યોગ-વિયોગ - 65 Kajal Oza Vaidya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

યોગ-વિયોગ - 65

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

શ્રી ગણેશાય નમઃ

પ્રકરણ -૬૫

સૂર્યકાંતની ફ્લાઇટ ન્યૂયોર્ક છોડીને મુંબઈની દિશામાં ઊડી ત્યારે એમને સૌથી પહેલો વિચાર એ આવ્યો કે માણસ આખરે તો જન્મભૂમિ તરફ પાછો ફરતો હોય છે. કઈ શોધમાં ક્યાંથી શરૂ કરેલો પ્રવાસ ફરી ત્યાં જ પૂરો થઈ રહ્યો હતો... જે વસુંધરાને છોડીને નીકળ્યા હતા સૂર્યકાંત, પ્રેમની, કારર્કિદીની, સંપત્તિની અને કદાચ સ્વની ખોજમાં- એ જ સૂર્યકાંત બધું જ મેળવ્યા પછી ફરી એક વાર વસુંધરા તરફ પાછા ફરી રહ્યા હતા !

‘‘શું આ જ હશે પ્રવાસ ? જ્યાંથી નીકળો ત્યાં જ પાછા પહોંચવાનો? તો નીકળવાનું જ શું કામ ?’’ સૂર્યકાંતના ચહેરા પર સ્મિત આવી ગયું, ‘‘કેવું છે માણસનું મન ? જે શોધવા નીકળે એ બધું જ મળી ગયા પછી પણ જાણે કશું ખૂટ્યા કરે છે...’’ એમણે જાણે બંધ આંખે મનોમન જિંદગીનો એક હિસાબ માંડી જોયો. આમ જુઓ તો શું નહોતું મળ્યું ? હાર, નિષ્ફળતા, પ્રેમ, રોમાંચ, નિષ્ઠા, જુઠ્ઠાણું, છેતરપિંડી, લાગણીઓ, સત્ય, સ્વીકાર અને અસ્વીકાર... એક માણસ પોતાની નાનકડી જિંદગીમાં જોઈ શકે એનાથી ઘણું વધારે જીવન નાખ્યું હતું સૂર્યકાંતે...

વિચારવાનો પણ જાણે થાક લાગતો હતો ! પાછા ફરીને પોતાનો જ પ્રવાસ જોતા સૂર્યકાંતને જાણે એ પ્રવાસ થકવી નાખતો હતો !

‘‘બસ, હવે તો વસુની પાસે જઈને શાંતિથી રહેવું છે !’’ એમણે વિચાર્યું, ‘‘આમ જુઓ તો હવે કશુંયે ખૂટતું નથી. દીકરાઓની દુનિયા પોતાની રીતે ગોઠવાઈ ગઈ છે ને દીકરીઓના સંસાર સુખી છે... અમે બે નિરાંતે જીવી શકીએ એટલા પૈસા છે ને શ્રીજી વિલાનું ઘર... જિંદગીના કડવા-મીઠા અનુભવો છે અને સંસ્મરણોની વણઝાર... એક માણસને જીવવા માટે બીજું જોઈએ શું ?’’

એ જ્યારે ઘરેથી નીકળ્યા ત્યારે જાનકી, અજય, લક્ષ્મી અને નીરવ મધુભાઈની સાથે એમને એરપોર્ટ મૂકવા આવ્યા હતા. જે દિવસે ટિકિટ આવી તે દિવસથી સૂર્યકાંતના એકલા પ્રવાસ કરવા વિશે જાનકીને વાંધો હતો... એણે પોતાની રીતે બધાને કહી જોયું, પણ હજી તો હમણાં જ આવેલો અજય ઓફિસ છોડીને નીકળી શકે એમ નહોતો. જો મધુભાઈ એની સાથે જાય તો અહીંયા અજયને મદદમાં કોઈ ના મળે! નીરવે પોતાના તરફથી મૂકવા આવવાની તૈયારી તો બતાવી, પણ સૂર્યકાંત સમજતા હતા કે નીરવને લક્ષ્મી સાથે સમય ગાળવો હતો. એ બંનેને છૂટા પાડવા માગતા નહોતા એટલે બધી જ ચર્ચા-વિચારણા અને દલીલોના અંતે સૂર્યકાંતે એકલા જ જવાનું નક્કી કર્યું.

‘‘અહીંથી તમે બેસાડી દેશો... ને ત્યાં વસુ લેવા આવશે. પછી ક્યાં પ્રોબ્લેમ છે ?’’ એમણે જાનકીને વહાલથી સમજાવી હતી, ‘‘સાવ નાનાં છોકરાં પણ એકલાં જાય છે. એર હોસ્ટેસ ધ્યાન રાખે ને ?’’

‘‘પપ્પાજી, તમારી આવી તબિયતે...’’

‘‘હું વિમાનમાં નથી મરવાનો.’’ સૂર્યકાંત હસ્યા હતા અને જાનકીની આંખો ભરાઈ આવી હતી.

‘‘તમને કંઈ તકલીફ પડી તો તમારી પાસે કોણ ?’’

‘‘મને કાંઈ તકલીફ નથી પડવાની. હું ઘેર જાઉં છું અને મારી અંદરનો ઉત્સાહ જ એટલો છે કે મારી તબિયત નહીં બગડે બેટા.’’ એમણે જાનકીના માથે હાથ ફેરવ્યો હતો અને નાનકડું હેન્ડ લગેજ લઈને ડિપાર્ચર તરફ ધીમા ડગલાં માંડ્યાં હતાં.

ક્યાંય સુધી આંખો મીંચીને પડી રહેલા સૂર્યકાંત પાસેથી એર હોસ્ટેસ બે-ત્રણ વાર પસાર થઈ પછી એનાથી નહીં રહેવાયું કદાચ, એટલે એણે સૂર્યકાંતને પૂછી નાખ્યું, ‘‘આર યુ ઓલ રાઇટ સર ?’’

એને અપાયેલા બોર્ડિંગ કાર્ડમાં સૂર્યકાંતનું ધ્યાન રાખવાની ખાસ ઇન્સ્ટ્રક્શન લખાઈ હતી એટલે એણે થોડું ફરજના ભાગરૂપે અને થોડું ભારતીય હોવાના નાતે સૂર્યકાંતને પૂછી નાખ્યું. સૂર્યકાંતે હળવેથી આંખો ઉઘાડીને છોકરીની સામે જોયું, ‘‘ઓહ યેસ યેસ...’’

‘‘ડુ યુ કેર ફોર સમથિંગ ? જ્યૂસ, કોફી, હાર્ડ ડ્રીન્ક ?’’

વહાલસોયી લાગતી એ છોકરી ઝૂકીને પૂછી રહી હતી, ‘‘ના, હમણાં કંઈ નહીં.’’ સૂર્યકાંતે કહ્યું. એમને તો જાણે ઘેર પહોંચીને વસુના હાથની ગરમ ગરમ ચા પીવાની તલપ હતી.

‘‘આ શું થાય છે મને ?’’ સૂર્યકાંતે જાતને જ પૂછ્‌યું, ‘‘હું તો ક્યારેય આવો નહોતો. જે વસુની સામે મને આટલા બધા વિરોધ હતા એ જ વસુને મળવા માટે હું આટલો ઉતાવળો, આટલો બેબાકળો થઈ ગયો છું ? એનું કારણ શું હશે ?’’

એમના જ મને એમને જવાબ આપ્યો, ‘‘સૂર્યકાંત, ગઈ કાલ સુધીનો સૂર્યકાંત વસુંધરાને પોતાનાથી વધુ બુદ્ધિશાળી અને વધુ સાચી, વધુ નિષ્ઠાવાન સ્ત્રી તરીકે જોતો હતો એને માટે એ વખતે વસુંધરા એની પત્નીથી વિશેષ કશું જ નહોતી... અને પોતાની પત્ની પોતાનાથી વધુ બુદ્ધિશાળી હોય કે પોતાના જ માતા-પિતા એને વધારે માન આપે એ એક પતિ તરીકે, એક પુરુષ તરીકે તારે માટે સહ્ય નહોતું...’’ સૂર્યકાંતે એક ઊંડો નિઃશ્વાસ લીધો. એના મન સાથેની વાતચીત હજુ ચાલુ જ હતી, ‘‘આજે વસુંધરા તારા માટે એક વ્યક્તિ છે. એની શ્રેષ્ઠતા સ્વીકારવામાં હવે તને વાંધો નથી, કારણ કે આજે તેં તારી શ્રેષ્ઠતા પુરવાર કરી છે. ભલેને જુદા ક્ષેત્રમાં... પણ તેં કમાઈને દેખાડ્યું છે. પાછા ફરવાની હિંમત દાખવી છે. બીજું શું જોઈએ એક સ્ત્રીને એક પુરુષ પાસેથી ?’’

‘‘વસુંધરા સામાન્ય સ્ત્રી નથી.’’ સૂર્યકાંતે પોતાના જ મન સાથે વળતી દલીલ કરી, ‘‘કોઈ પણ સામાન્ય સ્ત્રીને જોઈએ કે એને સંતોષ થઈ જાય એવું કશું જ વસુંધરાને ન જોઈએ કે ન એનાથી એને સંતોષ થાય...’’ એમના ચહેરા પર ફરી એક વાર સ્મિત આવી ગયું. વસુ તો સાવ જુદી છે. કોણ જાણે કઈ માટીમાંથી ઘડી હશે ઈશ્વરે !’’ પછી એમને જ વિચાર આવ્યો, ‘‘ઈશ્વરે તો જેવી ઘડી હશે એવી... પણ આજની વસુ તો એણે પોતે જ ઘડી છે. દરેક વખતે આવતી મુશ્કેલીમાં તૂટીને ઊભી થતી, દરેક સવાલ સામે ખડકની જેમ ટટ્ટાર ઊભી રહેતી અને દરેક આંસુને પીને સહેજ વધુ ભીની થતી આજની વસુ ગઈ કાલની વસુંધરામાંથી ધીમે ધીમે ઘડાતી ગઈ છે...’’

સવારના સાડા છ વાગ્યે અંજલિએ વસુમાને કહ્યું કે સૂર્યકાંત આવે છે એ પળથી શરૂ કરીને આ ઘડી સુધી જાણે વસુમાને એક ક્ષણ પણ ચેન નહોતું પડ્યું. એમને પોતાને પણ નવાઈ લાગતી હતી, પોતાના આ ઉચાટ વિશે, આ ઉશ્કેરાટ વિશે.

‘‘મેં તો એવું ધારી જ લીધું હતું કે મારી જિંદગીમાં હવે આવી પળ ફરી નહીં આવે, પણ જાણે એ સત્તર વર્ષની વસુંધરા ફરી ધબકી રહી છે મારી અંદર ! જિંદગીના છ દાયકા પછી આ શું થાય છે મને ?’’ એ પોતાના ઓરડાના ડ્રેસિંગ ટેબલના આયનામાં જોઈ રહ્યાં હતાં. પોતાનો જ ચહેરો જાણે એમને કોઈ બીજાનો હોય એવું લાગતું હતું.

આ ઉંમરે પણ સુંદર તગતગતી ત્વચા, મોટી પાણીદાર આંખો, આંખો પર જાણે કમાન ખેંચી હોય એવી ભ્રકૂટિ અને બે ભ્રમરની બરાબર વચ્ચે લાલચટ્ટક રંગનો મોટો ચાંલ્લો...

નમણું નાક અને માપ લઈને ઘડ્યા હોય એવા સુંદર હોઠની જોડી. આ ઉંમરે પણ ભાગ્યે જ સફેદી દેખાય એવા લાંબા કાળા વાળનો આખા ખોબામાં માય એવો અંબોડો...

વસુમા જાતને જોઈ રહ્યાં.

‘‘શું ખૂટ્યું હશે સૂર્યકાંતને મારામાં - કે યશોધરા પાછળ આમ...’’ એમણે માથું હલાવીને વિચારોને ખંખેરી કાઢ્યા ને છતાંય એક વાર વિચાર આવી ગયો, ‘‘આખી જિંદગી નહીં ને આજે મને કેમ આવો વિચાર આવી ગયો ?’’ આટલાં વર્ષોમાં ક્યારેય એમને આવો વિચાર નહોતો આવ્યો, ‘‘આજે સૂર્યકાંત પાછા ફરી રહ્યા છે ત્યારે યશોધરાનો વિચાર કેમ આવે છે ?’’

વસુમાએ રોજેરોજ જાત સાથે કંઈ કેટલીયે વાતો કરી નાખી આ બે દિવસો દરમિયાન. દિવસમાં કેટકેટલાય ફોન - અહીંથી જતા ને ત્યાંથી આવતા. સૂર્યકાંતની તબિયતથી શરૂ કરીને અમેરિકાથી કંઈ જોઈતું હોય તો- સુધીના એકના એક સવાલો અને જવાબો કંઈકેટલીયે વાર પુછાઈ ગયા ને અપાઈ ગયા.

બાકી બધાએ તો સૂર્યકાંતની તબિયતની ચિંતા કરી હતી, પણ છોકરાંઓ લજ્જા અને આદિત્ય પાસે દાદાજી માટે મોટું લિસ્ટ હતું.

વૈભવીએ કેટલીયે ના પાડી છતાં લજ્જાએ મોટા અવાજે ચીસો પાડીને લખાવેલું લિસ્ટ, આદિત્યના જીન્સ, પરફ્યુમ્સ અને શૂઝની સાથે આઇપોડ... કોણ જાણે કંઈ કેટલુંયે બે જ દિવસમાં લક્ષ્મીએ દોડાદોડ કરીને ભેગું કર્યું હતું. કોઈનું કંઈ રહી ન જવું જોઈએ એવા વિચાર સાથે લક્ષ્મીએ ખૂબ શોપિંગ કર્યું હતું.

બધા માટે શું લેવું, કોને શું ગમશે એની લક્ષ્મીને ખબર હતી. સવાલ હતો તો એક વસુમાનો...

દોઢ દિવસ બગાડ્યા પછી છેલ્લે એણે જાનકીને પૂછ્‌યું, ‘‘મા માટે શું મોકલું ?’’

‘‘એમણે જે ઝંખ્યું હતું એ એમને મળી રહ્યું છે લક્ષ્મી !’’ જાનકીનો અવાજ ભાવવિભોર હતો. એણે પરણીને આવી તે દિવસથી વિયોગમાં ઝૂરતા વસુમાને જોયા હતા. એમણે ક્યારેય ખૂલીને કહ્યું નહોતું કે નહોતા ક્યારેય પોતાની પીડાને કોઈના સુધી પહોંચવા દેતા. ઉપરથી સાવ સામાન્ય દેખાતી આ સપાટીની નીચે કંઈ કેટલાય દાવાનળ સળગતા રહેતા હતા, એની જાનકીને ખબર હતી.

આજે સૂર્યકાંત મુંબઈ જઈ રહ્યા હતા ત્યારે વસુમાને શું મળવાનું હતું એની જાનકીને સમજ પણ હતી અને આનંદ પણ હતો.

‘‘હેં ભાભી, કોઈ આવી રીતે છોડી જાય એ પછી પણ એવું શું હોય છે, જેનાથી તમે છૂટી નથી શકતા ?’’ લક્ષ્મીએ જાનકીને પૂછ્‌યું હતું.

‘‘નિષ્ઠા હોય છે તમારી ! અથવા પ્રેમ...’’ જાનકીએ શૂન્યમાં જોઈને જવાબ આપ્યો હતો, ‘‘કશુંક એવું, જે માત્ર તમે તમારી અંદર અનુભવી શકો. કદાચ એનું નામ નથી હોતું. માત્ર એક અનુભવ, એક અહેસાસ હોય છે.’’

‘‘અને એ આટલાં વર્ષો ટકી શકે ? ટકતો હશે ?’’

‘‘દરેક માટે નયે ટકે ! એનો આધાર તમારી અંદરની મજબૂતી પર છે.’’ જાનકીએ લક્ષ્મીની આંખોમાં જોયું, ‘‘તને કેવી રીતે વિશ્વાસ હતો કે નીરવ તારા વિના નહીં જીવી શકે ? મને કેવી રીતે વિશ્વાસ છે કે હું અમેરિકા ના આવી હોત તો અજય ના આવ્યા હોત ?’’

‘‘ભાભી, ક્યારેક બહુ નવાઈ લાગે છે. કેટલાંય વર્ષો સાવ જુદા વાતાવરણમાં રહેલા, તદ્દન જુદા વાતાવરણમાં ઊછરેલા, જુદું જ માનતા, જુદું જ વિચારતા બે લોકો અચાનક મળી જાય અને જીવનભર સાથે જીવવાનું નક્કી કરી લે ! ને જીવીયે શકે...’’

‘‘એથીયે વધુ નવાઈ એ વાતની લાગે છે લક્ષ્મીબેન, કે બેમાંથી એક ન પણ હોય તો હાથ છૂટી જાય છે, પણ સાથ નથી છૂટતો.’’

‘‘અમેઝિંગ ! વસુમા વિશે હું જ્યારે વિચારું છું ને ત્યારે લાગે છે કે આ ધરતીની વ્યક્તિ જ નથી.’’

‘‘અથવા ખુદ ધરતી છે, કદાચ.’’ જાનકીની આંખો જાણે શ્રદ્ધાથી છલકાઈ ગઈ ! એક સ્ત્રીની એક સ્ત્રી પરત્વેની શ્રદ્ધા... એક સત્યની એક સંબંધ પરત્વેની શ્રદ્ધા... એક નવી પેઢીની એક વીતી ગયેલી પેઢી પરત્વેની શ્રદ્ધા !

લક્ષ્મી જાનકીની સામે જોઈ રહી. અમેરિકામાં જન્મેલી અને રહેતી આ છોકરીને કદાચ બહુ ખબર નહીં હોય તો પણ સાસુ-વહુના સંબંધો વિશે આછી-પાતળી સમજ તો હતી જ, જાનકીની આંખોમાં જોઈને એને એક વાત સમજાઈ ગઈ - સંબંધ વ્યક્તિ જાતે વાવે છે, જાતે જ ઊછેરે છે અને એનો પાક પણ એણે જાતે જ લણવાનો હોય છે. જાનકીની આંખોમાં દેખાતી આ શ્રદ્ધા વસુમાએ વાવી હશે એમાં કોઈ શંકા નહોતી.

સવારના ચાલવા નીકળેલાં વસુમા ઘરે પાછાં ફર્યાં ત્યારે અલય ડાઇનિંગ ટેબલ પર બેસીને કાર્ડ પર નામ લખી રહ્યો હતો.જુદા જુદા કાર્ડની જુદી જુદી થોકડીઓ પડી હતી. ‘મેટ્રો’ના આવતી કાલના પ્રીમિયરની આ તૈયારી હતી. બીજી તરફ થોડાં લખેલાં કાર્ડની નાની થપ્પી હતી.

બગીચામાં કામ કરવાને બદલે વસુમા એની પાસે ડાઇનિંગ ટેબલ પર બેસી ગયાં. અલયે ઊંચું જોયું. ઉજાગરાને કારણે એની આંખોમાં સહેજ લાલાશ આવી ગઈ હતી. ફિલ્મ સેન્સર થયા પછીની દોડભાગમાં શેવ કરવાનો સમય નહોતો મળ્યો એટલે એકાદ દિવસની વધેલી દાઢી સાથે એ ગજબનાક હેન્ડસમ દેખાતો હતો.

વસુમાએ એની સામે જોઈ રહ્યાં. વસુમાની નમણાશ અને સૂર્યકાંતની ઊંચાઈ અને શરીર સૌષ્ઠવ બંને મેળવ્યાં હતાં અલયે. એના પહોળા ખભા અને પહોળી છાતી સાથે પાતળી કમર સૂર્યકાંતના શરીર સૌષ્ઠવની દેન હતી.

વસુમાને વિચાર આવ્યો, ‘‘આ ઉંમરે પણ ક્યાંય ચરબી નથી એમના શરીરમાં...’’ અને સાથે ચહેરા પર સ્મિત પણ આવી ગયું, ‘‘બાપ-દીકરા બેયની ચરબી ભગવાને મગજમાં ભરી આપી છે !’’ એમનાથી અનાયાસે હાથ લંબાવીને અલયને વહાલ થઈ ગયું.

‘‘લે મા, આ પહેલું કાર્ડ... મારા પ્રીમિયરનું તારા માટે.’’

વસુમાએ કાર્ડ લીધું, ખોલ્યું.

‘‘કેમ એક જ સીટ ?’’ વસુમાએ રેડ લાઉન્જમાં સીટનો એક જ નંબર વાંચીને અલયને પૂછ્‌યું.

‘‘મા, આ રેડ લાઉન્જનું કાર્ડ છે ! વીવીઆઇપી ! તું કોઈને સાથે લઈને આવવાની છે ?’’ અલયે માને આંખ મારી, ‘‘બોયફ્રેન્ડ છે તારો?’’

‘‘હાસ્તો !’’ વસુમા હસ્યાં.

‘‘મા !’’ અલયના અવાજમાં નવાઈ હતી અને થોડો આઘાત પણ. આજ સુધી જ્યારે પણ અલય એમની મજાક કરતા આવી કોઈ વાત કરતો ત્યારે વસુમા એને કહેતાં, ‘‘હવે આ ઉંમરે શું બોયફ્રેન્ડ ? મારો તો એક જ બોયફ્રેન્ડ છે - જે મારા રૂમમાં જ રહે છે ને રોમરોમમાં પણ... મારો કાનો !’’

પરંતુ આજે વસુમાએ જે રીતે જવાબ આપ્યો એનાથી અલય જરા નવાઈ પામ્યો, ‘‘કોણ છે ? મને તો કહે.’’

‘‘કહીશ...’’ વસુમા હસ્યાં, ‘‘તારા પ્રીમિયર પર લઈને આવીશ. હિંમતથી.’’ પછી એમણે ઉમેર્યું, ‘‘એક બીજી સીટ જોઈશે મારી બાજુમાં.’’

‘‘શ્યોર.’’ અલયે પોતાની સામે પડેલા થિયેટરના પ્લાનમાં વસુમાની બાજુની સીટમાં ચોકડી મારીને એમના જ કાડર્ ઉપર બીજો નંબર લખી આપ્યો, ‘‘બસ ?’’

‘‘હમ...’’ વસુમાએ હસતાં હસતાં કાર્ડ લઈ લીધું.

ભૂખ-તરસ ભૂલીને ગાંડાની જેમ દોડતા અલયને ઘરમાંથી કોઈએ કહ્યું નહોતું કે સૂર્યકાંત આવી રહ્યા હતા અને વસુમાએ પણ એને કહેવાનું ટાળીને એને સરપ્રાઇઝ આપવાનું નક્કી કર્યું હતું.

પરમ દિવસે બપોરે અનુપમાને ત્યાં જે થયું એ પછી શ્રેયાએ પણ હમણાં અલયને ન સતાવવાની ગાંઠ વાળી હતી. લગ્ન સહિતની બધી જ વાતો હવે રિલીઝ પછી જ થશે એવું એણે અલયને સ્પષ્ટ કહી દીધું હતું.

અને અલય પણ નિશ્ચિંત થઈને સોએ સો ટકા પોતાની ફિલ્મની રિલીઝમાં પરોવાઈ ગયો હતો. આવતી કાલે સાંજનું પ્રીમિયર હતું. ઘરના તમામ લોકોનાં કાર્ડ લખીને એણે વસુમાને આપી દીધાં, ‘‘હું હવે ક્યાં હોઈશ અને શું કરતો હોઈશ એની મને જ નથી ખબર. તમે સૌ તમારી રીતે પહોંચી જજો.’’

‘‘ઘેર તો આવીશને તૈયાર થવા ?’’

‘‘કોને ખબર ? મારાં કપડાં શ્રેયા લઈને આવવાની છે થિયેટર પર...’’ પછી એ ઊભો થયો અને અચાનક વસુમાના ખોળામાં બેસી ગયો. બે બાજુ બે પગ મૂકીને વસુમાના ખોળામાં બેઠેલા અલયે બે હાથ વસુમાના ખભે ટેકવ્યા, ‘‘મા.’’ એણે વસુમાની આંખોમાં જોયું. કોણ જાણે એની આંખોમાં શું હતું, જે વસુમાની ઊંડે, છેક અંદર પેસી ગયું, ‘‘મા, કોઈ આવે કે નહીં... તું મને ત્યાં જોઈએ છે.’’ એનો અવાજ થરથરી ગયો. સામાન્ય રીતે સાવ કોરી રહેતી અલયની આંખોમાં હલકી ભીનાશ તરવરી ઊઠી.

‘‘આખું થિયેટર ખાલી હશે તો ચાલશે, પણ જ્યારે અલય વસુંધરા મહેતાનું ટાઇટલ સ્ક્રિન પર દેખાય ત્યારે મારે તારી આંખોમાં જોવું છે.’’

‘‘તેં હજી એ જ નામ રાખ્યું છે ?’’ વસુમાનો અવાજ પ્રમાણમાં સ્વાભાવિક હતો.

‘‘હજી એટલે શું ? મારું નામ જ એ છે- અલય વસુંધરા મહેતા.’’ અલય હસ્યો અને એણે ઝૂકીને વસુમાના ગાલ પર ચૂમી કરી. પછી વસુમાના નાક સાથે પોતાનું નાક ઘસ્યું, ‘‘તારે મને ડિઝઓન કરવો છે? છાપામાં જાહેરખબર આપવી છે ? અલય નામના માણસ સાથે મારે કોઈ લેવા-દેવા નથી...’’

‘‘હું ઇચ્છું તોય એ લેવા-દેવા તૂટે એવી છે બેટા ? મારું લોહી છે તારી રગોમાં !’’ હવે વસુમાનો અવાજ સહેજ ધ્રૂજ્યો, ‘‘મારા સૌથી વધુ પીડાદાયક દિવસોમાં તું મારા હૃદયની સૌથી નજીક રહ્યો છે. મારા ધબકારાની ધ્રૂજારી ઝીલી છે તેં મારા શરીરની અંદર રહીને એ દિવસોમાં...’’ એમણે એક ઊંડો શ્વાસ લીધો અને બે હાથે અલયનો ચહેરો પકડ્યો, ‘‘મારા દીકરા, એમ કહેવાય છે કે જે બે જણાએ સાથે સુખ માણ્યું હોયને એ કદાચ ભૂલી જાય, પણ જેણે દુઃખ વહેંચ્યું હોયને એ બે જણા એકબીજાને ભૂલી નથી શકતા...’’

‘‘મોમ !’’ અલયે પોતાના ગાલ પર મુકાયેલો વસુમાનો હાથ પકડીને ચૂમી લીધો, ‘‘તું ભૂલી કેમ નથી જતી એ દિવસો ? હવે તો બાપુ પાછા આવી ગયા...’’

‘‘તું કેમ તારું નામ નથી બદલતો ?’’ વસુમાએ એની આંખોમાં જોયું અને એમના ખોળામાં બેઠેલો અલય સાવ નજીક જઈને નાના બાળકની જેમ એમને ભેટી પડ્યો.

મા-દીકરો ક્યાંય સુધી એમ જ બેઠા રહ્યાં. વસુમાનો હાથ ધીમે ધીમે અલયની પીઠ પર ફરતો રહ્યો, ત્યાં સુધી- જ્યાં સુધી ઉપરથી નીચે ઊતરતા અભયે જોરથી બૂમ મારીને અલયને કહ્યું, ‘‘ઊઠ... મારી માનું હાડકું ભાંગીશ... સીત્તેર કિલોનો મોટો હિપોપોટેમસ થઈને મારી માના ખોળામાં બેસતા શરમાતો નથી ?’’

‘‘ઈર્ષ્યા થાય છે ને ?’’ અલયે અભયને પૂછ્‌યું હતું અને ત્રણેય જણા ખૂલીને હસ્યા હતા. આ ઘરમાં ઘણા લાંબા સમયે આવું હાસ્ય ગૂંજ્યું હતું !

બાલકૃષ્ણ ઠક્કર બેસીને છાપું વાંચી રહ્યા હતા.

આખી રાત જાગેલી શ્રેયાએ કોણ જાણે મનમાં શું ગાંઠ વાળી તે સવારની ચા લઈને એ જાતે જ પિતાના ઓરડામાં પહોંચી ગઈ. હજી ગઈ કાલે જ એને વસુમાએ સૂર્યકાંતના આવવાના સમાચાર આપ્યા હતા, અલયને નહીં કહેવાની તાકીદ સાથે.

શ્રેયાના મનમાં રાતભર ગડમથલ ચાલી હતી. એને રહી રહીને અનુપમાને ત્યાંથી નીકળતા અલયે જે રીતે એનો હાથ પકડ્યો હતો એ પળ યાદ આવતી હતી.

શ્રેયા અને અલય અનુપમાના ઘરની બહાર નીકળ્યાં અને ઓટો માટે ઊભાં હતાં ત્યારે અલયથી શ્રેયાનો હાથ પકડાઈ ગયો. આંગળીઓમાં આંગળીઓ નાખીને એણે શ્રેયાનો હાથ એવી રીતે પકડ્યો અને દબાવ્યો, જાણે બે હથેળીઓને એકાકાર કરી નાખવા ઇચ્છતો હોય.

‘‘શ્રેયા, જિંદગીના કોઈ વળાંકે આ હાથ છોડતી નહીં. મને રહી રહીને સમજાયું છે કે હું તારા વિના અધૂરો છું.’’

શ્રેયાથી અલય સામે જોવાઈ ગયું હતું, અલયે આજ સુધી ક્યારેય આમ ખૂલીને એના પ્રેમનો એકરાર નહોતો કર્યો. ‘આઈ લવ યુ’ કહેવું અલય માટે જાણે કોઈ પહાડ ચડવા જેવી બાબત હતી. એ હંમેશાં એક જ દલીલ કરતો, ‘‘તને ખબર છે ને ? પછી કહેવાનું શું ?’’

ક્યારેક શ્રેયા ફરિયાદ કરે કે છંછેડાય ત્યારે અલયને કહેતી, ‘‘હું જેટલો પ્રેમ કરું છું એટલો પ્રેમ તું નથી કરતો.’’

‘‘એ તો સમય આવ્યે સમજાશે.’’ અલય શ્રેયાની આંખોમાં જોઈને કહેતો, ‘‘પ્રેમ કહેવાની નહીં, કરવાની વસ્તુ છે.’’

આજે અલયે જ્યારે શ્રેયાનો હાથ પકડ્યો ત્યારે આટલાં વર્ષોમાં નહીં કહેલાં બધાં જ ‘આઈ લવ યુ’ શ્રેયાને એકસામટાં સંભળાયાં હતાં. અલયે જે રીતે એને કહ્યું કે તારા વિના હું અધૂરો છું એ સાંભળીને શ્રેયાને લાગ્યું હતું કે હવે અહીં જ જીવ નીકળી જાય તોય વાંધો નથી ! જે ઝંખ્યું હતું આટલાં વર્ષો એ આ એક જ પળમાં સાક્ષાત થઈને મળ્યું હતું, શ્રેયાને!

‘‘અલય, તું મારા વિના અધૂરો હોઈશ, પણ તારા વિના તો મારું અસ્તિત્વ જ નથી... હું તો તારા શ્વાસે શ્વાસ લઉં છું...’’ જરાય શરમ રાખ્યા વિના ભરરસ્તા પર શ્રેયાએ અલયને બે હાથે પકડી લીધો હતો, ‘‘કોઈ કંઈ પણ કહે અલય, મારે તારી સાથે જીવવું છે. વહેલી સવારે તારા પડખામાં આંખો ઉઘાડવી છે... તારાં સંતાનોની મા બનવું છે, તને ગરમ ગરમ રોટલી જમાડવી છે. તારી સફળતામાં તારી પાછળ અને તારી નિષ્ફળતામાં-નિરાશામાં તારી જોડાજોડ ઊભા રહેવું છે... તું મોડો આવે ત્યારે ઝઘડવું છે, રિસાવું છે, તું મનાવે ત્યારે મનાઈ જવું છે અને રોજ તને ઢગલાબંધ વહાલ કરવું છે...’’

‘‘આ બધું મને નહીં, બાલકૃષ્ણને કહે.’’ અલય હસ્યો હતો.

‘‘કહ્યું જ છે, અને ફરી કહીશ...’’ શ્રેયાએ ભરરસ્તે અલયને બાવડામાંથી પકડીને પોતાની તરફ ફેરવ્યો હતો. આંખો ઊંચી કરીને એની આંખોમાં જોયું હતું, ‘‘મેં તારી આટલાં વર્ષો રાહ જોઈ છે. તું થોડા દિવસ, થોડાં અઠવાડિયાં કે કદાચ થોડા મહિના મારી રાહ નહીં જુએ અલય ?’’

આ સવાલમાં લાગણીની એવી તો છાલક હતી કે અલયે રસ્તાની વચ્ચોવચ શ્રેયાને ખેંચીને છાતીસરસી ચાંપી હતી. એક રિક્ષાના હોર્નથી ચોંકેલાં બંને જણા એકબીજાની સામે જોઈને હસી પડ્યા હતા.

હમણાં બાલકૃષ્ણ ઠક્કરની સામે ઊભેલી શ્રેયાના ચહેરા પર રિક્ષાનો એ હોર્ન અને બંને જણનું ગાંડપણ યાદ આવતાં શ્રેયાના ચહેરા પર ફરી સ્મિત આવી ગયું.

‘‘જય શ્રીકૃષ્ણ બેટા...’’ છાપું ખસેડતા બાલકૃષ્ણ ઠક્કરે કહ્યું.

‘‘જય શ્રીકૃષ્ણ પપ્પા...’’ ચા મૂકીને શ્રેયા એમની બિલકુલ બાજુમાં બેસી ગઈ. હજી થોડા જ કલાકો પહેલાં થયેલી ચણભણ પછી શ્રેયાના આ વર્તનથી ઠક્કર સાહેબને જરા નવાઈ લાગી. પણ એ કશું બોલ્યા નહીં.

‘‘પપ્પા, આજે અલયની ફિલ્મનું પ્રીમિયર છે.’’

‘‘મારે એની કોઈ વાત નથી સાંભળવી.’’

‘‘હું ઇચ્છું છું કે તમે મારી સાથે આવો.’’ બાલકૃષ્ણ ઠક્કર દીકરીની હિંમત જોઈ રહ્યા.

‘‘જો, મને એ નાટક-ચેટક અને ફિલમવાળાઓ ઉપર વિશ્વાસ પણ નથી અને એમના માટે માન પણ નથી...’’ એમણે ફરી છાપું હાથમાં લીધું.

શ્રેયાએ છાપું લઈને ત્રીજું પાનું ખોલ્યું, ‘‘આમાં... તમે જે વાંચો છો એમાં પણ એના વિશે છપાયું છે.’’

‘‘એમાં દાઉદ વિશે પણ છપાયું છે.’’

‘‘પપ્પા, તમે આખી જિંદગી મારે માટે જીવ્યા, નહીં ?’’ શ્રેયાએ છાપું સાઇડમાં મૂકીને બાલકૃષ્ણ ઠક્કરની છાતી પર માથું મૂકી દીધું. ઠક્કર સાહેબનો હાથ અનાયાસે દીકરીના વાળમાં ફરવા માંડ્યો.

‘‘તને કોઈ શંકા છે બેટા ?’’

‘‘પપ્પા, તમે તમારી દીકરી માટે જે કંઈ કર્યું એને એક ઇન્વેસ્ટમેન્ટ માનીને આજે તમે એનું વ્યાજ સહિત રિટર્ન માગો છો ?’’ ઠક્કર સાહેબનો હાથ ફરતો અટકી ગયો.

‘‘પપ્પા, હું તો તમારી દીકરી છું, તમારું લોહી... તમને ખૂબ ચાહું છું. એટલે તમારી અને અલય વચ્ચે પસંદગી કરવાની આવશે તો સ્વાભાવિક રીતે હું તમને જ પસંદ કરીશ.’’ ઠક્કર સાહેબ જાણે પોરસાયા હોય એમ એમણે શ્રેયાની પીઠ થાબડી, ‘‘પણ પપ્પા, હું આખી જિંદગી તમારી સાથે રહીશ એ તમને પોસાશે ?’’

‘‘કેમ ? લોહાણાની ન્યાતમા ંછોકરા ખૂટી પડ્યા છે કે તારા બાપના ઘૂંટણમાં તાકત ખૂટી છે, છોકરા શોધવાની ?’’

‘‘તમને શું લાગે છે ? કોઈ એક માણસને આટલું બધું ચાહ્યા પછી હું કોઈ બીજા સાથે સંસાર માંડી શકીશ ? એની સાથે એના પડખામાં સૂઈશ ત્યારે મને અલયના શ્વાસની સુગંધ નહીં આવે એમ માનો છો?’’

ઠક્કર સાહેબ સાવ ચૂપચાપ, અન્યમનસ્ક થઈ ગયા. શ્રેયાએ બોલવાનું ચાલુ રાખ્યું, ‘‘ઈશ્વરને માથે રાખીને કહેજો પપ્પા, તમારી દીકરી કોઈ બીજાની સાથે અને જાત સાથે છેતરપિંડી કરે એવું તમે ખરેખર ઇચ્છો છો ? હું નાની હતી ત્યારે તમે મને વારેવારે બાપકર્મી અને આપકર્મીની વાર્તા કહેતા... તમે જ મને આપકર્મી ઘડી છે પપ્પા!’’

ઠક્કર સાહેબની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં. ગઈ કાલ સુધી ફ્રોક પહેરીને ચોકલેટ, ઢીંગલી કે રમકડાં માટે પગ પછાડતી એમની દીકરી આજે કેટલી બુદ્ધિશાળી દલીલો કરતી હતી, અને એ પણ કેટલી લાગણીથી ?

‘‘પપ્પા, તમે તો ઈશ્વરમાં માનો છો. નસીબમાં, કુંડળીમાં, ગ્રહોમાં માનો છો... તમને નથી લાગતું કે મને ને અલયને ઈશ્વરે જ ભેગા કર્યા હશે ? મારી રાહ જોવાની ધીરજથી અકળાઈને ઈશ્વરે એને સફળતા આપી હશે ? અમારા પ્રેમને કસોટીએ ચડાવી ચડાવીને થાક્યા પછી ઈશ્વરે જ અમને સહજીવનની પરવાનગી આપી હશે, કદાચ...’’ એણે ઊંચું જોયું. વહાલથી ઠક્કર સાહેબના ચહેરા પર હાથ મૂક્યો, ‘‘પપ્પા, હું તમને દોષ નહીં દઉં... ને તમે પણ શા માટે આ આરોપ તમારા માથે લો છો ? અમારા નસીબમાં જો જોડે જીવવાનું લખ્યું હશે તો જીવીશું, અને નહીં તો ઝૂરતા ઝૂરતાયે ક્યાં જીવાતું નથી ?’’

‘‘બેટા !’’ ઠક્કર સાહેબ ફક્ત એટલું જ બોલી શક્યા.

‘‘પપ્પા, તમે હા પાડો એમ નથી કહેતી, પણ ના ન પાડો એટલી વિનંતી જરૂર કરું છું અને હા, મારી વિનંતી તમારે માનવી જ એવું જરૂરી નથી. પણ પપ્પા, સામે એક નાનકડી વાત મારે તમને કહેવી છે. હું અલયને નહીં પરણું તો કોઈને ક્યારેય નહીં પરણું...’’

એ પછી બાપ-દીકરી ક્યાંય સુધી મૌન બેસી રહ્યાં. બેમાંથી કોઈ કશુંયે ના બોલી શકે એવી વેદના બંનેની આરપાર પસાર થઈ ગઈ હતી, થઈ રહી હતી !

સૂર્યકાંતની આંખો બંધ હતી, પણ એમનું મન મુંબઈની સડકો ઉપર થઈને શ્રીજી વિલા પહોંચી ગયું હતું.

એ રાહ જોઈ રહ્યા હતા એ પળની, જ્યારે એરપોર્ટ ઉપર અભય, વૈભવી, કદાચ અલય અને વસુને એ જોઈ શકે...

વિચારોમાં ને વિચારોમાં એમણે ક્યારે જમી લીધું, ક્યારે ઊંઘ આવી ગઈ અને ક્યારે મુંબઈ આવી ગયું એની એમને પોતાને જ ખબર ના પડી.

છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોટર્ પર લેન્ડ થતી એમની ફ્લાઇટનાં પૈડાંની ઘરઘરાટી સાંભળીને એમની આંખ ઊઘડી.

જાણે રોમ રોમ ઊભાં થઈ ગયાં હતાં. સોળ વર્ષના છોકરાને થાય એવી લાગણી થઈ રહી હતી, સૂર્યકાંતને !

‘‘આ શું થાય છે ?’’ એમણે પોતાની જાતને જ પૂછ્‌યું, ‘‘આ ઉંમરે...’’ એક સ્મિત આવી ગયું એમના ચહેરા પર. નાનકડો હેન્ડ લગેજ લઈને એ વિમાનની સીડી ઊતર્યા અને વોક થ્રૂ ચેનલમાંથી બહાર નીકળ્યા ત્યારે વસુમા સામે જ ઊભાં હતાં.

લીંબુની છાલ જેવા આછા પીળા રંગની કલકત્તી સાડી પહેરીને વસુમા ઊભાં હતાં. એ જ ઠસ્સો. એ જ સૌંદર્ય. એ જ ખભા પર ઝૂકી આવેલો અંબોડો અને કપાળ પર લાલચટ્ટક ચાંલ્લો. ગળામાં મંગળસૂત્ર અને સફેદ રંગનો કોણી સુધીનો વ્યવસ્થિત સિવાયેલો બાંય પર લેસ મૂકેલો બ્લાઉઝ...

એમની પાછળ જ અભય અને વૈભવી ઊભા હતાં, પણ સૂર્યકાંતને જાણે આખું એરપોર્ટ ડિફ્યુઝ થઈ જતું લાગ્યું. એક માત્ર વસુમા સિવાયનું બધું જ દૃશ્ય તદ્દન ઝાંખું થઈ ગયું એમની નજર સામે.

એ આગળ વધ્યા.

વસુમા પણ એક ડગલું આગળ આવ્યાં.

સૂર્યકાંતે આગળ વધીને વસુમાને આશ્લેષમાં લઈ લીધાં. કોઈ કંઈ સમજે એ પહેલાં સૂર્યકાંતે હેન્ડ લગેજ નીચે મૂકીને એમને બેય હાથે બાથમાં લઈ લીધા હતા.

‘‘આઇ મિસ્ડ યુ વસુ.’’ સૂર્યકાંતે લાગણીથી છલકાતા અવાજે કહ્યું. એમના અવાજમાં એક ભીનાશ, એક સચ્ચાઈનો રણકો હતો, ‘‘જોને, હું રહી જ ના શક્યો તારા વિના... દોડી આવ્યો તારી પાસે. બધું છોડીને !’’

સૂર્યકાંતને ભેટેલાં વસુમા જાણે જિંદગીના પચીસ વર્ષે રોમરોમ ભીંજાઈ રહ્યાં હતાં. એમની આંખોમાં પાણી આવી ગયું હતું. કદાચ એમને ખબર નહોતી, પણ પેલી તરફ ઊભેલાં અભય અને વૈભવીએ પણ વહાલ અને વિયોગના વરસાદથી રેલાતી સૂર્યકાંતની આંખો જોઈ લીધી.

(ક્રમશઃ)

રેટ કરો અને રિવ્યુ આપો

Jigneshkumar Suryakant Dabhi

Jigneshkumar Suryakant Dabhi 4 અઠવાડિયા પહેલા

Vinod Bhai  Patel

Vinod Bhai Patel 5 માસ પહેલા

Nisha Parmar

Nisha Parmar 7 માસ પહેલા

MUNESH SHAH

MUNESH SHAH 9 માસ પહેલા

Dolar Patel

Dolar Patel 10 માસ પહેલા