દેવ પુરુષ Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

દેવ પુરુષ

" અરે શાનુ બેટા.... એ લોકોને જરા ફોન તો કર કે કેટલે પહોંચ્યા ? પાંચ વાગ્યાનો ટાઇમ આપેલો સવા પાંચ વાગ્યા. " દિવ્યકાંત ભાઈએ અધીરાઈથી પોતાના પૌત્રને આદેશ આપ્યો.

" જી દાદુ " શાનુ એ દાદા ને કહ્યુ અને મોબાઈલ હાથમાં લીધો.

" રહેવા દે શાનુ... આવતા જ હશે ! દૂરથી આવતા હોય તો પાંચ દસ મિનિટ આમ તેમ થાય " ગૌરાંગ બોલ્યો.

" એ લોકો ચાર જણ આવે છે. મહેમાનો માટે તમે લોકો નાસ્તાની પ્લેટો તૈયાર કરો. અને ચા ની પણ તૈયારી રાખજો. કારણ કે બધાને કોલ્ડ્રિંક્સ ના ફાવે. " દિવ્યકાંતભાઈ એ હવે પોતાની પુત્રવધુ શાલિની ને કહ્યું.

" હવે તમે શાંતિ રાખો ને ભૈશાબ !! બહુ રઘવાયા તમે તો !! ઘરમાં આટલા બધા છે તે કરશે !!" મંદાબહેને પતિને ચૂપ કર્યા.

ગૌરાંગભાઈ ની ત્રેવીસ વર્ષ ની પુત્રી અનાર ને જોવા આજે એક મુરતિયો આવવાનો હતો. ઘર અને કુટુંબ પૈસે ટકે સુખી હતું અને છોકરો ડોક્ટર હતો. એ લોકો અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા હતા.

ગૌરાંગભાઈ ની પત્ની શાલિની ને પિયર પક્ષમાં બહોળું કુટુંબ હતું. એટલે એના જ કોઈ દૂરના સંબંધમાંથી પંદર દિવસ પહેલા આ વાત આવી હતી.

છોકરો-છોકરી એકબીજાને જોઈ લે અને પસંદ કરી લે તો અત્યારે વેવિશાળ નક્કી કરી દેવું અન છ મહિના પછી નવેમ્બર ડિસેમ્બર માં લગન રાખવાં એવું બધાએ વિચાર્યું હતું. બંનેને કુંડળી પણ સારી મળતી હતી.

મોક્ષાર્થ ભલે એક ડોક્ટર હતો પણ એક સંસ્કારી છોકરો હતો. મા-બાપ અને બહેન ની પસંદગી શ્રેષ્ઠ જ હશે એ એને ખાત્રી હતી. અને અનાર ખૂબ રૂપાળી છે એ તો એણે પપ્પા ના મોબાઈલ માં આવેલા ફોટામાં જોઈ જ લીધી હતી.

" અરે ગૌરાંગ... તું સોસાયટી ના ગેટ સુધી તો જા.. એ લોકો પહેલી વાર આવે છે. ગાડી પાર્ક કરાવીને તું એમને ઉપર લઇ આવ."

ચૂપ રહેવાનું દિવ્યકાંત ભાઈને ફાવતું જ નહોતું. એ ખૂબ જ વ્યવહાર કુશળ હતા અને નાની નાની બાબતોનું એ ધ્યાન રાખતા. સારા માઠા પ્રસંગોમાં લોકો એમની સલાહ લેતા. પાલડી ના સમગ્ર નારાયણ નગર વિસ્તારમાં લોકો એમને ઓળખતા.

લગભગ સાડા પાંચ વાગ્યે મહેમાનો આવી ગયા. ગૌરાંગભાઈ એમને પાંચમાં માળના પોતાના ફ્લેટમાં લઇ આવ્યા.

બધાએ ઉભા થઇ મહેમાનોનું સ્વાગત કર્યું અને સોફામાં બેઠક લેવાની વિનંતી કરી.

" અમે તો અડધા કલાકથી તમારી રાહ જોતા હતા. " દિવ્યકાન્તભાઈ બોલ્યા.

" હા વડીલ... પણ અમદાવાદનો ટ્રાફિક તો તમે જાણો છો ને ? અને એમાં પણ એસ.જી.હાઈવે !! " મોક્ષાર્થે જ જવાબ આપ્યો.

મહેમાનોમાં મોક્ષાર્થ, એનાં મમ્મી પપ્પા અને નાની બહેન ગાર્ગી હતાં.

થોડીવાર આડીઅવળી વાતો ચાલી. ત્યાર પછી નાસ્તાની પ્લેટો આવી. ગરમીમાં ચા પીવાની કોઈની ઈચ્છા નહોતી એટલે છેલ્લે કોલ્ડ્રિંક્સ ના ગ્લાસ લઈને અનાર પોતે આવી.

અનાર એટલી બધી સુંદર લાગતી હતી કે પહેલી જ નજરે બધાને ગમી ગઈ. મોક્ષાર્થ ની બહેન ગાર્ગી ને તો અનાર રૂબરૂમાં એટલી બધી વહાલી લાગી કે ના પૂછો વાત !

દસેક મિનિટ પછી ગૌરાંગભાઈ એ મોક્ષાર્થ ને કહ્યું.

" મોક્ષાર્થ કુમાર તમારે અનાર સાથે કંઈ પણ અંગત વાત કરવી હોય તમે બંને જણા અંદર બેડરૂમ માં બેસો. અમારે તો વાતો ચાલતી રહેશે"

અનાર ઊભી થઈ ને બેડરૂમ માં ગઈ. મોક્ષાર્થ પણ પાછળ પાછળ ગયો.

" બેડરૂમ ખરેખર સરસ છે. ઇન્ટિરિયર પણ સરસ કરેલું છે. તમે ઇન્ટિરિયર ડિઝાઇનર છો ને ? તમારા બાયોડેટામાં વાંચેલું. આ તમારું જ વિઝન લાગે છે " મોક્ષાર્થે બેડની સામે ગોઠવેલા નાનકડા સોફા ઉપર બેસતા જ કહ્યું.

" જી " અનાર બોલી અને એણે બેડ ઉપર બેઠક લીધી.

થોડીવાર મૌન છવાયું. મોક્ષાર્થે નોંધ લીધી કે અનાર આજે થોડી ગંભીર છે. લગ્ન માટે ઉત્સુક કન્યાના ચહેરા ઉપર પ્રથમ મિલન વખતે જે શરમ સંકોચ અને છૂપો રોમાંચ હોવો જોઈએ તે એનામાં નથી.

" તમે આ લગ્નથી ખુશ નથી ? યુ કેન બી ફ્રેન્ક વિથ મી. મનમાં જે હોય તે મને કહી શકો છો." મોક્ષાર્થે વિવેકથી કહ્યું.

" લગ્નથી ખુશ નથી એમ તો હું ના કહી શકું. પણ થોડા ટેન્શનમાં જરૂર છું. તમારો મને બિલકુલ પરિચય નથી એટલે થોડી કન્ફ્યુઝન માં છું " અનારે જવાબ આપ્યો.

" જુઓ તમે મારો આંખ બંધ કરીને ભરોસો કરી શકો છો. તમારા મનમાં કંઈ પણ હોય દિલ ખોલીને વાત કરી શકો છો. કોઈ અંગત પ્રોબ્લેમ હોય તો મારી સાથે શેર કરી શકો છો."

" ઓકે.... મને સમજવા માટે થેન્ક્સ.... તમે મને થોડો સપોર્ટ આપી શકો ? "

"આઈ પ્રોમિસ. તમે દિલ ખોલીને વાત કરો. "

" હું કોઈની સાથે રિલેશનશિપમાં છું. હું એને દિલથી પ્રેમ કરું છું. હું એને દગો દેવા નથી માગતી. ઘરમાં કોઈ જાણતું નથી. મારા દાદા નો સ્વભાવ ખૂબ જ ગરમ છે. હું લગ્ન માટે તમને ના નહીં પાડી શકું. તમે જો કંઈક મદદ કરો તો જ રસ્તો નીકળે. ચાર છ મહિનામાં હું અને કૈવલ લગ્ન નો પ્લાન કરી જ રહ્યા છીએ"

" ઓકે... રિલેક્સ ! તમે ખૂબ જ સુંદર છો અને સાચું કહું તો પહેલી જ નજરે મને ગમી ગયા છો. બટ... ઇટ્સ ઓકે !! હું બધું સંભાળી લઈશ પણ એક શરતે !!"

" હાં બોલો... મને મંજુર છે !! "

" તમે જેની સાથે રિલેશનશિપમાં છો એ કૈવલની સંપૂર્ણ માહિતી મને જોઈએ...... એનો ફોટો મને વોટ્સએપ કરો...... અને એ શું કરે છે, ક્યાં રહે છે વગેરે તમામ વિગતો... આઈ પ્રોમિસ..... તમારા લગ્નમાં હું સંપૂર્ણ સાથ-સહકાર આપીશ !! "

" ઓકે......તમારા વોટ્સએપ પર હું કૈવલ ની સંપૂર્ણ વિગતો અત્યારે જ મોકલી આપું છું.... પ્લીઝ અમારી રિલેશનશિપ બચાવી લો.... હું એના વગર જીવી શકું એમ નથી " કહેતા અનાર ની આંખો માં પાણી આવી ગયા. એણે કૈવલ નો ફોટો મોક્ષાર્થને ફોરવર્ડ કર્યો.

" કૈવલ ખરેખર ખૂબ જ નસીબદાર છે. મને એની ઇર્ષ્યા થાય છે અનાર ! ઓલ ધ બેસ્ટ !!"

મોક્ષાર્થે ફોટો જોઈ લીધો અને બેડરૂમમાંથી બહાર નીકળી ગયો. એ ડ્રોઈંગરૂમ માં આવી ને પોતાની જગ્યાએ બેઠો. અનાર પણ પાછળ પાછળ આવી અને એની મમ્મીની બાજુમાં બેઠી.

" હવે બોલો વરરાજા... અમારી લાડકી પસંદ આવી કે નહીં ? " દિવ્યકાંત ભાઈ બોલ્યા.

" વડીલ તમારી અનાર તો અનાર જ છે. એ જનમો જનમ મને જ મળે એવા આશીર્વાદ આપો "

આખા હોલમાં આનંદ નું મોજું છવાઈ ગયું. એકમાત્ર અનાર ને બાદ કરતા !! મોક્ષાર્થે મારી સાથે આવું શા માટે કર્યું ?

અને ત્યાં જ અનાર ના મોબાઈલ ઉપર મોક્ષાર્થ નો મેસેજ આવ્યો. ' જસ્ટ રિલેક્સ એન્ડ ટ્રસ્ટ મી '

" વડીલ મારે એક બાધા છે એટલે વેવિશાળ રિંગ સેરીમની બધું હવે ડિસેમ્બરમાં જ રાખજો. બાકી વહેવારની તમારે જે પણ વાતો કરવી હોય તે કરો. "

અને થોડી આડીઅવળી વાતો કરીને મહેમાનો વિદાય થયા. કોણ જાણે કેમ પણ હવે અનાર ને મોક્ષાર્થ ઉપર પુરેપુરો વિશ્વાસ બેસી ગયો હતો.

બે દિવસ પછી મોક્ષાર્થે પોતાના એક ખાસ મિત્ર બલવીરસિંઘ ને પોતાના ક્લિનિકમાં બોલાવ્યા. બલવીરસિંઘ ક્રાઈમ બ્રાંચમાં ઇન્સ્પેક્ટર હતા. બંન્ને સ્કૂલમાં સાથે જ ભણેલા.

" જુઓ બલવીર સિંઘ ..... આ કૈવલ મોદી નો ફોટો છે. એનો ફોટો, એનું ઘરનું એડ્રેસ અને ઓફીસ નું એડ્રેસ બધું જ તમને ફોરવર્ડ કરું છું..... આ કૈવલ ને હું સારી રીતે ઓળખું છું.... તમારે એને તમારી રીતે ફોલો કરવાનો છે અને કેટલાક પ્રુફ ભેગા કરવાના છે. ખાસ તો એના લાઇફમાં અનાર સિવાય બીજું કોણ કોણ છે એ મારે જાણવું છે."

" આ અનાર નો ફોટો છે એને બરાબર જોઈ લો. અનાર સાથે મારા લગ્નની વાત ચાલતી હતી પણ અનાર કોઈ કૈવલ ના પ્રેમ માં છે એ એણે અમારી પહેલી મીટીંગ માં જ કહ્યું. કૈવલ નામ સાંભળીને ત્યારે હું ચોંકી ગયો અને તરત જ એનો ફોટો અને એડ્રેસ અનાર પાસે માગ્યાં. હું જોવા માગતો હતો કે આ એ જ કૈવલ તો નથી ને ?

" પણ કૈવલ નો ફોટો જોઈને જ હું તો તરત ઓળખી ગયો હતો કે અનાર ફસાઈ ગઈ છે. પણ એ વખતે અનારને જો હું કહું કે કૈવલને છોડી દે તો એ મારી વાત નહીં માને અને અવળો અર્થ કરશે."

" એટલે જ્યારે કૈવલ અનારની સાથે હોય ત્યારે તમારે કંઈ જ કરવાનું નથી. પણ એ સિવાય બીજા કોઈની સાથે હોય ત્યારે એને ફોલો કરી બધા જ પ્રુફ ભેગા કરવાના છે. કૈવલ લફરાબાજ માણસ છે અને મારા એક મિત્રની સિસ્ટર ને એણે ફસાવી હતી. હું એને ઓળખું છું. અનાર નો પ્રેમ આંધળો છે. મારે એને બચાવી લેવી છે. "

" તમારે આ કામ માટે તમારા ડી સ્ટાફના એક બે મદદનીશ ને રાખવા હોય તો પણ મને વાંધો નથી. પૈસાની ચિંતા ના કરશો. કોઈની લાઈફ બચાવવી છે. "

" એ શું બોલ્યા ડૉક્ટર !! આપણા સંબંધમાં પૈસાની વાત આવતી જ નથી. તમારું કામ થઈ જશે. ભલે થોડો સમય લાગે. "

" જરા પણ ઉતાવળ નથી બલવીર સિંઘ. ટેક યોર ટાઈમ ! "

ત્રણેક મહિના નો ટાઈમ લાગ્યો પણ બલવીર સિંઘે કામ પાકું કર્યું. અનાર સિવાય કૈવલ ની લાઈફ માં બીજા બે પાત્રો હતાં. કોલેજમાં ભણતી એક છોકરી તો હમણાં છેલ્લા એક મહિના પહેલાં જ એના લાઇફમાં આવી હતી.

3 વીડિયો ક્લિપ્સ અને લગભગ 14 ફોટોગ્રાફ બાલવીર સિંઘે મોક્ષાર્થ ના મોબાઇલમાં ટ્રાન્સફર કર્યા. અમુક ફોટોગ્રાફ્સ રેસ્ટોરન્ટમાં જમતી વખતના હતા. અમુક ફોટોગ્રાફ્સ ક્યાંક ફરવા ગયા હોય તે સ્થળના હતા. પણ 3 ફોટોગ્રાફ્સ ખૂબ જ મહત્વના હતા. બલવીર સિંઘે કમાલ કરી હતી.

એક ફોટોગ્રાફ કૈવલ કોલેજીયન યુવતી સાથે જ્યારે હોટલમાં ગયો ત્યારે રિસેપ્શન કાઉન્ટર ઉપર રજીસ્ટર માં સહી કરતો હતો તે વખતનો હતો. બીજો ફોટોગ્રાફ એ બંને જણા રૂમમાં પ્રવેશ કરતા હતા ત્યાર નો હતો. અને ત્રીજો ફોટોગ્રાફ બંને જણા હોટલના રૂમમાં બેડ ઉપર બેઠેલા હતા તે સમયનો હતો. ક્રાઈમના ડી સ્ટાફે વેઇટર ના રૂપમાં રૂમની અંદર જઈ કોલ્ડ્રિંક્સ સર્વ કરતી વખતે સ્પાય કેમેરાથી આબાદ પાડી લીધો હતો.

એક વિડીયો માઉન્ટ આબુના નખી તળાવનો હતો જ્યાં કૈવલ કોઈ યુવતી સાથે બોટિંગ કરી રહ્યો હતો ! બસ આટલા પુરાવા પૂરતા હતા. ડોક્ટરે રણવીર સિંઘ નો આભાર માન્યો.

હવે આ બધાં પ્રમાણ અનાર સુધી કેવી રીતે પહોંચાડવા ? થોડું ધીરજથી કામ લેવું પડશે. પહેલા વિચાર્યું કે અનાર ના મોબાઈલ માં રાત્રે ટ્રાન્સફર કરી દઉં પણ એ થોડું જોખમી હતું. કદાચ આઘાતમાં અનાર ખોટું પગલું ભરી દે તો ? આ કામ રૂબરૂ માં જ કરવું પડશે.

અને એ મોકો મોક્ષાર્થ ને મળી ગયો. ગણેશ ચતુર્થીના પ્રસંગે અનાર ના ઘરે દર વર્ષની જેમ ગણેશજીની મૂર્તિ લાવ્યા હતા. પાંચ દિવસના આ ગણેશ મહોત્સવમાં મોક્ષાર્થ ના પરિવારને પણ આમંત્રણ હતું. એક દિવસ સાંજે સમય ફાળવીને મોક્ષાર્થ દર્શન માટે અનાર ના ઘરે પહોંચી ગયો.

દર્શન કર્યા પછી ગૌરાંગભાઈ અને શાલિનીબેન ની સંમતિ લઈને મોક્ષાર્થ અનારને ગાંધીનગર તરફ લોંગ ડ્રાઈવ ઉપર લઈ ગયો. ઇન્ફોસિટી પાસે એણે ગાડી સાઇડમાં લઈને ઉભી રાખી.
એ બાજુમાં બેઠેલી અનાર તરફ ફર્યો.

" તમે ખોટું ના લગાડતા પણ કૈવલ ને તમે કેટલા સમયથી ઓળખો છો ? "

" ત્રણેક વર્ષ તો થઈ ગયાં હશે. પણ અમારી રિલેશનશિપ બે વરસથી ગાઢ થઈ. કૈવલ મને ખૂબ જ પ્રેમ કરે છે . મારી નાનામાં નાની બાબતોની કાળજી રાખે છે. "

" તમારા બંનેના સંબંધો કેટલા આગળ વધેલા છે ? સોરી.... પણ મારો મતલબ ફિઝિકલ રિલેશન સુધી ? "

અનારને જો કે આ સવાલ ગમ્યો નહીં પણ મોક્ષાર્થના એના ઉપર ઘણા ઉપકાર હતા એટલે એણે જવાબ આપવામાં સંકોચ ના રાખ્યો.

" અમે એકબીજાના બની ચૂક્યાં છીએ. હવે લગ્ન ની ફોર્માલિટી જ બાકી છે એટલે આ બાબત તો સાવ ગૌણ છે. અમે બે-ત્રણ મહિને એકાદવાર હોટલમાં જઈએ છીએ. "

કોણ જાણે કેમ પણ અનાર નો આ જવાબ મોક્ષાર્થ ને ખૂબ અપસેટ કરી ગયો. અનાર વર્જિન નહોતી રહી એટલું જ નહીં અનેકવાર પેલા હરામી સાથે શારીરિક સંબંધ બાંધી ચૂકી હતી !!

મોક્ષાર્થે મોબાઈલમાં ફોટોઝ ઓપન કરીને મોબાઈલ અનારના હાથમાં મૂક્યો.

" આ તમામ ફોટા અને વિડિયો ક્લિપ શાંતિથી જુઓ. આ બધા તમારા કૈવલ ના છેલ્લા બે મહિનાના ફોટોગ્રાફ્સ છે. "

" પહેલી મીટીંગ વખતે તમે મને કૈવલ નો ફોટો ફોરવર્ડ કર્યો કે તરત જ હું એને ઓળખી ગયો હતો. હું તમને તે વખતે કંઈ પણ કહેત તો તમને એમ જ લાગત કે તમારી સાથે લગ્ન કરવા હું એના વિશે ખરાબ બોલી રહ્યો છું. એટલે મેં એ વખતે લગ્નની હા પાડી અને તમને પ્રૂફ બતાવવા માટે મારા ક્રાઈમ બ્રાન્ચના મારા ઇન્સ્પેક્ટર મિત્ર ને કામે લગાડ્યા. "

અનાર જોઈ જ રહી . અરે... આ તો એ જ હોટલ હતી જેમાં પોતે અનેકવાર ગયેલી !!!
અનાર ને માથે જાણે કે વીજળી પડી. ઘડીભર તો આંખે અંધારાં આવી ગયાં. એના પ્રેમનાં બારેય વહાણ ડૂબી જતાં લાગ્યાં. જેને પોતાનું સર્વસ્વ આપ્યું એણે બે વરસ સુધી આટલી બધી મૂરખ બનાવી ? પોતાની જિંદગી તો બરબાદ થઈ ગઈ ને !!

પોતાના મંગેતર સામે પોતે ઉઘાડી પડી ગઇ હતી !! બે વર્ષ માં અનેક વાર પેલા સાથે શરીરસુખ માણ્યું હતું અને મોક્ષાર્થ એ જાણી ચુક્યો હતો. એની સાથે મારા લગ્નની ઘરમાં તૈયારીઓ પણ ચાલતી હતી ! પોતે ભયંકર વાવાઝોડામાં ફસાઈ ગઈ હતી !! એણે ચૂપચાપ મોબાઈલ મોક્ષાર્થ ના હાથમાં આપ્યો.

" ડૉક્ટર.... હું લૂંટાઈ ગઈ....હવે તમે બીજું કોઈ પાત્ર શોધી લો..... અને આ લગ્નની સ્પષ્ટ ના પાડી દો...... હું તો તમને હવે મોં બતાવવા ને પણ લાયક નથી...... મેં તમને પણ ગુમાવી દીધા ! કિસ્મતે મારી સાથે ક્રૂર મજાક કરી છે !! " અને એ ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

હતાશામાં ડૂબેલી અનાર ને થોડી મૂડ માં લાવવા માટે મોક્ષાર્થે વાત શરૂ કરી.

" એક વાત કહું ? વર્ષો પહેલા મારી કુંડળી જોઈને એક જ્યોતિષીએ મને કહેલું કે તારી કુંડળીમાં ભારે મંગળ છે એટલે જો તું કોઈ ડિવોર્સી સાથે લગ્ન કરે તો તારું લગ્નજીવન ખૂબ જ સુખી થશે. મને આજે એની સલાહ યાદ આવી ગઈ. ખોટું ના લગાડતા પણ મારા માટે તમે હવે ડિવોર્સી જેવા જ છો. "

" યુવાનીની આ ઉંમરે એકાદ વાર ભૂલ થઈ જાય એ ચલાવી લેવાય પણ તમે એને પતિ માનીને લગ્ન પહેલા જ એની સાથે સંસાર સુખ બે વર્ષ સુધી ભોગવી લીધું. પુરુષ તો ભ્રમર હોય છે. સ્ત્રીએ જ લગ્ન પહેલા પોતાની મર્યાદામાં રહેવાનું હોય છે. તમે એ ભૂલી ગયાં."

"દરેક પતિ હંમેશા એની પત્નીને વર્જિન જોવા માંગે છે. મારા નસીબમાં એ સુખ નથી. પણ પહેલીવાર તમને જોયા ત્યારથી જ હું તમારા પ્રેમમાં પડી ગયો છું. નહીં તો એ જ વખતે હું તમારી સૂચના મુજબ લગ્નની ના જ પાડી દેત "

અનાર સાંભળી રહી. પહેલી જ મિટિંગ માં આવા દેવ પુરુષ સાથે મેં બહુ મોટો અન્યાય કર્યો હતો !! કેટલી સાચી વાત કહી એમણે ? મેં તમામ મર્યાદાઓ ઓળંગી દીધી. મારા દાદા જે ઘર અને પાત્ર શોધે એ ઉત્તમ જ હોય !! પણ મેં તેમને જાકારો આપ્યો.

" મારાથી બહુ જ ગંભીર ભૂલ થઈ ગઈ છે મોક્ષ !! હું કંચન અને કથીર વચ્ચે નો ભેદ ના ઓળખી શકી. એની મીઠી મીઠી વાતો માં હું ફસાઈ ગઈ હતી !! વીસ વર્ષની ઉંમરે એ મારા જીવનમાં આવ્યો. ઓગણીસ વીસ ની ઉંમર એક નાદાન ઉંમર હોય છે !! મન કોઈકને ઝંખતું હોય છે !! લાગણીના આવેશો વધારે હોય છે એ સમયે ! "

" અનાર... હવે એના વિચારમાંથી તમે બહાર આવી જાઓ !!..... તમને સત્ય સમજાઈ ગયું છે એટલે હવે હું તમને ફરીથી પ્રપોઝ કરું છું !! તમે મારી સાથે લગ્ન કરશો ?.... મારી સાચી અર્ધાંગિની બનશો ? "

" મોક્ષ હવે મને તમે રડાવો નહી... દુનિયાનો શ્રેષ્ઠ દેવ પુરુષ મને પ્રાપ્ત થયો છે !! પ્લીઝ હું જેવી છું તેવી... મારો સ્વીકાર કરો !!'

મોક્ષાર્થે ગાડી સ્ટાર્ટ કરી. અનાર ના પાલડીના ફ્લેટમાં જઈને મોક્ષાર્થે અનાર સાથે સજોડે ગણેશજીના દર્શન કર્યા. મોક્ષાર્થ ની સુચના મુજબ મોક્ષાર્થ અને અનાર દિવ્યકાંતભાઈ અને મંદા બહેનને સજોડે પગે લાગ્યાં.

" વડીલ મેં રાખેલી બાધા આજે પૂરી થઈ ગઈ છે. હવે તમે ગમે ત્યારે અમારી સગાઈ અને લગ્નનું મુહૂર્ત પણ કઢાવી શકો છો !! "

" અને અનાર .. આજે તમારા હાથની ચા પીવાની ઈચ્છા છે. બોલો.... ફરમાઈશ પૂરી થશે ?"

" અરે બેટા ચા જ શુ કામ ? જમીને જ જાઓ ને ? અનાર ના હાથની રસોઈ તો ચાખો !! " દિવ્યકાંત ભાઈ બોલ્યા.

એ દિવસે પોતાના દેવ પુરુષ જેવા ભાવિ પતિને જમાડવામાં અનારને જે આનંદ આવ્યો એનું વર્ણન થઈ શકે એમ નથી !!

અશ્વિન રાવલ (અમદાવાદ)