ... તમે બેડ ઉપર આવી જાવ. ઘણી જગ્યા છે. આટલો બધો સંકોચ ના રાખો"

ચિરાગ બેડ ઉપર એક સાઈડમાં સુઈ ગયો. એસી રૂમ હતો એટલે ક્યારે ઊંઘ આવી ગઈ એ ખબર પણ ના પડી.

ઊંઘમાં એને લાગ્યું કે કોઈ એના માથા ઉપર હાથ ફેરવતું હતું. અચાનક આંખ ખુલી ગઈ. તેણે જોયું કે તુલસી એના ઉપર ઝળુંબી રહી હતી અમે માથા ઉપર પ્રેમ થી હાથ પસવારતી હતી.

" ઉઠવું નથી ? સાંજના છ વાગી ગયા સાહેબ"

" અરે તું જાગી ગઈ ? " કહેતાં ચિરાગ સફાળો બેઠો થઈ ગયો.

" હા જાગી ગઈ આજે.... તમે તો મને જગાડવાની સાત મહિના પહેલા કોશિશ કરેલી પણ ત્યારે હું ઘોર નિદ્રામાં હતી. હવે આજે હું જાગી ગઈ છું ત્યારે પતિતા બની ચૂકી છું. ચૂંથાઈ ચૂકી છું. તમારા પ્રેમની ભીખ પણ કઈ રીતે માંગી શકું? " કહેતા કહેતા તો તુલસીની આંખો ભીની થઈ ગઈ.

" હા ચિરાગ સર... મને કહેવા દો. હું માણસ ઓળખી શકી નથી. નાદાન ઉંમરમાં મેં બહુ જ મોટી ભૂલ કરી દીધી છે. તમે આ બે દિવસમાં મને જે સાથ સહકાર આપ્યો છે અને જે કાળજી લીધી છે એ જોઈને હું ખરેખર તમારા પ્રેમમાં પડી ગઈ છું. "

" તમને બહુ જ વહાલ કરવાનું મન થાય છે. આખી જિંદગી તમારી બનીને જીવવા ના કોડ જાગ્યા છે પણ ઘણું મોડું થઈ ગયું છે. એ અધિકાર પણ મેં ગુમાવી દીધો છે એ હું જાણું છું સર "

" હું અલગ માટીનો માનવી છું તુલસી. મેં તારા તરફની મારી લાગણીના કારણે જ તને આશિષ સાથે આગળ વધવાની ના પાડી હતી. હું તને મનોમન ચાહવા લાગ્યો હતો. દિલના કોઇ ખૂણે તું મને ગમી હતી અને દિલની વાત તારા સુધી પહોંચાડવાની ઈચ્છા પણ હતી પણ તને એક બે વાર કોઈની સાથે ગાડીમાં જોઈ એટલે હું આગળ ના વધ્યો."

" પણ તે દિવસે તને ડાઇનિંગ હોલ માં આશિષ સાથે જોઈ, આશિષ ની સિગરેટના બે કશ પણ તે લીધા અને તમારી વચ્ચે થતી બેફામ વાતો પણ સાંભળી પછી મેં નક્કી કરી લીધું કે મારે આવા સંસ્કાર વાળી છોકરી જોઇતી જ નથી. તારામાં મે એક ઉદ્દંડ સ્વચ્છંદી છોકરી જોઈ જેનું કોઈ ચારિત્ર્ય ના હોય, જે ક્યારેક દારૂ સિગરેટ પણ પી લેતી હોય !! "

વાત પૂરી થયા પછી ચિરાગે જોયું તો તુલસી રડી રહી હતી. ચિરાગે એને રડવા દીધી. એ કદાચ પસ્તાવાના આંસુ હતા.

" મને માફ નહીં કરો ? હું તમારે લાયક હવે રહી નથી એ હું જાણું છું પણ મારા દિલ પર મારો કાબૂ નથી. તમે પહેલાં જે તુલસી જોઈ એ સંપૂર્ણ બદલાઈ ગઈ છે ચિરાગ સર ! આશિષની સોબતમાં હું બગડી ગઈ હતી પણ હવે હું તમને ફરિયાદનો કોઈ મોકો નહી આપું . મારી આંખો ઉઘડી ગઇ છે. પ્લીઝ મને માફ કરો "

" માફી માગવાની જરૂર નથી તુલસી.... તારો સાચા હૃદયનો પશ્ચાતાપ હું જોઈ શકું છું. મારે મન તો તું આજે પણ વર્જિન જ છે. તારી સાથે લગ્ન કરવા હું તૈયાર છું તુલસી !!"

" ઓહ... ચિરાગ તમને મેળવીને આજે હું કેટલી ખુશ છું એ હું તમને કહી શકતી નથી. મારો હવે એક નવો અવતાર તમને જોવા મળશે " કહી તુલસી ચિરાગ ને વળગી પડી.

અશ્વિન રાવલ (અમદાવાદ)